સુરતમાં જેમણે નીલેશ કુંભાણીના ફૉર્મ પર વાંધો ઉઠાવ્યો એવા ચૂંટણી એજન્ટની શું ભૂમિકા હોય છે?

ઇલેક્શન એજન્ટની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

લોકસભાની ચૂંટણીમાં સુરતના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. સુરત લોકસભા બેઠક પર જો મતદાન થયું હોત તો ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ અને કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી વચ્ચે સીધી ટક્કર થવાની હતી.

પણ, ગત સપ્તાહે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ સુરતના કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીના ફૉર્મ અંગે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસના ઉમેદવારના ઉમેદવારીપત્રકમાં ટેકેદારોની સહી બૉગસ છે.

નીલેશ કુંભાણીએ ત્રણ ઉમેદવારીપત્રકો ભર્યા હતા જેથી કોઈકમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો અન્ય ફૉર્મ તો માન્ય થાય. પણ તેમના ત્રણ ટેકેદારોએ સોગંદનામું કર્યું કે નીલેશ કુંભાણીના ઉમેદવારીપત્રકમાં ટેકેદાર તરીકે તેમણે સહી કરી નથી.

જેને પગલે સુરતના રિટર્નિંગ ઑફિસરે કૉંગ્રેસના ઉમેદવારને નોટિસ ફટકારી ખુલાસો માગ્યો. ત્યારબાદ તેમણે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કૉંગ્રેસના ઉમેદવારનું ફૉર્મ રદ કર્યું અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરિફ વિજેતા જાહેર કર્યા.

હવે આખી ભૂમિકામાં કેન્દ્રસ્થાને રહ્યા મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણી. કારણકે સૌપ્રથમ તેમણે જ કૉંગ્રેસના ઉમેદવારના ફૉર્મમાં ટેકેદારોની સહી બોગસ છે તેવો વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે જાણીએ કે આ ચૂંટણી એજન્ટ શું છે અને તેમની નિમણૂક કેવી રીતે થાય છે તથા તેમની ચૂંટણીમાં શું ભૂમિકા રહે છે?

ચૂંટણી એજન્ટ એટલે શું?

ચૂંટણી એજન્ટ અને તેની ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images

હકીકતમાં ચૂંટણી દરમિયાન ઉમેદવારો ઘણા વ્યસ્ત હોય છે અને લોકસભાના મોટા વિસ્તારમાં બધી જગ્યાએ પહોંચી શકતા નથી. પ્રચારમાં અને ચૂંટણીની રણનીતિમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ ઘણીવાર ચૂંટણીપંચના અધિકારીઓ સાથેની બેઠકમાં નથી આવી શકતા તેમજ રોજબરોજ ખર્ચના હિસાબો પણ રજૂ નથી કરી શકતા.

તેને માટે ચૂંટણીપંચે ચૂંટણી એજન્ટની સેવા લેવાની જોગવાઈ કરી છે જે ઉમેદવારની અવેજીમાં ચૂંટણીપંચના અધિકારીઓ સમક્ષ ઉમેદવારનું પ્રતિનિધિત્વ કરી શકે. ત્યારે જોઈએ કે ચૂંટણી એજન્ટ એટલે શું?

ચૂંટણીપંચના મેન્યુઅલ પ્રમાણે ચૂંટણીમાં ઉમેદવાર કોઈપણ વ્યક્તિને પોતાના ચૂંટણી એજન્ટ તરીકે નીમી શકશે. જોકે તેમનું ઉમેદવારીપત્રક ભરતી વખતે ચૂંટણી એજન્ટની નિમણૂક કરવાનું તેમના માટે ફરજિયાત કે આવશ્યક નથી. ઉમેદવારની ઇચ્છા હોય તો તે ચૂંટણી એજન્ટની નિમણૂક ઉમેદવાર તરીકે પોતાનું નામ નોંધાય તે પછી તેમને યોગ્ય લાગે ત્યારે કોઈ પણ સમયે કરી શકે છે. તેમને યોગ્ય ન લાગે તો ન પણ કરે.

ગુજરાતના ચૂંટણીપંચના અધિકારી અને એડિશનલ કલેક્ટર આલોક ગૌતમ બીબીસી ગુજરાતીને જણાવે છે, "ચૂંટણી સંચાલન નિયમો, 1961ના નિયમ 12 હેઠળ પરિશિષ્ઠ-7માં બે નકલમાં વિધિસર લખાણ કરીને અને ચૂંટણી અધિકારીને તે પહોંચાડીને ચૂંટણી એજન્ટની નિમણૂક કરવાની હોય છે. ચૂંટણી અધિકારી તેમાંની એક નકલ પોતાની પાસે રાખશે અને બીજી નકલ પર પોતે નિમણૂક મંજૂર કરી છે તે બદલ પોતાની સહી કરી ઉમેદવાર અથવા તો જેની ચૂંટણી એજન્ટ તરીકે નિમણૂક થઈ છે તેને પાછી આપશે."

ઉમેદવાર પોતાની સહીથી ફૉર્મ-9(પરિશિષ્ઠ-8)માં લખાણ કરીને અને તે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરીને પોતાના ચૂંટણી એજન્ટની નિમણૂક રદ પણ કરી શકે છે.

ચૂંટણી એજન્ટની નિમણૂક જ્યારે તે અંગેનું ફૉર્મ ભરાય અને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ થયાની તારીખથી અમલમાં આવશે.

ચૂંટણી એજન્ટની આવી નિમણૂક રદ કરવામાં આવે અથવા ચૂંટણી એજન્ટનું મૃત્યુ થાય તો તેને બદલે અન્ય વ્યક્તિની ચૂંટણી એજન્ટ તરીકે નિમણૂક કરી શકાશે.

કોણ ન બની શકે ચૂંટણી એજન્ટ?

લોકસભા ચૂંટણી 2024

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જે કોઈ વ્યક્તિ બંધારણ હેઠળ અથવા તો લોક પ્રતિનિધિત્વ અધઇનિયમ, 1951 હેઠળ સંસદના બેમાંથી કોઈ પણ ગૃહના અથવા રાજ્યના વિધાનસભાના કોઈ પણ ગૃહના સભ્ય થવા માટે અથવા ચૂંટણીમાં મતદાન માટે તે સમય પૂરતી ગેરલાયક ઠરી હોય તેવી વ્યક્તિ આ પ્રકારની ગેરલાયકાત જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઈ પણ ચૂંટણીમાં ચૂંટણી એજન્ટ થવા માટે પણ ગેરલાયક ગણાશે.

સુરક્ષા કવચ ધરાવતી કોઈ પણ વ્યક્તિ ચૂંટણી એજન્ટ બની શકતી નથી કારણકે તે ચૂંટણી એજન્ટ બને તો તે માટે તેનું સુરક્ષા કવચ સુપ્રત કરવા દઈ શકાય નહીં.

કેન્દ્ર કે રાજ્ય સરકારના કોઈ વર્તમાન મંત્રી, સંસદના વર્તમાન સભ્ય, વિધાનસભા કે વિધાન પરિષદના વર્તમાન સભ્ય, શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વડા વગેરેને ચૂંટણી એજન્ટ, મતદાન એજન્ટ કે કાઉન્ટિંગ એજન્ટ બનવાની મંજૂરી આપવામાં આવતી નથી.

કેન્દ્રીય જાહેર સેવા એકમો કે રાજ્યના જાહેર સેવા એકમો, સરકારી મંડળો કે નિગમો તથા સહકારી મંડળીના ચૅરમૅન અને સભ્યો પણ ચૂંટણી એજન્ટનું કામ કરી શકતા નથી.

સરકાર તરફથી કોઈપણ માનદ વેતન અથવા સહાય મેળવતી વ્યક્તિઓ અથવા કોઈપણ સરકારમાં કે સરકાર સહાયિત સંસ્થાઓમાં અંશકાલીન રીતે કામ કરતી વ્યક્તિઓ ચૂંટણી એજન્ટ તરીકે કેમ કરી શકશે નહીં.

સરકાર કે સરકાર સહાયિત સંસ્થાઓમાં કામ કરતા પેરા મેડિકલ કે હેલ્થકૅર સ્ટાફ, વ્યાજબી ભાવની દુકાનના ડીલરો તથા આંગણવાડી કાર્યકરો પણ ચૂંટણી એજન્ટની ફરજ બજાવી નહીં શકે.

સરકારની સેવામાં રહેલી કોઈપણ વ્યક્તિ ચૂંટણી એજન્ટ તરીકે કામ કરી શકે નહીં.

આલોક ગૌતમ કહે છે, "આ નિયમનો ભંગ કરનારને લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 134-ક હેઠળ ત્રણ મહિના સુધીની મુદત માટે કેદની સજા અથવા તો દંડ અથવા બંને સાથે શિક્ષાને પાત્ર છે."

શું કામ કરે છે ચૂંટણી એજન્ટ?

લોકસભા ચૂંટણી 2024

ઇમેજ સ્રોત, Getty Images

ચૂંટણી એજન્ટ ઉમેદવારના દરરોજ થયેલા ચૂંટણી ખર્ચનો સંપૂર્ણ હિસાબ વાઉચરોથી યોગ્ય રીતે સમર્થિત કરીને રાખવો અને ચૂંટણી ખર્ચના હિસાબ સાથે રજૂ કરવાનું કામ કરે છે.

જો ચૂંટણી એજન્ટ કોઈ ગેરરીતિ કરે તો તે ઉમેદવારે કરી છે તેવું કાયદામાં ગણવામાં આવે છે તેથી ચૂંટણીપંચના જણાવ્યા પ્રમાણે ઉમેદવારે ચૂંટણી એજન્ટ પસંદ કરતી વખતે કાળજી રાખવી.

કેટલીકવાર ઉમેદવારને જુદી જુદી ખર્ચ સંબંધી બાબતોમાં ઉમેદવારને સહાય કરવા માટે એક વધારાના એજન્ટની નિમણૂક કરવાની પરવાનગી આપવામાં આવે છે. આ વધારાના એજન્ટ ખર્ચ દેખરેખ નિયંત્રણ સંબંધી બિન-વૈધાનિક ફરજોના પાલનના હેતુ માટે જ આપવામાં આવે છે અને ચૂંટણી એજન્ટને બજાવવાની થતી વૈધાનિક ફરજો માત્ર ચૂંટણી એજન્ટે જ બજાવવાની રહેશે.

સમગ્ર રાજ્યમાં અથવા એક કરતા વધુ જિલ્લામાં ફેલાયેલા મોટા સંસદીય મતવિસ્તારના ઉમેદવારોને માત્ર એક ચૂંટણી એજન્ટની પરવાનગી સાથે સમગ્ર સંસદીય મતવિસ્તારમાં ચૂંટણીની પ્રક્રિયા પર દેખરેખ રાખવામાં મુશ્કેલી પડતી હોય છે તેથી આવા કિસ્સાઓમાં ચૂંટણીપંચ ચૂંટણી એજન્ટ ઉપરાંત અધિકૃત નૉમિનીની નિમણૂકની પરવાનગી આપે છે. આ પ્રકારના અધિકૃત નૉમિનીનો કાનૂની દરજ્જો ચૂંટણી એજન્ટનો હોતો નથી પણ તે અધિકારીઓ સાથેની બેઠકમાં ઉમેદવારનું પ્રતિનિધિત્વ કરી શકે છે અને ઉમેદવાર વતી બિન-વૈધાનિક કાર્યો કરી શકે છે.

આ પ્રકારના અધિકૃત નૉમિનીની સંખ્યા સંસદીય મતવિસ્તારમાં વિધાનસભા વિભાગોની સંખ્યા કરતાં વધુ ન હોવી જોઈએ. આ અધિકૃત નૉમિની દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વાહનોનો ખર્ચ ઉમેદવારના ખર્ચમાં બુક કરવામાં આવે છે.

સુરતના કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી કે જેમનું ફૉર્મ રદ થયું છે તેમના વકીલ ઝમીર શેખ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, "ચૂંટણી એજન્ટ ઉમેદવારનો પાવર ઑફ એટર્ની હોય છે. દરેક જગ્યાએ ઉમેદવારથી નથી પહોંચી વળાતું તેથી તે અધિકારીઓ સાથેની બેઠકમાં કે હિસાબ આપવાની પ્રક્રિયામાં ઉમેદવાર વતી હાજર રહે છે."

સુરતમાં ભાજપના જે ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે તે મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "ઉમેદવારનું રોજબરોજનું કામ કરવામાં ચૂંટણી એજન્ટ મદદ કરે છે. ઉમેદવાર તો પ્રચારમાં હોય તો તેમના વતી ચૂંટણી પંચના અધિકારીઓ સાથે બેઠક કરવાની જવાબદારી એજન્ટ નિભાવે છે. તે ખર્ચનો હિસાબ આપે છે તથા અન્ય કાયદાકીય કામો પતાવે છે."

કૉંગ્રેસ નેતા અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી બાબુભાઈ માંગુકિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "સામાન્યરીતે ઉમેદવાર જ્યારે ઉમેદવારીપત્રક ભરે ત્યારે જ ચૂંટણી એજન્ટનું નામ પંચને આપી દે છે. તેને માટે એક 8 નંબરનું ફૉર્મ ભરવાનું રહે છે અને તેની માહિતી ભરવાની રહે છે. ચૂંટણીપંચ તેમનું ઓળખપત્રક પણ બનાવીને આપે છે."