ગુજરાત : એ શાળાઓ જ્યાં ક્યાંક કન્ટૅનર તો ક્યાંક પતરાના શૅડ નીચે ભણવા બાળકો મજબૂર છે

ઇમેજ સ્રોત, VINOD PARMAR
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
“અમારા ગામમાં મતદાનમથક છે પણ શાળાનું મકાન નથી. શાળા છે પણ હંગામી છે. બાળકો ભણે છે તે પણ કન્ટેનરમાં. આ કન્ટેનર પણ સરકારે નહીં પરંતુ એક સખાવતી ટ્રસ્ટે આપ્યું છે. શાળાના મકાન માટે અમે ઘણીવાર સરકારી અધિકારીઓને રજુઆત કરી પરંતુ અમને માત્ર આશ્વાસન જ મળ્યાં છે.”
દુખી થતાં આલિયા બેટના આગેવાન મહંમદભાઈ હસનભાઈ જત પોતાની પીડા વ્યક્ત કરે છે.
આલિયા બેટ ગામ એ નર્મદા નદીના કિનારે આવેલું ગામ છે. અહીં 500 જેટલી વસ્તી છે. આ લોકો વર્ષો પહેલાં કચ્છથી સ્થળાંતર કરીને અહીં વસ્યા છે. તમામ લોકો મુસ્લિમ પશુપાલકો છે.
પહેલાં આ ગામ ચારે તરફથી નર્મદાના પાણીથી ઘેરાયેલું હતું પરંતુ હવે એક તરફનો રસ્તો ખૂલ્યો છે. ભરૂચ જિલ્લાના હાંસોટથી આ ગામ 10 કિલોમીટર દૂર આવેલું છે. ગામમાં શાળાનું પાકું મકાન નથી. બાળકો એક ખાનગી ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલા કન્ટેનરમાં ભણવા મજબૂર છે.
વિનોદભાઈ પરમાર આ હંગામી શાળાના શિક્ષક છે. પહેલાં આ શાળા વૃક્ષ નીચે ચાલતી હતી. બાળકોને ઉનાળામાં અને ચોમાસામાં તકલીફો પડતી હતી. તેથી એક સ્વયંસેવી સંસ્થાએ બાળકોની તકલીફો ઓછી થાય તે માટે આ કન્ટેનર દાનમાં આપ્યું છે.
વિનોદભાઈ બાળકોને પડતી તકલીફો વિશે બીબીસી ગુજરાતીને જણાવે છે, “અહીં બાળકો માટે પીવાના પાણીની વ્યવસ્થા નથી. શૌચાલય નથી, શૌચ માટે ખુલ્લામાં જવું પડે છે. 1થી 8 ધોરણનાં 30 બાળકો અહીં ભણે છે. 2018 સુધી હું તેમને ઝાડ નીચે જ ભણાવતો હતો પછી આ કન્ટેનર દાનમાં મળ્યું. અહીં સોલાર પૅનલ લગાવી દેવાઈ છે જેથી કન્ટેનરમાં લાઇટ-પંખા ચાલી શકે. બાકી પહેલાં વીજળી પણ નહોતી.”
વિનોદભાઈ 2005થી આ હંગામી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમના જણાવ્યા પ્રમાણે ચોમાસામાં આ વિસ્તાર ‘કટ-ઑફ’ થઈ જાય છે ત્યારે ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.
અમે જ્યારે ભરૂચ જિલ્લામાં આ પ્રકારે શાળાની સમસ્યા પર જ્યારે પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીનો સંપર્ક કર્યો ત્યારે અમને કહેવામાં આવ્યું કે અંતરિયાળ વિસ્તારોમાં ઓરડાનું કામ કરવા માટે ઘણીવાર કૉન્ટ્રેક્ટરો તૈયાર નથી હોતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના અધિકારી સચીન શાહ બીબીસી ગુજરાતીને જણાવે છે, “ઘણી જગ્યાએ ઓરડાઓ મંજૂર થઈ ગયા છે. ટૅન્ડરો નીકળી ચૂક્યાં છે. અંતરિયાળ વિસ્તાર કે જ્યાં કૉન્ટ્રેક્ટરો કામ કરવા તૈયાર નહોતા ત્યાં પણ અમે સ્થાનિક નેતાગીરીની મદદથી કામો મંજૂર કરાવ્યાં છે. ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે. પહેલાં કરતાં ઘણો સુધારો છે અને કામ થઈ રહ્યાં છે.”
જર્જરીત થયેલી શાળા

ઇમેજ સ્રોત, VINOD PARMAR
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આલિયા બેટ એક જ ગામ નથી જ્યાં શિક્ષણને લગતી સમસ્યા હોય. ભરૂચ અને નર્મદા જિલ્લામાં ઘણાં ગામો એવાં છે જ્યાં શિક્ષણને લગતી કોઈને કોઈ સમસ્યા છે.
હાલમાં જ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં શિક્ષણમંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો કે નર્મદા અને ભરૂચ જિલ્લામાં જર્જરિત અને ઓરડા વગર ચાલતી કેટલી શાળા છે?
રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે વિધાનસભામાં જવાબ આપતા કહ્યું હતું કે “નર્મદા અને ભરૂચ જિલ્લામાં જર્જરિત શાળાની સંખ્યા અનુક્રમે 127 અને 82 છે જ્યારે કે ઓરડા વગરની શાળા નર્મદા અને ભરૂચ જિલ્લામાં અનુક્રમે 57 અને 18 છે.”
આ પ્રકારની શાળામાં વિદ્યાર્થીઓની ભણવાની વ્યવસ્થા વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે “તેમના માટે નજીકની પ્રાથમિક શાળા, હાઇસ્કૂલ કે ગામના કૉમ્યુનિટી હોલ કે પછી પંચાયતના બિલ્ડિંગમાં વૈકલ્પીક વ્યવસ્થા કરવામાં આવી છે.”
આ જર્જરિત ઓરડા ક્યારે બનશે તેવા પેટાપ્રશ્નના જવાબમાં કુબેર ડિંડોરે કહ્યું કે “બજેટની ઉપલબ્ધિ મુજબ તબક્કાવાર ક્રમાનુસાર ફાળવણી થાય છે જેને કારણે શાળાના બધા ઓરડા બનતા નથી.”
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાની ગણપતિ ફાટસર વિસ્તારની સરકારી શાળામાં અપૂરતા વર્ગખંડોને કારણે વિદ્યાર્થીઓ પતરાના શેડ નીચે અભ્યાસ કરી રહ્યા છે.
આ શાળામાં મહદંશે અનુસિચિત જાતિના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિસ્તારના દલિત કર્મશીલ અમૃત મકવાણા બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, “શાળામાં માત્ર ચાર ઓરડા છે. ત્રણ ઓરડા તો પતરાંનાં શેડ ઢાંકીને બનાવાયા છે. બે પાળીમાં શાળા ચલાવવી પડે છે. એવામાં પણ ત્રણ વર્ગોનાં બાળકોને બહાર બેસાડવાં પડે છે. ઉનાળા અને ચોમાસામાં બાળકોને ભારે મુશ્કલી પડે છે.”
શાળાના આચાર્ય ભલજીભાઈ પારઘી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “ 2014થી શાળામાં વર્ગખંડની ઘટ છે. સ્કૂલમાં હાલ 561 વિદ્યાર્થીઓ ધોરણ 1થી 8 સુધી અભ્યાસ કરી રહ્યા છે. 12 વર્ગખંડની ઘટ છે જેને કારણે બાળકો બહાર બેસીને ભણે છે.”
તેઓ તકલીફ વિશે વાત કરતા કહે છે,“ઘણીવાર અમારે બ્રહ્મસમાજની વાડીમાં બાળકોને ભણાવવાં પડે છે.”
આવી જ સ્થિતિ ડાંગ જિલ્લાના કેરલી ગામની છે. અહીં ઘણાં વર્ષો સુધી બાળકોએ ભયજનક સ્થિતિએ પહોંચેલી શાળામાં અભ્યાસ કર્યો. હવે શાળાના સમારકામની મંજૂરી મળી ગઈ છે અને કામકાજ ચાલી રહ્યું છે.
ગામના સરપંચ શુકરભાઈ ગાંગોડા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “હાલ મકાન ભાડે લીધું છે અને કેટલાંક બાળકો પંચાયતના મકાનમાં અભ્યાસ કરે છે.”
આ સ્કૂલના શિક્ષક મહેશભાઈ રાઠોડ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “હાલ મકાનના સમારકામનું કામ ચાલી રહ્યું છે એટલે બાદમાં તકલીફો ઓછી થઈ જશે.”
શિક્ષણની ગુણવત્તા પર સવાલ

ઇમેજ સ્રોત, SACHIN PITHVA
ઍન્યુઅલ સ્ટેટસ ઑફ એજ્યુકેશન રિપોર્ટ-2023 એટલે કે ASER પ્રમાણે ગુજરાતમાં આઠમાં ધોરણમાં ભણતા 1.1 ટકા વિદ્યાર્થીઓ એક પણ અક્ષર વાંચી શકતા નથી. પહેલા ધોરણનું પુસ્તક પણ વાંચી ન શકતા વિદ્યાર્થીઓની સંખ્યા 37.6 ટકાની છે. પાંચમાં ધોરણના વિદ્યાર્થીઓ કે જેમને વાંચતા નહોતું આવડતું તેમની સંખ્યા 10 ટકા હતી.
આઠમાં ધોરણમાં ભણતા 1.3 ટકા વિદ્યાર્થીઓને એકથી દસની ગણતરી નહોતી આવડતી. 4.1 ટકા વિદ્યાર્થીઓને એકથી 9 નંબર સુધીની ગણતરી નહોતી આવડતી અને 30.2 ટકા વિદ્યાર્થીઓને 11થી 99 નંબરની ગણતરી નહોતી આવડતી. આ પૈકીના 32.6 ટકા વિદ્યાર્થીઓને બાદબાકી અને 31.8 ટકા વિદ્યાર્થીઓને ભાગાકાર આવડતા નહોતા.
આઠમાં ધોરણમાં ભણી રહેલા વિદ્યાર્થીઓમાં 4.6 ટકાને અંગ્રેજીના કૅપિટલ અક્ષરો ઓળખતા આવડતું નહોતું. 28.7 ટકાને અંગ્રેજીના સ્મૉલ અક્ષર ઓળખતા આવડતું નહોતું. 25.7 ટકાને સ્પેલિંગ અને 25.2 ટકા લોકોને અંગ્રેજીના નાના વાક્યો પણ વાંચતા આવડતું નહોતું. જેઓ વાંચી શકતા હતા તે પૈકીના 61.2 ટકા વિદ્યાર્થીઓને તેઓ શું વાંચે છે તેનો અર્થ ખબર નહોતી.
કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશી સરકાર પર દોષારોપણ કરતાં આરોપ લગાવે છે, “સરકાર ખુદ દર વર્ષે ગુણોત્સવનો કાર્યક્રમ કરે છે તેનો રિપોર્ટ જુઓ, ASERનો રિપોર્ટ જુઓ. સરકારે શિક્ષણને નોનપ્રોડક્ટિવ બનાવી દીધું છે. ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપીને સરકારી શાળાનું માળખું તોડી રાજ્યના શિક્ષણને હતોત્સાહિત કરવાનું કામ સરકારે કર્યું છે.”
સરકાર આરોપોને નકારે છે

ઇમેજ સ્રોત, @AnantPatel1Mla
જોકે, સરકારી શાળામાં શિક્ષણ-સુધારણા માટે નિરંતર પ્રયાસો થઈ રહ્યા હોવાનો સરકારનો દાવો છે.
આ અંગે જ્યારે વિધાનસભામાં પ્રશ્નો પુછાયા ત્યારે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે લેખિત જવાબમાં જણાવ્યું હતું, “ગુણોત્સવ દરમિયાન મૂલ્યાંકન થયેલ તમામ શાળાઓને ગુણોત્સવ 2.0 અંતર્ગત રિપોર્ટકાર્ડ આપવામાં આવ્યાં છે. જેમાં મુખ્યક્ષેત્ર અને પેટાક્ષેત્ર પ્રમાણે શાળાની સારી બાબતો તેમજ સુધારાત્મક બાબતો ઉપરાંત શાળાને પ્રાપ્ત થયેલ ગ્રેડ તેમજ ટકા પણ દર્શાવવામાં આવે છે. શિક્ષકો અને શાળાઓ માટે ગ્રેડ સુધારણા માટેની તાલીમ આપવામાં આવેલ. શાળાની મુલાકાતો લઈને ગુણોત્સવ અંતર્ગત શાળા ગ્રેડ સુધારણા માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યાં છે.”
આ વિશે રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “શાળાનું પરિણામ અને શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે ટેકનૉલૉજીના ઉપયોગ થકી શાળા અને વિદ્યાર્થીઓનું રિયલ ટાઇમ મૉનિટરિંગ કરવા માટે ગુજરાતમાં ગાંધીનગરસ્થિત વિદ્યાસમીક્ષા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. જે આધુનિક ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને સ્ટૂડન્ટ રિપોર્ટ કાર્ડ આપનારું દેશનું પ્રથમ કેન્દ્ર બન્યું છે. અત્યારસુધી લગભગ 17 કરોડ જેટલા વિદ્યાર્થીઓનાં રિપોર્ટકાર્ડ આપવામાં આવ્યાં છે. આ કેન્દ્રમાં વિદ્યાર્થીઓના અધ્યયન માટે જરૂરી સુધારો થાય અને શિક્ષણનો ગ્રાફ ઉપર આવે તે માટેની ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવે છે.”
એક જ ઓરડો હોય તેવી રાજ્યમાં 341 શાળાઓ છે

ઇમેજ સ્રોત, @Chaitar_Vasava
પાટણના કૉંગ્રેસના ધારાસભ્ય કિરીટકુમાર પટેલે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે રાજ્યમાં એક જ ઓરડો ધરાવતી હોય તેવી શાળા કેટલી છે? જવાબમાં શિક્ષણ મંત્રીએ લેખિતમાં જણાવ્યું હતું કે 341 સ્કૂલો એવી છે જે માત્ર એક જ ઓરડો ધરાવે છે.
જ્યારે આ વિશે કારણ પૂછ્યું તો સરકાર તરફથી જવાબ મળ્યો કે બાળકોની સંખ્યા ઓછી હોવાના કારણે કે પછી જર્જરિત ઓરડા પાડી દેવાને કારણે કે પછી નવા ઓરડા બાંધવા જમીનની ઉપલબ્ધતા ન હોવાને કારણે આ શાળાઓ એક જ ઓરડામાં ચાલે છે.
સરકારે આશ્વાસન આપ્યું કે જેમ બને તેમ ઝડપથી આગામી વર્ષોમાં આ સ્કૂલમાં નવા ઓરડા મંજૂર કરવામાં આવશે અને બાંધવામાં આવશે.
આ જ પ્રકારે પુછાયેલા પ્રશ્નમાં સરકારે સ્વીકાર્યું કે રાજ્યમાં એક જ શિક્ષકથી ચાલતી હોય તેવી 1606 શાળાઓ છે.
જાણીતા શિક્ષણવિદ પ્રિયવદન કોરાટ બીબીસી સાથે આ મામલે ચિંતા વ્યક્ત કરતા કહે છે, “રાજ્યનું શિક્ષણ ઊંડી ખાઈ તરફ ધકેલાઈ ગયું છે, જો સમયસર પગલાં નહીં લેવાય તો લાંબેગાળે ભયંકર નુકસાન થશે.”
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, “પહેલાં પ્રવાસી શિક્ષકો, પછી જ્ઞાન સહાયક- એટલે કે કરાર આધારિત અને ફિક્સ પગાર આધારિત શિક્ષકોની ભરતીને કારણે અંતરિયાળ વિસ્તારોમાં આજે શિક્ષકો જતા જ નથી. સરકાર કહે છે કે આ વરસે 2500થી વધુ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવી પણ દર વરસે 3000 શિક્ષકો તો નિવૃત થાય છે એટલે ઘટ ઓછી થતી જ નથી.”
કૉંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશી કહે છે, “રાજ્યમાં 32 હજાર શિક્ષકોની ઘટ છે. 38000 વર્ગખંડોની ઘટ છે. 5612 શાળાઓ એવી છે જેને કાં તો બંધ કરવાનો કાં તો મર્જ કરવાનો નિર્ણય લેવાયો છે. જે પૈકી 1271 શાળાઓ બંધ કરી દેવાઈ છે. સરકાર બહાનું કાઢે છે કે બાળકો મળતાં નથી પણ ગ્રામ્ય વિસ્તારની શાળાઓને બંધ કરીને સરકાર રાઇટ ટુ ઍજ્યુકેશનનો ભંગ કરી રહી છે.”
સરકાર પાસે તેનો જવાબ છે. પ્રફુલ્લ પાનસેરિયા કહે છે, “ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી રાજ્યમાં છ વર્ષોમાં આશરે રૂપિયા 12,500 કરોડના ખર્ચે મિશન સ્કૂલ્સ ઑફ ઍક્સેલેન્સ હાથ ધરવાનું નક્કી કરાયું છે. આ છ વર્ષોમાં તમામ સરકારી અને ગ્રાન્ટ ઇન શાળાઓ મળી કુલ આશરે 40 હજાર મિશન સ્કૂલ્સ ઑફ ઍક્સેલેન્સ હેઠળ લાભાન્વિન્ત કરવામાં આવશે. જે પૈકી 20 હજાર શાળાઓને ઉત્કૃષ્ઠ બનાવવા વિશ્વકક્ષાની માળખાકીય સુવિધાઓ અને શૈક્ષણિક સવલતો પૂરી પાડી સ્કૂલ્સ ઑફ ઍક્સલેન્સમાં પરિવર્તિત કરાશે.”
નવા વર્ગખંડ બનાવવાની બાબતમાં તેઓ કહે છે, “2022થી રાજ્યમાં કુલ 26,676 વર્ગખંડો મંજૂર થયા છે. જે પૈકી 1170 વર્ગખંડોનું કામ પૂર્ણ થયું છે. 12,454 વર્ગખંડોનું કામ પ્રગતિમાં છે. 46491 ઓરડાઓના સમારકામની મંજૂરી આપી દેવાઈ છે. જે પૈકી 3451 ઓરડાનું સમારકામ પૂર્ણ થયું છે. બાકી 25011 ઓરડાનું કામ બાકી છે જે ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે.”












