લોકસભા ચૂંટણી: ભારતમાં રહેતા એ લોકો જે મતાધિકારથી વંચિત છે

હરિચરણ દાસ - આસામમાં મતદાર યાદીમાં કેટલાક ડી-વોટર્સને મતદાનમાંથી બાકાત કેમ રાખવામાં આવે છે

ઇમેજ સ્રોત, bbc

ઇમેજ કૅપ્શન, હરિચરણ દાસ આ ચૂંટણીમાં મત ન આપી શક્યા
    • લેેખક, ઉમંગ પોદ્દાર
    • પદ, બીબીસી સંવાદદાતા

દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણીમાં ભારતમાં લગભગ એક અબજ જેટલા લોકો લોકસભા ચૂંટણી માટે મતદાન કરી શકે છે.

જોકે આસામમાં કેટલાક લોકો છે જેમને મતદાનનો અધિકાર નથી. આ લોકોને ડી-વોટર કહેવાય છે એટલે કે ડાઉટફુલ વોટર. આસામ સરકાર અનુસાર વર્તમાનમાં આવા લગભગ એક લાખ મતદારો છે.

આ એવા લોકો છે જેમનું નાગરિકત્વ શંકાસ્પદ છે. આસામમાં નાગરિકત્વના મુદ્દામાં 2019માં લવાયેલા નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ (એનઆરસી) અને સિટીઝન અમેન્ડમૅન્ડ ઍક્ટ (સીએએ)ની સાથે એક વિષય ડી-વોટર્સનો પણ છે.

ડી-વોટર્સના પ્રશ્નોને સમજવા માટે બીબીસીએ આસામની બે લોકસભા બેઠકો કરીમગંજ અને સિલચરની મુલાકાત લીધી હતી. બાંગ્લાદેશની સરહદની અડીને આવેલા આ વિસ્તારમાં નાગરિકત્વનો પ્રશ્ન મોટો રાજકીય મુદ્દો છે.

ડી-વોટર્સને મતદાનથી વંચિત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે ડી-વોટર્સને નોંધવાની પ્રક્રિયા મનસ્વી રીતે ચાલે છે અને આમાં કોઈ પણ કેસનો ઉકેલ લાવવામાં લાંબો સમય લાગે છે. આમાં માત્ર મતદાન નહીં પરંતુ અન્ય કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવામાં પણ અડચણ આવે છે.

સમસ્યા શરૂ કેવી રીતે થઈ?

મતદાર યાદીમાં કેટલાક લોકોના નામની આગે ડી કેમ લખવામાં આવ્યું છે?
ઇમેજ કૅપ્શન, મતદારયાદીમાં કેટલાક લોકોના નામની આગે ડી કેમ લખવામાં આવ્યું છે?

બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવતા આસામમાં સ્થળાંતરનો ઇતિહાસ રહ્યો છે. યુદ્ધ અને સતામણીથી નાસી છૂટેલા લોકો સ્થળાંતર કરી અહીં આવતા રહ્યા છે.

1979માં આસામનાં કેટલાંક જૂથોએ એક વિરોધ શરૂ કર્યો જે છ વર્ષ સુધી ચાલ્યો. આ જૂથો કેન્દ્ર સરકાર પાસે ઉચિત દસ્તાવેજીકરણ વગર ભારતમાં પ્રવેશનારાઓને ઓળખીને તેમને પાછા મોકલવાની માગ કરી રહ્યા હતા.

આ મુદ્દાનું સમાધાન લાવવા માટે નક્કી કરવામાં આવ્યું કે જે લોકો 24 માર્ચ 1971 પહેલાં ભારત આવ્યા (બાંગ્લાદેશની સ્વતંત્રતા માટેની લડાઈ શરૂ થઈ તે પહેલાં) તેમને ભારતના નાગરિક માનવામાં આવશે. જે લોકો આ તારીખ પછી આવ્યા તેમને વિદેશી ગણવામાં આવશે.

ત્યાર બાદ 1997માં ભારતના ચૂંટણીપંચે વિદેશીઓને હટાવવા માટે વિસ્તૃત અભિયાન ચલાવ્યું. ચૂંટણીપંચે એવા લોકોની નોંધણી કરી જેમનું નાગરિકત્વ શંકામાં હતું અને પ્રાથમિક તપાસ બાદ તેમના કેસને ફૉરેનર્સ ટ્રાઇબ્યુનલ્સ પાસે મોકલી આપ્યા હતા. આ ટ્રાઇબ્યુનલ અર્ધ-ન્યાયિક સંસ્થા છે જેની રચના એ નક્કી કરવા માટે કરાઈ હતી કે કોણ ભારતીય છે.

તેમના કેસ હજુ ચાલી રહ્યા છે, પણ તેમના નામની આગળ ડી લખવામાં આવ્યો અને તેમને મતદાનથી બાકાત કરી દેવામાં આવ્યા હતા.

જોકે ડી-વોટર્સના અલગઅલગ આંકડા છે પણ ચૂંટણીપંચ અનુસાર 1997માં 3.13 લાખ લોકોને ડી-વોટર તરીકે નોંધવામાં આવ્યા હતા. આસામ સરકાર અનુસાર ફેબ્રુઆરી 2024માં મતદારયાદીમાં હજુ 97 હજાર ડી-વોટર્સ છે.

‘અમે હિંદુ છીએ, અમે ક્યાં જઈએ?’

મોનિંદર દાસ
ઇમેજ કૅપ્શન, 64 વર્ષના મોનિંદર દાસ સિલચરમાં રહે છે. તેમનો પરિવાર બાંગ્લાદેશથી અહીં આવ્યો હતો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

64 વર્ષના મોનિંદ્ર દાસ સિલચરમાં રહે છે અને તેમનો પરિવાર બાંગ્લાદેશથી ભાગીને ભારત આવ્યો હતો. તેમને 1997માં ડી-વોટર જાહેર કરવામાં આવ્યા હતા. તેમનું કહેવું છે કે તેમને 16 વર્ષ પછી 2013માં આ અંગેની આધિકારિક નોટિસ મળી હતી.

મોનિંદ્ર દાસે બીબીસીને કહ્યું કે, "મને સરખી રીતે યાદ નથી કે મારા પિતા ક્યારે ભારત આવ્યા હતા. હું ત્યારે ખૂબજ નાનો હતો." જોકે તેમનું કહેવું છે કે જ્યારે તેઓ મોટા થયા ત્યારે પિતાએ તેમને રેફ્યુજી કાર્ડ આપ્યું હતું.

ભારત સરકારે આપેલા આ કાર્ડ અનુસાર તેઓ 1964માં ભારતમાં હતા.

મોનિંદ્રની ગેરહાજરીમાં જ તેમના કેસમાં ટ્રાઇબ્યુનલે એકપક્ષીય આદેશ પસાર કર્યો હતો. મોનિંદ્ર દાસે બે વર્ષ ડિટેન્શન કૅમ્પમાં પણ વિતાવ્યાં.

તેઓ એ દિવસોને યાદ કરતા કહે છે, "એક દિવસ પોલીસે મને મારા દસ્તાવેજો સાથે આવવા માટે કહ્યું હતું. હું તેમની વૅનમાં ગયો અને તેઓ મને જેલની સામે લઈ ગયા અને મને અંદર ધકેલી દીધો."

તેમના 22 વર્ષીય દીકરા અનુસાર આ કેસને કારણે તેમનો પરિવાર આર્થિક રીતે નિચોવાઈ ગયો અને મદદ માટે ફાંફાં મારવાં મજબૂર થઈ ગયો હતો.

આર્થિક મુશ્કેલીઓને કારણે તેમણે કૉલેજમાંથી અભ્યાસ છોડવો પડ્યો.

તેઓ કહે છે, "અમે ભારતમાં રહેનારા હિંદુઓ છીએ. અમને ભારતનું નાગરિકત્વ ન મળે તો અમે ક્યાં જઈશું? પાકિસ્તાન?"

‘હું ભાજપનો સમર્થક છું’

મોનિંદર દાસના પુત્ર
ઇમેજ કૅપ્શન, મોનિંદર દાસના પુત્ર

હરિચરણ દાસ મોનિંદ્ર દાસના પાડોશી છે.

હરિચરણ દાસ કહે છે કે તેઓ ભાજપના બૂથ સ્તર સમિતિના સભ્ય છે અને આજીવન ભાજપના સમર્થક રહ્યા છે.

તેઓ કહે છે કે, "આ ચૂંટણીમાં મેં ઘણા લોકોને મતદાન માટે કરાવ્યું. પરંતુ હું જાતે મતદાન નથી કરી શકતો. આ દુ:ખદ છે."

"એક દિવસ પોલીસ મારી પાસે આવી અને કહ્યું કે તમારો કેસ ડી-વોટરનો છે. મને નહોતી ખબર કે ડી-વોટર શું છે."

હરિચરણના એક ઓરડાના ઘરમાં એક ટ્રંક ભરીને દસ્તાવેજો છે. જોકે જ્યારે તેમને ટ્રાઇબ્યુનલમાંથી મળેલી નોટિસ બતાવવાનું કહ્યું તો તેઓ અડધો કલાક સુધી દસ્તાવેજો ફંફોસતા રહ્યા પણ તેમને નોટિસ મળી નહીં. જોકે તેમણે મતદારયાદીમાં તેમના નામની આગળ લખેલું ડી જરૂર બતાવ્યું.

‘હું આ વખતે મતદાન નથી કરી શક્યો’

હરિચરણ દાસ આ વખતે મતદાન નથી કરી શક્યા
ઇમેજ કૅપ્શન, હરિચરણ દાસ આ વખતે મતદાન નથી કરી શક્યા

આ વિસ્તારમાં હરિચરણ દાસ અને મોનિંદ્ર દાસ જેવી અનેક કહાણીઓ છે. હરિચરણ દાસના ઘરથી 200 મીટર દૂર 47 વર્ષનાં લક્ષ્મી દાસ રહે છે.

તેઓ કહે છે કે, "મને યાદ નથી કે મારા પિતા ક્યારે ભારત આવ્યા હતા. પરંતુ મારાં માતા અને પિતા બંનેનું અવસાન થઈ ગયું છે."

તેઓ આગળ કહે છે કે, "મારા નામની આગળ ડી લખી દેવાયું છે અને હું મતદાન ન કરી શકી."

જોકે તેમણે બતાવેલા દસ્તાવેજોમાં તેમના પિતા 1950ના દાયકામાં ભારત આવ્યા હોવાનું સર્ટિફિકેટ છે જેના પ્રમાણે તેમના પિતા ભારતના નાગરિક હતા.

‘મેં ક્યારેય મતદાન કર્યું નથી’

લક્ષ્મી દાસ
ઇમેજ કૅપ્શન, લક્ષ્મી દાસને પણ ડી વોટર જાહેર કરાયાં છે

આ મુદ્દાઓથી માત્ર હિંદુઓને જ અસર નથી થતી.

સિલચરની બહાર આવેલા વિસ્તારમાં જહાંઆરા બેગમને અમે મળ્યા. તેઓ મુસ્લિમોના એક ગામમાં રહે છે. તેઓ કહે છે કે તેઓ અહીં જ જન્મ્યાં છે.

છતાં તેમનું કહેવું છે કે મેં મારા જીવનમાં ક્યારેય મતદાન કર્યું નથી.

કારણ કે જહાંઆરાને વિદેશી જાહેર કરાયાં છે. તેઓ ડિટેન્શન અથવા જેલમાં નહીં પણ પોતાના ઘરે રહી રહ્યાં છે, કારણ કે તેમને જામીન મળી ગયા છે. તેમનું કહેવું છે કે તેઓ હંમેશાં દસ્તાવેજો તેમની પાસે જ રાખે છે.

અસ્તવ્યસ્ત પ્રક્રિયા

જહાંઆરાએ ક્યારેય મતદાન નથી કર્યું
ઇમેજ કૅપ્શન, જહાંઆરાએ ક્યારેય મતદાન નથી કર્યું

ડી-વોટર્સની આખી પ્રક્રિયા ખૂબ જ અસ્તવ્યસ્ત અને ગૂંચવણભરેલી છે. મોટા ભાગના લોકો જેમને અમે મળ્યા તેમની પાસે તેમના કેસના દસ્તાવેજ નહોતા. અને કેટલાક એવા હતા કે તેમને ખબર નહોતી કે તેમના કેસમાં વકીલ કોણ છે.

કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે કેટલાક કેસમાં ડી-વોટર્સની પ્રક્રિયા મનસ્વી છે. આવા કેસમાં ડી-વોટર્સના પરિવારજનોને ભારતીય નાગરિક માનવામાં આવ્યા છે પણ તેમને શંકાસ્પદ ગણવામાં આવ્યા.

વકીલ અને ફૉરેનર્સ ટ્રાઇબ્યુનલ્સના પૂર્વ સભ્ય શિશિર દે અનુસાર ડી-વોટર્સની સમસ્યાઓ માત્ર મતદાન પૂરતી નથી, ક્યારેક તેમને રૅશન અને આધાર કાર્ડ મેળવવામાં પણ મુશ્કેલીઓ થાય છે.

હરિચરણ દાસ

મોટા ભાગના કેસમાં ટ્રાઇબ્યુનલ્સે એવા લોકોને ડી-વોટર્સ જાહેર કર્યા જે ખરેખર ભારતના નાગરિક હતા.

ડી-વોટર્સના કેસ લડી રહેલાં સિલચરમાં સ્થિત વકીલ તાન્યા લસ્કસરે કહ્યું કે, "તમને કયા આધારે ડી-વોટર જાહેર કરાયા છે એ જણાવવામાં નથી આવતું. તમને માત્ર એટલું જ કહેવામાં આવે છે કે તમારા દસ્તાવેજ પૂરા નથી."

જોકે તેઓ વધુમાં કહે છે કે, "પણ કયા દસ્તાવેજો ગાયબ છે, એ પણ નથી જણાવવામાં આવતું."

જોકે અલગ-અલગ ટ્રાઇબ્યુનલ્સ જુદા-જુદા માપદંડો અનુસાર નિર્ણય કરે છે, જેમ કે કયા દસ્તાવેજના આધારે નિર્ણય થાય છે એ વિશે અલગ-અલગ માપદંડ હોઈ શકે છે.

શિશિર દેનું કહેવું છે કે, "આ હાઇકોર્ટ દ્વારા નિયંત્રિત છે. એક જજ અલગ રીતે ચાલે છે, બીજા જજ કંઈ અલગ ફેરફાર કરે છે."

દસ્તાવેજ શોધવા પણ મુશ્કેલ છે.

તાન્યા લસ્કર કહે છે કે,"આ એવું રાજ્ય છે જ્યાં દર વર્ષે પૂર આવે છે. આપણે એવા લોકોની વાત કરી રહ્યા છીએ જે નદીકાંઠાના વિસ્તારોમાં રહે છે અને તેઓ હાંસિયામાં ધકેલાયેલા છે. તમે આશા રાખી શકો છે કે તેઓ દસ્તાવેજો સાંચવીને રાખી શકે છે?"

તેઓ કહે છે કે કેટલાક લોકો સતામણીના સમયમાં સ્થળાંતર કરીને આવ્યા હતા- એટલે તેમની દસ્તાવેજો સાચવી રાખવાની પ્રાથમિકતા નહોતી.

નાગરિકત્વની અલગ પ્રક્રિયા

મોનિંદર દાસ

આસામમાં નાગરિકત્વનો મુદ્દો મોટો છે. 2019માં આસામમાં રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ) અપડેટ કરવામાં આવ્યું હતું. એનઆરસી ભાજપનો ચૂંટણીનો જૂનો વાયદો રહ્યો છે. જોકે આ વખતે તેને પડતો મૂકવામાં આવ્યો છે.

આસામની ત્રણ કરોડથી વધારેની વસ્તીએ પોતાના દસ્તાવેજો બતાવીને એ પુરવાર કરવાનું હતું કે તેઓ 1971 પહેલાં ભારત આવ્યા હતા. આસામમાં એનઆરસીની ફાઇનલ યાદીમાંથી 19 લાખ લોકોને બાકાત કરાયા હતા.

જોકે કેટલાય ડી-વોટર્સનાં નામ આ યાદીમાં સામેલ હતાં.

જોકે સરકારના વિભિન્ન વિભાગો વચ્ચે સંયોજનના અભાવનો વધુ એક દાખલો મળી આવે છે જેમાં કેટલાય ડી-વોટર્સનાં નામ મતદાર યાદીમાં સામેલ છે. જેમ કે મોનિન્દ્ર દાસ ડી-વોટર જાહેર કરાયા છતાં આ વખતે મતદાન કરી શક્યા હતા. નિષ્ણાતોનું કહેવું છે કે આ બતાવે છે કે આ પ્રક્રિયા કેટલી અસ્ત-વ્યસ્ત છે.

ભાજપની સમસ્યા શું છે

આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમા

ઇમેજ સ્રોત, ani

ઇમેજ કૅપ્શન, આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમા

લાંબા સમયથી ભાજપ આ સમસ્યાનો ઉકેલ લાવવાનો વાયદો કરતો આવ્યો છે. 2014માં લોકસભા ચૂંટણીમાં પ્રચાર વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમની પાર્ટી સત્તામાં આવી તો ડિટેન્શન કૅમ્પને તોડી પાડવામાં આવશે.

આ વખતે પણ ચૂંટણીમાં ભાજપે આ મુદ્દો ઉઠાવ્યો. ચૂંટણીપ્રચાર દરમિયાન આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે આ વખતે સત્તામાં આવશે તો તેઓ છ મહિનામાં ડી-વોટર્સની સમસ્યાનો ઉકેલ લાવી દેશે. જોકે તેમણે આ દાવો કરતી વખત માત્ર હિંદુ ડી-વોટર્સનો જ ઉલ્લેખ કર્યો હતો.

અમે સિલચરથી ભાજપના ઉમેદવાર પરિમલ સુકલાબૈદ્ય સાથે વાત કરી કે તેમની પાર્ટી કેવી રીતે આ સમસ્યાને ઉકેલશે.

તેમણે કહ્યું કે, "આચારસંહિતા લાગુ છે એટલે હું આ અંગે પ્રતિક્રિયા નહીં આપી શકું." તેમણે કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદા (સીએએ)ના કારણે આસામમાં નાગરિકતાના પ્રશ્નો જલદી ઉકેલાઈ જશે.

2019માં ભાજપની સરકારે સીએએનો વિવાદિત કાયદો પસાર કર્યો હતો. આ કાયદા મુજબ મુસ્લિમો સિવાય બધા ધર્મોના લોકો જે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આવેલા લોકોને ગેરકાયદેસર પ્રવાસીઓ નહીં ગણવામાં આવે અને તેઓ (ઝડપી પ્રક્રિયા હેઠળ) નાગરિકતા મેળવવાને પાત્ર હશે, આ લોકો દસ્તાવેજ વગર આવશે તો પણ. આ કાયદો માર્ચમાં લાગુ કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં આ કાયદાને પડકારવામાં આવ્યો છે.

તેમણે ઉમેર્યું કે, "એક વખત નાગરિકતાનો મુદ્દો ઉકેલાઈ જશે તો ડી-વોટર્સની સમસ્યાનું પણ નિરાકરણ આવશે, કારણ કે આ ગૌણ પ્રશ્ન છે."

જોકે તેમનાથી બધા સંમત નથી.

તૃણમૂલ કૉંગ્રેસનાં રાજ્યસભાનાં સાંસદ સુશ્મિતા દેવનું કહેવું છે કે "આ માત્ર ચૂંટણી માટેની વાત છે. ભાજપને હિંદુ અને મુસ્લિમોમાં વિભાજનના આધાર પર મત મળે છે".

મોનિન્દ્ર દાસના પુત્રનું કહેવું છે કે, "ભાજપે દસ વર્ષમાં શું કર્યું છે? નેતાઓ માત્ર વોટ માટે વાતો કરે છે. એ લોકોનું દુ:ખ નથી સમજતા.."

લક્ષ્મી દાસનું કહેવું છે કે,"મોદી એક કાયદો લાવ્યા છે પણ તેનાથી અમને કોઈ મદદ નથી મળતી. હું કેટલાય સમયથી ડી-વોટર છું પણ તેમણે અમારી કોઈ મદદ નથી કરી."