રાહુલ ગાંધીના રાયબરેલીથી ચૂંટણી લડવાના નિર્ણયની એ અસર જે કૉંગ્રેસ પર પડી શકે

રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અમેઠી, રાયબરેલી, સોનિયા ગાંધી, લોકસભા ચૂંટણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા

છેલ્લા કેટલાક દિવસોથી એ અટકળો લગાવવામાં આવી રહી હતી કે રાહુલ ગાંધી કેરળના વાયનાડની સાથે અમેઠીથી પણ ચૂંટણી લડી શકે છે. તો શું પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલીથી ચૂંટણીમાં ઝંપલાવશે?

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ઉમેદવવારીપત્રક ભરવાના છેલ્લા દિવસે સવારે જ એ સમાચાર સામે આવ્યા કે રાહુલ ગાંધી કૉંગ્રેસનો ગઢ ગણાતા અમેઠીથી નહીં પરંતુ રાયબરેલીથી ચૂંટણી લડશે, જ્યારે પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડે.

અમેઠીથી ભાજપનાં સાંસદ સ્મૃતિ ઈરાની સામે કૉંગ્રેસે ગાંધી પરિવાર સાથે જોડાયેલા કિશોરીલાલ શર્માને ઉતાર્યા છે. અમેઠી અને રાયબરેલીની બેઠકોને ગાંધી પરિવારનો ગઢ ગણવામાં આવે છે. ફિરોઝ ગાંધી રાયબરેલીથી અહીં 1952 અને 1957માં ચૂંટાયા હતા.

ઇંદિરા ગાંધી રાયબરેલીથી જ ચૂંટણી લડીને લોકસભામાં ગયા હતા, જ્યારે સંજય ગાંધી અમેઠીથી જીતીને સંસદમાં પહોંચ્યા હતા.

સંજય ગાંધીના મૃત્યુ પછી રાજીવ ગાંધી પણ 1981માં અમેઠીથી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. વર્ષ 1999માં સોનિયા ગાંધીએ પણ અમેઠીથી જ રાજકારણમાં ડગ માંડ્યા હતા. ત્યાર બાદ અમેઠીથી રાહુલ ગાંધીએ ચૂંટણી લડી હતી.

રાહુલ ગાંધીના અમેઠીને બદલે રાયબરેલીથી ચૂંટણી લડવાના નિર્ણયને કારણે અનેક લોકો આશ્ચર્યમાં છે જ્યારે કેટલાક લોકો તેમાં રાજકીય તર્ક શોધી રહ્યા છે. કેટલાક લોકો આ નિર્ણયથી સહમત પણ છે.

આ દરમિયાન કૉંગ્રેસ અને રાહુલ ગાંધીને સતત પડકાર ફેંકનાર સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે 'ચૂંટણી પહેલાં જ કૉંગ્રેસે પોતાની હાર સ્વીકારી લીધી છે.'

વડા પ્રધાન મોદીએ શું કહ્યું?

રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અમેઠી, રાયબરેલી, સોનિયા ગાંધી, લોકસભા ચૂંટણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું હતું કે, “આ લોકો ફરી-ફરીને સૌને કહી રહ્યા હતા કે ડરો નહીં. હું પણ તેમને આજે કહેવા માંગું છું ડરો નહીં, ભાગો નહીં.”

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સવાલ એ છે કે નરેન્દ્ર મોદીને સતત ત્રીજીવાર વડા પ્રધાન બનતા રોકવાની કોશિશ કરી રહેલા વિપક્ષ પર આ નિર્ણયની શું અસર થશે? આ સાથે જ કૉંગ્રેસના સહયોગી પક્ષો આ અંગે શું વિચારે છે એ પણ સમજવું જરૂરી છે.

ચૂંટણી વિશેષજ્ઞ યશવંત દેશમુખ કહે છે કે તેમને આ નિર્ણય સમજાયો નથી અને આ નિર્ણય લેવા પાછળ શું રાજકીય ગણતરી છે તે અંગે પણ શંકા છે. તેઓ કહે છે, “તમે સામે ચાલીને નેરેટિવ આપ્યું કે તમે ભાગી ગયા. અત્યાર સુધીમાં માત્ર બે તબક્કાનું જ મતદાન થયું છે. હજુ સુધી પાંચ રાઉન્ડ બાકી છે.”

બીજી તરફ અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સના પોલિટિકલ એડિટર વિનોદ શર્મા કહે છે કે, “એક વાત તો સ્પષ્ટ છે કે તેઓ (રાહુલ ગાંધી) ઉત્તર પ્રદેશથી ભાગ્યા નથી પરંતુ બીજી તરફ લોકો એવું કહેશે કે તેઓ અમેઠીથી ભાગ્યા છે. હવે આ પ્રૉપેગૅન્ડાનો મુકાબલો કરવા માટે કૉંગ્રેસ શું વલણ અપનાવે છે એ જોવું રહ્યું.”

કૉંગ્રેસના પૂર્વ પ્રવક્તા સંજય ઝાને પણ પ્રિયંકાનો ચૂંટણી ન લડવાનો નિર્ણય અને રાહુલનો અમેઠીથી ન લડવાના નિર્ણય પાછળનું ગણિત સમજાતું નથી. તેઓ કહે છે કે, “માની લો કે રાહુલ ગાંધી અમેઠીથી હારી ગયા હોત તો એમાં શું મોટી વાત છે? તેઓ ગત ચૂંટણીમાં પણ હારી ગયા હતા. એમણે અમેઠીથી જ લડવું જોઈતું હતું.”

લેખક અને પત્રકાર રશીદ કિદવઈ પ્રમાણે કૉંગ્રેસે જેટલા પણ સર્વે કરાવ્યા તેમાં તેમને નહેરુ-ગાંધી પરિવારના સદસ્ય ચૂંટણી લડે તો સ્પષ્ટ જીત અમેઠીને બદલે રાયબરેલીમાં દેખાઈ હતી. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેઓ કહે છે, “જ્યારે કૉંગ્રેસ અને સપાનું ગઠબંધન થયું હતું ત્યારે પણ અખિલેશ યાદવનો આગ્રહ હતો કે પરિવારનો કોઈને કોઈ સદસ્ય અહીંથી ચૂંટણી લડે. ગઠબંધનના દબાણને કારણે જ રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે.”

સમાજવાદી પાર્ટીના પ્રવક્તા ઘનશ્યામ તિવારી અનુસાર કૉંગ્રેસ પક્ષનો નિર્ણય સમજણ બહારનો છે અને આ નિર્ણયનો સમય પણ યોગ્ય નથી. તેઓ કહે છે, “આ નિર્ણય સમજની બહાર છે, કારણ કે તેની પાછળનો તર્ક સમજાતો નથી. અમેઠી જેવી બેઠકોને લઈને તમને એવી આશા હોય છે કે તેના વિશે નિર્ણય બહુ વહેલો લેવાશે અને તેના કારણે તમારા સહયોગી પક્ષોમાં પણ જોશ આવે તેવી સંભાવના હોય છે. પરંતુ નિર્ણય છેલ્લા સમયે લેવામાં આવ્યો અને આ નિર્ણય રાજકીય તર્ક-સમજથી પરે હોય તો પાર્ટી કાર્યકર્તાઓ તેનાથી ઉત્સાહિત નહીં હોય.”

નિર્ણયનું કારણ શું છે?

રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અમેઠી, રાયબરેલી, સોનિયા ગાંધી, લોકસભા ચૂંટણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

કૉંગ્રેસ નેતાઓને સતત પત્રકારો સવાલો પૂછી રહ્યા હતા કે અમેઠી અને રાયબરેલીને લઈને જાહેરાત કરવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે.

હિન્દુસ્તાન ટાઇમ્સના વિનોદ શર્મા કહે છે, “અપેક્ષા તો એવી હતી કે રાહુલ ગાંધી સ્મૃતિ ઈરાની સામે અમેઠીથી લડશે. મોટા ભાગના પત્રકારો એટલે નિરાશ છે કારણ કે તેમને આ લડાઈનું મજેદાર કવરેજ કરવાની આશા હતી.”

તેઓ કહે છે, “હવે અમેઠીથી કિશોરીલાલ શર્માને જીતાડવા એ ગાંધીપરિવારની જવાબદારી બની ગઈ છે કારણ કે સ્મૃતિ ઈરાની પણ આપબળે જીત્યાં ન હતાં. તમને યાદ હશે કે જ્યારે કોઈએ પ્રિયંકા ગાંધીને સ્મૃતિ ઈરાની વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે 'સ્મૃતિ કોણ છે. ' ત્યારે વડા પ્રધાને કહ્યું હતું કે 'એ મારી બહેન છે. 'સ્મૃતિ ઈરાનીની જીતમાં વડા પ્રધાને પોતે જ બાજી લગાવી હતી. આ જ રીતે કિશોરીલાલની જીત માટે ગાંધી પરિવારે પોતાનો દાવ લગાવવો પડશે.”

સ્મૃતિ ઈરાનીએ વર્ષ 2004થી લઈને 2019 સુધી અમેઠીનું પ્રતિનિધિત્ત્વ કરનાર રાહુલ ગાંધીને 2019ની લોકસભા ચૂંટણીમાં 55 હજાર કરતાં પણ વધુ મતોથી હરાવ્યા હતા. એ બાદ રાહુલ ગાંધીએ કેરળના વાયનાડથી પણ ચૂંટણી લડી હતી, જ્યાંથી તેઓ સાંસદ છે.

રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અમેઠી, રાયબરેલી, સોનિયા ગાંધી, લોકસભા ચૂંટણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

યશવંત દેશમુખ કહે છે, "જો રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી જીત્યા પછી વાયનાડ બેઠક ખાલી કરે તો મને નથી લાગતું કે કેરળના રાજકારણ પ્રમાણે તે બહુ યોગ્ય નિર્ણય ગણાશે. માની લો કે વાયનાડમાં પેટાચૂંટણી થાય અને ડાબેરીઓ વાયનાડથી જીતે તો એ કૉંગ્રેસ માટે સારા સમાચાર ગણાશે?”

સતત આવી રહેલી ટિપ્પણીઓ પર કૉંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ટ્વીટ કર્યું, "રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશથી ત્રણ વખત અને કેરળમાંથી એક વખત સાંસદ બન્યા, પરંતુ મોદીજી વિંધ્યાચલથી નીચે જઈને ચૂંટણી લડવાની હિંમત કેમ ન દાખવી ન શક્યા?"

કૉંગ્રેસના પૂર્વ પ્રવક્તા સંજય ઝા કહે છે, "મને ખબર છે કે તે આ નિર્ણય પાછળ કૉંગ્રેસનો શું વિચાર રહ્યો હશે. તેમણે વિચાર્યું હશે કે આ ચૂંટણીમાં રાહુલ ગાંધીની સ્પર્ધા વડા પ્રધાન મોદી સાથે છે. તેઓ ઈચ્છતા નથી કે એવું નેરેટિવ સેટ થાય કે રાહુલ ગાંધીની રાજકીય હરીફ સ્મૃતિ ઈરાની છે."

બીજી તરફ, યશવંત દેશમુખ તેને એક મોટો સવાલ માને છે કે રાયબરેલી જેવી સલામત બેઠક પર કૉંગ્રેસ આવો દાવ કેમ રમી રહી છે? તેઓ કહે છે, "રાયબરેલી એવી સલામત બેઠક કે જ્યાં સોનિયાજી હમણાં જ આવીને કહે છે કે 'હું હવે નિવૃત્ત થઈ રહી છું અને ભવિષ્યમાં આ વ્યક્તિ તેને સંભાળશે.' પ્રજા લાઈનમાં ઊભા રહીને તેને એમ જ મત આપી આવશે. તમે આવી સલામત બેઠકને બરબાદ કેમ કરી રહ્યા છો? આ એક મોટી ભૂલ છે. આ નિર્ણયથી વિપક્ષની આશાઓ પર મોટી અસર પડશે. તેમણે અખિલેશ (યાદવ)ને પણ આનાથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. આજે રાહુલ ગાંધી કરતાં પણ વધુ નાખુશ તેજસ્વી યાદવ અને તૃણમૂલ કૉંગ્રેસ હશે."

જ્યારે બીબીસીએ આ મામલે તૃણમૂલ કૉંગ્રેસ પાસેથી પ્રતિક્રિયા માંગી તો જવાબ મળ્યો કે તેમને આ બાબતે કંઈ કહેવાનું નથી.

આરજેડીના એક નેતાએ કહ્યું કે રાહુલ ગાંધીએ અમેઠીથી અને પ્રિયંકા ગાંધીએ રાયબરેલીથી ચૂંટણી લડવી જોઈતી હતી. તેનાથી લોકોમાં સારો સંદેશ નહીં જાય. તેમણે કહ્યું, "જો રાહુલ અમેઠીથી અને પ્રિયંકા રાયબરેલીથી ચૂંટણી લડ્યાં હોત તો એનાથી ઉત્તર પ્રદેશમાં મદદ મળી હોત. જાણીતા લોકોને ચૂંટણી લડવી જ પડે છે. લોકશાહીમાં ચૂંટણી દ્વારા જ તમારું કદ નક્કી થાય છે."

પ્રિયંકાનું ચૂંટણી ન લડવું

રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અમેઠી, રાયબરેલી, સોનિયા ગાંધી, લોકસભા ચૂંટણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી કેમ નથી લડી રહ્યાં એ પણ ચર્ચાનો વિષય છે. જે રીતે તેઓ વડા પ્રધાન મોદી અને ભાજપ પર જબરદસ્ત પ્રહારો કરી રહ્યા છે તેનાથી તેમનું કૉંગ્રેસ અને વિપક્ષના સમર્થકોમાં કદ વધ્યું છે.

પ્રિયંકાના ચૂંટણી ન લડવા અંગે વિનોદ શર્મા કહે છે, “તેમનામાં ક્ષમતા અને કૌશલ બંને છે અને તેમની એક રીતે જોઇએ તો ખોજ થઈ છે.” પરંતુ તો પછી તેઓ લોકસભાની ચૂંટણી કેમ નથી લડી રહ્યા? વિનોદ શર્મા પૂછે છે કે જો દરેક લોકો પોતાની લોકસભા બેઠક સાથે જોડાયેલા રહેશે તો પ્રચાર કોણ કરશે?

રશીદ કિદવઈ કહે છે, "જ્યાં પણ ચૂંટણીઓ હજુ બાકી છે ત્યાં મહારાષ્ટ્ર, બિહાર, બંગાળ એમ દરેક જગ્યાએ પ્રિયંકા ગાંધીની માંગ છે, અને ભારે માંગ છે. સોનિયા ગાંધી હજુ પ્રચાર માટે ગયાં નથી. કૉંગ્રેસમાં ગાંધી પરિવાર સિવાય મલ્લિકાર્જુન ખડગે (પ્રચાર માટે) જાય છે પરંતુ તેમની કોઈ માંગ નથી, તેમનો કોઈ ક્રેઝ નથી."

રાશિદ કિદવઈના કહેવા પ્રમાણે, પ્રિયંકા ગાંધી ઇચ્છે છે કે ફોકસ માત્ર રાહુલ ગાંધી પર જ રહે. તેઓ એક સવાલ પણ પૂછે છે કે, "વર્ષ 2019માં જ્યારે રાહુલ ગાંધી અમેઠી અને વાયનાડથી લડ્યા હતા, તે સમયે પણ એવું કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી જે બેઠક છોડશે ત્યાંથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે. હવે પણ પડદા પાછળ એવું જ કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી વાયનાડ છોડવા માંગતા નથી અને રાયબરેલી જીત્યા પછી પ્રિયંકાને સીટ સોંપી દેશે. પણ મારું માનવું છે કે પ્રિયંકાને છ મહિના પછી ચૂંટણી લડવાની હોય તો તેમને અત્યારે જ લડવી જોઈએ.”

બીજી તરફ, સંજય ઝાનું માનવું છે કે પ્રિયંકા ગાંધીનો ચૂંટણી ન લડવાનો નિર્ણય બિલકુલ ખોટો છે.

ચૂંટણીમાં પ્રભાવ પડશે?

સમાજવાદી પાર્ટીના પ્રવક્તા ઘનશ્યામ તિવારીનું માનવું છે કે આ નિર્ણયથી દેશના રાજકારણ પર કોઈ અસર નહીં થાય કારણ કે "આ ચૂંટણી એક બેઠક અને એક ઉમેદવાર પર નિર્ભર નથી." તેઓ કહે છે, "એવું નથી કે આ ચૂંટણી મોદી વિરુદ્ધ રાહુલની જ છે. આ ચૂંટણી મોદી અને સામાન્ય લોકો વચ્ચે છે. જ્યાં બેરોજગારી, મોંઘવારી જેવા અન્ય મુદ્દાઓ પણ મહત્ત્વપૂર્ણ છે."

અમુક લોકો એવું પણ વિચારી રહ્યા છે કે લોકસભાની ચૂંટણી તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ, મમતા બેનરજી, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, સ્ટાલિન અને અરવિંદ કેજરીવાલની પાર્ટીની ચૂંટણી છે અને જો આ પ્રાદેશિક પક્ષોનું પ્રદર્શન સારું રહેશે તો ભાજપ સામે પડકારો વધશે.

સંજય ઝા કહે છે, "તાજેતરના નિર્ણયની આ ચૂંટણી પર બહુ અસર નહીં થાય. પરંતુ એક ધારણા જરૂર ઊભરશે કે કૉંગ્રેસમાં વિશ્વાસનો અભાવ છે."