મેનકા ગાંધીએ બીબીસી સાથેની ખાસ વાતચીતમાં વરુણ, રાહુલ અને પ્રિયંકા ગાંધી વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રાધવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા
મેનકા ગાંધી ઉત્તર પ્રદેશમાં આવેલા સુલતાનપુરનાં સંસદસભ્ય છે. ભારતીય જનતા પાર્ટીએ તેમને ફરીથી આ બેઠક પરથી ટિકિટ આપી છે.
જોકે, ભાજપે આ વખતે મેનકા ગાંધીના દીકરા અને ઉત્તર પ્રદેશના પીલીભીતના સંસદસભ્ય વરુણ ગાંધીની ટિકિટ કાપી હતી. પાર્ટીએ પીલીભીતથી આ વખતે જિતિન પ્રસાદને ઉમેદવાર જાહેર કર્યા હતા. જિતિન પ્રસાદ કૉંગ્રેસ પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા હતા અને હાલમાં રાજ્યની યોગી સરકારમાં મંત્રી છે.
બીબીસી સાથેની ખાસ વાતચીતમાં મેનકા ગાંધીએ પોતાની રાજકીય યાત્રા, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને વરુણ ગાંધીની ટિકિટ કેમ ન મળી તેના વિશે વાત કરી હતી.
મેનકા ગાંધીએ કહ્યું કે વરુણ એક સક્ષમ વ્યક્તિ છે અને તેમની પાસે આવડત હશે તો તે ચોક્કસ ખૂબ જ આગળ વધશે.
તેમણે કહ્યું કે વરુણને ટિકિટ ન મળી તે બાબતે તેઓ દુ:ખી હતાં, પરંતુ આ એક ચૂંટણી જ છે. તેઓ (વરુણ) 28 વર્ષની વયે જ સંસદસભ્ય બની ગયા હતા અને ત્યારથી લાખો લોકોનાં દિલને જીતતા આવ્યા છે.
મેનકા ગાંધીએ કહ્યું, "તેમની પાસે લખવા અને પ્રચાર કરવા સિવાય પણ બીજી ઘણી આવડતો છે. તેમને અર્થવ્યવસ્થા પર બે બેસ્ટ સેલર પુસ્તકો લખ્યાં છે. તેઓ કવિતાઓ પણ લખે છે. તેઓ ખૂબ જ આગળ વધશે."
વરુણ ગાંધી કેટલાય મુદ્દાઓ પર સોશિયલ મીડિયા પર પોતાના વિચારો ખૂલીને વ્યક્ત કરે છે. તેઓ કેટલીક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથનું નામ લીધા વગર તેમના પર અને પાર્ટી પર નિશાનો સાધ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ પર જ્યારે મધ્ય પ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં લાવેલા ચીતા મરવા લાગ્યા ત્યારે વરુણ ગાંધીએ કહ્યું, "વિદેશી પ્રાણીઓનો આ બેદરકારી ભરેલી ખોજ તરત જ બંધ થવી જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મેનકા ગાંધીને જ્યારે વરુણ ગાંધી અને ભાજપ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે વરુણ ગાંધીએ જે કંઈ પણ લખ્યું છે તે મુદ્દા આધારિત છે.
મેનકા ગાંધીએ કહ્યું કે, "હું જ્યારે વરુણ ગાંધી સાથે મુલાકાત કરું છું ત્યારે રાજકારણને બદલે મારી પૌત્રી વિશે વાત કરું છું. કારણ કે રાજકારણ ઉપરાંત પણ જીંદગી ખૂબ વિશાળ છે."
મેનકા ગાંધી અત્યારે તો સુલતાનપુરમાં એકલાં જ પ્રચાર કરતાં જોવાં મળે છે.
તેમના (મેનકા ગાંધીના) પ્રચારમાં વરુણ ગાંધીની ગેરહાજરી વિશે મેનકા ગાંધીએ કહ્યું, "વરુણ તો પ્રચાર માટે આવવા ઇચ્છતા હતા, પરંતુ આ સમયે જરૂર નથી. જોકે, હું ઇચ્છું છું કે આખો પરિવાર અહીં રહે. અમે લોકો ખૂબ જ વ્યસ્ત છીએ. ચૂંટણીપ્રચાર અત્યારે સરસ ચાલી રહ્યો છે. મને જરૂર લાગશે તો હું વરુણને ચોક્કસ બોલાવીશ."
મેનકા ગાંધીએ કહ્યું કે વરુણ ગાંધીની ટિકિટ કપાઈ છે તેમ છતાં પણ જો તેઓ મારો પ્રચાર કરવા માટે સુલતાનપુર આવે છે તો તેમાં કોઈ વિરોધાભાસ નથી, પરંતુ આ વાતનો તેમને ફાયદો જ થશે.
વરુણ ગાંધીની ટિકિટ કપાયા પછી એવી અટકળો હતી કે તેઓ કૉંગ્રેસમાં જોડાઈ શકે છે અથવા અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી શકે છે.
આ વિશે મેનકા ગાંધીએ કહ્યું, "મીડિયા આ બધી અટકળો લગાવે છે. સુલતાનપુરમાં ચાની દુકાને બેસીને લોકો દર કલાકે સરકારને બનાવે અને બગાડે છે. મીડિયા પણ આ જ કરે છે, પરંતુ કોઈ ફેરફાર થયો નથી. વરુણ અત્યારે પણ ત્યાં જ છે, જ્યાં તેઓ પહેલાં હતા."
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
ઉત્તર પ્રદેશમાં ગાંધી પરિવાર સાથે જોડાયેલી ત્રણ બેઠકો હંમેશાં ચર્ચામાં રહે છે, જેમાં રાયબરેલી, અમેઠી અને પીલીભીત સામેલ છે.
કૉંગ્રેસે આ વખતે રાહુલ ગાંધીને રાયબરેલીથી ઉમેદવાર જાહેર કર્યા છે. લોકસભા 2019ની ચૂંટણીમાં કેન્દ્રિય મંત્રી અને ભાજપનાં નેતા સ્મૃતી ઇરાનીએ રાહુલ ગાંધીને અમેઠી બેઠક પરથી હરાવ્યા હતા.
રાહુલ ગાંધીના અમેઠીને બદલ રાયબરેલી જવા અંગે મેનકા ગાંધીએ કોઈ ટિપ્પણી ન કરી.
મેનકા ગાંધીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ રાહુલ ગાંધીની યાત્રાને કેવી રીતે જુએ છે તો તેમણે કહ્યું, "મને નથી લાગતું કે તેઓ (રાહુલ) પરિપક્વ થયા છે. માત્ર પદયાત્રા કરવાથી કોઈ પરિપક્વ થતું નથી. આ માટે મુદ્દાઓ ઉઠાવવા, ઊંડો અભ્યાસ કરવો, બહાદુરી દેખાડવી અને નેતૃત્વ પણ જરૂરી છે."
પ્રિયંકા ગાંધી વિશે જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે (મેનકા ગાંધી) કહ્યું કે રાહુલ માટે કરેલી વાત પ્રિયંકા માટે પણ લાગુ પડે છે. એટલે કે રાહુલ ગાંધીની જેમ જ પ્રિયંકા ગાંધી પણ પરિપક્વ થયાં નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ લોકસભાની ચૂંટણીમાં "400 પાર"નો નારો આપ્યો છે. શું ભાજપ આ આંકડાને પાર કરી શકશે?
આ સવાલના જવાબમા મેનકા ગાંધીએ કહ્યું, "મને ચૂંટણી દરમિયાન માત્ર સુલતાનપુર જ દેખાય છે. આસપાસ અને દેશમાં પણ શું ચાલી રહ્યું છે તે પછી દેખાય છે."
"સુલતાનપુરના લોકોની તકલીફો અને ઇચ્છાઓ દેખાય છે. વડા પ્રધાને જો 400 પારનો નારો આપ્યો છે તો તે થશે અથવા તો તેની નજીક રહેશે."
સામ પિત્રોડા વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસ નેતા સામ પિત્રોડાએ અમેરિકાના વારસાઈ કરની વકીલાત કરી હતી.
તેમણે કહ્યું, "અમેરિકામાં વારસાઈ કરની વ્યવસ્થા છે. વારસાઈ કરનો અર્થ છે કે જો કોઈ પાસે 10 કરોડ ડૉલરની સંપત્તિ છે તો તેમના મૃત્યુ પછી બાળકોને માત્ર 45 ટકા જ સંપત્તિ મળશે જ્યારે બાકીના 55 ટકા સંપત્તિ સરકાર લઈ લેશે."
"આ એક રસપ્રદ કાયદો છે. તમે જે કંઈ સંપત્તિ એકઠી કરો છો તે તમારા મૃત્યુ પછી અડધી સંપત્તિ લોકો માટે છોડવી પડશે. મારા મત પ્રમાણે આ એક સારો કાયદો છે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પિત્રોડાના આ નિવેદનને ચૂંટણીનો મુદ્દો બનાવી દીધો હતો. તેમણે એક ચૂંટણી સભામાં કૉંગ્રેસ પર નિશાનો સાધતા કહ્યું, "તમે જ્યાં સુધી જીવતા રહેશો ત્યાં સુધી કૉંગ્રેસ તમારી પાસેથી વધારે કર લઈને મારશે અને તમારા મૃત્યુ પછી પણ વારસાઈ કરનું ભારણ પણ લાદશે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "કૉંગ્રેસનું કહેવું છે કે તે વારસાઈ કરનો કાયદો લાવશે. માતા-પિતા પાસેથી મળતા વારસા ઉપર પણ કર લાદશે. તમે જે મહેનત કરીને સંપત્તિ એકઠી કરો છો તે તમારા બાળકોને મળશે નહીં. કૉંગ્રેસનો પંજો તે પણ તમારી પાસેથી લૂંટી લેશે. કૉંગ્રેસનો મંત્ર છે – કૉંગ્રેસની લૂંટ.... જિંદગીની સાથે અને મૃત્યુ પછી પણ."
ભાજપના કૅમ્પેન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નિવેદનોમાં મુસ્લિમ, ઘૂસણખોરો અને મંગળસૂત્ર જેવા શબ્દોનો ઉલ્લેખને લઈને મેનકા ગાંધીને સવાલ કરવામાં આવ્યા હતા. જોકે, મેનકા ગાંધી આ સવાલોથી બચવાનો પ્રયાસ કરતાં નજરે ચડ્યાં અને તેમણે કહ્યું કે સામ પિત્રોડાએ તે નિવેદન આપવાની જરૂર નહોતી.
મેનકા ગાંધીએ કહ્યું, "મને લાગે છે કે તેમણે (પિત્રોડા) આ સમયે તે નિવેદન આપવાની જરૂર નહોતી. વ્યક્તિગત રૂપે મને રાજકીય વસ્તુઓ સાથે મતલબ નથી."
"કોણ શું બોલ્યા અને કોણે શું કહ્યું. વારસાઈ કર ભારતમાં ચાલશે નહીં. હું વ્યક્તિગત રૂપે તેનો વિરોધ કરું છું. ભારતમાં પરિવારના લોકો વચ્ચે સંબંધો ખૂબ જ મજબૂત છે. જે લોકો આખી જિંદગી પોતાનાં બાળકો માટે મહેનત કરે છે અને સરકાર તેમની અડધી સંપત્તિ લઈ લે તો તેઓ કમાય શું કામ?"
તેમણે કહ્યું, "વિદેશમાં બેઠા લોકો ક્યારે પણ કોઈ પણ પ્રકારના નિવેદન આપી દે છે જેની અસર પાર્ટી પર પડે છે. મને લાગે છે તેમણે (પિત્રોડાને) નિવેદન આપવાની જરૂર જ નહોતી."
ધ્રુવીકરણનો આરોપ

ઇમેજ સ્રોત, ANI
લોકસભા ચૂંટણી દરમિયાન વડા પ્રધાન મોદી અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ કૉંગ્રેસ પર તુષ્ટીકરણનો આરોપ લગાવી રહ્યા છે.
એક ચૂંટણી સભામાં પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહના એક નિવેદનને ટાંકતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો કે કૉંગ્રેસ પાર્ટી દલિત અને પછાત વર્ગ પાસેથી અનામત છીનવીને મુસ્લિમોને આપવા માગે છે.
ચૂંટણીમાં ભાજપ દ્વારા ધ્રુવીકરણ વધારવાના આરોપો પર મેનકા ગાંધીએ કહ્યું, "તમે મારા વિશે વાત કરી શકો. અમે અહીં (સુલતાનપુરમાં) ધ્રુવીકરણ કરતા નથી. તમે ગામમાં જઈને કોઈપણ જ્ઞાતિ કે ધર્મના લોકોને મળશો તો તમને આ આરોપ વિશે સાંભળવા મળશે નહીં."
તેમણે વર્ષ 2019માં આપેલા એક નિવેદન વિશે સ્પષ્ટીકરણ પણ આપ્યું હતું. તેમના (મેનકા ગાંધીના) નિવેદનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. મેનકા ગાંધી તે વીડિયોમાં પોતાની જીત વિશે દાવો કરતા કહ્યું હતું કે જો મુસ્લિમો તેમની પાસે કામ કરાવવા માટે આવશે તો તેમને તે વિશે વિચારવું જોઈએ.
આ વિશે સ્પષ્ટીકરણ આપતાં મેનકા ગાંધીએ કહ્યું કે, "કોઈપણ વ્યક્તિની જ્ઞાતિ કે ધર્મ જોયા વગર હું લોકોનાં કામ કરું છું. જોકે, ચૂંટણી સમયે તે વ્યક્તિને પોતાની જ્ઞાતિ કે ધર્મ યાદ આવે તો મને ખરાબ લાગે છે. હું ત્યારે વિચારું છું કે હું કેમ કામ કરું છું".
તેમણે કહ્યું, "પાંચ વર્ષમાં દરેક જ્ઞાતિ અને ધર્મના લોકો મારી પાસે આવ્યા હતા. હજારો લોકોની મદદ કરવામાં આવી હતી. અમે ફરીથી પ્રયત્નો કરી રહ્યાં છીએ કે જાતિ અને ધર્મ મુદ્દો ન બને. મુદ્દા વિકાસને લગતા હોય. હું અત્યારે પણ તે જ કહું છું કે મારા ઘરે ખુશીથી આવો, મારું દિલ વિશાળ છે. એ વખતે પણ મારો અર્થ આ જ હતો જે અત્યારે છે."













