ગુજરાત : રાજકીય પક્ષ NCPને ફંડ આપી ઇન્કમટૅક્સ બચાવવાના નામે લોકોને કેવી રીતે ઠગ્યા?

અજિત પવાર

ઇમેજ સ્રોત, Ajit Pawar/X

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. સાથે સાથે માર્ચ અને એપ્રિલના મહિના ગત નાણાકીય વર્ષ અથવા નવા શરૂ થયેલા નાણાકીય વર્ષમાં ઇન્કમટૅક્સ બચાવવા માટેના આયોજનો પણ સમયગાળો છે. ચૂંટણી અને ઇન્કમટૅક્સ બચાવવા માટેના સમયગાળાનો લાભ લઈને કેટલાક આરોપીઓએ સંખ્યાબંધ લોકોને ઠગી લીધા હોવાની ઘટના સામે આવી છે.

ચૂંટણી માટે પ્રચાર સહિતના વિવિધ ખર્ચને પહોંચી વળવા માટે હાલ રાજકીય પક્ષો ફંડ મેળવવાનું પણ આયોજન કરતા હોય છે. ત્યારે અમદાવાદની સાઇબર ક્રાઇમ બ્રાન્ચને અજિત પવારની નૅશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીના નામે કરમુક્તિ માટે માન્ય સર્ટિફિકેટ આપવાના બદલામાં સોશિયલ મીડિયા મારફતે ફંડ માગવાની ફરિયાદ મળી છે.

આ સમગ્ર કિસ્સામાં આવી રીતે આરોપીએ અનેક લોકો પાસેથી 25 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે બીજી એપ્રિલના રોજ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. 11 એપ્રિલે આ મામલે એક આરોપી, મોહમ્મદ આમીર શેખની ધરપકડ પણ કરાઈ છે.

પોલીસના જણાવ્યાનુસાર ઠગાઈની રકમમાં હજુ વધારો થઈ શકે છે, તેમજ પોલીસ સહિત ચૂંટણીપંચે પણ આ મામલાની નોંધ લઈ તપાસ શરૂ કરી છે.

કેવી રીતે આચરાતો ગુનો?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કેસના આરોપી દ્વારા ‘નૅચર સિરિયલ પૅકેજિંગ’ (એનસીપી) નામથી એક ખાનગી બૅન્કમાં ખાતું ખોલાવીને લોકો પાસેથી ઓનલાઇન પૈસા માગવામાં આવતા હતા.

પૈસા આપનાર લોકોને આવકવેરામાં કરકપાત માટે ઉપયોગી 80 (સી)નું સર્ટિફિકેટ આપવાનું પ્રલોભન પણ આપવામાં આવતું હતું.

નોંધનીય છે કે આવકવેરા કાયદાની કલમ 80(સી) અંતર્ગત દોઢ લાખની મર્યાદામાં વ્યક્તિ અને હિંદુ અવિભાજિત કુટુંબને આવકવેરામાં મુક્તિ આપવામાં આવે છે, એટલે કે એટલી રકમ સુધીની કરદાતાની આવક કરમુક્ત ગણવામાં આવે છે.

જોકે રાજકીય પક્ષોને આપવામાં આવતા ફંડની રકમને આવકવેરા કાયદાની કલમ 80(સી) હેઠળ નહીં પરંતુ આવકવેરા કાયદાની કલમ 80(જી) અને 80(જીજીસી) હેઠળ મળે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ હકીકતો પરથી જણાય છે કે આરોપીઓએ ચૂંટણી ફંડ આપીને ઇન્કમટૅક્સ બચાવવા ઇચ્છતા લોકોના અજ્ઞાનનો લાભ લીધો છે.

પોલીસના જણાવ્યા અનુસાર આમીરે વિવિધ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર જાહેરાતો મૂકી હતી. જેમાં જણાવાયું હતું કે દર્શાવેલ ખાતા પર દાન આપનારને વેરાપાત્ર આવકમાંથી ફંડમાં આપવામાં આવેલી રકમને કરમુક્તિનો લાભ મળશે.

પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી નાણાં આપનારને વિશ્વાસ બેસે એ હેતુથી નૅશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નામની 80(સી) અંતર્ગત લાભ અપાવવાનો દાવો કરતી ખોટી રિસિટ પણ અપાતી હતી.

આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ડીસીપી સાઇબર ક્રાઇમ, અજિત રાજીયાએ પોલીસને આ અંગેની માહિતી કેવી રીતે મળી એ વિશે જાણકારી આપી હતી.

તેમણે કહ્યું હતું કે, “આ લોકો વિશે પાર્ટીના કાર્યકર્તાઓને જાણ થઈ અને તેમણે અમને ફરિયાદ આપી હતી. અમે બૅન્કની વિગતો આધારે તેની ધરપકડ કરી છે. હજી તપાસ ચાલુ છે.”

ડીસીપી રાજીયાએ આ વિશે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, “જો બીજા લોકોની સંડોવણી વિશે ખબર પડશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. હાલ આમીરે આ રીતે આશરે 25 લાખ રૂપિયા જેટલી રકમ ઉઘરાવી લીધી છે.”

પોલીસે માહિતી આપી હતી કે ચૂંટણી સમયે સાઇબર ક્રાઇમની ટીમ આ પ્રકારની ડોનેશનની અપીલો પર ધ્યાન આપી રહી છે.

ડીસીપી રાજીયા આ પ્રકારની છેતરપિંડીથી બચવા લોકોને સલાહ આપતાં કહે છે કે, “હજી સુધી આ પ્રકારનો ગુનો કરતી કોઈ બીજી ટોળકી અમારા ધ્યાને આવી નથી, પરંતુ દાન કરતા લોકોએ તમામ વિગતો તપાસીને જ પૈસા ટ્રાન્સફર કરવા.”

બીબીસી ગુજરાતીએ દિલ્હીસ્થિત ડેપ્યુટી ચૂંટણી કમિશનર અજય ભાદૂ સાથે પણ આ વિશે વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે સામાન્ય રીતે દાન સ્વીકારનાર દરેક પૉલિટિકલ પાર્ટીનાં બૅન્ક ખાતાંની વિગતો ભારતના ચૂંટણીપંચમાં નોંધાયેલી હોય છે અને તે પાર્ટી એ ખાતામાં જ દાન સ્વીકારી શકે છે.

આ કેસ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, “અમે આ વિશે પોલીસ સાથે ચર્ચા કરીને વધુ વિગત જાણીને આગળ વધીશું.”

એનસીપી શું કહે છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

એનસીપી (અજિત પવાર)ના ગુજરાત પ્રદેશપ્રમુખ જયંત પટેલ (બોસ્કી)એ બીબીસી ગુજરાતી સાથે આ મામલા અંગે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, “અમારા કાર્યકર્તાઓને એનસીપીના નામે થતી આ ફંડ અપીલ વિશે જાણ થઈ હતી. આ અંગે મારા પર અમુક લોકોના ફોન પણ આવ્યા હતા. લોકો ફોન કરીને 80(સી)ના સર્ટિફિકેટ આપવાની માંગણી કરી રહ્યા હતા. ત્યાર બાદ અમે તપાસ કરી તો આ છેતરપિંડી વિશે જાણવા મળ્યું.”

એનસીપીન ગુજરાતના ખજાનચી હેમાંગ શાહે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

તેમણે આ વિશે વાત કરતાં કહ્યું હતું કે, “અમે ક્યારેય આ પ્રકારે ફંડ સ્વીકારતા નથી. એનસીપી એક રાષ્ટ્રીય પક્ષ છે અને હાલમાં અમે કેન્દ્રની ભાજપ સરકાર સાથે ગઠબંધનમાં છીએ. તેમની સાથે અમે મહારાષ્ટ્રમાં પણ સત્તા પર છીએ. આવી સ્થિતિમાં આ પ્રકારની છેતરપિંડીને કારણે પક્ષ બદનામ થાય છે. અમને આ વાતની જાણ થતાં અમે તરત જ ફરિયાદ નોંધાવી છે.”

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત)