'મારા પરિવારજનોને જીવતા સળગાવાયા હતા, હવે 22 વર્ષે પહેલો પ્રસંગ ઊજવ્યો', 2002 પછી ગુલબર્ગ સોસાયટીમાં આવી રોનક

- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
એકસમયે લોકોથી હર્યોભર્યો ગુલબર્ગ સોસાયટીનો મહોલ્લો હવે ધોળે દિવસે પણ સૂમસામ લાગે છે.
મંસૂરી પરિવારના ઘર જેવાં એકલદોકલ મકાન સિવાયનાં મોટા ભાગનાં મકાનો અહીં 22 વર્ષ પહેલાં સળગાવી દેવામાં આવ્યાં હતાં. આ મકાનો હજુ પણ એ જ અવસ્થામાં છે.
કોઈ મકાનોમાં વનસ્પતિ ઊગી નીકળી છે તો ક્યાંક સૂકાઈ ગયેલા ઝેરી વનસ્પતિઓના વેલા જોવા મળે છે. 22 વર્ષ વીતી ગયાં છતાં જે મકાનોની છત અને દીવાલો આગને કારણે કાળી પડી ગઈ હતી એ દીવાલો આજે પણ એવી જ કાળીમેશ છે.
22 વર્ષ પહેલાં જ્યાં જીવન ધબકતું હતું એ સોસાયટી હવે એવી ભાસે છે કે જાણે કે કોઈ ઉત્ખનનમાં બહાર આવેલા અવશેષો હોય. હવે ત્યાં આસપાસની સોસાયટીના લોકો તેમનાં વાહનો પાર્ક કરે છે.
જોકે, આ સૂમસામ સોસાયટીમાં આ વર્ષે 4 માર્ચે રોશની ઝગમગી હતી, ઢોલ ઢબૂક્યા હતા અને ત્યાંના લોકોના ચહેરા પર ખુશીઓની ચમક છવાઈ ગઈ હતી.

ઇમેજ સ્રોત, Tejas Vaidya
સોસાયટીમાં 22 વર્ષ પછી કોઈ પ્રસંગની ઉજવણી
સોસાયટીમાં રહેતાં 19 વર્ષીય મિસ્બાહના લગ્નનું મામેરું તેમજ પીઠી (હલ્દી) અને મેંદીનો પ્રસંગ હતો. 22 વર્ષ પછી ગુલબર્ગ સોસાયટીમાં કોઈ પ્રસંગ ઊજવાઈ રહ્યો હતો.
2002 પછી ગુલબર્ગ સોસાયટી છોડી ગયેલા લોકો પ્રસંગને દીપાવવા ખાસ ત્યાં એકઠા થયા હતા.
મિસ્બાહના પરિવારનાં જ વયોવૃદ્ધ વડીલ એવાં જેતુનબાનો હસતાં હસતાં પોતાના હાથની મેંદી બતાવતા બીબીસીને કહે છે કે, "મિસ્બાહ મેરી પોતી લગતી હૈ. મેં તો એંશી વર્ષ વટાવી દીધાં છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Rafiq Mansoori
"મારી પૌત્રીઓએ કહ્યું કે ઘરમાં આટલાં વર્ષે પ્રસંગ ઊજવાઈ રહ્યો છે તો દાદીઓના હાથ કોરાં ન રહેવા જોઈએ. ઘરની વહુદીકરીઓએ હોંશેહોંશે મારા હાથમાં મેંદી મૂકી અને મેં પણ હરખથી મેંદી મુુકાવી. અમારા ઘરની મહિલાઓના હાથમાં 22 વર્ષે મેંદી મુકાઈ."
2002માં થયેલા ગોધરાકાંડ પછી અમદાવાદમાં ફાટી નીકળેલાં કોમી રમખાણોમાં ચમનપુરા વિસ્તારમાં આવેલી આ ગુલબર્ગ સોસાયટીનાં મકાનોમાં આગ ચાંપી દેવામાં આવી હતી અને લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.
જેમના ઘરે પ્રસંગ છે એ મિસ્બાહ મંસૂરીના પરિવારના 19 લોકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યા હતા.
"મારી દીકરીનો પ્રસંગ એક પહેલ છે"

ઇમેજ સ્રોત, Rafiq Mansoori
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મિસ્બાહના પિતા રફીક મન્સૂરી ગુલબર્ગ સોસાયટીના પોતાના મકાનમાં મંડપ અને ગાદલાનો હિસાબ પતાવતાં પતાવતાં બીબીસી સાથે વાત કરતાં કહે છે કે,
"ગુલબર્ગ સોસાયટીમાં છેલ્લે 2001માં લગ્નનો પ્રસંગ ઊજવાયો હતો. એ પછી કોમી દંગાફસાદ થયાં હતાં અને સોસાયટી ખંડેર થઈ ગઈ હતી."
"વર્ષો પછી આ ખંડેરોમાં ખુશી રેલાઈ હતી. મારી દીકરીનો જે પ્રસંગ યોજ્યો એમાં 500 જેટલા લોકો સામેલ થયા હતા. દાવત આપવામાં આવી હતી, ભોજન તૈયાર કરવામાં આવ્યા હતા."
"દૂધીનો હલવો, દહીંવડા, ગોશ્ત, રોટી વગેરે પીરસાયાં હતાં. અમે ઇચ્છીએ છીએ કે આવા વધુ પ્રસંગો સોસાયટીમાં ઊજવાય તે માટે મારી દીકરીનો પ્રસંગ એક પહેલ છે."
ગુલબર્ગ સોસાયટીમાં રફીકભાઈ મન્સૂરી જેવા એકલદોકલ પરિવાર જ રહે છે. 2002માં સોસાયટીમાં જે બન્યું ત્યાર બાદ મોટા ભાગના લોકો ઘર છોડીને અન્ય ઠેકાણે રહેવા જતા રહ્યા છે.
જેતુનબાનો કહે છે કે,"અમારા પરિવારના મૃત્યુ પામેલા 19 લોકોને યાદ કરીને આ પ્રસંગ યોજ્યો હતો. તેમના રૂહને સુકૂન અને પ્રસન્નતા મળે તે માટે અમે દીકરીનો પ્રસંગ ગુલબર્ગ સોસાયટીમાં યોજ્યો હતો."
મિસ્બાહના કાકા અસલમભાઈ મંંસૂરી જેતુનબાનોની વાતમાં સૂર પુરાવતાં કહે છે કે, "અમે ઇચ્છ્યું હોત તો મોટા હૉલમાં પણ પ્રસંગ યોજી શકતા હતા, પણ એટલા માટે અહીં પ્રસંગ ઉજવ્યો કે અમારી યાદો આ સોસાયટી સાથે જોડાયેલી છે. અમારા પ્રસંગમાં ચમનપુરાના અમારા કેટલાક હિન્દુ પરિવારો પણ સામેલ થયા હતા. તેમને અમે આગ્રહ કરીને ભોજન કરાવ્યું હતું. તેમણે અમારી દીકરીને ભેટસોગાદો આપી હતી."
"2002 પહેલાં ગુલબર્ગ મહોલ્લો પંખીના માળા જેવો હર્યોભર્યો હતો"

ઇમેજ સ્રોત, Tejas Vaidya
મિસ્બાહનાં લગ્ન મધ્ય પ્રદેશના બડવાણીમાં સમૂહ લગ્નમાં યોજાયાં હતાં. જે છ માર્ચે સંપન્ન થયાં હતાં. તેની લગ્નપૂર્વેની વિધિઓ જ ગુલબર્ગ સોસાયટીમાં યોજાઈ હતી.
દીકરીના નિકાહ નિમિત્તે મંસૂરી પરિવારે ઘરનું રંગરોગાન તો કરાવ્યું જ હતું, સાથોસાથ આસપાસના ખંડેર અવસ્થામાં રહેલા એક-બે મકાનોને પણ બહારથી ચૂનો ધોળાવ્યો હતો જેથી થોડી રોનક લાગે.
આ પ્રસંગ નિમિત્તે મુંબઈથી અમદાવાદ આવેલાંગુલાબબાનો ઇસ્લામ સોલંકીથોડા દિવસ ગુલબર્ગ સોસાયટીમાં રોકાયાં હતાં.
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "મિસ્બાહ મારા ભત્રીજાની દીકરી છે. 2002 પહેલાં આ મહોલ્લો પંખીના માળા જેવો હર્યોભર્યો હતો. અહીં આવીએ એટલે જવાનું મન ન થતું. હવે અહીં આવવાનું મન નથી થતું. આ પ્રસંગથી અમને એ વાતની ખુશી છે કે વર્ષો પછી અમે આ મહોલ્લામાં હાથમાં મેંદી મુકાવી અને મંડપ બંધાવ્યા."
અસલમભાઈ કહે છે કે, "જે લોકો ગુલબર્ગ સોસાયટી છોડીને અમદાવાદમાં જુહાપુરા, બાપુનગર, સરખેજ, વટવા, શાહઆલમ, નરોડા પાટિયા વગેરે વિસ્તારોમાં રહેવા જતા રહ્યા છે તેમને પણ અમે પ્રસંગમાં બાલાવ્યા હતા. વર્ષો પછી સોસાયટીમાં કોઈ શુભપ્રસંગ જોઈને તેમની પણ આંખો ભીંજાઈ હતી. અમારી દીકરીને તેઓએ દિલથી દુઆ પાઠવી હતી."
"2002 અગાઉ જે લોકો અહીં રહેતા હતા. તેમને જોઈને અમને એટલો આનંદ થયો કે અમારા શબ્દો ખૂટી પડ્યા હતા અને આંખ છલકાઈ ઊઠી હતી."
બીજાં પત્નીની દીકરીનાં લગ્નમાં મામેરું પ્રથમ મરહૂમ પત્નીના પરિવારે કર્યું

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC
ગુલબર્ગ સોસાયટીમાં મંસૂરી પરિવારનાં બે ઘર છે. મકાન નંબર 2 અને 13માં તેમનો પરિવાર વસે છે.
રફીકભાઈ કહે છે કે, "મારી પત્ની યાસ્મિનબાનો, મારું પાંચ મહિનાનું બાળક, નાનો ભાઈ, મમ્મી, મોટા ભાઈના પરિવારજનો જીવતા સળગાવી દેવામાં આવ્યાં હતાં. અમારા બંને મકાન ફૂંકી મારવામાં આવ્યાં હતાં."
એ પછી રફીકભાઈએ તસ્નીમ સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. બીજા લગ્નથી તેમને મિસ્બાહ નામની પુત્રી સહિત ત્રણ સંતાન થયાં હતાં. જેમાં સૌથી મોટી મિસ્બાહનાં તેમણે લગ્ન કર્યાં છે.
પ્રેરક વાત એ છે કે મિસ્બાહનાં બબ્બે મામેરાં થયાં હતાં. જેમાં એક મામેરું રફીક ભાઈનાં પ્રથમ પત્ની યાસ્મિબાનોના પિયરથી આવ્યું હતું.
યાસ્મિનના ભાઈ મોહમ્મદ ઇરફાન બીબીસીને કહે છે કે, "મારી બહેનના ઇન્તેકાલ પછી રફીકભાઈની બીજી પત્ની તસ્નીમને પણ હું મારી બહેન જ માનું છું. તેથી અમે મામેરું લઈને આવ્યા હતા."
મોહમ્મદ ઇરફાનનાં પત્ની ફિરોઝાબાનો બીબીસીને જણાવે છે કે, "મંસૂરી પરિવાર સાથેના અમારા સંબંધ ખૂબ માવજતભર્યા છે."
"રફીકભાઈનાં બીજાં લગ્ન પણ અમે ખૂબ ખુશીથી કરાવ્યાં હતાં. મિસ્બાહને અમે અમારી દીકરી ગણીને જ મામેરું કર્યું હતું."
"મામેરામાં અમે દુલ્હા દુલ્હનનાં કપડાલત્તાં, દાગીના, સૂટકેસ, બૂટ વગેરે આપીને અમારી ખુશી પ્રગટ કરી હતી."
"આ વિસ્તારમાં હિંદુ મુસ્લિમ વચ્ચે સંપ છે, અમારા દુ:ખમાં તેઓ પણ સામેલ હતા"

ઇમેજ સ્રોત, Tejas Vaidya
ગુલબર્ગ સોસાયટી પર 28 ફેબ્રુઆરી, 2002ના રોજ ટોળાએ કરેલા હુમલામાં મંસૂરી પરિવારનું મકાન પણ તહસનહસ થઈ ગયું હતું. તેઓ પણ ઘર છોડીને જતા રહ્યા હતા.
ઘટનાના છ મહિના પછી તેઓ ફરી સોસાયટીમાં રહેવા આવ્યા હતા. તેમને સરકારી સહાય મળી હતી. જેનાથી તેમણે મકાનની મરમ્મત કરાવી હતી.
મંસૂરી પરિવારને પોલીસ સુરક્ષા મળી હતી. સપ્તાહમાં બે વખત સીઆઈએસએફ તેમની પાસે સુરક્ષા વ્યવસ્થાની ખાતરીરૂપે સહી લેવા આવતી હતી. છેલ્લાં એક-દોઢ વર્ષથી તેમને હવે સુરક્ષા નથી.

ઇમેજ સ્રોત, Tejas Vaidya
રફીકભાઈ કહે છે કે, "હવે મને જરૂર પણ નથી. 2002માં અમારી સોસાયટીને સળગાવવામાં આવી તે કેટલાક મુઠ્ઠીભર ઝનૂની લોકોનું કામ હતું. બાકી આ વિસ્તારમાં હિંદુ મુસ્લિમ વચ્ચે સંપ છે. અમારા દુ:ખમાં તેઓ પણ સામેલ હતા."
જેમનાં લગ્ન થયાં તે મિસ્બાહનું બાળપણ અને જુવાની ગુલબર્ગમાં વીત્યાં છે.
મિસ્બાહના કાકા અસલમભાઈ કહે છે કે, "સોસાયટી છોડતી વખતે તે ખૂબ રડી હતી અને અમે પણ ખૂબ રડ્યા હતા." આ વાત કહેતી વખતે પણ અસલમભાઈની આંખો ફરી ભિંજાઈ ગઈ હતી.
22 વર્ષ પહેલાં શું બન્યું હતું?

ઇમેજ સ્રોત, Tejas Vaidya
2002ની 27 ફેબ્રુઆરીએ ગોધરા સ્ટેશને સાબરમતી ઍક્સપ્રેસના એક કોચમાં આગ લાગી હતી અને 59 કારસેવકો મૃત્યુ પામ્યા હતા. એ પછી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભયાનક રમખાણ થયાં હતાં.
મુસ્લિમ બહુમતી ધરાવતી અમદાવાદની ગુલબર્ગ સોસાયટી પર 28 ફેબ્રુઆરી, 2002ના રોજ ટોળાએ હુમલો કર્યો હતો. તેમાં કૉંગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય અહેસાન જાફરી સહિત 69 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા.
સંખ્યાબંધ મુસ્લિમોએ ટોળાના હુમલાથી બચવા માટે અહેસાન જાફરીના ઘરમાં આશ્રય લીધો હતો. પરંતુ ટોળાએ આખી સોસાયટીને ચારેય બાજુથી ઘેરી લીધી હતી અને લોકોને જીવતા સળગાવી દેવાયાં હતાં.
અહેસાન જાફરીનાં પત્ની જાકિયા જાફરીએ એવો આરોપ લગાવ્યો હતો કે તેમના પતિએ પોલીસ અને તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી. પરંતુ કોઈએ તેમની મદદ કરી ન હતી. આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્યોને રમખાણો બાબતે એસઆઈટીએ આપેલી ક્લીન ચિટને સુપ્રીમ કોર્ટ સુધી પડકારવામાં આવી હતી.
પરંતુ સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદી અને અન્યોને આપવામાં આવેલી ક્લીન ચિટને પડકારતી જાકિયા જાફરીની અરજીને ફગાવી દીધી હતી.












