ડૉ. આંબેડકર જયંતી : જાતિવાદી ખરેખર કોણ છે, દેશમાં ક્યાં છે જાતિવાદ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ. અદિતિ નારાયણી પાસવાન
- પદ, બીબીસી હિન્દી માટે
એપ્રિલ મહિનો 'દલિત ઇતિહાસનો મહિનો' તરીકે ઊજવાય છે. આ મહિનો દર વર્ષે અમને દલિતોને એ યાદ અપાવે છે કે અમે અમારા હોવાનો જશ્ન મનાવીએ. આ જશ્ન સંઘર્ષો અને યાદોનું પ્રતીક છે.
આ મહિનો આખા વર્ષ દરમિયાન દુનિયામાં રહેતા દલિતોને એકતાનું જીવંત ઉદાહરણ બનીને પ્રેરણા આપે છે, પછી તેઓ કૅનેડામાં રહેતા હોય, ઑસ્ટ્રેલિયામાં હોય, બ્રિટન કે અમેરિકામાં.
એવું નથી કે એપ્રિલ મહિનામાં માત્ર બાબાસાહેબનો જન્મ થયો હતો. આ મહિનામાં જાતિવ્યવસ્થાની સામે સંઘર્ષ કરનારા અનેક નાયકોએ પણ જન્મ લીધો હતો. તેમાં બાબુ જગજીવનરામ અને મહાત્મા જ્યોતિબા ફુલે પણ સામેલ છે.
4 એપ્રિલે હિન્દુસ્તાનની આઝાદીનાં એક બહાદુર યોદ્ધા ઝલકારીબાઈનો બલિદાનદિવસ પણ હોય છે.
દલિત સમાજના લોકો સામાન્ય રીતે જાતિવ્યવસ્થાની ઊંડી ખાઈમાં ડૂબીને ગુમ થઈ જાય છે. તેમને મુખ્યધારાની શબ્દાવલિઓ અને જશ્નોમાં કાયમ માટે ભુલાવી દેવાય છે અને આખરે તેમને આવનારી પેઢીઓનાં સ્મરણોમાંથી હંમેશાં માટે મિટાવી દેવાય છે.
એપ્રિલનો મહિનો અમને એક એવો ઝરૂખો આપે છે કે અમે પોતાના એ પૂર્વજોની સમૃદ્ધ વિરાસતને યાદ કરી શકીએ. અમારા આ પૂર્વજોએ દલિત સમાજને હંમેશાં દબાવીને અને હાંસિયામાં ધકેલીને રાખનાર જાતિવ્યવસ્થા સામે લડાઈઓ લડી અને બલિદાનો આપ્યાં. અમે આ મહિનામાં તેમના યોગદાનનું માન-સન્માન કરીએ છીએ.

દલિતોના સંઘર્ષનો લાંબો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
1757માં થયેલું પ્લાસીનું યુદ્ધ હોય, જેમાં દુસાધો (દલિતોનો એક સમુદાય)એ મોઘલ સમ્રાટની સામે યુદ્ધ લડ્યું અને તેમને હાર આપી. કે પછી 1857ની બળવો હોય. ઝલકારીબાઈથી લઈને મંગુરામ અને ઉદાદેવી સુધી. તેમાંથી કેટલા લોકો વિશે તમે કેટલું જાણો છો?
ઇતિહાસનાં પાનાં આવી તમામ દાસ્તાનોથી ભરેલાં પડ્યાં છે, જ્યાં આઝાદની લડાઈથી લઈને રાષ્ટ્રનિર્માણ સુધી અમારી ભૂમિકાઓને કાં તો નજરઅંદાજ કરાઈ અથવા તેને મિટાવી દેવાઈ.પરંતુ દલિતોનો સૌથી મોટો સંઘર્ષ તો રોજિંદો સંઘર્ષ જ છે. દલિતોએ આ લડાઈ પાણી માટે, અસ્પૃશ્યતાથી છુટકારો મેળવવા માટે, મહેનતનાં માન-સન્માન મેળવવાં માટે, મંદિરોમાં પ્રવેશ કરવા માટે લડી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હું તો એવો દાવો નહીં કરું કે સદીઓથી અમારી પરિસ્થિતિમાં કોઈ ફેરફાર આવ્યો નથી.
સામાજિક સુધારાને લઈને આપણી સંસ્કૃતિમાં જે મૂલ્યો રચાયેલાં છે, આપણા ધર્મનો જે ફેરફાર પ્રમાણે ઢળવાનો મિજાજ છે, અને સૌથી મોટી વાત એ છે કે આપણા બંધારણમાં સામાજિક ન્યાયનો જે પાયો નખાયેલો છે, એ બધાએ મળીને એ સુનિશ્ચિત કર્યું છે કે અમને ભાગીદારી મળી શકે.
બદલાવ વચ્ચે જાતિવાદ પર ચર્ચા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આજે જાતિ આપણી રોજિંદી વાતચીતનો ભાગ બની રહી છે. આપણી આસપાસ જાતિને લઈને જે ચર્ચાઓ થઈ રહી છે તેના કારણે આજે જાતિ પર આધારિત ચેતના અને તેના પરત્વે સંવેદનશીલતા વધી છે.
એટલે સુધી કે બોલીવૂડ કિરદારોમાં પણ બદલાવ આવતા જોઈ રહ્યા છીએ. લગાનમાં 'કચરા'નું પાત્ર દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ આજે બોલીવૂડ ફિલ્મોમાં દલિત પાત્રોને વધુ ઝુઝારુ, બુદ્ધિશાળી અને સક્ષમ માણસ તરીકે રજૂ કરાય છે. 'ચક્રવ્યૂહ', માંઝી ધ માઉન્ટેનમૅન', 'સૈરાટ', 'દહાડ', 'જય ભીમ', 'કાંતારા' અને 'કટહલ' જેવી ફિલ્મો આ બદલાવનાં ઉદાહરણ છે.
તેમ છતાં દરરોજ હું સવર્ણ-સમૃદ્ધ વર્ગ સંબંધિત એવા લોકોનો સામનો કરું છું, જે આ વાત પર ભાર આપે છે કે જાતિવાદ કોઈ મોટી સામાજિક સમસ્યા નથી, કેમ કે તેમની નજરમાં જાતિ આધારિત ભેદભાવ સમાપ્ત થઈ ગયો છે.
પરંતુ જેવી લગ્નની વાત આવે એટલે તેઓ પોતાની જાતિમાં જ જીવનસાથીની શોધ શરૂ કરી દે છે. અંગ્રેજીનાં અખબારોમાં વૈવાહિક જાહેરાતોની કૉલમ જાતિના આધારે જ વહેંચાયેલી હોય છે અને લોકો માત્ર પોતાની જાતિનાં વર કે વધૂને શોધે છે. આ એ જ લોકો છે જે કહે છે કે જાતિના આધારે ભેદભાવ નથી કરતા.
આવા પાયાના વિરોધાભાસ મને એ વિચારવા મજબૂર કરી દે છે કે લોકો કેવી બેફિકરાઈથી આ દાવો કરે છે કે કોઈને તેની જાતિને લીધે કોઈ ભેદભાવ સહન કરવો પડતો નથી. તેઓ કહે છે કે તેમણે પોતાના ખાનદાનમાં ક્યારેય કોઈને જાતિવાદી વ્યવહાર કરતા જોયા નથી.
જાતિવાદને લઈને મિથ ઘડવાના પ્રયાસો

ઇમેજ સ્રોત, Getty Images
આ સિવાય જાતિ અને તેનાં ઐતિહાસિક મૂળિયાંને લઈને પણ નવી કહાણીઓ ઘડાઈ રહી છે. જાતિને પરિભાષિત કરવા માટે ધાર્મિક શાસ્ત્રોથી લઈને, જાતિ શબ્દની ઉત્પત્તિનો ઇતિહાસ ફંફાસાઈ રહ્યો છે. વર્ણ અને જાતિનું અંતર દેખાડવા માટે અનેક પુસ્તકો લખાઈ ચૂક્યાં છે. વૉટ્સઍપ યુનિવર્સિટીની દુનિયામાં 'જાતિ' શબ્દની વિચિત્ર સમજ સાથેની માહિતીઓ પડી છે.
સ્વાભાવિક છે કે અંગ્રેજી કાસ્ટ શબ્દ પોર્ટુગીઝ ભાષા 'કૅસ્ટસ'થી બન્યો છે. આ વાતનો ચતુરાઈથી ઉપયોગ કરીને કહેવાય છે કે જાતિ એક પશ્ચિમી પરિકલ્પના છે, જેનો અંગ્રેજોએ આપણને સામ્રાજ્યવાદના પંજામાં જકડવા માટે ઉપયોગ કર્યો હતો.
જોકે હું ન તો આ શબ્દની ઉત્પત્તિને લઈને કોઈ સવાલ પેદા કરું છું અને ન તો એ વાતનો ઇનકાર કરું છું કે વિદેશીઓએ તેનો દુરુપયોગ કર્યો. મને સૌથી વધુ તકલીફ આપે છે દલિતોની વર્તમાન સ્થિતિ. આજે પોતાની તાકત દર્શાવવા માટે આખરે કોણ દલિતો પર બળાત્કાર કરે છે? આજના સમાજમાં અમે ક્યાં ઊભા છીએ?
અમે અમારી ઐતિહાસિક ભૂમિકાને બીજી વાર હાંસલ કરવા માગીએ છીએ, જેથી ભવિષ્યમાં અમે સન્માનપૂર્વક જીવન જીવી શકીએ.
એવા ઘણા લોકો છે જેમનો પૂરો ભરોસો છે કે દેશમાં કોઈ જાતિવાદી ભેદભાવ નથી. તેઓ એ પણ કહેવાનું નથી ભૂલતા કે તેમણે પોતાના વડીલોને દલિતો સાથે સારો વ્યવહાર કરતા જોયા છે. મને તો પાણી જેવી પાયાની જરૂરી ચીજ માટે પોતાના સમાજનો સદીઓનો સંઘર્ષ સારી રીતે યાદ છે.
પણ ઘણી વાર તેમના આવા દાવાઓ સાંભળી સાંભળીને દિલ-દિમાગ થાકી જાય છે કે દેશમાં હવે જાતિવાદી વ્યવહાર થતો નથી. જ્યારે કોઈ કહે કે તેમણે તો જાતિવાદ નથી જોયો, તો એ વાતની પૂરી શક્યતા છે કે તેઓ કોઈ સવર્ણ-સમૃદ્ધ પરિવારમાં પેદા થયા હશે.

એ શું જાણે પીડ પરાઈ?

ઇમેજ સ્રોત, Getty Images
એવામાં સવાલ એ થાય કે જે શખ્સે ક્યારેય જાતિના નામે થનારા જુલમો સહન કર્યા નથી, તેઓ કેવી રીતે અમારી અનેક પેઢીઓનું દર્દ સમજી શકશે? તમે દલિતને કહેવા દો કે તેણે જાતિવાદનું દર્દ નથી સહન કર્યું. જે પીડિત અને શોષિત છે, જરા એ પણ પોતાની જબાનથી એલાન કરે કે તેમની તકલીફોનો અંત આવી ગયો છે.
જો કોઈએ જાતિવાદને સહન ન કર્યો હોય તો એ તેમનું સૌભાગ્ય છે, પરંતુ એ હકીકત નથી કે જાતિવાદ નથી. સામાજિક વાસ્તવિકતા પ્રત્યેની આવી ખોટી વાતો તકલીફ આપે છે. જાતિવાદની વાતો સાંભળીને અને ખાસ કરીને જ્યારે હું એક દલિત મહિલા તરીકે પોતાના અનુભવો વ્યક્ત કરું છું તો લોકોના ચહેરા પર જે આશ્ચર્યનો ભાવ ઊપજે છે તે તેમની જ અજ્ઞાનતાની સાક્ષી પૂરતો હોય છે.
તેમની નાદાની અમારા સંઘર્ષને હાંસિયામાં ધકેલી દે છે. અને જ્યારે અમે પોતાના અનુભવો વ્યક્ત કરીએ છીએ ત્યારે અમને એ અહેસાસ કરાવવામાં આવે છે કે અમે આ બધી વાતો અનામત મેળવવા માટે કરીએ છીએ. અનામત ન કોઈ ખેરાત છે, ન તો આ પુરાણી કરતૂતોનું પ્રાયશ્ચિત છે. તે એ સમાનતા અને બરાબરી તરફ વધવાનો અમારો અધિકાર છે, જેના માટે બાબાસાહેબે સંઘર્ષ કર્યો હતો અને જેના માટે અમે હજુ પણ લડાઈ લડી રહ્યા છીએ.
આજે વિદેશી તાકતો આપણો દેશ છોડીને જતી રહી છે અને આપણા દેશમાં કોઈ એમ નથી કહેતું કે તેઓ જાતિવ્યવસ્થામાં માને છે અથવા તો જાતિવાદી વ્યવહાર કરે છે.
તો પછી આ બધું કોણ કરી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
એવામાં મારા મનમાં એ સવાલ થાય છે કે તો પછી દલિત છોકરીઓને બળાત્કાર કરીને તેમને કોણ જીવતી સળગાવી નાખી છે? ગટર સાફ કરતા દલિતો કેમ મરી રહ્યા છે? આજે પણ ઘોડે ચડતા કેમ ગોળીઓ મરાઈ રહી છે? આજે પણ મૂછો રાખવા પર દલિતોની હત્યા કેમ થઈ રહી છે? આજે પણ કેમ તાકત દેખાડવાનો સાર્વજનિક મંચ કોઈ દલિતના શરીરને સમજવામાં આવે છે? આ જુલમ કોણ કરી રહ્યું છે?
હું ઉદાહરણો આપીને પોતાને એક પીડિત તરીકે રજૂ કરવાનો પ્રયત્ન નથી કરતી, પણ સવાલ એ છે કે આવું કોણ કરી રહ્યું છે? કહેવામાં આવે છે કે ફલાણો દલિત નેતા સત્તાનો ભૂખ્યો છે. ચોક્કસ, અમે સત્તાના કેન્દ્રમાં રહેવા માગીએ છીએ. સદીઓથી અમને સત્તાથી વિમુખ કરાઈ રહ્યા છે. હવે અમે સત્તાનો સ્વાદ ચાખવા માગીએ છીએ.
અમે એવું નેટવર્ક, એવી ઇકૉસિસ્ટમ બનાવવા માગીએ છીએ, જ્યાં એમેઝોનમાં કામ કરનારા, સિએટલમાં રહેનાર લોકો પણ અમને જાણતા હોય, જેથી તેઓ અમારો બાયોટેડા આગળ વધારી શકે. અમે પણ કૅમ્બ્રિજમાં રહેનારા સાથે અમારો પરિચય વધારવા માગીએ છીએ, જેથી તેઓ અમને અમારી કારકિર્દીમાં આગળ વધવામાં મદદ કરી શકે.
અમને આ બધાથી વંચિત રાખવામાં આવે છે. હવે અમે આ બધું ઇચ્છીએ છીએ અને અમે પોતાનો આ અધિકાર મજબૂતીથી દર્શાવવાનો ઈરાદો પણ રાખીએ છીએ.
દલિત ઇતિહાસ મહિનામાં આવો, સ્વીકાર કરીએ કે આપણે બધા જાતિવાદી છીએ. આપણે બધા કોઈને કોઈ રીતે જાતિવાદી વ્યવહાર કરીએ છીએ. જાતિ આપણી ચેતનાની ઊંડાઈઓમાં ભરી પડેલી છે. એક સંસ્થાગત વ્યવસ્થાના રૂપમાં જાતિનાં મૂળિયાં જમા થવાની આ વાસ્તવિકતાને જો આપણે ન સ્વીકારી શકીએ, તો પછી બાબાસાહેબના નામ પર સોશિયલ મીડિયામાં પોસ્ટ લખવી એ બેઈમાની છે.
સૌથી પહેલા આપણે એ માનવું પડશે કે જાતિનું અસ્તિત્વ છે. તેનો સ્વીકાર કરવો પડશે, તેના પ્રત્યે સંવેદનશીલ થવું પડશે. ત્યાર બાદ જ આપણે પોતાને જાતિની ચુંગાલમાંથી આઝાદ કરવાની ચર્ચા શરૂ કરી શકીએ છીએ.
(લેખિકા દિલ્હી વિશ્વવિદ્યાલયમાં ભણાવે છે. આ તેમના અંગત વિચાર છે)














