રાજકોટ : 'મારું માણહ જતું રહ્યું, મારા છોકરાનું કોણ?' પોલીસે દલિતને મારતા મોતનો આરોપ

દલિત યુવાનના પરિવારજનો

ઇમેજ સ્રોત, COLLECTIVE NEWSROOM

રાજકોટમાં એક દલિત યુવાનનું હૉસ્પિટલમાં મોત થયું છે. મૃતકના પરિવારનો પોલીસ પર આરોપ છે કે તેમને પોલીસે ઢોર માર મારતા તેમનું મોત થયું છે.

પરિવારનું કહેવું છે કે મૃતક પડોશમાં થયેલા ઝઘડાનું સમાધાન કરાવવા ગયા હતા અને પોલીસ તેમને પકડીને લઈ ગઈ અને ઢોર માર માર્યો હતો. બાદમાં તેમનું હૉસ્પિટલમાં મોત થયું છે.

આ મામલે પોલીસનું કહેવું છે કે આરોપીને ઝડપથી પકડી લેવામાં આવશે. પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના બાદ રાજકોટની સિવિલ હૉસ્પિટલ ખાતે દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. તેમણે અહીં પોલીસની વિરુદ્ધ નારા પોકાર્યા હતા અને આરોપીને કડકમાં કડક સજા કરવાની માગ કરી હતી.

શરૂઆતમાં દલિત સમાજે મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે પોલીસે આરોપીને પકડી લેવાની બાંયધરી આપતા બાદમાં અંતિમક્રિયા માટે મૃતદેહને લઈ ગયા હતા.

આ ઘટના મામલે બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપી છે.

તેમણે વીડિયોના માધ્યમથી કહ્યું કે "રાજકોટની એક ઘટનામાં ગુનો દાખલ કર્યા વિના એક દલિતની માલવિયાનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. ત્યાં કોઈ જ કારણ વિના હમીર રાઠોડને બેરહેમીથી માર મારવામાં આવ્યો અને રાજકોટની હૉસ્પિટલમાં મોત થયું છે. આ કસ્ટોડિયલ ટૉર્ચર, કસ્ટોડિયલ ડેથનો કેસ છે. અને પ્રથમ દૃષ્ટિએ 'પોલીસના હાથે થયેલી હત્યા' છે."

જિજ્ઞેશ મેવાણી આઈપીએસ સુધા પાંડેને આ કેસની તપાસ સોંપવામાં આવે તેવી માગ કરી હતી. તેમણે સરકાર પાસે લેખિતમાં એવી માગ કરી કે પીડિત પરિવારને 50 લાખ રૂપિયાનું વળતર અને છ મહિના કેસની ટ્રાયલ પૂરી કરવામાં આવે.

રાજકોટમાં દલિત યુવાનના મોતનો શું છે સમગ્ર મામલો?

મૃતક હમીરભાઈ બે પાડોશીઓ વચ્ચેના ઝઘડાનું સમાધાન કરવા ગયા હતા

ઇમેજ સ્રોત, COLLECTIVE NEWSROOM

ઇમેજ કૅપ્શન, મૃતક હમીરભાઈ બે પાડોશીઓ વચ્ચેના ઝઘડાનું સમાધાન કરવા ગયા હતા

રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, 'તારીખ 14-04-2024ના રોજ રાતે અગિયાર વાગ્યે પડોશમાં રાજુભાઈ સોલંકી અને તેમના દીકરા જયેશને પડોશી સાથે ઝઘડો થયો હતો. ત્યાં પોલીસ પણ આવી હતી. આથી હમીરભાઈ ત્યાં સમાધાન કરવા ગયા હતા. બાદમાં 15 મિનિટ બાદ હમીરભાઈના દીકરાએ ઘરે આવીને કહ્યું કે પોલીસ તેના પપ્પાને મારતા મારતા પોલીસની ગાડીમાં બેસાડીને લઈ ગયા છે.'

ફરિયાદ અનુસાર, 'ત્યાર બાદ પડોશમાં રહેતા નાનજીભાઈ માલવિયાનગર પોલીસ સ્ટેશન ગયા હતા અને રાતે અંદાજે એક વાગ્યે હમીરભાઈને ઘરે લાવ્યા હતા. એ વખતે હમીરભાઈ અર્ધબેભાન જેવી હાલતમાં હતા. સવારે તેઓ જાગ્યા નહીં અને તેમની તબિયત ખરાબ હતી. તેમનું પેન્ટ ખરાબ થઈ ગયું હતું. બાદમાં તેમને ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા અને ડૉક્ટરના જણાવ્યા અનુસાર, તેમને માથાના ભાગે હેમરેજ થઈ ગયું છે.'

'પોલીસે ઢોર માર માર્યો એટલે મારા ભાઈનું મોત થયું'

હમીરભાઈનું બેસણું

ઇમેજ સ્રોત, COLLECTIVE NEWSROOM

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ સમગ્ર ઘટના મામલે મૃતક પરિવારના સભ્યો પોલીસ પર ઢોર માર મારવાનો આરોપ લગાવે છે.

હમીરભાઈ દેવજીભાઈ રાઠોડ (મૃતક)ના ભાઈ હરેશ દેવજીભાઈ રાઠોડે બીબીસીના સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે વાત કરી હતી.

તેમનું કહેવું છે તેમના ભાઈ હમીરભાઈનું મોત પોલીસે ઢોર માર માર્યો તેના કારણે થયું છે.

હરેશ રાઠોડે કહ્યું, "મારો ભાઈ પડોશમાં કોઈ ઝઘડો ચાલતો હતો ત્યાં સમાધાન કરવા માટે ગયો હતો. એ સમયે પોલીસકર્મી અશ્વિન કાનગડે તેમને બે લાફા માર્યા હતા અને બાદમાં ઉપાડીને પછાડ્યા હતા અને પછી પીસીઆર વાનમાં ઘા કરીને નાખ્યા હતા. આને કારણે તેમને માથામાં ઈજા પહોંચી હતી."

"બાદમાં તેમને (હમીરભાઈ) પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા અને ઢોર માર માર્યો હતો. તેને એટલો માર માર્યો હતો કે આખા શરીર કાળા કાળા ડાઘ પડી ગયા હતા. ત્યારે અમારો ભાઈ ભાનમાં નહોતો, પથારીમાં પેશાબ કરી ગયો હતો."

હરેશ રાઠોડનું કહેવું છે કે તેમના ભાઈને હૉસ્પિટલ લઈ ગયા પછી તેમની હાલતમાં સુધારો થયો નહોતો.

"ડૉક્ટરે સીટી સ્કેન કર્યો હતો અને તેમણે એવું કહ્યું કે આને માથામાં હેમરેજ થયું છે. પછી તેને વૅન્ટિલેટર પર રાખ્યો હતો. પછી ડૉક્ટરે કહ્યું કે તમારા ભાઈ મૃત્યુ પામ્યા છે."

મૃતકનાં પત્નીએ બીબીસીને કહ્યું કે "ત્યાં એમને ઢસડીને માર્યા છે. ઘરે આવ્યા પછી કંઈ બોલ્યા નથી. મારું હવે કોણ, મારું ઘરનું માણસ જતું રહ્યું છે. એ એક જ કમાવનાર હતા. મારા છોકરાનું હવે કોણ. ભરણપોષણ કોણ કરશે."

મૃતક હમીરભાઈને એક 13 વર્ષનો પુત્ર છે.

'ગુજરાતમાં આ નવી ઘટના નથી'

બેસણાની તસવીર

ઇમેજ સ્રોત, COLLECTIVE NEWSROOM

બીબીસી સાથે વાત કરતા યુવા ભીમસેનાના સંસ્થાપક ડી.ડી. સોલંકી કહે છે, "હવે આ કોઈ ઘટના નવી નથી. ગુજરાતમાં રોજના આવા 100થી 200 કેસ નોંધાતા હોય છે. મોટા ભાગે પોલીસ જ સમાધાન કરાવી નાખે છે. નબળા વર્ગના લોકો અને દલિત સમાજને પોલીસ ડરાવે છે, ધમકાવે છે. આની પાછળ મુખ્ય રીતે સરકાર જવાબદાર છે."

"પોલીસે હમીરભાઈ ઉર્ફે ગોપાલભાઈને કારણ વિના માર માર્યો હતો. અમને જાણવા મળ્યું છે કે બે-ત્રણ પોલીસવાળાએ પકડી રાખ્યા હતા અને અશ્વિન કાનગડે તેમને ધોકાથી માર માર્યો હતો. આ ભાજપનો જાતિવાદ છે. દલિત સમાજ સામે જે અત્યાચાર થાય છે, તેની સામે કોઈ પગલાં લેવાતાં નથી."

તેમણે કહ્યું કે કોઈ નિર્દોષ વ્યક્તિને આ રીતે મારવું યોગ્ય નથી. તમને સત્તા આપી હોય એટલે આવી રીતે કોઈને મારવાના? અમારી માગ છે કે આરોપીની ધરપકડ થવી જોઈએ અને જેટલી પણ કલમ લાગતી હોય એ બધી લાગવી જોઈએ અને આકરામાં આકરી સજા થવી જોઈએ.

હરેશ રાઠોડનું કહેવું છે કે પોલીસે અગાઉ અજાણી પોલીસના નામે ગુનો નોંધ્યો હતો.

જોકે મૃતકના ભાઈ હરેશભાઈનું કહેવું છે કે પોલીસ અધિકારીએ અમને કહ્યું કે એફઆઈઆરમાં અશ્વિન કાનગડના નામનો ઉલ્લેખ કર્યો છે. તેમજ 302, ઍટ્રોસિટી ઍક્ટનો ઉલ્લેખ કર્યો છે અને 24 કલાકમાં આરોપીને પકડી લેવાની બાંયધરી આપી છે. પછી અમે ડેડ બૉડી સ્વીકારીને વિધિ કરી છે.

દલિતના મોત મામલે પોલીસનું શું કહેવું છે?

એસીપી રાધિકા ભારાઈએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે "જે ઘટના ઘટી છે તેમાં આઈપીસી 307 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ પીડિતને જે ઈજા થઈ અને તેમનું મોત થયું છે એ મામલે આઈપીસી 302 (હત્યા) અને એટ્રોસિટીની કલમ ઉમેરવામાં આવી છે. તેમજ જે આરોપી છે એને પકડવા માટે અમારી રાજકોટ પોલીસની ચાર-પાંચ ટીમો અલગઅલગ જિલ્લામાં તપાસ કરી રહી છે અને ઝડપથી આરોપીને પકડી લેવામાં આવશે."

આ દરમિયાન રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે "આ ઘટનામાં સંડોવાયેલા પોલીસ કર્મચારીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે."

રાજુ ભાર્ગવે જણાવ્યું કે આરોપ એવો છે કે પીડિતને માર મારવામાં આવ્યો, પછી તે કોમામાં સરકી ગયો અને મૃત્યુ પામ્યો."