કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ: જ્યારે સરદાર પટેલ વી. પી. મેનનનું સ્વાગત કરવા ઍરપૉર્ટ પર પ્રોટોકૉલ તોડીને ગયા

પાકિસ્તાનના આદિવાસી ધાડપાડુઓ શ્રીનગર નજીક પહોંચ્યા બાદ મહારાજા હરિસિંહે ભારત સાથે જોડાણના પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાન તરફથી આવેલા કબાયલી હુમલાખોરો શ્રીનગર નજીક પહોંચ્યા બાદ મહારાજા હરિસિંહે ભારત સાથે જોડાણના પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી

ભારતને 1947માં આઝાદી મળ્યા પછી ભારતીય સંઘમાં જોડાનારાં રજવાડાંઓની સંખ્યા પાંચસો કરતાં વધુ હતી. માત્ર ત્રણ રજવાડાં એવાં હતાં જેમણે છેલ્લી ઘડી સુધી ભારતમાં જોડાવા અંગે કોઈ નિર્ણય લીધો ન હતો. આ રજવાડાં હતાં - હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર.

કાશ્મીરનો કુલ વિસ્તાર 84,471 ચોરસ માઇલ હતો. આ રીતે તે હૈદરાબાદ કરતાં મોટું રજવાડું હતું, પરંતુ તેની વસ્તી માત્ર 40 લાખ હતી. હૈદરાબાદ અને જૂનાગઢથી વિપરીત કાશ્મીરની સરહદ પાકિસ્તાન સાથે લાગતી હતી.

તે સમયે કાશ્મીરના રાજા હરિસિંહ હતા. તેઓ સપ્ટેમ્બર 1925માં કાશ્મીરની ગાદી પર બેઠા અને પોતાનો ઘણો સમય બૉમ્બેના રેસકોર્સ તથા પોતાના રાજ્યનાં વિશાળ ગાઢ જંગલોમાં શિકાર કરવામાં વિતાવતા હતા.

મહારાજાના મનમાં વિભાજન પછી કોઈપણ દેશમાં ન જોડાવાનો વિચાર રમતો હતો.

રામચંદ્ર ગુહા પોતાના પુસ્તક 'ઇન્ડિયા આફ્ટર ગાંધી'માં લખે છે, "હરિસિંહ કૉંગ્રેસને નફરત કરતા હતા, તેથી તેઓ ભારતમાં જોડાવાનું તો વિચારી પણ શકતા નહોતા. પરંતુ તેમને એ પણ ચિંતા હતી કે જો તેઓ પાકિસ્તાનમાં જોડાઈ જશે તો તેના હિંદુ રાજવંશનો સૂરજ કાયમ માટે આથમી જશે.

બીજી તરફ કાશ્મીરમાં મુસ્લિમ બહુમતીના કારણે મહંમદઅલી ઝીણાને આશા હતી કે કાશ્મીર એક 'પાકા ફળની જેમ તેમની ઝોળીમાં આવી પડશે'.

ઝીણાને કાશ્મીરમાં રજાઓ માણવાની મંજૂરી ન મળી

ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગના પ્રમુખ એમ.એ. ઝીણા બિમારીના કારણે થોડા દિવસો કાશ્મીરમાં વિતાવવા માંગતા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના પ્રમુખ એમ. એ. ઝીણા બિમારીના કારણે થોડા દિવસો કાશ્મીરમાં વિતાવવા માગતા હતા

ઝીણાની આ આશા લાંબો સમય ટકી ન શકી. માઉન્ટબેટન સાથેની લાંબી વાતચીત પછી તેઓ થાકી ગયા હતા. ઝીણા ફેફસાની જીવલેણ બિમારીથી પીડિત હતા અને તેના કારણે તેમનું શરીર પહેલેથી જ નબળું પડી ગયું હતું.

તેમણે થોડા દિવસો કાશ્મીરમાં ગાળીને આરામ કરવાનું નક્કી કર્યું. તેમણે પોતાના સચિવ વિલિયમ બિર્નીને કાશ્મીર જઈને ત્યાં તેમના માટે રહેવા અને આરામની વ્યવસ્થા કરવા કહ્યું.

ડોમિનિક લેપિયર અને લેરી કોલિન્સ તેમના પુસ્તક 'ફ્રીડમ ઍટ મિડનાઇટ'માં લખે છે, "પાંચ દિવસ પછી તેમના બ્રિટિશ સેક્રેટરી જે જવાબ લઈને આવ્યા તેને સાંભળીને ઝીણા સ્તબ્ધ થઈ ગયા."

તેમણે લખ્યું, "મહારાજા હરિસિંહ ઇચ્છતા ન હતા કે ઝીણા રજાઓ ગાળવા માટે પણ તેમના પ્રદેશમાં પગ મૂકે."

તેમણે લખ્યું, "તેમના જવાબથી પાકિસ્તાનના શાસકને પહેલો સંકેત મળ્યો કે કાશ્મીર માટે તેમણે જે ધારણા કરી હતી તે રીતે ઘટનાક્રમ નથી થઈ રહ્યો."

કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવાની યોજના

પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન લિયાકત અલી ખાન કાશ્મીરનું પાકિસ્તાનમાં વિલીનીકરણ થાય તે માટે મહારાજ હરિ સિંહ પર દબાણ લાવવાના પક્ષમાં હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના તત્કાલિન વડા પ્રધાન લિયાકત અલી ખાન કાશ્મીરનું પાકિસ્તાનમાં વિલીનીકરણ થાય તે માટે મહારાજ હરિસિંહ પર દબાણ લાવવાના પક્ષમાં હતા

સપ્ટેમ્બરના મધ્યમાં પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલીએ મહારાજાને પાકિસ્તાન સાથે જોડાવા માટે કેવી રીતે દબાણ કરવું તે નક્કી કરવા એક બેઠક બોલાવી.

તે વખતે સરહદી પ્રાંતના પઠાણ કબાયલીઓને હથિયારો સાથે કાશ્મીર મોકલવામાં આવે એવું નક્કી થયું.

પાકિસ્તાની આર્મીના મેજર આગા હુમાયુ અમીન તેમના પુસ્તક 'ધ 1947-48 કાશ્મીર વૉર: ધ વૉર ઑફ લૉસ્ટ ઑપોર્ચ્યુનિટીઝ'માં લખે છે, "દરેક લશ્કરને રેગ્યુલર પાકિસ્તાની સેનામાંથી એક મેજર, એક કેપ્ટન અને 10 જુનિયર કમિશન્ડ ઑફિસર સોંપવામાં આવ્યા હતા.''

તેમણે લખ્યું, "તેમની પસંદગી પઠાણોમાંથી જ કરવામાં આવી હતી અને તેઓ કબાયલીઓ જેવા જ કપડાં પહેરતાં હતાં. પાકિસ્તાને કબાયલીઓની સેનાને આગળ વધવા માટે ટ્રક અને પેટ્રોલની પણ વ્યવસ્થા કરી હતી."

તેમણે લખ્યું, "પાકિસ્તાની સૈન્ય અધિકારીઓનું નેતૃત્વ હોવા છતાં કબાયલીઓના સભ્યો ન તો આધુનિક યુદ્ધપ્રણાલીથી પરિચિત હતા કે ન તેમનામાં શિસ્ત હતી."

જ્યારે બળવો શરૂ થયો

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

22 ઑક્ટોબર 1947ની રાત્રે એક જૂની ફોર્ડ સ્ટેશન વેગન, જેની લાઇટો બંધ હતી, તે ધીમે ધીમે જેલમ નદીના પુલથી લગભગ 100 યાર્ડ આગળ આવીને થોભી ગઈ.

તેની પાછળ ટ્રકોની એક લાંબી કતાર લાગી હતી. દરેક ટ્રકમાં કેટલાક લોકો ચૂપચાપ બેઠા હતા.

લેપિયર અને કોલિન્સ તેમના પુસ્તકમાં લખે છે, "અચાનક સ્ટેશન વેગનમાં બેઠેલા લોકોએ રાતના અંધકારમાં આકાશમાં આગની જ્વાળાઓથી એક કમાન રચાતી જોઈ."

તેમણે લખ્યું, "આનાથી સંકેત મળી ગયો કે પુલની સામે પાર મહારાજાના મુસ્લિમ સૈનિકોએ વિદ્રોહ કરી દીધો છે. શ્રીનગરની ટેલિફોન લાઇન કાપી નાખવામાં આવી અને પુલની બાજુમાં તહેનાત પહેરેદારોને પકડી લેવાયા છે."

તેઓ લખે છે, "સ્ટેશન વેગનના ડ્રાઇવરે પોતાનું ઍંજિન ચાલુ કર્યું અને ઝડપથી પુલ પાર કર્યો. કાશ્મીર માટેનું યુદ્ધ શરૂ થઈ ગયું હતું."

પઠાણોની સામે હવે શ્રીનગરનો રસ્તો ખૂલી ગયો હતો. 135 માઇલ લાંબા આ રસ્તા પર પહેરેદારીની કોઈ વ્યવસ્થા નહોતી. હુમલાખોર કબાયલીઓની યોજના સ્પષ્ટ હતી. સવારે સૂરજ ઉગતાની સાથે જ અસંખ્ય કબાયલીઓ મહારાજા હરિસિંહની નિદ્રાધીન રાજધાની શ્રીનગર પર હુમલો કરશે.

સૈરાબ હયાત ખાને જ્યારે કબાયલી આદિવાસીઓને શ્રીનગર તરફ કૂચ કરવાનો આદેશ આપ્યો ત્યારે તેમને ખબર પડી કે તેમની સેના તો ત્યાંથી ગાયબ થઈ ગઈ છે.

પાછળથી એક મુલાકાતમાં સૈરાબ હયાત ખાને કહ્યું "મારા કાશ્મીરી ભાઈઓને આઝાદ કરાવવાની જેહાદ મુઝફ્ફરાબાદના હિંદુ બજારમાં રાત્રીના હુમલાથી શરૂ થઈ હતી."

તેમણે લખ્યું, "અમે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, અમે તેમને સમજાવ્યા કે અમારે તો શ્રીનગર જવું છે પરંતુ કોઈએ વાત સાંભળી નહીં. પરિણામ એ આવ્યું કે અમને આગામી 75 માઇલની મુસાફરી કરવામાં 48 કલાક લાગ્યા."

વીપી મેનનને શ્રીનગર મોકલવામાં આવ્યા

વીપી મેનન સરદાર પટેલના વિશ્વાસુ વરિષ્ઠ આઈસીએસ અધિકારી હતા.

ઇમેજ સ્રોત, COURTESY NARAYANI BASU

ઇમેજ કૅપ્શન, વીપી મેનન સરદાર પટેલના વિશ્વાસુ વરિષ્ઠ આઈસીએસ અધિકારી હતા

માઉન્ટબેટનને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ થાઇલૅન્ડના વિદેશ મંત્રીના સન્માનમાં આપવામાં આવેલા એક ભોજન સમારંભ માટે કપડાં બદલી રહ્યાં હતાં.

ભોજન સમારંભ પછી બધા મહેમાનોએ વિદાય લીધી, ત્યારે તેમણે નહેરુને ત્યાં રોકાવા કહ્યું. નહેરુ આ સમાચાર સાંભળીને ચોંકી ગયા. બીજા દિવસે સાંજે શ્રીનગરના ખાલીખમ ઍરપૉર્ટ પર ભારતીય વાયુસેનાનું ડીસી-3 વિમાન ઊતર્યું.

આ વિમાનમાં ત્રણ લોકો હતા. સરદાર પટેલના વિશ્વાસુ વરિષ્ઠ આઈસીએસ અધિકારી વીપી મેનન, ભારતીય સેનાના સામ માણેકશા અને ઍરફોર્સ અધિકારી વિંગ કમાન્ડર દીવાન.

ત્યાર પછી ઇતિહાસકાર એચવી પોડસન સાથેની મુલાકાતમાં વી.પી. મેનને યાદ કરતા કહ્યું, "તે દિવસે શ્રીનગર એકદમ કબ્રસ્તાન જેવું લાગતું હતું. ઍરપૉર્ટ પર અમને રિસીવ કરવા માટે એક પણ વ્યક્તિ હાજર ન હતી."

તેમણે લખ્યું, “હું ઍરપૉર્ટથી સીધો સરકારી ગેસ્ટહાઉસ ગયો. ત્યાં થોડા પટાવાળા સિવાય કોઈ નહોતું. મારી પાસે કોઈ સશસ્ત્ર રક્ષકો નહોતા. પછી હું ત્યાંથી સીધો કાશ્મીરના વડા પ્રધાન મેહરચંદ મહાજનના ઘરે ગયો."

મેનને જણાવ્યું, "મહાજને મને કંઈક કરવા માટે વિનંતી કરી." મેં કહ્યું, "અમે હવે કંઈ કરી શકીએ તેમ નથી. તમારી પાસે નિર્ણય લેવા માટે ઘણા દિવસો હતા. પરંતુ તમે કંઈ કર્યું નહીં. અને હવે તમે કહો છો કે અમારે કંઈક કરવું જોઈએ."

સૈન્ય સહાય મોકલવા ભારતને વિનંતી

ભારતીય અભિયાનમાં ફાઈટર પ્લેન્સે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી

ઇમેજ સ્રોત, PUSHPINDER SINGH

ઇમેજ કૅપ્શન, ભારતીય અભિયાનમાં ઍરફોર્સે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી

ત્યાં સુધીમાં સમાચાર આવી ગયા કે હુમલાખોરોએ ઉરી અને બારામુલ્લા વચ્ચેના પાવર પ્લાન્ટને ઉડાવી દીધો છે અને મહારાજાની સેનાના મુસ્લિમ સૈનિકોએ બળવો કરી દીધો છે.

હુમલાખોરો શ્રીનગરથી માત્ર 45 માઈલ દૂર હતા. વીપી મેનન ઝડપથી ગાડી ચલાવીને મહારાજા હરિસિંહ પાસે પહોંચ્યા ત્યારે તેમની હાલત ખરાબ હતી.

મેનને મહારાજાને સલાહ આપી કે તેઓ શ્રીનગર છોડીને જમ્મુ જતા રહે તો તેમના માટે સારું રહેશે.

વીપી મેનન ગેસ્ટહાઉસમાં પાછા ફર્યા, પરંતુ તે પહેલા મહારાજા હરિસિંહે તેમને તાત્કાલિક સૈન્ય મદદ મોકલવા વિનંતી કરી.

નારાયણી બસુ વીપી મેનનના જીવનચરિત્ર 'ધ અનસંગ આર્કિટેક્ટ ઑફ મોર્ડન ઇન્ડિયા'માં લખે છે, "ગેસ્ટહાઉસમાં મેનનને ભોજન આપવા કે તેમની પથારી તૈયાર કરવા માટે પણ કોઈ હાજર નહોતું."

તેમણે લખ્યું, "તેઓ એટલા થાકી ગયા હતા કે તેમની સામે જે પલંગ દેખાયો તેના પર જ સૂઈ ગયા. ત્યાં કોઈ રજાઈ ન હતી. શ્રીનગરની ઠંડી સહન ન કરી શકવાને કારણે તેમણે ચાદર જ ઓઢી લીધી."

તેમમે લખ્યું, “તેમને ઊંઘ ન આવી. સવારે ચાર વાગ્યે તેમના ફોનની ઘંટડી વાગી. સામેના છેડે કાશ્મીરના વડા પ્રધાન તેમને માહિતી આપી રહ્યા હતા કે હુમલાખોરો શ્રીનગરની સરહદે પહોંચી ગયા છે. તેથી તેમણે તરત જ ત્યાંથી નીકળી જવું જોઈએ."

પરંતુ હરિસિંહ ત્યાંનાં તમામ વાહનોને પોતાની સાથે લઈને જમ્મુ જતા રહ્યા હતા. વીપી મેનને માંડ માંડ એક જૂની જીપ મળી.

તેમાં સવાર થઈને તેઓ સવારે 4.30 વાગે ઍરપૉર્ટ પહોંચી ગયા, પરંતુ તેના પાઇલટે કહી દીધું કે પરોઢ ન થાય ત્યાં સુધી તે વિમાન નહીં ઉડાડી શકે.

જોકે, કોઈક રીતે વિમાન દિલ્હી પહોંચ્યું અને વીપી મેનન ઍરપૉર્ટથી સીધા જ ડિફેન્સ કમિટીની મીટિંગમાં ગયા, જ્યાં તેમણે શ્રીનગરની જે સ્થિતિ હતી તે જણાવી.

બારામુલ્લામાં હુમલો

આ દરમિયાન કબાયલીઓએ ઉરી અને મુઝફ્ફરાબાદ પર કબજો કર્યો અને 25 ઑક્ટોબરે બારામુલ્લા પહોંચ્યા. અહીં તેમણે મોટા પાયે નરસંહાર કર્યો.

બીબીસી માટે કામ કરી ચૂકેલા વરિષ્ઠ પત્રકાર એન્ડ્રુ વ્હાઇટહેડ પોતાના પુસ્તક 'એ મિશન ઇન કાશ્મીર'માં લખે છે, "બારામુલ્લાની સૅન્ટ જૉસેફ કોન્વેન્ટ અને હૉસ્પિટલને પણ છોડવામાં ન આવી. નજરે જોનારાઓનું કહેવું હતું કે મહિલાઓ અને બાળકોને પુરુષોથી અલગ કરવામાં આવ્યાં અને તમામ પુરુષોને ગોળી મારી દેવામાં આવી."

તેમણે લખ્યું, "ચર્ચ એટલી ખરાબ રીતે લૂંટવામાં આવ્યું કે દરવાજાના પિત્તળનાં હૅંડલો પણ બચ્યા ન હતાં. પૂરા બે દિવસ સુધી હત્યા, બળાત્કાર અને લૂંટ ચાલુ રહી. પકડાયેલી યુવતીઓની પણ બોલી લગાવવામાં આવી હતી."

ભારતમાં વિલીનીકરણ માટે શરત મૂકવામાં આવી

માઉન્ટબેટન શરૂઆતમાં કાશ્મીરમાં ભારતીય સૈનિકો મોકલવા તૈયાર ન હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માઉન્ટબેટન શરૂઆતમાં કાશ્મીરમાં ભારતીય સૈનિકો મોકલવા તૈયાર ન હતા

સંરક્ષણ સમિતિમાં મેનનની સલાહ હતી કે કાશ્મીરને બચાવવા માટે ભારતે તાત્કાલિક સૈન્ય સહાયતા મોકલવી જોઈએ.

પરંતુ માઉન્ટબેટન આ માટે સહમત ન હતા. તેમણે કહ્યું કે ભારતમાં વિલીનીકરણ ન થાય ત્યાં સુધી ભારતે કાશ્મીરમાં સૈન્ય હસ્તક્ષેપ કરવો ન જોઈએ. વિલીનીકરણ થાય તો ભારતને કાશ્મીરમાં સેના મોકલવાનો કાનૂની અધિકાર મળશે.

બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે મેનન ફરી એકવાર વિલયપત્ર લઈને કાશ્મીર જશે. મહારાજા તેના પર હસ્તાક્ષર કરે તે સાથે જ ભારત કાશ્મીરમાં પોતાની સેના મોકલવાનું શરૂ કરી દેશે.

નારાયણી બસુ લખે છે, "નવા દસ્તાવેજો ટાઇપ કરવાનો સમય ન હતો, તેથી જૂના દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો." મોટાં ભાગનાં રજવાડાં ઑગસ્ટમાં જ ભારતમાં વિલીન થઈ ગયાં હતાં.

તેમણે લખ્યું, "રાષ્ટ્રીય આર્કાઇવ્સમાં ઉપલબ્ધ દસ્તાવેજોમાં ઑગસ્ટ પર પેન ચોકડી મારીને ઑક્ટોબર કરવામાં આવ્યું અને તારીખ પણ બદલાઈ ગઈ. મિટિંગ પૂરી થતાં જ મેનન ફરી એક વાર નીકળી ગયા. પણ આ વખતે જમ્મુ જવા માટે રવાના થયા હતા."

મેનન જ્યારે મહારાજા હરિસિંહના મહેલમાં પહોંચ્યા, ત્યારે તેમણે જોયું કે શ્રીનગરથી લાવેલી કિંમતી ચીજવસ્તુઓ મહેલના બગીચામાં વેરવિખેર પડી હતી.

આ તમામ સામગ્રી 48 ટ્રકોના કાફલામાં લાવવામાં આવી હતી અને તેમાં હીરા અને ઝવેરાતથી માંડીને પેઇન્ટિંગ્સ અને કાર્પેટનો સમાવેશ થાય છે.

વિલયપત્ર પર હસ્તાક્ષર

પહાડીઓમાં લાંબી મુસાફરી કરીને થાકેલા મહારાજા સૂઈ ગયા. મહારાજાએ સૂતા પહેલાં પોતાના એડીસીને મહારાજા તરીકેની ક્ષમતાથી છેલ્લો આદેશ આપ્યો.

લેપિયર અને કોલિન્સ લખે છે, "મહારાજાનો આદેશ હતો કે વીપી મેનન દિલ્હીથી પાછા ફરે ત્યારે જ મને જગાડવામાં આવે. તેઓ પાછા ફરશે તો તેનો અર્થ એ થયો કે ભારતે આપણી મદદ કરવાનું નક્કી કર્યું છે, પરંતુ જો તેઓ સવાર પહેલાં ન આવે, તો મને ઊંઘમાં જ મારી પિસ્તોલથી ગોળી મારી દેવી. જો તેઓ ન આવે તો તેનો અર્થ એ થયો કે આખી રમત પૂરી થઈ ગઈ છે."

મહારાજા હરિસિંહને જમ્મુમાં તેમના રોકાણની પહેલી જ રાતે ગોળી મારવાની નોબત ન આવી.

તેમણે એડીસીને જે મુદત આપી હતી તે પૂરી થાય તે પહેલાં મેનન તેમની પથારી સુધી પહોંચી ગયા. તેમની પાસે વિલીનીકરણ કરારના દસ્તાવેજ તૈયાર હતા.

મહારાજા હરિસિંહે તરત જ તેના પર સહી કરી દીધી.

ભારતીય સેનાએ ઑપરેશન શરૂ કર્યું

સરદાર વલ્લભભાઈ પટેલ પ્રોટોકોલ તોડીને વીપી મેનનને મળવા પહોંચ્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સરદાર વલ્લભભાઈ પટેલ પ્રોટોકૉલ તોડીને વીપી મેનનને મળવા પહોંચ્યા હતા

વીપી મેનન 26 ઑક્ટોબરે કાશ્મીરના વિલીનીકરણના દસ્તાવેજ લઈને દિલ્હી પરત ફર્યા હતા. ગૃહમંત્રી સરદાર પટેલ તમામ પ્રોટોકૉલ તોડીને સફદરજંગ ઍરપૉર્ટ પર તેમને મળવા પહોંચ્યા હતા.

ત્યાંથી તેઓ બંને સીધા જ ડિફેન્સ કાઉન્સિલની બીજી બેઠકમાં હાજરી આપવા માટે ગયા. સાંજે બ્રિટનના ડેપ્યુટી હાઈ કમિશનર એલેક્ઝાન્ડર સિમોન મેનનના ઘરે આવ્યા હતા.

લેપિયર અને કોલિન્સ લખે છે, "મેનન ખૂબ ખુશ હતા. તેમણે બંને માટે એક-એક મોટો પેગ બનાવ્યો. થોડી વાર પછી તેણે પોતાના ખિસ્સામાંથી એક કાગળ કાઢીને અંગ્રેજ ડિપ્લોમેટને બતાવ્યો અને કહ્યું, "આ રહ્યો કાશ્મીરના વિલીનીકરણનો પત્ર. હવે કાશ્મીર અમારું છે. હવે અમે તેને ક્યારેય અમારા હાથમાંથી જવા દઈશું નહીં."

27 ઑક્ટોબરની વહેલી સવારે 100થી વધારે સિવિલ અને બિન સિવિલ વિમાનોએ સૈનિકો, સૈન્ય ઉપકરણો અને જરૂરી સાધનો લઈને શ્રીનગર માટે ઉડાન ભરી.

સૌપ્રથમ 9 ડીસી-3 વિમાનો શ્રીનગરમાં ઊતર્યાં. તેમાં શીખ રેજિમેન્ટના 329 સૈનિકો અને આઠ ટન લશ્કરી સરંજામ શ્રીનગરમાં ઉતારવામાં આવ્યો.

એક સમય એવો આવ્યો જ્યારે એક લાખથી વધુ ભારતીય સૈનિકો કાશ્મીરની બરફથી ઢંકાયેલી પહાડીઓ પર કબાયલીઓ સામે લડી રહ્યા હતા.

ધીમે ધીમે તેમણે કબાયલી હુમલાખોરોને એ જ રસ્તેથી પાછળ ધકેલી દેવાનું શરૂ કર્યું કે જે રસ્તેથી તેઓ શ્રીનગરની નજીક પહોંચ્યા હતા.

આ રીતે કાશ્મીર ખીણ ભારતના નિયંત્રણમાં રહી અને ગિલગિટની આસપાસનો ઉત્તરીય પ્રદેશ પાકિસ્તાનના નિયંત્રણમાં રહ્યો.

આટલાં વર્ષો પછી પણ કાશ્મીર એ ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદનું મૂળ અને બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવાના માર્ગમાં સૌથી મોટો અવરોધ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.