રાહુલ ગાંધી માટે રાયબરેલી બેઠક જીતવી કેટલો મોટો પડકાર? – ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, અનુભવ સ્વરૂપ યાદવ
- પદ, રાયબરેલીથી બીબીસી હિન્દી માટે
કૉંગ્રેસ પાર્ટી લોકોને ચોંકાવનારો નિર્ણય કરશે તેવો શુક્રવાર સવાર સુધી કોઈને અંદાજ પણ ન હતો.
ગુરુવારે મોડી રાત સુધી માનવામાં આવતું હતું કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે અને કૉંગ્રેસ રાયબરેલી બેઠક માટે અસમંજસની સ્થિતિમાં છે. જોકે, ગુરુવારે મોડી રાતે બેઠકમાં જે થયું, તેનો અંદાજ કોઈને પણ ન હતો.
છેલ્લા 15 દિવસથી રાહુલ ગાંધી અને અમેઠીને લઈને ચાલી રહેલી ચર્ચાનો અંત લાવતા રાહુલ ગાંધીએ રાયબરેલીથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. સોનિયા ગાંધીના પ્રતિનિધિ કિશોરીલાલ શર્માને અમેઠીથી ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.
રાહુલ ગાંધીના રાયબરેલીથી ચૂંટણી લડવાના નિર્ણયથી કૉંગ્રેસના નેતાઓ અને રાયબરેલીના લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જોકે, ભાજપના કાર્યકરો દાવો કરે છે કે રાયબરેલીના લોકો રાહુલ ગાંધીને નકારશે.
રાયબરેલીના કૉંગ્રેસ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ

ઇમેજ સ્રોત, ANI
રાહુલ ગાંધીના રાયબરેલીથી ચૂંટણી લડવાના નિર્ણયને લઈને કૉંગ્રેસના નેતાઓમાં પણ ખુશીનો માહોલ છે.
પ્રદેશ કૉંગ્રેસ સમિતિના સભ્ય રાહુલ બાજપેયીએ જણાવ્યું, “રાહુલજી યુવાઓ અને ખેડૂતોની વાત કરે છે અને દેશમાં ભ્રષ્ટાચારી સરકારની સામે રાહુલ ગાંધી લડી રહ્યા છે. તેઓ રાયબરેલીથી લડી રહ્યા છે, તે અમારા માટે સૌભાગ્યની વાત છે.”
રસપ્રદ વાત એ છે કે સોનિયા ગાંધીના પ્રતિનિધિ કિશોરીલાલ શર્માએ 1 મેના રોજ રાયબરેલી અને અમેઠીમાં પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે બેઠક કરી હતી. તેઓ પણ તે બેઠકમાં કાર્યકર્તાને જણાવી ન શક્યા કે રાયબરેલી અને અમેઠીથી કૉંગ્રેસના ઉમેદવાર કોણ હશે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, શુક્રવારે સવારે જ્યારે રાહુલ ગાંધીની રાયબરેલીથી ચૂંટણી લડવાની ખબર મળતાંની સાથે જ જિલ્લા કાર્યાલય પર પાર્ટીના કાર્યકર્તાઓ પર ભીડ ભેગી થવા લાગી.
સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં રાહુલ ગાંધી પોતાનું ઉમેદવારીપત્રક દાખલ કરવા માટે પહોંચ્યા હતા.
રાહુલ ગાંધી જ્યારે ઉમેદવારીપત્રક દાખલ કરવા આવ્યા ત્યારે સમાજવાદી પાર્ટીના કાર્યકરો પણ સામેલ હતા. રાહુલ ગાંધીના રાયબરેલીથી ચૂંટણી લડવાના નિર્ણય પછી કાર્યકરોનું માનવું છે કે તેઓ ઇન્ડિયા ગઠબંધન માટે વડા પ્રધાનના ઉમેદવારને રાયબરેલીથી ચૂંટશે.
કૉંગ્રેસના કાર્યકર મોહમ્મદ અકરમે કહ્યું, “ગાંધી પરિવાર અહીંથી હંમેશાં જીતતો રહ્યો છે. આ વખતે રાહુલ ગાંધી પહેલી વખત અહીથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ ઇન્ડિયા ગઠબંધનનો ચહેરો છે. તેઓ રાયબરેલીથી ઓછામાં ઓછા છ લાખ મતોથી જીતશે.”
રાયબરેલી કૉંગ્રેસની પરંપરાગત બેઠક છે
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાયબરેલી બેઠક ગાંધી પરિવારની પરંપરાગત બેઠક ગણવામાં આવે છે. જોકે, ગાંધી પરિવારે કેટલીક વખત પોતાના નજીકના લોકોને પણ અહીંથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા.
સોનિયા ગાંધી પહેલાં રાજીવ ગાંધીના મિત્ર કૅપ્ટન સતીશ શર્મા રાયબરેલીથી ચૂંટણી લડ્યા હતા. જોકે, સોનિયા ગાંધી 2004થી સતત રાયબરેલીથી સંસદસભ્ય રહ્યાં હતાં.
લોકસભા 2024ની ચૂંટણી પહેલાં સોનિયા ગાંધી રાજ્યસભાનાં સંસદસભ્ય બન્યાં હતાં.
ત્યાર બાદ રાયબરેલીના લોકોમાં જિજ્ઞાસા હતી કે આ વખતે ત્યાંથી ચૂંટણી કોણ લડશે? લગભગ 20 વર્ષથી રાયબરેલીથી સંસદસભ્ય રહેનાર સોનિયા ગાંધીએ રાજ્યસભામાં સંસદસભ્ય બન્યાં પછી રાયબરેલીના લોકોનો આભાર વ્યક્ત કરતો એક પત્ર જાહેર કર્યો હતો.
સોનિયા ગાંધીએ પોતાના લાગણીભર્યા સંદેશમાં અંતમાં લખ્યું, “મને ભરોસો છે કે તમે મને અને મારા પરિવારને દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં સાથ આપશો, જેવી રીતે તમે અત્યાર સુધી આપતા રહ્યા છો.”
પહેલાં ચર્ચા હતી કે રાહુલ ગાંધી અમેઠી અને પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે.
રાહુલ ગાંધીના રાયબરેલીથી ચૂંટણી લડવાના નિર્ણય પાછળની રણનીતિ વિશે વાત કરતા રાયબરેલીના વરિષ્ઠ પત્રકાર મહેશ ત્રિવેદીએ જણાવ્યું, “રાહુલ ગાંધી તેમનાં માતાનો વારસો સંભાળવા આવી રહ્યા છે. આ કૉંગ્રેસ માટે એક સકારાત્મક સંદેશ છે. કિશોરીલાલ શર્મા ગાંધી પરિવારની નજીકના છે. આ કારણે તેઓ પણ અમેઠી બેઠક પર મજબૂતીથી ચૂંટણી લડશે.”
કૉંગ્રેસ કાર્યકરોએ શું કહ્યું?

કૉંગ્રેસ કાર્યકર શકુંતલા મોર્યાએ કહ્યું, “રાયબરેલી બેઠક હંમેશાં કૉંગ્રેસ પાસે જ હતી અને રહેશે.”
તેમણે કહ્યું, “આ સરકારમાં ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે. પાકની હાલત જોયા પછી ખેડૂતોની આંખમાં આંસુ આવી જાય છે. શું આવી સરકાર હોવી જોઈએ? ભારતભૂમિ અને ખેડૂતો માટે કૉંગ્રેસે કામ કર્યું છે, કૉંગ્રેસે નહેરો બનાવી છે. જો આજે નહેરો ન હોત તો ખેડૂતભાઈઓમાં ખેતરના પાકોને લઈને ઉત્સાહ ન હોત.”
“વિદ્યાલયો અને હૉસ્પિટલો પણ કૉંગ્રેસની દેણગી છે. જો મોદીજીએ બનાવેલી કોઈ હૉસ્પિટલ દેખાડો તો અમે ખુશ થઈ જઈશું, અમને કામ જોઈએ. અમને મોદીજીથી કોઈ ઍલર્જી થોડી છે.”
જિલ્લાના પત્રકાર ચાંદ ખાને કહ્યું, “કૉંગ્રેસે રાયબરેલીથી રાહુલ ગાંધી ટિકિટ આપીને માસ્ટર સ્ટ્રૉક માર્યો છે. રાયબરેલી તેમનાં માતાની બેઠક છે અને રાહુલ ગાંધીને દેશના વડા પ્રધાન તરીકે જોવાઈ રહ્યા છે. રાહુલ ગાંધી વાયનાડથી પણ ચૂંટણી લડી રહ્યા છે. જો રાહુલ ગાંધી રાયબરેલી બેઠક છોડશે તો પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ઉમેદવાર બની શકે છે.”
રાયબરેલી ગાંધી પરિવારનો ગઢ રહ્યો છે. ઇંદિરા ગાંધી રાયબરેલીથી સંસદસભ્ય રહીને દેશનાં વડાં પ્રધાન રહી ચૂક્યાં છે.
ઇમરજન્સી પછી 1977ની લોકસભાની ચૂંટણીમાં ઇંદિરા ગાંધી જનતા પાર્ટીના રાજ નારાયણ સામે ચૂંટણી હારી ગયાં હતાં. જોકે, આ હારના સાડા ત્રણ વર્ષમાં રાયબરેલીના લોકોએ 1980માં ઇંદિરા ગાંધીને પાછાં ચૂંટ્યાં હતાં, પરંતુ પછી તેમણે આ સીટ છોડી દીધી અને મેડક સીટ પોતાની પાસે રાખી.
અમેઠીથી કિશોરીલાલ શર્માને મેદાનમાં ઉતારવા અંગે ચાંદ ખાન કહે છે, "અમેઠી કૉંગ્રેસની પ્રાથમિક શાળા છે અને કિશોરીલાલ શર્મા ગાંધી પરિવારના સભ્ય જેવા છે, તેથી તેમને અમેઠીથી ઉમેદવાર બનાવાયા છે."
જ્યારે રાહુલ ગાંધી ઉમેદવારી માટે રાયબરેલી પહોંચ્યા ત્યારે ભાજપ સમર્થકોએ 'રાહુલ ગાંધી ગો બૅક'ના નારા લગાવીને રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો.
વેપારી અને ભાજપ સમર્થક અનુપ ત્રિપાઠીએ કહ્યું, 'જ્યારે રાહુલ ગાંધી ઉમેદવારી માટે રાયબરેલી આવ્યા હતા, ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે છેલ્લાં પાંચ વર્ષથી સંસદસભ્ય હોવા છતાં સોનિયાજી રાયબરેલીમાં નથી આવ્યાં. આ કારણે જ કૉંગ્રેસ માટે ચૂંટણી જીતવી સરળ નહીં રહે.'
ભાજપના દિનેશસિંહ મેદાનમાં

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિનેશસિંહ ફરી એક વાર ચૂંટણી મેદાનમાં છે. તેમણે પણ શુક્રવારે પોતાનું નામાંકન ભર્યું હતું. તેમના નૉમિનેશન વખતે પણ ભાજપ કાર્યકરોની ભીડ જોવા મળી હતી. જોકે, રાહુલ ગાંધીની સરખામણીમાં ઓછી ભીડ જોવા મળી હતી.
ફૉર્મ ભર્યા બાદ તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, "આજે કૉંગ્રેસ રાહુલ ગાંધીની હારથી ડરી ગઈ છે, તેથી જ દરેક વ્યક્તિ તેમની સાથે ઉમેદવારી નોંધાવવા માટે આગળ આવી છે. જ્યારે સોનિયાજી કૉંગ્રેસનાં અધ્યક્ષ નહોતાં અને રાયબરેલીથી સંસદસભ્ય હતાં ત્યારે પાર્ટી અધ્યક્ષને રાયબરેલી આવવાની મંજૂરી કેમ ન આપી? પહેલી વખત રાયબરેલીમાં કૉંગ્રેસના કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષ આવ્યા છે. આ એ વાતનું પ્રતીક છે કે જે લોકો કહેતા હતા કે “ડરો મત”, તેઓ પોતે કેટલા ડરે છે કે તેમની સાથે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને ખડગે આવ્યાં છે. પણ મારી સાથે રાયબરેલીના લોકો આવ્યા છે.”
દિનેશસિંહની ઉમેદવારીમાં રાજ્યના નાયબ મુખ્ય મંત્રી બ્રિજેશ પાઠક પણ હાજર રહ્યા હતા. દિનેશસિંહે એવો પણ દાવો કર્યો છે કે તેમની રેલીમાં લોકોની વધુ ભીડ હતી.
હિન્દુ યુવાવાહિનીના જનરલ સેક્રેટરી મારુત ત્રિપાઠીએ કહ્યું, "આ દિનેશસિંહની ઉમેદવારી નથી, આ એક વિજય સરઘસ છે અને રાહુલ ગાંધીનું ટાટા-ટાટા બાય-બાય પૂરું થઈ રહ્યું છે."
ભાજપના નેતા શશિકાંત શુક્લાએ કહ્યું કે, "કૉંગ્રેસે રાયબરેલીથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે. રાહુલ અમેઠીથી વાયનાડ અને વાયનાડથી રાયબરેલી આવ્યા છે. રાયબરેલીથી તેઓ ઈટાલી જશે. આ હેતુથી અમે આ વખતે ચૂંટણી લડીશું અને ભાજપના ઉમેદવારને જંગી મતોથી જીતાડીને કમળનું ફૂલ ઉગાડીશું.”
ગાંધી પરિવાર વિશે લોકો શું કહે છે?

ઇમેજ સ્રોત, ANI
આમ તો રાયબરેલીમાં ગાંધી પરિવાર પ્રત્યે કોઈ પણ પ્રકારની નારાજગીની લાગણી નથી. યુપીએ સરકાર દરમિયાન સંસદસભ્ય તરીકે સોનિયા ગાંધીના કાર્યકાળ દરમિયાન રાયબરેલીને રેલ કોચ ફેક્ટરી, એઈમ્સ અને એનઆઈએફટી જેવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ મળી હતી.
જોકે, યુપીએ સરકાર જ્યારે કેન્દ્રમાંથી ગઈ ત્યાર બાદ સોનિયા ગાંધીની રાયબરેલીની મુલાકાતો ઓછી થઈ ગઈ. કેન્દ્રમાં સરકારની ગેરહાજરીને કારણે સોનિયા ગાંધી પાસે રાયબરેલીના લોકોને આપવા માટે સાંસદ ફંડ યોજનાઓના લાભો સિવાય બીજું કંઈ જ બચ્યું ન હતું.
ભાજપના નેતાઓએ આ મુદ્દો ઘણી વખત ઉઠાવ્યો છે કે સંસદસભ્ય સોનિયા ગાંધી રાયબરેલીમાં આવતાં નથી. જોકે, તેની અસર રાયબરેલીના સામાન્ય યુવાઓ પર બહુ દેખાતી નથી.
રાયબરેલીના એક યુવક સંજય યાદવે કહ્યું, "રાહુલ ગાંધી રાયબરેલીથી જીતશે તે 100 ટકા પાક્કું છે. અહીં જે કંઈ છે તેમાં કૉંગ્રેસનું યોગદાન છે. ભાજપે છેલ્લાં દસ વર્ષમાં રાયબરેલીમાં કોઈ કામ કર્યું નથી."
અશ્વિની પણ આ વાત સાથે સહમત જણાય છે. તેઓ કહે છે, “રાયબરેલીમાં જે પણ વિકાસ થયો છે તે કૉંગ્રેસે કર્યો છે. ભાજપે 10 વર્ષમાં કંઈ કર્યું નથી. રાહુલ ગાંધી જંગી માર્જિનથી જીતવાના છે.”
સરકારી નોકરીની તૈયારી કરી રહેલી પૂજા પટેલે કહ્યું, "અમે ઇચ્છતાં હતાં કે રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડે અને તેઓ જંગી મતોથી જીતે. તેઓ યુવાઓની વાત કરે છે. અમને તકલીફ થાય છે, નોકરીઓ આવે છે પણ પેપર લીક થાય છે. અમે રાહુલ ગાંધી પાસેથી આશા રાખીએ છીએ, કારણ કે તેઓ વિદ્યાર્થીઓની વાત કરે છે. રાહુલ ગાંધી સરળતાથી જીતી જશે.”
રાયબરેલીના વરિષ્ઠ પત્રકાર સંજય મૌર્યે કહ્યું, "ગાંધી પરિવારમાંથી કોઈ ઉમેદવાર આવશે તેવી લાંબી રાહ અને અટકળો ચાલી રહી હતી. રાહુલજીના આગમનથી ઉત્સાહ વધી ગયો છે. દિનેશ પ્રતાપ ગત વખતે પણ સારી રીતે ચૂંટણી લડ્યા હતા અને તેમને ત્રણ લાખ 68 હજાર મત મેળવ્યા હતા. ગયા વખતે મોદીજીના નામની લહેર હતી. દિનેશ પ્રતાપસિંહ રાજ્ય સરકારમાં મંત્રી છે. જોકે, કોઈ પણ પક્ષ તરફ લહેર દેખાતી નથી તેથી ચૂંટણી રસપ્રદ રહેશે.”
રાયબરેલી બેઠક પર જાતિ સમીકરણ કેવાં છે?
રાયબરેલી બેઠકમાં અંદાજે 18 લાખ મતદારો છે. જોકે જ્ઞાતિના આંકડાઓ અંગે કોઈ નક્કર માહિતી નથી, પરંતુ એક અંદાજ મુજબ સૌથી વધુ દલિત મતદારો રાયબરેલીમાં છે.
રાયબરેલીમાં લગભગ 35 ટકા દલિત મતદારો છે અને તેમાં સૌથી વધુ મતદારો પાસી સમુદાયના છે, જેમની સંખ્યા લગભગ સાડા ચાર લાખ છે.
બ્રાહ્મણ, યાદવ અને મુસ્લિમ મતદારો લગભગ 12-12 ટકા છે. રાજપૂત મતદારોની સંખ્યા લગભગ પાંચ ટકા છે, જ્યારે લોધી મતદારોની સંખ્યા છ ટકા અને કુર્મી મતદારોની સંખ્યા ચાર ટકા છે.












