એ પાંચ મુદ્દા જેમણે ગુજરાતમાં લોકસભા ચૂંટણી દરમિયાન ખૂબ જ ચર્ચા જગાવી

- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર શાંત થઈ ગયો છે અને આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે. રાજકીય પક્ષોએ વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પોતાનો ચૂંટણીપ્રચાર કર્યો હતો.
ભાજપના નેતાઓનાં ભાષણોમાં રામમંદિર, કૉંગ્રેસનો ચૂંટણીઢંઢેરો વગેરે જેવા મુદ્દાઓ છવાયેલા રહ્યા. તો બીજી તરફ કૉંગ્રેસના પ્રચારમાં બેરોજગારી અને ‘પાંચ ન્યાય’ના મુદ્દા જોવા મળ્યા.
ચૂંટણીપ્રચાર દરમિયાન નેતાઓનાં વાકયુદ્ધો પણ સતત ચાલતાં રહ્યાં. નામ લીધા વિના નેતાઓએ એકબીજાને નિશાન બનાવ્યાં અને પોતાનો પ્રચાર કર્યો.
ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં આવીને સતત ચૂંટણીપ્રચાર કર્યો હતો. ગઠબંધન હેઠળ પહેલીવાર સાથે ચૂંટણી લડી રહેલા કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતની અનેક બેઠકો પર સાથે પ્રચાર કર્યો હતો. બંને પક્ષોના સ્થાનિક નેતાઓ એકબીજાની સભાઓમાં સાથે જોવા મળ્યા હતા.
ભાજપ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, સીઆર પાટિલ, ભૂપેન્દ્ર પટેલે તો કૉંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પ્રચારની કમાન સંભાળી હતી. આમ આદમી પાર્ટી તરફથી સંજયસિંહ, ભગવંત માન અને સુનીતા કેજરીવાલ પ્રચાર માટે ગુજરાત આવ્યા હતા.
ગુજરાતમાં ચૂંટણી દરમિયાન કેટલીક ઘટનાઓ એવી બની જેણે આગળ જતા મોટા મુદ્દાનું સ્વરૂપ ધારણ કરી લીધું. એ સિવાય અનેક મુદ્દા એવા હતા જેણે ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી.
પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનું આંદોલન

હાલમાં રાજ્યસભાના સંસદસભ્ય અને કેન્દ્ર સરકારમાં મંત્રી પરશોત્તમ રૂપાલાને ભાજપે આ વખતે લોકસભાની ચૂંટણી લડાવવાનું નક્કી કર્યું અને રાજકોટથી ટિકિટ આપી.
પરંતુ રાજકોટમાં વાલ્મીકિ સમાજના એક કાર્યક્રમ દરમિયાન તેમના ભાષણનો એક વીડિયો વાઇરલ થયો હતો જેને લઈને ભારે વિવાદ થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, “ભારતમાં અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. એ સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા પણ મારા રુખી સમાજે ના તો ધર્મ બદલ્યો ના તો વ્યવહાર કર્યો.”
ત્યારબાદ પરશોત્તમ રૂપાલાનો ક્ષત્રિય-રાજપૂત સમાજે વિરોધ શરૂ કર્યો હતો. તેમનું કહેવું હતું કે રોટી-બેટી જેવા શબ્દો વાપરીને મહારાજાઓ અને ક્ષત્રિય સમાજની દીકરીઓનું તેમણે અપમાન કર્યું હતું.
પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરવા માટે ક્ષત્રિય સમાજની બહેનો રસ્તા પર ઊતરી હતી અને તેમણે પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી હતી.
બીજી તરફ પરશોત્તમ રૂપાલાએ ઘણીવાર જાહેરમાં માફી માંગી હતી તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પણ માફી માંગી હતી.
ક્ષત્રિય સમાજે એક તરફ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ ચાલુ રાખીને ઉપવાસ, સંમેલનોનું આયોજન કર્યું હતું. તો બીજી તરફ ભાજપે પણ નમતું જોખ્યું નહોતું અને પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી હતી.
વિવાદમાં તક જોઈ કૉંગ્રેસે પણ રાજકોટ બેઠક પર દાવ રમ્યો અને દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને રાજકોટથી ટિકિટ આપી હતી.

ઇમેજ સ્રોત, UGC
બીજી તરફ પરશોત્તમ રૂપાલા ચૂંટણી લડશે એ નક્કી થઈ જતાં ક્ષત્રિય સમાજે બારડોલી, આણંદ, જામનગર, ધોળકા વગેરે જગ્યાએ સંમેલનો યોજ્યાં હતાં અને એ જાહેરાત કરી હતી કે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતમાં ચૂંટણીપ્રચાર દરમિયાન પણ કહ્યું હતું કે, “તેઓ એકમાત્ર મુખ્ય મંત્રી હતા કે જેઓ ભૂચર મોરીના કાર્યક્રમમાં ગયા હતા. ક્ષત્રિયોનાં બલિદાન સામે તો મારું મુખ્ય મંત્રી પદ પણ ન આવે.”
ચૂંટણીપ્રચારના છેલ્લા દિવસ સુધી ભાજપે ક્ષત્રિયોને મનાવવાનું ચાલું રાખ્યું હતું અને ભાજપના ક્ષત્રિય નેતાઓએ પત્ર લખીને ભાજપને મતદાન કરવા વિનંતી કરી હતી.
આમ, ચૂંટણીપ્રચાર દરમિયાન આ મુદ્દો એટલો હાવી રહ્યો હતો કે તેણે રાજકોટમાં તો સ્થાનિક મુદ્દાઓને પણ નગણ્ય બનાવી દીધા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ક્ષત્રિય સમાજની અંદાજિત વસ્તી સાત ટકા મનાય છે, પરંતુ ગુજરાતની છથી આઠ બેઠકો પર તેમનું પ્રભુત્ત્વ છે. ભાજપને એ ભય સતાવી રહ્યો છે કે ક્ષત્રિયોના મત એકસામટાં તેની વિરોધમાં પડશે તો ગુજરાતમાં ચોંકાવનારાં પરિણામ આવી શકે છે.
ગુજરાત ભાજપમાં અસંતોષની આગ

ઇમેજ સ્રોત, KETAN INAMDAR/JYOTI PANDYA SHETH@FB
સામાન્ય રીતે શિસ્તબદ્ધ પક્ષ ગણાતા ભાજપમાં આ લોકસભાની ચૂંટણી વખતે અસંતોષનો માહોલ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.
ગુજરાતમાં ભાજપે 26માંથી 14 બેઠકો પર નવા ઉમેદવારો ઉતાર્યા હતા. એક જ ઝાટકે ભાજપે 14 સંસદસભ્યો અને મંત્રીઓની ટિકિટ કાપી નાખી હતી.
એ સિવાય કૉંગ્રેસ અને આપમાંથી ભાજપમાં આવતા નેતાઓનો સિલસિલો ચૂંટણીટાણે સતત ચાલુ રહ્યો. અર્જુન મોઢવાડિયા, અંબરિષ ડેર, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયા, રોહન ગુપ્તા વગેરે નેતાઓ ભાજપમાં જતા રહ્યા. કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પાંચેય પક્ષપલટુ નેતાઓને ભાજપે વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણીમાં ટિકિટ પણ આપી છે.
રાજકીય વિશ્લેષકોના મતે આ પરિસ્થિતિથી ભાજપમાં અંદરખાને અસંતોષની સ્થિતિ હતી એ બહાર આવવા લાગી હતી.
વડોદરામાં ભાજપે રંજનબહેન ભટ્ટને ટિકિટ આપતાં વડોદરા ભાજપનાં મહિલા અગ્રણી જ્યોતિબહેન પંડ્યાએ તેનો વિરોધ કર્યો હતો. તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયાં હતાં.
બીજા જ દિવસે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ‘જૂના કાર્યકરોની અવગણના’ નું કારણ ધરી રાજીનામું આપવાની વાત કરી હતી. જોકે, તેમને ભાજપે મનાવી લીધા હતા. પરંતુ એવું મનાઈ રહ્યું હતું કે તેમનો વિરોધ પણ રંજનબહેન ભટ્ટ સામે હતો.

ઇમેજ સ્રોત, FB
થોડા દિવસ બાદ જ રંજનબહેન ભટ્ટે સામેથી જ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. ત્યારબાદ ભાજપને અહીં નવા ઉમેદવાર ઉતારવાની ફરજ પડી હતી.
એ જ રીતે ભાજપે સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ ભાજપના જ કેટલાક નેતાઓએ તેમનો વિરોધ કર્યો હતો. તેમની જ્ઞાતિને લઈને પણ વિવાદ શરૂ થયો હતો. આથી, તેમણે પણ ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી હતી.
ત્યારબાદ ભાજપે સાબરકાંઠાથી શોભનાબહેન બારૈયાને ટિકિટ આપી હતી. પરંતુ પછી ભીખાજી ઠાકોરના સમર્થકોએ ફરીથી ભીખાજીને ટિકિટ આપવાની માંગ કરીને વિરોધપ્રદર્શનો ચાલુ રાખ્યાં હતાં.
આમ, ગુજરાતની બે લોકસભા બેઠકો પર એવી પરિસ્થિતિ સર્જાઈ હતી કે જેમાં ભાજપે પોતાના ઉમેદવાર બીજી વાર જાહેર કરવા પડ્યા હતા. સુરેન્દ્રનગરમાં પણ આ રીતે ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાનો વિરોધ થયો હતો.
આ મુદ્દે કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ‘કૉંગ્રેસનો કકળાટ કમલમમાં ગયો’ એમ કહીને ભાષણો કરતાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું હતું.
સુરતમાં ભાજપની ‘નિર્વિરોધ’ જીત

ઇમેજ સ્રોત, @BJP4GUJARAT
સુરત લોકસભા પર આ વખતે જો મતદાન થયું હોત તો ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ અને કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી વચ્ચે સીધી ટક્કર થવાની હતી.
જોકે, ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ સુરતના કૉંગ્રેસ ઉમેદવાર નીલેશ કુંભાણીના ફૉર્મ અંગે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસના ટેકેદારો ‘યોગ્ય નથી.’
ત્યારબાદ એ વાત સામે આવી હતી કે નીલેશ કુંભાણીના ટેકેદારો તરીકે જે ચાર વ્યક્તિઓએ સહી કરી હતી. તેમાંથી ત્રણ લોકોએ સોગંદનામું કર્યું હતું કે તેમણે આ ફૉર્મમાં સહી કરી નથી.
ત્યારબાદ ભાજપના ઉમેદવારના ચૂંટણી એજન્ટે વાંધો ઉઠાવ્યો અને સુરતના કલેક્ટરે નીલેશ કુંભાણી પાસેથી ખુલાસો માગ્યો હતો કે તેમનું આ અંગે શું કહેવું છે. કલેક્ટરે નીલેશ કુંભાણીને જવાબ આપવા માટે 21 એપ્રિલ, રવિવારે 11 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો.
નીલેશ કુંભાણીના આ ટેકેદારો સંપર્કવિહોણાં થઈ ગયા હતા અને હાજર થયા ન હતા. ત્યારબાદ કૉંગ્રેસ અને ભાજપ એમ બંને પક્ષના વકીલોએ પોતપોતાના દાવાઓ રજૂ કર્યા હતા.
બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી રિટર્નિંગ ઑફિસરે કૉંગ્રેસના ઉમેદવારનું ફૉર્મ રદ જાહેર કર્યું હતું. બીજા દિવસે સવારથી જ સુરત બેઠક પર લડી રહેલા ઉમેદવારોએ એક પછી એક પોતાનાં ફૉર્મ પરત ખેંચવાનું શરૂ કર્યું હતું. તમામ ઉમેદવારોએ ફૉર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને નિર્વિરોધ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
આ ઘટનાક્રમ બાદ કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી પણ ગાયબ થઈ જતાં, તેમના પર પણ ભાજપ સાથે મેળાપીપણાનો આરોપ લાગ્યો હતો. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર હવે કૉંગ્રેસે જ તેમના ઉમેદવાર અને તેના ટેકેદારો પર કેસ કર્યો છે.
પરંતુ સુરતમાં ભાજપના ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાઈ આવતા સમગ્ર દેશમાં આ ઘટનાની ચર્ચા થઈ હતી. તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. કૉંગ્રેસે આ ઘટનાને લોકશાહીની હત્યા ગણાવી હતી.
આ સિવાય અમદાવાદ પૂર્વથી કૉંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડી હતી અને પછી તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.
કૉંગ્રેસના ઉમેદવારોનું ક્રાઉડફંડિંગ

ઇમેજ સ્રોત, GENIBEN THAKOR/FB
લોકસભાની ચૂંટણી ટાણે કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પત્રકારપરિષદ સંબોધતાં એવો દાવો કર્યો હતો કે આવકવેરા વિભાગે વર્ષો જૂના એક કેસમાં કૉંગ્રેસ પક્ષનાં બૅન્ક ખાતાં ફ્રીઝ કરી દીધાં છે અને પક્ષનું કહેવું છે કે પાસે પૈસા હોવા છતાં ચૂંટણીમાં ઉપયોગ નથી કરી શકાતો.
ગુજરાતમાં કૉંગ્રેસના અનેક ઉમેદવારોએ આ વખતે ચૂંટણી લડવા માટે લોકો પાસે આર્થિક મદદ માગી હતી.
બનાસકાંઠાથી કૉંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન ઠાકોરે સૌપ્રથમ એવો દાવો કર્યો હતો કે તેમના ચૂંટણીપ્રચારમાં તેમણે ગાડીના પેટ્રોલ માટે પણ ખર્ચ કરવો પડતો નથી. તમામ ખર્ચ બનાસકાંઠાની જનતા જ ઉઠાવી રહી છે.
ગેનીબહેન ઠાકોરે કહ્યું હતું કે, “તમારી દીકરી આ ચૂંટણી લડી રહી છે ત્યારે ડિપોઝિટ ભરવા માટે તમે મારું મામેરું ભરો.” ત્યારબાદ લોકોએ તેમને યથાશક્તિ પ્રમાણે પૈસા આપવાનું શરૂ કર્યું.
મીડિયા અહેવાલો પ્રમાણે ગેનીબહેનને આ રીતે 26 લાખ રૂપિયાનું ફંડ મળ્યું હતું.
આ સિવાય કૉંગ્રેસના ઉમેદવારો લલિત વસોયા, રામજી ઠાકોર, નૈષધ દેસાઈ વગેરે ઉમેદવારોએ પણ ક્રાઉડફંડિંગ થકી ચૂંટણી લડવા માટે લોકો પાસે પૈસા માગ્યા છે.
ભાજપે તેને સહાનુભૂતિ ઊભી કરવાનો પ્રયત્ન ગણાવ્યો હતો જ્યારે કૉંગ્રેસે તેને પોતાને મળી રહેલું જનસમર્થન ગણાવ્યું હતું.
ભરૂચના ઉમેદવાર ચૈતર વસાવા

ઇમેજ સ્રોત, NARENDRA PAPERWALA/AAP GUJARAT
ગુજરાતમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નક્કી થયું ન હતું ત્યારથી કોઈ એક ઉમેદવારની ચર્ચા શરૂ હોય તો એ ચૈતર વસાવા છે.
ડેડિયાપાડામાંથી આપબળે કૉંગ્રેસ અને ભાજપના ઉમેદવારને પછાડીને તથા છોટુ વસાવાના પ્રભુત્ત્વને પડકારીને ધારાસભ્ય બનેલા ચૈતર વસાવા મજબૂત નેતા તરીકે ઉભરી રહ્યા હતા.
તેમને ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટી ટિકિટ આપશે એ સ્પષ્ટ મનાતું હતું, પરંતુ કથિતપણે વનવિભાગના કર્મચારીઓને ધમકાવવાના મામલામાં તેમની ધરપકડ થઈ હતી.
ત્યારબાદ તેઓ જેલમાં હતા ત્યારે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમને ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા.
પછી કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થતા કૉંગ્રેસે આ બેઠક આમ આદમી પાર્ટીને આપી હતી.
થોડા દિવસ બાદ જેલમાંથી ચૈતર વસાવાને જામીન મળ્યા હતા, અને તેમણે પ્રચાર શરૂ કર્યો હતો. જોકે, અમુક વિસ્તારોમાં પ્રચાર કરવાની પરવાનગી મળી ન હતી.
ચૈતર વસાવાની સામે છ વારના સાંસદ મનસુખ વસાવા ઉમેદવાર છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે પ્રચાર દરમિયાન દરરોજ વાક્યુદ્ધ ચાલ્યું હતું.
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જ્યારે ભરૂચમાંથી પસાર થઈ ત્યારે ચૈતર વસાવા તેમની જીપ પર સવાર થયા હતા. ત્યારબાદ એવું મનાય છે કે કૉંગ્રેસ નેતાઓ ખાસ કરીને મુમતાઝ પટેલના નારાજગીના સૂર ઠંડા પડ્યા હતા. વસાવાએ અનેક કૉંગ્રેસ નેતાઓ સાથે બેઠકો યોજીને સમાધાન કર્યું હતું.
ત્યારબાદ તેમને અન્ય વિસ્તારોમાં પણ પ્રચારની પરવાનગી કોર્ટ તરફથી મળી જતા તેમણે પ્રચાર શરૂ કર્યો હતો. છેલ્લે અમિત શાહે પણ મનસુખ વસાવાના સમર્થનમાં સભા સંબોધતી વખતે ચૈતર વસાવા પર પ્રહારો કર્યા હતા.
આમ, લોકસભાની ચૂંટણી જાહેર થઈ તે પહેલાંથી મતદાન સુધી સતત ચૈતર વસાવા ચર્ચામાં રહ્યા હતા.












