ગુજરાત 2002 રમખાણો પર બનેલી એ ફિલ્મો જે ગુજરાતમાં જ રજૂ થઈ ન શકી
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી ગુજરાતી
"હું ગજરાત ફાઇલ્સના નામે ફિલ્મ બનાવવા તૈયાર છું અને તેમાં તમારી ભૂમિકાનો પણ ઉલ્લેખ હશે. ફિલ્મની રિલીઝ તો નહીં રોકો ને નરેન્દ્ર મોદીજી?" આ નિવેદન વિનોદ કાપડીનું છે. તેઓ ન્યૂઝ ચેનલ સાથે સંકળાયેલા રહ્યા છે તેમજ તેમણે 'મીસ તનકપુર હાઝીર હો', 'પીહુ' જેવી ફિલ્મો બનાવી છે.

ઇમેજ સ્રોત, Getty Images
'કશ્મીર ફાઇલ્સ' નામની ફિલ્મ હાલ ચર્ચામાં છે. જે કાશ્મીરી પંડીતોના વિસ્થાપન પર આધારિત છે. એની ચર્ચાને પગલે વિનોદ કાપડીએ ટ્વીટર પર આ નિવેદન આપ્યું છે અને નવી ચર્ચા ઊભી કરી છે. ઉલ્લેખનીય છે કે 'ગુજરાત ફાઇલ્સ' નામનું રાણા અય્યુબનું એક પુસ્તક પણ છે. ગુજરાત રમખાણોની આસપાસ કથાવસ્તુ ધરાવતી ફિલ્મો પણ બની છે. આપણે જાણીએ કે એ કઈ કઈ ફિલ્મો છે અને તેની સાથે કેવા વિવાદ થયા હતા.

પરઝાનિયા

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2002માં ગોધરામાં થયેલા ટ્રેનકાંડ પછી અમદાવાદમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં.
ફિલ્મની કહાણી અમદાવાદનાં હુલ્લડોમાં ગુલબર્ગ સોસાયટીમાંથી પોતાનો દસ વર્ષનો પુત્ર અઝહર મોદી ગુમાવનારાં પારસી દંપતીની સત્યઘટના પર આધારિત હતી.
દીકરાને શોધવાનો પરિવારનો સંઘર્ષ ફિલ્મમાં દર્શાવાયો છે. જેમાં મુખ્ય ભૂમિકામાં નસીરુદ્દીન શાહ અને સારિકા હતાં.
ફિલ્મના ડિરેક્ટર રાહુલ ધોળકીયા હતા. જેમણે પછી શાહરુખ ખાનને લઈને ફિલ્મ 'રઈસ' બનાવી હતી.
2007માં રજૂ થયેલી ફિલ્મ પરઝાનિયાની કથાવસ્તુ સામજિક દૃષ્ટિએ સંવેદનશીલ હોવાને લીધે સિનેમાઘરના માલિકોએ ફિલ્મથી અંતર રાખ્યું હતું અને ફિલ્મ રજૂ થઈ શકી નહોતી.
આ ફિલ્મ માટે રાહુલ ધોળકિયાને બેસ્ટ ડિરેક્ટર તેમજ સારિકાને બેસ્ટ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2017માં એક મુલાકાતમાં રાહુલ ધોળકીયાએ કહ્યું હતું કે, "પરઝાનિયા ફિલ્મ બનાવવાથી માંડીને એના સિનેમાવિતરણ સુધી તે મારા માટે સંઘર્ષપૂર્ણ ફિલ્મ રહી હતી. મારે ખુદ તેનું વિતરણ કરવું પડ્યું હતું. ફિલ્મના વિષયને જોઈને કોઈ હાથ લગાડવા માગતા નહોતા."
2019માં તેમની ફિલ્મ રઈસ વખતે એક પત્રકારે તેમને સવાલ પૂછ્યો હતો કે વિવાદ વગર રાજકારણ પર આધારિત કોઈ ફિલ્મ બનાવી શકાય છે? એના જવાબમાં રાહુલ ધોળકીયાએ કહ્યું હતું કે, "મને શંકા છે. હાલના સોશિયલ મીડિયાના ધમધમાટના સમયમાં એ થોડું મુશ્કેલ છે."
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા ટ્વિટર પર ફિલ્મ કશ્મીર ફાઇલ્સની સાથે કેટલાક લોકો પરઝાનિયા જોવાનો પણ આગ્રહ કરી રહ્યા છે.

ફિરાક

ઇમેજ સ્રોત, Getty Images
ફિલ્મ 'કશ્મીર ફાઇલ્સ'નો વિવાદ ચગી રહ્યો છે ત્યારે નંદિતા દાસની 13 વર્ષ અગાઉ રજૂ થયેલી ફિલ્મ ફિરાકની ચર્ચા પણ થઈ રહી છે.
20 માર્ચ 2009ના દિવસે ફિરાક રજૂ થઈ હતી જે ગુજરાતમાં થયેલાં રમખાણ પર આધારિત હતી.
હાલમાં જ નંદિતા દાસે એક ટ્વીટ કરીને લખ્યું હતું કે, "કદાચ આ ફિલ્મ આજના સમયમાં વધારે પ્રાસંગિક છે. જો તમે ફિલ્મ હજી સુધી ન જોઈ હોય તો એમેઝોન પ્રાઇમ કે યૂટ્યુબ પર જોઈ શકો છો. ડર, પૂર્વગ્રહ, અસમાનતા વગેરે યથાવત્ છે, પણ ખુશી અને આશા વગર નહીં."
ફિરાક નંદિતા દાસની ડિરેક્ટર તરીકેની પ્રથમ ફિલ્મ હતી. જેમાં નસીરુદ્દીન શાહ, રઘુવીર યાદવ, પરેશ રાવલ, દીલિપ જોશી, ટિસ્કા ચોપરા, શહાના ગોસ્વામી, નવાજદ્દીન સિદ્દીકી વગેરે જેવાં કલાકાર હતાં.
ફિરાક રજૂ થઈ ત્યારે હિન્દુઓમાં નફરત ફેલાવવાનો તેના પર આક્ષેપ થયો હતો.
એ વખતે આપેલી એક મુલાકાતમાં નંદિતા દાસે કહ્યું હતું કે, "કેટલાક લોકોને લાગે છે કે આ ફિલ્મની કહાણી એકતરફી છે અને હું એક તરફનો જ દૃષ્ટિકોણ દર્શાવી રહી છું. જો વાસ્તવિકતા જ વનસાઈડેડ હોય તો એનું ચિત્રણ પણ વનસાઈડેડ જ હોવાનું. જો મુસલમાનો જ વધુ ભોગ બન્યા હોય તો એ વાસ્તવિકતાને હું બદલી ન શકું."
નંદિતાએ એમ પણ કહ્યું હતું કે, "ફિરાક ગુજરાતમાં જ સેટ થયેલી છે પણ રમખાણ દરમિયાન નહીં. ફિલ્મમાં જે દર્શાવાયું છે તે રમખાણના એક મહિના પછીની સ્થિતિ છે."
પરઝાનિયાની જેમ ફિરાક પણ ગુજરાતમાં રજૂ થઈ શકી નહોતી. ફિલ્મમાં ગુજરાતમાં થયેલાં હુલ્લડોની સામાન્ય લોકોનાં જીવન પર થયેલી અસરની વાત કરવામાં આવી હતી.
'ફિલ્મની આવકમાં ભાગના મુદ્દે વિવાદ' હોવાનું કહીને કેટલાય વિતરકોએ ફિલ્મ રજૂ નહોતી કરી. એ વખતે અફવા તો એવી પણ ઊડી હતી કે ફિલ્મ રજૂ ના થાય એ માટે રાજકીય દબાણ પણ હતું.

ચાંદ બુઝ ગયા

ઇમેજ સ્રોત, Getty Images
આ ફિલ્મ 2005માં આવી હતી. ગોધરામાં સાબરમતી ટ્રેનના ડબ્બામાં લાગેલી આગ આ ફિલ્મના બૅકગ્રાઉન્ડમાં હતી.
ફિલ્મમાં એક હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીની પ્રેમકહાણી હતી.
ફિલ્મમાં ગુજરાતના મુખ્ય મંત્રીનું એક પાત્ર દર્શાવવામાં આવ્યું હતું જે ગુજરાતનાં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી જેવું દેખાતું હતું.
ફિલ્મનાં વિષય અને એ પાત્રને લઈને ખૂબ વિવાદ થયો હતો અને ફિલ્મ ગુજરાતમાં રજૂ થઈ શકી નહોતી.
એ વખતે પ્રેસ કૉન્ફરન્સમાં નરેન્દ્ર મોદી જેવા દેખાતા પાત્ર વિશે સવાલ પૂછાતાં ડિરેક્ટરે કહ્યું હતું કે "એ પાત્ર એક ઇતિફાક હતો. એવો કોઈ ટાર્ગેટ નહોતો કે આવું જ પાત્ર જોઈએ છે. આવું કિરદાર મળી જાય તો લોકો વધુ આકર્ષિત થશે. જેમને ફિલ્મ નથી જોવી તે પણ જોવા આવશે. જેટલા પણ વધુ લોકો જોશે તો તેઓ એક સંદેશ ફિલ્મમાંથી લઈને જશે. તેથી એ કિરદારમાં છૂટછાટ લીધી છે."
ફિલ્મમાં ઈમરાન જાફરીનું એક પાત્ર છે. જે મુખ્ય મંત્રીને ફોન કરીને કહે છે કે "સીએમસાહબ, આપ સિક્યૉરીટી કબ ભેજ રહે હૈં, જબ સારા શહેર જલ જાયેગા તબ?"
શરિક મિન્હાજે ડિરેક્ટ કરેલી આ ફિલ્મની પાર્શ્વભૂમિ ગુજરાત હોવા છતાં પણ ફિલ્મ ગુજરાતમાં રજૂ નહોતી થઈ શકી.
ફિલ્મના ડિરેક્ટરે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે, "ચાંદ એટલે શાંતિ, અમન, રોશની, સુકુન અને એકતાનું પ્રતીક છે. ગુજરાતમાં જે ઘટનાઓ બની એને લીધે એવું લાગતું હતું કે ત્યાંથી શાંતિ અને અમન સમાપ્ત થઈ ગયાં છે તેથી ફિલ્મનું ટાઇટલ ચાંદ બુઝ ગયા એવું રાખ્યું છે."
ફિલ્મમાં આમીર ખાનના ભાઈ ફૈસલ ખાન અને શમા સિકંદર મુખ્ય ભૂમિકામાં હતાં.

કાયપો છે

ઇમેજ સ્રોત, Getty Images
2002માં ગોધરામાં થયેલી ટ્રેન દુર્ઘટના અને પછી અમદાવાદમાં ફાટી નીકળેલાં કોમી રમખાણો ત્રણ મિત્રોના જીવનમાં કેવો અણધાર્યો વળાંક લાવે છે એનું ચિત્રણ આ ફિલ્મમાં છે. ૉ
ચેતન ભગતની અંગ્રેજી નવલકથા 'થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઇફ' પરથી ડિરેક્ટર અભિષેક કપૂરે આ ફિલ્મ બનાવી હતી. ફિલ્મમાં ત્રણ મિત્રોની ભૂમિકા સુશાંતસિંહ રાજપૂત, અમિત સધ અને રાજકુમાર રાવે ભજવી હતી. ફિલ્મનું શૂટીંગ અમદાવાદ, વડનગર, દીવ વગેરે ઠેકાણે થયું હતું.
આ ફિલ્મની રજૂઆત વખતે પણ વિવાદ થયો હતો. ફિલ્મને સેન્સર બોર્ડમાંથી મળેલી મંજૂરી રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં જનહિતની અરજી દાખલ થઈ હતી. જેમાં આરોપ લગાવાયો હતો કે રાજ્યમાં 2002માં થયેલાં સાંપ્રદાયિક તોફાનોને જેવી રીતે ફિલ્મમાં દર્શાવાયાં છે તેનાથી હિન્દુ સમુદાયનું અપમાન થયું છે. ફિલ્મમાં હુલ્લડનાં દૃશ્યો પક્ષપાતપૂર્વક હિન્દુ સમુદાય સાથે જોડાયેલા એક જૂથને બદનામ કરવા માટે દર્શાવાયાં છે.
જોકે, ફિલ્મ રજૂ થઈ હતી. ફિલ્મના પ્રચાર માટે કલાકારો અને ડિરેક્ટર ગુજરાત પણ આવ્યા હતા.
કાયપો છે સાથે એવો પણ વિવાદ થયો હતો કે આ તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી માટેની પ્રચારાત્મક - પ્રોપગૅન્ડા મૂવી છે.
એવા આક્ષેપ થયા હતા ફિલ્મમાં એવું ચિત્રણ થયું છે કે 2002નાં રમખાણ એ એક સ્થાનિક હિન્દુ નેતાઓનો નિર્ણય હતો.
ડિરેક્ટર અભિષેક કપૂરે એ વાતનું ખંડન કરતાં કહ્યું હતું કે કાયપો છે ફિલ્મ યુવાની અને તેની નાદાનિયતને દર્શાવતી ફિલ્મ છે. આ ફિલ્મ ગુજરાતમાં રજૂ થઈ હતી.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












