ગુજરાતની એ પાંચ બેઠકો જ્યાં ભાજપને મળી રહી છે જબરદસ્ત ટક્કર

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
લોકસભા ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મેના રોજ થવાનું છે. આ તબક્કામાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન થશે.
ગુજરાતમાં 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં સતત બે વાર ભાજપને તમામ 26માંથી 26 બેઠકો પર વિજય મળ્યો હતો.
આ લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી ‘ઇન્ડિયા’ ગઠબંધન હેઠળ લડી રહ્યા છે. ગુજરાતમાં કૉંગ્રેસ 23 બેઠકો જ્યારે આમ આદમી પાર્ટી બે બેઠકો – ભરૂચ અને ભાવનગરમાં ચૂંટણી લડી રહી છે.
ભાજપે આ વખતે તમામ બેઠકો પાંચ લાખની સરસાઈ સાથે જીતવાનું લક્ષ્ય રાખ્યું છે અને પક્ષના ટોચના નેતાઓ વારંવાર આવો દાવો કરી રહ્યા છે. તો બીજી તરફ વિપક્ષી ગઠબંધનને એવો વિશ્વાસ છે કે રાજ્યમાં ચાલી રહેલા ક્ષત્રિય આંદોલન અને અન્ય સ્થાનિક મુદ્દાઓનો તેમને ફાયદો મળશે.
રાજ્યમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો સાથે પ્રચંડ વિજય મેળવ્યા બાદ ભાજપની સ્થિતિ રાજ્યમાં ‘અતિશય મજબૂત’ મનાય છે. સુરત લોકસભા બેઠક પર ભાજપનો ચૂંટણી પહેલાં જ નિર્વિરોધ વિજય થયો છે. પરંતુ રાજ્યની કેટલીક બેઠકો એવી છે જ્યાં ભાજપ અને વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયા’ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે.
ભરૂચ : ચૈતર વસાવાને કારણે રસપ્રદ બન્યો જંગ

લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ એ પહેલાંથી જ ભરૂચ લોકસભાની બેઠક સતત ચર્ચામાં રહી છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની કથિતપણે વનવિભાગના કર્મચારીઓને ધમકાવવાના મામલામાં ધરપકડ થઈ હતી.
ચૈતર વસાવા જે સમયે જેલમાં હતા ત્યારે જ અરવિંદ કેજરીવાલે ડેડિયાપાડા નજીક નેત્રંગમાં સભા સંબોધીને તેમને ભરૂચ લોકસભા બેઠકથી ઉમેદવાર જાહેર કરી દીધા હતા.
ચૈતર વસાવા 2014થી ભારત ટ્રાઇબલ પાર્ટી (બીટીપી) ના સદસ્ય હતા. 2022ની ચૂંટણી પહેલાં તેઓ બીટીપી છોડીને આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા. આમ આદમી પાર્ટીએ તેમની લોકપ્રિયતા જોઈને ડેડિયાપાડાથી ટિકિટ આપી હતી અને તેઓ 56 ટકા મત મેળવીને ભારે સરસાઈથી જીત્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો બીજી તરફ ભાજપે આ બેઠક પરથી તેમના છ વારના સાંસદ મનસુખ વસાવાને ફરીવાર ટિકિટ આપી છે. 2019ની ચૂંટણીમાં ભાજપના મનસુખ વસાવા અહીંથી 3.34 લાખ મતોથી વિજયી બન્યા હતા.
ભરૂચ લોકસભા બેઠક પરથી કૉંગ્રેસના અહેમદ પટેલ ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. પરંતુ 1984થી સતત આ બેઠક પર ભાજપનો કબજો રહ્યો છે. અહેમદ પટેલના પુત્ર અને પુત્રી બંને અહીંથી કૉંગ્રેસ તરફથી ચૂંટણી લડવા માંગતાં હતાં. તેમણે શરૂઆતમાં આ બેઠક આમ આદમી પાર્ટીને આપી દેવાનો વિરોધ કર્યો હતો.

ઇમેજ સ્રોત, AAMAADMIPARTYGUJARAT/FB
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભરૂચ બેઠક ગુજરાતની એક અનોખી બેઠક છે જેમાં આદિવાસી અને મુસ્લિમ મતદારો બહુમતીમાં છે.
ભરૂચ લોકસભામાં સાત વિધાનસભા બેઠકો છે જેમાં ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ, અંકલેશ્વર અને કરજણ વિધાનસભાઓ આવેલી છે. વિધાનસભા ચૂંટણીમાં ડેડિયાપાડા સિવાય તમામ બેઠકો ભાજપે જીતી હતી.
રાજકીય વિશ્લેષક વિદ્યુત જોષી પ્રમાણે, “ભરૂચનો પૂર્વી ખૂણો આદિવાસી મતદારોથી, તો પશ્ચિમી ખૂણો મોલેસલાન ગરાસિયા સમુદાયોથી ભરેલો છે અને આ બન્ને મતદારો એક સમયે કૉંગ્રેસના મતદારો હતા. જે દિવસે ભાજપનો સારો પર્યાય મળે તે દિવસે આ બન્ને પ્રકારના મતદારો ફરી શકે તેવી શક્યતા છે.”
આમ આદમી પાર્ટીને આદિવાસી તથા મુસ્લિમ મતોના કૉમ્બિનેશનને કારણે આ બેઠક પર જીતની આશા છે. 36 વર્ષીય ચૈતર વસાવા આદિવાસી સમાજમાં અતિશય લોકપ્રિય મનાય છે.
જોકે, રાજકીય વિશ્લેષકોના મતે તેમની જીતનો આધાર મુસ્લિમ મતો અને કૉંગ્રેસના નેતાઓના સમર્થન પર રહેલો છે. ડેડિયાપાડા સિવાયની વિધાનસભાઓમાં તેમને કેટલું જનસમર્થન મળે છે તેના પર પણ તેમની જીત નક્કી થશે. કૉંગ્રેસના નારાજ નેતાઓને ચૈતર વસાવાએ મનાવી લીધા હોવાનો દાવો પણ આમ આદમી પાર્ટી કરી રહી છે.
આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ, સુનીતા કેજરીવાલ અને ભગવંત માન પણ તેમના માટે ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે.
ભાજપના સાંસદ મનસુખ વસાવાની છબી પણ લડાયક રહી છે. તેઓ વારંવાર સરકારી અધિકારીઓને ધમકાવતાં જોવા મળે છે. મનસુખ વસાવાને આશા છે કે કેન્દ્ર સરકારની યોજનાઓનો ફાયદો પણ તેમને મળશે.
રાજકીય વિશ્લેષકોના મતે ભરૂચ અને અંકલેશ્વરના શહેરી મતદારોમાં ભાજપનું હજુ પણ પ્રભુત્ત્વ છે. એ સિવાય આદિવાસી મતદારોને ચૈતર વસાવા તરફ જતાં મનસુખ વસાવા કેટલા પ્રમાણમાં રોકી શકે છે તેના પર ભાજપની જીતનો આધાર છે.
બનાસકાંઠા: કૉંગ્રેસના ગેનીબહેન ઠાકોરે સૌનું ધ્યાન ખેંચ્યું

બનાસકાંઠાની વાવ વિધાનસભાથી કૉંગ્રેસનાં ધારાસભ્ય અને ‘ફાયરબ્રાન્ડ’ મહિલા નેતા ગેનીબહેન ઠાકોર છેલ્લા કેટલાક દિવસોમાં તેમના પ્રચારથી સ્થાનિક સ્તરે એવી છાપ ઉભી કરવામાં સફળ રહ્યાં છે કે જાણે તેઓ એકલે હાથે ગુજરાતમાં ભાજપને ટક્કર આપી રહ્યાં છે.
બનાસકાંઠાથી કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોર ‘જાયન્ટ કિલર’ મનાય છે. 2017માં ગેનીબહેન ઠાકોરે વાવ બેઠક પરથી ભાજપના ‘મોટા નેતા’ અને તત્કાલીન રાજ્યકક્ષાના મંત્રી શંકર ચૌધરીને હરાવ્યા હતા.
2022માં ભાજપના ઝંઝાવાતમાં પણ તેઓ સતત બીજીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં અને તેમની સરસાઈ પણ વધારી હતી. તેમની સામે ભાજપે રાજકારણમાં નવાં ગણાતાં ડૉ. રેખાબહેન ચૌધરીને ટિકિટ આપી છે. તેઓ વ્યવસાયે પ્રોફેસર છે અને બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈનાં પૌત્રી છે.
બનાસકાંઠા લોકસભા હેઠળ પણ સાત વિધાનસભાઓ આવે છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં વાવ અને દાંતા બેઠકો કૉંગ્રેસને ફાળે ગઈ હતી. જ્યારે થરાદ, પાલનપુર, ડીસા અને દિયોદર બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. જ્યારે ધાનેરાની બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજયી બન્યા હતા.
બનાસકાંઠા લોકસભા બેઠક પર સૌથી વધુ સંખ્યામાં મતદારો ઠાકોર સમુદાય અને ચૌધરી (આંજણા પટેલ) સમુદાયના છે. ગેનીબહેન ઠાકોર સમુદાયનાં જ્યારે રેખાબહેન ચૌધરી સમુદાયનાં હોવાથી આ બેઠકો પર જાતિગત સમીકરણો પ્રભાવી છે. આથી વિશ્લેષકોના મતે બંને સમાજના મત એકતરફા પડે તો અન્ય સમુદાયો અહીં વિજેતા નક્કી કરી શકે છે.
છેલ્લે બનાસકાંઠાની બેઠક પર કૉંગ્રેસે 2009માં જીતી હતી. ગત ચૂંટણીમાં ભાજપનો અહીંથી 3.68 લાખ મતે વિજય થયો હતો.

ઇમેજ સ્રોત, GENIBEN THAKOR/FB
ઉત્તર ગુજરાતના રાજકારણના જાણકાર અને પત્રકાર ફકીર મોહમ્મદ કહે છે કે, “ગેનીબહેન ઠાકોર કર્મઠ અને ઝઝૂમનારાં નેતા છે. અનેક પ્રલોભનો છતાં પણ તેમણે ક્યારેય કૉંગ્રેસ સાથે છેડો ફાડવાનું વિચાર્યું નથી. તેઓ દરરોજ અચૂકપણે પોતાના મતવિસ્તારમાં સેંકડો કિલોમીટર સુધી પ્રવાસ કરનાર ધારાસભ્ય છે. તેઓ સતત લોકસંપર્કથી અતિશય લોકપ્રિય બન્યાં છે.”
ગેનીબહેન ઠાકોર અનુસાર તેમને ચૂંટણીપ્રચાર માટે ગાડીમાં પેટ્રોલ પુરાવવાના પૈસા પણ આપવા પડતા નથી અને લોકો જ તેમનો ચૂંટણીપ્રચારનો ખર્ચ ઉઠાવી રહ્યા છે.
રાજકીય વિશ્લેષકોના મતે કૉંગ્રેસની જીતનો આધાર અહીં સંપૂર્ણપણે ગેનીબહેનની લોકપ્રિયતા પર ટક્યો છે. જ્યારે ભાજપની જીતનો આધાર નરેન્દ્ર મોદી પર રહેશે કારણે કે તેમના ઉમેદવાર નવા છે.
વરિષ્ઠ પત્રકાર ડૉ. હરિ દેસાઈ કહે કહે છે, “ભાજપનાં ઉમેદવાર રેખાબહેન ચૌધરીને ફાયદો કરાવી શકે તેવાં પરિબળો ‘આર્થિક સાધનો’ અને ‘ડેરીનું નેટવર્ક’ છે. આ બાબતો ભાજપના પક્ષે છે.”
અહીં ઉલ્લેખનીય છે કે બનાસ ડેરી રાજ્યની મોટી ડેરીઓમાંથી એક ગણાય છે અને બનાસકાંઠામાં 3000થી વધુ દૂધમંડળીઓ છે. આ ડેરીના ચૅરમૅન પણ ભાજપના નેતા છે. ડેરી સાથે હજારો પરિવારો જોડાયેલા હોવાથી કૉંગ્રેસ સતત આક્ષેપ કરે છે કે ભાજપ બનાસકાંઠામાં ચૂંટણી જીતવા માટે ‘સરકારી અને સહકારી’ મશીનરીનો ઉપયોગ કરી રહી છે.
બનાસકાંઠામાં ભાજપ તરફથી નરેન્દ્ર મોદી તો કૉંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી અને બંને સભાઓ સંબોધી ચૂક્યાં છે તે દર્શાવે છે કે આ બેઠક પર કેટલી જબરદસ્ત લડાઈ છે.
રાજકોટ: ક્ષત્રિય આંદોલનને કારણે પરશોત્તમ રૂપાલા મુશ્કેલીમાં

ગુજરાતની રાજકોટ લોકસભા બેઠક અંગે આજથી ત્રણ મહિના અગાઉ કોઈ પૂછે કે પરિણામ શું હશે તો સૌ કોઈ એ વાત નિશ્ચિત માનતા હતા કે આ બેઠક પર ભાજપનો મોટો વિજય થશે.
જોકે, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના એક નિવેદને માત્ર રાજકોટ જ નહીં પરંતુ ગુજરાતની છથી આઠ બેઠકોના ચૂંટણીજંગનું ચિત્ર બદલી નાખ્યું હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. રૂપાલાના એક નિવેદનને કારણે ગુજરાતનો ક્ષત્રિય-રાજપૂત સમાજ રોષે ભરાયો અને તેમણે પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી.
ટિકિટ રદ ન થતાં ક્ષત્રિયોએ રાજકોટના રતનપરમાં મહાસંમેલન યોજીને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવાનું આહ્વાન કર્યું હતું. રાજકોટ સિવાય બારડોલી, આણંદ, જામનગર વગેરે જગ્યાએ હજારોની સંખ્યામાં ક્ષત્રિયોએ એકઠા થઈને ભાજપનો વિરોધ કર્યો છે.
રૂપાલાના રાજકોટમાં થઈ રહેલા વિરોધને કારણે કૉંગ્રેસે આમાં તક જોઈ હતી. પહેલાં ચૂંટણી લડવાનો ઇનકાર કરી ચૂકેલા કૉંગ્રેસના મોટા નેતા પરેશ ધાનાણીએ રૂપાલા સામે ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું છે.
રૂપાલા અને ધાનાણીનો જંગ એટલે પણ રસપ્રદ બન્યો છે કે બંને નેતાઓ ભૂતકાળમાં ચૂંટણીમાં સામસામે લડી ચૂક્યા છે. વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણીમાં 26 વર્ષીય પરેશ ધાનાણીએ પરશોત્તમ રૂપાલાને પોતાની પહેલી ચૂંટણીમાં જ હરાવીને ઇતિહાસ રચ્યો હતો.
રૂપાલા વર્ષ 2016થી કેન્દ્રીય મંત્રીમંડળમાં છે અને અત્યાર સુધી તેઓ રાજ્યસભાના સાંસદ રહ્યા છે. કાઠિયાવાડી લહેકામાં તેમનાં ભાષણોને કારણે તેઓ જાણીતા છે. તેઓ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખથી લઈને ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે.
જ્યારે પરેશ ધાનાણી ત્રણ વખત ચૂંટાયેલા ધારાસભ્ય છે. ગુજરાત વિધાનસભામાં તેઓ વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.

ઇમેજ સ્રોત, UGC
રાજકોટ લોકસભા વિસ્તારમાં કુલ સાત વિધાનસભા બેઠક આવે છે. રાજકોટ ઈસ્ટ, રાજકોટ વેસ્ટ અને રાજકોટ સાઉથ આ ત્રણ બેઠકમાં રાજકોટનો મોટા ભાગનો શહેરી વિસ્તાર આવી જાય છે. જ્યારે રાજકોટ રૂરલ, ટંકારા, વાંકાનેર અને જસદણ ગ્રામીણ વિસ્તારો છે. 2022માં આ સાતેય બેઠકો પર ભાજપને જીત મળી હતી.
રાજકોટ લોકસભામાં 1989થી સતત ભાજપ જીતતો આવ્યો છે પરંતુ 2009માં કૉંગ્રેસ અહીં જીતી હતી. 2019માં પણ અહીંથી ભાજપનો 3.68 લાખ મતે વિજય થયો હતો.
રાજકોટ બેઠક પર સૌથી વધારે પાટીદાર મતદારો છે અને ત્યારબાદ કોળી સમુદાયનું પ્રભુત્ત્વ પણ છે. આ ચૂંટણીજંગને રસપ્રદ બનાવનાર પાસું એ છે કે પાટીદારોના જ બે ફાંટા કડવા પાટીદાર અને લેઉવા પાટીદાર વચ્ચે અહીં જંગ છે. રૂપાલા કડવા પટેલ સમાજમાંથી આવે છે જ્યારે ધાનાણી લેઉવા પટેલ સમાજના છે. બંને ઉમેદવારો મૂળ અમરેલીના છે.
પરશોત્તમ રૂપાલા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ સહિત ભાજપના અનેક ટોચના નેતાઓએ ક્ષત્રિય સમાજની વારંવાર માફી માંગી છે. તેમ છતાં ક્ષત્રિયોએ રૂપાલાનો વિરોધ ચાલુ રાખ્યો છે. ક્ષત્રિયોના વિરોધને કારણે એવું મનાઈ રહ્યું છે કે પરશોત્તમ રૂપાલાનો પ્રચાર માત્ર શહેરી વિસ્તારો પૂરતો સીમિત થઈ ગયો છે જ્યારે પરેશ ધાનાણી ગ્રામ્ય વિસ્તારોમાં વધુ પ્રચાર કરી રહ્યા છે.
રાજકીય વિશ્લેષકોના મતે લેઉવા પટેલ અને કડવા પટેલ મતદારોનું ધ્રુવીકરણ થાય અને ક્ષત્રિય સમાજના મત એકજૂથ થઈને પરેશ ધાનાણીને મળે તો ભાજપ માટે રાજકોટ બેઠક ગુમાવવાનો વારો પણ આવી શકે છે.
વળી, ક્ષત્રિય સમાજના આંદોલનની સંકલન સમિતિએ એવી જાહેરાત પણ કરી છે કે તેમણે રાજકોટમાં પરશોત્તમ રૂપાલાને હરાવવા માટે બૂથ સ્તર સુધીનું આયોજન કર્યું છે.
રાજકોટ બેઠક પર એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે અન્ય કોઈ પણ મુદ્દાઓ કરતાં ક્ષત્રિય આંદોલનનો મુદ્દો સૌથી મોટો થઈ ગયો છે.
વલસાડ: કૉંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે બેઠકને ‘હોટ સીટ’ બનાવી

દક્ષિણ ગુજરાતની વલસાડ લોકસભા બેઠક એ એસટી અનામત બેઠક છે. આ બેઠક માટે એવી માન્યતા રહી છે કે અહીં જે પક્ષ જીતે તેની કેન્દ્રમાં સરકાર બને છે.
અહીંથી કૉંગ્રેસે તેમના વર્તમાન વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે અહીંથી નવા ચહેરા ધવલ પટેલને ટિકિટ આપી છે અને સૌને ચોંકાવ્યા છે.
કૉંગ્રેસના ઉમેદવાર અનંત પટેલની છબી એક ‘લડાયક’ આદિવાસી નેતા તરીકેની રહી છે. જેના કારણે કૉંગ્રેસને ફાયદો થશે તેવું વિશ્લેષકો માને છે.
લાંબા સમયથી આદિવાસી સમાજના મુદ્દાઓ, પાર-તાપી પરિયોજના, સાગરમાલા પ્રોજેક્ટ જેવી અનેક લડાઈનું કૉંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે નેતૃત્ત્વ કર્યું છે.
'દમણગંગા ટાઇમ્સ'ના નિવાસી તંત્રી વિકાસ ઉપાધ્યાય કહે છે, “અનંત પટેલનો પ્રભાવ માત્ર વાંસદા વિધાનસભા સુધી સીમિત નથી. વલસાડ લોકસભા બેઠક હેઠળ આવતી ચાર વિધાનસભાઓ ડાંગ, વાંસદા, ધરમપુર અને કપરાડામાં તેમની સારી પકડ અને પ્રભાવ છે.”
દક્ષિણ ગુજરાતના રાજકારણને નજીકથી જોનાર રાજકીય વિશ્લેષક નરેશ વરિયા કહે છે, “વલસાડ બેઠક પરના ભાજપના ઉમેદવારની વાત કરીએ તો એ યુવા અને શિક્ષિત છે તથા વાંસદાના જ વતની છે. પરંતુ જમીન સ્તરે તેમની કોઈ વિશેષ પકડ કે કામ નથી. અહીં ભાજપને સંગઠનની તાકાત અને નરેન્દ્ર મોદીના નામ પર જ નિર્ભર રહેવાનું છે.”

ઇમેજ સ્રોત, FACEBOOK@SNNEHIL DESSAI
વલસાડ બેઠક હેઠળ આવતી ડાંગ, વાંસદા, ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા અને ઉમરગામ બેઠકમાંથી માત્ર વાંસદાની બેઠક ગત વિધાનસભામાં કૉંગ્રેસને ફાળે ગઈ હતી. અનંત પટેલ ત્યાંના ધારાસભ્ય છે, જેમને કૉંગ્રેસે ટિકિટ આપી છે. બાકીની તમામ બેઠકો પર ભાજપનો કબજો છે.
વલસાડ લોકસભામાં ઢોડિયા પટેલ અને કુકણા સમુદાયનું વર્ચસ્વ સૌથી વધુ છે. આથી રાજકીય પક્ષો મોટા ભાગે તેમના પ્રતિનિધિને જ ઉમેદવાર બનાવે છે.
નરેશ વરિયા કહે છે, “કૉંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ લોકપ્રિય અને લડાયક છે. પરંતુ અહીં ભરૂચની જેમ તેમના ફાળે કોઈ સમુદાયોનું પ્રભાવી સમીકરણ ફિટ બેસતું નથી. બીજી તરફ વલસાડ, ઉમરગામ, વાપી અને પારડીના શહેરી વિસ્તારોમાં ભાજપની સારી એવી પકડ છે. જેથી મુકાબલો રોમાંચક જરૂર બનશે.”
વલસાડ લોકસભામાં છેલ્લે 2004 અને 2009માં કૉંગ્રેસના ઉમેદવારો ચૂંટાયા હતા જ્યારે 2014થી અહીં ભાજપનો કબજો રહ્યો છે. 2019માં અહીં ભાજપનો 3.53 લાખ મતે વિજય થયો હતો. આ ચૂંટણીમાં કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વલસાડના ધરપુરમાં સભા સંબોધી છે.
સુરેન્દ્રનગર: ભાજપની આંતરિક લડાઈ અને ક્ષત્રિય આંદોલને બેઠક રસપ્રદ બનાવી

મોટા ભાગે ગ્રામીણ વિસ્તારો ધરાવતી સુરેન્દ્રનગર લોકસભામાં આ વખતે કૉંગ્રેસ અને ભાજપ બંનેએ નવા ઉમેદવાર ઉતાર્યા છે. આ બેઠક પર પણ જાતીય સમીકરણો અતિશય પ્રભાવી મનાય છે.
ભાજપે અહીંથી ચંદુભાઈ શિહોરાને ઉમેદવાર બનાવ્યા છે જેઓ ચુંવાળિયા કોળી સમુદાયના છે. જ્યારે કૉંગ્રેસે અહીં ઋત્ત્વિક મકવાણાને ટિકિટ આપી છે જેઓ તળપદા કોળી સમુદાયના છે.
સુરેન્દ્રનગરમાં લગભગ ચાર લાખની આસપાસ તળપદા કોળી મતદાતાઓ છે. ચુંવાળિયા કોળીના મતોની સંખ્યા તેમના કરતાં અડધી મનાય છે. અહીં ક્ષત્રિય સમાજના મતદારોની સંખ્યા પણ બે લાખ કરતાં વધુ છે.
સુરેન્દ્રનગર લોકસભામાં વારંવાર પક્ષપલટો કરનારા પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ પણ અગત્યનું ફેક્ટર મનાય છે. તેઓ હાલમાં જ ફરીથી ભાજપમાં સામેલ થયા છે.
તેઓ ચાર વખત સાંસદ અને ત્રણ વખત ધારાસભ્ય બન્યા. તેઓ ત્રણ વખત ભાજપની ટિકિટ પર ચૂંટાઈને સંસદમાં પહોંચ્યા અને એક વખત તેઓ કૉંગ્રેસની ટિકિટ પરથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
ભાજપે ચુંવાળિયા કોળી સમુદાયના ચંદુ શિહોરાને ટિકિટ આપતાં તળપદા કોળી સમાજના લોકોએ વિરોધ કર્યો હતો. તળપદા કોળી સમાજના અગ્રણી સોમાભાઈ પટેલે પણ કે ભાજપ પર તળપદા કોળીને અન્યાય કરવાનો આરોપ મૂક્યો હતો.

ઇમેજ સ્રોત, FACEBOOK/SOMABHAI PATEL
ભાજપના ઉમેદવારના વિરોધ બાદ કોળી સમાજના બંને ફાંટાઓના લોકો કઈ તરફ મતદાન કરશે તે સ્પષ્ટ નથી. એવામાં ક્ષત્રિય સમાજના મતો જો કૉંગ્રેસ તરફ એકજૂથ પડે તો આ બેઠક પર અપસેટ સર્જાવાની ભીતી છે.
અગાઉ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં વરિષ્ઠ પત્રકારો જ્વલંત છાયા અને રાજેશ ઠાકરે પણ કહ્યું હતું કે સુરેન્દ્રનગર બેઠક પર ક્ષત્રિયોના વિરોધને કારણે ભાજપને મોટું નુકસાન થઈ શકે છે.
સુરેન્દ્રનગર લોકસભા હેઠળ વિરમગામ, ધંધુકા, દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રા વિધાનસભા આવે છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો.
સુરેન્દ્રનગર લોકસભામાં ક્યારેક કૉંગ્રેસ તો ક્યારેક ભાજપનો વિજય થતો રહ્યો છે. 2014થી અહીં ભાજપ જીતતો આવ્યો છે. 2019માં અહીં ભાજપનો 2.77 લાખ મતે વિજય થયો હતો. વડા પ્રધાન મોદીએ તાજેતરમાં જ અહીં ચૂંટણીસભાને સંબોધિત કરી હતી.
2019ની ચૂંટણીમાં સરસાઈને ધ્યાને લઈએ તો આ પાંચ બેઠકો સિવાય પણ બે બેઠકો એવી હતી જ્યાં ભાજપની સરસાઈ ઓછી હતી. જૂનાગઢ બેઠક પર ભાજપનો 1.50 લાખ મતે અને દાહોદ બેઠક પર 1.27 લાખ મતે તેનો વિજય થયો હતો.
ક્ષત્રિય આંદોલનની વ્યાપક અસર થાય તો ભાજપને જામનગર, કચ્છ, આણંદ અને ભાવનગર જેવી બેઠકો પર પણ નુકસાન થઈ શકે છે.












