નવસારી: ત્રણ ટર્મથી નવસારીના સાંસદ રહેલા પાટીલ સામે શું છે પડકારો?

ઇમેજ સ્રોત, RISHI BANERJI
- લેેખક, ઋષિ બેનરજી
- પદ, બીબીસી સંવાદદાતા, નવસારીથી
"નવસારીમાં પગાર ધોરણ ખૂબ જ ઓછું છે અને સુરતની સરખામણીમાં તકો પણ ઓછી છે. સુરતમાં મારા માટે વધુ સારી તકો છે અને તેથી મને ત્યાં જવામાં કોઈ વાંધો નથી. જો મને સારો મોકો મળે તો હું ચોક્કસપણે નવસારીમાં કામ કરવા માગીશ."
વેજલપોરનો રહેવાસી વીરલ પટેલ નોકરી માટે અઠવાડિયામાં છ દિવસ સુરત સચીન જી.આઈ.ડી.સી જાય છે, જ્યાં તેમને રોજના રૂપિયા 350 મળે છે.
આવી જ રીતે કાપડ કટિંગ માસ્ટર તરીકે કામ કરતા મનોજ શિમ્પી પણ નોકરી માટે સુરત જાય છે.
તેઓ કહે છે કે નવસારીમાં ભાગ્યે જ રૂપિયા 12000થી 15000નો પગાર મળે છે. સુરતમાં આ જ નોકરી માટે વધારે પગાર મળે છે. નવસારીમાં જે ફેક્ટરીઓ છે તે મોટા ભાગે નાના અને સૂક્ષ્મ એકમો છે અને તેથી પગારધોરણ ઓછું છે.
નવસારી રેલવે સ્ટેશનથી દરરોજ સવાર અને સાંજના સમયે હજારો યુવાનો નોકરી માટે સુરત અને વાપી માટે ટ્રેન પકડે છે. અપડાઉન કરતા મોટા ભાગના યુવાનો 15000થી 25000 રૂપિયાના પગારવાળી નોકરીઓ કરે છે.
લોકસભાની ચૂંટણી માટે નવસારીમાં સાતમી મેના રોજ મતદાન યોજાશે ત્યારે બીબીસીએ જાણવાનો પ્રયાસ કર્યો કે સહુથી વધુ લીડ અપાવનાર બેઠકના મતદારોના આ ચૂંટણીમાં શું વિચારે છે અને અહીંનાં રાજકીય સમીકરણ શું કહે છે.
નવસારીમાં ભાજપના સી.આર, પાટીલ સામે કૉંગ્રેસના નૈષધ દેસાઈ

ઇમેજ સ્રોત, AMIT PATIL
2019ની લોકસભાની ચૂંટણીમાં રેકૉર્ડ મતથી વિજય થયા બાદ નવસારી બેઠકના ઉમેદવાર સી. આર. પાટીલ ચોથી વાર મેદાને છે. તેઓ આ વખતે ફરીથી રેકૉર્ડ વોટથી ચૂંટણી જીતવાની તૈયારીઓ કરી રહ્યા છે.
નવસારી લોકસભા બેઠક પર મુખ્યત્વે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે હરીફાઈ છે, એટલે સી.આર. પાટીલ અને નૈષધ દેસાઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વખતે ભાજપે ગુજરાતની 26 બેઠકો પર પાંચ લાખની લીડના ટાર્ગેટના દાવો કર્યો હોવાથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પર સૌની નજર છે.
છેલ્લી ત્રણ ટર્મથી સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ એક પીઢ નેતા છે અને સંગઠનમાં સારી પકડ ધરાવે છે. તેમણે સુરતના તે સમયના સાંસદ કાશીરામ રાણા સાથે પણ કામ કર્યું છે. ગુજરાતમાં ભાજપે પેટાચૂંટણી અને વિધાનસભા ચૂંટણીઓમાં જે પ્રકારે જીત મેળવી છે, તેમાં ઘણો ખરો યશ સી. આર. પાટીલને પણ જાય છે.
તો નૈષધ દેસાઈ પણ પીઢ કૉંગ્રેસી છે. ગુજરાતમાં પાર્ટીને વફાદાર જે જૂના કૉંગ્રેસીઓ છે તેમાં તેમનું નામ સામેલ છે. મૂળ સુરતના દેસાઈ વર્ષોથી ઇન્ટૂક (ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કૉંગ્રેસ) સાથે 43 વર્ષથી સંકળાયેલા છે. તેઓ 25 વર્ષ ઇન્ટૂકના પ્રમુખ પણ રહ્યા છે. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસમાં તેઓ વિવિધ હોદ્દાઓ પર રહ્યા છે.
22 લાખ મતદારો ધરાવતી નવસારી બેઠકમાં ભાજપ અને કૉંગ્રેસ સાથે અપક્ષો પણ ચૂંટણીમેદાને છે.
રોકાણ અને રોજગારી મોટા મુદ્દા

ઇમેજ સ્રોત, RISHI BANERJI
નવસારીના રસ્તાઓમાંથી પસાર થતી વખતે શહેરમાં મોટી ઇમારતો અને મોટા શોરૂમ જોવા મળે છે. શહેરના પ્રૉપર્ટી બજારમાં પણ તેજી અનુભવી શકાય છે. શેરીઓમાં ઘણી પ્રવૃત્તિ જોવા મળે છે.
આ બધા ચળકાટ વચ્ચે નવસારી શહેર અને અન્ય બે વિધાનસભા મતવિસ્તારો સામે રોકાણ અને રોજગારી એમ બે મહત્ત્વના પડકારો છે. સ્થાનિક અર્થતંત્ર મોટા ભાગે કૃષિ અને વિદેશમાં વસતા લોકો પર આધારિત છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા રાજકીય નિષ્ણાત હરીશ પારેખ કહે છે, "નવસારી જિલ્લામાં છેલ્લા બે દાયકામાં ઘણી મોટી કંપનીઓ બંધ થઈ ગઈ છે અને કોઈ નોંધપાત્ર રોકાણ આવ્યું નથી. લોકો નોકરી શોધી શકતા નથી અને રોજગારી માટે સુરત અને વાપી જવું પડે છે."
"જિલ્લામાં ડાયમંડ પૉલિશિંગ એકમો કાર્યરત્ છે, પરંતુ તેમની સંખ્યા મર્યાદિત છે. ઓછા ભણેલા અને મર્યાદિત કૌશલ્ય ધરાવતા યુવાઓ માટે અહીં નોકરીઓ નથી. તેમને નોકરી માટે ફરજિયાત અન્ય શહેરોમાં મુસાફરી કરવી પડે છે."
આવી જ રીતે પૌંઆ અને પોલકી ડાયમંડ માટે પ્રખ્યાત નવસારીમાં બંને ઉદ્યોગ વિવિધ પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે.

વરિષ્ઠ પત્રકાર ગૌતમ મહેતા કહે છે, "નવસારીમાંથી સારા એવા પ્રમાણમાં પૌંઆ મિલ બીજાં રાજ્યોમાં શિફ્ટ થઈ છે. અહીં તેમના પ્રશ્નોને કોઈ ધ્યાન આપતું નથી. આવી જ રીતે પોલકી ડાયમંડ સૅક્ટરની જે પણ માગ છે તેના પર કોઈ કામ થયાં નથી. સમગ્ર સૅક્ટર માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે સારી કહી શકાય એવી કોઈ યોજના બહાર પાડી નથી.''
તો બીબીસીનાં સહયોગી શીતલ પટેલ કહે છે કે નવસારીમાં હજી પણ માળખાકીય સવિધાઓમાં ઘણાં કામ કરવાનાં બાકી છે. કાંઠા વિસ્તારનાં ગામોમાં પાણી અને રોજગારી મુખ્ય સમસ્યાઓ છે. નવસારીમાં મોટી કંપનીઓ નથી જે અહીંના લોકો માટે એક મોટો મદ્દો છે. ગામડાંમાં માત્ર ખેતી જ રોજગારીનું સાધન છે.
નવસારીમાં જે રોકાણ અને રોજીરોટીનો પ્રશ્ન છે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ શરૂ કરી હોવાનો દાવો જિલ્લા ભાજપ પ્રમખ જનક બગદાણાવાલા કરી રહ્યા છે.
તેઓ કહે છે કે કેટલીક યોજનાઓ પ્રક્રિયામાં છે. નજીકના ભવિષ્યમાં સ્થાનિક યુવાનો નવસારીમાં જ ઊંચા પગારવાળી નોકરીઓ કરશે.
'મુસ્લિમ સમાજને કોઈ પક્ષ મહત્ત્વ નથી આપતું'

ઇમેજ સ્રોત, RISHI BANERJI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નવસારી લોકસભા બેઠક પર મુસ્લિમ સમુદાયના મતદારો સારા એવા પ્રમાણમાં છે. આ બેઠક પર 2.75 લાખ મુસ્લિમ મતદારો છે. મુસ્લિમ નેતાઓના મતે તેમને ભાજપ અને કૉંગ્રેસ તરફથી જોઈએ એવું પ્રોત્સાહન અને સમર્થન મળતાં નથી.
નવસારી શહેરના દરગાહ રોડમાં રહેતા 89 વર્ષના હાજી સૈયદ દરગાહવાલા નવસારી મુસ્લિમ ઍજ્યુકેશન ઍન્ડ વેલ્ફેર સોસાયટી સહિત અનેક મુસ્લિમ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ કહે છે, "છેલ્લાં 10 વર્ષથી અમને ભાજપ તરફથી ચૂંટણીની સ્લિપ પણ મળી નથી. પાર્ટીના નેતાઓએ મુસ્લિમ સમુદાય સાથે સંપર્ક અને સંવાદ સ્થાપિત કરવા માટે બહુ ઓછા પ્રયાસો કર્યા છે. કૉંગ્રેસ પાર્ટીનું પણ એવું જ છે. મુસ્લિમ સમાજમાં ઘણા પ્રતિભાશાળી નેતાઓ છે, પરંતુ કૉંગ્રેસ પાર્ટીએ જોઈએ એવી તક આપી નથી."
તેઓ ઉમેરે છે કે નોંધપાત્ર વસ્તી અને મતદારો હોવા છતાં સમુદાયનું સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં મર્યાદિત પ્રતિનિધિત્વ છે. ભાજપે મુસ્લિમોને ટિકિટ આપવા માટે જોઈએ એવા પ્રયાસો કર્યા નથી. કૉંગ્રેસ સમુદાયમાં નેતૃત્વની બીજી લાઇન બનાવવામાં નિષ્ફળ રહી છે.
મુસ્લિમ સમાજના પ્રશ્નો વિશે વાત કરતા જમાત-એ-ઉલેમા-એ-હિંદના પદાધિકારી ઇકબાલ ઉસ્માની કહે છે કે, "મોટા ભાગના મુસ્લિમો આર્થિક રીતે નબળા છે અને રાજકીય પક્ષો તેમના મુદ્દાઓને યોગ્ય મહત્ત્વ આપતા નથી. મુસ્લિમ યુવાનો આર્થિક સંકડામણને કારણે ઉચ્ચ શિક્ષણ મેળવી શકતા નથી અને જીવનનિર્વાહ માટે તેમને નાનીમોટી નોકરીઓ કરવાની ફરજ પડે છે."
તો જનક બગદાણાવાલા આ આરોપોને નકારતા કહે છે કે ભાજપે ત્રણ તબક્કામાં પ્રચાર કરી રહ્યો છે. અમે મુસ્લિમ વિસ્તારોમાં પણ જઈ રહ્યા છીએ અને જો કોઈ વિસ્તાર કવર ન થયો હોય તો અમે જરૂર ત્યાં જઈશું."
પાટીલ સામે કોઈ પડકાર છે?

ઇમેજ સ્રોત, RISHI BANERJI
ચોથી ટર્મ માટે લડી રહેલા સી.આર. પાટીલની સામે આ વખતે કોઈ મોટા રાજકીય પડકાર હોય તો એવી સ્થિતિ જોવા મળતી નથી.
હરીશ પારેખ કહે છે, "નવસારીમાં કૉંગ્રેસ પાર્ટી નામ પૂરતી રહી ગઈ છે. તેમની પાસે કાર્યકર્તાઓ અને નેતાઓનો અભાવ છે અને એટલા માટે ભાજપને મોકળું મેદાન મળી ગયું છે. લોકો બીજા કોઈને વોટ આપવા પણ માગતા હોય તો વિકલ્પ નથી. કૉંગ્રેસ એટલા જોરશોરથી પ્રચાર પણ કરી રહી નથી કે ભાજપને પડકાર મળે."
રોજગારી, મોંઘવારી અને અન્ય મુદ્દાઓ શું આ ચૂંટણીમાં અસર કરશે? તેના જવાબમાં ગૌતમ મહેતા કહે છે કે નવસારીના મતદારો સામાન્ય રીતે આવા મદ્દાઓને મતદાન કરતી વખતે ધ્યાને લેતા નથી. ભાજપની લીડમાં ઘટાડો થાય તેવા કોઈ સંકેત હાલ દેખાતા નથી.
જ્યારે અમે મનોજ સિમ્પીને પણ આ પ્રશ્ન કર્યો તો તેમણે સીધો જવાબ આપવાનું ટાળ્યું અને કહ્યું કે સાંસદ કામ કરી રહ્યા છે અને પરિણામ પણ મળી રહ્યું છે.
નવસારીમાં નરેન્દ્ર મોદી ફેક્ટર

ઇમેજ સ્રોત, AMIT PATIL
નવસારીમાં બીજી રાજકીય પાર્ટીઓની ઑફિસો કાર્યરત્ થઈ રહી છે ત્યારે નવસારીના સર્કિટ હાઉસ નજીક ભાજપના ચૂંટણી કાર્યાલયમાં ધમધમાટ અનભવી શકાય છે. અહીં દિવસરાત મીટિંગો અને મુલાકાતો થતી રહે છે. પરંતુ આ ચૂંટણીમાં મોદી ફેક્ટર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. સમગ્ર શહેરમાં નરેન્દ્ર મોદીનાં મોટાં મોટાં હોર્ડિંગ જોવાં મળે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે સી.આર. પાટીલની અંગત છબી સિવાય વડા પ્રધાનની લોકપ્રિયતા પણ આ ચૂંટણીમાં એક મહત્ત્વનું પરિબળ છે.
વરિષ્ઠ પત્રકાર ગૌતમ મહેતા કહે છે, "જનસંઘના સમયમાં નરેન્દ્ર મોદી જિલ્લામાં પ્રચાર કરતા હતા અને એટલા માટે તેઓ ઘણા લોકોને અંગત રીતે ઓળખે છે. તેઓ 100 કરતાં પણ વધુ વખત જિલ્લાની અને ખાસ કરીને ગણદેવી, ચીખલી, નવસારીની મલાકાત લઈ ચૂક્યા છે."
"મજુરા, નવસારી, જલાલપોર અને ગણદેવી વિધાનસભા બેઠકો પર તમે અનુભવી શકો છો કે એક નેતા તરીકે નરેન્દ્ર મોદી મતદારોને આકર્ષે છે. તેમાં કોઈ શંકા નથી કે વડા પ્રધાનની છબી લોકસભા ચૂંટણીમાં ભાજપ અને તેના ઉમેદવારને ફાયદો કરાવશે. મતદારો મતદાન કરતી વખતે વડા પ્રધાનની છબીને ધ્યાનમાં રાખશે."
તેઓ ઉમેરે છે કે ભાજપે પટેલ સમાજ (કોળી, ઢોડિયા અને પાટીદારો) અને દેસાઈ (નાયક, વશી) સમાજમાં ઊંડે સુધી પ્રવેશ કરી લીધો છે. બધા સમાજ નવસારી લોકસભા બેઠક હેઠળ આવતી તમામ સાત વિધાનસભા બેઠકો પર નોંધપાત્ર મતદારો ધરાવે છે.
રાજકીય નિષ્ણાત નરેશ વરિયા કહે છે, "વડા પ્રધાને 2022ની વિધાનસભા ચૂંટણી માટે પ્રચારની શરૂઆત નવસારીથી કરી હતી. તેથી સ્પષ્ટ છે કે ચૂંટણીમાં રેકૉર્ડ લીડ આપનારી આ બેઠકો પર ભાજપ ખૂબ જ મજબૂત છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ પાર્ટી આ વિધાનસભા મતવિસ્તારોમાં પોતાનો વોટ શેર વધારવામાં સફળ રહી હતી."
તેઓ ઉમેરે છે કે નવસારી જિલ્લાના વાંસદા અને ખેરગામ જેવા આદિવાસી વિસ્તારોમાં કૉંગ્રેસ મજબૂત છે પરંતુ તે વલસાડ લોકસભા બેઠક હેઠળ આવે છે.
ત્રણ લાખ મરાઠી મતદારો નિર્ણાયક

ઇમેજ સ્રોત, AMIT PATIL
નવસારી લોકસભામાં સમાવિષ્ટ ચાર વિધાનસભા બેઠકો લિંબાયત, પાંડેસરા, ઉધના અને નવસારી નગરમાં ત્રણ લાખથી વધુ મરાઠી મતદારો છે, જે મોટા ભાગે ભાજપ તરફ ઝોક ધરાવે છે.
2019ની લોકસભા ચૂંટણીમાં મરાઠી સમુદાયે સી.આર. પાટીલને ભારે સમર્થન આપ્યું હતું. પાટીલ મરાઠી સમાજ સાથે મજબૂત જોડાણ ધરાવે છે.
રાજકીય નિષ્ણાત નરેશ વરિયા કહે છે, "ભાજપની લીડમાં મરાઠી સમાજના મતનો મહત્ત્વનો ફાળો છે. મહારાષ્ટ્રીયન સમાજના લોકો સી.આર. પાટીલને તેમના પોતાના તરીકે જુએ છે અને એટલે જ તેમને આટલી ભારી સંખ્યામાં મત મળે છે. આ મતો પાટીલને કાપી ન શકાય એવી લીડ પ્રદાન કરે છે. કૉંગ્રેસ પક્ષમાં પણ મરાઠી સમાજના નેતાઓ છે, પરંતુ તેઓ એટલા સફળ નથી."
ગૌતમ મહેતા કહે છે, "નવસારી શહેરના વીજલપોર અને આજુબાજુના વિસ્તારોમાં મરાઠી સમાજની મોટા પ્રમાણમાં વસતી છે. આ વિસ્તારો ભાજપના ગઢ કહીએ તો ખોટું નથી. અહીં દરેક મત વર્ષોથી ભાજપને મળ્યો છે અને આજે પણ એ જ સ્થિતિ છે. શક્ય છે કે આ વખતે સી.આર. પાટીલની લીડ વધી પણ જાય."
નવસારી બેઠકનો રાજકીય ઇતિહાસ
જનરલ કૅટગરીની આ બેઠક વર્ષ 2009ના નવા સીમાંકનમાં અસ્તિત્વમાં આવી. અસ્તિત્વમાં આવી ત્યારથી જ અહીં ભાજપના સાંસદ સી.આર. પાટીલ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ 6, 89, 668 મતના માર્જિનથી ભાજપે આ બેઠક જીતી હતી.
નવસારી લોકસભા બેઠક હેઠળ આવતી સાત વિધાનસભા બેઠકમાંથી ચાર 'શહેરી' બેઠકો અને ત્રણ 'અર્ધ-શહેરી' બેઠકો તરીકે ગણવામાં આવે છે. લોકસભા બેઠકનું નામ નવસારી હોવા છતાં ચાર વિધાનસભા બેઠકો – ચોર્યાસી, ઉધના, લિંબાયત અને મજૂરા સુરત જિલ્લામાં છે.
લિંબાયત, ઉધના, મજૂરા, ચોર્યાસી, જલાલપોર અને નવસારી એમ છ જનરલ બેઠકો છે. જ્યારે ગણદેવી એક માત્ર એસટી અનામત બેઠક છે. સુરતની ચાર બેઠકોમાં 15 લાખ મતદારો છે અને નવસારીની ત્રણ બેઠકોમાં સાત લાખ મતદારો છે.
2022 અને 2017 એમ બન્ને વિધાનસભાની ચૂંટણીમાં તમામ સાતેય બેઠકો પર જનતાએ ભાજપના ઉમેદવારોને ચૂંટ્યા હતા. અહીંથી કૉંગ્રેસના એક પણ ઉમેદવાર જીતી નહોતા શક્યા.
છેલ્લાં પરિણામ
2009 સી.આર. પાટીલ ભાજપ 4,23,413
2014 સી.આર. પાટીલ ભાજપ 5,58,116 માર્જિન
2019 સી.આર. પાટીલ ભાજપ 6,89,668 માર્જિન












