‘આખી સોસાયટી હિંદુઓની તો એક મકાન પણ મુસ્લિમને કેમ?' વડોદરામાં મુસ્લિમને મકાનફાળવણીના વિરોધ બાદ કેવો છે માહોલ : ગ્રાઉન્ડ રિપોર્ટ

વડોદરાની મોટનાથ રેસિડન્સી ખાતે મુસ્લિમ મહિલાને મકાનફાળવણીનો વિરોધ થયો હતો

ઇમેજ સ્રોત, Pavan Jaiswal/BBC

ઇમેજ કૅપ્શન, વડોદરાની મોટનાથ રેસિડન્સી ખાતે મુસ્લિમ મહિલાને મકાનફાળવણીનો વિરોધ થયો હતો
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા, વડોદરાથી

“સંસ્કારનગરીમાં તમારું સ્વાગત છે.”

અમદાવાદથી લગભગ 110 કિમીના અંતરે આવેલા વડોદરા શહેરની હદમાં પહોંચતાં જ ઠેરઠેર આવાં લખાણનાં પાટિયાં જોવા મળે છે.

પ્રથમ દૃષ્ટિએ જોતાં શહેરમાં ‘કોમી એખલાસ’ અને ‘ભ્રાતૃભાવ’ હોય તેવી છાપ પડે છે. પરંતુ જેમ જેમ અમે શહેરમાં હરણી વિસ્તારમાં આવેલી વસાહત મોટનાથ રેસિડન્સી તરફ આગળ વધીએ છીએ તેમ તેમ જાણે ‘ધર્મ આધારે ભેદભાવ’ અને તેના કારણે વધુ તીવ્ર બનેલ ‘સામાજિક ઘર્ષણ’ સપાટી પરથી ડોકિયું કરવા માંડે છે.

મોટનાથ રેસિડન્સી એટલે એ જ વસાહત જ્યાંના લગભગ 32 રહીશોએ મુખ્ય મંત્રી આવાસ યોજના હેઠળ બનેલી આ સોસાયટીમાં આવેલા 642 ફ્લૅટમાંથી એક ફ્લૅટ મુસ્લિમ મહિલાને ફાળવાયો હોવાથી તેના વિરોધમાં થોડા દિવસ પહેલાં પ્રદર્શન કર્યું હતું. આ સંબંધે પોતાનો વિરોધ વ્યક્ત કરતી અને મુસ્લિમ મહિલાને ફ્લેટની ફાળવણી રદ કરવાની દરખાસ્ત કરતી અરજી સ્થાનિક વહીવટી તંત્રને કરીને શહેરની ‘સંસ્કારનગરી’ની છાપ પર પ્રશ્નાર્થચિહ્ન મૂકી દીધું છે. બીબીસી પાસે આ અરજીની નકલ છે.

ગત પાંચ જૂને આ રહીશોએ ઓછી આવક ધરાવતા (લોઅર ઇન્કમ ગ્રૂપ – એલઆઈજી) લોકો માટે સરકારી યોજના અંતર્ગત બનાવાયેલી આ રેસિડન્સીમાં મુસ્લિમ મહિલાને વર્ષ 2018માં ફાળવાયેલા મકાનની ફાળવણી ‘વિસ્તાર અશાંત ધારા હેઠળ’ આવતો હોવાથી રદ કરીને બીજા કોઈ સ્થળે મકાન ફાળવવાની માગણી કરતી અરજી કરી છે. આ અરજીએ સંસ્કારનગરી કહેવાતા વડોદરામાં હિંદુઓના મુસ્લિમો પ્રત્યેના અણગમાને તાદૃશ્ય કરી દીધો છે.

ગુજરાતમાં 1991થી અસ્તિત્વમાં રહેલો આ કાયદો (અશાંત ધારો) લાગુ હોય એવા વિસ્તારોમાં આવેલી મિલકતનાં ખરીદવેચાણ માટે સરકારની એટલે કે જે-તે જિલ્લાના કલેક્ટરની પૂર્વમંજૂરી મેળવવાનું ફરજિયાત બનાવે છે.

મોટનાથ સોસાયટી

ઇમેજ સ્રોત, Pavan Jaiswal/BBC

બીબીસીની ટીમ ઘટના અંગે વધુ જાણકારી મેળવવા મોટનાથ રેસિડન્સી ખાતે પહોંચી. મોટનાથ સોસાયટીના પ્રવેશદ્વાર પાસે રામની એક મોટી છબિ મુકાઈ છે.

લોકોના ઘરના દરવાજે અને બારી પર ઠેરઠેર કેસરી ઝંડા દેખાઈ રહ્યા છે.

સોસાયટીમાં પ્રવેશતાં ત્યાં ગેટ પર જ સોસાયટીના પ્રમુખ ભવનભાઈ જોશી મળે છે. તેમણે અમને ઠંડું પાણી આપીને આ સોસાયટીમાં મુસ્લિમ મહિલાને મકાનફાળવણીનો વિરોધ કરવા પાછળનો પોતાનો તર્ક રજૂ કર્યો. “આખી સોસાયટી હિંદુઓની છે, તો તેમાં એક મકાન પણ મુસ્લિમને કેમ ફાળવાયું એની તપાસ થવી જોઈએ.”

તેઓ સમગ્ર મામલે મ્યુનિસિપલ કૉર્પોરેશનનો (વીએમસી) વાંક હોવાની વાત કહે છે.

જોકે, આ મામલે કૉર્પોરેશન મહિલાને નીતિનિયમોને આધારે યોગ્ય રીતે મકાન ફાળવાયું છે અને કોઈ સરકારી યોજના ધર્મ આધારે ભેદભાવ ન કરી શકાય તેવો ખુલાસો કર્યો છે.

આ સમગ્ર ઘટનાક્રમમાં કેન્દ્રસ્થાને રહેલાં મુસ્લિમ મહિલાનો બીબીસીએ સંપર્ક કર્યો. જોકે તેમણે તેઓ ‘પાછલાં છ વર્ષથી મુશ્કેલીનો સામનો કરી રહ્યાં હોવાનું’ અને ‘છતાં ઘરે પિતાના ઘરે રહેવાનું દુ:ખ વેઠી રહ્યાં’ હોવાનું જણાવીને વધારે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

ઉપરાંત કર્મશીલો આ સમગ્ર ઘટનાને ‘શહેરની છાપ ખરડનારી’ અને ‘સામાજિક મેળમિલાપની ભાવનાથી વિપરીત’ દૃષ્ટાંત પૂરું પાડતી ઘટના તરીકે વર્ણવી રહ્યા છે.

બીબીસી ગુજરાતી

‘આખી સોસાયટી હિંદુની છે, તો મુસ્લિમને એક મકાનેય કેમ ફાળવ્યું?’

સોસાયટીના પ્રમુખ ભવનભાઈ જોશી

ઇમેજ સ્રોત, Pavan Jaiswal/BBC

ઇમેજ કૅપ્શન, મોટનાથ રેસિડન્સીના પ્રમુખ ભવનભાઈ જોશી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સોસાયટીના પ્રમુખ ભવનભાઈ જોશી બીબીસી સાથેની વાતચીતમાં દાવો કરે છે કે મુસ્લિમ મહિલાને મકાનફાળવણીનો વિરોધ માત્ર સોસાયટીના 32 રહીશો સુધી સીમિત નથી, પરંતુ સોસાયટીની મિટિંગમાં આ મુદ્દે ‘મોટા ભાગના લોકોએ એક સૂરે વિરોધ નોંધાવ્યો’ હતો.

જોકે, બીબીસી આ વાતની સ્વતંત્રપણે પુષ્ટિ કરી શક્યું નહોતું.

તેઓ આ સમગ્ર મામલામાં વીએમસીના અધિકારીઓ અને મકાનફાળવણી માટે કરાયેલ ડ્રૉ અંગે પણ તપાસ કરાવવાની માગ કરે છે.

વિરોધ કરનાર રહીશોએ પોતાની વાંધાઅરજીમાં રજૂઆત કરતાં લખ્યું છે:

“હરણી વિસ્તાર હિંદુ વસતી ધરાવતો શાંત વિસ્તાર છે, અહીં આસપાસ ચાર કિલોમીટર સુધી મુસ્લિમ વસતી નથી. આવા વિસ્તારમાં સરકારનાં ધારાધોરણ ધ્યાને રાખ્યા વગર કે ભવિષ્યનો વિચાર કર્યા વગર અમારી રેસિડન્સીમાં એક મકાન મુસ્લિમ પરિવારને ફાળવી દેવાયું છે. જ્યારે અહીંનાં 461 મકાનો હિંદુ પરિવારને ફાળવાયેલાં છે.”

“આ બાબતમાં ખરેખર ખોટું થયું હોવાનું કે મોટી ભૂલ થઈ હોવાનું જણાઈ રહ્યું છે.”

સોસાયટીના રહીશો હરણી વિસ્તાર ‘અશાંત ધારા’માં સામેલ હોવાની દલીલ મૂકીને પણ પોતાની માગને વાજબી ઠેરવી રહ્યા છે.

જોકે વીએમસીના અફોર્ડેબલ હાઉસિંગ વિભાગના ઍક્ઝિક્યુટિવ ઇજનેર નીલેશ પરમાર આ સમગ્ર ઘટના અને વસાહતના રહીશોના વિરોધ મામલે વાત કરતાં જણાવે છે કે, “આ વસાહત ફાળવણીનો ડ્રૉ વર્ષ 2017માં થઈ ગયો હતો, તેમજ ફાળવણી વર્ષ 2018માં થઈ હતી. એ વખતે આ વિસ્તાર અશાંત ધારા હેઠળ નહોતો, તેથી મકાન ફાળવણીમાં કોઈ અડચણ નહોતી.”

નીલેશ પરમાર સરકારની કોઈ પણ ફાળવણી ધર્મ આધારિત ન હોવાનું જણાવતાં કહે છે, “સરકારની કોઈ યોજના ધર્મ આધારિત નથી હોતી. નિયમ મુજબ ફાળવણી થતી હોય છે. જોકે, આજે ત્યાં અશાંત ધારો લાગુ છે, તો હવે ત્યાં ફાળવણી કરવામાં અમારે ધ્યાન રાખવું પડે.”

વીએમસીના અધિકારીના તર્ક સામે દલીલ કરતાં જોશી જણાવે છે, “માની લીધું કે એ સમયે અશાંત ધારો અહીં લાગુ નહોતો, તો તે બાદ આ વિસ્તારને અશાંત ધારામાં સામેલ કરવાનું કોઈ કારણ તો હશેને? કોઈક સંજોગો તો સર્જાયા હશેને? અમારી માગ છે કે સામાજિક વિસંગતતા ન સર્જાવી જોઈએ.”

મોટનાથ રેસિડન્સીના કેટલાક અન્ય રહીશોએ પણ મહિલાને અન્યત્રે મકાન આપવાની માગણી કરી હતી.

એક વ્યક્તિએ આ એક ઉદાહરણથી વિસ્તારમાં ‘મુસ્લિમોની સંખ્યા અને દખલ’ વધી જશે એવી વાત કરી.

અન્ય એક વ્યક્તિએ ખાણીપીણીની આદતને લઈને મુસ્લિમ મહિલાને મકાન ફાળવાયાનો વિરોધ કર્યો હતો. તેમની સાથેની વાતચીતમાં મુસ્લિમ પરિવાર પ્રત્યેનો તેમનો અણગમો સ્પષ્ટ વર્તાઈ આવતો હતો. આ વ્યક્તિએ બીબીસીને કહ્યું, “આજે એક મુસ્લિમ પરિવાર છે કાલે બે આવશે પછી ચાર આવશે. આ રીતે જ તેઓ હિન્દુ વિસ્તારોમાં પોતાની જગ્યા ફેલાવશે. કાલે ઊઠીને તેઓ પોતાના તહેવાર ઊજવવા સોસાયટીનું ક્લબ હાઉસ પણ માગે. તેથી આમાં તો શરૂઆતથી જ વિરોધ કરવો પડે.”

અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, “મુસ્લિમ હોય તો એ માંસાહાર પણ કરે.”

તો શું આ સોસાયટીમાં કોઈ માંસાહાર નથી કરતું? બીબીસીના એ સવાલના જવાબમાં તે વ્યક્તિએ કહ્યું કે, “મુસ્લિમો પાડાનું પણ માંસ ખાય. સોસાયટીનો કોઈ હિન્દુ માંસ ખાતો હોય તો પણ પાડાનું તો ન જ ખાય.”

બીબીસીની મુલાકાત દરમિયાન મહિલાને ફાળવાયેલ ફ્લૅટ પર તાળું લાગેલું હતું

ઇમેજ સ્રોત, Pavan Jaiswal/BBC

ઇમેજ કૅપ્શન, બીબીસીની મુલાકાત દરમિયાન મહિલાને ફાળવાયેલ ફ્લૅટ પર લાગેલું તાળું

વડોદરાના નવા ચૂંટાયેલા સંસદસભ્ય ડૉ. હેમાંગ જોશીએ પણ પોતાને મળેલી રહીશોની વાંધાઅરજી મામલે પ્રતિક્રિયા આપીને આ બાબતમાં એ મુસ્લિમ મહિલાને મુશ્કેલી ન પડે અને સોસાયટીની માગણી પણ માન્ય રહે તેવું સમાધાન શોધવાની વાત કરી.

તેમણે કહ્યું હતું કે, “જ્યાં અશાંત ધારો લાગુ હોય ત્યાં આવું નથી થતું. પરંતુ ત્યાં પ્રક્રિયામાં કોઈ ખામી રહી ગઈ હોય એવું લાગે છે. જેમને ફ્લૅટ ફાળવાયો છે, તેમનું ઘરના ઘરનું સપનું છે એ પણ ન તૂટે અને સોસયટીના લોકોની માગ પણ સચવાય એ ધ્યાને રાખીને જે કાંઈ સુખદ હશે તે કરવામાં આવશે.”

મુસ્લિમ મહિલાના પિતાએ આ સમગ્ર ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું, “આ પ્રકારની ઘટના દુ:ખી કરી મૂકે છે. અમારો પરિવાર ભણેલોગણેલો છે. અમે સોસાયટીની સાથે રહેવા માગીએ છીએ, પણ સોસાયટીને આ વાત મંજૂર નથી એ દુ:ખની બાબત છે.”

જો પોતાના ફ્લૅટમાં મુસ્લિમ મહિલા રહેવા આવે તો એ અંગે ભવનભાઈ પોતાની પ્રતિક્રિયા આપતાં કહે છે :

“અમારો વિરોધ કૉર્પોરેશન સામે છે. મકાન બહેનનું છે. તેઓ રહેવા આવી શકે છે. અમે એમને ક્યારેય રોક્યાં નથી.”

જોકે, તેઓ આગળ જણાવે છે કે વર્ષ 2018થી મકાનના દસ્તાવેજ થઈ ગયા હોવા છતાં મુસ્લિમ મહિલા પોતાના પરિવાર સાથે ક્યારેય અહીં રહેવા આવ્યાં નથી.

કૉર્પોરેશનમાં મહિલાએ જમા કરાવેલાં વનટાઇમ મેન્ટનન્સના રૂપિયા 50 હજાર સોસાયટીને મળ્યા હતા અને આ મકાન તેમની માલિકીનું હોવાના દસ્તાવેજ પણ થઈ ચૂક્યા હોવાનું ભવનભાઈ કહે છે.

જોકે બીબીસીએ એ મકાનની મુલાકાત લીધી ત્યારે એ મકાન પર તાળું જોવા મળ્યું હતું.

ભવનભાઈએ બીબીસી સાથેની વાતચીતમાં આગળ કહ્યું હતું કે જો આ મામલામાં તંત્ર દ્વારા દખલ કરવાનો ઇનકાર કરી દેવાય તો તેવા કિસ્સામાં સોસાયટીના લોકો ‘મહિલાની હાજરી સહર્ષ સ્વીકારશે.’

‘કિતને પાકિસ્તાન?’

વડોદરાસ્થિત પ્રાધ્યાપક ભરત મહેતા

ઇમેજ સ્રોત, Pavan Jaiswal/BBC

ઇમેજ કૅપ્શન, વડોદરાસ્થિત પ્રાધ્યાપક ભરત મહેતા

વર્ષ 2018માં અશાંત ધારો અને લઘુમતીના અધિકારો મામલે ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરનાર અમદાવાદસ્થિત વકીલ દાનીશ કુરશીએ બીબીસીને જણાવ્યું હતું કે, “આ ઘટનામાં મુસ્લિમ પરિવારને મકાન રાજ્ય સરકારે ફાળવ્યું છે. જ્યારે રાજ્ય સરકાર કોઈને મકાન ફાળવે તો એમાં કોઈ ધાર્મિક મર્યાદા આવવી જ ન જોઈએ. કારણ કે સરકારનો તો કોઈ ધર્મ નથી હોતો. આમ છતાં પણ કોઈ અશાંત ધારાનું ઓઠું ધરે તો એ બંધારણનો ભંગ છે.”

વડોદરાસ્થિત પ્રાધ્યાપક ભરત મહેતા આવી ઘટનાને શહેરની ‘સંસ્કારનગરી તરીકેની છબિ ખરાબ કરનાર’ હોવાનું માને છે.

તેઓ આ ઘટનાથી દેશના સર્વધર્મસમભાવ અને ભ્રાતૃભાવની ભાવનાઓ પર થઈ રહેલી અસરને સુલતાન અહમદની એક પંક્તિઓમાં વડે ઝીલવાનો પ્રયાસ કરે છે.

“સૂરજ હિન્દુ, ચંદા મુસ્લિમ, તારોં કી ક્યા જાત

કિસકી હૈ યે સાજિશ, તૂટતે રહે સારી રાત"

તેઓ કહે છે, “આ નાના તારાને આપણે તૂટવા નથી દેવાના, એ જ ભારત છે.”

ભરત મહેતા સામાજિક ભેદભાવને દૂર કરવાના રસ્તો સૂચવતાં કહે છે, “મારા મતે તો એ વસાહતમાં એક નહીં, દસ મુસ્લિમ પરિવારોને મકાન ફાળવવાં જોઈએ. એ સિવાય અને લઘુમતીઓને પણ ફાળવણી થવી જોઈએ, કારણ કે આવું કરવાથી જ એક ભારત બને છે અને આવાં નાનાં નાનાં ભારત બનશે તો જ ભેદ ઓગળશે.”

“સામાજિક મિલાપ માટે જુદી જુદી સંસ્કૃતિઓનું એકમેકની નિકટ આવવું જરૂરી છે. જો આપણે વધુને વધુ દૂર થઈશું તો હિંદીના સાહિત્યકાર કમલેશ્વરની નવલકથા ‘કીતને પાકિસ્તાન’ જેવું થશે. આપણે ‘કિતને પાકિસ્તાન’ ઊભાં કરીશું?”

‘એક તરફ વધતું અંતર, બીજી તરફ સહજીવનનું દૃષ્ટાંત’

વડોદરાસ્થિત વિવેકાનંદ હાઇટ્સમાં જુદા જુદા ધર્મના લોકો એકબીજા સાથે હળમળીને રહે છે

ઇમેજ સ્રોત, Pavan Jaiswal/BBC

ઇમેજ કૅપ્શન, વડોદરાસ્થિત વિવેકાનંદ હાઇટ્સમાં જુદા જુદા ધર્મના લોકો એકબીજા સાથે હળમળીને રહે છે

એક તરફ શહેરમાં જ્યાં મોટનાથ રેસિડન્સી જેવી વસાહતો છે, તો ત્યાં જ વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ હાઇટ્સ જેવી વસાહતો પણ છે, જે ‘ધાર્મિક ભેદભાવ’ને કોરાણે મૂકીને સર્વધર્મસમભાવનું ઉદાહરણ પૂરું પાડી રહી છે.

આ વસાહત એક સરકારી આવાસ યોજના હેઠળ અસ્તિત્વમાં આવી છે. જેમાં 1,560 જેટલા ફ્લૅટ છે.

અહીં હિંદુઓની સાથોસાથ મુસ્લિમ ઉપરાંત દક્ષિણ ભારતીયો તેમજ ખ્રિસ્તીઓ પણ રહે છે.

સોસાયટીનાં એક રહેવાસી નમ્રતા પરમારને એ વાતનો ખૂબ આનંદ છે કે તેમનાં બાળકો આ સોસાયટીમાં મોટાં થઈ રહ્યાં છે.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, “સર્વધર્મસમભાવ અને હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા સાથે હોય ત્યારે જ સંસ્કૃતિ ખીલે છે. આવું આપણે બાળકોને પાઠ્યપુસ્તકમાં ભણાવીએ છીએ. ખરી વાત એ છે કે પાઠ્યપુસ્તકમાં જે લખ્યું છે, તે અમે અમારી સોસાયટીમાં જીવીએ છીએ.”

હાથીખાના એ વડોદરામાં મુસ્લિમોની નોંધપાત્ર વસતી ધરાવતો વિસ્તાર છે.

અહીં રહેતા ઈસ્માઈલ પટેલ પણ આ વાતમાં સૂર પુરાવે છે.

તેઓ બીબીસીને જણાવે છે, “અમારા વિસ્તારમાં પણ કેટલાક છૂટાંછવાયાં સ્થળોએ હિંદુ રહે છે, વેપાર કરે છે. અમે એકબીજા સાથે ખૂબ પ્રેમથી વર્તીએ છીએ. અહીં એવા પણ હિંદુ વેપારી છે, જેમની દુકાનના માલિક મુસ્લિમ છે. બધા એકબીજા સાથે પ્રેમથી રહે છે અને એકબીજાના ધર્મને આદર આપે છે, એનાથી જ દેશ બને છે.”

તેઓ મોટનાથ સોસાયટીના ઘટનાક્રમ બાબતે પોતાની પ્રતિક્રિયા આપતાં કહે છે કે, “મુસ્લિમ મહિલાને મકાન હિંદુ કૉલોનીમાં મળ્યું છે, તેમને સોસાયટીએ સમજીને સ્વીકારવા જોઈએ. લોકોએ મોકળા મને એકબીજાને આવકારવા જોઈએ. આવું જ વલણ સામે મુસ્લિમ સમાજે પણ રાખવું જોઈએ.”

અશાંત ધારો મુસ્લિમોને એક વાડામાં બાંધી રહ્યો છે?

અશાંત ધારાના કારણે મિલકતનાં ખરીદવેચાણમાં મુશ્કેલી વેઠનાર અમર રાણા

ઇમેજ સ્રોત, Pavan Jaiswal/BBC

ઇમેજ કૅપ્શન, અશાંત ધારાના કારણે મિલકતનાં ખરીદવેચાણમાં મુશ્કેલી વેઠનાર અમર રાણા

મોટનાથ રેસિડન્સીવાળા વિવાદના કેન્દ્રમાં અશાંત ધારો છે. આ કાયદો રાજ્યમાં લાગુ થયો ત્યારથી સતત ચર્ચા અને વિવાદમાં છે.

આ કાયદાને લીધે મુસ્લિમો વધુ ને વધુ હાંસિયામાં ધકેલાઈ રહ્યા હોવાના આરોપ લાગતા રહ્યા છે.

વકીલ દાનીશ કુરેશી અશાંત ધારાને એક ‘ષડ્યંત્ર’ છે. ભરત મહેતાના મત પ્રમાણે આ કાયદો મુસ્લિમોને એક ‘ચોક્કસ વિસ્તારમાં રહેવા મજબૂર કરવા’ ઉપરાંત ‘સામાજિક ભેદભાવને વધુ તીવ્ર’ બનાવવાનું કામ કરી રહ્યો છે.

આ કાયદાને કારણે મુસ્લિમો માટે મિલકતોનું ખરીદવેચાણ કરવું મુશ્કેલ બની જાય છે. વડોદરામાં રહેતા અમર રાણાને આ ધારાને કારણે સમસ્યાનો અનુભવ થયો હતો.

શહેરના ફતેહગંજ વિસ્તારમાં રહેતા અમર રાણા જણાવે છે, “મારા નામના કારણે લોકો મને બિનમુસ્લિમ સમજી લે છે. આવું જ કંઈક એક મકાન જોતી વખતે પણ થયું. મને એ મકાન પસંદ હતું, પરંતુ બ્રોકર મને હિંદુ ગણીને મકાન બતાવી રહ્યો હતો. મેં એને જ્યારે પૂછ્યું કે અહીં અશાંત ધારો લાગુ છે તો તમે મુસ્લિમને મકાનના દસ્તાવેજ બનાવી આપશો ખરા? તો તેમણે ઘસીને ના પાડી દીધી.”

અમર કહે છે કે આવું તેમની સાથે ઘણી વાર થયું છે.

આટલું જ નહીં તેઓ કહે છે કે આ કાયદાને કારણે તેઓ પોતાની મિલકત પોતાના હાલના ભાડુઆતને વેચી નથી શક્યા.

તેઓ કહે છે, “હિંદુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે મિલકતના સોદા આ કાયદાને કારણે અતિશય મુશ્કેલ બન્યા છે.”

અમર અશાંત ધારાને કારણે મુસ્લિમ સમાજના અન્ય લોકોને પણ મુશ્કેલી પડી રહી હોવાનું કહે છે.

“મોટા ભાગના મુસ્લિમ આ ધારાને લીધે વ્યથિત છે. તેમને એવું લાગે છે કે અમારા દેશમાં, અમારા વિસ્તારમાં મકાન મેળવવું અઘરું અને મોંઘુ બની ગયું છે. મને આ દેશમાં જે વિસ્તારમાં જઈને રહેવું હોય તો પણ ગમે ત્યાં પૈસા ખર્ચીને પણ હું મકાન ખરીદી શકતો નથી. આનાથી દુ:ખદ બાબત શું હોઈ શકે? સરકારે આમાં નિસબત દર્શાવવી જોઈએ. લોકોના દિલમાં ખટાશ પેદા કરે એવા કાયદા સરકારે રદ કરવા જોઈએ. લાંબા ગાળે આવા કાયદાને લીધે સમગ્ર સમાજને મોટું નુકસાન ખમવું પડે છે.”

તેમણે ઉમેર્યું, “આમાં સરવાળે મુસ્લિમોને વધારે નુકસાન છે. મુસ્લિમ લઘુમતીમાં છે તેથી તેમના માટે રહેણાક માટેનો વિસ્તાર મર્યાદિત થઈ ગયો છે. આ કાયદાને લીધે તે વિસ્તારના ભાવ વધી ગયા છે. નજીકમાં જ હિંદુ વિસ્તાર હોય ત્યાં ચોરસ ફૂટ કે મીટરના ભાવ કરતાં મુસ્લિમ વિસ્તારમાં ભાવ વધારે હોય છે.”

જોકે, અશાંત ધારાને કારણે મુસ્લિમ સમાજને પડી રહેલી સીધી મુશ્કેલીના આરોપો મામલે બીબીસી ગુજરાતીએ વડોદરાના જિલ્લા કલેક્ટર બીજલ શાહનો તેમની ઓફિસમાં જઈને રૂબરૂ, તેમને ફોન કરીને, ફોન પર મૅસેજ મોકલીને તથા ઈમેલથી સંપર્ક સાધવાનો ઘણા પ્રયાસ કરવા છતાં તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

જોકે અગાઉ ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે આ મામલે વાત કરતાં કલેક્ટર બીજલ શાહે જણાવ્યું હતું કે “અશાંત ધારો સરકારી આવાસ યોજનાઓને લાગુ પડતો નથી અને તેથી, સરકારી યોજનાના સ્વરૂપને જોતાં સોસાયટીના રહેવાસીઓની ફરિયાદોને માન્ય રાખી શકાતી નથી.”

હવે બીબીસીએ કલેક્ટરને મોકલેલા પ્રશ્નોનો જવાબ જ્યારે મળશે ત્યારે એ વિગતોને અહીં અપડેટ કરવામાં આવશે.

શું છે અશાંત ધારો?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અશાંત ધારા માટેનો ખરડો વર્ષ 1986માં લાવવામાં આવ્યો હતો. જેને વર્ષ 1991માં કાયદાનું સ્વરૂપ અપાયું હતું.

'ધ ગુજરાત પ્રૉહિબિશન ઑફ ટ્રાન્સફર ઑફ ઇમુવેબલ પ્રૉપર્ટીઝ ઍક્ટ ઍન્ડ પ્રોવિઝન ફૉર પ્રોટેક્શન ઑફ ટેનન્ટ્સ ફ્રૉમ ઇવિક્શન ફ્રૉમ પ્રિમાઇસીઝ ઇન ડિસ્ટર્બ્ડ એરિયાઝ' (સ્થાવર મિલકતોની ફેરબદલી પર પ્રતિબંધ અને અશાંત વિસ્તારોમાંથી ભાડુઆતોની હકાલપટ્ટી સામે રક્ષણ) એવું નામ ધરાવતા કાયદાને કારણે મુસ્લિમો સાથે ભેદભાવ થતો હોવાની ફરિયાદો ઊઠતી રહી છે.

અશાંત ધારા પ્રમાણે અશાંત જાહેર કરાયેલા વિસ્તારમાં મિલકતો વેચતા પહેલાં કલેક્ટરની મંજૂરી લેવાનું ફરજિયાત હોય છે.

આ કાયદા અંતર્ગત દર પાંચ વર્ષે નવું જાહેરનામું બહાર પાડીને નવા વિસ્તારો જરૂરિયાત પ્રમાણે તેમાં ઉમેરવામાં આવે છે.

આ કાયદા વિશે વાત કરતાં વકીલ શમશાદ પઠાણ કહે છે કે અમદાવાદમાં 1986-87માં રમખાણો થયાં, તે પછી હિંદુઓ પોળ વિસ્તાર ખાલી કરીને જતા ના રહે તેવો ઉદ્દેશ આ કાયદા પાછળ હતો.

તેઓ કહે છે, "વેચાણ દસ્તાવેજોની ચકાસણી અને પોલીસ અભિપ્રાયના આધારે કલેક્ટર મંજૂરી આપતા હોય છે, જેથી કોઈ મિલકત પરાણે ખરીદી લેવામાં ના આવે."

આ કાયદા અંતર્ગત કલેક્ટરને મિલકત જપ્ત કરવાની પણ સત્તા અપાઈ છે. અશાંત જાહેર કરાયેલ વિસ્તારોની આસપાસ 500 મીટર સુધી આ કાયદો લાગુ પડે છે.

નોંધનીય છે કે વર્ષ 2019માં કાયદામાં ફેરફાર કરીને ગુજરાત સરકારે તેના ઉલ્લંઘનના કિસ્સામાં ત્રણથી પાંચ વર્ષ સુધીની સજા અને એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરી હતી.

2020માં અશાંત ધારા અધિનિયમ પર ચર્ચા કરતાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, “એક હિંદુ દ્વારા મુસ્લિમને મિલકત વેચવી યોગ્ય નથી. એક મુસ્લિમ હિંદુને મિલકત વેચે તે પણ યોગ્ય નથી. અમે આ ધારો એ વિસ્તારોમાં લાગુ કર્યો છે, જ્યાં રમખાણો થયાં છે. જેથી તેમને (મુસ્લિમોને) બતાવી શકાય કે તેમણે પોતાના વિસ્તારમાં જ સંપત્તિ ખરીદવી જોઈએ.”

રેડ લાઇન
રેડ લાઇન