બંધારણ દિવસ : એ ગુજરાતીઓ કોણ હતા જેમણે બંધારણનાં ઘડતરમાં યોગદાન આપ્યું

ઇમેજ સ્રોત, Getty Images/vidhyapithna vidhata/The Constitution of India
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
તા. 26 જાન્યુઆરી, 1950ના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું, જે દેશના પ્રજાસત્તાક હોવાના પાયાનો દસ્તાવેજ છે. જોકે આ બંધારણને ભારતની બંધારણ સભાએ 26 નવેમ્બર, 1949ના દિવસે સ્વીકાર્યું હતું તે ઘટનાને દર વર્ષે 26 નવેમ્બરે 'રાષ્ટ્રીય કાયદા દિવસ' તરીકે મનાવવામાં આવે છે.
દેશના બંધારણનું ઘડતર નાગરિકોએ ચૂંટેલા જનપ્રતિનિધિઓ કોઈપણ જાતની બાહ્યા દખલ કે દબાણ વગર થાય તે ઇચ્છનીય હતું, પરંતુ એમ કરવાથી મોડું થાય એમ હતું. વળી, એ સમયની પ્રવાહી રાજકીય પરિસ્થિતિમાં કદાચ એ શક્ય પણ ન હતું.
બ્રિટિશરો દ્વારા કૅબિનેટ મિશનને ભારત મોકલવામાં આવ્યું હતું, જેનો હેતુ બંધારણઘડતરની પ્રક્રિયામાં મદદ કરવાનો હતો. આ પ્રક્રિયામાં 'ભારતીય સંઘ'ના સભ્યોને સામેલ કરવામાં આવ્યા હતા.
સભ્યો તરીકે પ્રાંતીય સભામાંથી ચૂંટાયેલા સભ્યો ઉપરાંત તત્કાલીન રજવાડાંના પ્રતિનિધિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સિવાય મુસ્લિમ અને શીખ સમુદાયને પ્રતિનિધિત્વ મળી રહે તે માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી.
વર્તમાન સમયના ગુજરાતમાંથી સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી, ઉપરાંત બંધારણસભામાં કદાચ એકમાત્ર દંપતી હતું. જેમાં પતિ આગળ જતાં ગુજરાતના મુખ્ય મંત્રી બનવાના હતા. અને એક એવા નેતા હતા, જે મુખ્ય મંત્રી બનવાનું ચૂકી જવાના હતા. આ સિવાય એક એવા પિતાનો સમાવેશ થતો હતો, જેઓ આગળ જતા ગુજરાતના મુખ્ય મંત્રી બનવાના હતા.
વિશ્વમાં પહેલું લેખિત બંધારણ અમેરિકામાં અસ્તિત્વમાં આવ્યું હતું. યુકેમાં બંધારણ લેખિતસ્વરૂપમાં નથી, પરંતુ ત્યાં પરંપરાને અનુસરવામાં આવે છે અને તેના આધારે નિર્ણય લેવામાં આવે છે.
બંધારણસભામાં એ ગુજરાતી દંપતી કોણ હતું?

ઇમેજ સ્રોત, VIDHYAPITHNA VIDHATA
દેશની બંધારણસભામાં આંગળીના વેઢે ગણી શકાય તેટલાં મહિલાસભ્યો હતાં, જેમાંથી એક એટલે હંસાબહેન મહેતા હતાં. તેમનાં પિતા વડોદરાના તત્કાલીન ગાયકવાડ રજવાડામાં દીવાન હતા. આથી ઉચ્ચઅભ્યાસ અને કેળવણી મેળવવામાં તેમને ખાસ તકલીફ પડી ન હતી.
આઝાદીની ચળવળ દરમિયાન હંસાબહેને સ્ત્રીઓના સશક્તિકરણ અને ઉત્થાન માટે પ્રયાસ કર્યા હતા. અસહકારના આંદોલન દરમિયાન તેમણે વિદેશીસામાન અને દુકાનો સામે પિકેટિંગ જેવા કાર્યક્રમ આપ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બંધારણની સભામાં જ્યારે ધર્મના પાલન અને પ્રસારની ઉપર કોઈ નિયંત્રણ નહીં હોય એવા મતલબની ચર્ચા થઈ ત્યારે હંસા મહેતા અને અમૃતાકૌર સહિતનાં મહિલા નેતાઓને ચિંતા હતી કે ધર્મના નામે પડદાપ્રથા, બહુપત્નીત્વ, પૈત્તૃક સંપત્તિમાં અસમાન અધિકાર, બાળવિવાહ અને દેવદાસી પ્રથા વગેરે જેવી બદીઓને પ્રોત્સાહન મળશે અને તેને દૂર કરવા માટેની સરકારની શક્તિઓ સીમિત બનશે.
સ્ત્રીઓને છૂટાછેડાના અધિકાર શિક્ષણમાં સમાન તક વગેરે જેવા અધિકારો માટે પ્રયાસ કર્યા હતા. આ માટે તેઓ ધારાસભાની બહાર અન્ય મહિલાસભ્યો સાથે મળીને દેખાવો પણ કરતાં.
હંસાબહેને આંતરજ્ઞાતિયલગ્નો માટે સ્ત્રીના અધિકાર માટે ભારપૂર્વક રજૂઆત કરી હતી. આ માટે તેમનો પોતાનો વ્યક્તિગત અનુભવ પણ જવાબદાર હતો.

ઇમેજ સ્રોત, Twitter/INCIndia
ઈ.સ. 1924માં હંસાબહેને પોતાની પસંદગીથી ડૉ. જીવરાજ મહેતા સાથે લગ્ન કર્યું હતું. ડૉ. જીવરાજ મહેતા તત્કાલીન ગાયકવાડ સરકારમાં ચીફ મેડિકલ ઑફિસર હતા અને રાજ્યના દીવાનનાં પુત્રીના પ્રેમમાં પડ્યા હતા.
આઝાદીની ચળવળના રંગમાં રંગાયેલા જીવરાજ મહેતાએ 'અસહકારના આંદોલન' અને 'હિંદ છોડો' આંદોલન દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો.
હંસાબહેનના કારણે તેમના પિતાએ નાગર જ્ઞાતિનો રોષ વહોરી લેવો પડ્યો હતો. અંતે તત્કાલીન શાસક સયાજીરાવ ગાયકવાડ તૃતીયની દરમિયાનગીરીથી ડૉ. જીવરાજ મહેતાનો સ્વીકાર શક્ય બન્યો હતો.
ભાષાના આધારે ગુજરાત રાજ્યનું ગઠન થયું, ત્યારે જવાહરલાલ નહેરુ બૉમ્બે રાજ્યના મુખ્ય મંત્રી મોરારજી દેસાઈને ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી બનાવવા માગતા હતા, પરંતુ તેમણે ઇનકાર કરતા જીવરાજ મહેતા પ્રથમ મુખ્ય મંત્રી બન્યા હતા, જેઓ તત્કાલીન બોમ્બે સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા હતા.
જોકે, એ પહેલાં આ પદ માટે ખંડુભાઈ દેસાઈના નામનો પણ વિચાર થયો હતો, જેઓ પણ બંધારણસભાના સભ્ય હતા.
વલસાડના ખંડુભાઈ દેસાઈ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ખંડુભાઈ દેસાઈનો જન્મ 23 ઑક્ટોબર 1898ના રોજ ગુજરાતના વલસાડ ખાતે થયો હતો. ગાંધીજીની સ્વતંત્રતાની ચળવળ સમયે તેમણે અનેકવખત જેલવાસ ભોગવ્યો હતો.
તેમણે બૉમ્બેની પ્રતિષ્ઠિત વિલ્સન કૉલેજમાંથી અભ્યાસ કર્યો હતો. તેઓ કૉંગ્રેસની મજૂર પાંખ 'ઑલ ઇન્ડિયા નેશનલ ટ્રૅડ યુનિયન કૉંગ્રેસ'ના મહાસચિવ અને અધ્યક્ષ હતા.
અમદાવાદમાં તેમનું સરનામું ભદ્ર ખાતેનું 'ગાંધી મજૂર સેનાલય'નું રહેતું. તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈ આવ્યા હતા અને 1937માં બૉમ્બે લૅજિસ્લેટિવ ઍસેમ્બલીના સભ્ય બન્યા હતા. આઝાદી પછી તેઓ દેશની કાપડ, શ્રમિક અને કર્મચારીઓની અનેક સમિતિઓના પણ સભ્ય હતા.
ગુજરાતની સ્થાપના સમયે મોરારજી દેસાઈ તેમના વિશ્વાસુ એવા બળવંતરાય મહેતાનું નામ આગળ કરી રહ્યા હતા, પરંતુ નહેરુએ તેમના નામ ઉપર મંજૂરીની મહોર ન મારતા મોરારજીભાઈએ કેન્દ્રીય શ્રમમંત્રી ખંડુભાઈ દેસાઈનું નામ સૂચવ્યું.
અલગ ગુજરાતની માગ કરી રહેલા ઇન્દુલાલ યાજ્ઞિક સામે ખંડુભાઈ દેસાઈ લોકસભાની ચૂંટણી હારી ગયા હતા એટલે તેમના સ્થાને નહેરુએ જ ડૉ. જીવરાજ મહેતાના નામની રજૂઆત કરી હતી.
કનૈયાલાલ દેસાઈ જેમના દીકરા ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા

ઇમેજ સ્રોત, LOKSABHA
દક્ષિણ ગુજરાતના અન્ય એક નેતા હતા કનૈયાલાલ દેસાઈ, જેમનો જન્મ સુરતમાં થયો હતો અને ગોપીપુરામાં તેમનું નિવાસસ્થાન હતું. 19 જાન્યુઆરી 1886ના જન્મેલા કનૈયાલાલ દેસાઈએ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો.
કનૈયાલાલ 1946થી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ હતા. તેઓ 1931થી સુરત જિલ્લા કૉંગ્રેસના અધ્યક્ષ હતા અને એજ વર્ષે તેઓ ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના સભ્ય બન્યા હતા.
વર્ષ 1965માં જ્યારે પાકિસ્તાનના વાયુદળના હુમલામાં ગુજરાતના મુખ્ય મંત્રી બળવંતરાય મહેતાનું અવસાન થયું, ત્યારે કનૈયાલાલના દીકરા હિતેન્દ્ર દેસાઈ ગુજરાતના ત્રીજા મુખ્ય મંત્રી બન્યા હતા.
લેખક, વકીલ અને સ્વતંત્રતા સેનાની કનૈયાલાલ મુનશી
વીબી કુલકર્ણીએ આધુનિક ભારતના ઘડવૈયા શ્રેણી હેઠળ 'કનૈયાલાલ મુનશી'નું જીવનચરિત્ર લખ્યું છે. જેની ઉપર નજર કરતા માલૂમ પડે છે કે કનૈયાલાલ મુનશીનો જન્મ 1887માં ભરૂચ ખાતે થયો હતો.
તેમણે તત્કાલીન ગાયકવાડ સરકાર દ્વાર સંચાલિત કૉલેજમાં કાયદાનો અભ્યાસ કર્યો. અહીં તેમણે 'ઘનશ્યામ વ્યાસ'ના નામે હિસ્ટોરિકલ ફિક્શન પુસ્તકો લખ્યાં. તેઓ તત્કાલીન બૉમ્બેમાં કાયદાની પ્રૅક્ટિકસ કરવા માટે ગયા, જ્યાં આઝાદીના રંગે રંગાયા તથા અનેક સ્વાતંત્ર્યસેનાનીઓના કેસ લડ્યા.
બારડોલી, ખેડા અને ચંપારણ સત્યાગ્રહ, 'મીઠાના સત્યાગ્રહ' અને હિંદ છોડો આંદોલનમાં તેમણે ભાગ લીધો.
સ્વતંત્ર ભારતની પહેલી સરકારમાં તેઓ ખાદ્યાન્ન મંત્રી બન્યા હતા, પરંતુ સોમનાથમાં મંદિરના પુનઃનિર્માણ તથા અનેક મુદ્દે તેમની અને નહેરુની વચ્ચે મતભેદ થયા હતા.
ગણેશ માવળંકર બંધારણ સભા બાદ પ્રથમ લોકસભાના સ્પીકર બન્યા

ઇમેજ સ્રોત, BERT HARDY/ GETTY IMAGES
ગણેશ વાસુદેવ માવળંવકર 'દાદાસાહેબ' તરીકે ઓળખાતા. તેમનો જન્મ બરોડામાં થયો હતો અને તેમણે અમદાવાદમાંથી આર્ટ્સમાં ગ્રૅજ્યુએશન અને કાયદાનો અભ્યાસ કર્યો હતો.
આઝાદીની ચળવળ સમયે તેઓ કૉંગ્રેસના સંપર્કમાં આવ્યા અને સરદાર પટેલ તથા મહાત્મા ગાંધી સહિતના નેતાઓ સાથે કામ કર્યું.
તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય અને અધ્યક્ષ પણ બન્યા હતા. તેઓ બૉમ્બે લૅજિસ્ટલેટિવ ઍસેમ્બલીના પણ સ્પીકર હતા.
દેશની સ્વતંત્રતા પછી તેઓ પહેલી લોકસભાના અધ્યક્ષ બન્યા અને નિષ્પક્ષતા માટે કાઠું કાઢ્યું હતું. આ પહેલાંની 'પ્રૉવિઝનલ પાર્લામૅન્ટ'ના પણ તેઓ સ્પીકર હતા. જવાહરલાલ નહેરુએ તેમને 'લોકસભાના પિતામહ' ગણાવ્યા હતા. ''
સંસદએ સંસ્થાનવાદી સંસ્થામાંથી સ્વાયત સાર્વભૌમ સંસ્થા બને ત્યારસુધીનું પરિવર્તન તેમના હસ્તક થયું હતું.
માવળંકર ગુજરાત લૉ સોસાયટી, અમદાવાદ ઍજ્યુકેશન સોસાયટી, ચરોતર ઍજ્યુકેશન સોસાયટી સહિત અનેક સામાજિક અને શૈક્ષણિકસંસ્થાઓ સાથે જોડાયેલા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images
નડિયાદમાં જન્મેલા વલ્લભભાઈ પટેલે ઇંગ્લૅન્ડમાં કાયદાનો અભ્યાસ કરીને બૅરિસ્ટર બન્યા હતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
આઝાદીની ચળવળ દરમિયાન તેઓ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ બન્યા હતા. તેમણે અસહકાર અને હિંદ છોડો જેવા અનેક આંદોલનોમાં ભાગ લીધો હતો અને જેલવાસ વેઠ્યો હતો.
બારડોલી સત્યાગ્રહ સમયે વલ્લભભાઈ પટેલે પૂરા પાડેલા નેતૃત્વ કૌશલ્યને કારણે તેમને 'સરદાર'ની ઉપાધિ મળી હતી. સ્વતંત્રભારતના તેઓ પ્રથમ ગૃહ મંત્રી અને નાયબવડા પ્રધાન હતા.
ગુજરાતીઓનું પ્રદાન
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'સેન્ટર ફૉર લૉ ઍન્ડ પોલિસી રિસર્ચ' દ્વારા દેશના બંધારણઘડતરમાં પ્રદાન વિશેનો યત્ન હાથ ધરવામાં આવ્યો છે. જેમાં બેઠકો દરમિયાન સભ્યોએ કરેલી ચર્ચા અને તેમના ભાષણનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
આ સંસ્થાના અભ્યાસ પ્રમાણે, જીવરાજ મહેતા, ખંડુભાઈ દેસાઈ અને કનૈયાલાલ દેસાઈ બંધારણસભાની કોઈપણ સમિતિમાં સભ્ય ન હતા અને તેમણે કોઈ નોંધપાત્ર ભાષણ પણ આપ્યું ન હતું.
માવળંકરે સંસદમાં નિયમોની સમિતિ, વિશેષાધિકાર સમિતિ, ખાનગી બીલ માટેની સમિતિ અને પગાર-ભથ્થા સમિતિનું ગઠન કર્યું હતું. તેઓ કાર્યપદ્ધતિના સભ્ય હતા, પરંતુ તેમણે કોઈ નોંધપાત્ર ભાષણ આપ્યું ન હતું.
કનૈયાલાલ મુનશી નિયમ અને પ્રણાલી, સ્ટિયરિંગ કમિટી, બિઝનેસ કમિટી, સલાહકાર સમિતિ, સંઘીય બંધારણ સમિતિ, મુસદ્દા ઘડતર સમિતિના સભ્ય હતા. લઘુમતીઓ માટેની પેટાસમિતિ, મૂળભૂત અધિકારો માટેની પેટાસમિતિ, પૂર્વ પંજાબ અને પશ્ચિમ બંગાળમાં લઘુમતીઓની સમસ્યા માટેની પેટાસમિતિના સભ્ય હતા. તેઓ નાગરિકતા અને રાષ્ટ્રધ્વજને લગતી હંગામી સમિતિઓના પણ સભ્ય હતા.
મુનશીએ નાગરિકતાના કાયદામાં લોકશાહી ઢબને અપનાવવા માટે, લઘુમતી સમુદાયના શૈક્ષણિક અધિકારો અને તેમના માટેની શૈક્ષણિકસંસ્થાઓના નિયમન માટેની ચર્ચામાં સક્રિયપણે ભાગ લીધો હતો અને તેમાં સુધાર પણ સૂચવ્યા હતા.
ચૂંટણીપંચના માળખા, તેની સ્વાયતતા અને તેના અધિકારો વિશેની ચર્ચામાં મુનશીએ સક્રિયપણે ભાગ લીધો હતો.
સરદારપટેલ મૂળભૂત અધિકાર, લઘુમતી સમુદાય, આદિવાસી અને બાકાત કરાયેલા વિસ્તારો વિશેની સલાહકાર સમિતિના ચૅરમૅન હતા. તેઓ પશ્ચિમ બંગાળ અને પૂર્વ પંજાબમાં લઘુમતીઓની સમસ્યાને લગતી પેટાકમિટીના પણ અધ્યક્ષ હતા.
તેઓ સલાહકાર સમિતિ, પ્રાંતિક બંધારણ સમિતિ, સ્ટિયરિંગ કમિટી તથા રાજ્યોને લગતી સમિતિના પણ સભ્ય હતા. ધર્મના આધારે મુસ્લિમોને અલગ પ્રતિનિધિત્વનો તેમણે વિરોધ કર્યો હતો. સરદારનું માનવું હતું કે આમ કરવાથી ભારતીય નાગરિકોમાં વિભાજન થશે.
ઉલ્લેખનીય છે કે બંધારણની ઘડતરપ્રક્રિયા અને બીઆર આંબેડકરના નામને એકબીજાથી અલગ કરીને જોઈ ન શકાય. સયાજીરાવ તૃતીયે તેમને તત્કાલીન બરોડારાજમાં નોકરી આપી હતી. આ સિવાય તેમને વિદેશમાં ભણવા માટે ત્રણ વર્ષની શિષ્યવૃત્તિ આપી હતી.
બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ હોવાને નેતા તેમણે લગભગ દરેક ચર્ચામાં ભાગ લીધો હતો. તેમણે લઘુમતીઓ અને એસસી-એસટી સમુદાય માટે જે જોગવાઈઓ કરી તે પોતે 'મિનિ બંધારણ' જેટલી વિશદ છે.
મીનુ મસાણીનો પરિવાર ગુજરાતમાંથી બૉમ્બે હિજરત કરી ગયો હતો. સ્વતંત્રતા પછી તેઓ રાજકોટની બેઠક પરથી ચૂંટણી લડીને લોકસભામાં પણ પહોંચ્યા હતા. લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં અભ્યાસ કર્યા બાદ તેમણે દેશમાં કાયદાની પ્રૅક્ટિસ શરૂ કરી હતી, પરંતુ નજીકના એક મિત્રની આઝાદીની ચળવળ દરમિયાન ધરપકડ થઈ હતી.
આથી, વિદ્યાર્થીકાળમાં રાજકારણમાં સક્રિય રહેનાર મિનુ મસાણી કાર્યકરોને સંગઠિત કરવા અને પૅમ્ફલેટ વિતરણ જેવી પ્રવૃત્તિઓ કરતા હતા. મસાણી બંધારણની સલહાકાર સમિતિ, સંઘીય સત્તા સમિતિ અને મૂળભૂત અધિકારો માટેની પેટાકમિટીના સભ્ય હતા. હંસાબહેન મહેતા સાથે મળીને તેમણે મૂળભૂત અધિકારોનું ઘડતર કર્યું હતું.
તેમણે 'સમાન નાગરિક ધારા' માટે રજૂઆત કરી હતી, પરંતુ મતદાન સમયે તે ટકી શક્યો ન હતો અને મૂળભૂત અધિકારના બદલે તે માર્ગદર્શક સિદ્ધાંત બની રહ્યો.
આંબેડકર, હંસા મહેતા અને અમરિત કૌરના સહકારથી તેમણે આંતરજ્ઞાતિય લગ્નોને સુરક્ષા આપવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પરંતુ તે બહુ પાંખા માર્જિનથી પસાર થઈ શક્યો ન હતો.
(આ સ્ટોરી અગાઉ 26 નવેમ્બર, 2023ના રોજ છપાઈ હતી)


બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












