પાકિસ્તાની પતિ છોડીને ભારતમાં પ્રેમી સાથે રહેનાર સીમાના પ્રથમ પ્રેમ અને લગ્નની કહાણી

ઇમેજ સ્રોત, SHAHNAWAZAHMAD/BBC
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
પઠાન અને રૂબિના મોહસિન (પઠાન) તારાસિંહ તથા સકિના (ગદર : એક પ્રેમકથા, ગદર 2), વીર સાથે ઝારા (વીર-ઝારા), એજન્ટ વિનોદ અને ઇરામ પરવીન (એજન્ટ વિનોદ), અવિનાશ રાઠોડ જોડે ઝોયા હુમાની (એક થા ટાઇગર અને ટાઇગર ઝિંદા હૈ.) આ બધાં બોલીવૂડની એવી ફિલ્મો અને પાત્રોનાં નામ છે, જેમણે ભારતીય યુવક અને પાકિસ્તાની યુવતીનાં પ્રેમને રિલ લાઇફમાં રૂપેરી પડદે કંડાર્યાં છે.
જોકે, છેલ્લા કેટલાક દિવસથી સચીન મીણા અને સીમા રિંદ હૈદરની રિયલ લાઇફની પ્રેમકહાણીની ચર્ચા ભારતીય અને પાકિસ્તાની મીડિયામાં થઈ રહી છે. બંનેની સ્ટોરીમાં પ્રેમ, સમાજ અને પરિવારનો વિરોધ, સસ્પેન્સ, વિયોગ, લગ્નેત્તર સંબંધ, બે દેશોની દુશ્મનાવટ જેવાં તત્ત્વો છે, જે આ સફળ ફિલ્મોમાં પણ હતાં અને કદાચ એટલે જ જનતાને પણ આ સરહદપારની પ્રેમકહાણીમાં રસ પડી રહ્યો છે.
સીમા તેમનાં ચાર સંતાનો સાથે સરહદ પાર કરીને નેપાળના રસ્તે ભારત આવી ગયાં છે અને સચીન તથા મીણા પરિવારે તેમને સ્વીકારી પણ લીધાં છે. સીમાએ હિંદુ ધર્મ અંગીકાર કરી લીધો છે.
ગુલામ હૈદર સંતાનો સાથે સીમાને ફરી પાકિસ્તાન લઈ જવાની વાત કહી રહ્યા છે, જોકે, સચીન અને સીમા વિયોગ કરતાં મોતને વહાલું કરવાની વાત કહે છે. સીમા પોતે પાકિસ્તાન જવાની વાતને નકારે છે અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને સંતાનો સાથે સચીનના ઘરમાં જ રહેવાની વાત કહે છે.
જોકે, સીમાનાં જીવનમાં સચીન પહેલો પ્રેમ નથી. ગુલામ હૈદર અને સીમા રિંદના લગ્ન થયાં એ પહેલાં પણ તેમનાં જીવનમાં એક શખ્સ હતા, પરંતુ તેમની સાથેનો પ્રેમસંબંધ નિકાહરૂપી અંજામ સુધી નહોતો પહોંચી શક્યો.

17 વર્ષે સેવેલાં સોણલાં

સીમા હૈદરનું જન્મનું નામ સીમા રિંદ છે અને તેમનું કહેવું છે કે તેમની ઉંમર 27 વર્ષની છે. જોકે સરકારી ચોપડે તેમની ઉંમર માત્ર 21 વર્ષની છે અને તેમનો જન્મ પહેલી જાન્યુઆરી 2002ના રોજ થયો છે.
સીમા મૂળતઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતના ખૈરપુર જિલ્લાનાં રહેવાસી છે, જ્યાંનો ખજૂર ખૂબ જ વખણાય છે. વિભાજન સમયે પાકિસ્તાન સાથે જોડાનાર આ સૌથી છેલ્લું રજવાડું હતું.
સીમાનું કહેવું છે કે તેમનો પિયરપક્ષ ગરીબ હતો. પરિવારમાં એક મોટી બહેન, એક નાની બહેન અને ભાઈ છે. ભાઈ વર્ષ 2022થી પાકિસ્તાની સેનામાં નોકરી કરે છે. મોટાં બહેનના નિકાહ તેમના જ મામાના દીકરા સાથે થયા છે. જેઓ સીમાના ઘરની પાસે જ રહેતાં. તેઓ સીમાની વધુ નજીક છે. જ્યારે નાનાં બહેન તેમના ભાઈ સાથે રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સીમાનું કહેવું છે, "હું વર્ષ 2013માં કોઈને પસંદ કરતી હતી. આ વાત મારા પરિવારને ગમતી નહોતી, ગુલામ હૈદર સાથે મારાં લગ્ન સમયે મારી ઉંમર માત્ર 17 વર્ષ હતી."
સીમા એવા વિસ્તારમાં રહેતાં, જયાં છોકરીઓ મોટા ભાગે પ્રેમનો મુક્તપણે એકરાર નથી કરી શકતી. દર વર્ષે સાર્વજનિક રીતે પ્રેમનો એકરાર કરવાના આરોપ સબબ ડઝનબંધ છોકરીઓને મારી નાખવામાં આવે છે અને તેના અહેવાલ મીડિયામાં પણ આવે છે.

ગુલામ હૈદર સાથે પ્રેમ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુલામ હૈદર મૂળે પાકિસ્તાનના જાકોબાબાદના રહેવાસી છે, અંગ્રેજ સૈન્ય અધિકારી જોન જેકોબના નામ પરથી તેનું નામ મળ્યું છે. સીમા અને ગુલામ હૈદર બંને બલૂચ છે.
ગુલામ હૈદરના જણાવ્યા અનુસાર મિસ્ડ કૉલનો જવાબ આપવાના ક્રમમાં તેઓ સીમા રિંદના સંપર્કમાં આવ્યા હતા. બંને વચ્ચે વાતચીતનો ક્રમ શરૂ થયો. આગળ જતાં બંનેએ પ્રેમની કબૂલાત કરી. જોકે, સીમા આ પ્રેમનો ઇન્કાર કરે છે.
નિકાહ કરવામાં આવનારી મુશ્કેલીઓને જોતાં સીમાએ તેમનું ઘર છોડી દીધું અને ફેબ્રુઆરી-2014માં કોર્ટમાં ગુલામ હૈદર સાથે નિકાહ કર્યા. આ બાબત પંચાયત સુધી પહોંચી અને ગુલામ હૈદરના પરિવારે દંડ ભરવો પડ્યો.
સીમાના કહેવાથી તેઓ કરાચી આવી ગયા. સીમા અને ગુલામ હૈદર ત્રણ દીકરીઓ અને એક દીકરાનાં માતાપિતા બન્યાં. ગુલામ હૈદર કરાચીમાં રીક્ષા ચલાવતા. વર્ષ 2019માં તેઓ સાઉદી અરેબિયા ગયા, જ્યાં તેઓ નોકરી કરે છે. છેલ્લાં સાડા ત્રણેક વર્ષથી તેઓ કરાચીના ગુલિસ્તાં-એ-જોહર વિસ્તારના ધાની બક્ષ ગોઠા ગામ ખાતે ભાડાના મકાનમાં ત્રીજા માળે રહેતાં.
શરૂઆતના સમયમાં સીમાનાં પિતા, બહેન અને ભાઈ સાથે રહેતાં અને અડધું ભાડું સીમાના અબ્બા ભરતા. જોકે, આ મુદ્દે તેમની વચ્ચે તકરારો પણ થતી.
આ વર્ષે જ ગુલામ હૈદરે તેમનાં સંતાનોના ઓનલાઇન નેશનલ આઇડેન્ટિટી કાર્ડ પણ કઢાવ્યાં હતાં અને બકરી ઈદ પછી તેઓ મળવાનાં હતાં. બંને વચ્ચે તલાક થયા હોવાની વાત ગુલામ હૈદર નકારે છે અને સંતાનોને પાકિસ્તાન પરત મોકલી દેવા મીડિયા મારફત અપીલ કરે છે.
સચીનનું કહેવું છે કે તેઓ જેમ સીમાને પ્રેમ કરે છે, એમ તેમનાં સતાનોને પણ પ્રેમ કરે છે અને તેમની સંભાળ રાખે છે.

એ દિવસે દેશ-પરિવારમાં અંધાધૂંધી

મોટી બહેનના નિકાહ અને ભાઈની સેનામાં ભરતી પછી સીમાના પિતા જ તેમની સાથે રહ્યા. જેમનું ગત વર્ષે અવસાન થઈ ગયું.
બીબીસી ઉર્દૂ સાથેની વાતચીતમાં સીમાના સસરા મીરજાન જખરાનીએ આરોપ લગાવ્યો છે કે તેઓ ઘરેથી નીકળતી વખતે સાત લાખ રૂપિયા અને સાત તોલા સોનું લઈને ગયાં છે. પાકિસ્તાનના કરાચી શહેરના મલીર કૅન્ટ પોલીસ સ્ટેશનમાં સીમા અને તેમનાં ચાર સંતાનોના ગુમ થવા વિશે પોલીસફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
ફરિયાદ પ્રમાણે, સીમાએ ઘર વેચીને સામાનને એક ભાડાના ઘરમાં રખાવી દીધો હતો. ઘરધણીએ તેમને સીમાના ગામડે જવાની તથા અમુક દિવસમાં પરત આવવાની વાત કહી, પરંતુ ગામડે તપાસ કરતાં, તેઓ પહોંચ્યાં ન હતાં.
આ આરોપોના જવાબ આપતાં સીમા કહે છે કે, "મેં આવું કર્યું નથી. તેઓ એટલા પૈસા અને હેસિયતવાળા નથી. મારી પાસે મારી માતાનું સોનું છે. જે મેં કાન અને હાથમાં પહેરી રાખ્યું છે. જે દહેજમાં મળ્યું છે, એ લઈ આવી છું. જે મારાં મમ્મીની નિશાની હતી."
સીમાનું કહેવું છે કે ગુલામ હૈદરને સાઉદી મોકલવા માટે તેમણે પોતાનું સોનું આપ્યું હતું અને તેઓ જે પૈસા મોકલતા તેમાંથી બચત કરી હતી.
સીમાના ઘરધણી મંજૂર હુસૈનનું કહેવું છે કે સીમા તેમને 'અબ્બુ' કહેતાં અને હુસૈન પણ તેમને 'દીકરી' માનતા. સીમા વિશે વાત કરતાં તેમની આંખો પણ ભીની થઈ જાય છે.

ગુલામ હૈદરનું કહેવું છે કે સચીન દ્વારા તેમનાં પત્ની ઉપર દબાણ લાવવામાં આવ્યું છે અને સીમાને બ્લૅકમેલ કરવામાં આવી રહ્યાં છે. જોકે, સીમાએ બીબીસી સાથેની વાતચીત દરમિયાન તેમના ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ હોવાની વાતને નકારી હતી.
સીમાનું કહેવું છે કે તેમણે સ્વેચ્છાએ હિંદુ ધર્મ અંગીકાર કર્યો છે અને તેઓ પોતાની મરજીથી સચીન સાથે રહેતાં હોવાનું જણાવ્યું હતું, તેમનું કહેવું છે કે તેઓ પોતે અને તેમનાં સંતાનો સચીન સાથે ખુશ છે.
સીમાનું કહેવું છે, "પાકિસ્તાનમાં પણ 18 વર્ષની યુવતીને કોઈ પણ નિર્ણય લેવાની પરવાનગી છે. હું આજે 27 વર્ષની છું. હું મારા જીવનનો નિર્ણય લઈ શકું છું. એવું પણ નથી કે હું મહિલા છું એટલે પુરુષ સાથે તલાક ન લઈ શકું."
"અમારી લેખિત તલાક થઈ નથી, જુબાની તલાક થઈ છે. પાકિસ્તાનમાં મૌખિક તલાક હજુ પણ ચાલે છે. હું પ્રયાસ કરીશ કે ભારતથી તેમને નોટિસ મોકલી દઉં. હું અહીં રહીને તેમને છૂટાછેડા આપવા તૈયાર છું."
સિંધ પ્રાંતના સીએમ સ્પેશિયલ આસિસ્ટન્ટ વીરજી કોહલીએ બીબીસીને કહ્યું, ''કાયદાકીય રીતે છોકરીનું નિવેદન જ માન્ય છે. બસ છોકરી પુખ્ત વયની હોવી જોઈએ. એવામાં જો કોઈ ધર્મ બદલે અને લગ્ન કરે તો અમે તે પુખ્ત વયના લોકોને કંઈ પણ ન કહી શકીએ."
9 મેના દિવસે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી તહેરિક-એ-ઇન્સાફનાં કાર્યકરો અને સશસ્ત્રબળો વચ્ચે હિંસક અથડામણો થઈ. એ પછી ત્યાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો.
આથી, સાઉદીમાં રહેતા ગુલામ હૈદર તેમની પત્નીનો સંપર્ક ન કરી શક્યા અને તેમણે ખબર કાઢવા માટે પોતાના પિતાને મોકલ્યા. ત્યારે સીમા ગુમ થયાં હોવાનું બહાર આવ્યું હતું.

સીમા, સચીન અને સરહદ

ગુલામ હૈદરના ગયા પછી સમય પસાર કરવા માટે સીમા મોબાઇલ ગેમ્સ રમવા લાગ્યાં અને આમ જ તેમની ઓળખાણ યુપીના સચીન મીણા સાથે થઈ હતી.
સીમા કહે છે કે, "અમારી પ્રેમકહાણીની શરૂઆત પબજી રમવાથી થઈ. સચીન જૂના ખેલાડી હતા અને હું નવી. 'પબજી' પર મારું નામ મારિયા ખાન હતું. સચીને મને ગેમ રમવાની રિક્વેસ્ટ મોકલી હતી."
સચીન ગેમ રમવા માટે ઓનલાઇન આવતા, સીમાને મૅસેજ કરતાં, 'ગુડ મૉર્નિંગ, તુમ ભી આઓ જી.'
ચીન સાથેના સંબંધોમાં તણાવને પગલે સપ્ટેમ્બર-2020માં ભારત પબજી ઉપર પ્રતિબંધ મૂકવાનું હતું, પરંતુ એ પહેલાં ગેમ રમતાં-રમતાં સચીન અને સીમાએ નંબરની આપલે કરી લીધી હતી. બંને વચ્ચે દિવસ-રાત કલાકો સુધી વાતો થવા લાગી.
સીમા કહે છે કે, "ત્રણ-ચાર મહિના ગેમ રમ્યા બાદ અમે મિત્ર બની ગયાં. હું વીડિયો કૉલ પર તેમને પાકિસ્તાન બતાવતી અને તેઓ મને ભારત બતાવતા હતા. તેઓ એ વાતે ખુશ થતા હતા કે પાકિસ્તાન જોઈ રહ્યા છે અને હું એ વાતે ખુશ થતી હતી કે હું ભારત જોઈ રહી છું. અન્ય દેશનો માણસ તમારી સાથે વાત કરે ત્યારે ખુશી તો થાય જ ને."
"વધારે ખુશી એ વાતની હતી કે હું ભારતના કોઈ યુવક સાથે વાત કરી રહી હતી. આ જ પ્રકારે અમારી વાતો આખી-આખી રાત થવા લાગી. તેની આદત પડી ગઈ અને પ્રેમ થઈ ગયો."
ત્રણેક વર્ષમાં આકર્ષણ ચરમ ઉપર પહોંચી ગયું. એક સમય આવ્યો કે સીમાએ તેમના ખાવિંદ ગુલામ હૈદરને છોડીને સચીન સાથે રહેવાનું નક્કી કરી લીધું. બંનેએ દુબઈમાં મળવાની યોજના વિચારી હતી, પરંતુ સચીન પાસે પાસપોર્ટ ન હતો. ભારતીય નાગરિક પાસપોર્ટ વગર નેપાળની મુલાકાત લઈ શકે છે, એટલે બંનેએ ત્યાં જ મળવાનું નક્કી કર્યું.
સીમાએ ટુરિસ્ટ વિઝા કઢાવ્યા અને શારહજાની ફ્લાઇટમાં બેસી નેપાળ પહોંચ્યાં. પહેલી વાર ફ્લાઇટમાં બેસવાની ફડક પણ હતી અને સચીનને મળવાની ઉત્કંઠા પણ હતી. બંનેએ ત્યાંની હોટલમાં રૂમ ભાડે રાખ્યો અને પશુપતિનાથ મંદિરમાં લગ્ન કરી લીધાં. બંને ત્યાં સાત દિવસ માટે સાથે રહ્યાં અને ફર્યાં.
સીમા પાકિસ્તાન પરત જતાં રહ્યાં, પરંતુ હવે તેમનું મન ત્યાં લાગતું ન હતું. બે મહિના પછી સીમાએ હંમેશાં માટે તેમનાં બાળકો સાથે પાકિસ્તાન છોડવાનો નિર્ણય કર્યો. તેમણે પોતાનું ઘર રૂ. 12 લાખમાં વેચી દીધું.
તેમણે નેપાળના બે મહિનાના પોતાના અને બાળકોના વિઝા કઢાવ્યા. બાળકો સાથેની બીજી સફર ખેડવા માટે તેમણે 10મી મેની તારીખ પસંદ કરી. સીમાને વિશ્વાસ હતો કે આ તારીખ તેમના માટે મુબારક સાબિત થશે, કારણ કે તા. 10મી માર્ચે જ તેઓ પ્રથમ વખત સચીનને મળ્યાં હતાં. 11મીએ તેઓ કાઠમાંડુ પહોંચ્યાં અને ત્યાંથી 28 કલાકની સફર ખેડી બસ મારફત ભારત પહોંચ્યાં અને તા. 13મી મેના સવારે તેમની અને સચીનની ફરી મુલાકાત થઈ.
બંનેએ લગ્ન કરવા માટે પ્રયાસ કર્યાં, પરંતુ આમ કરવા જતાં સીમા પાકિસ્તાની નાગરિક હોવાનું છત્તું થઈ ગયું અને પોલીસ કાર્યવાહીમાં ચોથી જુલાઈએ તેમની હરિયાણાથી ધરપકડ થઈ. તેમની ઉપર પાકિસ્તાની જાસૂસ હોવાના આરોપ પણ લાગ્યા. જોકે, ઝેવરની અદાલતે બંનેને જામીન આપ્યા અને દેશ નહીં છોડવાનો આદેશ કર્યો છે.
સચીન અને સીમા એકબીજાના વિયોગ કરતાં મોતને વહાલું કરવાની વાત કરે છે. હાલમાં સીમા તેમનાં ચાર સંતાનો સાથે ગ્રેટર નોઇડાના રબુપુરા ખાતેના સચીન મીણાના ઘરમાં રહે છે. સચીનના પિતા નેત્રપાલ મીણાનું કહેવું છે, "હવે બધું સારું છે, બાળકો ખુશ છે."














