ગુજરાતમાં પણ જેમને મળવા લોકોની ભીડ જામે છે કોણ છે એ રાજસ્થાનના અપક્ષ ઉમેદવાર?

ઇમેજ સ્રોત, RAVINDRA SINGH BHATI FB
- લેેખક, ત્રિભુવન
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે
વર્તમાન સમયમાં જે રીતે રાજકારણમાં પૈસાનું જોર વધ્યું છે એ જોઇને શું કોઈ કલ્પના કરી શકે કે એક સરકારી શાળાના શિક્ષકનો દીકરો રાજસ્થાનના તમામ તાકાતવાન નેતાઓને ગણતરીના દિવસોમાં જ પોતાની રાજકીય લોકપ્રિયતાથી ચોંકાવી દેશે? અને એ પણ ત્યારે કે જ્યારે તેણે અપક્ષ ઉમેદવારી કરી છે.
પરંતુ પશ્ચિમી રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રેતીના ઢૂવા પર જ્યાં કાયમ સન્નાટો રહે છે અને જ્યાં આશા અને અપેક્ષાઓના દરવાજા સદીઓથી બંધ છે ત્યાં આજે ગલીગલીમાં એક જ નામનો શોર છે અને એ નામ છે રવીન્દ્રસિંહ ભાટી.
બાડમેર તો ઠીક પરંતુ ગુજરાતનું સુરત હોય કે પછી મહારાષ્ટ્રનું પુણે, દરેક જગ્યાએ આ યુવાન ચહેરાની એક ઝલક માટે લોકો બેચેન દેખાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં તેઓ આ બંને રાજ્યોનાં અનેક શહેરોમાં પ્રવાસી રાજસ્થાની મતદારો સાથે સંપર્ક સાધવા માટે પહોંચ્યા હતા.
જેમ્સ બૉન્ડ કલ્ચર

ઇમેજ સ્રોત, @RAVINDRABHATI__/X
રાજ્યની સરહદોના વાડા ટપી જતી તેમની લોકપ્રિયતા અંગે બાડમેરના મૂળ રહેવાસી અને રાજસ્થાનના પ્રસિદ્ધ સમાજવાદી નેતા અર્જુન દેથાનો તર્ક છે કે, "આ છોકરાઓની જમાત છે અને જેમ્સ બૉન્ડ કલ્ચર છે. તેમની સામેના ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવાર જાટ છે. રાજપૂત, બ્રાહ્મણ, વૈશ્ય, રાજપુરોહિત અને કુંભાર, કણબી, બિશ્નોઈ, સોની, સુથાર, ચારણ સહિત ઓબીસીની અનેક જાતિઓના બેરોજગાર યુવાનો પણ જાતિગત ધ્રુવીકરણનું કારણ બન્યા છે."
વિધાનસભાની ચૂંટણીમાં બાડમેર જિલ્લાની શિવ બેઠકથી કૉંગ્રેસ અને ભાજપના ઉમેદવારોને હરાવીને રાજસ્થાનના રાજકારણમાં ઉદય પામનાર રવીન્દ્રસિંહ ભાટી એક કોયડો બનતા જાય છે.
સમાજશાસ્ત્રી રાજીવ ગુપ્તા કહે છે કે, "આ વિસ્તારના યુવાનો લાંબા સમયથી ઉપેક્ષિત હતા. તેમના અવાજને કોઈ સાંભળવાવાળું ન હતું. બેરોજગારી અહીંની વિકરાળ સમસ્યા છે. ભાટીએ સૌને તાકાત અને અવાજ આપીને તેમને એક પૉલિટિકલ કેપિટલમાં બદલી નાખ્યા છે."
શું દરેકને તેમની ઈર્ષ્યા થાય છે?
આમ તો બાડમેર લોકસભા ક્ષેત્રમાં ત્રણ મુખ્ય ઉમેદવારો છે. ભાજપના કૈલાશ ચૌધરી કેન્દ્રીય કૃષિ અને કૃષક કલ્યાણ રાજ્યમંત્રી છે. કૉંગ્રેસના ઉમ્મેદારામ જેઓ વિધાનસભા ચૂંટણી આરએલપીની ટિકિટ લઈને લડ્યા હતા અને હારી ગયા હતા. જ્યારે રવીન્દ્રસિંહ ભાટી અપક્ષ ઉમેદવાર છે.
પરંતુ રવીન્દ્રસિંહ ભાટી જેવો માહોલ પોતાના પક્ષમાં કોઈ ઉમેદવાર બનાવી શક્યો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાટીએ સોશિયલ મીડિયા પર જાણે કે આગ લગાવી દીધી છે. તેમની રેલીઓના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ છે. તેમની દરેક નેતાઓને ઈર્ષ્યા થઈ રહી છે.
કૉંગ્રેસના ઉમેદવાર ઉમ્મેદારાના સમર્થકોએ ટ્વિટર પર ટ્રેન્ડ કરાવવાની અનેકવાર કોશિશ કરી પરંતુ તેઓ સફળ થયા નથી.
રાજકારણની ખારાશને તેમની લોકપ્રિયતા પચી રહી નથી?

ઇમેજ સ્રોત, @RAVINDRABHATI__/X
આ લોકસભા ક્ષેત્રની આઠ વિધાનસભા બેઠકોમાં પાંચ ભાજપ પાસે છે અને એક બેઠક કૉંગ્રેસ પાસે છે. જ્યારે બે બેઠકો અપક્ષ ઉમેદવારો જીત્યા છે. કેટલાક સમય પહેલાં બંને અપક્ષ ઉમેદવારો ભાજપના જૂથમાં હતા.
વિધાનસભા ચૂંટણી પહેલાં ભાટીને ભાજપમાં એ શરતે સામેલ કરવામાં આવ્યા હતા કે તેમને શિવથી ટિકિટ આપવામાં આવશે. પરંતુ આ ટિકિટ સ્વરૂપસિંહ ખારાને આપી દેવામાં આવી હતી. આથી ભાટીએ અપક્ષ ઉમેદવારી કરી અને જબરદસ્ત રીતે ચૂંટણી લડીને જીતી બતાવી.
જીત્યા બાદ ભાટી રાજકીય રીતે ચૂપ રહ્યા હતા પરંતુ એમની ચૂપકીદીને ભાજપના નેતાઓ સમજી ન શક્યા. અલબત્ત, તેમણે મુખ્ય મંત્રી ભજનલાલ શર્મા સાથે લાંબી મુલાકાત કરી હતી. ત્યારબાદ ભાટીને આશા હતી કે કાં તો ભાજપ તેને લોકસભાની ટિકિટ આપશે અથવા તો તેને એવો રિસ્પોન્સ આપશે કે જેથી કરીને આ વિસ્તારમાં તેમનું કદ અને સન્માન વધે.
પરંતુ ફરીવાર ભાટીએ જે ધાર્યું હતું તે ન બન્યું. તેથી ભાટી ઉમેદવારી નોંધાવતા પહેલાં તેમના સમર્થકો પાસે પહોંચ્યા અને પછી એવી તસવીર સામે આવી કે જેણે ભાટીને રાજકારણમાં ચમકાવી દીધા.
જૂના નેતાઓથી લોકોનો મોહભંગ થવો
ઉદયપુરની સુખડિયા યુનિવર્સિટીમાં રાજનીતિવિજ્ઞાનના પ્રોફેસર અને હાલમાં રાજસ્થાનના રાજકારણને પરખી રહેલા પ્રો. અરુણ ચતુર્વેદી કહે છે કે, "ભાટીનું એક નવા નેતા તરીકે ઊભરવું એ જાતિગત આધાર, લોકોમાં નવા ચહેરા પ્રત્યેનું આકર્ષણ અને જૂની નેતાગીરી સાથે મોહભંગ- એમ ત્રણ કારણોનું સંમિશ્રણ છે."
ચતુર્વેદી જણાવે છે કે સચીન પાયલટ, રાજકુમાર રોત, હનુમાન બેનીવાલ જેવા નેતાઓ પ્રત્યે પણ લોકોના મોહનું મોટું કારણ આ જ રહ્યું છે. લોકો હવે જૂના નેતાઓથી કંટાળી ગયા છે અને તેઓ રાજકારણમાં કઈંક નવું જોવા માટે તત્પર છે.
વિધાનસભા ચૂંટણીમાં ભાટીએ ભાજપના વિદ્રોહી તરીકે જીત મેળવી હતી અને અન્ય એક અપક્ષ ઉમેદવાર ફતેહ ખાનને 3950 મતોથી હરાવ્યા હતા. ફતેહ ખાન પણ કૉંગ્રેસના વિદ્રોહી હતા. ભાજપના સ્વરૂપસિંહ ખારા તેમનાથી 22820 મતો અને કૉંગ્રેસ ઉમેદવાર અમીન ખાન 24231 મતોથી પાછળ રહ્યા હતા.
ભાજપ અને કૉંગ્રેસના ત્રણ જૂના જોગીઓને હરાવવાને કારણે ભાટીની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ.
વિદ્યાર્થી રાજકારણથી ‘મેઇનસ્ટ્રીમ પૉલિટિક્સ’ સુધી

ઇમેજ સ્રોત, @RAVINDRABHATI__/X
ભાટી પહેલીવાર પ્રસિદ્ધ 2019માં થયા હતા. તેમણે ત્યારે જોધપુરની જયનારાયણ વ્યાસ યુનિવર્સિટીમાંથી પણ ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી કરી હતી અને તેઓ ભારે મતોથી વિજયી બન્યા હતા.
ભાટી એ સમયે આરએસએસની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલા હતા. તેમની ટિકિટ માટે પ્રબળ દાવેદારી હતી પરંતુ એબીવીપીએ તેમને ટિકિટ ન આપી.
જયનારાયણ વ્યાસ યુનિવર્સિટીમાં એ પહેલાં કોઈ પણ અપક્ષ ઉમેદવાર જીતી શક્યો ન હતો. પરંતુ ભાટીએ અપક્ષ જીત મેળવી અને એ પણ 1300 મતો જેટલી મોટી સરસાઈથી મેળવી.
કોઈ વિચારી પણ શકતું ન હતું કે અતિશય ધનબળ, બાહુબળ અને પ્રભાવી જાતિગત સમીકરણો ધરાવતા વિદ્યાર્થી નેતાઓના દબદબાને એક સરકારી શાળાના શિક્ષકનો 21 વર્ષીય દીકરો આ રીતે પડકારશે. આ યુવાન બાડમેરના ગડરા રોડના અતિશય પછાત વિસ્તારમાં આવેલા દૂરસ્થ ગામ દૂધોરાથી આવીને રાજસ્થાનીમાં એમ.એ. કરી રહ્યો હતો.
ગેહલોત સરકાર સામે બાથ ભીડી

ઇમેજ સ્રોત, @ASHOKGEHLOT51
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજ્યની તત્કાલીન ગેહલોત સરકારના એક નિર્ણયે આ વિદ્યાર્થી નેતાની છબીને રાજ્યવ્યાપી બનાવી દીધી હતી.
ગેહલોત સરકારના સમયમાં એક ઑડિટોરિયમ બનાવવા માટે યુનિવર્સિટીની 37 વીઘા જમીનનું અધિગ્રહણ કરવાનો નિર્ણય થયો ત્યારે ભાટીએ તેનો જબરદસ્ત વિરોધ કર્યો હતો. તેમનો તર્ક એવો હતો કે 1200 કરોડની કિંમત ધરાવતી એ જમીન યુનિવર્સિટીની છે. તેને જોધપુરની ડૅવલપમેન્ટ ઑથોરિટી કઈ રીતે લઈ શકે.
સરકાર ન માની તો તેમણે વિધાનસભાનો ઘેરાવ કરીને મોટું પ્રદર્શન કર્યું અને મુખ્ય મંત્રીના ગૃહક્ષેત્રમાં જ સરકાર માટે આ વાત માથાનો દુ:ખાવો બની. આ આંદોલને ભાટીને રાજ્ય સ્તરીય ઓળખ અપાવી.
વિધાનસભા ચૂંટણી આવી તો ભાટી બેમાંથી કોઈ એક બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માંગતા હતા. એમાંથી એક બેઠક હતી સરદારપુરા કે જ્યાંથી તત્કાલીન મુખ્ય મંત્રી અશોક ગેહલોત લડી રહ્યા હતા જ્યારે બીજી બેઠક શિવ હતી જ્યાં ભાજપના અનેક દાવેદારો હતા.
ભાટીને ન તો સરદારપુરાથી ટિકિટ આપવામાં આવી કે ન તો શિવથી. ભાજપના એક નેતા જણાવે છે કે, "તેમને સરદારપુરાથી ટિકિટ આપવામાં આવે તેવું નક્કી થયું હતું પરંતુ તેનો વિરોધ એટલા માટે થયો કારણ કે તેનાથી આ નાની ઉંમરના યુવાનની આખાય દેશમાં છબી બની જાય તેમ હતું અને જોધપુરમાં તે કેટલાક નેતાઓ માટે માથાનો દુખાવો બને તેમ હતા. એક ડર એવો પણ હતો કે મોદી તો નવો વિકલ્પ મળે એટલે ગમે તે નેતા હોય તેની ટિકિટ કાપી નાખે છે તો રવીન્દ્રને ટિકિટ મળશે તો સ્થિતિ જ બદલાઈ જશે."
ભાટી જણાવે છે કે તેમના મનમાં સરદારપુરાથી ચૂંટણી લડવાની ખૂબ ઇચ્છા હતી પરંતુ ભાજપે ટિકિટ ન આપી. ભાજપના ઘણા નેતાઓ ભાટીને એક જ ક્ષેત્રમાં સીમિત રાખવાના પક્ષમાં હતા. પરંતુ તેમની આ નીતિએ ભાટી માટે સ્પ્રિંગબૉલનું કામ કર્યું.
ભાટી ધારાસભ્યા બન્યા તે પછી તેમણે પોતાનો બિનશરતી ટેકો ભાજપને આપી દીધો હતો.
હૅન્ડપંપનો મુદ્દો બની ગયો મોટો સવાલ

ઇમેજ સ્રોત, @RAVINDRABHATI__/X
પરંતુ જેવી લોકસભાની ચૂંટણીઓ નજીક આવી કે તરત જ બાડમેરની તૃષ્ણ રાજનીતિમાં હૅન્ડપંપનો મુદ્દો ઊઠ્યો. ભાજપના એક રાજ્યસ્તરના નેતા જણાવે છે કેસ "સત્તા અને સંગઠનના સ્તરે આ નાજુક મુદ્દાને સારી રીતે ઉકેલવાનો પ્રયત્ન ન થયો."
તેઓ જણાવે છે કે, "હૅન્ડપંપનો આ મુદ્દો જાણે કે ઊછળીને ભાજપના માથે પટકાયો અને હવે તેનું દર્દ વધારી રહ્યો છે."
આ જ વર્ષે 14 માર્ચના રોજ રાજ્યના સિંચાઈ વિભાગે બાડમેર જિલ્લામાં હૅન્ડપંપની મંજૂરી માટેનો એક પરિપત્ર જાહેર કર્યો હતો. તેમાં ભાટીના વિધાનસભા ક્ષેત્ર શિવ માટે 22 હૅન્ડપંપ મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ ભાટીની અનુશંસા તેમાંથી માત્ર બે જ હૅન્ડપંપ માટે દર્શાવવામાં આવી હતી. બાકીના હૅન્ડપંપ માટે સ્વરૂપસિંહ ખારાનું નામ હતું.
સંદેશ સ્પષ્ટ હતો કે તરસ્યા વિસ્તાર શિવ માટે ધારાસભ્ય ભાટી તો માત્ર બે જ હૅન્ડપંપ લગાવી રહ્યા છે જ્યારે તેમની સામે હારેલા ઉમેદવાર 20 હૅન્ડપંપ લગાવી રહ્યા છે. એ પણ સંદેશ ગયો કે ખારા તાકાતવર અને ભાટી નબળા નેતા છે.
રાજકીય સફરની શરૂઆતમાં જ થયેલો આ નિર્ણય ભાટી માટે એક નવું દર્દ લઈને આવ્યો હતો. તેનાથી તેમને પોતાનું રાજકીય સપનાઓનું ભાથું ખંડિત થતું દેખાયું. પરંતુ તેમની આંખો મીંચાઈ નહીં અને પલકારો મારીને તેમણે આને એક નવા પડકાર તરીકે લીધું.
‘રન ફૉર રેગિસ્તાન’ અને જનસંવાદ જેવી યાત્રાઓ
ભાટી આ પહેલાં ‘ગૌવંશ બચાવો અભિયાન’ના માધ્યમથી 20 હજાર ગાયોને બીમારીમાંથી મુક્ત કરવાનું કામ કરી ચૂક્યા છે. તેના કારણે તેમણે ગ્રામીણ વિસ્તારોમાં પણ જબરદસ્ત ઓળખ ઊભી કરી.
‘રન ફૉર રેગિસ્તાન’ અને ‘જનસંવાદ’ જેવી યાત્રાઓએ પણ તેમને છેવાડાના માનવી સુધી પહોંચવામાં મદદ કરી. તેમના સહયોગીની ભૂમિકા નિભાવનારા યુવાઓ જણાવે છે કે ભાટી જ્યારે પણ કોઈ અભિયાન શરૂ કરે છે ત્યારે જાણે કે તેમનું શરીર ઊંઘવાનું ભૂલી જાય છે. તેમના સપનાંઓ તેમના યુવા સાથીઓની આંખોમાં ચમકવા લાગે છે.
હાલની પરિસ્થિતિ દર્શાવે છે કે તેનાથી ભાજપની જ નહીં પરંતુ કૉંગ્રેસની પણ રાજકીય જમીન ખસી રહી છે અને અનેક નેતાઓ પણ તેનાથી ચકિત છે.
ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ભાટીની લોકપ્રિયતા શહેર અને ગામડાંઓની સાથેસાથે જાતિ અને ધર્મની સરહદો પણ ઓળંગી ગઈ છે. બાડમેરના છેવાડાના ગામોમાં પણ યુવાનો રાત જાગીને ભાટીની રીલ્સ બનાવે છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.
‘જાટ વિરુદ્ધ અન્ય’નું રાજકારણ

ઇમેજ સ્રોત, @RAVINDRABHATI__/X
આ વિસ્તારમાં છેલ્લા ત્રીસ-પાંત્રીસ વર્ષથી જાટ સાંસદોનું વર્ચસ્વ રહ્યું છે. રાજપૂતો હાંસિયામાં ધકેલાઈ ગયા છે. હકીકતમાં પહેલાં બાડમેર એ રાજપૂતોના વર્ચસ્વવાળો વિસ્તાર હતો. પરંતુ વર્ષ 2009માં પુન:સીમાંકન સમયે અહીંથી પોખરણ અને શેરગઢ જેવા રાજપૂતોના વર્ચસ્વવાળા વિસ્તારોને જોધપુરમાં ભેળવી દેવામાં આવ્યા.
એ વાત સ્પષ્ટ છે કે 26 એપ્રિલે થનારી બાડમેર-જેસલમેર લોકસભાની ચૂંટણીએ સૌને પોતાની પ્રતિષ્ઠાનો અહેસાસ કરાવી દીધો છે. અહીં રિફાઇનરીનું કામ થયું હતું તેમાં પણ વધુ ભાગીદીરી જાટ પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોની રહી. તેનું કોઈ સચોટ અધ્યયન થયું નથી. પરંતુ ચર્ચાઓના આધારે આ વિસ્તારમાં ‘જાટ વિરુદ્ધ અન્ય’નું ધ્રુવીકરણ જોર પકડી રહ્યું હતું. ભાટીને કારણે તેને એક અવાજ મળી ગયો.
ભાટીની આજુબાજુ એટલા યુવાનો ઊમટી પડ્યા છે કે તેનાથી કૉંગ્રેસ કરતાં ભાજપ પણ વધુ ભયભીત છે. કારણ કે રાજપૂત મતદારો ભાજપના પરંપરાગત મતદારો રહ્યા છે.
રાજનીતિવિજ્ઞાનના પ્રોફેસર સંજય લોઢા જણાવે છે કે, "યુવાનો સારા વિકલ્પની શોધમાં છે અને જ્યાં પણ તેમને એ વિકલ્પ દેખાય છે ત્યાં તેઓ ઊમટી પડે છે. પ્રદેશમાં થર્ડ સ્પેસને અવકાશ છે અને ભાટી પ્રત્યેનું આકર્ષણ પણ આ જ કારણે છે."
ભાટીને લઈને તેમના ટીકાકારોનું કહેવું છે કે તેઓ અતિશય મહત્ત્વાકાંક્ષી છે અને તેમનો કોઈ વૈચારિક આધાર નથી.
જે રીતે તેઓ અચાનક વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં ભળી ગયા અને પછી ટિકિટ ન મળવાને કારણે તેઓ અપક્ષ લડ્યા તેવું જ તેમણે વિદ્યાર્થી રાજકારણમાં કર્યું હતું.
ભાટી રાજપૂત સમાજમાંથી આવે છે જ્યારે તેમની સામેના બંને ઉમેદવારો જાટ છે. ચૂંટણી પહેલાં તેમના ભાજપપ્રવેશે તેમના મુસ્લિમ મતદાતાઓને ચોંકાવ્યા હતા.
એ જ રીતે તેમના ટીકાકારો એ પણ માને છે કે વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં ઘણો ફર્ક હોય છે. શિવ અતિશય નાનો વિસ્તાર છે જ્યારે બાડમેર અતિશય મોટો વિસ્તાર છે.
તેમના વિરોધીઓ એ વાતનો પ્રચાર કરી રહ્યા છે કે તેઓ જીતી પણ જશે તો અપક્ષ રહીને શું કરી શકશે?
મોદીની સભાની અસર

ઇમેજ સ્રોત, @NARENDRAMODI/X
ભાજપના રણનીતિકારોના આગ્રહથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં ગત અઠવાડિયે એક મોટી સભાને સંબોધિત કરી હતી.
એ સિવાય ભાજપ આ વિસ્તારના રાજપૂત અને મુસ્લિમ મતદાતાઓમાં સારી પકડ ધરાવતા માનવેન્દ્રસિંહને પણ કૉંગ્રેસમાં ખેંચી લાવવામાં સફળ થયો છે.
મુખ્ય મંત્રી ભજનલાલ શર્મા સહિત અનેક નેતાઓ બાડમેર-જેસલમેર વિસ્તારમાં પહેલેથી જ પ્રચાર કરી રહ્યા છે. હવે તો રક્ષામંત્રી રાજનાથસિંહ, સ્મૃતિ ઈરાની, અભિનેતા સની દેઓલ, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, પહેલવાન દિલીપસિંહ રાણા ઉર્ફે ખલી સહિત અનેક મોટા નેતાઓ અને પ્રસિદ્ધ હસ્તીઓને પ્રચારમાં સામેલ કરવાની તૈયારીઓ છે.
રાષ્ટ્રીય રાજકારણમાં બાડમેર
બાડમેર ભલે વિશાળ રણવિસ્તાર અને રેતીના ઢૂવાવાળો વિસ્તાર હોય પરંતુ તે રાજ્ય અને દેશના રાજકારણમાં કાયમ ચર્ચાતો રહ્યો છે.
1967 અને 1971ની ચૂંટણીમાં અહીંથી કૉંગ્રેસની ટિકિટ પર જીતેલા અમૃત નાહટાએ 1975માં બહુચર્ચિત ફિલ્મ ‘કિસ્સા કુર્સી કા’ બનાવી હતી જેના કારણે હોબાળો થઈ ગયો હતો. આપાતકાળના સમયમાં સેન્સર બૉર્ડથી લાવીને આ ફિલ્મની પ્રિન્ટ સળગાવી દેવામાં આવી હતી.
વર્ષ 1971ની ચૂંટણીમાં નાહટાએ રાજસ્થાનના બહુ મોટા નેતા ગણાતા ભૈરોસિંહ શેખાવતને 55573 મતોથી બાડમેર બેઠક પરથી હરાવ્યા હતા. નાહટા વૈશ્ય હતા અને શેખાવત રાજપૂત હતા. જાતીય વર્ચસ્વ હોવા છતાં પણ શેખાવતની હાર ચર્ચાનું કારણ બની હતી.
એવામાં સવાલ એ પણ છે કે શું રવીન્દ્રસિંહ ભાટી હવે નવી ચર્ચાઓને વિસ્તાર આપશે કે પછી સંસદ સુધી પહોંચવા માટે તેમણે હજુ પણ લાંબી મજલ કાપવી પડશે.












