ગોધરા : ખોવાયેલા વિઝિટિંગ કાર્ડથી મળેલી પ્રેમિકાથી જીવન બદલાઈ જવાની એક સુંદર પ્રેમકહાણી

ઇમેજ સ્રોત, Daxesh Shah
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"હું ગમે ત્યાં જઉં, નાનપણથી તકલીફો જાણે મારું સરનામું શોધતી હોય એમ મારી પાછળ પડી જતી હતી. પરંતુ એક દિવસ મારી વિઝિટિંગ કાર્ડ ધરાવતી બૅગ ખોવાઈ ગઈ અને મારી તકલીફો દૂર કરવા ભગવાને ઊર્મિલાને મોકલી."
"પહેલાં ગરીબીના કારણે હું લગ્ન ટાળતો, પછી તૈયાર થયો તો લકવો થઈ ગયો. તેણે જિંદગીના છ વર્ષ મને સાજો કરવા મહેનત કરી અને પછી મારી સાથે લગ્ન કર્યા."
આ શબ્દો છે ગોધરાના સોની ફળિયામાં રહેતા નીતિન શર્માના.
ત્રણ બહેનો વચ્ચે એકના એક ભાઈ નીતિનના પિતાને લકવો થયા બાદથી તેઓ પરિવારનું ગુજરાન ચલાવવા માટે ભણવાની સાથેસાથે નોકરી કરવાની શરૂ કરી હતી.
બીબીસી સાથેની વાતચીતમાં નીતિન શર્મા કહે છે, "મને એ દિવસો બરાબર યાદ છે. હું 19 વર્ષનો હતો અને અચાનક ઘરની જવાબદારી મારા માથે આવી ગઈ. મારે ફરજિયાત કામ કરવું પડે એમ હતું. એટલે સવારે કૉલેજમાં ભણવા જઉં અને પછી નોકરી પર."
તેઓ આગળ કહે છે, "મને એક ફાઇનાન્સ કંપનીમાં નોકરી મળી હતી. હું ત્યાં લોકોને લોન અંગે માહિતી આપતો હતો અને તે મેળવવામાં મદદ કરતો હતો. બદલામાં જે લોકો લોન લે તેના પર કમિશન મળતું હતું. ઘરમાં ત્રણ બહેનો પણ હોવાથી બીમાર પિતા સહિત તેમની પણ જવાબદારી માથે હતી. એટલે રોજ 16 કલાકથી વધુ કામ કરતો હતો. મારો ધ્યેય માત્ર એક જ હતો કે ભણીગણીને કોઈ સારી નોકરી મેળવવી."
માથે જવાબદારી અને આંખો સમક્ષ એક ધ્યેય રાખીને નીતિન અથાગ મહેનત કરી રહ્યા હતા. આ દરમિયાન બાળપણથી જે રીતે તકલીફો તેમનો પીછો કરતી આવતી હતી, ફરી એક વખત આવી.

'તમને મારો નંબર કેવી રીતે મળ્યો?'

ઇમેજ સ્રોત, Daxesh Shah
પોતાના પર આવી પડેલી તકલીફો વિશે નીતિન જણાવે છે, "એક દિવસ મારી કંપનીના ડૉક્યુમેન્ટ્સ અને પપ્પાની મોંઘી દવા ભરેલો થેલો ખોવાઈ ગયો. એ થેલામાં મારાં વિઝિટિંગ કાર્ડ્સ પણ હતાં. એ રાત્રે જ્યારે હું ઘરે ગયો અને પપ્પાએ દવા માગી ત્યારે ખબર પડી કે થેલો તો ખોવાઈ ગયો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ આગળ કહે છે, "એ જાણીને હું ખુબ દુઃખી થયો કારણ કે થેલામાં માંડમાંડ પૈસા બચાવીને લાવેલી દવાઓ હતી. સાથે જ લોકોએ લીધેલી લોનના હપ્તા માટેના ચૅક પણ હતા."
જોકે, એ જ રાત્રે તેમને એક સારા પણ સમાચાર પણ મળ્યા. તેઓ પોતાના ઘરમાં નિરાશ થઈને બેઠા હતા અને અચાનક તેમનો ફોન રણક્યો.
ફોન પર સામેના છેડેથી એક યુવતીનો અવાજ આવ્યો. યુવતીએ તેમનું નામ પૂછ્યું અને એ જાણ્યા બાદ કહ્યું કે ખોવાયેલો થેલો તેમની પાસે છે. આ અંગે નીતિન કહે છે, "સામેના છેડેથી કહ્યું કે તેઓ ગોધરામાં જ નોકરી કરે છે અને પોતાની ઓફિસમાંથી થેલો લઈ જવા કહ્યું." બીજા દિવસે નીતિન થેલો લેવા એ યુવતીની ઓફિસે ગયા અને પોતાનો થેલો પાછો મેળવીને તેમને રાહત થઈ.
અને આ રીતે 16 વર્ષ પહેલાં વર્ષ 2007-08માં નીતિન અને ઊર્મિલા પહેલી વખત એકબીજાને મળ્યાં હતાં.
નીતિન જ્યારે આ બધું જણાવી રહ્યા હતા ત્યારે ઊર્મિલાબહેને હસતાંહસતાં કહ્યું, "ફોન પર એણે(નીતિને) પહેલો સવાલ એ પૂછ્યો હતો કે તમને મારો નામ અને નંબર કેવી રીતે મળ્યો? આ સાંભળીને હું એના ભોળપણ પર હસી પડી હતી."
તેમણે બૅગમાં રાખેલાં નીતિનના વિઝિટિંગ કાર્ડ પરથી નંબર મેળવીને સંપર્ક કર્યો હતો.
ઊર્મિલાબહેન આગળ જણાવે છે, "એ દિવસે ઓફિસ પૂરી થયા બાદ અમે સાંજે ચા-નાસ્તો કરવા ગયાં. વાતચીતમાં ખબર પડી કે તે ભણે પણ છે અને ઘરની જવાબદારી ઉપાડવા માટે મોડી રાત સુધી નોકરી પણ કરે છે. એ મારાથી બે વર્ષ નાનો છે પણ તેની મહેનત જોઈને મને સારું લાગ્યું."
ઉર્મિલાબહેન સંતરામપુરથી ગોધરા નોકરી માટે અપડાઉન કરતાં હતાં. સમય જતાં બંને બપોરે જમવાના સમય દરમિયાન મળતાં, ધીરેધીરે ફોન પર વાત થવાની શરૂ થઈ અને ક્યારે એ મિત્રતા પ્રેમમાં પરિણમી તેનો અંદાજ જ ન આવ્યો.
તેઓ કહે છે, "મને નીતિનનો સરળ સ્વભાવ અને પરિવારજનો જ નહીં પણ તમામ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો સ્વભાવ ખૂબ જ ગમી ગયો. મારા ઘરેથી લગ્નનું દબાણ હતું એટલે મેં નીતિન સાથે આ વિશે વાત કરી."
નીતિનના નિર્ણય વિશે તેઓ કહે છે, "તેમની ઇચ્છા હતી કે લગ્ન પહેલાં તેઓ થોડા પૈસા બચાવવા માગે છે અને ઘરની જવાબદારી ઓછી કરવા માગે છે. એટલે હું રાહ જોતી હતી."

'તું બીજે લગ્ન કરી લેજે, હું તને પરણવાલાયક નથી રહ્યો'

ઇમેજ સ્રોત, Daxesh Shah
આ સહમતિ બાદ બંને રોજ બપોરે જમવાના સમયે મળતા હતા, પણ અચાનક જ નીતિને આવવાનું બંધ કરી દીધું હતું.
ઊર્મિલાબહેનના જણાવ્યા પ્રમાણે વર્ષ 2016માં નીતિનને લકવો થઈ ગયો હતો. જે વિશે તેમને થોડાક સમય સુધી ખબર પણ પડી નહોતી. તેઓ જણાવે છે, "તેના ઘરે અમારા પ્રેમસંબંધની ખબર ન હોવાથી મને પણ ખબર નહોતી કે હું કોનો સંપર્ક કરું. હું સતત બપોરે નીતિનની રાહ જોતી કારણ કે આઠ વર્ષથી અમે સાથે જમતા હતા. પણ એ ન જ આવ્યો."
લકવો થયા બાદ નીતિનને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પહોંચ્યા બાદ તેમનો ફોન સ્વીચ-ઑફ થઈ જતાં તેઓ સંપર્ક કરી શક્યા ન હતા. એવામાં એક દિવસે ઊર્મિલાબહેનના ફોન પર નીતિનના નંબરથી ફોન આવ્યો.
આ ફોન વિશે તેઓ કહે છે, "સામેના છેડેથી નીતિને તોતડાતા અવાજે કહ્યું કે ઊર્મિલા તું બીજા કોઈ સાથે લગ્ન કરી લેજે, હું તને પરણવાલાયક રહ્યો નથી કારણ કે મને લકવો થઈ ગયો છે."
આ સાંભળીને ઊર્મિલાબહેનના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેઓ દોડીને નીતિનના ઘરે પહોંચી ગયાં. ત્યાં નીતિનને પથારીવશ જોઈને તેઓ ખૂબ રડ્યાં પણ હિંમત હાર્યા વગર ડૉક્ટરો સાથે વાત કરી અને નીતિનની સારવાર આગળ વધારી.
ઊર્મિલાબહેન જણાવે છે, "ડૉક્ટરોએ કહ્યું કે વધારે ચિંતાની જરૂર નથી. યોગ્ય ફિઝિયોથૅરાપી અને ખોરાકથી ઝડપી રિકવરી આવશે. જેથી મેં અને તેમની માતાએ સારવાર શરૂ કરાવી અને તેની હાલત સારી થવા લાગી. આ વચ્ચે તે મને સતત કહેતો રહેતો હતો કે બીજે લગ્ન કરી લે. પણ મેં તો નક્કી કરી લીધું હતું કે લગ્ન કરીશ તો એની સાથે જ કરીશ, બાકી તો જિંદગીભર કુંવારી રહીશ."
નીતિન કહે છે, "ઊર્મિલાની આ જીદ મને નવો જોમ આપતી હતી. હું ધીમેધીમે પાછો ચાલતો થયો અને 2022 સુધીમાં પૂર્ણ રિકવરી આવી ગઈ. પછી અમે લગ્ન કરવાનું નક્કી કર્યું અને એક વર્ષ પહેલાં લગ્ન કર્યા."

'હાથોમાં તારો હાથ, પછી નથી જાણવું કે શું લખ્યું છે રેખાઓમાં'

ઇમેજ સ્રોત, Daxesh Shah
લગ્નના એક વર્ષ બાદના જીવન વિશે વાત કરતા 35 વર્ષીય નીતિન કહે છે, "લગ્ન બાદ ઊર્મિલાએ મને હિંમત આપી અને ગિયર વગરનું સ્કૂટર ચલાવતો કર્યો. મને આરટીઓનું કામ આવડતું હતું એટલે મેં બાદમાં આરટીઓ એજન્ટ તરીકેનું કામ શરૂ કર્યું. જ્યારે ઊર્મિલાએ નોકરી છોડીને ઘર સંભાળી લીધું છે."
તેઓ આગળ કહે છે, "ગુજરાન ચલાવવામાં મદદરૂપ થવા માટે તે ઘરે સિલાઈકામ કરે છે અને સમય હોય ત્યારે મારી સાથે આવીને આરટીઓનું કામ પણ કરવા લાગે છે. મને ચોક્કસ એમ લાગે છે કે ભગવાને મારી પાસેથી જે કંઈ પણ છીનવી લીધું હતું એ બધું જ ઊર્મિલાએ મને પાછું અપાવ્યું છે."
બીજી બાજુ ઊર્મિલા કહે છે, "એક વખત મેં નક્કી કર્યું કે મારે નીતિન સાથે જ લગ્ન કરવાં છે તો હું પછી તેને છોડી કેવી રીતે શકું? લગ્ન પહેલાં કદાચ મને આવી તકલીફ થઈ હોત અને તે મને છોડી દેતો તો મને કેવું લાગતું? એ વિચારીને જ મેં આ નિર્ણય લીધો."
તેઓ અંતે કહે છે, "જ્યારે નીતિનને લકવો થયો હતો અને તે સતત મને બીજે લગ્ન કરવા કહેતો હતો ત્યારે મેં એનો હાથ પકડીને એટલું જ કહ્યું હતું કે જ્યાં સુધી આ હાથમાં તારો હાથ છે, ત્યાં સુધી મારે નથી જોવું કે હાથની રેખાઓમાં શું લખ્યું છે. આ સાંભળીને તેની આંખમાં પાણી આવી ગયું હતું અને બસ મને સમજાઈ ગયું હતું કે અમારો પ્રેમ સાચો છે એટલે અમારાં લગ્ન પણ થયાં અને અમે હસીખુશીથી જીવી રહ્યા છીએ."














