ભારતમાં અહમદિયા સમુદાયને ‘બિન-મુસ્લિમ’ જાહેર કરવાનો વિવાદ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, શકીલ અખ્તર
- પદ, બીબીસી ઉર્દૂ સંવાદદાતા, દિલ્હી
કેન્દ્ર સરકારના લઘુમતી મામલાના મંત્રાલયે આંધ્ર પ્રદેશ વકફ બોર્ડ તરફથી દેશના અહમદિયા સમુદાયને ‘કાફિર’ અને ‘બિન-મુસ્લિમ’ જાહેર કરવાના પ્રસ્તાવની કડક ટીકા કરતા કહ્યું કે આ એ સમુદાય વિરુદ્ધ નફરતનું અભિયાન ચલાવવા જેવું છે જેનો પ્રભાવ સમગ્ર દેશ પર પડી શકે છે.
મંત્રાલયનું કહેવું છે કે વકફ બોર્ડને કોઈની ધાર્મિક ઓળખ નક્કી કરવાનો કોઈ અધિકાર નથી. એનું કામ માત્ર વકફની સંપત્તિની વ્યવસ્થા જોવાનું અને તેની સુરક્ષા છે.
એ વિશે દેશના અહમદિયા સમુદાયે ગત સપ્તાહે કેન્દ્ર સરકારને એક પત્ર લખ્યો હતો જેમાં જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશ સહિત દેશના કેટલાંક અન્ય રાજ્યોનાં વકફ બોર્ડ અહમદિયા બિરાદરીનો વિરોધ કરી રહ્યાં છે અને તેમને ઇસ્લામમાંથી બહિષ્કૃત કરવાનો પ્રસ્તાવ પસાર કરી રહ્યા છે.
કેન્દ્ર સરકારે આ મામલામાં હસ્તક્ષેપ કરીને આંધ્ર પ્રદેશની સરકારને નિર્દેશ આપ્યો છે કે તેઓ રાજ્ય વકફ બોર્ડના ગેરબંધારણીય અને ગેરકાયદેસર પ્રસ્તાવની સમીક્ષા કરે જે તેમના અનુસાર અહમદિયા બિરાદરી વિરુદ્ધ નફરતના અભિયાન જેવું છે.
એવું પણ કહેવામાં આવ્યું છે કે વકફ બોર્ડને અહમદિયા સમુદાય સહિત કોઈ પણ ધાર્મિક ઓળખ નક્કી કરવાની ન તો જવાબદારી આપવામાં આવી છે અને ન તો એ તેમના અધિકારક્ષેત્રમાં છે.

‘બિન-મુસ્લિમ’ અને ‘કાફિર’

ઇમેજ સ્રોત, Getty Images
આંધ્ર પ્રદેશના વકફ બોર્ડે ફેબ્રુઆરી 2012ના એક જૂના ફતવાના આધાર પર એક પ્રસ્તાવ પસાર કર્યો જેમાં રાજ્યના કાઝીઓને કહેવામાં આવ્યું હતું કે તેઓ અહમદિયા સમુદાયના લોકોને નિકાહ ન પઢાવે કેમ કે તેઓ મુસલમાન નથી.
આ ફતવાને અહમદિયા સમુદાયે હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને અદાલતે આ પ્રસ્તાવને સ્થગિત કરી દીધો હતો.
કેન્દ્ર સરકારે પત્રમાં કહ્યું હતું કે અદાલતોના આદેશો છતાં આંધ્ર પ્રદેશના વકફ બોર્ડે આ વર્ષે ફેબ્રુઆરીમાં ફરીથી આ પ્રકારનો ઠરાવ પસાર કર્યો જેમાં અહમદિયા સમુદાયને બિન-મુસ્લિમ ઠેરવવામાં આવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પ્રસ્તાવના આધાર પર વકફ બોર્ડે હાલમાં અહમદિયા સમુદાયને ‘બિન-મુસ્લિમ’ અને ‘કાફિર’ ગણાવીને વકફની સંપત્તિથી અહમદિયા સમુદાયની સંપત્તિને અલગ કરી દીધી અને રાજ્ય સરકારને કહ્યું કે તેઓ અહમદિયા સમુદાયની સંપત્તિને પોતાના પ્રબંધનમાં લઈ લે.
બીબીસીને મોકલેલા એક પત્રમાં અહમદિયા મુસ્લિમ જમાતે કહ્યું કે "ભારત એક લોકતાંત્રિક દેશ છે અને અહીં વિભિન્ન આસ્થા અને ધર્મ સાથે સંબંધ ધરાવતા લોકો પરસ્પર સન્માન અને ભાઈચારા સાથે રહેતા આવ્યા છે."

ભારતનું બંધારણ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"ભારતીય બંધારણ અનુસાર દરેક વ્યક્તિને એ અધિકાર પ્રાપ્ત છે કે તે જે ધર્મ પાળવા માગે, તે પાળી શકે છે. તેમ છતાં કેટલાંક મુસ્લિમ સંગઠનો અને વકફ બોર્ડ તરફથી અહમદિયા મુસ્લિમ સમુદાયના ધાર્મિક અધિકારોનું હનન કરવામાં આવે છે."
"આ માત્ર દેશના શાંતિપૂર્ણ વાતાવરણને ભંગ કરવા અને અહમદિયા મુસ્લિમ સમુદાય વિરુદ્ધ લોકોમાં નફરત પેદા કરવાની અને ભડકાવવાની કોશિશ છે."
આ પત્રમાં એ પણ કહેવાયું છે કે દરેક વ્યક્તિનો એ મૌલિક અધિકાર છે કે તેઓ જે ધર્મ ઇચ્છે તે અપનાવી શકે છે અને કોઈ સંગઠન અથવા સંસ્થા તેને આ મૌલિક અધિકારથી વંચિત ન રાખી શકે.
આ દરમિયાન ભારતના સુન્ની મુસલમાનોનું એક મોટું સંગઠન જમીયત-ઉલેમા-એ-હિંદે અહમદિયા સમુદાયને બિન-મુસ્લિમ જાહેર કરીને આંધ્રપ્રદેશ વકફ બોર્ડના પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.
એક નિવેદનમાં આ સંગઠને કહ્યું છે કે કાદિયાની એટલે કે અહમદિયા ઇસ્લામની એ મૂળ આસ્થામાં વિશ્વાસ નથી રાખતા કે ઇસ્લામ પયગંબરહઝરત મોહમ્મદ છેલ્લા નબી (ઇશદૂત) હતા.
આ નિવેદનમાં ઇસ્લામી સંગઠન ‘વર્લ્ડ મુસ્લિમ લીગ’ની 1974ની એક બેઠકનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના અનુસાર લીગના 110 દેશોના મુસ્લિમ પ્રતિનિધિયોએ ભાગ લીધો હતો અને જેમાં અહમદિયા સમુદાયને ઇસ્લામના દાયરામાંથી ખારીજ કરવામાં આવ્યો હતો.
અહમદિયા સમુદાય આ આરોપોને ખોટા ગણાવે છે.
અહમદિયા સમુદાયે પોતાના નિવેદનમાં આરોપોનું ખંડન કરતા કહ્યું કે આ જૂઠ્ઠો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે અહમદી પયંગબર-એ-ઇસ્લામને નથી માનતા અને એ પણ કે તેમનો કલિમા એટલે કે નીતિ વાક્ય અલગ છે.
"આ જૂઠ્ઠી વાત છે. અહમદિયા મુસ્લિમ સમુદાય સાચા દિલથી ઇસ્લામના પયગંબર હઝરત મોહમ્મદને અંતિમ નબી માને છે અને તેમના સન્માન માટે કોઈ પણ કુર્બાની આપવાથી પાછા નથી હટતા. દરેક અહમદી હૃદયથી ઇસ્લામમાં કર્તવ્યોનું પાલન કરે છે અને ઇમાનના સ્તંભો પર સાચા દિલથી વિશ્વાસ ધરાવે છે."
અહમદિયા સમુદાયના નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે અહમદિયા મુસલમાનોને બિન-મુસ્લિમ જાહેર કરવાનો કોઈને પણ અધિકાર પ્રાપ્ત નથી.
"આ એક ગેરકાયદેસર અને અધાર્મિક કામ છે અને અહમદિયા બિરાદરીના લોકોનો સામાજિક સ્તરે બહિષ્કાર કરવાની કોશિશ દેશના લોકોની એકતાને તોડવા અને શાંતિપૂર્ણ માહોલ ખરાબ કરવા જેવો છે."

ભારતમાં અહમદિયા સમુદાય

ભારતમાં અહમદિયા સમુદાયને 2011ની વસ્તીગણતરીમાં મુસલમાનોના એક ફિરકા (વર્ગ) તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. વસ્તીગણતરી અનુસાર એ સમયે આ સમુદાયની સંખ્યા લગભગ એક લાખ હતી.
ભારતમાં મોટાભાગે અહમદિયા મુસલમાન પંજાબના કાદિયાન કસ્બામાં રહે છે. આ કસ્બામાં અહમદિયા સમુદાયના સંસ્થાપક મિર્ઝા ગુલામ અહમદ પેદા થયા હતા.
અહમદિયા સમુદાય અનુસાર મિર્ઝા ગુલામ અહમદે 20મી સદીની શરૂઆતમાં ઇસ્લામના પુનરુત્થાનનું એક આંદોલન ચલાવ્યું હતું અને તેમના અનુયાયી ખુદને અહમદિયા મુસ્લિમ કહે છે.
કાદિયાનમાં આ જમાતનું એક મોટું કેન્દ્ર છે. એ સિવાય અહમદિયા દિલ્હી, મહારાષ્ટ્ર, ઓડિશા, બંગાળ અને બિહારમાં પણ આબાદ છે. દિલ્હીમાં પણ તેમની કેટલીક મસ્જિદો અને કેન્દ્ર છે.
પહેલાં પણ ભારતના સુન્ની ધાર્મિક સંગઠન અહમદિયા સમુદાયની ધાર્મિક આસ્થાઓ અને વિશ્વાસોનો વિરોધ કરતા રહે છે અને તેમના વિરુદ્ધ સંગઠિત પ્રચાર પણ કરવામાં આવતો રહ્યો છે પરંતુ તેમને અહીં એ પ્રકારની મુશ્કેલીઓ, ધાર્મિક ભેદભાવ અને અત્યાચારનો સામનો નથી કરવો પડતો જેવો તેમણે પાકિસ્તાનમાં સામનો કરવો પડે છે.

પાકિસ્તાનમાં સ્થિતિ

પાકિસ્તાનમાં તેઓ મોટાભાગે તેમની ઓળખ ગુપ્ત રાખે છે અને કોઈ ધાર્મિક વિવાદમાં નથી પડતા.
પાકિસ્તાનના જમાત-એ-અહમદિયાના પ્રવક્તાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે પાકિસ્તાન એકમાત્ર દેશ છે જ્યાં સરકારી સ્તર પર કાયદો બનાવીને અહમદિયા જમાતને બિન-મુસ્લિમ જાહેર કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે "બીજા દેશોમાં સરકારી સ્તર પર એવું કોઈ પગલું નથી ઉઠાવવમાં આવ્યું પણ કેટલાક દેશોમાં સામાજિક સ્તર પર કેટલાક ઇસ્લામી કાઉન્સિલ અને મંચો પર ફતવા જારી કરવામાં આવે છે અને અહમદિયાઓએ ત્યાં વિરોધના વાતાવરણનો સામનો કરવો પડતો હોય છે."
ધ્યાન રહે કે પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અહમદિયા સમુદાયની ઇબાદતગાહથી મિનાર હઠાવવાનું અભિયાન ચાલુ છે.
અહમદિયા સમુદાયના પ્રવક્તા અનુસાર આ સિલસિલામાં એક ધાર્મિક દળે જેલમ જિલ્લામાં પ્રશાસનને અહમદિયા ઇબાદતગાહના મિનાર પાડી દેવા માટે 10 મુહર્રમ (ઇસ્લામી કૅલેન્ડરનો એક મહિનો)ની ડેડલાઇન આપી છે અને એ પણ કહ્યું છે કે જો આવું ન થયું તો અહમદિયા ઇબાદતગાહોની તરફ કૂચ કરવામાં આવશે.
જેલમમાં આ મહિને જ અહમદિયા સમુદાયની કબરો પરની પટ્ટીઓ પર શાહી ફેંકવી અને તેને તોડી નાખવાની ઘટનાઓ પણ થઈ હતી.
એ પહેલાં બકરી ઈદના સમયે વિવિધ શહેરોમાં પોલીસે ઘણા અહમદિયા નાગરિકોના ઘરોમાંથી કુર્બાનીના જાનવર જપ્ત કરી લીધી હતા જ્યારે કુર્બાનીનો ઇસ્લામિક રિવાજ અપનાવવા સામે કેસ પણ દાખલ કર્યા હતા.
આ જ રીતે ચોથી મે 2023ના રોજ સિંધના મીરપુર ખાસમાં એક ઉત્તેજિત સમૂહે અહમદિયા સમુદાયની ઇબાદતગાહના મિનાર તોડ્યા બાદ ઇબાદતગાહમાં આગ ચાંપી દીધી હતી.
મે મહિનામાં જ કુરાનની શિક્ષા આપવાના આરોપો બાદ ઉત્તેજિત લોકોએ એક અહમદિયા ઇબાદતગાહ પર હુમલો કરી દીધો હતો.
ગત વર્ષ દરમિયાન આ પ્રકારની ઘણી ઘટનાઓ સરગોધા, ગુજરાત, ગુજરાંવલા, મીરપુર ખાસ, ઉમરકોટ કરાચી, ટોબા ટેક સિંહ અને અન્ય શહેરોમાં પણ થઈ ચૂકી છે.














