સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ કેવી રીતે ચૂંટણી પહેલાં જ જીતી ગયા, શું છે સમગ્ર કહાણી?

ઇમેજ સ્રોત, @BJP4Gujarat
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થાય તે પહેલાં જ સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ વિજયી જાહેર કરી દેવામાં આવ્યા છે. તેમની સામે ઊભેલા કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી અને તેમના ડમી ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું.
કૉંગ્રેસના ઉમેદવારનું ફૉર્મ રદ થયા બાદ અન્ય પક્ષો અને અપક્ષો તરીકે લડી રહેલા બાકીના તમામ ઉમેદવારોએ પણ પોતાનાં ફોર્મ પરત ખેંચી લીધાં હતાં. ત્યારબાદ સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
સુરત કલેક્ટર અને રિટર્નિંગ ઑફિસર સૌરભ પારધીએ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હોવાની જાહેરાત કરી હતી અને તેમને સર્ટિફિકેટ આપ્યું હતું.
ભાજપે પોતાના ઉમેદવાર વિજેતા થયા હોવાની ઉજવણી પણ શરૂ કરી દીધી છે. સોશિયલ મીડિયામાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના નેતાઓએ અભિનંદન પણ આપ્યાં હતાં.
નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ થયા બાદ સુરત લોકસભા બેઠક પર સાત ઉમેદવારો હતા. જેમાં કેટલાક પક્ષ તરફથી તો કેટલાક અપક્ષ ઉમેદવારો હતા. જેમાં મોટા ભાગના ઉમેદવારોએ ફોર્મ પરત લઈ લીધાં હતાં પરંતુ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ભારતી સૌથી છેલ્લે ફોર્મ પરત લેવા આવ્યા હતા. તેમણે ફોર્મ પરત લેતાની સાથે જ સુરતની બેઠક પર માત્ર મુકેશ દલાલ જ એકમાત્ર ઉમેદવાર રહ્યા હતા.
આ તમામ ઘટનાક્રમની સાથે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સી.આર. પાટીલને મળવા ગયા હતા. મુકેશ દલાલે વિજેતા જાહેર થતાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને સી. આર. પાટીલનો આભાર માન્યો હતો.
ત્યારે વિપક્ષે 'લોકશાહીની હત્યા'નો આક્ષેપ કર્યો હતો. મુકેશ દલાલે વિપક્ષના ‘લોકશાહીની હત્યા’ના આરોપો અંગે કહ્યું હતું કે, "આ બધી વાત જૂની થઈ ગઈ છે. જ્યારે પોતાની ઇચ્છા પ્રમાણે કામ થાય તો વિપક્ષને લોકશાહીની હત્યા નથી લાગતી અને ઇચ્છા વિરુદ્ધ કામ થાય તો તરત જ લોકશાહીની હત્યા લાગે છે."
કૉંગ્રેસનું કહેવું છે કે સત્તા પર રહેલો પક્ષ તેમના ઉમેદવારોનાં ફોર્મમાં ભૂલો કાઢીને તેમની ઉમેદવારી રદ કરાવવા માગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બિનહરીફ વિજેતા થવાની ઘટનાની શરૂઆત કેવી રીતે થઈ?

ઇમેજ સ્રોત, BJP4Gujarat/Twitter
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સુરત લોકસભા પર આ વખતે જો મતદાન થયું હોત તો ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ અને કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી વચ્ચે સીધી ટક્કર થવાની હતી.
જોકે, ગત અઠવાડિયે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ સુરતના કૉંગ્રેસ ઉમેદવાર નીલેશ કુંભાણીના ફૉર્મ અંગે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસના ટેકેદારો ‘યોગ્ય નથી.’
ત્યારબાદ એ વાત સામે આવી હતી કે નીલેશ કુંભાણીના ટેકેદારો તરીકે જે ચાર વ્યક્તિઓએ સહી કરી હતી તેમાંથી ત્રણ લોકોએ સોગંદનામું કર્યું હતું કે તેમણે આ ફૉર્મમાં સહી કરી નથી.
જે બાદ ભાજપના ઉમેદવારના ચૂંટણી એજન્ટે વાંધો ઉઠાવ્યો અને સુરતના કલેક્ટરે નીલેશ કુંભાણી પાસેથી ખુલાસો માગ્યો હતો કે તેમનું આ અંગે શું કહેવું છે. કલેક્ટરે નીલેશ કુંભાણીને જવાબ આપવા માટે 21 એપ્રિલ, રવિવારે 11 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો.
નિલેશ કુંભાણીના ટેકેદાર તરીકે રમેશભાઈ બળવંતભાઈ પોલરા, જગદીશ નાગજીભાઈ સાવલીયા અને ધ્રુવિન ધીરુભાઈ ધામેલીયાએ સહીઓ કરી હતી. જગદીશ સાવલીયા નિલેશ કુંભાણીના બનેવી છે, ધ્રુવિન ધામેલિયા તેમના ભાણેજ છે અને રમેશ પોલરા તેમના બિઝનેસના ભાગીદાર રહ્યા છે.
આ ત્રણેય લોકો નીલેશ કુંભાણીની સૌથી અંગત વ્યક્તિઓમાંથી હોવાને કારણે એ સવાલો ઊઠ્યા હતા કે તેમણે આવું કેમ કર્યું? આ ઘટનાક્રમ સામે આવ્યો ત્યારથી કુંભાણીના ટેકેદારો સંપર્કવિહોણા થઈ ગયા હતા અને તેઓ ક્યાં છે તેની હજી સુધી ખબર પડી નથી.
ત્યારબાદ કૉંગ્રેસ અને ભાજપ એમ બંને પક્ષના વકીલોએ પોતપોતાના દાવાઓ રજૂ કર્યા હતા.
આ સુનાવણીમાં શું દલીલ થઈ એ અંગે કૉંગ્રેસ પક્ષના વકીલોએ મીડિયા સાથે વાત કરી હતી. વકીલ બાબુભાઈ માંગુકિયાએ દાવો કર્યો હતો કે આ ટેકેદારોનું અપહરણ થયું છે અને તેમના પર પ્રેશર છે અને તેઓ હાજર થયા નથી.
તેમણે જણાવ્યું હતું, "આવું પહેલાં પણ વિધાનસભાની ચૂંટણી વખતે થયું હતું અને તે સમયે ઉમેદવારનું ફૉર્મ માન્ય રાખવામાં આવ્યું હતું. અમે તેના આધારે અમારી દલીલો મૂકી હતી."
બાબુભાઈએ કહ્યું હતું કે, "અમે સુનાવણીમાં કહ્યું હતું કે જે ટેકેદારો ગાયબ છે તેમને હાજર કરવા જોઈએ અને પછી જ રિટર્નિંગ ઑફિસરે નિર્ણય લેવો જોઈએ. અમે જેમની હાજરીમાં સહી કરી હતી તે લોકોનું પણ ઍફિડેવિટ રજૂ કર્યું છે."
કૉંગ્રેસના વકીલે એવી પણ દલીલ કરી હતી કે નૉમિનેશન પેપરમાં ફક્ત સહી છે કે નહીં તેટલી જ ઇન્ક્વાયરી થવી જોઈએ, વધારાની કોઈ ઇન્ક્વાયરી કરવાની થતી નથી.
કૉંગ્રેસનો પક્ષ મૂકતાં વકીલ ઝમીર શેખે કહ્યું હતું કે, "કલેક્ટરની સામે આ ત્રણ ટેકેદારો હાજર થયા ત્યારે તેમને કોણ લઈને આવ્યું હતું તેની તપાસ પણ થવી જોઈએ."
બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી રિટર્નિંગ ઑફિસરે ગઈકાલે કૉંગ્રેસના ઉમેદવારનું ફૉર્મ રદ જાહેર કર્યું હતું.
મુકેશ દલાલ બિનહરીફ વિજેતા કઈ રીતે જાહેર થયા?

રવિવારે કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ થયા બાદ સોમવાર સવારથી જ સુરત કલેક્ટર કચેરીએ આવીને બાકીના ઉમેદવારો એક પછી એક પોતાનું ફૉર્મ પાછું ખેંચવા લાગ્યા હતા.
તમામ અન્ય પક્ષો અને અપક્ષ તરીકે લડતાં છ ઉમેદવારોએ પોતાના ફૉર્મ પાછા ખેંચી લીધાં હતાં અને એકમાત્ર બસપાના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ તેમનું ફૉર્મ ખેંચ્યું ન હતું.
પરંતુ અંતે તેમણે પણ પોતાનું ફૉર્મ પાછું ખેંચી લેતાં ભાજપના ઉમેદવારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.
બીબીસી સહયોગી રૂપેશ સોનવણેએ જણાવ્યું હતું કે, "કલેક્ટર કચેરીમાં જવાના ત્રણ માર્ગ છે. ચૂંટણીપંચે મુખ્ય માર્ગ પર પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. એટલે મીડિયાના પ્રતિનિધિઓ ત્યાં જ એકઠાં થયા હતા. જ્યારે બસપાના ઉમેદવાર પ્યારેલાલ ભારતી પાછલા બારણે ફૉર્મ પરત ખેંચીને જતા રહ્યા હતા."
બીબીસીએ પ્યારેલાલ ભારતીનો સંપર્ક સાધવાનો સતત પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી.
ફૉર્મ પાછું ખેંચનાર અપક્ષ ઉમેદવારે શું કહ્યું?
કૉંગ્રેસના ઉમેદવારનું ફૉર્મ રદ થયા બાદ કુલ સાત ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા. તેમાં લોગ પાર્ટીના સોહેલ શેખ, ગ્લોબલ રિપબ્લિકન પાર્ટીના જયેશભાઈ મેવાડા, બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ ભારતી અને અપક્ષ ઉમેદવારો ભરતભાઈ પ્રજાપતિ, અજિતસિંહ ઉમટ, કિશોરભાઈ દાયાણી અને રમેશભાઈ બારૈયાનો સમાવેશ થાય છે.
આ પૈકી ફૉર્મ પાછું ખેંચી લેનાર અપક્ષ ઉમેદવાર રમેશભાઈ બારૈયાએ બીબીસી ગુજરાતી સાથે કરેલી વાતમાં જણાવ્યું કે, "મેં ફૉર્મ એટલા માટે ખેંચી લીધું કે બે મુખ્ય પાર્ટીઓ સામસામે લડતી હોય તો ચૂંટણી લડવાની મજા આવે. પણ એક જ ઉમેદવાર મેદાનમાં હોય તો કેવી રીતે ચૂંટણી લડી શકાય?"
ઉમેદવારીપત્રક પાછું ખેંચવા માટે કોઈ દબાણ હતું કે કેમ તેના જવાબમાં રમેશભાઈએ કહ્યું કે,"મારા પર કોઈ દબાણ ન હતું. પરંતુ જ્યારે કૉંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું ત્યારે મેં કૉંગ્રેસના નેતાઓને કહ્યું હતું કે તમે મને ટેકો આપો. પણ કૉંગ્રેસના નેતાઓ તરફથી મને કોઈ જવાબ ન મળ્યો. એટલા માટે મેં ફૉર્મ પાછું ખેંચી લીધું."
આ સાથે તેમણે કોઈ લોભ કે લાલચમાં ફૉર્મ પાછું ખેંચ્યું હોવાનો ઇન્કાર કર્યો હતો.
બીબીસી ગુજરાતીએ સુરતથી ઉમેદવારી પાછી ખેંચનાર અપક્ષ ઉમેદવાર રમેશભાઈ બારૈયા સાથે વાત કરી તો તેમણે કોઈના દબાણમાં ઉમેદવારી પરત ન ખેંચી હોવાનો દાવો કર્યો.
તેમણે કહ્યું કે તેમને આશા હતી કે કૉંગ્રેસ કે આપ તેમને અપક્ષ ઉમેદવાર તરીકે ટેકો આપશે પરંતુ એવું ન થયું.
રમેશ બારૈયાએ કહ્યું કે, " મને આ વખતે પાંચેક હજાર મત મળવાની આશા હતી. દસ હજાર મત માટે પણ પાંચેક લાખનો ખર્ચો તો થાય જ ને. મને શોખ છે ચૂંટણી લડવાનો. હું મારા મનથી અપક્ષ ચૂંટણી લડું છું."
બીબીસીએ લોગ પાર્ટીના સુહેલ શેખનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે ફૉન કાપી નાખ્યો હતો. એ સિવાય તમામ ઉમેદવારોના ફોન બંધ આવતા હતા. બીબીસીએ અન્ય રીતે પણ તેમનો સંપર્ક કરવાનો સતત પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી.
સમગ્ર ઘટનાક્રમમાં કૉંગ્રેસના ઉમેદવાર કેમ શંકાના ઘેરામાં?

ઇમેજ સ્રોત, BBC/ SHEETAL PATEL
આ મામલામાં જે રીતે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે એ જોતાં કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી પર પણ સવાલો ઊઠી રહ્યા છે.
સુરતસ્થિત વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક નરેશ વરિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "આ આખો મામલો શંકાસ્પદ છે અને કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીને પણ તેના માટે જવાબદાર ગણી શકાય. કારણ કે તેમના ટેકેદારો અતિશય નજીકના સંબંધીઓ છે. તમારા સંબંધીઓ જ ફરી જાય અને તેનો તમને અણસાર ન આવે એ કઈ રીતે શક્ય બને? એ સૂચવે છે કે નીલેશ કુંભાણીની પણ આમાં સંડોવણી હોઈ શકે છે." જોકે કૉંગ્રેસ પાર્ટીના નેતાઓ આ મામલે સતત ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે.
નરેશ વરિયાએ કૉંગ્રેસની પરિસ્થિતિ અંગે કહ્યું હતું કે, "આમાં કૉંગ્રેસની પણ નબળાઈ સામે આવી છે. સંગઠન સ્તરે પણ યોગ્ય રીતે નિર્ણય ન લેવાયો. અનેક કાર્યકર્તાઓ અને નેતાઓ પણ ધીમા સ્વરે કહી રહ્યા હતા કે નીલેશ કુંભાણી અમુક વિસ્તારોમાં કાર્યાલયો ખોલતા નથી, પ્રચારમાં શિથિલ દેખાય છે. પરંતુ પક્ષે તેમના પર સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો."
આ સમગ્ર ઘટનાક્રમને લોકશાહીની દૃષ્ટિએ પણ ઘાતક ગણાવતાં તેઓ કહે છે, "આ કિસ્સામાં પોલીસ ફરિયાદ થવી જોઈએ. સહી ખોટી કરી હોય તો નીલેશ કુંભાણી સામે પણ પગલાં ભરવાં જોઈએ. જેમણે પણ રમત રમી હોય તેની સામે ફરિયાદ થવી જોઈએ કારણ કે આ કૃત્યથી લોકશાહીની મજાક બની ગઈ છે. જે લોકો વિપક્ષને મત દેવા માંગતા હોય તેની સાથે પણ વિશ્વાસઘાત થયો છે. લોકોને આવી પરિસ્થિતિમાં શું સમજવું? ક્યાં જવું?"
પાટીદાર આંદોલનના નેતાઓ સાથે તાર જોડાયેલા?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH/BBC
નીલેશ કુંભાણી છેલ્લા બે દાયકા કરતાં પણ વધુ સમયથી કૉંગ્રેસના કાર્યકર્તા રહ્યા છે. તેઓ ભૂતકાળમાં બે વખત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને એક વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ કૉર્પોરેટર પણ રહી ચૂક્યા છે.
જાણકારો કહે છે કે નીલેશ કુંભાણી પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા હતા. સુરતથી અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા પણ પાસમાં જોડાયેલા હતા.
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીમાં રહેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું.
રાજકીય વિશ્લેષક મનોજ મિસ્ત્રી કહે છે, "કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી, અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા પાસના આંદોલનમાંથી ઊભરેલા નેતાઓ હતા."
મનોજ મિસ્ત્રીએ ચૂંટણીપંચ સામે સવાલ ઉઠાવતાં કહ્યું કે, "જ્યારે કુંભાણીએ ઉમેદવારીપત્રક ભર્યું ત્યારે કલેક્ટરે આ અંગે પૂછ્યું ન હતું. ત્યારબાદ કોઈ અધિકારીએ આ ફૉર્મ સામે સવાલો ઉઠાવ્યા છે. જ્યારે અચાનક ટેકેદારો આવીને એફિડેવિટ ફાઇલ કરે છે ત્યારે આ વાતની ખબર પડે છે."
તેમણે આરોપ લગાવતાં કહ્યું કે, "ઑન-પેપર બધું જ કાયદેસર છે, પરંતુ પડદા પાછળ થયેલો ખેલ સાબિત કરવો અઘરો છે. મુકેશ દલાલ અને સી. આર. પાટીલને ચૂંટણી થાય તો પણ ચિંતા ન હતી. કારણ કે તેમની જીત નિશ્ચિત મનાતી હતી. "
સુરત ભાજપનો પરંપરાગત ગઢ રહ્યું છે. આ અંગે રાજકીય વિશ્લેષક રાજીવ શાહે કહ્યું હતું કે, "સવાલ એ છે કે કૉંગ્રેસ ક્યાં છે. સુરતમાં કૉંગ્રેસ તો પહેલાં પણ નથી. ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થાય તેમાં કૉંગ્રેસને કંઈ ગુમાવવાનું નથી."
સુરતમાં કૉંગ્રેસના ઉમેદવારનું ફૉર્મ જે પ્રકારે રદ થયું તે વિશેનું વિશ્લેષણ કરતાં રાજીવ શાહ જણાવે છે, "આખા દેશમાં આ ખરાબ સંકેત ગયો છે કે કૉંગ્રેસને ઉમેદવારીપત્રક ભરતા પણ નથી આવડતું. ભાજપ આ બાબતનો રાજકીય ઉપયોગ કરશે."
આ સમગ્રલ મામલે કૉંગ્રેસ શું કહે છે?

ઇમેજ સ્રોત, NILESH KUMBHANI/FB
સુરત પર કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી થાય એ પહેલાં આ બેઠક ભાજપ પાસે જતી રહી છે.
સુરત બેઠક પર ઘણા દિવસોથી પ્રચાર શરૂ થઈ ચૂક્યો હતો અને ઇન્ડિયા ગઠબંધન હેઠળ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને પ્રચાર કરી રહ્યાં હતાં.
જ્યચારે નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ કરવામાં આવ્યું ત્યારે સુરત કૉંગ્રેસના નેતા હર્ષદ કલ્યાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું, "કૉંગ્રેસના એક કાર્યકર્તા તરીકે મને અત્યંત દુ:ખ થયું છે. શું બોલવું એ મને સમજાતું નથી."
તેઓ કહે છે કે, "છેલ્લાં ત્રીસ વર્ષમાં સુરતમાં કૉંગ્રેસની પરિસ્થિતિનો હું સાક્ષી રહ્યો છું. આટલાં વર્ષોમાં પહેલીવાર મને એવું લાગી રહ્યું હતું કે માત્ર ઉમેદવાર નહીં, આ વખતે આખી પાર્ટી ચૂંટણી લડી રહી છે. દરેક બૂથ પર અમારા એજન્ટ નીમાઈ ચૂક્યા હતા અને બધી જ તૈયારી થઈ ચૂકી હતી. પ્રચાર પણ સારો ચાલી રહ્યો હતો. હાલમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે નિરાશા છે."
હર્ષદ કલ્યાણી કહે છે, "અમને ઉમેદવાર પર શંકા ગઈ હતી અને પાર્ટીને અમે જાણ પણ કરી હતી પણ પ્રદેશના નેતાઓને એમ લાગ્યું કે આ તો અફવા છે. લોકસભાની ચૂંટણીનો ઉમેદવાર હોય તો એના પર સ્વાભાવિક છે કે કોઈને સીધી શંકા ન જાય." આ સમગ્ર મામલે નીલેશ કુંભાણીની પ્રતિક્રિયા મળી શકી નથી.
કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું કહેવું છે કે ગુજરાતમાં કૉંગ્રેસના જે બેઠકો પર ઉમેદવારો ઊભા છે તેમના ઉમેદવારીપત્રકમાં નાની ભૂલો કાઢીને ઉમેદાવારી રદ થાય તેવા પ્રયત્નો સત્તારુઢ પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે. પરંતુ જનતા આ બધી બાબતો જાણી ગઈ છે અને જનતા તેમને ચૂંટણીમાં જવાબ આપશે.
કૉંગ્રેસના ઉમેદવાર પર પણ શંકા છે કે કેમ તે અંગે પત્રકાર પરિષદમાં કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે, "અમારા ઉમેદવારની પસંદગી કેમ થઈ એ જોવા કરતાં આપણે ભાજપે જે હથકંડાઓ અપનાવ્યા તેને જોવાની જરૂર છે. અમારા ઉમેદવારના સગાં બનેવી તેમના ટેકેદાર હતા. એમને ગાયબ કરી દેવામાં આવ્યા છે. ભાજપે લોભ, લાલચ, ધાક-ધમકી આપીને પરાકાષ્ઠાએ જઈને ભાજપે આ બધું કર્યું છે. કૉંગ્રેસના ઉમેદવારે ફરિયાદ આપ્યા પછી પણ પોલીસે તપાસ ન કરી અને ટેકેદારોને ન શોધ્યા."
તેઓ કહે છે કે, "ભાજપના ઉમેદવારોના ફૉર્મમાં પણ ઘણા વાંધા હતા અને ભૂલો હતી પણ ચૂંટણીપંચે ત્યાં કોઈ પગલાં ન લીધાં."
કૉંગ્રેસના નેતા અને વકીલ બાબુ મંગુકિયાએ કહ્યું હતું કે તેઓ આ મામલે કાયદાકીય રસ્તો અપનાવશે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જીત બાદ કહ્યું હતું કે, "ગુજરાતના મતદારોને હું સંદેશ આપવા માંગુ છું કે ચૂંટણી પહેલાં જ કૉંગ્રેસે ડ્રામા કરીને ઉમેદવારના અપહરણનો આરોપ મૂક્યો હતો અને ગેરસમજ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આજે સત્ય સામે આવ્યું છે. સુરતની આ જીત ચારસો પારના લક્ષ્યાંકની પહેલી જીત છે. 26માંથી 26 જીત મોદીસાહેબને અર્પણ કરવાની છે. તેમની ગેરંટીમાં ગુજરાત અને દેશના સૌ લોકોને વિશ્વાસ છે."
કોણ છે મુકેશ દલાલ?

ઇમેજ સ્રોત, BJP4Gujarat/Twitter
ભાજપના વિજેતા ઉમેદવાર મુકેશ દલાલ તળસુરતી અને મોઢવણિક સમાજમાંથી આવે છે. છેલ્લા એક દાયકાથી તેઓ રાજકીય ક્ષેત્રે સક્રિય છે. તેમણે બી.કોમ અને એમબીએ તથા એલએલબીનો અભ્યાસ કર્યો છે.
વર્ષ 1981માં મુકેશ દલાલે ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું અને 43 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓ 'ધ સુરત પીપલ્સ બૅન્ક'માં કારકૂન તરીકે નોકરી કરતા હતા. આગળ જતાં તેઓ આ બૅન્કના ડાયરેક્ટરપદે પહોંચ્યા અને છેલ્લાં લગભગ 20 વર્ષથી બૅન્કના ડાયરેક્ટર છે.
દલાલે સર કે.પી. કૉમર્સ કૉલેજમાંથી સ્નાતકનો અભ્યાસ કર્યો, જેનું સંચાલન સાર્વજનિક ઍજ્યુકેશન સોસાયટી દ્વારા કરવામાં આવે છે. આગળ જતાં દલાલ તેના મૅનેજિંગ ટ્રસ્ટી બન્યા. આજે સંસ્થાને યુનિવર્સિટીનો દરજ્જો મળેલો છે.
પાર્ટી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, સુરત શહેર યુવા મોરચાના ઉપાધ્યક્ષ, દક્ષિણ ગુજરાત વિદ્યાર્થી સેલના સંયોજક, ગુજરાતમાં ભાજપના યુવા મોરચાના ઉપાધ્યક્ષ અધ્યક્ષપદે રહ્યા છે. પાર્ટીએ ટિકિટ આપી ત્યારે તેઓ સુરત શહેર મહિલા મોરચા, બક્ષીપંચ મોરચા અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી હતા. તેઓ સુરતની અનેક સામાજિક, શૈક્ષણિક તથા વાણિજિયક સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા છે. હાલમાં તેઓ આર્ટ, સિલ્ક ગ્રે-ક્લૉથ મૅન્યુફૅક્ચરિંગ અને યાર્નના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ એક ફિઝિયોથેરાપી અને નર્સિંગ કૉલેજ પણ ચલાવે છે.
મુકેશ દલાલ વર્ષ 2005થી 2020 સુધી અડાજણ-પાલ-પાલનપોરમાંથી કૉર્પોરેટર તરીકે રહ્યા. આ સિવાય તેઓ સતત પાંચ ટર્મ માટે સુરત મહાનગરપાલિકામાં સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન તરીકે રહ્યા. ભાજપનાં નેતા અને સુરતનાં પૂર્વ મેયર હેમાલીબહેન બોઘાવાલાના કહેવા પ્રમાણે, "મુકેશભાઈ એકદમ શાંત, સરળ અને સહજ સ્વભાવના છે. તેઓ શાંતિપૂર્વક પોતાને સોંપવામાં આવેલું કામ પાર પાડે છે. ગણિત અને હિસાબી બાબતોમાં તેમની ખાસ્સી પકડ છે, એટલે જ તેઓ ટેકનિકલ બાબતોને સારી રીતે સમજી શકે છે." જાહેર બાંધકામ, ટીપી કમિટી, કાયદા અને પાણી વિભાગ જેવી કમિટીમાં હોવા છતાં ક્યારેય તેમનું નામ કોઈ પણ વિવાદમાં સપડાયું ન હતું તેવો દાવો કરવામાં આવે છે.
મુકેશ દલાલે જ્યારે તેમની રાજકીય કારકિર્દી શરૂ કરી ત્યારે દક્ષિણ ગુજરાત ભાજપમાં કાશીરામ રાણાના નામનો સિક્કો પડતો, પરંતુ તેમની પ્રગતિ નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી બન્યા એ પછીના સમયગાળામાં જ થઈ.
ચૂંટણીપંચને મુકેશ દલાલે આપેલી ઍફિડેવિટ પ્રમાણે, તેમની સામે કોઈ કેસ દાખલ નથી થયો કે પડતર નથી. તેઓ ટેક્સ્ટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેમની તથા તેમનાં પત્ની નીલાબહેનની ગત નાણાકીય વર્ષ દરમિયાન વાર્ષિક આવક રૂ. 14 લાખ 25 હજાર જેટલી રહેવા પામી હતી.
મુકેશ દલાલ પાસે હાથ પર રૂ. પાંચ લાખ જેટલી જ્યારે તેમનાં નિવૃત્ત પત્નીના હાથ પર રૂ. સાડા છ લાખ જેટલી રોકડ હોવાનું જણાવ્યું છે. તેમણે પોતાના નામે રૂ. ત્રણ કરોડ 16 લાખ જેટલી અચળ સંપત્તિ અને રોકાણ દર્શાવ્યાં છે, જ્યારે તેમનાં પત્નીએ બે કરોડ 48 લાખ તથા એચયુએફમાં બે કરોડ છ લાખ જેટલી મતા દર્શાવી છે.
મુકેશ દલાલે છ કરોડ 16 લાખની તથા નીલાબહેને ત્રણ કરોડ 94 લાખની અચળ સંપત્તિ જાહેર કરી છે. તેમના પર રૂ. એક કરોડ 17 લાખની, જ્યારે તેમનાં પત્ની પર રૂ. 63 લાખ જેટલી આર્થિક જવાબદારીઓ કે લોન છે.
સુરત બેઠક પર વર્ષ 1989 ભાજપનો કબજો છે અને કાંશીરામ રાણા અહીંથી છ વાર ભાજપના સાંસદ તરીકે ચૂંટાઈ ચૂક્યા છે.














