અટલ બિહારી વાજપેયી : નહેરુને વંદનીય ગણતા સ્વયંસેવક, નરેન્દ્ર મોદીને ‘રાજધર્મ’ શીખવનાર વડા પ્રધાન

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સિદ્ધનાથ ગાનૂ
- પદ, બીબીસી સંવાદદાતા
"વાજપેયી સારા માણસ છે, પણ તેમનો પક્ષ બરાબર નથી.." લોકસભામાં વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવતી ટીકાની વાત વડા પ્રધાન પોતે કરી રહ્યા હતા.
"બરાબર છે..હા, તે સાચું છે", વિરોધ પક્ષની બૅન્ચ પરથી અવાજ આવ્યો અને વાજપેયીએ તરત જવાબ આપ્યોઃ "..તો તમે આ સારા વાજપેયી સાથે શું કરવાનું નક્કી કર્યું છે?"
પરિસ્થિતિ ગમે તેટલી ગંભીર હોય, પણ રમૂજ વડે તણાવ ઓછો કરવાની, કટ્ટર વિરોધીઓ સાથે પણ સંવાદ સાધવાની ક્ષમતા અટલ બિહારી વાજપેયીના વ્યક્તિત્વ તથા પર્યાય હતી. વડાપ્રધાન તરીકેની તેમની કારકિર્દીનું અવિભાજ્ય પાસું હતી.
તેમની ગણતરી ભારતીય જનતા પક્ષના ટોચના નેતાઓમાં થતી હતી, પરંતુ વાજપેયી માટે પંડિત જવાહરલાલ નહેરુ વંદનીય હતા. બાંગ્લાદેશ યુદ્ધ પછી વાજપેયીએ ઇંદિરા ગાંધીના વખાણ કર્યાં હતા, પરંતુ એ જ ઇંદિરા ગાંધીએ કટોકટીનો વિરોધ કરવા બદલ વાજપેયીને જેલમાં ધકેલ્યા હતા. તેમની મુક્તિ પછી દેશભરમાં તેઓની જોરદાર ટીકા થઈ હતી.
બાળપણ ઉત્તર પ્રદેશમાં અને યુવાની મધ્ય પ્રદેશમાં વિતાવીને પોલિટિકલ સાયન્સ, કાયદા તથા પત્રકારત્વમાં રસ ધરાવતા વાજપેયીએ રાજકારણમાં ઝંપલાવ્યું હતું, પરંતુ હૃદયથી તેઓ કવિ હતા. અનેક વિરોધાભાસને સંતુલિત કરીને વાજપેયીએ ત્રણ વખત દેશનું નેતૃત્વ કર્યું હતું.
ભાજપ અને સંઘ પરિવારના અન્ય નેતાઓ પોતાની હિંદુ ઓળખને ખુલ્લેઆમ દર્શાવવા તૈયાર હતા ત્યારે વાજપેયી તેમનું જમણેરી ઝુકાવ ધરાવતું મધ્યમમાર્ગી રાજકારણ છોડવા તૈયાર ન હતા.
1977માં જનતા પક્ષના માધ્યમથી વાજપેયી પહેલીવાર સત્તામાં આવ્યા હતા, પરંતુ જનતા સરકાર અલ્પજીવી રહી હતી. ઇંદિરા ગાંધીનું સત્તામાં પરત આવવું તથા હત્યા, રાજીવ ગાંધીનો ઉદય તથા પતન અને નરસિંહ રાવ સરકારના પાંચ વર્ષમાં ભાજપે કારમી હારમાંથી ભારતીય રાજકારણના બીજા ધ્રુવ તરીકેની ઓળખ સ્થાપિત કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
‘સૌમ્ય’ વાજપેયીના નેતૃત્વને બાયપાસ કરીને બીજેપીનો કાર્યભાર લાલકૃષ્ણ અડવાણીના ખભા પર આવ્યો. અડવાણીએ તેમની સંગઠનાત્મક કુશળતા અને સોમનાથથી અયોધ્યા યાત્રા સુધીના આક્રમક હિંદુત્વ અભિયાનથી ભાજપમાં નવા પ્રાણ ફૂંક્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એ સમયના મોટાભાગના રાજકીય વિશ્લેષકો જણાવે છે કે અડવાણીના નેતૃત્વમાં ભાજપ જે તરફ જઈ રહ્યો હતો તેનાથી વાજયેપી ખુશ ન હતા, પરંતુ તેમણે જાહેરમાં ક્યારેય વિરોધ કર્યો ન હતો.
ભાજપના તત્કાલીન અધ્યક્ષ મુરલી મનોહર જોશી અયોધ્યા પહોંચ્યા તેના એક દિવસ પહેલાં પાંચમી ડિસેમ્બરે રથયાત્રાના નાયક અડવાણી લખનૌ આવવાના હતા. વાજપેયીએ લખનૌના સંસદસભ્ય તરીકે અમિનાબાદના ઝંડાવાલા પાર્કમાં યોજાયેલી સભામાં હાજરી આપી હતી. ત્યાં સુધી રથયાત્રા તથા કારસેવાથી દૂર રહેલા વાજપેયીએ તે સભામાં વિલક્ષણ ભાષણ આપ્યું હતું.
વાજપેયીએ ઉચ્ચારેલા કેટલાક વાક્યો સાંકેતિક હતાં. તેમણે કહ્યું હતું, “સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તમે ભજન-કિર્તન કરી શકો છો..પણ તે ઉભા રહીને ન કરી શકાય..બેસવા માટે જગ્યા કરવી પડશે..ત્યાં તીક્ષ્ણ પથ્થરો છે..જમીન સમતળ કરવી જ પડશે.”
વાજપેયીએ આગળ કહ્યું હતું, “કાલે ત્યાં શું થશે તેની મને ખબર નથી. હું અયોધ્યા જવા ઈચ્છતો હતો, પણ મને કહેવામાં આવ્યું છે કે તેમે દિલ્હી જાઓ. હું આદેશનું પાલન કરીશ.”
વાજપેયીએ ત્યાં સુધી રામજન્મભૂમિ આંદોલનથી અંતર રાખ્યું હતું, પરંતુ તેમના આ ભાષણને લીધે તે અંતર ખતમ થઈ ગયું હતું. રામજન્મભૂમિ આંદોલનને વાજપેયીનો ટેકો ન હોવાની અટકળ શમી ગઈ હતી. બીજા દિવસે જે કંઈ પણ થશે તેના માટે આને વાજપેયીનું પરોક્ષ સમર્થન ગણવામાં આવ્યું હતું.
બાબરી મસ્જિદના ધ્વંસની વાજપેયીએ તત્કાળ ટીકા કરી હતી. રથયાત્રા અને 1993ના રમખાણો પછી ભાજપે સંગઠિત હિંદુત્વની રાજનીતિ સફળતાપૂર્વક સ્થાપિત કરી હતી, પરંતુ એક મોટો વર્ગ ભાજપને શંકાની નજરે જોતો હતો. ભાજપના રથને સત્તા સુધી પહોંચાડવા માટે વધુ હાથની જરૂર હતી અને એ માટે પક્ષને ‘સૌમ્ય’ વાજપેયીની ફરી જરૂર જણાઈ હતી.

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્ક મેદાનમાં 1995ની 12 નવેમ્બરે ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ થયું હતું. પક્ષ પ્રમુખ અડવાણીએ એક અણધારી જાહેરાત કરી હતી. આગામી ચૂંટણી માટે અટલ બિહારી વાજપેયીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા હતા.
બે મહિના પછી હવાલા પ્રકરણ બહાર આવ્યું હતું. અડવાણી પર આરોપ હોવા છતાં, 1996ની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવ્યો હતો. રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્માએ વાજપેયીને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. ભાજપ કેન્દ્રમાં સત્તા પર આવ્યો હતો, પરંતુ ત્યાં ટકી રહેવા માટે અન્ય પક્ષોના ટેકાની જરૂર હતી.
વાજપેયી 1996ની 16 મેના રોજ વડાપ્રધાન બન્યા પછીના દસ દિવસમાં બહુમત પૂરવાર કરવામાં સફળ થયા ન હતા. વાજપેયીએ લોકસભામાં વિશ્વાસ મતના પ્રસ્તાવ વખતે સંબોધન કરતાં સ્વીકાર્યું હતું કે તેમની પાસે પૂરતું સંખ્યાબળ નથી. તેની સાથે વિપક્ષી ગઠબંધનમાંના આંતરિક મતભેદોને દર્શાવવાની તક પણ તેમણે ઝડપી લીધી હતી. વાજપેયીના આજ સુધીના અનેક પ્રસિદ્ધ ભાષણોમાં એ ભાષણનો ઉલ્લેખ સૌથી પહેલાં થાય છે. વાજપેયીએ તે ભાષણ પછી રાજીનામું આપી દીધું હતું. એમની સરકાર ભારતના ઈતિહાસમાંની સૌથી અલ્પજીવી સરકાર બની હતી.
વાજપેયીની 13 દિવસની સરકારના પતન પછીના ટૂંકા ગાળામાં દેશમાં વિવિધ ગઠબંધનોની સરકારો રચાઈ હતી અને છેવટે 1998માં ફરી એકવાર ચૂંટણી યોજાઈ હતી. ભાજપ ફરી એકવાર લોકસભામાં સૌથી મોટો પક્ષ બન્યો હતો અને વાજપેયી વડાપ્રધાન બન્યા હતા. 1996ના 13 દિવસમાં જે શક્ય ન હતું તે આ વખતે શક્ય બન્યું હતું. વાજપેયીએ 13 પક્ષોને સાથે લઈને નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) સરકાર બનાવી હતી.
1996ની એનડીએ સરકાર 13 મહિના સુધી ચાલી હતી, પરંતુ એ 13 મહિનામાં વાજપેયીને તેમના સાથી પક્ષોએ જ ઘણીવાર મુશ્કેલીમાં મૂક્યા હતા. તત્કાલીન રાષ્ટ્રપતિ કે આર નારાયણને વાજપેયીને બહુમતીના ટેકાનો પત્ર આપવા જણાવ્યું હતું. એઆઈડીએમકેના નેતા જયલલિતાએ વાજપેયીને ટેકો આપ્યો હતો, પરંતુ સમર્થન પત્ર માટે તેમને મનાવવા પડ્યાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
એનડીએ સરકાર સત્તામાં આવી પછી પણ જયલલિતા એક કે બીજા કારણસર નારાજ રહેતાં હતાં અને વાજપેયીએ તેમને મનાવવા પડતાં હતાં.
જયલલિતાએ એનડીએના કોમન મિનિમમ પ્રોગ્રામમાંથી ભાજપના રામ મંદિર, કલમ 370, કેબિનેટમાંથી રામ જેઠમલાનીને પડતા મૂકવા અને ડીએમકેને બરખાસ્ત કરવા જેવી માગણી જેવા અનેક મુદ્દે પણ સરકારને મુશ્કેલીમાં મુકી હતી.
જયલલિતા વાજપેયીને સંદેશો મોકલ્યો હતો કે તેમની સંપત્તિ બાબતે પહેલાંથી ચાલી રહેલી તપાસ બાબતે સરકારે કંઈક કરવું જોઈએ. આ વિશેના પુરાવા તત્કાલીન નાણાપ્રધાન યશવંત સિંહાએ આપ્યા છે.
એક પછી એક રાજકીય સંકટનો સામનો કરી રહેલી વાજપેયી સરકારે ઓક્ટોબર 1999માં ફરી એકવાર વિશ્વાસનો મત મેળવવો પડ્યો હતો.
નૌકાદળના તત્કાલીન વડાને બરતરફ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને કારણે રાજધાનીમાં અભૂતપૂરવ ડ્રામા સર્જાયો હતો. જયલલિતાએ આ અંગે સંસદીય તપાસની અને સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિઝને બરતરફ કરવાની માંગ કરી હતી.
વાજપેયીએ ના પાડી કે તરત જ એઆઈડીએમકે સરકારમાંથી નીકળી ગયો હતો. વિશ્વાસના મતની અત્યાર સુધીની સૌથી મોટી રસાકસી એ વખતે જોવા મળી હતી. વાજપેયીની એનડીએ સરકારની તરફેણમાં 269 અને વિરોધમાં 270 મત પડ્યા હતા.
વાજપેયી સરકાર એક મતથી હારી ગઈ હતી. માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ સમર્થનનું વચન આપીને આખરે ફેરવી તોળ્યું હતું. નેશનલ કોન્ફરન્સના સૈફુદ્દીન સોઝે પક્ષના આદેશની અવગણના કરી હતી અને સરકાર વિરુદ્ધ મતદાન કર્યું હતું. કોંગ્રેસના ગિરિધર ગોમાંગ બે મહિના પહેલાં ઓડિશાના મુખ્યપ્રધાન બન્યા હોવા છતાં મતદાનમાં હાજર રહ્યા હતા.
મુખ્યપ્રધાન બન્યા પછી પણ ગિરિધર ગોમાંગે સંસદસભ્ય પદેથી રાજીનામું આપ્યું ન હતું. ગોમાંગ ગેરહાજર રહ્યા હોત તો મતદાનમાં ટાઈ થઈ હોત અને લોકસભાના અધ્યક્ષે સરકાર બચાવવા માટે પોતાનો મત આપ્યો હોત, પરંતુ એવું થયું ન હતું.
વાજપેયી સરકારના પતન પછી વિરોધ પક્ષના નેતા સોનિયા ગાંધી પણ તેમની બરાબરી કરી શક્યા ન હતાં. ફરી ચૂંટણી યોજાશે તે સ્પષ્ટ હતું. વાજપેયીની 13 પક્ષોની ગઠબંધન સરકાર 13 મહીનામાં તૂટી પડી હતી. એ 13 મહિનામાં વાજપેયીની સૌથી મોટી સફળતા અણુબોમ્બનું પરીક્ષણ હતી.
પોખરણ અણુવિસ્ફોટ અને ‘બોમ્બ’ની કવિતા

ઇમેજ સ્રોત, Getty Images
વાજપેયી શરૂઆતથી જ પરમાણુ શસ્ત્ર સજ્જતાના સમર્થક હતા. ઈંદિરા ગાંધીએ 1974માં પહેલીવાર પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે વાજપેયીએ લોકસભામાં તેમના વખાણ કર્યા હતા.
વાજપેયી 1996માં વડાપ્રધાન બન્યા ત્યારે તેમને નરસિંહ રાવ તરફથી એક લેખિત સંદેશો મળ્યો હતો, જેમાં પરમાણુ કાર્યક્રમ ચાલુ રાખવાની વિનંતી કરવામાં આવી હતી, પરંતુ સરકાર ટકી ન હતી. જોકે, 1998માં સત્તામાં પાછા ફર્યા પછી વાજપેયી પરમાણુ પરીક્ષણ બાબતે મક્કમ હતા.
સત્તામાં આવ્યાના બે મહિના કરતાં પણ ઓછા સમયમાં 1998ની 11, મેના રોજ વાજપેયીએ વિશ્વને પરમાણુ આંચકો આપ્યો હતો. ભારતે પોખરણના રણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. ત્યાં દૂર-દૂર સુધી સપાટ જમીન ન હતી, કાંટાળી ઝાડીઓ માંડ ખભાની ઉંચાઈ જેટલી ઉગતી હતી.
ડો. અબ્દુલ કલામ અને અન્ય વિજ્ઞાનીઓ તેમજ ભારતીય સૈન્યના ઝીણવટભર્યા આયોજનને લીધે ભારતે અમેરિકન ઉપગ્રહો અને દુનિયાભરની જાસુસી એજન્સીઓને મૂર્ખ બનાવીને સફળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ કર્યું હતું.
રાજકીય અસ્થિરતાના સમયગાળામાં વાજપેયી એકલા હાથે પરમાણુ પરીક્ષણનું શ્રેય લઈ શક્યા હોત અને તેનો લાભ લઈ શક્યા હોત, પરંતુ વાજપેયીએ સંસદમાં કહ્યું હતું તેમ, એ માત્ર તેમની સરકારનું જ નહીં, પરંતુ અગાઉની સરકારોનું સપનું પણ હતું અને એ માટે તેમણે મહેનત પણ કરી હતી.
ભારતે 11 અને 13 મેના રોજ પાંચ પરમાણુ પરીક્ષણો કર્યાં હતાં. તેનું બેવડું પરિણામ આવ્યું હતું. એક તરફ દેશમાં આનંદનો માહોલ હતો અને બીજી તરફ ભારત પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.
પ્રતિબંધો લાદવામાં આવશે એવી ખબર અગાઉથી હોવાને કારણે વાજપેયીએ નાણા પ્રધાન યશવંત સિંહાને એ મુજબ તૈયારી કરવાની સૂચના આપી હતી.
‘ઓપરેશન શક્તિ’નો ઉત્સાહ અલ્પજીવી સાબિત થયો હતો, કારણ કે પાકિસ્તાને પણ 28 મેના રોજ બલુચિસ્તાનની ચાંગાઈ હિલ્સમાં સફળ પરમાણુ પરીક્ષણ કર્યું હતું.
વાજપેયીએ ફરી એકવાર વાતચીતના દરવાજા ખોલ્યા હતા, કારણ કે બે પરમાણુ શસ્ત્ર સજ્જ રાષ્ટ્રો સાર્વત્રિક યુદ્ધની અણી પર હોવાની આશંકા દુનિયાએ વ્યક્ત કરી હતી.
લાહોરથી આગ્રા વાયા કારગીલ

ઇમેજ સ્રોત, Getty Images
19 ફેબ્રુઆરી, 1999ના રોજ દિલ્હી અને લાહોરને જોડતી સદા-એ-સરહદ બસ સેવા શરૂ કરવામાં આવી હતી અને તેના પ્રથમ રાઉન્ડમાં વડાપ્રધાન વાજપેયીએ એક મોટા પ્રતિનિધિમંડળ સાથે વાઘા બોર્ડર ઓળંગીને પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો.
વાજપેયી અને પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફ ત્યાંથી પ્લેન મારફત લાહોર ગયા હતા, કારણ કે ઇસ્લામી જૂથોની ચેતવણીને ધ્યાનમાં રાખીને તેઓ માર્ગ દ્વારા મુસાફરીનું જોખમ લેવા ઈચ્છતા ન હતા.
વાજપેયીની 1977ની પ્રથમ મુલાકાતના પાકિસ્તાનમાં આજે પણ વખાણ થાય છે. તેમણે લાહોરમાં મહારાજા રણજીત સિંહની સમાધિની મુલાકાત લીધી હતી. મિનાર-એ-પાકિસ્તાનની મુલાકાત લીધી હતી અને ગેસ્ટ બૂકમાં લખ્યું હતુઃ સ્થિર, સુરક્ષિત અને સમૃદ્ધ પાકિસ્તાન ભારતના હિતમાં છે.
પાકિસ્તાનમાં કોઈએ આ બાબતે શંકા ન કરવી જોઈએ. ભારત પાકિસ્તાનનું હિત જ વિચારે છે. પોતાના ભાષણો અને કવિતાઓમાં અખંડ ભારતની વાતો કરનાર વાજપેયી વાસ્તવવાદી હોવાની પ્રતિતિ આ શબ્દોમાં થાય છે.
વાજપેયીના વ્યક્તિત્વને કારણે તેમની ટીકા હિંદુત્વવાદી ભાજપના ઉદારમતવાદી ‘મુખવટા’ તરીકે કરવામાં આવતી હતી.
વાજપેયીની લોકપ્રિયતા જોઈને નવાઝ શરીફે તેમને કહ્યું હતું કે તમે તો પાકિસ્તાનમાં પણ ચૂંટણી જીતી શકો છો. વાજપેયીની એ મુલાકાતને કેટલાક લોકોએ મુત્સદ્દીગીરીનું ઉદાહરણ ગણી હતી, જ્યારે કેટલાક લોકોએ તેને પબ્લિસિટી સ્ટંટ માની હતી. બે દિવસની એ મુલાકાત દરમિયાન વાજપેયી-શરીફે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી અને 21 ફેબ્રુઆરીએ લાહોર ઘોષણાપત્ર પ્રકાશિત થયો હતો.
દાયકાઓનું વેર બાજુ પર મૂકીને ભારત-પાકિસ્તાન વચ્ચે એક નવા અધ્યાયની શરૂઆત થવાની હતી ત્યારે પાકિસ્તાની સૈન્ય પડદા પાછળ કંઈક ભળતી જ યોજના બનાવી રહ્યું હતું.
વાજપેયી અને શરીફ વાઘા તથા લાહોરમાં સહયોગ તેમજ શાંતિની જાહેરાત કરી રહ્યા હતા ત્યારે જનરલ પરવેઝ મુશર્રફ અને પાકિસ્તાની સૈન્ય તેની આગામી કાર્યવાહીની તૈયારી કરી રહ્યા હતા. શિયાળા પહેલાં પાકિસ્તાની ઘૂસણખોરો અને પાકિસ્તાની સેનાના જવાનોએ ભારતીય સરહદે કારગીલ ગામમાં વ્યૂહાત્મક સ્થળે કબજો જમાવ્યો હતો.
જે પાકિસ્તાની લશ્કરે બે મહિના પહેલાં વાજપેયીને લાહોરમાં 21 તોપની સલામી આપી હતી એ જ લશ્કર ઘૂસણખોરોની પાછળ ઊભું હતું. નવાઝ શરીફે કહ્યું હતું કે તેઓ આ બાબતે કશું જાણતા નથી.
લોકસભામાં બહુમત ગુમાવ્યા પછી રખેવાળ વડા પ્રધાન વાજપેયીએ ‘ઓપરેશન વિજય’ની જાહેરાત કરી હતી. ભારતીય સૈન્ય અને વાયુસેનાએ અભિયાન શરૂ કર્યું હતું. અમેરિકા હંમેશની માફક પાકિસ્તાનની પડખે રહેવાને બદલે આ વખતે ભારત પ્રત્યે વધારે સંવેદનશીલ દેખાયું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાન સરકાર દબાણ હેઠળ આવી ગઈ અને પાકિસ્તાનના વિદેશ પ્રધાન સરતાજ અઝીઝ મંત્રણા માટે ભારત આવ્યા, પરંતુ એ પહેલાં ભારતે જનરલ મુશર્રફના કેટલાક રેકોર્ડેડ ફોન કોલ્સ જાહેર કર્યા હતા. ભારતે કહ્યું હતું કે મુશર્રફ અને લેફટનન્ટ જનરલ મોહમ્મદ અઝીઝ વચ્ચેની આ વાતચીત એ વાતનો પુરાવો છે કે શરીફ સરકાર સૈન્ય કાર્યવાહીથી સંપૂર્ણપણે વાકેફ હતી.
જોકે, પાકિસ્તાનનો પર્દાફાશ કરવાની ભારતની આ યોજનાથી મુશર્રફને લાભ થયો હતો. ઓક્ટોબર, 1999માં શરીફ સરકારને ઉથલાવીને મુશર્રફે પાકિસ્તાનની લગામ પોતાના હાથમાં લઈ લીધી હતી.
મુશર્રફ સત્તા પર આવ્યા પછી પાકિસ્તાની શાસન પરની લશ્કરની અત્યાર સુધીની અદૃશ્ય પકડ અધિકૃત થઈ ગઈ હતી. ડિસેમ્બર, 1999માં ઇન્ડિયન ઍરલાઇન્સની ફ્લાઈટ આઈસી 814નું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકર્તાઓની યોજના કાઠમંડુથી દિલ્હી આવી રહેલા તે પ્લેનને પાકિસ્તાનમાં ઉતારવાની હતી, પરંતુ પાકિસ્તાને હાથ ઉંચા કરી દીધા હતા.
અમૃતસરમાં ઈંધણ ભર્યા પછી આઈસી 814એ ફરી ઊડાણ ભરી હતી અને તાલિબાનના તાબા હેઠળના કંદહારમાં ઉતરાણ કર્યું હતું. વિમાનમાં રહેલા 189 લોકોની મુક્તિના બદલામાં અપહરણકર્તાઓએ ભારતની જેલમાં બંધ 36 ઇસ્લામી આતંકવાદીઓની મુક્તિની માગણી કરી હતી.
એ વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં હતું ત્યારે સરકારી એજન્સીઓની પ્રતિક્રિયા બિનઅસરકારક હતી, એવું આ સમગ્ર ઘટના સાથે સંકળાયેલા લોકોના નિવેદનના આધારે કહી શકાય.
અપહરણકર્તાઓને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ અથવા પાકિસ્તાની સૈન્યનું પીઠબળ હતું તે વ્યાપકપણે જાણીતી વાત છે. કારગીલનો બદલો લેવા માટે પાકિસ્તાની સેનાએ આ કૃત્ય કર્યું હોવાનું માનવામાં આવે છે.
તેમ છતાં પાકિસ્તાન સાથેનો સંબંધ સુધારવાનો મનસુબો વાજપેયીએ પડતો મૂક્યો ન હતો. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને 2001માં શીખર પરિષદ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. વાજપેયી માનતા હતા કે "આપણે મિત્રોને પસંદ કરી શકીએ, પાડોશીઓને નહીં."
આગ્રામાં મુશર્રફ સાથે વાટાઘાટ કરીને નિરાકરણ શોધવાની જબરી તૈયારી કરવામાં આવી હતી, પરંતુ લેખક વિનય સીતાપતિ કહે છે તેમ બંને દેશને એકમેકની પરિસ્થિતિની યોગ્ય સમજણ ન હતી.
બંને પક્ષ દ્વારા તૈયાર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનના મુસદ્દામાં કાશ્મીર પર ભાર મૂકવા અને સરહદ પારના આતંકવાદ સામે આંખ આડા કાન કરવાના મુદ્દે વાજપેયી-મુશર્રફ મંત્રણા નિષ્ફળ સાબિત થઈ હતી.
મુશર્રફે એ નિષ્ફળતા માટે અડવાણી અને આડકતરી રીતે સંઘ પરિવાર પર દોષનો ટોપલો ઢોળ્યો હતો, પરંતુ પુરાવા દર્શાવે છે કે વાજપેયીના પ્રધાનમંડળમાં કોઈને પણ તે મુસદ્દો સ્વીકાર્ય ન હતો. પાકિસ્તાન સાથેના સંબંધ સુધારવાનો વાજપેયીનો બીજો પ્રયાસ નિષ્ફળ સાબિત થયો હતો.
2001ના અંતમા ભારતીય સંસદ પરના હુમલા બાદ ભારતે આરોપ મૂક્યો હતો કે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાએ હુમલાની યોજના બનાવી હતી. પાકિસ્તાને ફરી એકવાર હાથ ઉંચા કરી દીધા હતા.
વાજપેયીનું બધું ધ્યાન માત્ર પાકિસ્તાન પર જ કેન્દ્રીત હતું એવું નથી. પાકિસ્તાનની ભૂમિકા ઉપરાંત તેમણે કાશ્મીરમાં સ્થિરતા જાળવવા આંતરિક રાજકીય ઉકેલ શોધવાના પ્રયાસ પણ કર્યા હતા.
ઇન્સાનિયત અને જમ્હુરિયત(માનવતા અને લોકશાહી)ની વાજપેયીની ઘોષણાને કાશ્મીરમાં જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. 2014માં નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા પછી તેમણે ઈન્સાનિયત અને જમ્હુરિયતમાં કાશ્મીરિયતનો ઉમેરો કર્યો હતો.
અલબત, વાજપેયીની માફક નરેન્દ્ર મોદીએ સુસંવાદ ન સાધ્યો હોવાની ટીકા જમ્મુ કાશ્મીરના પક્ષો હજુ પણ કરે છે. વાજપેયીના કાર્યકાળ દરમિયાન કાશ્મીરમાં સાપેક્ષ શાંતિ હતી, મંત્રણાના દરવાજા ખુલ્લા હતા. ભારતની ગુપ્તચર સંસ્થા R&AWના તત્કાલીન વડા એ એસ દુલતના કહેવા મુજબ, બે નેતાઓ – વાજપેયી અને ઓમર અબ્દુલ્લા કાશ્મીરમાં કાયમી શાંતિનો ઉકેલ શોધવામાં સક્ષમ હતા, પરંતુ તે સમયની રાજકીય સ્થિતિને લીધે તે શક્ય બન્યું નહીં.
ભ્રષ્ટાચાર, ગણતરીમાં ગડબડ અને મોદી સાથેનું સમીકરણ

ઇમેજ સ્રોત, Getty Images
સત્તાના અનેક કેન્દ્રોમાં વાજપેયીની ‘સ્વચ્છ છબી’ કાયમ અગ્રેસર રહી હતી. વાજપેયી પર ભ્રષ્ટાચારનો આરોપ ન હતો, પરંતુ તેમના સાથીદારો અને તેમની સરકાર તેમાંથી બચી શકી ન હતી. વાજપેયીના પ્રથમ કાર્યકાળ દરમિયાન અડવાણી પર હવાલા પ્રકરણ સંબંધે આક્ષેપ થયા હતા.
વાજપેયીની ત્રીજી સરકારાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બંગારુ લક્ષ્મણ તેમજ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિઝ પર તહલકાના સ્ટિંગ ઓપરેશનને લીધે અને વાજપેયીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રિજેશ મિશ્રા તથા ‘જમાઈ’ રંજન ભટ્ટાચાર્ય (રાજકુમારી કૌલની પુત્રી નમિતાના પતિ, વાજપેયીની માનસ પુત્રી અને જમાઈ) પર આઉટલૂક સામયિકના એક અહેવાલમાં ભ્રષ્ટાચારના તથા અનુચિત હસ્તક્ષેપના ગંભીર આરોપ મૂકવામાં આવ્યા હતા.
આઉટલૂક સામયિકના તત્કાલીન તંત્રી વિનોદ મહેતાએ તેમના પુસ્તકમાં લખ્યું થે કે આ ગુપ્ત વિસ્ફોટ બાદ તહલકા અને આઉટલૂકના પત્રકારો તથા માલિકોએ તપાસ એજન્સીઓનો સામનો કરવો પડ્યો હતો.
વાજપેયી 15 પક્ષોના ગઠબંધન સાથે સત્તામાં ટકી રહેલા પ્રથમ બિન-કૉંગ્રેસી વડા પ્રધાન બન્યા હતા. તેમણે વિવિધ વિચારધારા અને પ્રાદેશિક અસ્મિતા વચ્ચે સંતુલન સાધીને એનડીએને જાળવી રાખ્યું હતું, પણ કોઈ પણ ગઠબંધનમાં ઘટક પક્ષોની બધી માંગ અને અપેક્ષાઓ સંતોષવી મુશ્કેલ હોય છે.
આ બધી અપેક્ષાઓ કાયદાની કસોટી પર ટકી શકે છે એવું નથી. ફેબ્રુઆરી 1999માં બિહારમાં રાબડી દેવી સરકારને હટાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો ત્યારે આનો અનુભવ વાજપેયી સરકારને થયો હતો.
જહાનાબાદમાં 12 દલિતોની હત્યા પછી કેન્દ્ર સરકારે બિહારમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો નિર્ણય કર્યો હતો. રાષ્ટ્રપતિ સુંદરસિંહ ભંડારીએ આવો અહેવાલ રાષ્ટ્રપતિને મોકલ્યો હતો, પરંતુ રાષ્ટ્રપતિ કે આર નારાયણને તે પ્રસ્તાવ પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે "રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભાંગી પડી હોય એવું લાગતું નથી."
એક તત્કાલીન પત્રકારના જણાવ્યા મુજબ, વાજપેયી પ્રધાન મંડળમાંના સમતા પાર્ટીના નેતા જ્યૉર્જ ફર્નાન્ડિઝ અને નીતિશ કુમાર બિહાર સરકારને બરખાસ્ત કરવાના આગ્રહી હતી. રાજ્યસભામાં બહુમતી ન હોવાને લીધે વાજપેયી સરકારે બિહાર સરકારને બરખાસ્ત કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચવાની જાહેરાત કરવી પડી હતી. બંધારણીય રાજનીતિની કટ્ટર સમર્થક વાજપેયીએ સત્તામાં સાથી દળોને દબાણ સામે ઝૂકવું પડ્યું હતું.
2002માં ગુજરાતમાં થયેલા રમખાણના પડઘા આખા દેશમાં પડ્યા હતા. અયોધ્યાથી અમદાવાદ આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગાવવામાં આવી તેના પગલે ગુજરાતમાં શરૂ થયેલા રમખાણમાં 1,000 લોકો માર્યા ગયા હતા. તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણીજોઈને પોલીસ કાર્યવાહી કરવા દીધી ન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. વાજપેયીએ 2002માં નરેન્દ્ર મોદી સાથેની એક પત્રકાર પરિષદમાં તેમને “રાજધર્મનું પાલન” કરવાની સલાહ આપી હતી.
એ હિંસાચારથી ઉદ્દિગ્ન વાજપેયી નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાનપદેથી હટાવવા ઇચ્છતા હતા. વાજપેયીએ અડવાણીને તેમના ‘શિષ્ય’ને હટાવવાનો આગ્રહ કર્યો હતો. કહેવાય છે કે અડવાણીએ એ માટે તૈયારી દેખાડી હતી, પરંતુ એપ્રિલ 2002માં પણજીમાં આયોજિત ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં ઉપસ્થિત લોકો સમક્ષ રાજીનામું આપવાની ઈચ્છા નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ત્યારે બધા કાર્યકરોએ નરેન્દ્ર મોદીને ટેકો આપ્યો હતો. અડવાણી ચૂપ રહ્યા હતા અને વાજપેયીએ એ મામલો ત્યાં પડતો મૂક્યો હતો.
વાજપેયી સરકારના ત્રીજા કાર્યકાળનો ઉત્તરાર્ધ વિવિધ સમસ્યાઓ સામે લડવામાં પસાર થયો હતો. 2003માં વિરોધ પક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરીને વાજપેયી સરકારની ગાડી પાટા પરથી ઉતારવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પરંતુ એનડીએની તે સફળતા લાંબો સમય ટકવાની ન હતી.
ભાજપ અને તેના સાથી પક્ષો પોતપોતાનો ખજાનો શોધી રહ્યા હોવાનું 2004માં મુદ્દત પૂર્ણ થવા પહેલાં યોજવામાં આવેલી ચૂંટણી અને ‘ઈન્ડિયા શાઈનિંગ’ અભિયાને સાબિત કર્યું હતું. ભાજપના સંસદીય પક્ષનું નેતૃત્વ વાજપેયી પાસેથી અડવાણી પાસે આવી ગયું હતું. પાંચ દાયકા સુધી રાજકારણમાં રહેલા અટલજી હવે સંસદમાં ઓછા દેખાવાના હતા.
‘સદગૃહસ્થ’ રાજકારણી

ઇમેજ સ્રોત, Getty Images
વાજપેયી કાયમ કહેતા હતા કે રાજકીય પ્રતિસ્પર્ધીઓ સારા દોસ્ત હોઈ શકે છે. સંસદ અને રાજકીય બેઠકોમાં પોતાના વિરોધીઓ પર આકરા પ્રહાર કરતા વાજપી વ્યક્તિગત રીતે બધા સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવી રાખતા હતા.
નરસિંહ રાવ અને વાજપેયીની દોસ્તી મશહૂર હતી. વાજપેયીને ભારત-પાકિસ્તાન સંદર્ભે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ વિરોધ પક્ષો સાથે મહત્વના મુદ્દાઓ વિશે ચર્ચા કરતા હતા.
મહત્ત્વપૂર્ણ પદ પર નિમણૂંક બાબતે અડવાણી અને વાજપેયી વચ્ચે સહમતિ ન થઈ ત્યારે વાજપેયીએ સલાહ લેવા શરદ પવારને બોલાવ્યા હતા. આ કથાનો ઉલ્લેખ શરદ પવારે તેમની રાજકીય આત્મકથા ‘લોક માઝે સાંગતી’ માં કર્યો છે. પવાર સાથે ચર્ચા કર્યા પછી વાજપેયીએ અડવાણીને કહ્યું હતું, "લાલજી, હમ અભી-અભી સત્તા મેં આયે હૈં. ઉન્હે સત્તા કા અનુભવ હમસે જ્યાદા હૈ. આઈએ, વહ જો કહતે હૈં ઉસે સ્વીકાર કરેં."
પક્ષમાં થોડી હદે ઉપેક્ષિત વાજપેયી રાજ્યસભામાં હતા ત્યારે તેમને કિડનીની બીમારી થઈ હતી. ઈલાજ માટે વાજપેયીએ અમેરિકા જવું પડ્યું હતું.
તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીને આ બાબતની જાણ થઈ ત્યારે તેમણે સારવારમાં મદદ માટે, અમેરિકા જનારા ભારતીય પ્રતિનિધિ મંડળમાં વાજપેયીનો પણ સમાવેશ કર્યો હતો. "આજે હું રાજીવ ગાંધીને કારણે જીવતો છું", એવું જાહેરમાં કહેવામાં વાજપેયીએ ક્યારેય ખચકાટ અનુભવ્યો ન હતો.
જાણે કે તેનું ઋણ ચૂકવતા હોય તેમ વાજપેયીએ 2001માં અમેરિકા જનારા ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ વિરોધ પક્ષના નેતા સોનિયા ગાંધીને સોંપ્યું હતું. રાજકારણમાં નવાસવા અને સંઘર્ષશીલ ગણાતા સોનિયા ગાંધીને એ પ્રવાસ દરમિયાન મહત્વની અનેક મુલાકાતો થઈ હતી.
વાજપેયીએ 2009માં સંસદમાંથી નિવૃત્તિ લીધી હતી. તેઓ નામ ભૂલી જવા માટે વિખ્યાત હતા, પરંતુ હવે તેઓ અન્ય સંદર્ભો પણ ભૂલી રહ્યા હતા.
પસંદગીના જૂજ લોકો અને સ્મૃતિ જ વાજપેયીની સાથે હતી. નરેન્દ્ર મોદી સરકારે 2015માં વાજપેયીને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. 2018માં વાજપેયીનું દિલ્હીમાં નિધન થયું હતું. દિલ્હીમાં રાજઘાટ પાસે અટલ સ્મારક બનાવવામાં આવ્યું છે. તેમાં તેમની આ પંક્તિઓ કોતરવામાં આવી છેઃ
તૂટે હુએ તારોં સે ફૂટે વાસંતી સ્વર
પથ્થર કી છાતી મેં ઉગ આયા નવ અંકુર
ઝરે સબ પીલે પાત કોયલ કી કુહુક રાત
પ્રાચી મેં અરુણિમા કી રેખ દેખ પાતા હૂં
ગીત નયા ગાતા હૂં.
(નોંધ : આ લેખ 2 મે, 2024ના રોજ છપાયો હતો)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












