અમદાવાદની ઓછી ચર્ચાયેલી આ બે બેઠકો પર ચૂંટણીના મુદ્દા અને રાજકીય ઇતિહાસ કેવો છે?

જૈનબ શેખ
ઇમેજ કૅપ્શન, જૈનબ શેખ
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે, પણ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદની બે લોકસભાની બેઠક પર ચૂંટણીના આડે ગણતરીના દિવસો જ બાકી હોવા છતાં કોઈ ખાસ રાજકીય ગરમાવો જોવા મળતો નથી.

વર્લ્ડ હેરિટેજ સિટીનો ખિતાબ ધરાવતાં આ શહેરમાં એક જમાનામાં ઇન્દુલાલ યાજ્ઞિક માટે અમદાવાદીઓ સ્વયંભૂ પ્રચાર કરવા નીકળતા હતા. અત્યારે અમદાવાદમાં ચૂંટણી ટાણે ઓછો ધમધમાટ જોવા મળે છે.

કૉંગ્રેસે ભારે ગડમથલ કરીને ઉમેદવારો પસંદ કર્યા હતા, ત્યાં મોટો રાજકીય વળાંક આવ્યો અને અમદાવાદ (પૂર્વ)ની બેઠક પરથી જાહેર થયેલા ઉમેદવાર રોહન ગુપ્તાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી અને પછી ભાજપમાં જોડાઈ ગયા.

ગુજરાતમાં હાલના સમયમાં પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રાજકીય પ્રચાર પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે. જોકે અમદાવાદમાં રાજકીય પ્રચાર પ્રમાણમાં શાંત જોવા મળે છે.

નવા સીમાંકન બાદ 2009માં અમદાવાદ લોકસભાની બેઠક અમદાવાદ (પૂર્વ) અને અમદાવાદ (પશ્ચિમ)માં વહેંચાઈ ગઈ. આ બંને બેઠકો પર મોટા ભાગે મધ્યમ વર્ગ ઉપરાંત ગુજરાત બહારથી કામધંધા માટે આવેલા લોકોની સંખ્યા વધુ છે.

વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના શું છે ચૂંટણીના મુદ્દા?

અમદાવાદની બે લોકસભા બેઠકો પર ચૂંટણીના મુદ્દા

ઇમેજ સ્રોત, bhargav parikh

અમદાવાદના મિલ્લતનગર વિસ્તારમાં આજે પણ પીવાના પાણી માટે ટેન્કર આવે છે. અહીંનાં જૈનબ શેખે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમારે દરરોજ સવારે ઊઠીને પતિ કામ પર જાય અને ટિફિન બનાવવાનું હોય એના કરતાં વધુ અમને પાણી ક્યારે મળશે એની ચિંતા વધુ હોય છે."

જોકે નરોડામાં રહેતા જયેશ મકવાણા કહે છે કે "અમારા વિસ્તારમાં પહેલાં પ્રદૂષણની સમસ્યા હતી. પણ છેલ્લા કેટલાક સમયથી આ સમસ્યા પર કાબૂ આવ્યો છે. અહીં હવે અમને સ્વચ્છ પાણી મળવા લાગ્યું છે. ઉપરાંત આ વિસ્તારમાં થયેલી પબ્લિક ટ્રાન્સપૉર્ટની સુવિધાને કારણે ઘણી સમસ્યાઓ ઘટી ગઈ છે."

બાપુનગરમાં રહેતા રત્નકલાકાર જિતુ પટેલ આર્થિક સ્થિતિને કારણે અન્ય કામ તરફ વળ્યા છે.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં મોટી સંખ્યામાં હીરાનાં કારખાનાં આવેલાં છે અને ગુજરાતમાં અનેક લોકો અહીં રોજગારી માટે આવે છે.

જિતુ પટેલ કહે છે, "ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદી આવી છે. સરકાર તરફથી કોઈ નક્કર પગલાં લેવાયાં નથી એટલે હું મારું કામ છોડીને હવે સિલાઈકામ કરું છું."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમદાવાદમાં પીરાણા ડમ્પિંગ સાઇટ આવેલી છે, જ્યાં શહેરો કચરો ઠલવવામાં આવે છે અને અહીં આસપાસ રહેતા લોકોનું કહેવું છે કે તેમના વિસ્તારમાં સુવિધાનો અભાવ છે.

પીરાણા વિસ્તારમાં રહેતા ખાલિદ સૈયદ કહે છે કે "અમે 2002માં થયેલી કોમી હિંસા પછી અહીં રહેવા આવ્યા છીએ. અમારી પાછળ કચરાનો ઢગલો ડુંગરની જેમ વધતો જાય છે, એના કારણે અમને શ્વાસની બીમારીઓનો સામનો કરવો પડે છે, પણ અમારું સાંભળનારું કોઈ નથી."

આ બંને બેઠકો પર કેટલીક સમસ્યાઓ સમાન હોવાની વાત કરતાં વરિષ્ઠ પત્રકાર પ્રફુલ ત્રિવેદીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "આ બંને લોકસભાની બેઠકો હેઠળ આવતો મોટા ભાગનો વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની હદમાં આવે છે. અમદાવાદ (પૂર્વ) લોકસભા બેઠકમાં બે વિધાનસભા દહેગામ અને ગાંધીનગર દક્ષિણ બેઠક આવે છે."

"આ બંને બેઠકો પર વધુ મતદાતા ધરાવતા દલિત અને મુસ્લિમ વિસ્તારોમાં સરકારી શાળાઓ, આરોગ્ય કેન્દ્ર અને પાણી તથા અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓનો અભાવ છે. તો અહીં કામ માટે અન્ય રાજ્યો (ઉત્તર ભારત, ઓડિશા, રાજસ્થાન અને બિહાર)ના લોકોને સરકારી આવાસ યોજનાનો લાભ ન મળવો જેવી સમસ્યાઓ છે."

થોડા સમય પહેલાં સેન્ટર ફૉર એન્વાયરમેન્ટલ ઍન્ડ પ્લાનિંગ ટેકનૉલૉજી દ્વારા શરૂ થયેલા એક પ્રોજેક્ટમાં અમદાવાદમાં વીજળી-પાણી સમસ્યા તથા ધ્વનિ-વાયુ અને જળ પ્રદૂષણ મોટી સમસ્યા હોવાનું અને તેના પ્રદૂષણથી દમ, ટીબી, ચામડી તથા પાણીજન્ય રોગો થતા હોવાનું જણાયું હતું.

તો આ સમસ્યા પર ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ મૌર્યની ડિવિઝન બેન્ચે સાબરમતી નદીમાં પ્રદૂષણ અટકાવવા માટેનો એક ખાસ રોડ મેપ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે.

અમદાવાદની બંને બેઠકો પર રાજકીય પ્રચાર

અમદાવાદની બે લોકસભા બેઠકો પર ચૂંટણીના મુદ્દા

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદની બંને બેઠકો પર ભાજપના ઉમેદવારો 'વિકાસની વાતો' લઈને ચાલી રહ્યા છે, તો સામે પક્ષે કૉંગ્રેસના ઉમેદવાર 'લોકોની સમસ્યા' પર ભાર મૂકી રહ્યા છે.

અમદાવાદના મેયર અને બાપુનગરના ધારાસભ્ય રહી ચૂકેલા અમદાવાદ (પૂર્વ)ના કૉંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે હું આ વિસ્તારના લોકો અને બિનગુજરાતીઓની સમસ્યાથી વાકેફ છું. મારા મતવિસ્તારમાં રત્નકલાકારો, કામદારોની સમસ્યાને ઉકેલવામાં સરકાર નિષ્ફ્ળ રહી છે, અમે ખોટા વાયદા સામે લડત આપીશું.

તો ભાજપના વર્તમાન સાંસદ અને લોકસભાના ઉમેદવાર હસમુખ પટેલ કહે છે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલાં વિકાસનાં કામ અને લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના, મા કાર્ડ, આયુષ્માન કાર્ડ જેવી અનેક યોજના અને આવનારા દિવસોમાં થનારા વિકાસનાં કામને લઈને નીકળ્યા છીએ."

તો અમદાવાદ પશ્ચિમની બેઠક પરથી લડી રહેલા કૉંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે આ વિસ્તારમાં બેરોજગારી, મોંઘવારી, પ્રાથમિક સુવિધા, પ્રદૂષણથી આરોગ્યની સમસ્યાને ધ્યાનમાં રાખી કૉમ્યુનિટી ક્લિનિક સહિત ગરીબ દલિત તમામના સર્વાંગી વિકાસ માટે ચૂંટણી લડીશું.

તો અમદાવાદના ડેપ્યુટી મેયર રહી ચૂકેલા અને ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અહીં કેન્દ્ર સરકારની યોજનાથી ઘણા લોકોને લાભ થયો છે. એ ક્યારેય કૉંગ્રેસના રાજમાં નથી થયો. અમે એ યોજનાઓના વધુ સારા અમલીકરણના રોડમેપ સાથે લોકો વચ્ચે જઈએ છીએ.

ભૂતકાળમાં કયા પક્ષો અહીંથી ચૂંટણી જીતતા આવ્યા છે?

અમદાવાદની બે લોકસભા બેઠકો પર ચૂંટણીના મુદ્દા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાબરમતી નદી પર આવેલો અટલ બ્રિજ

અમદાવાદનો ઇતિહાસ પહેલેથી રસપ્રદ રહ્યો છે. કુંદનલાલ ધોળકિયાએ ગુજરાતના રાજકારણ પરના પોતાના પુસ્તક 'સમયને સથવારે ગુજરાત'માં નોંધ્યું છે, 'ગુજરાતના રાજકારણમાં ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાતની ચળવળ ચલાવતા હતા અને ચૂંટણી લડ્યા હતા. એ સમયે મહાગુજરાત જનતા પરિષદ અને ત્યાર બાદ 1967માં અમદાવાદની બેઠક પરથી ઇન્દુલાલ યાજ્ઞિક અપક્ષ તરીકે ચૂંટાયા હતા. એમનું 1972માં અવસાન થયું ત્યાં સુધી એ સંસદસભ્ય રહ્યા અને લોકો સ્વયંભૂ એમનો પ્રચાર કરવા આવતા હતા.'

વરિષ્ઠ પત્રકાર ગુણવંત ત્રિવેદીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "ઇન્દુલાલ યાજ્ઞિકને લોકો ઇન્દુચાચાના નામથી ઓળખતા હતા. એમની ચૂંટણીમાં લોકો પોતાના ખર્ચે પ્રચાર કરતા હતા અને સામેથી ચૂંટણી લડવા ફંડ આપતા હતા"

"અમદાવાદમાંથી એ ચાર વખત ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ 1977થી 1984 સુધી આ બેઠક કૉંગ્રેસ પાસે રહી હતી, પણ 1989થી આ બેઠક ભાજપનો ગઢ બની ગઈ છે."

"અહીં 1989 થી 2009 થયેલી સાત લોકસભા ચૂંટણીઓમાં નવા સીમાંકન પછી પણ ભાજપના હરીન પાઠક જીત્યા હતા. 2014માં હરીન પાઠકની જગ્યાએ ફિલ્મ અભિનેતા પરેશ રાવલ ભાજપમાંથી જીત્યા હતા. ત્યાર બાદ પટેલ આંદોલન પછી ભાજપે આ બેઠક પર પટેલ ઉમેદવાર ઉતાર્યા અને પક્ષ આ બેઠકને જાળવી રાખવામાં સફળ થયો."

બન્ને લોકસભા બેઠકોમાં આવતી વિધાનસભાઓની સ્થિતિ શું છે?

અમદાવાદની બે લોકસભા બેઠકો પર ચૂંટણીના મુદ્દા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલો શહેરની ઓળખ સમાન દરવાજો

અમદાવાદ (પૂર્વ)ની બેઠક હેઠળ આવતી સાત વિધાનસભાની બેઠક પર ભાજપ જીત્યો છે. અહીં 2014 કરતાં 2019ની ચૂંટણીમાં મતદાન 20% વધ્યું હતું.

અમદાવાદ પશ્ચિમ લોકસભાની બેઠકમાં 2019માં 2014 કરતાં 2% ઓછું મતદાન થયું હતું. આ લોકસભા બેઠકમાં આવતી સાતમાંથી પાંચ વિધાનસભામાં ભાજપ જીત્યો છે, તો બેમાં કૉંગ્રેસ જીતી છે.

બીબીસી
બીબીસી