સુરતના કૉર્પોરેટરથી બિનહરીફ સાંસદ બનનારા મુકેશ દલાલ કોણ છે?

ઇમેજ સ્રોત, RUPESH SONWANE
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
સુરતની લોકસભા બેઠક 22 એપ્રિલ સોમવારે મીડિયા અને સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની હતી. અહીંથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને રિટર્નિંગ ઑફિસરે બિનહરીફ વિજેતા જાહેર કર્યા છે.
સુરતની બેઠક પર મુખ્યત્વે ભાજપ અને કૉંગ્રેસની વચ્ચે હરીફાઈ હતી, પરંતુ ‘ટેકેદારોની સહી’ મુદ્દે થયેલા વિવાદ બાદ કૉંગ્રેસના ઉમેદવારનું ફૉર્મ રદ ઠર્યું હતું. ત્યાર બાદ બાકીના ઉમેદવારોએ પણ તેમનાં ફૉર્મ પાછાં ખેંચી લેતાં 18મી લોકસભામાં ભાજપનું ખાતું ખૂલ્યું હતું અને મુકેશ દલાલ પ્રથમ સાંસદ જાહેર થયા છે.
રાજકીય વિશ્લેષકોના મતે, સમગ્ર ઘટનાક્રમ દરમિયાન કૉંગ્રેસના ઇલેક્શન મૅનેજમૅન્ટમાં રહેલી ખામીઓ બહાર આવી છે.
કૉંગ્રેસે તેના ઉમેદવારનું ફૉર્મ રદ થવાને હાઈકોર્ટ અને જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટમાં પડકારવાની વાત કહી છે, તો આમ આદમી પાર્ટીએ તેને 'લોકશાહીની ખુલ્લેઆમ હત્યા' ગણાવી છે. ભાજપે વિપક્ષના આરોપોને નકારી કાઢ્યા છે.
આ અહેવાલમાં જાણીએ કે મુકેશ દલાલ કોણ છે.
'નમો'ના વિદ્યાર્થી, 'નમો'ના સાથી

ઇમેજ સ્રોત, Mukesh Dalal/FB
થોડા મહિના પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવ્યા હતા ત્યારે ઍરપૉર્ટ પર તેમને આવકારવા માટે પાર્ટીના અનેક વરિષ્ઠ નેતા પહોંચ્યા હતા. ત્યારે મોદીએ એક વરિષ્ઠ કાર્યકરની ટોપીને સીધી કરી આપી, કાર્યકરે હાથ જોડીને પ્રતિક્રિયા આપી અને મોદીએ તેમની સાથે થોડી વાતચીત કરી હતી.
ત્યાં હાજર નેતાઓને લાગ્યું કે નેતા અને પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તા વચ્ચેની 'ઉષ્માભરી' મુલાકાત છે, પરંતુ જ્યારે ભાજપે તેના ગુજરાતના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી ત્યારે ઍરપૉર્ટ પર બનેલી ઘટનાનો ગૂઢાર્થ સ્પષ્ટ થયો. કેન્દ્રીય મોવડીમંડળે એ કાર્યકરને સુરતની બેઠક પરથી લોકસભાની ટિકિટ આપી હતી. આ કાર્યકર્તા એટલે મુકેશ દલાલ.
સુરત મહાનગરપાલીકામાં પાંચ વખત સ્ટૅન્ડિંગ કમિટિના ચૅરમૅન રહેલા મુકેશ દલાલ 43 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપે સુરતથી ભાજપના આટલા જૂના કાર્યકર્તાને આ વખતે લોકસભા ચૂંટણીમાં તક આપી એ તળસુરતી અને મોઢવણિક સમાજમાંથી આવતા મુકેશ દલાલનો 'નમો' સાથે જૂનો નાતો છે.
સુરતના લાલ દરવાજા વિસ્તારમાં નટવરલાલ મોતીલાલ ઝવેરી યુનિયન હાઇસ્કૂલ આવેલી છે, જે લોકોમાં 'નમો સ્કૂલ' તરીકે પણ ઓળખાય છે. મુકેશ દલાલે અહીંથી વર્ષ 1976માં માધ્યમિક અને વર્ષ 1978માં ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ કર્યો હતો.
એ પછી તેમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (હાલની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી) સાથે સંલગ્ન સર કીકાભાઈ પ્રેમચંદ કૉમર્સ કૉલેજમાંથી બીકોમનો અભ્યાસ કર્યો હતો. આગળ જતાં તેમણે ડીબીઆઈએમ (1984), એલએલબી (1988) તથા ફાઇનાન્સ સાથે એમબીએનો (1995) અભ્યાસ કર્યો.
મુકેશ દલાલ કેવી રીતે રાજનીતિમાં આવ્યા?

ઇમેજ સ્રોત, MUKESH DALAL/X
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 1981માં મુકેશ દલાલે જ્યારે સ્નાતક તરીકેનો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારે ગુજરાતના રાજકીય પરિદૃશ્ય પર ભાજપ સ્વરૂપે નવો પક્ષ આકાર લઈ રહ્યો હતો.
એક વર્ષ પહેલાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે 182માંથી 141 બેઠક જીતીને ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. જ્યારે સ્થાપનાના બે-એક મહિનામાં જ પહેલી ચૂંટણી લડનારો ભાજપ 127માંથી માત્ર નવ બેઠક જીતી શક્યો હતો અને 66 પર તેની ડિપૉઝિટ જપ્ત થઈ હતી.
આમ છતાં વર્ષ 1981માં મુકેશ દલાલે ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું અને 43 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓ ધ સુરત પીપલ્સ બૅન્કમાં કારકૂન તરીકે નોકરી કરતા હતા. આગળ જતાં તેઓ આ બૅન્કના ડાયરેક્ટરપદે પહોંચ્યા અને છેલ્લાં લગભગ 20 વર્ષથી બૅન્કના ડાયરેક્ટર છે.
દલાલે સર કે.પી. કૉમર્સ કૉલેજમાંથી સ્નાતકનો અભ્યાસ કર્યો, જેનું સંચાલન સાર્વજનિક ઍજ્યુકેશન સોસાયટી દ્વારા કરવામાં આવે છે. આગળ જતાં દલાલ તેના મૅનેજિંગ ટ્રસ્ટી બન્યા. આજે સંસ્થાને યુનિવર્સિટીનો દરજ્જો મળેલો છે.
પાર્ટી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, સુરત શહેર યુવા મોરચાના ઉપાધ્યક્ષ, દક્ષિણ ગુજરાત વિદ્યાર્થી સેલના સંયોજક, ગુજરાતમાં ભાજપના યુવા મોરચાના ઉપાધ્યક્ષ અધ્યક્ષપદે રહ્યા છે.
પાર્ટીએ ટિકિટ આપી ત્યારે તેઓ સુરત શહેર મહિલા મોરચા, બક્ષીપંચ મોરચા અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી છે. તેઓ સુરતની અનેક સામાજિક, શૈક્ષણિક તથા વાણિજિયક સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા છે.
હાલમાં તેઓ આર્ટ, સિલ્ક ગ્રે-ક્લૉથ મૅન્યુફૅક્ચરિંગ અને યાર્નના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ એક ફિઝિયોથેરાપી અને નર્સિંગ કૉલેજ પણ ચલાવે છે.
સુરતમાં કૉર્પોરેટરથી મહાનગરપાલિકામાં સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન

ઇમેજ સ્રોત, Getty Images
મુકેશ દલાલ ભાજપમાં ઘણા બધા પદો પર સક્રિય રહ્યા છે. મુકેશ દલાલ વર્ષ 2005થી 2020 સુધી અડાજણ-પાલ-પાલનપોરમાંથી કૉર્પોરેટર તરીકે રહ્યા. આ સિવાય તેઓ સતત પાંચ ટર્મ માટે સુરત મહાનગરપાલિકામાં સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન તરીકે રહ્યા.
ભાજપનાં નેતા અને સુરતનાં પૂર્વ મેયર હેમાલીબહેન બોઘાવાલાના કહેવા પ્રમાણે, "મુકેશ દલાલ શાંતિપૂર્વક પોતાને સોંપવામાં આવેલું કામ પાર પાડે છે. ગણિત અને હિસાબી બાબતોમાં તેમની ખાસ્સી પકડ છે, એટલે જ તેઓ ટેકનિકલ બાબતોને સારી રીતે સમજી શકે છે."
મુકેશ દલાલે જ્યારે તેમની રાજકીય કારકિર્દી શરૂ કરી ત્યારે દક્ષિણ ગુજરાત ભાજપમાં કાશીરામ રાણાના નામનો સિક્કો પડતો, પરંતુ તેમની પ્રગતિ નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી બન્યા એ પછીના સમયગાળામાં જ થઈ.
ચૂંટણીપંચને મુકેશ દલાલે આપેલી ઍફિડેવિટ પ્રમાણે, તેમની સામે કોઈ કેસ દાખલ નથી થયો કે પડતર નથી. તેઓ ટેક્સ્ટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેમની તથા તેમનાં પત્ની નીલાબહેનની ગત નાણાકીય વર્ષ દરમિયાન વાર્ષિક આવક રૂ. 14 લાખ 25 હજાર જેટલી રહેવા પામી હતી.
મુકેશ દલાલ પાસે હાથ પર રૂ. પાંચ લાખ જેટલી જ્યારે તેમનાં નિવૃત્ત પત્નીના હાથ પર રૂ. સાડા છ લાખ જેટલી રોકડ હોવાનું જણાવ્યું છે. તેમણે પોતાના નામે રૂ. ત્રણ કરોડ 16 લાખ જેટલી અચળ સંપત્તિ અને રોકાણ દર્શાવ્યાં છે, જ્યારે તેમનાં પત્નીએ બે કરોડ 48 લાખ તથા એચયુએફમાં બે કરોડ છ લાખ જેટલી મતા દર્શાવી છે.
મુકેશભાઈએ છ કરોડ 16 લાખની તથા નીલાબહેને ત્રણ કરોડ 94 લાખની અચળ સંપત્તિ જાહેર કરી છે. મુકેશભાઈ પર રૂ. એક કરોડ 17 લાખની, જ્યારે તેમનાં પત્ની નીલાબહેન ઉપર રૂ. 63 લાખ જેટલી આર્થિક જવાબદારીઓ કે લોન છે.
સુરતમાં સૌરાષ્ટ્ર અને સુરત વચ્ચેનું સંતુલન

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી અને તેમના ડમી ઉમેદવાર સુરેશ પડસાળાનાં ફૉર્મ ટેકનિકલ કારણસર રદ થયાં છે.
પ્રાદેશિક પક્ષ હોય કે રાષ્ટ્રીય, ધારાસભાની ચૂંટણી હોય કે લોકસભાની, તે પોતાના સત્તાવાર ઉમેદવારની સાથે પોતાના જ પક્ષના ડમી ઉમેદવાર પાસે ફૉર્મ ભરાવડાવે છે, જેથી કરીને કદાચ ટેકનિકલ કારણસર કે કોઈ અકસ્માતવશ મૂળ ઉમેદવારનું નામ રદ થાય અથવા તો તે ચૂંટણી ન લડી શકે તો ડમી ઉમેદવાર પક્ષના નિશાન પર ચૂંટણીજંગમાં ઝંપલાવે, પરંતુ સુરતમાં કૉંગ્રેસ પક્ષ આ ચૂંટણી મૅનેજમૅન્ટ પાર પાડવામાં નિષ્ફળ રહ્યો છે.
ઘણી વખત રાજકીય પક્ષ પોતે ચૂંટણી ન લડી શકે ત્યારે સમાન વિચારસરણી ધરાવતા પક્ષ કે કોઈ અપક્ષ ઉમેદવારને ટેકો જાહેર કરીને તેને વિજેતા બનાવવા માટે પ્રયાસ કરતો હોય છે.
એવો દાવો કરાઈ રહ્યો છે કે ભાજપે ‘ઇલેક્શન મૅનેજમૅન્ટ’ કરીને તમામ હરીફ ઉમેદવારોનાં ફૉર્મ પાછાં ખેંચાવી લીધાં છે. કૉંગ્રેસ પાર્ટી કોઈ પણ હરીફ ઉમેદવારને ચૂંટણીજંગમાં ટકાવી રાખવામાં નિષ્ફળ રહી છે.
દક્ષિણ ગુજરાતના રાજકારણની ઉપર નજર રાખનારા વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અજય નાયકના કહેવા પ્રમાણે, "રાજ્યસભાની ચૂંટણી સમયે ભાજપે મૂળ સૌરાષ્ટ્રના ગોવિંદભાઈ ધોળકિયાને ઉમેદવાર બનાવ્યા હતા. હવે, મૂળ સુરતી મુકેશ દલાલને લોકસભાના સાંસદ બનાવીને પાર્ટીએ જિલ્લાના રાજકારણમાં પ્રવર્તમાન 'સુરત અને સૌરાષ્ટ્ર'ના સમીકરણ વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો છે."
"મુકેશ દલાલનું બિનહરીફ ચૂંટાઈ આવવું એ ભાજપની સફળતા કરતાં કૉંગ્રેસની નિષ્ફળતા વધુ છે. સામાન્ય રીતે પાર્ટીના અન્ય નેતા ઉમેદવારના ટેકેદારો બનતા હોય છે, ત્યારે આ કિસ્સામાં નીલેશ કુંભાણીના ટેકેદારો કોણ-કોણ છે, મૂળ તથા ડમી ઉમેદવારનું ફૉર્મ બરાબર રીતે ભરાયું છે કે કેમ, વગેરે ટેકનિકલ બાબતોનું પાર્ટીએ ધ્યાન રાખવું જોઈતું હતું."
નાયકનું માનવું છે કે દર્શનાબહેન જરદોશ જેવા વરિષ્ઠ સાંસદની ગેરહાજરીમાં મોદીની આગામી કૅબિનેટમાં સીઆર પાટીલને મોટી ભૂમિકા મળી શકે છે. પાટીલના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 182માંથી 156 બેઠક મળી હતી.
બિનહરીફ વિજયી થયા બાદ મુકેશ દલાલે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું, 'દેશમાં પહેલું કમળ સુરત શહેરમાં ખીલ્યું છે, જે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ચરણોમાં અર્પણ કરું છું. મારો વિજય લોકશાહીના માર્ગે થયો છે. વિપક્ષને પોતાની ધારણા મુજબ કામ થાય ત્યારે લોકતંત્ર સારું લાગે છે અને તેથી વિપરીત થાય એટલે લોકતંત્રની હત્યા લાગે છે.'
ગુજરાતમાં કૉંગ્રેસના સહયોગી પક્ષ આમ આદમી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આરોપ મૂક્યો હતો કે, 'ભાજપે સામ-દામ-દંડ-ભેદનો ઉપયોગ કરીને સુરત શહેરની બેઠકને બિનહરીફ કરાવી છે. પાર્ટીએ લોકતંત્રની હત્યા કરી છે.'
બીજી બાજુ, કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવાની તૈયારી દાખવી છે.
વિપક્ષે 'લોકશાહીની હત્યા'નો આક્ષેપ કર્યો તો જવાબમાં મુકેશ દલાલે વિપક્ષના ‘લોકશાહીની હત્યા’ના આરોપો અંગે કહ્યું હતું કે, "આ બધી વાત જૂની થઈ ગઈ છે. જ્યારે પોતાની ઇચ્છા પ્રમાણે કામ થાય તો વિપક્ષને લોકશાહીની હત્યા નથી લાગતી અને ઇચ્છા વિરુદ્ધ કામ થાય તો તરત જ લોકશાહીની હત્યા લાગે છે."
આ બેઠક પરથી અગાઉ પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ ચાર વખત ચૂંટાઈ આવ્યા છે, ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી હિતેન્દ્ર દેસાઈ, કાશીરામ રાણા અને છગનભાઈ પટેલ જેવા નેતાએ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.












