ભાજપના અરુણ ગોવિલને મેરઠમાં તેમની 'રામ'ની છબીનો ફાયદો મળશે? - ગ્રાઉન્ડ રિપોર્ટ

અરુણ ગોવિલ

ઇમેજ સ્રોત, BBC/SANDEEP YADAV

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા, મેરઠથી

મહિલાઓ હાથમાં ફૂલ માળાઓ લઈને ઊભી હતી, 'જય શ્રી રામ'ના નારાઓનો અવાજ વધતો ગયો.

મહિલાઓ જેમ ગાડીનો કાફલો નજીક આવ્યો તેમ ફૂલો વરસાવા લાગી. તેઓ થોડાક આગળ વધીને ઑડી કારના સનરૂફથી બહાર નીકળીને હાથ જોડી રહેલા અરુણ ગોવિલને માળા પહેરાવે છે.

ઉત્તર પ્રદેશના મેરઠથી ભાજપના ઉમેદવાર અને ટેલિવિઝન સિરિયલ રામાયણમાં શ્રીરામનું પાત્ર નિભાવનાર અરુણ ગોવિલના ચૂંટણીપ્રચારમાં માહોલ ભક્તિમય છે.

કેટલીય મહિલાઓએ કહ્યું, "ભગવાન રામને ટીવી પર જોયા હતા, હવે સાક્ષાત જોઈ લીધા."

મેરઠથી લગભગ 20 કિલોમીટર દૂર બિજૌલી ગામમાં થઈ રહેલા આ રોડ શોમાં સૌથી આગળ ભગવા ઝંડા લહેરાવતા યુવકો ચાલી રહ્યા છે, તેમની પાછળ "જય શ્રી રામ"ના નારા લખેલાં ટી-શર્ટ પહેરેલા યુવાનોની ભીડ છે.

અરુણ ગોવિલ ગામડામાં ક્યાંય રોકાતા નથી અને હાથ જોડીને કેટલાક લોકો પર ફૂલ વરસાવતા બીજા ગામડા તરફ આગળ વધે છે.

અમે કેટલાય ગામડાઓમાં અરુણ ગોવિલનો રોડ શો જોયો. ગોવિલ ક્યાંય પણ પોતાની ઑડી કારમાંથી નીચે ન ઊતર્યા.

મેં 20-22 વર્ષની ઉમરના યુવાઓને સવાલ પૂછ્યો કે આ વખતે ચૂંટણીનો મુદ્દો શું છે? ઉત્સાહિત યુવાઓએ એક સાથે કહ્યું કે મુદ્દો કોઈ નથી, બસ એક જ મુદ્દો છે જય શ્રી રામ.

એક વખત ફરીથી જય શ્રી રામના નારા લાગ્યા અને સાથે યોગી-મોદી જિંદાબાદના નારા પણ.

ભાજપે પશ્ચિમી ઉત્તર પ્રદેશની મેરઠ સીટ પર અરુણ ગોવિલને મેદાનમાં ઊતાર્યા છે.

ગોવિલ કેવા વાયદાઓ કરી રહ્યા છે?

મેરઠથી ભાજપના ઉમેદવાર અને ટેલિવિઝન સિરિયલ રામાયણમાં શ્રીરામનું પાત્ર નિભાવનાર અરુણ ગોવિલના જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે

ઇમેજ સ્રોત, BBC/SANDEEP YADAV

ઇમેજ કૅપ્શન, મેરઠથી ભાજપના ઉમેદવાર અને ટેલિવિઝન સિરિયલ રામાયણમાં શ્રીરામનું પાત્ર નિભાવનાર અરુણ ગોવિલના જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે

અરુણ ગોવિલ રામરાજ્ય લાવવાનો વાયદો કરી રહ્યા છે.

જો તેઓ ચૂંટણી જીતશે તો રામરાજ્યનો વાયદો કેવી રીતે પૂરો કરશે?

આ વિશે ગોવિલે કહ્યું, "આપણી સંસ્કૃતી સાથે આપણે જીવીએ, આપણી વિરાસત સાથે આપણે જીવીએ અને વિરાસતની સાથે જ આપણે વિકાસ કરીએ, તે જ રામરાજ્ય છે. દરેકને સમાન ન્યાય અને અધિકારો મળે. મહિલાઓ, પુરુષો અને બધાને એક સમાન રૂપે જોવામાં આવે તે જ રામરાજ્ય છે.”

અરુણ ગોવિલ મૂળ રૂપે મેરઠના જ છે પરંતુ મુંબઈમાં રહેતા હોવાને કારણે તેમને બહારી ઉમેદવાર માનવામાં આવે છે.

જમીની ઉમેદવાર ન હોવાના પ્રશ્ન પર અરુણ ગોવિલ કહે છે કે હું છેલ્લા એક અઠવાડિયાથી મેરઠમાં છું. જનતા મને અહીંયાથી જ સંસદ મોકલશે અને હું અહીં લોકોની વચ્ચે જ રહીને કામ કરીશ.

મેરઠમાં મુદ્દાઓ શું છે?

અરુણ ગોવિલના સ્વાગત માટે રાહ જોતાં સમર્થકો

ઇમેજ સ્રોત, BBC/SANDEEP YADAV

ઇમેજ કૅપ્શન, અરુણ ગોવિલના સ્વાગત માટે રાહ જોતા સમર્થકો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મેરઠની મુખ્ય બજારમાં બેરોજગારી, મોંધવારી, ગરીબી અને પેપર લીક જેવા મુદ્દાઓને નકારતા એક દુકાનદારે કહ્યું, "આ વખતે ચૂંટણીમાં કોઈ મુદ્દો નથી, જ્યારે કોઈ લક્ષ્ય મોટો હોય છે ત્યારે નાના-નાના સ્થાનીય મુદ્દાને નજરઅંદાજ કરી દેવા જોઈએ. આ સમયે મુખ્ય મિશન છે ભારતને વિશ્વના શીર્ષ પર પહોંચાડવાનો છે. દેશમાં કોઈ મોંઘવારી, ગરીબી અને બેરોજગારી નથી. દેશ આ સમયે પ્રગતિ કરી રહ્યો છે, જ્યારે આર્થિક વિકાસ થાય છે તો થોડીક મોંઘવારી તો હોય છે."

આ દુકાનમાં એક કર્મચારી ત્રણસો રૂપિયાની રોજિંદા રોજગાર પર મજૂરી કામ કરી રહ્યા છે. આ ઉત્તર પ્રદેશમાં અકુશળ મજૂરો માટે નક્કી કરલા લઘુતમ વેતન માસિક 10275 રૂપિયા ઓછું છે.

જ્યારે દેશમાં મોંઘવારી કે ગરીબી નથી ત્યારે આ શ્રમિકોને દૈનિક લઘુતમ વેતનથી પણ ઓછી રકમ કેમ મળી રહી છે. આ સવાલ પર એક સામાન્ય મજૂરની રોજની કમાણી ઓછામાં ઓછી આવક રૂપિયા બતાડનાર આ દુકાનદાર કહે છે, "આ પગાર આપવાનું કારણ આર્થિક છે."

ભારતીય જનતા પાર્ટીના ત્યાં હાજર રહેલા અન્ય એક સમર્થકે કહ્યું, "મેરઠમાં અરુણ ગોવિલના નામ પર નહીં પરંતુ વડા પ્રધાન મોદીના કામ પર ભાજપને વોટ મળશે. દેશમાં રામરાજ્ય આવવું જોઈએ. રામરાજ્યનો અર્થ એ નથી કે કોઈ પણ એક ધર્મ કે જ્ઞાતિને જ માન મળશે. પરંતુ રામરાજ્યનો અર્થ છે સમાનતા એટલે કે બધા જ અમારા પોતાના છે. જે દેશના હિત માટે કામ કરે છે તે સારું છે. જો કોઈ દેશ વિરોધી કામ કરી રહ્યું છે તો તેઓ અમારા દુશ્મન છે."

બિજૌલી ગામના ચૂંટણી રોડ શોમાં આગળ ચાલી રહેલા ભાજપ સમર્થકે કહ્યું, "સૌથી મોટો મુદ્દો જય શ્રી રામનો છે, બસ તેની ભક્તિમાં લાગ્યા રહો. જે કામો આ સરકારમાં થયાં છે, તે ક્યારે પણ થયાં નથી. દેશ ખૂબ જ આગળ વધી ગયો છે."

મુસ્લિમ મતદારોએ શું કહ્યું?

મેરઠનો એક મુસ્લિમ દુકાનદાર

ઇમેજ સ્રોત, BBC/SANDEEP YADAV

ઇમેજ કૅપ્શન, મેરઠનો એક મુસ્લિમ દુકાનદાર

મેરઠમાં એક મોટી વસ્તી મુસ્લિમ મતદારોની પણ છે.

શું અરુણ ગોવિલ મુસ્લિમ મતદારો વચ્ચે જશે અને તેમના દિલ જીતવાનો પ્રયત્નો કરશે?

આ સવાલનો જવાબ આપતા ગોવિલે કહ્યું, "હું અહીં કોઈનું દિલ જીતી નથી શકતો. લોકોએ નક્કી કરવાનું છે કે હું યોગ્ય ઉમેદવાર છું કે નહીં. જો મુસ્લિમોને લાગશે કે આ વ્યક્તિ ઈમાનદાર છે, સારું કામ કરશે તો તેઓ મને જરૂર મત આપશે. મેં મતદારોની અપીલ કરી છે કે આપણે મત ધર્મ અને જ્ઞાતિવાદથી ઉપર ઊઠીને દેશની પ્રગતિ માટે આપવો જોઈએ. દેશનો વિકાસ થશે તો આપણા બધાનો પણ વિકાસ થશે."

મેરઠની કેટલીક શાળા તરફ નજર કરીએ તો ધર્મના આધારે ધ્રુવીકરણ સ્પષ્ટ નજર આવે છે.

મેરઠના શાહપીર વિસ્તારમાં જે મુસ્લિમો સાથે અમે વાત કરી તેમાંથી મોટા ભાગના લોકોએ કહ્યું સાંપ્રદાયિક્તા તેમના માટે સૌથી મોટો મુદ્દો છે. જોકે, કેટલાક લોકો સરકારે કાયદાકીય વ્યવસ્થામાં કરેલા સુધારાઓ અને ગુનેગારો પર સરકારની સખતીને કારણે ખુશ પણ છે.

અહીં એક મુસ્લિમ વોટરે કહ્યું, "મુસ્લિમ અસમંજસમાં છે. મુસ્લિમો વાતાવરણ (રાજકીય) જોઈ રહ્યા છે અને આગળ જતા વાતાવરણ બદલી શકે છે. અત્યારે ઇરાદો ગઠબંધનનો છે પરંતુ આગળ કઈ તરફ મત પડે તે ખબર નહીં."

જોકે, મુસ્લિમ મતદારો પોતે અલગ-થલગ પડી ગયા હોય તેવો અનુભવ કરી રહ્યા છે.

શું અરુણ ગોવિલ મુસ્લિમો માટે કામ કરશે?

આ સવાલ પર તેઓ કહે છે, "એ કહી ન શકાય કે મુસ્લિમો પાછળ છૂટી ગયા છે. દેશની મુખ્યધારા સાથે મુસ્લિમોને પણ જોડવા જોઈએ. મુસ્લિમોએ પણ આગળ આવવું જોઈએ. તેઓ પોતે એક જ જગ્યાએ ઊભા રહીને વિચારશે કે બધું થઈ જશે તો એવું નહીં થાય. મુસ્લિમોએ પોતે પણ આગળ આવવું પડશે."

પડકાર કેટલો મોટો છે?

પ્રેસ કૉન્ફરેન્સમાં અતુલ પ્રધાન

ઇમેજ સ્રોત, BBC/SANDEEP YADAV

ઇમેજ કૅપ્શન, પ્રેસ કૉન્ફરેન્સમાં અતુલ પ્રધાન

હિંદુત્વની લહેર પર સવાર ભાજપના અરુણ ગોવિલનો મુકાબલો કરવા માટે વિપક્ષ સામાજિક અને જ્ઞાતિનાં સમીકરણોની રણનીતિ પર કામ કરી રહ્યો છે.

સમાજવાદી પાર્ટીએ મેરઠ સીટ પરથી બે ઉમેદવારોને ફેરવ્યા પછી હવે સુનીતા વર્માને મેદાનમાં ઊતાર્યાં છે.

પાર્ટીને આશા છે કે દલિત, પછાત અને લઘુમતીના મતો મેળવીને ભાજપને પડકાર આપી શકાય છે.

ટિકિટ કપાવાથી નારાજ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અતુલ પ્રધાન હવે પાર્ટીના ઉમેદવાર સુનીતા વર્માના સમર્થન કરવાની વાત કરી રહ્યા છે.

અતુલ પ્રધાને કહ્યું, "મારે પોતાને સમજાવવાની કોઈ જરૂર નથી. હું એક ધારાસભ્ય છું, એક પદ પર છું અને હંમેશાં સંઘર્ષ કર્યો છે. અમે સમાજવાદી આંદોલન અને સંઘર્ષને આગળ વધારવા માંગીએ છીએ. પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ જે પણ મંચ પર જવા માટે કહેશે ત્યાં હું જઈશ."

જોકે, અતુલ પ્રધાન એ વાત ખુલીને નથી કહેતા તેઓ પોતાની સંપૂર્ણ તાકાત સાથે સુનીતા વર્મા સાથે ચૂંટણીપ્રચાર કરશે.

સમાજવાદી પાર્ટીનું કહેવું છે કે રણનીતિ પ્રમાણે પાર્ટીએ મેરઠથી એક દલિત ઉમેદવારને ટિકિટ આપી છે.

મેરઠમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ વિપિન ચૌધરીએ કહ્યું, "પાર્ટીએ મજબૂત ઉમેદવારને જોઈને પહેલાં જાહેર કરેલા ઉમેદવારના સ્થાને સુનીતા વર્માને ઉમેદવાર બનાવ્યાં. અહીં મુસ્લિમો મોટી સંખ્યામાં છે અને સુનિતા દલિત સમાજમાંથી આવે છે, પાર્ટીને આશા છે કે તેઓ પોતાના વર્ગના મતોને પાર્ટી સાથે જોડી શકશે."

સમાજવાદી પાર્ટીના સ્થાનિક નેતા ઇસરાર સૈફીએ કહ્યું, "અમારી પાર્ટીએ મુસ્લિમો મોટી સંખ્યામાં હોવા છતાં આ સીટ પર દલિત ઉમેદવાર એટલા માટે ઊતાર્યાં જેથી ભાજપને પડકાર ફેંકી શકાય."

જ્યારે સુનીતા વર્મા દાવો કરે છે કે તેમણે દરેક સમાજની સાથે-સાથે દલિત સમાજના મતો પણ મળશે.

મેરઠ નગરપાલિકાના ચૅરમૅન રહેલાં સુનીતા વર્માના પતિ યોગેશ વર્મા પૂર્વ ધારાસભ્ય છે.

યોગેશ વર્માએ કહ્યું, "અમારો સૌથી મોટો મુદ્દો દલિતોનું સન્માન છે. અખિલેશ યાદવ દલિત, પછાત અને લઘુમતી સમુદાયના મતદારોને એકઠા કરવાનું કામ કરી રહ્યા છે. આ જ અમારો સૌથી મોટો મુદ્દો છે."

બહુજન સમાજવાદી પાર્ટીના ચુપકીદી

બસપા મેરઠ મંડળના પ્રભારી મોહિત કુમાર

ઇમેજ સ્રોત, BBC/SANDEEP YADAV

ઇમેજ કૅપ્શન, બસપા મેરઠ મંડળના પ્રભારી મોહિત કુમાર

ભાજપ અને ગઠબંધનના ઉમેદવાર જ્યાં ચૂંટણી મેદાનમાં પ્રચાર કરી રહ્યાં છીએ, જ્યારે બહુજન સમાજ પાર્ટી(બીએસપી) શાંતિથી ચૂંટણી લડી રહી છે. પાર્ટીની ઑફિસમાં સન્નાટો છે.

મેરઠ મંડળના પ્રભારી મોહિત કુમારે કહ્યું, "બીએસપી 2009, 2014 અને 2019ની ચૂંટણી મજબૂતી સાથે લડી છે. બીએસપીનો મુખ્ય મતદાર પાર્ટી સાથે છે. પાર્ટીની વોટબૅન્ક હંમેશાં પાર્ટીની સાથે રહે છે. માયાવતીના કહેવાથી જ અમારી પાર્ટીનો વોટ ટ્રાન્સફર થઈ શકે છે. અમને આશા છે કે અમારી પાર્ટીના મતદારો અમારી સાથે જ રહેશે."

મોહિત કુમાર દાવો કરે છે કે બીએસપીએ એક રણનીતિ સાથે દેવવ્રત ત્યાગીને ઉમેદવાર બનાવ્યા છે.

તેમણે કહ્યું, "મતદારો નક્કી કરશે કે ક્યા ઉમેદવાર જીતી રહ્યા છે. અમે મજબૂતી સાથે મેદાનમાં છીએ."

જોકે, દલિત મતદારો ચૂંટણીને અલગ-અલગ મત રાખે છે. મેરઠની શેરગઢી વસ્તીમાં મોટા ભાગે દલિતો રહે છે.

અહીં કાંશીરામ પાર્કની બહાર બીડી પી રહેલી લગભગ 50 વર્ષની એક વ્યક્તિએ કહ્યું, "આ સરકારમાં સારું કામ થઈ રહ્યું છે, રસ્તાઓ બની રહ્યા છે, પાણી આવે છે, નાળાઓની સફાઈ થાય છે, રાશન મળે છે. કેટલાક દલિતો એટલે જ સરકારનું સમર્થન કરી રહ્યા છે. અમે પહેલાં માયાવતી સાથે હતા, હવે નથી. અમને તેમના સાથે છીએ જે અમારા માટે કામ કરશે."

બીએસપીના કેટલાક સમર્થકો અહીં પણ દેખાય છે. તેમનું માનવું છે કે પાર્ટીનો ઉમેદવાર હારે કે જીતે તેનાથી પાર્ટીનો સમર્થકોને કોઈ ફરક પડતો નથી.

આ સમર્થકો કહે છે, "અમારા માટે અમારી પાર્ટી સૌથી મહત્ત્વપૂર્ણ છે. અમે માયાવતીની સાથે છીએ પછી ભલેને અમારો મત ખાડામાં કેમ ન જાય. ચૂંટણીનાં સમીકરણો જે પણ કહે, અમને અમારી પાર્ટી પાસેથી આશા છે અને હંમેશાં રહેશે."

જોકે, મોટી સંખ્યામાં લોકો એવા પણ છે જે સ્પષ્ટપણે સુનિતા વર્માને સમર્થન કરે છે. તેની પાછળ તેમની જ્ઞાતિ મુખ્ય કારણ છે.

એક દલિત બુઝુર્ગે કહ્યું, "અમે દલિત છીએ. સુનિતા વર્મા અમારી જ્ઞાતીનાં છે. અમને આશા છે કે તેઓ અમારા મુદ્દાઓ ઉઠાવશે. અમે સમાજવાદી પાર્ટીની સાથે નથી, અમારા ઉમેદવાર સાથે છીએ."

સમાજવાદી પાર્ટીએ મેરઠ બેઠક પર સુનિતા વર્માને ઉમેદવાર જાહેર કર્યાં છે

ઇમેજ સ્રોત, BBC/SANDEEP YADAV

ઇમેજ કૅપ્શન, સમાજવાદી પાર્ટીએ મેરઠ બેઠક પર સુનિતા વર્માને ઉમેદવાર જાહેર કર્યાં છે

કેટલાય અન્ય લોકો આ પ્રકારનો વિચાર જાહેર કરે છે. જ્ઞાતિ અહિંયા સ્થાનીક મુદ્દાઓ અને ધાર્મિક ધ્રુવીકરણ પર ભારે પડી રહી હોય તેવું લાગે છે.

મેરઠના સ્થાનિક પત્રકાર રાશિદ ઝહીરે કહ્યું, "મુસ્લિમ અને દલિતો જ્ઞાતિનું જોડાણ ક્યારેક હિન્દુત્વના મુદ્દાઓ પર ભારે પડે છે. સમાજવાદી પાર્ટીએ અહીં સુનિતા વર્માને ઉમેદવાર બનાવ્યાં છે. જો તેઓ દલિત મતોને પોતાની સાથે જોડી શકે તો ભાજપને પડકાર આપી શકે છે."

મેરઠને સ્પોર્ટસ સિટી તરીકે પણ ઓળખાય છે કારણ કે આ શહેર રમત ગમતનો સામાન બનાવવા માટે પણ જાણીતું છે.

સૂરજકુંડ પાર્કની પાસેના આ વિસ્તારમાં રમત ગમતનો સામાન બનાવતી ઘણી ફેકટરીઓ છે. અહીં કૅરમ બોર્ડથી લઈને ક્રિકેટનાં બેટ પણ બને છે. જીમનો સામાન બનાવતી પણ ઘણી ફેકટરીઓ છે.

આ ફેકટરીમાં કામ કરતા એક મજૂરે કહ્યું, "અમારી પાસે કામ તો છે, રોજગાર પણ છે પરંતુ મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે."

સ્પોર્ટસ સામાનના વેપારી વિપુલ ગુપ્તાએ કહ્યું, "સ્પોર્ટસ ઇન્ડસ્ટ્રીને કારણે અહીં રોજગાર મળી રહે છે પરંતુ જે સ્તર પર થવો જોઈએ તે સ્તર પર નથી થઈ રહ્યો કારણ કે સ્પોર્ટસ ઇન્ડસ્ટ્રીના મુદ્દા ચૂંટણીના મુદ્દા નથી બની શકતા. સરકાર ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસનો દાવો કરે છે પરંતુ જમીન પર તે કંઈ નજરે નથી આવતું."

જમીન પર ભલે મુદ્દાઓ દેખાઈ રહ્યા હોય પરંતુ વિશ્લેષકોનું માનવું છે કે તેની અસર મતદાન પર ભાગ્યે જ થશે.

રાશિદ જાહિરે "જ્યારે કોઈ મોટા નેતા અહીં આવીને હિંદુત્વની વાત કરે છે ત્યારે મેરઠ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના બધા જ મુદ્દાઓ ગૌણ થઈ જાય છે. જમીન પર ભલે મુદ્દાઓ દેખાય પરંતુ ચૂંટણી પર તેની અસર દેખાતી નથી."

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)