PUBG Love Story: સીમા હૈદરના ગળામાં 'રાધે-રાધે'નો દુપટ્ટો અને મંગળસૂત્ર, સચીનના ઘરમાં 'જય શ્રીરામ'ના નારા - ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, SHAHNAWAZAHMAD/BBC
- લેેખક, અભિનવ ગોયલ
- પદ, બીબીસી સંવાદદાતા
ગળામાં 'રાધે-રાધે'નામનો દુપટ્ટો અને મંગળસૂત્ર. હાથમાં લાલ બંગડીઓ અને માથા પર લાલ બિંદી.
બે રૂમના ઘરમાં પત્રકારોના કૅમેરા અને માઇકથી ઘેરાયેલાં સીમા હૈદર આત્મવિશ્વાસ સાથે સવાલોના જવાબ આપી રહ્યાં છે.
સાથે તેમના પ્રેમી સચીન મીણા પણ ખુરશી પર બેઠા છે. દેશની મોટી ન્યૂઝ ચૅનલોના ઍન્કર, રિપોર્ટરથી લઈને ડઝનો યૂ-ટ્યૂબર સીમા સાથે વાત કરવા માટે રાહ જોઈ રહ્યા છે.
ઘરમાં જામેલા ટોળા વચ્ચે સીમાનાં ચાર બાળકો સરળતાથી ઓળખાઈ જતાં હતાં. કેટલાક પત્રકારો આ બાળકો પાસે 'હિન્દુસ્તાન જિંદાબાદ'ના નારા લગાવડાવી શૂટ કરી રહ્યા હતા.
વચ્ચે-વચ્ચે મહોલ્લાની કેટલીક મહિલાઓ અને હિન્દુવાદી સંગઠનોના લોકો પણ મળવા આવી રહ્યાં છે.
એ લોકો સીમાને આશીર્વાદ આપીને તેમના હાથમાં અમુક પૈસા પકડાવી રહ્યા છે અને તેમની સાથે ફોટો પડાવી રહ્યા છે.
આ માહોલ વચ્ચે ઘરમાં 'જય શ્રીરામ'ના નારા પણ સંભળાઈ રહ્યા છે, ત્યારે કેટલાક લોકો સીમાને ઘરમાં લાગેલા તુલસીના છોડને પણ પાણી આપવાનું કહે છે.
આ દૃશ્ય ઉત્તર પ્રદેશમાં ગ્રેટર નોઇડાના રબુપુરાસ્થિત સચીન મીણા ઘરનું છે. બંનેને જામીન મળ્યા પછી અહીં લોકોની ભીડ જામેલી છે. સવારથી પડી રહેલા ભારે વરસાદ વચ્ચે બીબીસી હિન્દીની ટીમ પણ સીમા હૈદર અને સચીન મીણાને મળવા પહોંચી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘરમાં પ્રવેશતાં જ પલંગ પર બેઠેલા સચીનના પિતા નેત્રપાલ મીણા હાથ જોડીને ઊભા થઈ જાય છે અને કહે છે, 'હવે બધું સારું છે, બાળકો ખુશ છે.'
કેટલાક કલાકની રાહ જોયા બાદ સીમા અને સચીન સાથે વાત કરવાનો મોકો મળ્યો.
અંદાજે 20 મિનિટની વાતચીતમાં બંનેએ મિત્રતા સાથે શરૂ થયેલા પ્રેમ, ગેરકાયદેસર ભારતમાં પ્રેવશ, જાસૂસીના આરોપ, લગ્ન, હિન્દુ ધર્મમાં સામેલ થવાથી લઈને લોકોનાં મનમાં ઊઠી રહેલા તમામ સવાલોના જવાબ આપ્યા હતા.

પબજીનાં બે ખેલાડી

ઇમેજ સ્રોત, SHAHNAWAZAHMAD/BBC
પાકિસ્તાનનાં સીમા હૈદરનાં લગ્ન વર્ષ 2014માં જાકોબાબાદમાં રહેતા ગુલામ હૈદર સાથે થયાં હતાં.
આ લગ્ન બાદ તેમને ચાર બાળકો થયાં હતાં. ત્યાર પછી બંને કરાચી શિફ્ટ થઈ ગયાં હતાં અને વર્ષ 2019માં ગુલામ હૈદર કામ માટે સાઉદી અરેબિયા જતા રહ્યા હતા.
આ એ સમય હતો જ્યારે ઑનલાઇન ગેમ દ્વારા સીમાની વાતચીત સચીન મીણા સાથે શરૂ થઈ હતી.
સીમા કહે છે કે, "અમારી પ્રેમકહાણીની શરૂઆત પબજી રમવાથી થઈ. સચીન જૂના ખેલાડી હતા અને હું નવી. 'પબજી' પર મારું નામ મારિયા ખાન હતું. સચીને મને ગેમ રમવાની રિક્વેસ્ટ મોકલી હતી."
"ગેમ રમતાં-રમતાં અમે નંબરની આપ-લે કરી હતી. જ્યારે પણ સચીન ગેમ રમવા માટે ઑનલાઇન આવતા, ત્યારે મને મૅસેજ કરતા હતા,'ગુડ મૉર્નિંગ, તુમ ભી આઓ જી.'"

રમત-રમતમાં મિત્રતા
સીમા કહે છે કે, "ત્રણ-ચાર મહિના ગેમ રમ્યાં બાદ અમે મિત્ર બની ગયાં. હું વીડિયો કૉલ પર તેમને પાકિસ્તાન બતાવતી અને તેઓ મને ભારત બતાવતા હતા. તે ખુશ થતા હતા કે હું પાકિસ્તાન જોઈ રહ્યો છું અને હું ખુશ થતી હતી કે હું ભારત જોઈ રહી છું. અન્ય દેશનો માણસ તમારી સાથે વાત કરે ત્યારે ખુશી તો થાય જ ને."
"વધારે ખુશી એ વાતની હતી કે હું ભારતના કોઈ યુવક સાથે વાત કરી રહી હતી. આ જ પ્રકારે અમારી વાતો આખી-આખી રાત થવા લાગી. તેની આદત પડી ગઈ અને પ્રેમ થઈ ગયો."
પ્રેમ, પરવાન ચઢ્યો, ત્યારે સીમાએ સચીનને મળવાનું નક્કી કર્યું, પરંતુ તે સીમા માટે સરળ નહોતું.
સીમા હૈદર કહે છે કે, "એવું નથી કે હું પાકિસ્તાનને નફરત કરું છું, હું ત્યાં રહી છું, ત્યાં જ મારું બાળપણ વીત્યું છે. મારાં ભાઈ-બહેન, મમ્મી-પપ્પા બધાં ત્યાંનાં જ છે. મારાંં માતા-પિતાની કબર ત્યાં જ છે."
"જિંદગી એક જ વાર મળે છે. કેટલાંક વર્ષો પછી વૃદ્ધત્વ અને ત્યારબાદ મૃત્યુ. મારા પપ્પાનું મોત મેં મારી આંખો સામે જોયું છે, અંતે મેં મારા પ્રેમની પસંદગી કરી."

પ્રેમ માટે પ્રથમ ઉડાન

ઇમેજ સ્રોત, SHAHNAWAZAHMAD/BBC
પોતાના પ્રેમને મળવા માટે સીમા હૈદરે નેપાળ પસંદ કર્યું, પરંતુ તેને પસંદ કરવા પાછળનું એક ખાસ કારણ હતું.
સીમા કહે છે કે, "અમે દુબઈમાં પણ મળી શકતાં હતાં, પરંતુ સચીન પાસે પાસપોર્ટ ન હતો. અમને ખબર પડી કે ભારતના લોકો પાસપોર્ટ વગર નેપાળ જઈ શકે છે, ત્યારે અમે નેપાળમાં મળવાનું નક્કી કર્યું."
મુલાકાતનો સમય અને સ્થળ નક્કી થયા, સીમાએ નેપાળનાં ટુરિસ્ટ વીઝા લીધાં અને શારજાહ થઈને કાઠમાંડુ પહોંચ્યાં હતાં.
સીમા કહે છે કે, "પહેલી વાર હું 10 માર્ચ 2023ના રોજ પાકિસ્તાનથી નીકળી અને સાંજે કાઠમાંડુ પહોંચી ગઈ. હું પહેલીવાર પ્લેનમાં જઈ રહી હતી. પ્લેન ઊડ્યું, ત્યારે હું સાવ બહેરી થઈ ગઈ હતી."
"મને ખબર નહોતી પડતી કે કાનમાં દુખાવો કેમ થઈ રહ્યો છે? પાસે બેઠેલા લોકોને મેં પૂછ્યું કે કાનમાં દુખાવો કેમ થઈ રહ્યો છે? ત્યારે તેમણે કહ્યું કે આ નૉર્મલ છે, પ્લેન ઊડતી વખતે દુખાવો થાય જ."

નેપાળમાં લગ્ન, હિન્દુ ધર્મનો સ્વીકાર

ઇમેજ સ્રોત, SEEMA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પહેલાંથી જ સચીન કાઠમાંડુમાં સીમાની રાહ જોઈ રહ્યા હતા. સચીનના જણાવ્યા અનુસાર, તેમણે ન્યૂ બસ પાર્ક વિસ્તારમાં આવેલી ન્યૂ વિનાયક હોટલમાં એક રૂમ ભાડે લીધી હતી, જેના માટે તેઓ રોજ હોટલ માલિકને 500 રૂપિયા આપી રહ્યા હતા.
સીમા હૈદરનાં ઇન્સ્ટાગ્રામ પર તાજેતરના ઘણા એવા વીડિયો છે જેમાં બંને કાઠમાંડુના રસ્તા પર ફરતાં જોવા મળે છે. આ સમયે જ બંનેએ એક મોટો નિર્ણય લીધો હતો.
સીમા કહે છે કે, "અમે 13 માર્ચે કાઠમાંડુમાં પશુપતિનાથ મંદિરમાં લગ્ન કર્યાં. એક ટૅક્સીવાળા ભાઈની મદદથી અમે બંને લગ્ન કરી શક્યાં. અમારી પાસે વીડિયો પણ છે... મેં જાતે હિંદુ ધર્મનો સ્વીકાર કર્યો છે. મારા પર કોઈએ દબાણ કર્યું નથી."
"ગુલામ હૈદર (સીમાનાં પતિ) વીડિયોમાં કહી રહ્યા છે કે મારું મગજ બગાડી નાખ્યું. એવું કોઈએ કર્યું નથી, હું મારી મરજીથી આવી છું. સચીનના પ્રેમમાં આવી છું. પ્રેમ માટે મેં હિંદુ ધર્મનો સ્વીકાર કર્યો છે."
લગ્ન તો થયાં, પરંતુ સીમા ભારત આવી ન શક્યાં, કારણ કે ચાર બાળકો કરાંચીમાં તેમની રાહ જોઈ રહ્યાં હતાં.
તેઓ લાહૌરમાં એક દરગાહ પર જવાનું બહાનું કાઢીને સચીનને મળવા નેપાળ આવ્યાં હતાં.

પ્રેમ માટે વેચ્યું ઘર

ઇમેજ સ્રોત, SHAHNAWAZAHMAD/BBC
સીમા પાકિસ્તાન પરત જતાં રહ્યાં, પરંતુ હવે તેમનું મન ત્યાં લાગતું ન હતું. બે મહિના પછી સીમાએ હંમેશાં માટે તેમનાં બાળકો સાથે પાકિસ્તાન છોડવાનો નિર્ણય કર્યો.
સીમા કહે છે કે,"મારી પાસે વધુ પૈસા ન હતા. મારા નામે એક ઘર હતું, જે મેં 12 લાખમાં વેચી દીધું. એ પૈસાથી મેં મારા અને બાળકોના નેપાળના વીઝા લીધા, જેની પર મારા અંદાજે 50 હજાર રૂપિયા ખર્ચાઈ ગયા."
આ વખતે સીમાનો ઇરાદો નેપાળ થઈને ભારત આવવાનો હતો. આ સફર માટે સીમાએ ફરીથી 10 મેની તારીખ પસંદ કરી.
તેમનું માનવું હતું કે આ તારીખ તેમનાં માટે લકી સાબિત થશે, કારણકે 10 મેના રોજ તેઓ પહેલી વાર તેઓ સચીનને નેપાળમાં મળ્યાં હતાં.
સીમા કહે છે કે, "બીજી વાર આવવું સરળ હતું, કારણકે ઍન્ટ્રી, ઍગ્ઝિટ અને કનેક્ટિંગ ફ્લાઇટની પહેલાંથી જાણ હતી."
"10 મેના રોજ હું મારાં બાળકો સાથે પાકિસ્તાનથી નીકળી અને 11 મેની સવારે કાઠમાંડુ પહોંચી, ત્યાર પછી ત્યાંથી પોખરા ગઈ અને આખી રાત ત્યાં જ રોકાઈ."
"12મીએ સવારે છ વાગ્યે મેં બાળકો સાથે દિલ્હીની બસ પકડી. મેં પતિ તરીકે સચીનનું નામ લખાવ્યું હતું."
"ટિકિટ બનાવનારે સચીન સાથે વાત પણ કરી હતી. અમે ત્રણ સીટ લીધી અને 13મીએ સવારે લગભગ 11 વાગ્યે ગ્રેટર નોઇડા પહોંચી ગઈ."
ત્યાં સચીન તેમની રાહ જોઈ રહ્યા હતા, ત્યાર બાદ તેઓ તેમને રબુપુરાસ્થિત ભાડે રાખેલી રૂમ પર લઈ આવ્યા.
આ રૂમ ચાર દિવસ પહેલાં જ સચીને ગિરજેશ નામની વ્યક્તિ પાસેથી 2500 રૂપિયા પ્રતિ મહિનાના હિસાબે ભાડા પેટે લીધી હતી.
પોખરાથી દરરોજ સવારે દિલ્હી માટે બસ જાય છે. લગભગ 28 કલાકના આ સફરમાં ભારત-નેપાળની સરહદ આવે છે, જ્યાં તમામ મુસાફરોની તપાસ થાય છે, પરંતુ સીમાએ સખત સુરક્ષા વ્યવસ્થાને સરળતાની પાર પાડી દીધી.
સીમા કહે છે કે, "સચીને તેમનું સરનામું બરાબર આપી રાખ્યું હતું. પૂછપરછ ઘણી થઈ, બૅગની તપાસ થઈ."
"તેમણે આઈકાર્ડ વિશે પૂછ્યું તો મેં કહ્યું કે ખોવાઈ ગયું છે. મારાં બાળકો બીમાર થઈ ગયાં હતાં, ત્રણ દિવસની સફર હતી. મારી મોટી દીકરી ઊલટીઓ કરી રહી હતી. ચેકિંગ કરતા લોકોએ મારી પર કૃપા કરી."

પતિ ગુલામ હૈદર સાથે જુબાની તલાક

ઇમેજ સ્રોત, SHAHNAWAZAHMAD/BBC
સીમાના પતિ ગુલામ હૈદરે સાઉદી અરેબિયાને અપીલ કરી છે કે તેમની પત્ની અને બાળકોને પાકિસ્તાન પાછા મોકલી દેવામાં આવે.
સીમાનું કહેવું છે કે ગુલામ હૈદર સાથે તેમનાં લગ્ન જબરદસ્તીથી કરાવવામાં આવ્યાં હતાં અને તેમણે તેમને તલાક આપી દીધી છે, જ્યારે ગુલામ હૈદરનું કહેવું છે કે તેમની વચ્ચે તલાક થયો નથી.
સીમા કહે છે કે, "હું વર્ષ 2013માં કોઈને પસંદ કરતી હતી. આ વાત મારા પરિવારને ગમતી નહોતી, તેથી તેમણે ગુલામ હૈદર સાથે મારા જબરદસ્તી લગ્ન કરાવી દીધાં. એ સમયે મારી ઉંમર માત્ર 17 વર્ષ હતી."
તેઓ કહે છે કે,"પાકિસ્તાનમાં પણ 18 વર્ષની યુવતીને કોઈ પણ નિર્ણય લેવાની પરવાનગી છે. હું આજે 27 વર્ષની છું. હું મારા જીવનનો નિર્ણય લઈ શકું છું. એવું પણ નથી કે હું મહિલા છું એટલે પુરુષ સાથે તલાક ન લઈ શકું."
"અમારી લેખિત તલાક થઈ નથી, જુબાની તલાક થઈ છે. પાકિસ્તાનમાં જુબાની હજુ પણ ચાલે છે. હું પ્રયાસ કરીશ કે ભારતથી તેમને નોટિસ મોકલી દઉં. હું અહીં રહીને તેમને તલાક આપવા તૈયાર છું."
બીબીસી ઉર્દૂ સાથેની વાતચીતમાં સીમાના સસરા મીર જાન જખરાનીએ આરોપ લગાવ્યો છે કે તેઓ ઘરેથી ભાગતી વખતે સાત લાખ રૂપિયા અને સાત તોલા સોનું લઈને ગયાં છે.
આ આરોપોના જવાબ આપતા સીમા કહે છે કે, "મેં આવું કર્યું નથી. તેઓ એટલા પૈસા અને હેસિયતવાળા નથી. મારી પાસે મારી માતાનું સોનું છે."
"જે મેં કાન અને હાથમાં પહેરી રાખ્યું છે. જે દહેજમાં મળ્યું છે, એ લઈ આવી છું. જે મારાં મમ્મીની નિશાની હતી."

"હું પાકિસ્તાનની જાસૂસ નથી"

જે પ્રકારે સીમા હૈદર ભારતમાં પ્રવેશ્યાં, તે જોયા બાદ ઘણા લોકોએ તેમની પર આરોપ લગાવ્યા છે કે તેઓ પાકિસ્તાનનાં જાસૂસ છે.
પાકિસ્તાની સેનામાં તેમના ભાઈની નોકરી, તેમની પાસેથી જપ્ત કરેલા ચાર મોબાઇલ ફોને પણ લોકોનાં મનમાં શંકા ઊભી કરી છે.
આ આરોપો અંગે સીમાએ કહ્યું છે કે, "હું જાસૂસ નથી. સચીન સાથેના પ્રેમમાં મેં ઘરમાંથી બહાર ફરવાનું શરૂ કર્યું, પાસપોર્ટ કઢાવ્યા. અમારે ત્યાં ઘરમાંથી બહાર જવાની પરવાનગી હોતી નથી."
"હું ગરીબ પરિવારમાંથી આવું છું, હું વધારે ભણેલી-ગણેલી નથી. હું અંગ્રેજીના થોડા ઘણા શબ્દો બોલી લઉં છું."
"તેનો અર્થ એ નથી કે મને અંગ્રેજી આવડે છે. તમે બે લાઇન અંગ્રેજી બોલાવશો, તો હું થોથવાવા લાગીશ."
તેઓ કહે છે કે, "મેં ભારતમાં પોલીસ સામે કંઈ જ જૂઠું બોલ્યું નથી. પોલીસે જે કંઈ પૂછ્યું, તેના સાચેસાચા જવાબ આપ્યા છે. 2022માં મારા ભાઈની નોકરી પાકિસ્તાની સેનામાં લાગી હતી."
"તેઓ ખૂબ ઓછા પૈસા કમાય છે, તેમને અંદાજે 18 હજાર પાકિસ્તાની રૂપિયા જ મળે છે."
ત્રણ આધારકાર્ડ અને પાંચ મોબાઇલ ફોનના સવાલ પર તેમણે કહ્યું કે, "અમારી પાસે પાંચ ફોન હતા, જેમાંથી એક મારો, ત્રણ મારાં બાળકોના અને એક સચીનનો હતો. મારાં બાળકો ફોનનો ઉપયોગ કરે છે. આ સિવાય મારી પાસે પાકિસ્તનના ત્રણ આધારકાર્ડ હતા, જેમાં એક મારા પિતા, એક ગુલામ હૈદર અને એક મારું કાર્ડ સામેલ હતું."

"પાકિસ્તાન પાછી જવા નથી માગતી"

ઇમેજ સ્રોત, SHAHNAWAZAHMAD/BBC
સીમાનું કહેવું છે કે, હવે તેઓ ભારતમાં જ રહેવા માગે છે અને સચીન સાથે ખુશ છે, પરંતુ તેમની બહેનોને યાદ કરતાં તેમની આંખોમાં આંસુ આવી જાય છે.
તેઓ કહે છે કે, "બહેન દરેકને ગમે છે. બહેનની યાદ પણ આવે છે. એક મોટી અને એક નાની બહેન છે. મોટી બહેનનાં લગ્ન થઈ ગયાં છે. નાની બહેનનું ધ્યાન મારો ભાઈ રાખશે. પિતાના ગયા પછી પાકિસ્તાનમાં મારું કોઈ ન હતું. હવે મારાં લગ્ન સચીન સાથે થઈ ગયાં છે. તે મારાં બાળકોનું ધ્યાન રાખે છે, મારી ઇજ્જત કરે છે, તે ઘણું છે."
વતન પરત જવાના સવાલ પર સીમા ગુસ્સે થઈ જાય છે. તેઓ કહે છે કે, "હું મરી જઈશ, ખતમ થઈ જઈશ, ગળું કાપી નાખીશ, ઝેર પી લઈશ, અહીં જ મરી જઈશ, પાછી કોઈ સંજોગોમાં જઈશ નહીં. મારું ત્યાં કોઈ જ નથી."
આવી જ વાત સચીન મીણા પણ કરે છે. તેઓ કહે છે કે, "મેં સીમા સાથે લગ્ન કર્યાં છે. હું મરી ન જાવ ત્યાં સુધી તેને ભારતમાંથી જવા નહીં દઉં."
હાલ જામીન મળ્યા બાદ સીમા અને સચીન સાથે છે. ધર્મ અને દેશની સરહદ પાર કરનારી આ કહાણી આગળ ક્યાં જશે, એ જોવું રસપ્રદ હશે.















