અમદાવાદ : પોલિયોગ્રસ્ત યુવતી સાથે લગ્ન કરનારા યુવકના 'સાચા પ્રેમ'ની કહાણી

ઇમેજ સ્રોત, Bhargav Parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"ખુરશીદા સાથે લગ્ન કરીને મેં એના પર કોઈ ઉપકાર નથી કર્યો. એ મારી સાથે શાદી કરે એ માટે મેં મસ્જિદોમાં કંઈ કેટલીય ઈબાદતો કરી ત્યારે એ ત્રણ વર્ષે મારી સાથે શાદી માટે રાજી થઈ હતી."
આ શબ્દો છે અમદાવાદના મોહમ્મદ ફારુખ શેખના, જેમણે જમાલપુરનાં ખુરશીદા સાથે લગ્ન કર્યાં છે.
આ વાત એટલા માટે અન્ય લગ્નો કરતાં અલગ છે કારણ કે, મોહમ્મદ ફારુખ શેખ મોહમ્મદ ફારુખ શેખ શારીરિક રીતે એકદમ સ્વસ્થ છે અને ખુરશીદા જન્મથી જ બંને પગે વિકલાંગ છે.
ખુરશીદા ચાલી નથી શકતાં. 13 વર્ષ પહેલા બંનેની શાદી થઈ હતી.
બંને માટે વૅલેન્ટાઈન ડે ખાસ છે. કારણ કે, 14 ફેબ્રુઆરીએ જ એમણે એક બાળકને દત્તક લીધું.
આ દિવસ તેમના માટે એટલો તો વિશેષ છે કે તેઓ દર મહિનાની 14મી તારીખે તેમના દીકરા અનીશનો જન્મદિવસ ઉજવે છે.
ખુરશીદા રસોઈ બનાવે ત્યારે અનીશની સંભાળની જવાબદારી મોહમ્મદ શેખ નિભાવે છે.

- મોહમ્મદ ફારુખ શેખ શારીરિક રીતે એકદમ સ્વસ્થ છે અને ખુરશીદા જન્મથી જ બંને પગે વિકલાંગ છે
- ત્રણ વર્ષ સુધી ખુરશીદા મોહમ્મદનો શાદીનો પ્રસ્તાવ ઠૂકરાવતા રહ્યાં
- 13 વર્ષ પહેલા બંનેની શાદી થઈ હતી
- બંને માટે વૅલેન્ટાઈન ડે ખાસ છે, કારણ કે 14 ફેબ્રુઆરીએ જ એમણે બાળક દત્તક લીધું હતું

દુઆ સલામનો સિલસિલો પ્રેમમાં પરિણમ્યો

ઇમેજ સ્રોત, Bhargav Parikh
પોતાની અનોખી પ્રેમકહાણી વિશે વાત કરતા મોહમ્મદ શેખ કહે છે, "અમે બંને જમાલપુરની સિંધી વાડમાં એક જ શેરીમાં રહેતાં હતાં. અમે બંને એકબીજાને નાનપણથી ઓળખીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખુરશીદા છ બહેનોમાં સૌથી નાની છે અને મોહમ્મદ ખુરશીદાની મોટી બહેન સાથે ભણતા હતા.
તેમણે વધુમાં કહ્યું, "ખુરશીદાને નાનપણમાં પોલિયો થતા બંને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. અમે તેને અમારી સાથે શાળાએ લઈ જતાં હતાં. તે બીજા છોકરા-છોકરીઓ સાથે રમી શકતી નહોતી. તોપણ શાળામાં કોઈને પણ તકલીફ હોય તો તે મદદ કરવા આતુર રહેતી."
વાતને આગળ વધારતા મોહમ્મદ કહે છે, "મારા ઘરની સ્થિતિ સારી નહોતી એટલે મેં દસમું ધોરણ પાસ કરી ભણવાનું છોડી દીધું અને કામે લાગી ગયો હતો. કામ પર જતા-આવતા મારી અને ખુરશીદા વચ્ચે દુઆ સલામ થતી અને હું ક્યારે એના પ્રેમમાં પડ્યો એની મને ખુદને ખબર ન રહીં."

ઇમેજ સ્રોત, Bhargav Parikh
તેઓ ઉમેરે છે, "2006માં ખુરશીદાની મોટી બહેનને મેં કહ્યું કે મારે ખુરશીદા સાથે નિકાહ કરવા છે. એની બહેને ખુરશીદાને વાત કરી તો ખુરશીદાએ શાદીની ના પાડી દીધી."
આ વાત ને સમર્થન આપતા ખુરશીદા કહે છે, "મને હતું કે એ મારી વિકલાંગતા જોઈને મારા પર દયા ખાઈ ને લગ્ન કરવા માંગે છે. મારે કોઈની દયા જોઈતી નહોતી એટલે મેં લગ્નની ના પાડી દીધી. મને ભય હતો કે મોહમ્મદ અત્યારે મારી સાથે શાદી કરશે પણ મારી વિકલાંગતાને કારણે હું ઘરકામ નહીં કરી શકું તો એ મને તલ્લાક આપી દેશે અને બીજે શાદી કરી લેશે. મારી બહેનનો પણ આવો જ મત હતો."
ખુરશીદાને કોઈ ભાઈ નથી અને તેમના પિતાનું પણ અવસાન થઈ ગયું હતું.
જોકે ખુરશીદા અનુસાર, ખુરશીદા કૉમ્પ્યુટરના કોર્સ માટે જતાં ત્યારે મોહમ્મદ લિફ્ટ ઑફર કરતા રહ્યા અને ખુરશીદા ઑફર નકારતાં રહ્યાં.
ખુરશીદા કહે છે, "હું સતત ના પાડતી પણ તેનું મોહમ્મદને ખરાબ ન લાગ્યું. રોજ દુઆ સલામનો સિલસિલો ચાલું રહ્યો. અમ્મીને પણ અવારનવાર મદદ કરતા રહેતા. આ ક્રમ ત્રણ વર્ષ સુધી ચાલ્યો."

ત્રણ વર્ષે ફરી પ્રસ્તાવ

ઇમેજ સ્રોત, Bhargav Parikh
2009માં ખુરશીદાની બહેનપણી સાથે મોહમ્મદે ફરી એકવાર શાદીનું કહેણ મોકલાવ્યું.
ખુરશીદાની બહેનપણીને ખાતરી થઈ કે મોહમ્મદ બીજી શાદી નહીં કરે. પણ ખુરશીદા શાદી નહીં કરવા મક્કમ હતાં.
ખુરશીદા કહે છે, "એક દિવસ હું અને અમારી ફ્રેન્ડ વટવામાં કુત્બે આલમની દરગાહ પર ગયાં હતાં. ત્યાં મોહમ્મદ પણ મળ્યા. ત્યાં અમે દરગાહમાં બેઠાં ત્યારે મોહમ્મદે સાચા પ્રેમ અને શાદીને લઈને અલ્લાહના કસમ ખાધા. મારો વિચાર બદલાયો. મેં બંને પરિવારની મંજૂરી બાદ જ શાદીની હા પાડી."
મોહમ્મદ કહે છે કે, "મેં ખુરશીદા સાથે શાદી માટે મન્નત માની હતી અને કુત્બે આલમની દરગાહમાં માંરી મન્નત પુરી થઈ. ખુરશીદાની બહેને તો એમના ઘરનાં લોકોને મનાવી લીધા પણ મારા ઘરનાં લોકો અપંગ છોકરી સાથે શાદી કરાવવા તૈયાર નહોતા. મેં પરિવારને કહ્યું કે જો શાદી કરીશ તો ખુરશીદા સાથે જ, નહીંતર હું આજીવન કુંવારો રહીશ. મારી જીદ સામે મારો પરિવાર પણ માની ગયો."
2009માં શાદી પહેલાં બંને ચાર મહિના સાથે ફર્યા, એકબીજાને સમજ્યાં અને પછી નિકાહ કર્યા.

દત્તક બાળકનો પ્રવેશ

ઇમેજ સ્રોત, Bhargav Parikh
શાદી બાદ ખુરશીદા ત્રણ વાર ગર્ભવતી થયાં પણ મૃત ગર્ભને જન્મ આપ્યો, છેલ્લીવાર તો ખુરશીદાની હાલત ઘણી ગંભીર થઈ ગઈ હતી.
મોહમ્મદ કહે છે, "એ નાના બાળકોને જોઈને ઉદાસ થઈ જતી હતી."
વાતને વચ્ચેથી કાપતા ખુરશીદા કહે છે, "એક સ્ત્રી માટે એનું સૌથી મોટું ઘરેણું બાળક હોય છે. મારે બાળક જોઈતું હતું. હું પાંચવાર નમાજમાં અલ્લાહ પાસે બાળક માંગતી હતી."
તેમણે કહ્યું, "એકવાર અમારી એક પરિચિત દાયણે એક વિધવાની પ્રસૂતિ કરાવી. એ વિધવાને સાત મહિનાનો ગર્ભ હતો અને એના પતિનું અકસ્માતમાં મોત થયું હતું. એ લોકો દાયણને ઘરે જ બાળકને મૂકીને જતા રહ્યાં. અમે બધી વિધિ પૂરી કરીને એક વર્ષ પહેલા 14 ફેબ્રુઆરીએ બાળક દત્તક લીધું."
તેઓ ઉમેરે છે, "એ દિવસથી અમારા બધા દિવસો વૅલેન્ટાઈન ડે બની ગયા છે. અમે અમારા પ્રેમ માટે વૅલેન્ટાઈન ડેના મોહતાજ નથી."
આજે આ અનોખા પ્રેમી દંપતીનાં લગ્નજીવનને 13 વર્ષ થયાં છે. મોહમ્મદ કહે છે કે અમે દાયણને ક્યારેય પૂછ્યું નથી કે આ બાળક હિન્દુ, મુસ્લિમ, શીખ કે ખ્રિસ્તીનું છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














