ભારતનાં અંજુ પ્રેમી નસરુલ્લાહ સાથે સગાઈ કરવાં પાકિસ્તાન પહોંચ્યાં, પછી શું થયું?

અંજુ
    • લેેખક, મોહમ્મદ જુબૈર ખાન
    • પદ, બીબીસી માટે

"આવનારા કેટલાક દિવસોમાં અંજુ અને હું ઔપચારિક રીતે સગાઈ કરી લઈશું. અને પછી દસ-બાર દિવસ બાદ તેઓ પાછાં ભારત જતાં રહેશે."

"ત્યાર પછી ફરીથી તેઓ લગ્ન માટે પાકિસ્તાન આવશે. આ મારું અને અંજુનું અંગત જીવન છે. અમે નથી ઇચ્છતા કે આમાં કોઈ હસ્તક્ષેપ કરે. અમે મીડિયાથી પણ દૂર રહેવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ."

આ શબ્દો છે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહ રાજ્યના જિલ્લા દીર બાલાના રહેવાસી 29 વર્ષના નસરુલ્લાહના.

તેમનો અંદાજે સાત વર્ષ પહેલાં ભારતના ઉત્તર પ્રદેશનાં અંજુ સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્ક થયો હતો અને સમય જતાં તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા.

વાત એટલી હદે આગળ વધી કે તાજેતરમાં જ અંજુ નસરુલ્લાહ સાથે પોતાના સંબંધને ઔપચારિક રૂપ આપવા માટે પાકિસ્તાન પહોંચી ગયાં.

હાલ અંજુ દીલ બાલામાં નસરુલ્લાહના ઘરમાં રહે છે. દીલ બાલાના ડીપીઓ (ડિસ્ટ્રિક્ટ પોલીસ ઑફિસર) મોહમ્મદ મુશ્તાકે બીબીસી સાથે વાત કરતા પુષ્ટી કરી છે કે અંજુ ત્યાં જ છે.

આ કહાણી તાજેતરમાં જ પાકિસ્તાનનાં એક મહિલા સીમા હૈદર અને નોઇડામાં રહેતા સચીન મીણાની ‘લવ સ્ટોરી’ સાથે મેળ ખાય છે. જોકે અંજુ વિઝા લઈને કાયદાકીય રીતે પાકિસ્તાન ગયાં છે. વિઝા માટે બન્નેએ એક-બે વર્ષ રાહ જોવી પડી.

પાકિસ્તાની નાગરિક સીમા હૈદર પોતાનાં ચાર બાળકો સાથે ગેરકાયદે ભારત આવ્યાં હતાં.

તેમની સચીન મીણા સાથે પબજી મોબાઇલ ગેમ દરમિયાન ઓળખાણ થઈ હતી. જે થોડા સમય બાદ પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ.

તેમણે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, "હવે હું તેમને પ્રેમ કરું છું. અને તેમના માટે હું મારો દેશ છોડીને અહીં આવી છું."

ભારત પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

ત્યારે બીબીસી સંવાદદાતા પાયલ ભૂયન સાથેની વાતચીતમાં અંજુએ કહ્યું કે તેઓ પોતાના પ્રેમી નસરુલ્લાહ સાથે લગ્ન કરવા માટે ઇસ્લામનો સ્વીકાર નહીં કરે.

ખૈબર પખ્તૂનખ્વાહના દીર બાલાથી અંજુએ બીબીસી સાથે વાત કરી. તેમણે કહ્યું કે "તેમના પર લગ્ન માટે ઇસ્લામ કબૂલ કરવાનું દબાણ નથી. પરંતુ તેઓ પોતે પણ લગ્ન માટે ધર્મપરિવર્તનના પક્ષમાં નથી."

ભારત પાકિસ્તાન

ઇમેજ સ્રોત, NASRULLAH

પાકિસ્તાન અને ભારતના નાગરિકો વચ્ચે આવી પ્રેમકહાણીઓ નવી નથી. પરંતુ બન્ને દેશોના સંબંધમાં તણાવભરી સ્થિતિ હોવાના કારણે હવે બન્ને દેશો એક બીજાના નાગરિકોને ઓછામાં ઓછા વિઝા આપે છે.

અંજુ માટે પણ પાકિસ્તાનના વિઝા લેવા સરળ ન હતા. ખાસ કરીને દીર બાલા પાકિસ્તાનનો અંતરિયાળ જિલ્લો છે. આ જિલ્લાની એક સરહદ અફઘાનિસ્તાનને મળે છે.

સામાન્ય રીતે બન્ને દેશ એક બીજાના નાગરિકોને વિઝા આપતાં બહુ ઓછાં શહેરો સુધી જવાની પરવાનગી આપે છે.

તો આખરે અંજુ અને નસરુલ્લાહની આ કહાણી કેવી રીતે શરૂ થઈ. અંજુને પાકિસ્તાનના વિઝા કેવી રીતે મળ્યા અને દીર બાલા જિલ્લામાં જવાની પરવાનગી કેવી રીતે મળી?

બીબીસી ગુજરાતી

વિઝા લેવામાં લાગ્યાં બે વર્ષ

ભારત પાકિસ્તાન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નસરુલ્લાહે બીબીસીને કહ્યું કે થોડાં વર્ષો પહેલાં ફેસબૂક મારફતે તેમનો સંપર્ક ભારતનાં અંજુ સાથે થયો હતો.

મૂળતઃ ઉત્તર પ્રદેશના અંજુ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમના આગ્રહને ધ્યાને રાખીને તેમની અંગત માહિતીને અહીં ટૂંકમાં અપાઈ છે.

જ્યારે બીબીસીએ અંજુ સાથે વાત કરવાનો આગ્રહ કર્યો તો નસરુલ્લાહે બીબીસીને કહ્યું કે અંજુ અત્યારે મીડિયા સાથે વાત નથી કરવાં માગતાં.

નસરુલ્લાહ કહે છે કે,"આ સંપર્ક પહેલાં મિત્રતા અને ત્યાર બાદ પ્રેમમાં પરિવર્તિત થઈ ગયો. ત્યાર બાદ અમે બન્નેએ સાથે જીવન જીવવાનો નિર્ણય કર્યો."

નસરુલ્લાહ અનુસાર તેમના પરિવારજનો પણ આ નિર્ણયમાં તેમની સાથે છે.

પરંતુ આ પ્રવાસને શક્ય બનાવવો બન્ને માટે સરળ ન હતો. સરહદી વિસ્તારની સમસ્યા સિવાય એક સમસ્યા બન્ને દેશો વચ્ચે પાછલાં વર્ષોના તણાવપૂર્ણ સંબંધો પણ હતા. નસરુલ્લાહનું કહેવું છે કે અંજુ માટે પાકિસ્તાનના વિઝા લેવા ઘણા મુશ્કેલ હતા.

તે કહે છે, "અમારી નીયત સ્પષ્ટ હતી. જેના કારણે અમે બન્નેએ હિંમત ના હારી."

એક બાજુ અંજુ દિલ્હીમાં પાકિસ્તાની દૂતાવાસના ધક્કા ખાતાં રહ્યાં. જ્યારે નસરુલ્લાહ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં વિદેશ મંત્રાલય અને અન્ય ઑફિસના ધક્કા ખાતા રહ્યા.

નસરુલ્લાહનું કહેવું હતું "અંજુ ત્યાં ઑફિસરોને સમજાવતાં રહ્યાં અને હું અહીં ઑફિસરોને વિનંતી કરતો રહ્યો કે વિઝા અંજુનો અધિકાર છે અને જો અમે મળવા માગીએ છીએ તો અમને મળવા દે."

આખરે બન્નેના પ્રયત્નો સાકાર થયા. પણ ઑફિસર્સને સમજાવવામાં તમને બે વર્ષનો સમય લાગી ગયો.

ત્યાર બાદ અંજુને પાકિસ્તાનના વિઝા પણ મળ્યા. અને તેમને દીલ વાલા જવાની પરવાનગી પણ આપી દેવાઈ.

નસરુલ્લાહનું કહેવું છે કે પાકિસ્તાન અને બાદમાં દીર બાલા પહોંચવા માટે બધી જ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે.

તેઓ કહે છે કે, "અંજુ અને મેં વિઝા હાંસિલ કરવા માટે હજારો રૂપિયાનો ખર્ચો કર્યો છે. હવે એક વાર વિઝા મળી ગયા છે તો આશા છે કે આગળ પણ કોઈ સમસ્યા નહીં થાય."

બીબીસી ગુજરાતી

‘ભવિષ્યનો નિર્ણય લગ્ન કર્યાં બાદ કરીશું’

સીમા હૈદર

ઇમેજ સ્રોત, SHAHNAWAZ/BBC

નસરુલ્લાહ કહે છે કે "અંજુ ભારતમાં પોતાની કંપનીમાંથી રજા લઈને પાકિસ્તાન આવ્યાં છે. ભારત પાછાં જઈને તેઓ નોકરી કરશે."

તેમણે કહ્યું, "અંજુ અત્યારે મારા ઘરે રહે છે. અહીં તે બિલકુલ શાંતિ અને આરામથી રહે છે. પણ આ સમાચારો સામે આવ્યા બાદ મીડિયાની ઉપસ્થિતિથી તેઓ ખુશ નથી."

"બહુ મોટી સંખ્યામાં મીડિયા અને લોકો અહીં એકઠા થાય છે. હું બધાંને કહું છું કે જરૂરી હશે તો હું ખુદ મીડિયાને જણાવીશ. હું નથી ઇચ્છતો કે અમારા સંબંધોને કોઈ સમસ્યાની દૃષ્ટીએ જોવે."

"અમારા સંબંધોમાં ધર્મ સામેલ નથી. અંજુ ધર્મપરિવર્તન કરશે કે નહીં તે તેમનો નિર્ણય હશે. અને હું તેમના નિર્ણયનું સન્માન કરીશ. એવી જ રીતે જેમ કે તેઓ મારા નિર્ણયનું સન્માન કરે છે."

નસરુલ્લાહનું કહેવું હતું કે તેમના સંબંધોથી અંજુના પરિવારને પણ કોઈ સમસ્યા નથી.

તેઓ જણાવે છે કે,"એટલા માટે હું કહું છું કે અમારી અંગત વાતોનું સન્માન કરવું જોઈએ. અમારા સંબંધોને તમાશો ન બનાવાય. અમે એ બિલકુલ નથી ઇચ્છતા."

બીબીસી ગુજરાતી

અંજુએ પાકિસ્તાનથી શું કહ્યું?

ભારત પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Ravinder Singh Robin

ભારતથી પાકિસ્તાન આવ્યાં બાદ સતત ચર્ચામાં રહેલાં અંજુએ બીબીસીને એક વીડિયો સંદેશ મોકલ્યો છે.

અંજુ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહ રાજ્યના દીર બાલામાં છે.

અંજુએ કહ્યું, "હું બધાને એ સંદેશ આપવાં માગું છું કે હું અહીં કાયદાકીય રીતે આવી છું. હું આયોજનપૂર્વક આવી છું. બે દિવસની વાત નથી કે હું અચાનકથી આવી ગઈ છું."

નસરુલ્લાહે રવિવારે બીબીસી સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે ‘અંજુ તેમની સાથે સગાઈ કરવાં આવ્યાં છે.’

જોકે, અંજુએ પોતાના વીડિયો સંદેશમાં એ અંગે કોઈ વાત નથી કરી. તેમણે કહ્યું કે તેઓ પાકિસ્તાનમાં સુરક્ષિત છે.

અંજુએ કહ્યું, "હું અહીં સુરક્ષિત છું. કોઈ સમસ્યા નથી. જેવી રીતે હું આવી હતી એ જ રીતે જવાની મારી પ્રક્રિયા છે. હું હવે પાછી પણ આવી રહી છું. બે-ત્રણ દિવસમાં હું આવી જઈશ."

તેમણે એ વિનંતી કરી કે તેમને લઈને તેમના પરિવાર અને બાળકોને પરેશાન ન કરવામાં આવે.

તેમણે ઊમેર્યું, "મારી સૌને અને મીડિયાને એ જ વિનંતી છે કે પ્લીઝ સંબંધીઓ અને મારાં બાળકોને હેરાન ન કરો. જે પણ વાત કરવી હોય મારી સાથે કરો."

બીબીસી ગુજરાતી

અંજુના પતિએ શું કહ્યું?

અંજુનાં ભારતમાં પહેલેથી જ લગ્ન થઈ ચૂક્યાં છે.

તેમના પતિ અરવિંદે બીબીસીના સહયોગી પત્રકાર મોહરસિંહ મીણાને કહ્યું, "અંજુ 21 જુલાઈએ જયપુર જવાનું કહીને ઘરેથી જતી રહી હતી. ત્યાર બાદ અમારી વ્હૉટ્સઍપ પર વાત થઈ રહી હતી."

"23 જુલાઈએ સાંજે દિકરાની તબિયત ખરાબ થતાં મેં અંજુને પૂછ્યું કે તે ક્યારે પરત આવશે તો અંજુએ કહ્યું કે તે પાકિસ્તાનમાં છે અને જલદી પાછી આવી જશે."

અરવિંદે કહ્યું, "અંજુએ પાકિસ્તાન જવા અંગે કોઈને જાણ પણ ન થવા દીધી. તે માત્ર જયપુર જવાનું કહીને ગઈ હતી."

"અંજુએ ઘણા સમય પહેલાં પાસપોર્ટ બનાવી લીધો હતો. તેની જાણકારી અમને જરૂર હતી."

તેમણે ઉમેર્યું, "વર્ષ 2007માં અમારાં લગ્ન થયાં હતાં. અમારાં બે બાળકો પણ છે. એક દીકરી 15 વર્ષની છે. અને એક દીકરો છે. બન્ને સ્કૂલે જાય છે."

અરવિંદે કહ્યું, "અંજુ ભિવાડીમાં જ એક કંપનીમાં કામ કરે છે. નજીકની જ અન્ય એક કંપનીમાં હું પણ કામ કરું છું."

બીબીસી ગુજરાતી

‘અંજુ પખ્તૂનોનાં મહેમાન છે ’

ભારત પાકિસ્તાન

ખૈબર પખ્તૂનખ્વાહમાં એક ભારતીય મહિલાની ઉપસ્થિતિથી એ વિસ્તારના લોકો પણ ખુશ છે. પરંતુ વાતાવરણ અને હાલની સ્થિતિ તેમના સ્વાગતની તૈયારીઓના રસ્તામાં અવરોધ બની ગયા છે.

નસરુલ્લાહના સ્થાનિક ક્ષેત્રના રાજકીય અને સામાજિક અગ્રણી ફરીદુલ્લાહે બીબીસીને કહ્યું "અંજુ જુમ્મા (શુક્રવાર)ના દિવસે સવારના સમયે પહોંચ્યા ત્યારે અહીં ભારે વરસાદ પડી રહ્યો હતો."

"વિસ્તારના લોકો આતુરતાથી તેમની રાહ જોઈ રહ્યા હતા. અમારો વિચાર હતો કે અમે શનિવારે શાનદાર સ્વાગત સમારોહનું આયોજન કરીએ પણ દુર્ભાગ્યવશ એક વ્યક્તિનું મોત થઈ ગયું."

"હવે અમે આ સ્વાગત સમારોહનું આયોજન પછીથી કરીશું."

ફરિદુલ્લાહનું કહેવું છે, "અંજુ પખ્તૂનોનાં મહેમાન છે. તેઓ ઇચ્છે ત્યાં સુધી અહીં રહી શકે છે. તેમને કોઈ જ તકલીફ કે પરેશાની નહીં થાય. અમે એ વાતનું ધ્યાન રાખીશું કે તેમને અમારાથી કોઈ જ તકલીફ ન થાય. અને તેમને બધી જ સુવિધા મળી રહે."

તેમણે કહ્યું, "અમારા વિસ્તારમાં ખુશીનો માહોલ છે. અમારાં ઘરોની મહિલાઓ સતત અંજુને મળવા આવી રહી છે. તેમને ભેટ આપી રહી છે. મહિલાઓ તેમને વિશ્વાસ પણ અપાવી રહી છે તે કોઈ પણ વાતની ચિંતા ના કરે."

દીર બાલાના ડીપીઓ, મોહમ્મદ મુશ્તાક અનુસાર અહીં પહોંચેલાં અંજુના વિઝાનાં કાગળિયાંની પોલીસે તપાસ કરી છે. અને તે સાચાં હોવાનું જાણવા મળ્યું છે. તેમણે કહ્યું કે અંજુને એક મહિનાના વિઝા અપાયા છે. અને આ દરમિયાન તેમને દીર બાલામાં રહેવાની પણ પરવાનગી અપાઈ છે.

તેમનું કહેવું છે કે "પોલીસે રવિવારે સાંજે નસરુલ્લાહ અને અંજુને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ઔપચારિક પૂછપરછ માટે બોલાવ્યાં હતાં."

મોહમ્મદ મુશ્તાકે કહ્યું, "આ ઔપચારિક વાતચીત બધાં જ વિદેશીઓ સાથે થાય છે. તેમની સાથે વાત કરવા અને ઇન્ટરવ્યૂ કર્યાં બાદ તેમને પાછાં જવાની પરવાનગી પણ અપાય છે."

તેમણે કહ્યું,"પોલીસ અંજુને બધી જ સુરક્ષા આપશે. અને તેમની સાથે-સાથે તેમની ગોપનીયતાનું પણ ધ્યાન રખાશે."

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી