‘ગબ્બર’ તરીકે ઓળખાતા અલ્પેશ કથિરિયાએ 'આપ'માંથી રાજીનામું કેમ આપ્યું? તેમણે શું કહ્યું?

ઇમેજ સ્રોત, @OfficialAlpesh / Aam Aadmi Parti Gujarat Facebook
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
લોકસભાની ચૂંટણી ટાણે જ આમ આદમી પાર્ટીને ઝાટકો લાગ્યો છે. આપ તરફથી સુરતમાંથી 2022માં વિધાનસભાની ચૂંટણી લડનારા નેતાઓ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. બંનેએ કારણ આગળ ધરતાં કહ્યું કે સામાજિક કાર્ય પર ધ્યાન આપવા માટે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીને આપેલા રાજીનામામાં અલ્પેશે લખ્યું છે, “સવિનય જય ભારત સાથે જણાવવાનું કે હું અલ્પેશ કથિરિયા, આમ આદમી પાર્ટીની તમામ જવાબદારીમાંથી મુક્ત થાઉં છું અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી પણ તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું. આ રાજીનામું સ્વીકારવા નમ્ર વિનંતી છે.”
આપના કેટલાક નેતાઓ તેમને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ કેટલાક નેતાઓ કહે છે કે તેઓ પક્ષમાં સક્રિય નહોતા તેથી તેમના જવાથી પાર્ટીને કોઈ ફરક પડતો નથી.
આપના કેટલાક નેતાઓએ બંને પર આરોપ મૂકતા કહ્યું છે કે તેમણે ચૂંટણી આવતા માત્ર ટિકિટ માટે આપ પાર્ટીમાં જોડાયા હતા અને ચૂંટણી પૂર્ણ થતા પાર્ટીમાં નિષ્ક્રિય થઈ ગયા હતા.
ભાજપે તેની પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ આમ આદમી પાર્ટીનો આંતરિક મામલો છે. જ્યારે કૉંગ્રેસે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું છે કે સુરતમાં ઇન્ડિયા ગઠબંધનને તેમના જવાથી કોઈ અસર નહીં થાય.
અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા બંને એક સમયે પાટીદાર અનામત આંદોલનના ચહેરા હતા.
જાણકારો કહે છે કે ભલે હાલમાં તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાવાની ના પાડતા હોય, પરંતુ ભવિષ્યમાં તેઓ દ્વારા ભાજપમાં જોડાવાની શક્યતા નકારી શકાય નહીં.

ઇમેજ સ્રોત, @Dharmikmalaviya
જાણકારો એમ પણ કહે છે કે ચૂંટણી સમયે જે આ નિર્ણય આવ્યો છે તે બતાવે છે કે આમ આદમી પાર્ટીમાં બધું ઠીકઠાક નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે, આ મામલે બંને નેતાઓ હાલ કોઈ ફોડ પાડવાના મૂડમાં નથી પણ તેમના સાથીઓ કહે છે કે અલ્પેશ અને ધાર્મિક જે પાર્ટીમાં જશે તે પાર્ટીમાં તેઓ તેમની સાથે જોડાશે.
અલ્પેશ અને ધાર્મિક બંને ખાસ મિત્રો છે. બંનેએ સાથે પાટીદાર અનામત આંદોલનમાં ભાગ લીધો. બંને આપની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી સાથે લડ્યા હતા. અલ્પેશ વરાછા ખાતેથી લડ્યા હતા અને ધાર્મિક ઓલપાડ ખાતેથી ચૂંટણી લડ્યા હતા.
બીબીસી સહયોગી રૂપેશ સોનાવણે જણાવે છે, “બંનેએ સાથે જ લગ્ન કર્યાં હતાં. તેમણે એક સમૂહ લગ્નમાં એક મંડપ નીચે જ લગ્નવિધિ સંપન્ન કરી હતી. હવે બંનેએ રાજીનામું પણ સાથે જ આપ્યું છે. આવનારા દિવસોમાં તેઓ જે પણ નિર્ણય લેશે તેમાં પણ તેઓ સાથે જ હશે.”
આ બંને નેતાના જવાને કારણે સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો પડ્યો છે.
2021માં થયેલી સુરત મહાનગરપાલિકામાં આપના 27 કૉર્પોરેટરો ચૂંટાયા હતા. હાલ તેમની સંખ્યા ઘટીને 15 થઈ ગઈ છે. કારણકે બાકીના કૉર્પોરેટરો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.
તેથી જાણકારો કહે છે કે કદાચ તેમના પગલે આ બંને નેતાઓ પણ ભાજપમાં જોડાઈ શકે છે. જોકે આ બંને નેતા હાલ કોઈ અન્ય પાર્ટીમાં જોડાવાનો ઇનકાર કરે છે.
રાજીનામાં વિશે અલ્પેશ અને ધાર્મિક શું બોલ્યા?

અલ્પેશ કથિરિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં રાજીનામું આપ્યું હોવાની કબૂલાત કરી છે. કારણ આપતા તેમણે કહ્યું, “વિધાનસભાની ચૂંટણી બાદ તેઓ પાર્ટીમાં સાવ નિષ્ક્રિય હતા અને તેથી તેઓ પાર્ટીમાં કોઈ કામ ન કરી શકવાને કારણે ગ્લાની અનુભવતા હતા. અમે હવે સામાજિક પ્રવૃત્તિઓમાં ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ અને સામાજિક જવાબદારીઓને કારણે અમે રાજીનામું આપીએ છીએ.”
બીબીસી ગુજરાતીએ તેમને પૂછ્યું કે શું તેઓ ભવિષ્યમાં કોઈ અન્ય પક્ષ સાથે જોડાવાના છો?
તો તેમનો જવાબ હતો, “હાલ એવી કોઈ ચર્ચા નથી, અમારે આવનારા દિવસોમાં સામાજિક કામો કરવાં છે અને તેને કારણે જ મેં રાજીનામું આપ્યું છે.”
અમે તેમને એમ પણ પૂછ્યું કે, તેમના દ્વારા આપ છોડવા પાછળ કોઈનું દબાણ છે?
તેમનો જવાબ હતો, “ના. કોઈ દબાણ નથી.”
અમે તેમને એમ પણ પૂછ્યું કે તમારી સામે જે કેસો થયેલા છે તેને કારણે કોઈ દબાણ છે?
તેમણે ફરી જવાબમાં નનૈયો ભણ્યો.
અમે તેમને એમ પણ પૂછ્યું કે ચૂંટણી ટાણે તમે એ પાર્ટીને છોડીને જાવો છો જે પાર્ટીએ તેમને પ્લૅટફૉર્મ પૂરું પાડ્યું?
જવાબમાં તેમણે કહ્યું, “પાર્ટી માટે એ કોઈ ઝાટકો નથી, પાર્ટીએ અમારું સન્માન કર્યું તે બદલ અમે તેના આભારી છીએ. પણ અમે વિધાનસભાની ચૂંટણી બાદ સક્રિય જ નહોતા. તેથી સક્રિય ન હોવાને કારણે પાર્ટીને તેનો કોઈ લાભ મળતો નથી અને તેથી રાજીનામું આપ્યું છે.”
અમે ધાર્મિક માલવિયા સાથે પણ વાતચીત કરી. બીબીસી સાથેની ખાસ વાતચીતમાં ધાર્મિકે કહ્યું, “મારી જગ્યાએ પાર્ટી કોઈ સારા યુવાનોને તક આપે અને તેમને માટે જગ્યા કરવા માટે મેં રાજીનામું આપ્યું છે કારણકે સામાજિક જવાબદારીને કારણે પાર્ટીમાં મારું પ્રદાન કરી શકું તેમ નથી.”
અમે તેમને પણ પૂછ્યું કે ભવિષ્યમાં તેમની રણનીતિ શું રહેશે?
જવાબમાં તેમણે કહ્યું, “જ્યારે અમે આપમાં જોડાયા હતા ત્યારે પણ અમે અમારી ટીમ સાથે ચર્ચા કરી હતી. હવે જો ભવિષ્યમાં કોઈ પણ પક્ષમાં જોડાવાનું થશે તે પહેલાં અમે અમારી ટીમ સાથે ચર્ચા કરીશું અને જે ટીમ નિર્ણય લે તે પ્રમાણે અનુસરણ કરીશું.”
તેમણે પણ તેમના પર કોઈ દબાણ હોવાનો ઇનકાર કર્યો. ધાર્મિકનાં પત્ની પણ હાલ સુરત મહાનગરપાલિકામાં 'આપ'માંથી કૉર્પોરેટરપદે ચૂંટાયેલાં છે. તેઓ હવે શું કરશે તેનો ફોડ તેમણે પાડ્યો નથી.
જોકે તેમના સાથીઓ કહે છે કે અલ્પેશ અને ધાર્મિક હવે પછી જે નિર્ણય લેશે તેઓ તેમની સાથે રહેશે.
એક સમયે પાટીદાર આંદોલનમાં સામેલ અને પાસના કાર્યકર્તા હિતેશ જાસોલિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “અલ્પેશ અને ધાર્મિક એમ બંને જે પાર્ટીમાં જશે અમે તેમની સાથે કામ કરીશું.”
શું કહે છે આપ, ભાજપ અને કૉંગ્રેસ?

આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, “તેમણે સામાજિક કામ કરવાનું કારણ ધરીને પક્ષમાં કામ કરવાની અનિચ્છા દર્શાવી છે. અમે તેમનું સન્માન કરીએ છીએ. મારી તેમની સાથે ચર્ચા થઈ છે અને તેમને કોઈ મનદુખ નથી. અમે તેમને રાજીનામું પાછું ખેંચી લેવા માટે સમજાવવાની કોશિશ કરી રહ્યા છીએ.”
અમે તેમને પૂછ્યું કે શું તેઓ કોઈ અન્ય પાર્ટીમાં જવાના છે?
જવાબમાં મનોજ સોરઠિયાએ કહ્યું, “મારી પાસે તેવી કોઈ જાણકારી નથી.”
બીજી તરફ આપના પ્રદેશ પ્રવક્તા ડૉ. કરણ બારોટે બંનેની ટીકા કરતા કહ્યું, “તેમણે માત્ર ચૂંટણીટાણે પક્ષમાં આવીને પક્ષની ટિકિટ પર ચૂંટણી લડવા સિવાય કોઈ કામ નથી કર્યું. વિધાનસભાની ચૂંટણીમાં તેઓ બંને હાર્યા ત્યારબાદ અમે અલ્પેશને પાર્ટીના કાર્યકારી પ્રમુખ બનાવ્યા પણ તેમણે કોઈ સમારંભમાં, કોઈ રેલીમાં કે કોઈપણ કાર્યક્રમમાં તેમણે ભાગ નહોતો લીધો.”
“જે લોકો પાર્ટીના કોઈ કાર્યક્રમમાં ભાગ જ ન લેતા હોય તેવા લોકોના પક્ષ છોડવાથી શો ફરક પડે છે?”
તેઓ વધુમાં જણાવે છે, “પાર્ટીના કોઈ કાર્યક્રમમાં ભાગ ન લેવાને કારણે અમને પહેલાંથી જ લાગતું હતું કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે.”
ભાજપ આ મામલે વધારે પ્રતિક્રિયા આપવાના મૂડમાં નથી.
સુરત ખાતેના ભાજપના નેતા નિરંજન ઝાંઝમેરા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “મેં તેમનાં રાજીનામાંના સમાચાર મીડિયા મારફતે જાણ્યા. આ આમ આદમી પાર્ટીનો આંતરિક મામલો છે અને તેમાં મારું બોલવું ઉચિત નથી. પણ પાર્ટીનો કોઈ કાર્યકર્તા કે પરિવારનો કોઈ સભ્ય જાય ત્યારે ઝાટકો તો લાગે જ છે.”
તેઓ ભાજપમાં જોડાઈ શકે? તેવા પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું, “પક્ષ છોડ્યો એ તેમનો અંગત વિષય છે અને તેઓ ભાજપમાં જોડાવાના છે કે નહીં તેની મારી પાસે કોઈ જાણકારી નથી.”
તો કૉંગ્રેસ કહે છે કે આ બંને નેતાના જવાને કારણે ઇન્ડિયા ગઠબંધનને કોઈ અસર નહીં થાય.
સુરત કૉંગ્રેસના નેતા અસલમ સાઇકલવાલા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “તેઓ માત્ર પાટીદાર આંદોલનના ચહેરા હતા. આપમાં તેમની કોઈ જ સક્રિયતા નહોતી. વિધાનસભાની ચૂંટણીમાં બને હારી ગયા હતા. એટલે સમાજે તેમને સ્વીકાર્યા નહોતા. તેમના મિત્ર હાર્દિક ભાજપમાં છે એટલે તેઓ તેમાં જોડાશે તેવી પૂરેપૂરી સંભાવના છે.”
તેમણે ઉમેર્યું કે “તેમના જવાને કારણે નવા યુવાનોને જવાબદારી મળશે તેનાથી પક્ષને ફાયદો થશે.”
આ મામલે બીબીસીએ આપના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી, પૂર્વ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા તથા ભાજપના વિરમગામના ધારાસભ્ય અને ભૂતકાળમાં પાટીદાર અનામત આંદોલનમાં અલ્પેશ કથિરિયા તથા ધાર્મિક માલવિયાના સાથી રહેલા હાર્દિક પટેલનો સંપર્ક કરવાના પ્રયાસ કર્યા હતા. જોકે તેમના તરફથી કોઈ પ્રતિભાવ મળ્યા નથી.
શું કહે છે જાણકારો?

ઇમેજ સ્રોત, @OfficialAlpesh
જાણકારો કહે છે કે આ બંને નેતાઓ ખોડલધામ ટ્રસ્ટ માટે જેટલા સક્રિયા છે તેટલા આપ માટે નહોતા.
જાણકારો કહે છે કે આપની નેતાગીરીએ આ પહેલાં આ ચૂંટણીમાં સક્રિયતા નહોતા બતાવતા એવા નેતાઓને ચેતવણી આપી જ હતી.
પાર્ટી આવનારા દિવસોમાં નવું માળખું જાહેર કરવાની હતી. નિષ્ક્રિય નેતાઓને હોદ્દા પરથી દૂર કરવાની હતી અને તેથી આ બંને નેતાઓએ રાજીનામું આપ્યું છે.
સુરત ખાતેથી પ્રકાશિત થતા દૈનિક ધબકારના તંત્રી નરેશ વારિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “મને આમ આદમી પાર્ટીના એક નેતાએ (જેનું નામ છૂપું રાખવામાં આવ્યું છે) એક પ્રેસનોટ મોકલી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે 15મી તારીખે આપની કોર કમિટીની એક બેઠક મળી હતી અને તેમાં નિષ્ક્રિય નેતાઓને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી. ચૂંટણી બાદ નવું માળખું બનાવવાની વાત પણ તેમાં થઈ હતી. ત્યારબાદ આ નેતાઓના રાજીનામાં પડ્યાં છે.”
નરેશ વારિયા વધુમાં કહે છે, “જે પ્રકારે હાલમાં રાજનીતિનો પ્રવાહ ચાલે છે તે જોતા લાગે છે કે કદાચ તેમનું ભાજપમાં જોડાવાનું આયોજન હોઈ શકે. પણ તેમણે કોઈ ફોડ પાડ્યો નથી ન ભાજપે આ મામલે કંઈ કહ્યું છે.”
નરેશ વારિયા આમ આદમી પાર્ટીમાં ચાલતી ગરબડ પર પ્રકાશ પાડતા કહે છે, “તેઓ વિધાનસભાની ચૂંટણી બાદ સક્રિય નહોતા. તેઓ નિષ્ક્રિય હોવાં છતાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે જે 40 નેતાઓને સ્ટાર પ્રચારક બનાવ્યા હતા તેમાં અલ્પેશ કથિરિયાનું નામ હતું. હવે તેમણે જ રાજીનામું આપી દીધું છે.”
કોણ છે અલ્પેશ કથિરિયા?

ઇમેજ સ્રોત, HARDIK PATEL FB
જ્યારે ગુજરાતમાં પાટીદારોના અનામત માટે આંદોલન થયું ત્યારે તેઓ એ આંદોલનનો ચહેરો હતા.
પાટીદાર આંદોલનમાં તેઓ પાસના કન્વીનર હતા. તેમના સમર્થકો તેમને ‘ગબ્બર’ તરીકે ઓળખતા હતા.
તેમના પર રાજદ્રોહ, જાહેરનામાનો ભંગ અને પરવાનગી વગર કાર્યક્રમ આપવા જેવા ગુનામાં અંદાજે 15 જેટલા કેસો થયા છે. તેમને અલગ અલગ કેસોમાં જેલ પણ થઈ હતી.
તેમણે કુલ 13 મહિનાથી વધારે સમય જેલમાં ગાળ્યો. પહેલીવાર જ્યારે 2017માં રાજદ્રોહના કેસમાં તેમને લાજપોર જેલમાં સાડા ત્રણ મહિના સુધી રાખવામાં આવ્યા હતા, બીજી વખત પણ રાજદ્રોહના કેસમાં ચાર મહિનાની જેલ થઈ.
પછી એટ્રોસિટીના કેસમાં તેમને 6 મહિનાની જેલ થઈ હતી. જ્યારે તેઓ જેલમાંથી જામીન પર છૂટ્યા ત્યારે હાર્દિક પટેલ તેમને આવકારવા આવ્યા હતા.
હાર્દિક પટેલ જ્યારે કૉંગ્રેસમાં જોડાયા ત્યારે અલ્પેશ અને ધાર્મિક તેમની સાથે પક્ષમાં નહોતા જોડાયા. પરંતુ ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને 2022માં સુરતના વરાછા વિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા.
તેમની સામે ભાજપના નેતા કુમાર કાનાણી હતા. જાણકારો કહે છે કે અલ્પેશનું તે વખતે જોર એટલું હતું કે તેમને કાઉન્ટર કરવા માટે ભાજપે યુપીના મુખ્ય મંત્રી આદિત્યનાથ યોગીની સભા કરાવડાવી પડી હતી.
જોકે વિધાનસભાની એ ચૂંટણીમાં તેઓ કુમાર કાનાણી સામે હાર્યા હતા. હાર્યા બાદ આમ આદમી પાર્ટીએ તેમને સુરત અને વડોદરા વિસ્તારના કાર્યકારી પ્રમુખ પણ બનાવ્યા હતા.
અમરેલી જિલ્લાના ભઓરા બાંખરવાલા ગામમાં તેમનો જન્મ 25-15-1993માં થયો હતો.
30 વર્ષથી તેઓ સુરતમાં જ રહે છે. તેમણે સુરતમાંથી જ બીએ, એલએલબી અને એલએલએમની ડિગ્રી મેળવી.
નવાઈની વાત એ છે કે તેમણે જેમની સાથે લગ્ન કર્યા છે તે કાવ્યા પટેલ એક સમયે ભાજપનાં નેતા હતાં. કાવ્યા કનકપુર કનસાડ નગરપાલિકામાંથી 2015થી લઈને 2020 સુધી ભાજપનાં કોર્પોરેટર હતાં અને તેઓ કનકપુર કનસાડ નગરપાલિકામાં ઉપપ્રમુખનો હોદ્દો પણ સંભાળી ચૂક્યાં છે. હાલ આ કનકપુર કનસાડ નગરપાલિકા એ સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ઠ થઈ ગઈ છે. પણ પહેલાં તે અલગ અસ્તિત્વ ધરાવતી હતી.
કાવ્યા સાથે અલ્પેશનાં લગ્ન ફેબ્રુઆરી 2023માં થયાં હતાં.
અલ્પેશના પિતા હીરાના વ્યવસાયમાં જોડાયેલા છે અને અલ્પેશ વકીલ તરીકે પ્રૅક્ટિસ કરે છે.
તેઓ અનેક સામાજિક સંગઠનો સાથે જોડાયેલા છે. તેઓ ખોડલધામ, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, નેશનલ યુવા સંગઠન અને અન્ય બીજી કેટલીક સંસ્થાઓમાં જોડાયેલા છે.












