ગુજરાતની 25 લોકસભા બેઠકો પર કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે, સૌથી વધારે ઉમેદવારો કઈ બેઠક પર?

ઇમેજ સ્રોત, Getty Images
લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં ફૉર્મની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે અને દરેક બેઠકો પર ઉમેદવારની સંખ્યાનો આંકડો ફાઇનલ થઈ ગયો છે.
કુલ 26 લોકસભા બેઠકો માટે 301 ઉમેદવારોના ફૉર્મ માન્ય રાખવામાં આવ્યા છે જ્યારે પાંચ વિધાનસભાની પેટાચૂંટણી માટે 27 ઉમેદવારોના ફૉર્મ માન્ય ઠેરવવામાં આવ્યા છે.
ગાંધીનગર લોકસભા બેઠકથી સૌથી વધુ 30 ઉમેદવારો મેદાનમાં છે જ્યારે બારડોલી બેઠક પર માત્ર ત્રણ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.
અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ઉમેદવારી ફૉર્મની સતત ચર્ચા ચાલુ રહી છે. અનેક બેઠકો પર ઉમેદવારોના ફૉર્મ અંગે વાંધો રજૂ કરવામાં આવ્યો હતો અને સુરત બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારનું ફૉર્મ રદ થયું છે.
વિધાનસભાની પેટાચૂંટણીમાં સૌથી વધુ આઠ ઉમેદવારો વીજાપુર બેઠક પરથી મેદાનમાં છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે આ વખતે મોટેભાગે ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે.

ઇમેજ સ્રોત, @AMITSHAHOFFICE
ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢના કાંકેરમાં ચૂંટણીસભાને સંબોધિત કરી હતી. તેમાં તેમણે વડા પ્રધાન મોદીએ રાજસ્થાનના બાંસવાડામાં આપેલા નિવેદનને ફરીથી રીપિટ કર્યું હતું અને કહ્યું હતું કે કૉંગ્રેસ પક્ષની નજર દેશના મઠો, મંદિરો અને સૌની સંપત્તિઓ પર છે.
અમિત શાહે કહ્યું, "કૉંગ્રેસ પક્ષને આજે મરચાં લાગ્યાં છે. મોદીજીએ તેમના ચૂંટણીઢંઢેરામાંથી સૌની સંપત્તિનો સર્વે કરવાની વાત લોકો સમક્ષ મૂકી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, "હું આજે કૉંગ્રેસ પાર્ટીને પૂછવા માંગુ છું કે તમારા ચૂંટણીઢંઢેરામાં સર્વેની વાત છે કે નહીં એ સ્પષ્ટ કરો."
અમિત શાહે કહ્યું હતું કે, "તમારા વડા પ્રધાન મનમોહનસિંહે કહ્યું હતું કે સંસાધનો પર પહેલો અધિકાર લઘુમતી સમુદાયનો છે, આદિવાસીઓ અને દલિતોનો નથી. દેશભરનાં મઠમંદિરો અને સૌની સંપત્તિ પર જે તેમની નજર છે એ પૈસા ક્યાં જવાના છે?"
"મનમોહનસિંહને યાદ કરો. તેમણે કહ્યું હતું કે પૈસા પર, ભંડોળ પર, સંસાધનો પર સૌથી પહેલો અધિકાર લઘુમતીઓનો છે. અમે કહીએ છીએ કે સંસાધનો પર પહેલો અધિકાર દેશના ગરીબોનો છે, આદિવાસીઓનો છે, દલિતોનો છે, પછાતવર્ગનો છે."
ક્ષત્રિયો ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો કઈ રીતે વિરોધ કરશે?

ઇમેજ સ્રોત, ani
ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં હવે ક્ષત્રિયોએ ભાજપ સામે વિરોધ કરવાનું એલાન કર્યું છે. તેમનું કહેવું છે કે તેઓ તમામ 26 સીટ પર ભાજપનો વિરોધ કરશે.
રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ ગુજરાતમાં ક્ષત્રિયોએ વિરોધ નોંધાવ્યો હતો અને તેમની માગ હતી કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. જોકે ભાજપે તેમની ટિકિટ રદ નથી કરી અને રૂપાલાએ ફૉર્મ પણ ભરી દીધું છે.
એવામાં હવે ક્ષત્રિય-રાજપૂત સમાજે ભાજપનો વિરોધ કરવા નવી રણનીતિ અપનાવી છે.
અમદાવાદમાં ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં નિર્ણય લેવાયો હતો કે હવે તમામ 26 બેઠકો પર ભાજપની વિરુદ્ધમાં મતદાન કરાવવામાં આવશે.
અગાઉ ક્ષત્રિય સમાજે વિવિધ જિલ્લામાં સંમેલનો પણ કર્યાં હતાં અને હવે 'પાર્ટ-2'ના ભાગરૂપે નવી રણનીતિ ઘડાઈ છે, જે મુજબઃ
- 26 લોકસભા સીટ પર ભાજપનો જાહેરમાં વિરોધ કરવો અને વિરુદ્ધમાં સક્ષમ પક્ષના ઉમેદવારને મત આપવો
- ગુજરાતનાં ગામડેગામડે સભાઓ કરીને ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા સર્વ સમાજને આવાહન કરવું
- ભાજપની જાહેર સભાઓમાં કાળા વાવટાની જગ્યાએ હવેથી ભગવા (કેસરિયો) ઝંડાથી વિરોધ કરવો
- મહિલાઓ દ્વારા દરેક જિલ્લાઓમાં એક દિવસના પ્રતીક ઉપવાસ ઉપર બેસવું
- ગુજરાતના પાંચ ઝોનમાં 22 એપ્રિલથી ધાર્મિક સ્થળથી ધર્મરથ કાઢીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા લોકોને જાગૃત કરવા
નરેન્દ્ર મોદીની મુસલમાનો પર ટિપ્પણી, કૉંગ્રેસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાંસવાડામાં એક ચૂંટણીસભામાં કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કૉંગ્રેસ મા-બહેનોનું સોનું લઈને 'ઘૂસણખોરોમાં વહેંચવા' માગે છે.
વડા પ્રધાને પોતાના ભાષણમાં કહ્યું, "પહેલાં જ્યારે તેમની સરકાર હતી ત્યારે તેમણે કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસલમાનોનો છે, તેનો મતલબ આ સંપત્તિ એકઠી કરીને કોને વહેંચશે- જેનાં વધુ બાળકો છે તેમને વહેંચશે, ઘૂસણખોરોને વહેંચશે. શું તમારી મહેનતના પૈસા ઘૂસણખોરોને આપી દેવાશે? તમને આ મંજૂર છે?"
મોદીએ કહ્યું, "આ કૉંગ્રેસનો ચૂંટણીઢંઢેરો કહી રહ્યો છે કે તેઓ માતા-બહેનોનાં સોનાંનો હિસાબ કરશે. તેની માહિતી લેશે અને પછી તેને વહેંચી નાખશે અને તેમને વહેંચશે, જેમને મનમોહનસિંહની સરકારે કહ્યું હતું કે સંપત્તિ પર પહેલો અધિકાર મુસલમાનોનો છે. ભાઈઓ-બહેનો, આ અર્બન નક્સલનો વિચાર, મારી માતાઓ-બહેનો એ તમારું મંગળસૂત્ર પણ બચવા નહીં દે. તેઓ ત્યાં સુધી જશે."
વડા પ્રધાને પોતાના ભાષણમાં મુસલમાનોને લઈને પણ ટિપ્પણી કરી હતી, જેના પર પ્રતિક્રિયા આપતા કૉંગ્રેસે કહ્યું કે વડા પ્રધાન દેશમાં નફરતનું બીજ રોપી રહ્યા છે.
કૉંગ્રેસ નેતા પવન ખેડાએ એક વીડિયો જાહેર કરીને વડા પ્રધાન પર નિશાન સાધતાં કહ્યું કે "તમે દેશને હિન્દુ-મુસલમાનોના નામે જૂઠ પીરસીને વિભાજિત કરી રહ્યા છો. હું પડકાર ફેંકું છું કે વડા પ્રધાનને કે કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં ક્યાંય પણ મુસલમાન કે હિન્દુ શબ્દ હોય તો અમને જણાવે અને આ પડકાર સ્વીકાર કરે અથવા તો ખોટું બોલવું બંધ કરે."














