ગુજરાત : લોકસભાની ચૂંટણીમાં થયેલું ઓછું મતદાન કોને નુકસાન કરશે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
લોકસભાની 2024 ચૂંટણી માટેનું મતદાન ગુજરાતમાં સાતમી મેના દિવસે પૂર્ણ થયું છે. ગરમી, જ્ઞાતિ આધારિત સમીકરણો અને જ્ઞાતિ વિષયક ટિપ્પણીઓ સામેનાં આંદોલનોને અલગ-અલગ બેઠકો પર મતદાનની વધેલી અને ઘટેલી ટકાવારી માટેનાં સંભવિત કારણો જોવામાં આવી રહ્યા છે. ચૂંટણીપંચના આંકડા પ્રમાણે, ગુજરાતમાં સરેરાશ 60.13 ટકા મતદાન થયું છે, જેમાં સામાન્ય ઉમેરો થઈ શકે છે.
જોકે, ગુજરાતમાં આ ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન યોજાયું હતું, જે પ્રથમ બે તબક્કામાં અન્ય રાજ્યોની બેઠકો પર પણ અગાઉની સરખામણીએ મતદાનની ટકાવારીમાં પણ ઘટાડો નોંધાયો હતો.
ગુજરાતમાં મતદાનમાં થયેલી આ વધઘટને કારણે રાજકીય પક્ષો અને રાજકીય અવલોકનકારો પણ સ્થિતિનું ફરીથી વિશ્લેષણ કરવામાં લાગી ગયા છે.
પાંચ લાખ મતોના તફાવતથી દરેક બેઠક જીતીને અગાઉની બે લોકસભાની ચૂંટણીઓ કરતાં વધુ સારું પ્રદર્શન કરીને ગુજરાતમાં હેટ્રિક કરવા ઇચ્છતા ભાજપના નેતાઓએ મતદાનના દિવસ સુધી આ મતોના તફાવત વિશે દાવા કરવાનું બંધ કરી દીધું હતું.
જ્યારે પક્ષમાંથી સક્ષમ અને સક્રિય નેતાઓના પક્ષપલટા અને અસંતોષથી ઘેરાયેલા કૉંગ્રેસને આ ચૂંટણીમાં કેટલીક બેઠકો જીતવાની આશા જાગી છે.
સમગ્ર ચૂંટણી દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અને આણંદમાં ભાજપ સામે ક્ષત્રિય સમાજના આંદોલનનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. ગુજરાતમાં કૉંગ્રેસ તથા આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. કૉંગ્રેસે 23 તથા આમ આદમી પાર્ટીએ બે બેઠક ઉપર ચૂંટણી લડી હતી.
ગુજરાતમાં સુરતની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જ્યારે બાકીની 25 બેઠક ઉપર યોજાયેલાં મતદાનનાં પરિણામો ચોથી જૂને જાહેર થશે. એ દિવસે જ દેશમાં આગામી કોની સરકાર બનશે, તેનું ચિત્ર સ્પષ્ટ થશે.
નીચા મતદાન માટે માત્ર ઊંચું તાપમાન જ જવાબદાર?

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિશે માહિતી આપતી ઍક્યુવૅધર ડૉટ કૉમના અહેવાલો અનુસાર, મંગળવારે રાજકોટમાં (પશ્ચિમ ગુજરાત) 41 ડિગ્રી, મહેસાણા (ઉત્તર ગુજરાત) 44 ડિગ્રી, સુરત (દક્ષિણ ગુજરાત) 37 ડિગ્રી અને અમદાવાદમાં (મધ્ય ગુજરાત) મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વહેલી સવારે પોલિંગ બૂથો ઉપર ભીડ જોવા મળી હતી, જેમ-જેમ સૂરજ ચઢતો ગયો હતો, તેમ-તેમ નાગરિકોમાં મતદાન માટેનો ઉત્સાહ ઓસરતો રહ્યો હતો.
રાજ્યમાં સૌથી ઓછું મતદાન અમરેલીની બેઠક ઉપર 50.29 ટકા નોંધાયું હતું, જ્યારે સૌથી વધુ મતદાન વલસાડમાં 72.71 ટકા નોંધાયું છે.
અમરેલીની બેઠક ઉપર કૉંગ્રેસનાં ઉમેદવાર જેનીબહેન ઠુમ્મર અને ભાજપના ભરત સુતરિયા વચ્ચે મુકાબલો છે. જ્યારે વલસાડની બેઠક ઉપર ભાજપે ધવલ પટેલની ઉપર વિશ્વાસ મૂક્યો છે, જેમની સામે કૉંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ છે. વલસાડની બેઠક અનુસૂચિત જનજાતિ માટેની અનામત બેઠક છે.
એકમાત્ર બનાસકાંઠાની બેઠક ઉપર ગત લોકસભા ચૂંટણીની સરખામણીમાં વધુ મતદાન થયું છે. વર્ષ 2019માં યોજાયેલી ચૂંટણીમાં અહીં 64.93 ટકા મતદાન થયું હતું, જેની સામે આ વખતે 69.62 ટકા મતદાન થયું છે. અહીં કૉંગ્રેસે ગેનીબહેન ઠાકોરને ઉમેદવાર બનાવ્યાં છે. જેમણે પોતાને સ્થાનિક સમાજોનાં દીકરી ગણાવીને મતની સાથે સાથે લોકો પાસેથી ચૂંટણી માટેનો ફાળો લઈને ચૂંટણીપ્રચાર કર્યો હતો, જ્યારે ભાજપે રેખાબહેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યાં છે.
ભાજપે આ બેઠક ઉપર 2019ની ચૂંટણીમાં વિજેતા બનેલા નેતા પરબત પટેલને ટિકિટ આપવાને બદલે પ્રમાણમાં ઓછાં જાણીતાં રેખાબહેન ચૌધરીને ટિકિટ આપી હતી. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપતરફી જુવાળ હોવા છતાં ગેનીબહેન ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. તેમને કૉંગ્રેસે બનાસકાંઠાની લોકસભા બેઠક પર પોતાનાં ઉમેદવાર બનાવ્યાં છે.

અનુસૂચિત જનજાતિ માટે અનામત બારડોલીની બેઠક ઉપર ગત વખતે 73.8 ટકા મતદાન થયું હતું. જ્યારે 64.81 ટકા જેટલું મતદાન થયું હતું. જે નવ ટકા જેટલો ઘટાડો દર્શાવે છે.
અનુસૂચિત જાતિ માટે અનામત કચ્છની બેઠક ઉપર 56.14 ટકા મતદાન નોંધાયું છે. જે ગત વખતે 58.66 ટકા હતું. જ્યારે અમદાવાદ પશ્ચિમની બેઠક ઉપર 60.67 ટકા મતદાન થયું હતું, જે આ વખતે 55.45 ટકા રહ્યું છે.
ક્ષત્રિય આંદોલનને કારણે ચર્ચામાં આવેલી રાજકોટ બેઠક ઉપર 59.7 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં આ આંકડો 63.43 ટકા રહ્યો હતો. આ બેઠક ઉપરથી ભાજપ-કૉંગ્રેસના ઉમેદવારો મૂળ અમરેલી જિલ્લાના છે. ભાજપે પરશોત્તમ રૂપાલાને તો કૉંગ્રેસે વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીને ઉમેદવાર બનાવ્યા છે.
રૂપાલાના નિવેદનને કારણે જ ક્ષત્રિયોના એક વર્ગમાં ભાજપ સામે નારાજગી ફાટી નીકળી હતી અને આ બેઠક આંદોલન માટેનું ઍપિસેન્ટર બની ગઈ હતી.
આ સિવાય ક્ષત્રિય સમાજનાં નોંધપાત્ર મતદારો ધરાવતી આણંદ બેઠક ઉપર 65 ટકા જેટલું મતદાન થયું. ગત લોકસભા ચૂંટણીમાં આ ટકાવારી 66.95 ટકા રહી હતી. અહીં મિત્રવર્તુળમાં બકાભાઈ તરીકે ઓળખાતા મિતેશ પટેલને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે, તો કૉંગ્રેસે આંકલાવના ધારાસભ્ય અને પક્ષના વરિષ્ઠ નેતા અમિત ચાવડાને ઉતાર્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બેઠક ઉપર 59.8 (ગત વખતે 65.99) મતદાન થયું હતું. અહીં કૉંગ્રેસે સોનલ પટેલને ઉમેદવાર બનાવ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની પોરબંદર બેઠક ઉપર 51.83 ટકા જેટલું મતદાન નોંધાયું હતું, જે વર્ષ 2019માં 57.14 ટકા જેટલું હતું.
જ્યાં વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાઈ હતી, તે પોરબંદર પર 57.99 ટકા, વિજાપુરમાં 65 ટકા, ખંભાત 66.28 ટકા, વાઘોડિયામાં 70.29 ટકા અને માણાવદરમાં લગભગ 54 ટકા મતદાન નોંધાયું છે.
ઘટેલું મતદાન ભાજપને કેવી અસર કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત ભાજપે તમામ બેઠકને પાંચ લાખથી વધુ મતની લીડથી જીતવાનો લક્ષ્યાંક મૂક્યો છે. પાર્ટીની પેજપ્રમુખ તથા 'શક્તિકેન્દ્ર'ની વ્યવસ્થા પાર્ટીના સમર્થકોને મતદાન મથક સુધી લાવવા માટે પ્રયાસ કરે છે. છતાં મતદાનમાં ઘટાડો થયો છે.
ગુજરાત ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમારના કહેવા પ્રમાણે, "ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતે ઓછું મતદાન થયું છે, તેનું એક મુખ્ય કારણ ગરમી છે. જેણે મુખ્યત્વે શહેરીવિસ્તારના મતદારોને અસર કરી છે. અગાઉ દિવસભર ધમધમતા રહેતાં ચૂંટણીકાર્યાલયોમાં સાંજ પછી જ ભીડ જોવા મળતી હતી."
"આ સિવાય શહેરીવિસ્તારોમાં ભાજપની સામે કૉંગ્રેસની કોઈ હરીફાઈ જ નહોતી. શહેરીવિસ્તારોમાં અમારા જ બૅનર હતાં અને સભાઓ થઈ રહી હતી. જ્યારે કૉંગ્રેસે મેદાન છોડી દીધું હતું. જેના કારણે પાર્ટીના મતદારોએ સુસ્તી દાખવી હોય શકે છે. તેમને થયું હોય 'મારા એક મતથી શું ફરક પડવાનો હતો? ' જે પણ એક પરિબળ હોઈ શકે છે."
રાજ્યભરમાં ઓછા મતદાન છતાં બનાસકાંઠામાં મતદાન વધ્યું છે. વલસાડ અને ભરૂચ જેવી બેઠકો પર અનુક્રમે કૉંગ્રેસ અને આપ સ્પર્ધામાં છે. જ્યાં રાજ્યભરમાં નોંધપાત્ર મતદાન થયું છે.
આ વલણ વિશે પરમારનું કહેવું છે, "ગ્રામ્યવિસ્તારોમાં શહેરીવિસ્તારોની સરખામણીમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધુ હોય છે. ત્યાં પરસ્પર હરિફાઈ જોવા મળે છે. ત્યાં નાત-જાતનાં સમીકરણ પણ કામ કરતાં હોય છે. એટલે જો કોઈ એક વર્ગ દ્વારા મતદાન થતું હોય તો તરત જ સામેનો વર્ગ પણ સક્રિય થાય છે અને મતદાનની ટકાવારી વધે છે. આ સિવાય શહેરમાં ગરમીનું પરિબળ જેટલું મોટું હોય છે, એટલું ગ્રામ્યવિસ્તારોમાં નથી હોતું."
"એટલે ભરૂચ અને વલસાડનું મતદાન અમારા માટે ચિંતાને કારણ નથી. ગઈ ચૂંટણીમાં હાલ કરતાં પણ વધુ મતદાન થવા છતાં અમે જીત્યા હતા. એટલે અમે આ વખતે પણ અમારા વિજય વિશે આશ્વસ્ત છીએ. અમે જનતાની વચ્ચે રહીને કામ કર્યું છે."

ભાજપને માટે પરશોત્તમ રૂપાલાનું નિવેદન સેલ્ફ-ગોલ જેવું બની ગયું છે. તેમણે અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પટેલે વારંવાર માફી માગી છે. પાર્ટીના રાજપૂત નેતાઓએ પણ સાર્વજનિક અપીલ કરી હતી. પાટીલ અને હર્ષ સંઘવી સહિત પાર્ટીના નેતાઓએ વિવાદને શાંત પાડવાના પ્રયાસ કર્યા હતા. આ સિવાય પૂર્વ રાજવીઓએ પણ સંયુક્ત નિવેદન બહાર પાડીને ભાજપને નહીં દંડવા અપીલ કરી હતી, પરંતુ રાજપૂતોનો એક વર્ગ ડગ્યો નહોતો.
ભાજપના એક નેતાએ નામ ન છાપવાની વિનંતી સાથે કહ્યું, "અમારું અનુમાન હતું કે પાર્ટીથી નારાજ ક્ષત્રિય મતદાનથી અળગો રહેશે, અને તે નોટા કે કૉંગ્રેસનું બટન દબાવવા પોલિંગ બૂથ ઉપર નહીં જાય. આણંદમાં 2019ની ચૂંટણી જેટલું જ મતદાન થયું છે. જે ચિંતાનું કારણ બની શકે છે.”
તેમણે વધુમાં કહ્યું, “2019માં લગભગ 10.50 લાખ મત પડ્યા હતા, જેમાંથી પાર્ટીને લગભગ બે લાખની લીડ મળી હતી. આમ માર્જિન 20 ટકા જેટલું હતું, પરંતુ આ બેઠક ઉપર પાર્ટીથી નારાજ સમાજની ટકાવારી એનાથી વધુ છે. વળી, હરીફ ઉમેદવાર એ સમીકરણમાં ફીટ પણ બેસે છે. હવે, કયા વિસ્તારમાં કેટલું મતદાન થયું, તે બાબત જ ચિત્ર સ્પષ્ટ કરી શકે છે."
"ભરૂચમાં ચૈતર વસાવાની ડેડિયાપાડા વિધાનસભા બેઠક ઉપર વધુ મતદાન થયું છે, પરંતુ ત્યાં છોટુભાઈ વસાવા દીકરા પણ ચૂંટણી લડી રહ્યા છે. ચૈતરભાઈ પણ અગાઉ છોટુભાઈની પાર્ટીમાં જ હતા. એટલે ત્રણ પક્ષોના પ્રયાસોને કારણે ડેડિયાપાડા અને ઝગડિયામાં વધુ મતદાન થયું છે. આપ ત્યાં મુસ્લિમ મત ઉપર આધાર રાખે છે, પરંતુ (અહમદ) પટેલના પરિબળને અવગણે છે."
કૉંગ્રેસ કમાલ કરી શકશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની શાખ દાવ ઉપર છે. તમામ 25 બેઠક ન જીતી શકે, તો પણ તેને પાર્ટીની પીછેહઠ તરીકે જોવામાં આવશે. કૉંગ્રેસને પણ આશા છે કે આ વખતે તે વર્ષ 2009 જેવું પ્રદર્શન કરશે.
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીના કહેવા પ્રમાણે, "લગભગ છ મહિના પહેલાં પાર્ટી સ્પર્ધામાં જ ન હોય તેવો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પછી પાર્ટી નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગઈ હતી. પરંતુ છેલ્લા ત્રણ મહિના દરમિયાન પાર્ટીએ જમીન ઉપર સખત મહેનત કરી છે. એમાં પણ એક મહિના દરમિયાન ભાજપની સરખામણીમાં ટાંચા સાધનો, સંસાધનો અને ફંડ હોવા છતાં અમે ટક્કર આપી રહ્યાં છીએ એવું સ્વીકારાવા લાગ્યું."
પાર્ટીમાં ચેતનાના સંચાર અને સ્પર્ધા આપવાના જુસ્સા અંગે દોશી કહે છે, "પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં ન્યાયયાત્રા કાઢી હતી અને લગભગ પાંચ દિવસ તેઓ ગુજરાતમાં રહ્યા હતા. એ પછી પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો સંચાર થયો. અમે કોઈપણ જાતના આંતરિકવિરોધ વગર સારી રીતે ટિકિટવિતરણ કરી શક્યા હતા. પછી ટાંચા સાધનો છતાં કાર્યકર અને સંગઠન ઉમેદવારને વિજેતા બનાવવાના કામમાં લાગી ગયા હતા. રાહુલ તથા પ્રિયંકા ગાંધીની જાહેરસભાઓનો પણ લાભ થયો."
મતદાનની વધુ ટકાવારી શું સૂચવે છે? આ સવાલના જવાબમાં દોશી કહે છે, "મતદાનની ટકાવારી એકમાત્ર પરિબળ નથી હોતું. લોકસભાની બેઠક આવતી કઈ વિધાનસભા બેઠક ઉપર કેટલું મતદાન થયું, તે પણ અસરકર્તા હોય છે. જેમકે, કોઈ નાની-નાની બેઠક ઉપર વધુ મતદાનથી લીડ મળે તો પણ વિપક્ષના પ્રભુત્વવાળી મોટી વિધાનસભાનાં ઈવીએમ ખુલે એટલે ચિત્ર પલટાઈ જાય. ચાહે ત્યાં ઓછું મતદાન જ કેમ ન થયું હોય. આના માટે વિસ્તૃત વિશ્લેષણની જરૂર રહે છે."
દોશી ઉમેરે છે, “અમને આશા છે કે અમે ઉત્તર ગુજરાત તથા આદિવાસી બેલ્ટમાં સારું પ્રદર્શન કરીશું વર્ષ 2009નાં પ્રદર્શનનું પુનરાવર્તન કરીશું અને ઓછામાં ઓછી 14 જેટલી બેઠકો જીતીશું.”
શું માને છે વિશ્લેષકો?

ઇમેજ સ્રોત, Getty Images
ઍક્ઝિટ પોલ કરનારા ચૂંટણી તજજ્ઞો તથા રાજકીય વિશ્લેષકો પણ આ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતના રાજકારણને ખૂબ જ નજીકથી જોનારા વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ વરિયા કહે છે, "વર્તમાન ધારાસભ્ય ચૂંટણી લડતાં હોય એટલે તેમની વિધાનસભા બેઠક ઉપર વધુ મતદાન થવું સ્વાભાવિક છે. ચૈતર વસાવા ડેડિયાપાડા તથા અનંત પટેલ વાંસદાના ઉમેદવાર છે. બંને આદિવાસી સમાજના છે, એટલે પોતાના સમાજના ઉમેદવારને માટે વધુ મતદાન થાય તે સ્વાભાવિક છે."
તેમણે કહ્યું, "અનંત પટેલના આંદોલનને કારણે સરકારે ભારતમાલા રોડ પ્રોજેક્ટ અને પાર-તાપી-નર્મદા રિવરલિંક જેવા પ્રોજેક્ટ પડતા મૂકવા પડ્યા છે. ખૂબ જ ટાંચા સાધનોની વચ્ચે અનંત પટેલે સારૂં પ્રદર્શન કર્યું છે અને આદિવાસી સમાજમાં તેઓ વિશેષ લોકપ્રિય છે. છતાં અહીં હિંદુત્વનું પરિબળ પણ છે. વિશેષ કરીને ડાંગ તથા આસપાસના વિસ્તારોમાં ભાજપના રાજ્યસભાના સંસદસભ્ય ગોવિંદભાઈ ધોળકિયાએ સાડા ત્રણસો જેટલાં હનુમાન મંદિરો બંધાવ્યાં છે. આ સિવાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આશ્રમશાળાઓ અને હિંદુ સંપ્રદાયોનાં પ્રભાવને પણ ન અવગણવા જોઈએ."
નરેશ વરિયા વધુમાં જણાવે છે, "કૉંગ્રેસને બારડોલીની બેઠક ઉપરથી 'સરપ્રાઇઝ ગિફ્ટ' મળી શકે છે. અગાઉ એવું થતું કે માંડવી, વ્યારા અને નિજર જેવી આદિવાસી બહુમતીવાળી બેઠકો ઉપર કૉંગ્રેસે સારું પ્રદર્શન કર્યું હોય, પરંતુ કામરેજ અને બારડોલી જેવી ભાજપતરફી ઝોક ધરાવતી બેઠકો એ સરસાઈને ઉતારી દે."
"સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી સમયે આમ આદમી પાર્ટીને જે બેઠકો મળી હતી, તે મોટાભાગે કામરેજ તથા આસપાસના વિસ્તારોની હતી. જે મૂળતઃ સૌરાષ્ટ્રના પાટીદારોનો વિસ્તાર છે. આ વખતે ત્યાં ગઈ ચૂંટણીની સરખામણીમાં 14 ટકા જેટલું ઓછું મતદાન થયું છે. જે ભાજપ માટે ચિંતાજનક બાબત છે."

ઇમેજ સ્રોત, Dhaval Patel / Anant Patel / FB
તેમણે ઉમેર્યું, "બીજી બાજુ સિદ્ધાર્થ ચૌધરી સુમુલ ડેરીને કારણે સહકારક્ષેત્રમાં મોટું નામ છે અને તેઓ બિનવિવાદાસ્પદ વ્યક્તિ છે. એમનું વ્યક્તિગત રીતે પોતાનું નેટવર્ક અને સંગઠનનું માળખું છે. જ્યારે ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાની સામે પાર્ટીના જ આદિવાસી નેતાઓમાં આંતરિક અસંતોષ હતો. આ બેઠકો ઉપર ઓછું મતદાન થયું છે."
સૌરાષ્ટ્રની સ્થિતિ વિશે વાત કરતાં રાજકોટસ્થિત વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય કહે છે, "રાજકોટ તથા આસપાસની બેઠકોનાં કેટલાંક બૂથ ઉપર ક્ષત્રિય પુરુષોએ સાફા અને પાઘડી, જ્યારે મહિલાઓએ લાલ-કેસરી સાડીઓ પહેરીને સામૂહિક રીતે મતદાન કર્યું હતું."
"આ સંજોગોમાં જો ગત ચૂંટણી જેટલું કે એના કરતાં ઓછું મતદાન ભાજપ માટે મુશ્કેલી વધારનારું બની શકે છે. સૌરાષ્ટ્રની બેઠકો ઉપર સ્થાનિક પરિબળો પણ ભાગ ભજવી રહ્યાં છે."
તેમણે કહ્યું, “રાજકોટની બેઠક ઉપરથી કડવા પાટીદાર સમાજના રૂપાલા ઉમેદવાર છે, પરંતુ આ બેઠક ઉપર લેઉઆ મતદારોની બહુમતી છે. જૂનાગઢમાં ડૉ. અતુલ ચગની આત્મહત્યામાં સંડોવણી મુદ્દે રાજેશ ચુડાસમાની ઉમેદવારી સામે સ્થાનિક લોહાણા સમાજ નારાજ છે. આ સિવાય અમરેલીની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સામે પાર્ટીમાં જ આંતરિક અસંતોષ હતો.”
રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર અને ભાવનગર જેવી બેઠકો ઉપર ક્ષત્રિયોની વસતિ નોંધપાત્ર છે, ત્યારે આચાર્ય ઉમેરે છે કે કદાચ હાર-જીતના પરિણામ ઉપર અસર ન કરે તો પણ ઓછું મતદાન, ક્ષત્રિયોનું આંદોલન તથા સ્થાનિક પરિબળો લીડને અસર કરી શકે છે.












