લાલુ યાદવે કહ્યું- 'હું ભવિષ્યવાણી કરું છું કે મોદી ફરીવાર સત્તામાં નહીં આવે'

લાલુપ્રસાદ યાદવ
    • લેેખક, રુપા ઝા
    • પદ, ઇન્ડિયા હેડ, બીબીસી ન્યૂઝ

રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્ય મંત્રી લાલુપ્રસાદ યાદવે કહ્યું છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન જ જીતશે.

બીબીસી સાથેની વિશેષ વાતચીતમાં તેમણે કહ્યું હતું કે લોકોને એવું લાગતું હતું કે ‘ઇન્ડિયા’ ગઠબંધન વિખેરાઈ ગયું છે પરંતુ ફરીથી આ ગઠબંધન તેના સ્વરૂપમાં પાછું ફરી રહ્યું છે.

તેમણે ભાજપની જીત વિશે કરવામાં આવી રહેલા દાવાઓને નકારતાં કહ્યું હતું કે મીડિયા તો બિલકુલ ડરપોક છે.

લાલુપ્રસાદ યાદવે કહ્યું, "સમગ્ર મીડિયા વેચાયેલું છે. મોદી-મોદી માત્ર તેમના મનમાં છે પરંતુ આ વખતે મોદી નહીં આવે. હું ભવિષ્યવાણી કરું છું કે મોદી નહીં આવે, ‘ઇન્ડિયા’ ગઠબંધન જ જીતશે."

લાલુપ્રસાદ યાદવ

ઇમેજ સ્રોત, Getty Images

તાજેતરમાં ‘ઇન્ડિયા’ ગઠબંધનને લઈને ઘણા સવાલો ઊઠી રહ્યા છે કારણ કે આ ગઠબંધનના ઘણા સાથીઓ તેમાંથી નીકળી ગયા છે.

છોડી જનારા લોકોમાં સૌથી મહત્ત્વનું નામ બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારનું છે. એક સમયે નીતીશ કુમાર ‘ઇન્ડિયા’ ગઠબંધનનો અગત્યનો સ્તંભ માનવામાં આવતા હતા. પરંતુ હાલમાં જ તેમણે મહાગઠબંધનમાંથી અલગ થઈને ભાજપ સાથે સરકાર બનાવી છે.

એ સિવાય ઉત્તર પ્રદેશમાં જયંત ચૌધરીની પાર્ટી રાષ્ટ્રીય લોકદળ પણ એનડીએમાં સામેલ થઈ દઈ છે.

એક સમયે વિપક્ષના રાજકારણનો મોટો ચહેરો મનાતા લાલુપ્રસાદ યાદવ તેમની બીમારીને કારણે એટલા સક્રિય દેખાતા નથી.

તેમના પુત્ર અને બિહારના પૂર્વ ઉપ મુખ્ય મંત્રી તેજસ્વી યાદવે કમાન સંભાળીને રાખી છે.

પરંતુ બીબીસી સાથે વાતચીતમાં લાલુપ્રસાદ યાદવે તેમની વાતો ખૂલીને રજૂ કરી હતી અને ‘ઇન્ડિયા’ ગઠબંધનનો પક્ષ સામે રાખ્યો હતો.

તેમણે કહ્યું, "બધા લોકો એકઠાં થઈ રહ્યા છે. જે લોકો નીકળી ગયા તે નીકળી ગયા. દેખાવમાં એવું લાગે કે તેઓ છૂટા પડી ગયા. પરંતુ જનતા નીકળી નથી ગઈ, લોકો નથી નીકળી ગયા."

લાલુપ્રસાદ યાદવ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તૃણમૂલ કૉંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ પણ ‘ઇન્ડિયા’ ગઠબંધનને બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

પરંતુ છેલ્લા કેટલાક દિવસ પહેલાં તેમણે એ જાહેરાત પણ કરી હતી કે તેઓ બંગાળમાં એકલા ચૂંટણી લડશે. તેમણે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં પણ સામેલ થવાનો ઇનકાર કરી દીધો હતો.

કૉંગ્રેસની બંગાળની કમિટીએ પણ મમતા બેનરજી અંગે આક્રમક વલણ અપનાવેલું છે. સંદેશખાલીની ઘટનાને લઈને કૉંગ્રેસના અનેક પ્રાદેશિક નેતાઓએ મમતા બેનરજી સામે મોરચો માંડેલો છે.

એક સમયે વિપક્ષી ગઠબંધનના સૂત્રધાર રહેલા મમતા બેનરજીની એકલા ચૂંટણી લડવાની જાહેરાતને કારણે શું અસર પડશે?

તેના જવાબમાં લાલુપ્રસાદ યાદવે દાવો કર્યો હતો કે મમતા બેનરજી ‘ઇન્ડિયા’ ગઠબંધનમાંથી બહાર નહીં જાય અને તેઓ અમારી સાથે જ રહેશે.

એક સમયે એવું લાગી રહ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં પણ કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી નહીં થઈ શકે.

પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર પ્રદેશમાં આ સમજૂતી થઈ ગઈ હતી અને ‘ઇન્ડિયા’ ગઠબંધનને સફળતા મળી હતી.

ત્યારબાદ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે પણ દિલ્હી અને ગુજરાતમાં સમજૂતી થઈ ગઈ.

રાહુલ ગાંધીને શું સલાહ આપી?

લાલુપ્રસાદ યાદવ

ઇમેજ સ્રોત, Getty Images

લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે જ્યારે રાહુલ ગાંધીની ન્યાયયાત્રાની ટીકા થઈ રહી છે એ અંગે લાલુપ્રસાદ યાદવને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે એ રાહુલ ગાંધીની નબળાઈ નથી.

લાલુપ્રસાદ યાદવે કહ્યું, "તેમની કોઈ નબળાઈ નથી. બેઠા રહેવાથી કામ ન થઈ શકે. જનજાગરણ કરવું પડે છે. લોકોને હંમેશાં જાગૃત કરતા રહેવા પડે છે."

તેમણે એ વાતને નકારી કાઢી હતી કે રાહુલ ગાંધી સૌને સાથે લઈને નથી ચાલી રહ્યા.

જોકે, લાલુપ્રસાદ યાદવે રાહુલ ગાંધીને એ સલાહ જરૂર આપી હતી કે તેમણે ફરવાનું છોડી દઇને લોકોને એકજૂથ કરવાનું કામ કરવું જોઈએ.

તેમણે રાહુલ ગાંધીને સલાહ આપતા કહ્યું કે, "હવે સમય નથી. બેઠકોને વહેંચણી કરીને તૈયારી કરો."

લાલુપ્રસાદ યાદવે ઇન્ટરવ્યૂ દરમિયાન નલિન વર્મા સાથે મળીને લખેલું પુસ્તક ‘ગોપાલગંજ ટુ રાયસીના’ પર પણ ચર્ચા કરી હતી.

તેમણે પોતાની રાજકીય યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે કર્પૂરી ઠાકુર, લોહિયાજી અને જગદેવ પ્રસાદ તેમના આદર્શ રહ્યા છે.

જગદેવ પ્રસાદ અંગે તેમણે કહ્યું કે, "શોષિતો માટે તેમણે કુરબાની આપી દીધી હતી."

લાલુપ્રસાદ યાદવે જણાવ્યું કે કઈ રીતે જગદેવ પ્રસાદને ગરીબોના સમર્થનમાં ભાષણ આપવા બદલ ગોળી મારી દેવામાં આવી હતી.

તેમણે કહ્યું કે આ બધા આપણા આદર્શ લોકો છે.

અડવાણીની રથયાત્રાને કેમ રોકી હતી?

લાલુપ્રસાદ યાદવ

ઇમેજ સ્રોત, Getty Images

લાલુપ્રસાદ યાદવે તેમના પુસ્તકમાં ભાજપના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ ઉપવડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા અને બિહારમાં તેને રોકવા અંગે વિસ્તારથી ચર્ચા કરી છે.

આ ઘટના 1990ની છે જ્યારે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી રથયાત્રા લઈને નીકળ્યા હતા પરંતુ બિહારમાં તેમની રથયાત્રા રોકી દેવામાં આવી હતી.

તે સમયે લાલુપ્રસાદ યાદવ બિહારના મુખ્ય મંત્રી હતા. લાલુપ્રસાદ યાદવના જીવનનો આ મોટો નિર્ણય ગણવામાં આવે છે.

લાલુપ્રસાદ યાદવ આ ઘટનાને યાદ કરતા કહે છે, "બિહારના મુખ્ય મંત્રી હોવાને નાતે આ મારી ફરજ હતી. બિહાર અને દેશને સારો સંદેશ આપવો, બિનસાંપ્રદાયિક સંદેશ આપવો એ મારી ફરજ હતી. રમખાણો હુલ્લડોને સાંખી નહીં લેવા એ મારો નિશ્ચય હતો."

"સત્તા રહે કે જાય પરંતુ કોઈપણ વ્યક્તિ આપણા આ બંધારણ અને તેના આમુખને નુકસાન પહોંચાડે તો તેને સાંખી નહીં લેવામાં આવે."

તેમણે જણાવ્યું હતું કે તેઓ અડવાણીને સમજાવવા માટે દિલ્હી સુધી ગયા હતા અને તેમને કહ્યું હતું કે આ બધું બંધ કરવામાં આવે.

લાલુપ્રસાદ યાદવ કહે છે, "એમણે રોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે કોણ માઇનો લાલ છે જે અમારા રથને રોકશે."

"મેં કહ્યું, હું નથી જાણતો કે તમે તમારા માતાનું દૂધ પીધું છે કે નહીં કે પછી પાઉડર ચાટ્યો છે. મેં ભેંસનું દૂધ પીધું છે અને હું તમને છોડીશ નહીં. અમે સમસ્તીપુરમાં તેમની ધરપકડ કરી હતી."

"સમગ્ર દેશમાં હલચલ મચી ગઈ હતી કે અડવાણીની ધરપકડ થઈ ગઈ છે. આ તરફ અમે તેમની ધરપકડ કરી અને બીજી તરફ વીપી સિંહની સરકાર ગઈ."

"ભાજપે સમર્થન પાછું ખેંચી લીધું. સરકારને અમે ગુમાવી. બાબરી મસ્જિદને બચાવવા માટે આ અમારો પ્રયાસ હતો."

શું આમ કરવાનું એ સમયે તમને વીપી સિંહે કહ્યું હતું?

આ સવાલના જવાબમાં તેઓ કહે છે કે તેમને કોઈ નેતા કે વ્યક્તિએ કશું જ કહ્યું ન હતું અને તેમણે ખુદ નિર્ણય લઈને અડવાણીની ધરપકડ કરી હતી.

લાલુપ્રસાદ યાદવે પોતાના પુસ્તકમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે તત્કાલીન ગૃહ મંત્રી મુફ્તી મોહમ્મદ સઈદે તેમને આમ કરવાની મનાઈ કરી હતી. પરંતુ લાલુપ્રસાદ યાદવે તેમને કહ્યું હતું કે તમને બધાને સત્તાનો નશો ચડી ગયો છે.

લાલુપ્રસાદ યાદવે એકવાર કહ્યું હતું કે લાલકૃષ્ણ અડવાણી ક્યારેય વડા પ્રધાન બની શકશે નહીં.

જોકે, હવે તેઓ કહે છે કે અડવાણીજીએ પહેલાં બનવું જોઈતું હતું પરંતુ મોદી બની ગયા.

અડવાણીને ભારત રત્ન મળવા અંગે લાલુપ્રસાદ યાદવે કહ્યું કે તેમણે અડવાણીને અભિનંદન પાઠવ્યા છે.

‘સાંપ્રદાયિક શક્તિઓ સાથે સમાધાન નહીં’

લાલુપ્રસાદ યાદવ

ઇમેજ સ્રોત, Getty Images

લાલુપ્રસાદ યાદવ વિશે એવું કહેવાય છે કે તેમણે તેમની રાજકીય કારકિર્દી દરમિયાન ક્યારેય સાંપ્રદાયિક શક્તિઓ સાથે સમજૂતી નથી કરી.

ઘણીવાર તેમના સાથી રહેલા અનેક રાજનેતાઓ અને પક્ષો બીજી તરફ જતા રહ્યા.

બિહારના જ નીતિશ કુમાર લાંબા સમય સુધી ભાજપની સાથે રહ્યા અને પછી રાષ્ટ્રીય જનતા દળ સાથે મહાગઠબંધનમાં પણ રહ્યા અને સરકાર પણ બનાવી.

પરંતુ ફરી એકવાર તેઓ ભાજપ સાથે ગયા છે. એ સિવાય બિહારમાં જ તેમના સાથી રહેલા જ્યૉર્જ ફર્નાન્ડિઝ, શરદ યાદવ અને રામવિલાસ પાસવાને પણ સમયે-સમયે ભાજપ સાથે સમજૂતી કરી લીધી, પણ લાલુપ્રસાદ યાદવ ક્યારેય ભાજપ સાથે ન ગયા.

આ મામલે લાલુપ્રસાદ યાદવ કહે છે, "ક્યારેય પણ હું સાંપ્રદાયિક તાકાતો સામે ઝૂક્યો નથી અને તેમની સાથે ઊભો રહ્યો નથી. અમે હંમેશા તેમને નેસ્તનાબૂદ કઈ રીતે કરી શકાય તે અંગે વિચારતા રહીએ છીએ."

શું તેજસ્વી યાદવ ક્યારેય આ મુદ્દે સમાધાન કરી લેશે?

આ સવાલના જવાબમાં લાલુપ્રસાદ યાદવ કહે છે, “તેજસ્વી ક્યારેય પણ સાંપ્રદાયિક તાકાતો સાથે સમજૂતી નહીં કરે.”

તેમ છતાં નીતિશકુમાર સાથે વારંવાર સમાધાન કરવા બદલ લાલુયાદવ સામે હંમેશા સવાલો ઉભા થાય છે.

પરંતુ લાલુપ્રસાદ યાદવ કહે છે, "અમે નીતીશજી સાથે વારંવાર નથી જતા. તેઓ વારંવાર અમારી પાસે આવે છે."

મહાગઠબંધનમાં નીતીશકુમારના પુનરાગમન અંગે લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે તેઓ ફરીથી ક્યાંથી આવશે.

બીબીસી સાથેની વાતચીતમાં લાલુપ્રસાદ યાદવે કહ્યું કે, "જ્યારે તેઓ રાજકારણી તરીકે પાછળ જુએ છે ત્યારે તેમને આશ્ચર્ય થાય છે કે આવા પરિવારમાં જન્મ લઈને અને પછી ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને તેઓ આટલી ઊંચાઈએ પહોંચ્યા."

ઇતિહાસ તેમને કેવી રીતે યાદ રાખશે?

આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, "સામાજિક ન્યાય, ગરીબોને અવાજ આપનાર, તાકાત અને હિંમત આપનાર વ્યક્તિ તરીકે. મેં ગરીબોને ઘણી તાકાત અને શક્તિ આપી. તેના માટે મારે જેલમાં જવું પડ્યું. અનેક પ્રકારની યાતનાઓ સહન કરવી પડી. લોકો યાદ કરશે."

લાલુપ્રસાદ યાદવ મીડિયાને લઈને ગુસ્સામાં જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ મીડિયા વિશે શું બોલે, મીડિયા તો એમ કહેતું હતું કે તેઓ મિમિક્રી કરે છે.

લાલુપ્રસાદ યાદવે સોનિયા ગાંધીને પોતાનાં પ્રિય રાજનેતા ગણાવ્યાં હતાં. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી ખૂબ જ આવડતવાળાં નેતા છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવનું ભવિષ્ય ઉજ્જવળ છે.