આખા શરીરે રામનામનાં છૂંદણાં પડાવે છે એ રામનામી લોકો કોણ છે?

ઇમેજ સ્રોત, DAILY CHHATTISHGARH
- લેેખક, આલોક પ્રકાશ પુતુલ
- પદ, બીબીસી હિન્દી માટે, રાયપુરથી
છત્તીસગઢના કસડોલમાં રહેતા ગુલારામ રામનામી હાલમાં એક મોટા ભજન મેળાની તૈયારીમાં વ્યસ્ત છે.
મહાનદીના કિનારે છેલ્લાં 100થી વધારે વર્ષોથી દર વર્ષે ત્રણ દિવસ માટે આ અનોખા ભજન મેળાનું આયોજન થાય છે. આ વર્ષે આ મેળાનું આયોજન 21 જાન્યુઆરી થી 23 જાન્યુઆરી સુધી કરવામાં આવી રહ્યું છે.
ગુલારામ રામનામીએ કહ્યું, "આ મેળામાં ત્રણ દિવસ માટે હજારો લોકો અલગ-અલગ કે સામૂહિક રીતે રામાયણનો પાઠ કરે છે. સમજો કે વાતાવરણ એકદમ રામમય બની જાય છે. સાંભળ્યું છે કે તે દિવસે અયોધ્યાના રામમંદિરમાં પણ પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન છે."
ગુલારામ છત્તીસગઢના એ રામનામી સમુદાયમાંથી આવે છે, જેમની ઓળખાણ પોતાના આખા શરીર પર રામનામ ટેટુને કારણે છે. રામ-રામ નામનાં છૂંદણાં તેમનાં માથાથી પગ સુધી શરીરના દરેક ભાગમાં પડાવે છે.
આ સમુદાયમાં સવારના અભિવાદનથી લઈને દરેક કામની શરૂઆત રામ-રામનાં નામથી થાય છે.
(આ કહાણી સૌપ્રથમ બીબીસી ગુજરાતી પર 21 જાન્યુઆરી 2024ના દિવસે પ્રકાશિત કરવામાં આવી હતી)
રામભક્તિનું કેન્દ્ર છે છત્તીસગઢ

ઇમેજ સ્રોત, DAILY CHHATTISHGARH
મધ્ય ભારતમાં થયેલા ત્રણ મોટાં નિર્ગુણ આંદોલનોનું કેન્દ્ર છત્તીસગઢને માનવામાં આવે છે. આ ત્રણેય આંદોલનમાં સમાજનો એ વર્ગ જોડાયો જેમને કથિત રૂપે અછૂત માનવામાં આવતા હતા.
મધ્ય પ્રદેશના બાંધવગઢમાં રહેતા શિષ્ય-ગુરૂ ધરમદાસ અને તેમના પુત્ર ચુરમાનદાસને મધ્ય ભારતમાં કબીર પંથના પ્રચાર અને તેની સ્થાપના કરવાનો શ્રેય આપવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ જ રીતે કબીરના શિષ્ય જીવનદાસે 16મી સદીમાં ઉત્તર પ્રદેશમાં સતનામ પંથની સ્થાપના કરી હતી.
જોકે, કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે દાદૂ દયાલના શિષ્ય જગજીવન દાસે 17મી સદીમાં સતનામ પંથની સ્થાપના કરી હતી પરંતુ છત્તીસગઢમાં વર્ષ 1820ની આસપાસ બાબા ગુરૂઘાસીદાસે સતનામ પંથની શરૂઆત કરી હતી.
કબીરપંથ અને સતનામી સમાજની સ્થાપનાના સમયે અછૂત લોકોને મંદિરમાં લોકોને પ્રવેશ કરવાની મનાઈને કારણે પરશુરામ નામના એક યુવકે પોતાના માથા પર રામ-રામનાં છૂંદણાં પડાવીને આ રામનામી સમુદાયની શરૂઆત કરી.
જોકે, રામનામી સમુદાયના કેટલાક બુઝુર્ગો જણાવે છે કે 19મી સદીના મધ્યમાં જાંજગીર-ચાંપા જિલ્લાનાં ચારપારા ગામમાં જન્મેલા પરશુરામે પોતાના પિતાના પ્રભાવમાં આવીને માનસના પાઠ કરવાનું શીખ્યા પરંતુ 30 વર્ષની ઉમરે તેમને ચામડીનો કોઈ રોગ થયો.
આ સમયે તેઓ એક રામાનંદી સાધુના સંપર્કમાં આવવાના કારણે તેમનો ચામડીનો રોગ મટી ગયો અને તેમની છાતી પર રામ-રામ નામનું ટેટૂ આપોઆપ દેખાયું. તેમને ત્યાર પછી રામ-રામ નામના જાપને પ્રચાર કરવાનું શરૂ કર્યુ.
કહેવામાં આવે છે કે તેમના પ્રભાવમાં આવીને ગામના કેટલાક લોકોએ પોતાના માથા પર રામ-રામ નામનું છૂંદણું કરાવી લીધું. તેઓ ખેતીવાડી સિવાયના સમયમાં મંડળીઓ બનાવીને રામ-રામ ભજન કરવાનું શરૂ કર્યું.
આ લોકોએ પણ બીજા સાધુઓની જેમ શાકાહારી ભોજન કરવાનું શરૂ કર્યું અને દારૂનું સેવન કરવાનું પણ બંધ કરી દીધું. રામનામી સમુદાયની આ શરૂઆત વર્ષ 1870ની આસપાસ થઈ.
આ સમુદાયના લોકોએ પોતાના કપડા પર પણ રામનામ લખવાનું શરૂ કર્યું. ચાદર, ગમછા, ઓઢણી જેવાં દરેક કપડાં પર રામ-રામ લખવાની પરંપરા શરૂ થઈ.
રામનામી સમુદાયના ચૈતરામે કહ્યું, "અમારા બાબા અમને કહેતા કે માથા અને શરીર પર રામ-રામ લખવાને કારણે ગુસ્સાયેલા લોકોએ રામનામી સમુદાયના લોકો પર હમલા કર્યા. તેમના શરીર પર લખેલા રામ-રામના છૂંદણાં હટાવવા માટે તેમને ગરમ સળીયા વડે સળગાવ્યા. તેમનાં કપડાંને સળગાવી નાખ્યાં. જોકે, રામનાં નામને અમારા મનમાંથી કોણ હટાવી શકશે?"
વિરોધના રૂપમાં આ પછી આખા શરીર પર રામ-રામનું કાયમી છૂંદણાં કરાવવાની પરંપરા શરૂ થઈ.
રામાયણ થકી સાક્ષરતા

ઇમેજ સ્રોત, DAILY CHHATTISHGARH
ગુલારામ રામનામી જણાવે છે કે ત્યારના સમાજમાં જે વર્ણ વ્યવ્સથા હતી તેમા કથિત રૂપે શૂદ્રોને મંદિરમાં પ્રવેશ કરવાનો અધિકાર ન હતો અને રામ નામને જપવાનો અધિકાર પણ ન હતો.
તેમણે ઉમેર્યું, "રામનામી સમુદાયની શરૂઆત પછી અમને ભગવાન રામને ભજવાનો અધિકાર મળ્યો. આ સાથે જ રામાયણને કારણે અમારા પૂર્વજોએ વાંચવા અને લખવાનું શરૂ કર્યું. શાળઓમાં જાવાનો અધિકાર પણ શૂદ્રો પાસે ન હતો. આમ, રામાયણ અમારા પૂર્વજોની સાક્ષરતાનું એક મોટું કારણ બન્યું."
ગુલારામ જણાવે છે કે રામનું નામ લેવાને કારણે તેમના પૂર્વજોએ અદાલતના પણ ચક્કર લગાવવા પડ્યા. તેમના પર આરોપ લગાવવામાં આવ્યો કે તેઓ રામનું નામ લઈને રામ નામને અપવિત્ર બનાવે છે.
ગુલારામનું કહેવું છે કે અમારા લોકોએ અદાલતમાં તર્ક આપ્યો કે અમે જે રામને જપીએ છીએ તે અયોધ્યાના રાજા દશરથના પુત્ર રામ નથી પરંતુ એ રામ છે જે સર્વત્ર છે. સગુણ રામ સાથે અમારે કોઈ લેવાદેવા નથી.
રાયપુરના સેશન જજે અંતે 12 ઑક્ટોબર 1912નાં રોજ એક ચુકાદો આપ્યો કે રામનામી સમુદાયના લોકો કોઈ પણ મંદિરમાં પ્રવેશ નથી કરી રહ્યા અને તેઓ હિંદુ પ્રતીકોની પૂજા પણ નથી કરી રહ્યા.
આમ, તેમને પોતાનાં ધાર્મિક કામોથી રોકી ન શકાય. આ ઉપરાંત તેમને રામનામી સમુદાયના મેળાની સુરક્ષા વ્યવ્સથા માટે પણ આદેશ આપ્યા.
ગુલરામે કહ્યું, "અમારી માન્યતા છે કે જ્યારે દશરથના પુત્ર રામનો જન્મ થયો ન હતો ત્યારે પણ રામ તો હતા. તે એક નિર્ગુણ રામ છે. અમે પણ અમારા શરીરને મંદિર બનાવી લીધું. અમે પણ ચાર વેદ, છ શાસ્ત્રો, નવ વ્યાકરણ અને અઢાર પુરાણો વાંચ્યા છે. જોકે, આ અમારા માટે આ બધાનો સાર રામ-રામ મહત્ત્વપૂર્ણ છે."
રામનામી સમાજમાં પંડિત કે મહંતની પરંપરા નથી. આ સમાજમાં મંદિર કે મૂર્તિ પૂજાનું પણ કોઈ સ્થાન નથી. સમાજમાં ગુરુ-શિષ્ય પરંપરા પણ નથી અને ભજનનાં આયોજનોમાં મહિલા અને પુરૂષ વચ્ચે કોઈ પ્રકારનો ભેદ પણ નથી.
રામનામી સમાજના એક બુઝુર્ગ જણાવે છે કે તેમના સમાજમાં કેટલાક દાયકાઓ પહેલાં રામ રસિક ગીતા પણ લખવામાં આવી છે. જોકે, વાત રામ-રામ ઉપર જ અટકી ગઈ અને તેમના સમાજમાં જ આ ગીતા ચલણની બહારની નીકળી ગઈ.
તેઓ કહે છે કે અમે અમારા ભજનોમાં માનસ અને રામાયણ પણ વાંચીએ છીએ પરંતુ અમે રામાયણ કે માનસની કેટલીક વાતો સાથે સહમત નથી. અમને વાર્તામાં રસ નથી. અમે બાલકાંડમાં મહાત્મા અને ઉત્તરકાંડમાં દીપકસાગરનું નામ ગાઈએ છીએ કારણ કે તેમાં રામના નામનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે."
રામનામી પરંપરાથી નવી પેઢી દૂર જઈ રહી છે

ઇમેજ સ્રોત, DAILY CHHATTISHGARH
રામનામી સમાજમાં આખા શરીર પર રામનું નામનાં છૂંદણાં પડાવવાની પરંપરા ધીરે-ધીરે ઓછી થઈ રહી છે. આખા શરીરે રામ નામનાં છૂંદણાં પડાવવા માટે એક મહિના જેટલો સમય લાગે છે.
આખા શરીરે રામનાં નામનાં પડાવનાર વ્યક્તિને "નખ શિખ" કહે છે. રામનામી સમાજના લોકો જ શરીર પર છૂંદણાં પાડવાનું કામ પણ કરે છે.
નવી પેઢી ભજન તો કરે છે પરંતુ પોતાના શરીરને છૂંદણાં પડાવવા નથી માગતા.
રામનામી સમાજના એક યુવાન રામજતને કહ્યું, "પહેલાંના લોકો ખેતી પર આશ્રિત હતા અને તેને લીધે તેમને શરીર પર છૂંદણાં પડાવવામાં કોઈ તકલીફ નહોતી. હવે, નવી પેઢીને રોજગાર અને નોકરી કરવા માટે બહાર જવું પડે છે. એવામાં શરીર પર આટલાં છૂંદણાં સાથે કામ કરવું મુશ્કેલ છે. આ ઉપરાંત કેટલીય નોકરીઓમાં ટેટૂ પર પ્રતિબંધ છે. આ જ કારણ છે કે નવી પેઢી પોતાના શરીર પર છૂંદણાં નથી પડાવતી."
જોકે, રામનામી સમાજમાં પોતાના શરીર પર છૂંદણાં ન પડાવનાર વ્યક્તિ સાથે કોઈ સામાજિક ભેદભાવ નથી રખાતો. વ્યક્તિના આચરણની શુદ્ધતા અને રામ-રામ પ્રત્યે તેમની શ્રદ્ધાને વધારે મહત્ત્વ આપવામાં આવે છે.
સમાજમાં રાજનૈતિક અને સામાજિક ક્ષેત્રમાં સક્રિયતા માટે કોઈ ઉત્સાહ નથી જોવા મળતો.
રામનામી સમાજના કુંજરામે 1967ની ચૂંટણીમાં સારંગઢથી જીત મેળવી. કૉંગ્રેસના ઉમેદવાર કુંજરામને 19094 મત મળ્યા, જ્યારે તેમના નજીકના હરીફ જનસંઘના કંથારામને માત્ર 2601 મત મળ્યા.
બન્નેની વચ્ચે હાર-જીતનું અંતર 67.23 ટકા વોટનું હતું, જે આજે પણ એક રેકૉર્ડ છે. જોકે, કુંજારામ પછી રામનામી સમાજમાં ખૂબ જ ઓછા લોકોએ રાજકારણમાં હાથ અજમાવ્યો.
અત્યારે રામનામી સમાજ એ પ્રવાહમાં વહી રહ્યો છે જેમાં જીવનનું સાર માત્ર રામનું નામ છે અને તેમના રામ એ અયોધ્યાના રામ નથી.












