બૂથ લેવલ ઑફિસર: ભારતની ચૂંટણી પ્રક્રિયા જેમના પર ટકેલી છે એ અધિકારીઓ કઈ રીતે કામ કરે છે?

ઇમેજ સ્રોત, JIGNESH SANCHANIYA
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય, ચૂંટણી પહેલાં તમારું નામ મતદારયાદીમાં સમાવિષ્ટ થાય, તેમાં કોઈ ભૂલ ન રહે અને એક નાગરિક તરીકે તમારો મતદાનનો અધિકાર જળવાઈ રહે તેના માટે જો કોઈ એક વ્યક્તિ સતત પ્રયત્નો કરતી હોય તો એ છે- બૂથ લેવલ ઑફિસર (બીએલઓ).
મતદારયાદીમાં તમારું નામ ઉમેરવા, બાદ કરવા, ભૂલો સુધારવા કે પછી ચૂંટણી અગાઉ તમારા ઘરે મતદારકાપલી પહોંચાડવી વગેરે જેવાં અનેક કામ ‘બીએલઓ’ કરે છે. મતદાનના દિવસે પણ એ સામાન્ય રીતે મતદાનમથક પર લોકોની મદદ કરતા જોવા મળે છે.
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારના કહ્યા અનુસાર, 2024ની લોકસભા ચૂંટણી માટે સમગ્ર દેશમાં 10.5 લાખ મતદાનમથક ઊભા કરવામાં આવ્યાં છે. દરેક બૂથ દીઠ એક બીએલઓ ગણવામાં આવે તો અંદાજે દસ લાખથી વધુ ‘બીએલઓ’ આ લોકસભા ચૂંટણીને સફળ બનાવવા માટે કામ કરી રહ્યા છે.
ભારતનું ચૂંટણીપંચ ચૂંટણીની જાહેરાત કરે તે પહેલાં જ મતદારયાદીમાં નવા મતદારોનો ઉમેરો, ભૂલ સુધારણા વગેરે જેવી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ જાય છે. એટલે કે લોકસભા ચૂંટણીની તૈયારીનો પહેલો તબક્કો પૂર્ણ થઈ ગયો છે જેની પાછળ મુખ્યત્વે ‘બીએલઓ’નો ફાળો રહેલો છે.
પરંતુ મતદારયાદીમાં નામ સુધારવા અને કમી કરવા જેવા કામ સિવાય બીએલઓ અન્ય કેવાં કેવાં કામ કરે છે? શું તેમનું કામ આટલે સુધી જ સીમિત છે? બે ચૂંટણી વચ્ચેના સમયગાળામાં તેઓ સતત શું કામ કરતાં હોય છે? પોતાની મુખ્ય નોકરી સાથે આ કામ કરવાને કારણે તેમને કેવા પડકારોનો સામનો કરવો પડે છે? સમગ્ર દેશમાં ઘરેઘરે જઈને મતદારયાદી સુધારણાની કામગીરી કરતી વખતે તેમને કેવા અનુભવો થાય છે? ‘ફૂટ સૉલ્જર્સ ઑફ ડેમૉક્રસી’ તરીકે ઓળખાતા ‘બીએલઓ’ સાથે બીબીસીએ વાત કરીને તેમની કામગીરી સમજવાનો પ્રયાસ કર્યો હતો.
‘બીએલઓ’ની નિમણૂક કઈ રીતે થાય છે?

ઇમેજ સ્રોત, SATISH PARMAR
ઑગસ્ટ, 2006માં ચૂંટણીપંચે સૌપ્રથમવાર અધિકૃત રીતે ‘બીએલઓ’ ની નિમણૂક કરવાનું નક્કી કર્યું હતું. 2007માં આ પદ્ધતિને દાખલ કરવામાં આવી હતી અને પછીથી 2009ની લોકસભા અને એ પછીની વિધાનસભાની ચૂંટણીઓમાં તેમણે કામગીરી કરી હતી.
ગુજરાત રાજ્યના પૂર્વ સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી જયદીપ દ્વિવેદી આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, “ભારતનું ચૂંટણીપંચ મતદારયાદી તૈયાર કરે છે અને બંધારણથી આપણને મતદાનનો અધિકાર મળેલો છે. પરંતુ માત્ર આટલું થવાથી જ કોઈ મતદાર મત આપવા જઈ શકતો નથી. મતદારયાદીમાં સૌથી અગત્યનો રોલ ‘બીએલઓ’નો છે. લાખો ‘બીએલઓ’ કામ કરે ત્યારે આપણે મત આપી શકીએ છીએ.”
તેઓ કહે છે, “વર્ષ 1960માં જ મતદારયાદીને લગતા નવા નિયમો દાખલ કરવામાં આવ્યા હતા અને એ અંતર્ગત પ્રાથમિક શાળાના શિક્ષકો ઘરેઘરે જઈને કામ કરતા હતા. સમય જતાં ‘બીએલઓ’નો કૉન્સેપ્ટ દાખલ થયો, પ્રક્રિયાઓ ઓનલાઇન થઈ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચૂંટણી પ્રક્રિયામાં જે પ્રગતિ થઈ છે એ ટેકનૉલૉજી અને 'બીએલઓ'ને આભારી છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
‘બીએલઓ’ની નિમણૂક કરવા પાછળનું મુખ્ય કારણ ભૂલરહિત મતદારયાદી તૈયાર કરવાનું હતું. પહેલા તબક્કામાં જ ચૂંટણીપંચને તેમાં સફળતા મળી અને પછી તેમણે ફોટો ઇલેક્ટોરલ રોલ તૈયાર કરવાનું કામ પણ ‘બીએલઓ’ને સોંપ્યું.
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 13B(2) હેઠળ ‘બીએલઓ’ની નિમણૂક કરવામાં આવે છે. તેઓ સરકારી, અર્ધસરકારી અથવા તો સ્થાનિક સ્તરે કામગીરી કરતા સરકારી કર્મચારીઓ હોય છે.
‘બીએલઓ’ તરીકે શિક્ષકો, આંગણવાડી કાર્યકરો, લેખપાલ, પંચાયત સેક્રેટરી, ગ્રામીણ સ્તરે કામ કરતા કામદારો, વીજળી બિલ રીડર, ટપાલી, નર્સ, હૅલ્થ વર્કર્સ, મધ્યાહન ભોજન બનાવતા કામદારો, કૉન્ટ્રેક્ટ પર કામ કરતા શિક્ષકો, શહેરી વિસ્તારમાં વિવિધ સરકારી વિભાગોમાં કામ કરતા ક્લર્ક, કૉર્પોરેશન ટૅક્સ કલેક્ટર વગેરેની નિમણૂક થઈ શકે છે. મોટેભાગે તેમાં શિક્ષકોની નિમણૂક થાય છે.
‘બીએલઓ’ને તેમની કામગીરી માટે પ્રતિવર્ષ છ હજાર રૂપિયાનું ન્યૂનતમ ભથ્થું આપવામાં આવે છે.
‘એન અનડૉક્યુમેન્ટેડ વન્ડર: ધી મેકિંગ ઑફ ધી ગ્રેટ ઇન્ડિયન ઇલેક્શન્સ’ પુસ્તકમાં ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ડૉ. એસ.વાય.કુરેશી લખે છે: દરેક મતદાનમથક પર બૂથ લેવલ ઑફિસર્સને મૂકવા એ ચૂંટણીપંચ દ્વારા લેવામાં આવેલો શ્રેષ્ઠ નિર્ણય હતો. ખાસ કરીને, નિરક્ષર અને ઇન્ટરનેટ સુવિધાથી વંચિત મતદારોના સંદર્ભમાં આ નિર્ણય અતિશય સારો નીવડ્યો. તેમનાથી ઘરવિહોણાં અને વૃદ્ધાશ્રમમાં રહેતા મતદારોને પણ જોડી શકાયા.
દર વર્ષે ઘરેઘરે જઈને સર્વે કરવો

ઇમેજ સ્રોત, JIGNESH SANCHANIYA
ગુજરાતના દાહોદના આદિવાસી વિસ્તારમાં હાલમાં ‘બીએલઓ’ તરીકે કામ કરતા જિગ્નેશ સંચાણિયા પ્રાથમિક શાળામાં શિક્ષક છે. તેમને દાહોદ તાલુકાના ચંદવાણા ગામમાં જે બૂથની કામગીરી ફાળવવામાં આવી છે તેમાં કુલ 1000 મતદારો છે.
તેઓ કહે છે, “બીએલઓ તરીકે કામગીરી મળી ત્યારે સૌથી પહેલું કામ મને ઘરેઘરે જઈને સર્વે કરવાનું મળ્યું હતું.”
તેમના જણાવ્યા અનુસાર આ સર્વે દરે વર્ષે એકવાર કરવાનો હોય છે.
“આ કામગીરી અમારે શાળા સિવાયના કલાકોમાં કરવાની હોય છે. એટલે કે શનિવારે બપોર પછી, રવિવારે અથવા તો જાહેર રજાના દિવસે અમે આ કામગીરી કરતા હોઈએ છીએ. દાહોદમાં અંધારું પણ વહેલું થઈ જાય છે એટલા માટે શાળાના સમય બાદ વધુ સમય મળતો નથી. તેથી મોટેભાગે અમે રજાના દિવસે જ આ કામગીરી કરીએ છીએ. ક્યારેક અમે શાળામાં રિસેસના સમયે પણ નજીકમાં આવેલા ઘરોમાં જઈને કામગીરી પૂરી કરીએ છીએ.”
‘બીએલઓ’ જ્યારે ઘરેઘરે જઈને કામગીરી કરે છે ત્યારે તેમના જણાવ્યા અનુસાર અંદાજે દસ દિવસથી શરૂ કરીને એક મહિના સુધીનો સમય લાગતો હોય છે. આ સમય જે-તે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ પર પણ નિર્ભર રહે છે.
'શહેરી મતદારોનો ઓછો સહયોગ'

ઇમેજ સ્રોત, Getty Images
પ્રિયંકા કાંગરા વ્યવસાયે નર્સરી ટીચર છે અને તેઓ દિલ્હીના શાદીપુરમાં બલજીત નગર-59 વિભાગમાં ‘બીએલઓ’ તરીકે કામગીરી કરી રહ્યાં છે. તેમનાં બૂથમાં 1064 મતદારો છે.
“મારાં વિસ્તારમાં સૌથી મોટી તકલીફ લોકોનું સરનામું શોધવાની છે. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં લોકો ભાડે રહે છે. ઘણીવાર તેઓ ત્યાંથી બીજે રહેવા જતા રહે છે તો તેમનું ઘર શોધવું મુશ્કેલ પડે છે. મોટાભાગના મકાનમાલિકો એવું કહી દે છે કે પહેલાં તેઓ અહીં રહેતા હતા હવે અમને ખબર નથી. તેને કારણે કામ પૂરું થતું નથી. પહેલાં તો કોઈના મોબાઈલ નંબર પણ અમારી પાસે ન હતા એટલા માટે જો કોઈ વ્યક્તિએ સરનામું બદલ્યું હોય તો તેમનો સંપર્ક કરવો ખૂબ મુશ્કેલ હતો.”
તેઓ કહે છે કે, “જે પ્રકારનું કામ છે એ જોતા ‘બીએલઓ’ની એક અલગ જ પોસ્ટ હોવી જોઈએ. આ કોઈ પાર્ટ-ટાઇમ કામ નથી.”
“જ્યારે અમારી નિમણૂક થઈ એ પહેલાં અહીં આંગણવાડીના કાર્યકરો કામ કરી રહ્યા હતા. તેમને વિસ્તારના દરેક ઘરનાં સરનામાંની ખબર હોય છે. એવું પણ થઈ શકે કે એક હૅલ્પિંગ હૅન્ડ તરીકે અમને આંગણવાડી કાર્યકર્તાઓ આપવામાં આવે. તેનાથી અમને ખૂબ મદદ મળશે.”
બેંગલુરુની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કાર્યરત જી. એમ. રવિશંકર બેંગલુરુ દક્ષિણ વિસ્તારમાં વિભાગ-372ના એક બૂથની કામગીરી સંભાળે છે. તેમના બૂથમાં 1045 મતદારો છે.
તેઓ કહે છે,“ઘણીવાર લોકોના વર્તનને કારણે કામ કરવું મુશ્કેલ બની જાય છે. મુખ્યત્વે ઘરેઘરે જઈને જ્યારે સર્વે કરવાનો હોય ત્યારે આવી સમસ્યા થાય છે. કેટલાક લોકો તો દરવાજો જ ખોલતા નથી. આઈકાર્ડ દેખાડવા છતાં તેઓ વિશ્વાસ કરતા નથી. પરંતુ આવા લોકોની સંખ્યા બહુ ઓછી હોય છે. લોકો સહયોગ આપે તો અમારું કામ જલદી થાય.”
પ્રિયંકા કહે છે, “ઘણીવાર એ સમસ્યા પણ થાય છે કે જે વિસ્તારમાં અમારી શાળા હોય એ વિસ્તારમાં જ અમને નિમણૂક આપી દેવામાં આવે છે. અમે જ્યાં રહેતા હોઈએ એ વિસ્તારમાં અમને કામગીરી આપવામાં આવે તો વધુ સરળતા રહે. કારણ કે દિલ્હી જેવા શહેરમાં તો બીજાં રાજ્યોમાંથી પણ લોકો આવે છે અને અહીં શિક્ષક તરીકે કામ કરતા જોવા મળે છે.”
ડૉ. એસ.વાય. કુરેશી તેમના પુસ્તકમાં પણ એ વાતમાં હામી ભરે છે કે ગામડાંમાં બીએલઓ સુધી પહોંચવું સરળ હોય છે જ્યારે શહેરોમાં એ વધુ મુશ્કેલ થઈ જાય છે.
2010-13ની વચ્ચે લોકો બીએલઓને જાણે, ઓળખતા થાય તેના માટે ‘Know Your BLO’ કૅમ્પેન શરૂ કરવામાં આવ્યું હતું.
મહિલા મતદારોને જોડવામાં મોટો ફાળો

ઇમેજ સ્રોત, RUPA PUBLICATIONS
ડૉ. એસ.વાય. કુરેશી તેમના પુસ્તકમાં ભારતમાં સેક્સ રેશિયો અને મહિલાઓનો પુરુષોની સરખામણીએ ઓછા સાક્ષરતા દર તરફ આંગળી ચીંધે છે અને કહે છે, “ચૂંટણીપંચે વધુમાં વધુ મહિલા મતદારોને જોડવા માટે સમયાંતરે ઘણાં પગલાં લીધાં.”
તેઓ લખે છે, “અઢાર વર્ષથી ઉપરનો કોઈ મતદાર મતદાનના અધિકારથી વંચિત ન રહી જાય તેના માટે ચૂંટણીપંચ આંકડાકીય ગણતરીની એક વિશેષ પ્રક્રિયાને અનુસરે છે. તે સેક્સ રેશિયો, મતદારો અને કુલ વસ્તીનો ગુણોત્તર, મતદારોના વયજૂથ વિ. વસ્તીગણતરીના આંકડાઓ અને દાયકામાં થતો મતદારો અને વસ્તીનો વૃદ્ધિદર ધ્યાનમાં લઈને એ અનુમાન લગાવે છે કે જે-તે બૂથમાં કેટલા નવા મતદારો આ વર્ષે જોડાશે. આ પ્રક્રિયામાં બીએલઓ દ્વારા થતું હાઉસ-ટુ-હાઉસ વેરિફિકેશન સહાય કરે છે અને તેનાથી વધુને વધુ મતદારો જોડાય છે.”
બીએલઓ જિગ્નેશ સંચાણિયા કહે છે, “અમને કેટલા નવા મતદારો નોંધાશે તેની અંદાજિત માહિતી મળી જતી હોય છે. વિસ્તારમાં એટલા મતદારો ન નોંધાય તો ઘરે-ઘરે જઈને અમારે તેમને શોધવા પડે છે.”
ભારતીય ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડાઓ અનુસાર 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં 47.1 કરોડ મહિલા મતદારો નોંધાયાં છે.
ડૉ. કુરેશી તેમના પુસ્તકમાં નોંધે છે, “વર્ષ 2019 પ્રમાણે કુલ 8 લાખ 24 હજાર બીએલઓ હતા. જેમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ હતાં. જે વધુ મહિલા મતદારોને જોડવા માટે સૌથી અગત્યનું પરિબળ નીવડ્યું. પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોએ વધુમાં વધુ મહિલાઓને મતદારયાદીમાં સામેલ કરવા ‘બીએલઓ’ તરીકે આંગણવાડીની બહેનોનો સહારો લીધો હતો.”
'મહિલા બીએલઓ' તરીકે કામ કરવું પણ પડકારજનક

ઇમેજ સ્રોત, MAHARASHTRA CEO/YOUTUBE
થાણે મહાનગરપાલિકાની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં સુમૈયા શેખ પણ ‘બીએલઓ’ તરીકે કામ કરે છે. મહારાષ્ટ્ર ચૂંટણીપંચે બીએલઓ પર બનાવેલી ડૉક્યુમેન્ટરીમાં તેઓ પોતાના અનુભવો શૅર કરે છે.
તેઓ કહે છે, “જ્યારે મારી ‘બીએલઓ’ તરીકે નિમણૂક થઈ ત્યારે મેં વિસ્તારનું નામ જોયું તો ખ્યાલ આવ્યો કે થાણેનો ખોપટ નામનો વિસ્તાર છે. આ સમગ્ર હિન્દુ રહેણાક વિસ્તાર હતો એટલે મારે લોકોનો ભરોસો પણ જીતવાનો હતો.”
“એક વખત હું આ વિસ્તારમાં આવેલી હૉસ્પિટલમાં ગઈ. મારે એક દર્દીની વિગત લેવાની હતી. તો હૉસ્પિટલના સ્ટાફે મારી સાથે ખૂબ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. મને પૂછ્યું કે તમે અહીં કેમ આવ્યા, આવું કામ અહીં નથી કરવાનું, તમે કોની મંજૂરી લીધી- એવા સવાલો કર્યા. મારી વાત પણ ન સાંભળી અને ચોકીદારને બોલાવીને ધક્કો મારીને ત્યાંથી મને બહાર કાઢી. પછી મેં દર્દીના ભાઈની મદદ લીધી, તેમણે મને મદદ કરી અને મારું કામ પૂરું થયું.”
મને લાગ્યું, “તેમણે પણ મને સાંભળવી જોઈતી હતી. હું પણ માણસ છું.”
પોતાનો અન્ય એક અનુભવ જણાવતાં તેઓ કહે છે, “પિંજાની સ્ટેટ નામના ઔદ્યોગિક વિસ્તારમાં મારે બે ચૂંટણીકાર્ડ આપવા જવાનું હતું. એક ચાવાળાએ મને અટકાવી અને કહ્યું કે તમારે ત્યાં એકલા ન જવું જોઈએ. હું ત્યાં તમને નહીં જવા દઉં. પછી મારા પતિ સાથે આવ્યા અને તેમણે મારી મદદ કરી. મારું આ કામ પૂરું થાય એટલા માટે મારા પતિએ પણ મારી ખૂબ મદદ કરી અને મારી બે વર્ષની દીકરીને ઘરે સાચવી હતી.”
સતીશ પરમાર છેલ્લાં આઠ વર્ષથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં બીએલઓ તરીકે સેવા આપે છે. તેમણે મોટેભાગે શહેરી વિસ્તારોમાં કામ કર્યું છે. હાલમાં તેમના બૂથમાં 859 મતદારો છે.
તેઓ કહે છે, “અમારી શાળામાં 26 લોકોના સ્ટાફમાંથી 21 મહિલાઓ છે. જો હું બીએલઓ તરીકે કામ ન કરું તો તેમને આ કામગીરી સોંપવામાં આવે અને તેમને તકલીફ પડે. આથી, આઠ વર્ષ થયાં હોવા છતાં પણ મેં આ કામ ચાલુ રાખ્યું છે. ”
જિગ્નેશ સંચાણિયાના જણાવ્યા અનુસાર જેમણે બીએલઓ તરીકે ત્રણ વર્ષ કામ કર્યું હોય તો એ પોતાને આ ફરજમાંથી મુક્ત કરવા માટે ચૂંટણીપંચને વિનંતી કરી શકે છે.
કામગીરીમાં કેવા પડકારો છે?

ઇમેજ સ્રોત, SATISH PARMAR
જિગ્નેશ સંચાણિયા કહે છે, “આ કામગીરીમાં અમને સૌથી મોટી સમસ્યા ઇન્ટરનેટ અને સર્વરની આવતી હતી. પરંતુ અમે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી હતી અને ઍપમાં સુધારો થયો અને સમસ્યાનું સમાધાન થઈ ગયું.”
તેઓ કહે છે, “મોટેભાગે મેં ગ્રામીણ વિસ્તારોમાં કામ કર્યું છે. ત્યાં ક્યાંક ઓછું ભણેલા મતદારો પણ હોય છે. પરંતુ મારો અનુભવ મોટેભાગે સારો રહ્યો છે, ગામડાંના લોકો ઘણો સાથસહકાર આપે છે. જો તેમની પાસે હાજરમાં કોઈ ડૉક્યુમેન્ટ્સ ન હોય તો તેઓ શાળાએ આવીને પણ આપી જાય છે.”
તેમની દૃષ્ટિએ દરેક ઘરે જઈને કામગીરી કરવી એ સૌથી મોટો પડકાર છે. તેઓ કહે છે, “દાહોદની વાત કરીએ તો અહીં રોડ-રસ્તા કે સોસાયટી નથી. મોટાભાગના વિસ્તારોમાં ટેકરાઓ, ખેતરો છે, ક્યાંક એવી જગ્યાઓ પણ છે જ્યાં વાહનો પણ ન જાય. એટલે આ કામગીરીમાં સમય લાગે છે.”
સતીશ પરમાર કહે છે, “આ કામગીરીમાં ક્યારેક ખરાબ અનુભવો પણ થાય છે. બે વર્ષ પહેલાં મારા બૂથમાં 1475 મતદારો હતા એટલે રાત્રે પણ કામ કરવાની જરૂર પડતી હતી. હું રાત્રે એક વેપારીના ઘરે ગયો હતો, ઘરમાં તમામ સભ્યો હાજર હતા. તેમ છતાં ત્યાં એક બહેને ખૂબ તોછડાઈથી તેમની પાસે કોઈ માહિતી નથી એમ કહીને ના પાડી દીધી, દરવાજો બંધ કરી દીધો. પણ આવા અનુભવો બહુ ઓછા હોય છે. મોટેભાગે લોકો સહકાર આપે છે.”
પ્રિયંકા કાંગરા કહે છે, “મોટાભાગના લોકો સારો વ્યવહાર કરે છે પણ ઘણીવાર લોકો એવું કહી દે છે કે અમે કેમ ડૉક્યુમેન્ટ્સ આપીએ, કેવી રીતે માની લઈએ કે તમે સરકારી અધિકારી છો?”
સુમૈયા શેખ મૂળ નોકરી સાથે આ કામ કરવામાં આવતી તકલીફો વિશે કહે છે કે, “અમારી શાળાના તમામ શિક્ષકોની ‘બીએલઓ’ તરીકે નિમણૂક થઈ છે. આથી અમે શાળાના આચાર્યને વિનંતી કરી હતી કે અમને સમય ગોઠવી આપે. તેમણે શાળાનું ટાઇમટેબલ એ રીતે ગોઠવ્યું કે જેથી અમારું શાળાનું કામ પણ સારી રીતે થાય અને બીએલઓ તરીકેની કામગીરી કરવામાં પણ મદદ મળે.”
થોડા સમય પહેલાં ચૂંટણીપંચે ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડ જોડવાની કામગીરી શરૂ કરી હતી. તેના માટે ઘરેઘરે જઈને ‘બીએલઓ’એ ડૉક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ પણ કરવાનું હતું.
સુમૈયા કહે છે, “મારા વિસ્તારમાં એક ચાલી છે જેમાં એક દાદી રહેતાં હતાં. તેમણે મને રોજ અહીં આવતી જોઈને પૂછ્યું કે કેમ તું અહીં આવે છે. પછી મેં તેમને કહ્યું કે હું બીએલઓ છું અને આ કામગીરી કરવા માટે આવું છું. ત્યારબાદ તેઓ આખી ચાલીમાં હું જ્યાં ગઈ ત્યાં મારી સાથે આવ્યાં અને લોકોને ઓળખાણ આપી મારી મદદ કરી. તેમણે બધાને ડૉક્યુમેન્ટ્સ આપવા માટે સમજાવ્યા.”
અન્ય કયાં કામો કરવાનાં હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
‘બીએલઓ’ અન્ય કઈ કામગીરી કરે છે તે અંગે વિસ્તૃત માહિતી આપતા જિગ્નેશ સંચાણિયા કહે છે, “દરેક ચૂંટણી પહેલાં અમારે મતદારયાદી સુધારણાની કામગીરી કરવાની હોય છે. જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રિસાઇડિંગ ઑફિસરની ભૂમિકા મળે તો એ પણ નિભાવવાની હોય છે.”
ચૂંટણીપંચ વૃદ્ધ અને વિકલાંગ મતદારો ઘરેથી મતદાન કરી શકે તે માટે અલગ વ્યવસ્થા ઊભી કરી રહ્યું છે. પરંતુ એ પહેલાં તેમને મતદાનમથક સુધી લઈ જવામાં આવતા હતા.
તેઓ કહે છે, “હાઉસ-ટુ-હાઉસ સર્વે દરમિયાન અમે વિકલાંગ અને વૃદ્ધ વ્યક્તિની પણ માહિતી મેળવીએ છીએ. તેમની વિકલાંગતા કેટલા ટકા છે તેની પણ સર્ટિફિકેટને આધારે ચકાસણી કરવાની હોય છે. મતદાનના દિવસે ઉપલબ્ધ વાહન, વ્હીલચૅર વગેરેને આધારે મતદારોને મતદાનમથક સુધી લઈ જવાની વ્યવસ્થા કરવાની હોય છે.”
સતીશ પરમાર કહે છે, “મતદાનમથકથી એક કિલોમીટરના વિસ્તારમાં ફાયરસ્ટેશન, પોલીસસ્ટેશન, દવાખાનું, પક્ષના કાર્યાલયો વગેરે છે કે નહીં તેની યાદી બનાવવા માટે અમારે જરૂરી નકશાઓ પણ બનાવવાના હોય છે. આ નકશાઓ સુપરવાઇઝરથી લઈને કલેક્ટર સુધીના તમામ ચૂંટણી અધિકારીઓને કામ લાગે છે. બીએલઓ જ આ નકશા બનાવે છે.”
“આ સિવાય અમારે ચૂંટણી પાઠશાળાનું આયોજન કરવાનું હોય છે. જેના કાર્યક્રમો હેઠળ પ્રાથમિક શાળાથી લઈને કૉલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓને સમગ્ર ચૂંટણીપ્રક્રિયા અંગે જાગૃત કરવામાં આવે છે અને તેમને માહિતી આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને સંકલ્પપત્રને આધારે મત આપવા માટે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવે છે.”
આ સિવાય ક્યારેક એવી સમસ્યા પણ આવે છે કે કોઈ એક વ્યક્તિનું નામ બે વિધાનસભા મતવિસ્તારની યાદીમાં હોય છે તો ક્યારેક એવું બને છે કે અલગ-અલગ નામની વ્યક્તિના એકસમાન ફોટા મતદારયાદીમાં હોય છે.
જિગ્નેશ સંચાણિયા કહે છે, “આવા સમયે બંને વિસ્તારના બીએલઓ સાથે મળીને કામ કરે છે અને અમુક કિસ્સાઓમાં ફરીથી ઘરની મુલાકાત લઈને વેરિફિકેશન કરવું પડે છે.”
તેઓ કહે છે, “મતદારો ઘણીવાર ઑનલાઇન અને ઑફલાઇન બંને રીતે ફૉર્મ ભરી દે છે. જેથી બે-ત્રણ ચૂંટણીકાર્ડ આવી જાય છે. તો આવા મતદારોનું ફરીથી વેરિફિકેશન કરવાનું હોય છે અને ડુપ્લિકેશન ટાળવાનું હોય છે.”
પ્રિયંકા કાંગરા કહે છે, “તાજેતરમાં જ અમે મતદારયાદી સુધારણા માટેના કૅમ્પનું આયોજન કર્યું હતું. જેમાં અમે નવા મતદારોને જોડ્યા હતા. આ રીતે સુધારા-વધારાનું કામ સતત ચાલતું રહે છે.”
ડૉ. એસ.વાય. કુરેશી તેમના પુસ્તકમાં નોંધે છે, “યુવા મતદારો નાની ઉંમરથી જ મતદાનના મહત્ત્વને સમજે તે માટે તેમને તૈયાર કરવા અને સમજાવવા માટે શૈક્ષણિક સંસ્થાઓ તથા સ્થાનિકસ્તરે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. આ કાર્યક્રમોમાં તેમને ચૂંટણીના પ્રકારો, ચૂંટણીકાર્ડ, મૉડલ કૉડ ઑફ કન્ડક્ટ, ઈવીએમ, મત માટે અપાતી લોભ-લાલચ વગેરેથી માહિતગાર કરવામાં આવે છે. આ કામમાં પણ 'બીએલઓ' મદદ કરે છે.”
2018માં કેરળમાં આવેલા પૂર દરમિયાન પીડિતો અને વિસ્થાપિતોની માહિતી એકઠી કરવાના કામમાં પણ ‘બીએલઓ’ એ સહયોગ કર્યો હતો.
ચૂંટણીપંચ અને ‘બીએલઓ’ વચ્ચેનો સંબંધ

ઇમેજ સ્રોત, ANI
પૂર્વ સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી જયદીપ દ્વિવેદી કહે છે, “25 જાન્યુઆરીએ નેશનલ વોટર્સ ડે નિમિત્તે સમગ્ર ચૂંટણીતંત્રમાં ઉપરથી લઈને નીચે સુધીનાં અલગ-અલગ પદો પર કામ કરનારા લોકોનું સન્માન થાય છે. એ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરતા બીએલઓનું પણ સન્માન કરવામાં આવે છે.”
દ્વિવેદી કહે છે, “પોતાની એક ચાલુ નોકરી સાથે કામ કરવું, કામમાં સતત ચોક્સાઈની અપેક્ષા અને તેની સામે મળતાં નજીવા મહેનતાણાં સાથે સરખામણી કરીએ તો બીએલઓની કામગીરી અતિશય મહત્ત્વની બની જાય છે. રજાના દિવસોમાં કૅમ્પ લગાવવાનો હોય કે પછી મતદાનના દિવસની વાત હોય, ઘણીવાર બીએલઓએ આખો દિવસ બૂથ પર બેસવું પડે છે.”
તેઓ કહે છે, “વર્કલૉડની વાત કરીએ તો એ વાત 100 ટકા સાચી છે કે એમના પર કામગીરીનું ભારણ ખૂબ વધારે છે. પરંતુ એ મામલતદાર હોય કે કલેક્ટર, સૌ કોઈ ચૂંટણીની કામગીરી પોતાના નિયત કામની સાથે જ કરે છે અને સૌ કોઈ તેમની જવાબદારીનું વહન કરે છે. બીજું, બીએલઓની અલગ પોસ્ટ બનાવવામાં આવે તો આર્થિક રીતે પણ સરકારને પોસાય નહીં. બીએલઓની અલગથી ભરતી કરવામાં આવે તો ચૂંટણી સિવાયના સમયે તેઓ શું કરે એ પણ પ્રશ્ન છે.”
જોકે, ઘણીવાર ‘બીએલઓ’ યોગ્ય કામગીરી ન કરી રહ્યા હોવાની ફરિયાદો પણ થતી રહે છે. આવા જ એક કિસ્સામાં પુણેમાં 76 ‘બીએલઓ’ સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યાં હતાં.
'બીએલઓ' પોતાની કામગીરી વિશે શું વિચારે છે?

ઇમેજ સ્રોત, Getty Images
જિગ્નેશ સંચાણિયા કહે છે, “ઘણા શિક્ષકો એવું કહેતા હોય છે કે અમને આ કામમાંથી મુક્તિ આપો. પણ બીએલઓ તરીકે કામ કર્યા બાદ મને એવું લાગે છે કે આ એટલું અગત્યનું કામ છે કે એ શિક્ષકોએ કરવું જોઈએ અને આ કામ શિક્ષકો જ કરી શકે. આ ખૂબ ચોક્સાઈ માંગી લેતું કામ છે અને શિક્ષક પાસેથી ચોક્સાઈની અપેક્ષા રાખવામાં આવે છે. જો ડુપ્લિકેટ મતદારોના નામ ડિલીટ ન થાય તો બોગસ મતદાનની શક્યતા રહે અને જો નવા મતદારો ઉમેરવાની ઝુંબેશ શરૂ ન કરવામાં આવે તો કેટલાય યુવા મતદારો મતદાનથી વંચિત રહી જાય.”
તેઓ કહે છે,“ભારત સૌથી મોટો લોકશાહી દેશ છે અને તેની આટલી વિશાળ ચૂંટણી પ્રણાલી છે. તેથી આ પ્રક્રિયામાં કામ કરવું એ ગર્વની વાત તો છે જ પરંતુ સાથેસાથે જવાબદારીની પણ વાત છે.”
સતીશ પરમાર કહે છે, “જ્યારે અમે પ્રથમ વખત મતદારના હાથમાં ચૂંટણીકાર્ડ આપીએ ત્યારે તેના ચહેરા પર જે સ્મિત જોવા મળે છે એ જોઈને સંતોષની લાગણી અનુભવાય છે. તેઓ અમારા કામથી સંતુષ્ટ છે એવી અમને લાગણી થાય છે.”
રવિશંકર કહે છે, “અમે જો અમારું કામ સારી રીતે કરીએ તો ચૂંટણીપ્રક્રિયા સરળતાથી પૂરી થઈ જાય છે, એટલે આ કામ ખૂબ અગત્યનું છે.”
પ્રિયંકા કાંગરા કહે છે, “બીએલઓને ચૂંટણીપંચના અધિકારીઓ ખૂબ પ્રોત્સાહન આપે છે અને અમારું ધ્યાન પણ આપે છે. સારું કામ કરનારા લોકોને સન્માનિત કરવામાં આવે છે. અનેક નવા લોકો સાથે વાત કરવાનો મોકો મળે છે. જે વિસ્તારને તમે ક્યારેય જોયો નથી તેનો તમને અનુભવ મળે છે.”
સુમૈયા શેખ કહે છે, “હું એક જ સંદેશ આપવા ઇચ્છું છું કે આ દેશના નાગરિક હોવાને નાતે આપણી ફરજ છે કે આપણે એકબીજાને સમજીએ અને એકબીજાની મદદ કરીએ. તેનાથી આપણી અને દેશની પણ મદદ થશે.”
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારના શબ્દોમાં કહીએ તો, “બીએલઓ એ ચૂંટણીપંચની દૃષ્ટિ અને અવાજ છે. આખા દેશમાં અમે તેમના માધ્યમથી જ અમારો અવાજ પહોંચાડી શકીએ છીએ. એક 18 વર્ષના યુવાનની જ્યારે બીએલઓ સાથે મુલાકાત થાય છે ત્યારે સરકારી તંત્ર કેવું હોય છે તેની પહેલી છાપ બીએલઓ ઊભી કરે છે.”
‘બીએલઓ’ની મુખ્ય કામગીરી
દરેક બીએલઓને એક બૂથની (ક્યારેક એક કરતાં વધુ) જવાબદારી સોંપવામાં આવે છે. તેમાં સરેરાશ એક હજાર મતદારો હોય છે.
- મતદારયાદીમાં નવા મતદારોનો ઉમેરો કરવો, મૃત્યુ પામેલા મતદારોનાં નામ કમી કરવાં
- મતદારયાદીમાં સ્થળાંતરિત અથવા તો ડુપ્લિકેટ મતદારોની ઓળખ કરવી અને ત્યારબાદ આગળની પ્રક્રિયા કરવી
- મતદારોએ કરેલા દાવાઓ અને ઉઠાવેલા વાંધાઓ (મતદારયાદીમાં ભૂલ સંબંધી)નું સમાધાન કરવું
- વાર્ષિક મુલાકાત દરમિયાન બૂથનાં દરેક ઘરે જવું અને માહિતી મેળવવી, મતદારયાદીમાં જરૂરી સુધારા કરવા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંપર્કમાં રહેવું
- વ્યવસ્થા ઊભી કરવાની કામગીરીના ભાગરૂપે મતદાનમથકનાં સ્થળની જાતતપાસ કરી તેના ફોટા મોકલવા
- ફિઝિકલ મોડમાં મળેલા દરેક ફૉર્મનું ડિજિટાઇઝેશન કરવું અને બીએલઓ ઍપ મારફતે તેના અપડેશનની કામગીરી કરવી
- મોબાઇલ નંબર, ઈ-મેલ, ફોટા, અન્ય માહિતીને સતત અપડેટ કરવી અને ડુપ્લિકેશન સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રયત્ન કરવો
- ગ્રામ્યસ્તરે ગ્રામસભાઓ અને શહેરી વિસ્તારોમાં RWA સાથે સંકલન સાધીને મતદારયાદી સુધારણા કામગીરી કરવી, ચૂંટણીકાર્ડની વહેંચણી કરવી
- રાજકીય પક્ષોના બૂથ લેવલ ઍજન્ટ સાથે સંપર્કમાં રહેવું અને સંકલન કરીને કામગીરી કરવી
- વિવિધ કૅમ્પોનું આયોજન કરવું, ‘ચૂંટણીની પાઠશાળા’ જેવા કાર્યક્રમો કરવા, દરેક બૂથ હેઠળ આવતા વિસ્તારોના નકશાઓ તૈયાર કરવા
- મતદાન અગાઉ ઘરેઘરે જઈને મતદાર કાપલીની વહેંચણી કરવી
- વિકલાંગ અને વૃદ્ધ મતદારોને મતદાનમથક સુધી લઈ આવવાની વ્યવસ્થા કરવી અને જો ઘરે જઈને તેમના મત લેવાના હોય તો તે કામગીરી કરવી
- મતદાનના દિવસે હૅલ્પ ડેસ્ક મારફતે મતદારોને માર્ગદર્શન આપવું, મદદ કરવી












