સુરતમાં કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ કેમ થયું? શું છે સમગ્ર મામલો?

નીલેશ કુંભાણી, સુરત, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC/ SHEETAL PATEL

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી
    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતની સુરત લોકસભા બેઠક પર મતદાન પહેલાં જ એવી પરિસ્થિતિ સર્જાઈ છે જેના કારણે વિપક્ષને મોટો ફટકો પડ્યો છે. કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીના ઉમેદવારીપત્રક અંગે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો અને તેમનું ફોર્મ હવે રદ કરી દેવામાં આવ્યું છે.

વિવાદ બાદ કૉંગ્રેસના ઉમેદવારના ટેકેદારો હાજર ન થતાં આ ફોર્મ રદ થયું છે. કૉંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાનું પણ ફોર્મ રદ કરી દેવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણી દ્વારા કુંભાણીના ટેકેદાર 'યોગ્ય ના હોવાનો' દાવો કરાયો હતો.

આ મામલે રિટર્નિંગ ઑફિસર સમક્ષ રવિવારે બંને પક્ષોએ પોતપોતાની દલીલો રજૂ કરી હતી અને પછી આ ચુકાદો આપવામાં આવ્યો છે.

નીલેશ કુંભાણી, સુરત, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH/BBC

ઇમેજ કૅપ્શન, ચૂંટણી અધિકારીએ જાહેર કરેલો હુકમ

કૉંગ્રેસે કહ્યું છે કે તેમના ઉમેદવાર હાઈકોર્ટમાં જશે અને આ મામલે અપીલ કરશે.

વિવાદ વચ્ચે બીબીસી સહયોગી શીતલ પટેલે આપેલી માહિતી અનુસાર નીલેશ કુંભાણીના ટેકેદારો કલેક્ટર કચેરીએ હાજર થયા નથી અને નીલેશ કુંભાણી પણ મીડિયા સાથે વાત કર્યા વગર કચેરીમાંથી નીકળી ગયા છે.

નીલેશ કુંભાણીનું ફૉર્મ કેમ રદ થયું?

ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ સુરતના કૉંગ્રેસ ઉમેદવાર નીલેશ કુંભાણીના ફૉર્મ અંગે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસના ટેકેદારો ‘યોગ્ય નથી.’

ત્યારબાદ એ વાત સામે આવી હતી કે નીલેશ કુંભાણીના ટેકેદારો તરીકે જે ચાર વ્યક્તિઓએ સહી કરી હતી તેમાંથી ત્રણ લોકોએ સોગંદનામું કર્યું હતું કે તેમણે આ ફૉર્મમાં સહી કરી નથી. આથી, કલેક્ટરે નીલેશ કુંભાણી પાસેથી ખુલાસો માગ્યો હતો કે તેમનું આ અંગે શું કહેવું છે. ત્યારબાદ કલેક્ટરે તેમને 21 એપ્રિલ, રવિવારે 11 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નિલેશ કુંભાણીના ટેકેદાર તરીકે રમેશભાઈ બળવંતભાઈ પોલરા, જગદીશ નાગજીભાઈ સાવલિયા અને ધ્રુવિન ધીરુભાઈ ધામેલિયાએ સહીઓ કરી હતી. જગદીશ સાવલિયા નિલેશ કુંભાણીના બનેવી, ધ્રુવિન ધામેલીયા તેમના ભાણેજ અને રમેશ પોલરા તેમના ધંધાનો ભાગીદાર રહ્યા છે. આ ત્રણેય લોકો નીલેશ કુંભાણીની સૌથી અંગત વ્યક્તિઓમાંથી હોવાને કારણે એ સવાલો ઊઠ્યા હતા કે તેમણે આવું કેમ કર્યું? આ ઘટનાક્રમ સામે આવ્યો ત્યારથી તેઓ સંપર્કવિહોણા થઈ ગયા હતા.

કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે કલેક્ટર કચેરી દ્વારા તેમને કશું કહેવામાં આવ્યું નહોતું, મીડિયા દ્વારા જ તેમને ફૉર્મમાં 'ખામી' હોવાની ખબર પડી હતી. તેમણે કહ્યું હતું કે "અમારા ફૉર્મમાં કોઈ ખામી નથી, ટેકેદારોમાં પણ કોઈ ખામી નથી."

ત્યારબાદ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ એવો દાવો કર્યો હતો કે તેમના ઉમેદવારના ટેકેદારોનું અપહરણ કરી લેવામાં આવ્યું છે.

તો નીલેશ કુંભાણીના વકીલ ઝમીર શેખે કહ્યું હતું કે "રિટર્નિંગ અધિકારીએ અમને એક નોટિસ આપી છે કે જે ત્રણ ટેકેદારોના ફૉર્મમાં સહી છે એ ટેકેદારોએ ઍફિડેવિટ આપીને કહ્યું કે ફૉર્મમાં તેમની સહી નથી. આથી અમે સામાન્ય મુદત અરજી આપીને સમય માગ્યો છે અને અમને આવતી કાલનો (રવિવારનો) સમય આપવામાં આવ્યો છે."

નીલેશ કુંભાણી, સુરત, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC/SHEETAL PATEL

તો આપના નેતા ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથેની વાતચીતમાં શનિવારે દાવો કર્યો હતો કે "નીલેશભાઈના ટેકેદારોનું 'અપહરણ' કરીને તેમને ગુપ્ત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે. એમના ફોન ચાલુ નથી. કોઈ વ્યક્તિએ ટેકેદારોને ધાકધમકી આપીને, દબાણ ઊભું કરીને એમની પાસેથી સોગંદનામું લઈને અહીં કલેક્ટર કચેરીએ આપી દીધું છે."

આ દરમિયાન કુંભાણીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ લખાવી હતી અને એમાં પોતાના ટેકેદારોનું અપહરણ થયું હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

'ટેકેદારોના અપહરણ' મામલે ભાજપના નેતા અને સુરત શહેરના પૂર્વ મેયર જગદીશ પટેલે કહ્યું કે "ચૂંટણી હોય કે ન હોય કૉંગ્રેસના નેતાઓનું કામ ભાજપ પર આક્ષેપો કરવાનું હોય છે. બધાની હાજરીમાં ફૉર્મ ભરવામાં આવ્યાં છે. અચાનક એવું બન્યું કે કૉંગ્રેસના ઉમેદવારોના ટેકેદારોએ સોગંદનામું કર્યું? એ એમના જ માણસો હતા, એમનાં જ ફૉર્મ હતાં. આ બધી વાતમાં ભારતીય જનતા પાર્ટી ક્યાંય નથી."

"જે અધિકારીએ સ્ક્રૂટિની કરવા માટે અમને આમંત્રિત કર્યા એ પૂરતા તેઓ ત્યાં હાજર હતા. આ સિવાય એમની કોઈ ભૂમિકા નહોતી. પણ પોતાની ખામીઓ જીરવી ન શકતી કૉંગ્રેસ પોતે જ્યારે પછડાટ ખાય ત્યારે અન્ય પર આક્ષેપ કરે છે."

આજે શું થયું?

નીલેશ કુંભાણી, સુરત, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC/Rupesh Sonawane

રવિવારે કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી કલેક્ટર કચેરીમાં હાજર થયા હતા. નીલેશ કુંભાણીએ એવો દાવો કર્યો હતો કે તેમના ટેકેદારો હાજર થશે. જોકે, તેમના ટેકેદારો હાજર થયા ન હતા અને રિટર્નિંગ ઑફિસર સામે બંને પક્ષોએ પોતપોતાની દલીલો રજૂ કરી હતી.

આ સુનાવણીમાં શું દલીલ થઈ એ અંગે કૉંગ્રેસ પક્ષના વકીલોએ મીડિયા સાથે વાત કરી હતી. વકીલ બાબુભાઈ માંગુકિયાએ દાવો કર્યો હતો કે આ ટેકેદારોનું અપહરણ થયું છે અને તેમના પર પ્રેશર છે અને તેઓ હાજર થયા નથી.

તેમણે જણાવ્યું હતું, "આવું પહેલાં પણ વિધાનસભાની ચૂંટણી વખતે થયું હતું અને તે સમયે ઉમેદવારનું ફૉર્મ માન્ય રાખવામાં આવ્યું હતું. અમે તેના આધારે અમારી દલીલો મૂકી છે."

બાબુભાઈએ કહ્યું હતું કે, "અમે સુનાવણીમાં કહ્યું છે કે જે ટેકેદારો ગાયબ છે તેમને હાજર કરવા જોઈએ અને પછી જ રિટર્નિંગ ઑફિસરે નિર્ણય લેવો જોઈએ. અમે જેમની હાજરીમાં સહી કરી હતી તે લોકોનું પણ ઍફિડેવિટ રજૂ કર્યું છે."

બીબીસી સહયોગી શીતલ પટેલે આપેલી માહિતી અનુસાર કૉંગ્રેસના વકીલે એવી પણ દલીલ કરી છે કે નોમિનેશન પેપરમાં ફક્ત સહી છે કે નહીં તેટલી જ ઇન્ક્વાયરી થવી જોઇએ, વધારાની કોઈ ઇન્ક્વાયરી કરવાની થતી નથી.

કૉંગ્રેસનો પક્ષ મૂકતાં વકીલ ઝમીર શેખે કહ્યું હતું કે, "કલેક્ટરની સામે આ ત્રણ ટેકેદારો હાજર થયા ત્યારે તેમને કોણ લઈને આવ્યું હતું તેની તપાસ પણ થવી જોઈએ."

આ ઘટનાક્રમ પછી કૉંગ્રેસના જ અનેક નેતાઓએ નીલેશ કુંભાણીની નિષ્ઠા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

કૉંગ્રેસના ઉમેદવાર કેમ શંકાના ઘેરામાં?

આ મામલામાં જે રીતે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે એ જોતાં કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી પર પણ સવાલો ઊઠી રહ્યા છે.

સુરતસ્થિત વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક નરેશ વરિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “આ આખો મામલો શંકાસ્પદ છે અને કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીને પણ તેના માટે જવાબદાર ગણી શકાય. કારણ કે તેમના ટેકેદારો અતિશય નજીકના સંબંધીઓ છે. તમારા સંબંધીઓ જ ફરી જાય અને તેનો તમને અણસાર ન આવે એ કઈ રીતે શક્ય બને? એ સૂચવે છે કે નીલેશ કુંભાણીની પણ આમાં સંડોવણી હોઈ શકે છે.”

નરેશ વરિયાએ કૉંગ્રેસની પરિસ્થિતિ અંગે કહ્યું હતું કે, “આમાં કૉંગ્રેસની પણ નબળાઈ સામે આવી છે. સંગઠન સ્તરે પણ યોગ્ય રીતે નિર્ણય ન લેવાયો. અનેક કાર્યકર્તાઓ અને નેતાઓ પણ ધીમા સ્વરે કહી રહ્યા હતા કે નીલેશ કુંભાણી અમુક વિસ્તારોમાં કાર્યાલયો ખોલતા નથી, પ્રચારમાં શિથિલ દેખાય છે. પરંતુ પક્ષે તેમના પર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો.”

આ સમગ્ર ઘટનાક્રમને લોકશાહીની દૃષ્ટિએ પણ ઘાતક ગણાવતાં તેઓ કહે છે, “આ કિસ્સામાં પોલીસ ફરિયાદ થવી જોઈએ. સહી ખોટી કરી હોય તો નીલેશ કુંભાણી સામે પણ પગલાં ભરવાં જોઈએ. જેમણે પણ રમત રમી હોય તેની સામે ફરિયાદ થવી જોઈએ કારણ કે આ કૃત્યથી લોકશાહીની મજાક બની ગઈ છે. જે લોકો વિપક્ષને મત દેવા માંગતા હોય તેની સાથે પણ વિશ્વાસઘાત થયો છે. લોકોને આવી પરિસ્થિતિમાં શું સમજવું? ક્યાં જવું? ”

આ અંગે નીલેશ કુંભાણીનો સંપર્ક સાધવા પ્રયાસ કરાયો હતો, જોકે, એમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં નિરાશાનો માહોલ

કૉંગ્રેસ સુરત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સુરત બેઠક પર ઘણા દિવસોથી પ્રચાર શરૂ થઈ ચૂક્યો હતો અને ઇન્ડિયા ગઠબંધન હેઠળ કૉંગ્રેસ અને આપ સાથે મળીને પ્રચાર કરી રહ્યાં હતાં.

સુરત કૉંગ્રેસના નેતા હર્ષદ કલ્યાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે, “કૉંગ્રેસના એક કાર્યકર્તા તરીકે મને અત્યંત દુ:ખ થયું છે. શું બોલવું એ મને સમજાતું નથી.”

તેઓ કહે છે કે, “છેલ્લાં ત્રીસ વર્ષમાં સુરતમાં કૉંગ્રેસની પરિસ્થિતિનો હું સાક્ષી રહ્યો છું. આટલાં વર્ષોમાં પહેલીવાર મને એવું લાગી રહ્યું હતું કે માત્ર ઉમેદવાર નહીં, આ વખતે આખી પાર્ટી ચૂંટણી લડી રહી છે. દરેક બૂથ પર અમારા એજન્ટ નીમાઈ ચૂક્યા હતા અને બધી જ તૈયારી થઈ ચૂકી હતી. પ્રચાર પણ સારો ચાલી રહ્યો હતો. હાલમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે નિરાશા છે.”

હર્ષદ કલ્યાણી કહે છે, “અમને ઉમેદવાર પર શંકા ગઈ હતી અને પાર્ટીને અમે જાણ પણ કરી હતી પણ પ્રદેશના નેતાઓને એમ લાગ્યું કે આ તો અફવા છે. લોકસભાની ચૂંટણીનો ઉમેદવાર હોય તો એના પર સ્વાભાવિક છે કે કોઈને સીધી શંકા ન જાય.”

ગઇકાલે સાંજ સુધી નિલેશ કુંભાણી સાથે રહેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ટેલિફોનિક વાતચીતમાં બીબીસી સહયોગી શીતલ પટેલને જણાવ્યું હતું કે નીલેશ કુંભાણી ક્યાં છે તેના વિશે તેમને કોઈ જ માહિતી નથી અને તેઓ પોતે પણ સુરતથી બહાર છે.

વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયા કહે છે, "આ મામલામાં કૉંગ્રેસ પક્ષની સીધી ભૂલ નથી. વિશ્વાસઘાત કોઈપણ કરી શકે છે પરંતુ નજીકના સંબંધીઓએ આ કર્યું હોવાથી હું આમાં નીલેશ કુંભાણીને જવાબદાર ગણું છું."

તેઓ કહે છે, "લોકસભાની ચૂંટણી પૂર્વે કૉંગ્રેસ માટે આ મોટો ઝટકો છે. કૉંગ્રેસે તેમના ઉમેદવાર પર અતિશય વિશ્વાસ મૂક્યો હતો. આનાથી એ સાબિત થયું કે કૉંગ્રેસમાં ભાજપ જેવા નેટવર્કનો અભાવ છે. તેને છેક સુધી આ વાતનો અંદાજ ન આવ્યો. આ ઘટનાથી કૉંગ્રેસે મોટો બોધપાઠ લેવાની જરૂર છે. હજી લોકસભાની ચૂંટણીના છ તબક્કા બાકી છે. અન્ય રાજ્યોમાં આવું ન થાય તેના માટે ચેતી જવું જોઈએ."

ડમી ઉમેદવારના ટેકેદારે પણ આવો દાવો કર્યો

પોતાના મુખ્ય ઉમેદવારનું ફૉર્મ જો કોઈ કારણોસર રદ થાય તો રાજકીય પક્ષ ચૂંટણી ન લડી શકે. આવી પરિસ્થિતિમાં રાજકીય પક્ષો મોટા ભાગની બેઠકો પર ડમી ઉમેદવારને પણ ઉમેદવારી-પત્રક ભરાવે છે.

કૉંગ્રેસ તરફથી સુરેશ પડસાલાએ ડમી ઉમેદવાર તરીકે ફૉર્મ ભર્યું હતું. પરંતુ 'ઇન્ડિયન ઍક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે સુરેશ પડસાલાના પણ મુખ્ય ટેકેદારે આવો જ દાવો કર્યો હતો કે તેમણે આ ફૉર્મ પર સહી કરી નથી. તેમના ટેકેદારનું નામ વિશાલ કોલડિયા છે.

અંતે આજે તેમનું ફૉર્મ પણ રદ કરી દેવામાં આવ્યું હતું.

આવો ઘટનાક્રમ સર્જાતાં કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, “ભાજપ આ પ્રકારના 'હથકંડાઓ' અપનાવીને કૉંગ્રેસને ચૂંટણી જ લડવા દેવા માંગતો નથી.”

તેમણે કહ્યું હતું કે, “ભાજપે કુલ 14 જગ્યાએ અમારા ઉમેદવારોના ફૉર્મમાં વાંધો ઉઠાવ્યો છે. સુરતમાં ભાજપને લાગ્યું કે અહીં કૉંગ્રેસ જીતી જશે એટલે તેમણે પોલીસના માધ્યમથી અમારા ઉમેદવારોના ટેકેદારો પર દબાણ કરીને આવું કૃત્ય કર્યું છે. ચારેય ટેકેદારોએ એકસરખા દાવાઓ કર્યા છે. એ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપે લોકશાહી પર દાગ લગાડ્યો છે અને આ રીતે કૉંગ્રેસને તે ચૂંટણી જ લડવા દેવા માંગતો નથી.”

નીલેશ કુંભાણી કોણ છે?

નીલેશ કુંભાણી, સુરત, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Nilesh Kumbhani/FB

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે નીલેશ કુંભાણી

નીલેશ કુંભાણી છેલ્લા બે દાયકા કરતાં પણ વધુ સમયથી કૉંગ્રેસના કાર્યકર્તા રહ્યા છે. તેઓ ભૂતકાળમાં બે વખત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને એક વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ કૉર્પોરેટર પણ રહી ચૂક્યા છે.

2022ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ તરફથી તેઓ સુરતની કામરેજ વિધાનસભાથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ એ ચૂંટણીમાં તેમની હાર થઈ હતી અને તેઓ માત્ર આઠ ટકા મત મેળવીને ત્રીજા ક્રમે રહ્યા હતા. કામરેજ બેઠક પર ભાજપના નેતા પ્રફુલ પાનશેરિયાનો વિજય થયો હતો અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર રામ ધડુક બીજા ક્રમે રહ્યા હતા.

તેમ છતાં કૉંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી માટે કુંભાણીને ટિકિટ આપી હતી. સુરતમાં તેમના માટે પરેશ ધાનાણી, ગોપાલ ઇટાલિયા, ડૉ. કનુભાઈ કળસરિયા વગેરે નેતાઓ ઇન્ડિયા ગઠબંધન હેઠળ સંયુક્ત સભાઓ પણ કરી ચૂક્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે સુરત લોકસભા બેઠકથી ભાજપે મુકેશ દલાલને ટિકિટ આપી છે. એ પહેલાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ અહીંથી સાંસદ હતા. 1989થી આ બેઠક પર ભાજપનો કબજો છે અને કાંશીરામ રાણા અહીંથી છ વાર ભાજપના સાંસદ તરીકે ચૂંટાયા હતા.