'ઇસ્લામિક મહાસામ્રાજ્ય' : 20થી વધુ દેશોમાં ફેલાયેલું 'મુસ્લિમોનું રાજ' કઈ રીતે ખતમ થઈ ગયું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નોર્બેર્ટો પરેદેસ
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
સરકારના નવા સ્વરૂપની જાહેરાત અને નવા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે કમાલ અતાતુર્કે શપધ લીધા પછી 1923ની 29 ઑક્ટોબરે તુર્કીના વિધાનસભ્યોએ બૂમો પાડી હતીઃ “પ્રજાસત્તાક અમર રહે, મુસ્તફા કમાલ પાશા અમર રહે.”
ઘણા લોકો નવા રાષ્ટ્રના સર્જનની ઉજવણી કરી રહ્યા હતા, જ્યારે અન્ય લોકો ઓટ્ટોમન સામ્રાજ્યના પતનનો શોક વ્યક્ત કરી રહ્યા હતા. ઓટ્ટોમન સામ્રાજ્ય માનવજાતની અત્યાર સુધીની મહાન મહાસત્તાઓ પૈકીનું એક હતું.
તુર્કીની જન્મને 100 વર્ષ પૂરાં થયાં છે અને તુર્કી સામ્રાજ્યના પતનને માત્ર એક સદીથી વધારે સમય થયો છે.
ગ્રાન્ડ નેશનલ ઍસૅમ્બ્લીએ નવેમ્બર, 1922માં સુલતાનના શાસન પર પૂર્ણવિરામ મૂક્યું ત્યારે અંતિમ ફટકો પડ્યો હતો. 1299માં સ્થાપનાથી માંડીને તેના વિસર્જન સુધી સામ્રાજ્યના પરિવાર, ઉસ્માનઅલી વંશના આશરે 600 વર્ષના ઇતિહાસને સમાપ્ત કર્યો હતો.
ઇતિહાસના મોટા કાલખંડ દરમિયાન જે મહાસત્તાએ સૌથી શક્તિશાળી દેશોને ટક્કર આપી હતી તેનું પતન તુર્કો માટે એક દુર્ઘટના હતું.
ઓટ્ટોમન સામ્રાજ્ય ત્રણ ખંડોમાં વિસ્તર્યું હતું. હવે તે પ્રદેશો બલ્ગેરિયા, ઇજિપ્ત, ગ્રીસ, હંગેરી, જૉર્ડન, લેબનન, ઇઝરાયલ, પેલેસ્ટિનિયન પ્રદેશો, મેસેડોનિયા, રોમાનિયા, સીરિયા, સાઉદી અરેબિયા અને ઉત્તર આફ્રિકા તરીકે ઓળખાય છે.
અલ્બેનિયા, સાયપ્રસ, ઇરાક, સર્બિયા, કતાર અને યમન પણ ઓટ્ટોમન સામ્રાજ્યનો સંપૂર્ણ કે આંશિક હિસ્સો હતા, પરંતુ આમાંના ઘણા દેશોમાં શાહી વારસો એટલો વિવાદાસ્પદ છે કે તેઓ તેને ભૂલી જવાનું પસંદ કરે છે. બીજી તરફ તુર્કી જેવા અન્ય દેશોમાં તેને ગૌરવશાળી સુવર્ણયુગ તરીકે યાદ કરવામાં આવે છે.
ઉસ્માનઅલી રાજવંશની શરૂઆત સેલજુક સામ્રાજ્યના નેતા ઉસ્માન પ્રથમને મળેલી એક તક સાથે થઈ હતી. એ તક તેમણે વેડફી ન હતી. પોતાના સામ્રાજ્ય અને પાડોશી બાયઝેન્ટિયમની નબળાઈને સમજી ગયા પછી ઉસ્માને, હવે તુર્કી તરીકે ઓળખાતા, એનાટોલિયામાં પોતાની અમિરાત બનાવવાનું નક્કી કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ રીતે તેઓ એ તુર્કી રાજ્યના સ્થાપક અને પ્રથમ સુલતાન બન્યા હતા. તે રાજ્યે બાદમાં વિસ્તરણ શરૂ કર્યું હતું અને 50 લાખ કિલોમીટર વિસ્તારમાં સામ્રાજ્ય પાથર્યું હતું.
ઉસ્માન કે ઓસ્માનના નામની જોડણી કેટલીક વાર ઓટ્ટમાન અથવા ઓથમાન થાય છે તથા તેમાંથી ઓટ્ટોમન શબ્દ આવ્યો છે. ઉસ્માનના વંશજોએ છ સદી સુધી શક્તિશાળી રાષ્ટ્ર પર શાસન કર્યું હતું.
કોન્સ્ટેન્ટિનોપલનું પતન

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અલબત્ત, પેરિસ ડીડેરોટ યુનિવર્સિટીમાં ઓટ્ટોમન અને મધ્ય-પૂર્વના ઇતિહાસના પ્રોફેસર ઓલિવિયર બૂકેટ નોંધે છે તેમ, 1299માં માત્ર “તુર્કીશ રાજ્ય”ની સ્થાપના કરવામાં આવી હતી. 1453માં કોન્સ્ટેન્ટિનોપલના પતન સાથે સામ્રાજ્ય આકાર પામવું શરૂ થયું હતું.
સફેદ અશ્વ પર સવાર થઈને કોન્સ્ટેન્ટિનોપલમાં પ્રતીકાત્મક પ્રવેશ સાથે સુલતાન મેહમેદ દ્વિતીયે બાયઝેન્ટાઈન સામ્રાજ્યનાં 1,000 વર્ષના સામ્રાજ્યનો અંત કર્યો હતો અને સ્થાનિક લોકો પૈકીના મોટા ભાગનાની હત્યાનો આદેશ આપ્યો હતો. બાકીના લોકોને ભાગી જવાની ફરજ પડી હતી.
બાદમાં તેઓ ઓટ્ટોમન સામ્રાજ્યના અન્ય પ્રદેશોમાંથી લોકોને લાવ્યા હતા અને શહેરને ફરી વસાવ્યું હતું.
મેહમેદ દ્વિતીયે કોન્સ્ટેન્ટિનોપલનું નામ બદલીને ઇસ્તંબૂલ (ઇસ્લામનું શહેર) રાખ્યું હતું અને તેનું પુનર્નિર્માણ શરૂ કર્યું હતું.
આ રીતે શહેર ફક્ત સામ્રાજ્યની રાજધાની અને સૈન્યનું વડું મથક જ નહીં, પરંતુ યુરોપ, આફ્રિકા અને એશિયાના ક્રોસરોડ્ઝ પર આવેલું હોવાને કારણે મહત્ત્વનું વૈશ્વિક વ્યાપારી કેન્દ્ર પણ બન્યું હતું.
મેહમેદ દ્વિતીયની નીતિ તેમના રાજ્યમાં વેપારીઓ તથા કારીગરોની સંખ્યામાં વધારાને પ્રોત્સાહન આપવાની હતી. એ નીતિ સામ્રાજ્યની આર્થિક તાકાત બની હતી.
તેમણે ઘણા વેપારીઓને ઇસ્તંબૂલ જવા અને ત્યાં વ્યવસાય સ્થાપિત કરવા પ્રોત્સાહિત કર્યા હતા. પછીના શાસકોએ પણ એ નીતિ ચાલુ રાખી હતી.
સફળતા માટેની રેસિપી

ઇમેજ સ્રોત, Getty Images
પ્રતિસ્પર્ધા ટાળીને મહત્તમ સત્તા ફક્ત એક જ વ્યક્તિને આપવામાં આવી હતી. એ હકીકત ઉપરાંત સામ્રાજ્ય અન્ય ઘણાં કારણસર સફળ રહ્યું હતું. એ પૈકીનું એક કારણ તેની રાજકોષીય-લશ્કરી રાજ્ય તરીકેનું તેનું વૈશિષ્ટ્ય હતું, એમ બુકેટ જણાવે છે.
બીબીસી મુંડો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, “તે એક એવું રાજ્ય હતું કે જેમાં નાણાકીય સંપત્તિમાંથી સંસાધનોનું નિર્માણ લશ્કરી વિજય સાથે જોડાયેલું હતું. તેનો ઉદ્દેશ નવી સંપત્તિ પ્રાપ્ત કરવાનો હતો અને કેન્દ્રિય રીતે વધુ કર લાદવાનો હતો.”
ઇતિહાસકારના મતે, સામ્રાજ્યનું બીજું ચાલક બળ તેની લશ્કરી તાકાત હતી.
ઓટ્ટોમન સામ્રાજ્યના હુમલા ઝડપી હતા અને તેમની પાસે સુલતાનની રક્ષા કરતી ચુનંદી ટુકડીઓ અને સિપાહીઓ જેવા વિશિષ્ટ દળો હતા, જે શાંતિના સમયમાં કર વસૂલવાની જવાબદારી સંભાળતા હતા.
સામ્રાજ્યની અમલદારશાહી અત્યંત કેન્દ્રિય હતી. તેને લીધે સંપત્તિનું વિતરણ વ્યવસ્થિત રીતે થતું હતું. તે ઇસ્લામથી પ્રેરિત તથા એકીકૃત હતી. સમગ્ર સમાજ માટે સમાન શાસકે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
બુકેટે કહ્યું હતું, “તે બહુ-સાંપ્રદાયિક સમાજ હતો. સૈદ્ધાંતિક રીતે બળજબરીથી ધર્માંતરણ કરાવવામાં આવતું ન હતું, પરંતુ હકીકતમાં એવું ન હતું. અમુક પ્રદેશોમાં ઇસ્લામીકરણની નીતિ હતી.”
ઓટ્ટોમન તેમના વ્યવહારુપણા માટે જાણીતા હતા. તેઓ અન્ય સંસ્કૃતિમાંથી શ્રેષ્ઠ વિચારો અપનાવ્યા હતા અને પોતાના બનાવ્યા હતા.
સુલેમાન ધ મેગ્નિફિસન્ટ

ઇમેજ સ્રોત, Getty Images
સામ્રાજ્યના સૌથી જાણીતા સુલતાનો પૈકીના એક સુલેમાન ધ મેગ્નિફિસન્ટ હતા. તેમણે 1520થી 1566ની વચ્ચે શાસન કર્યું હતું અને પોતાના સામ્રાજ્યનો રોમન શહેર વિયેનાના દરવાજા સુધી પહોંચતા બાલ્કન તથા હંગેરી સુધી કર્યો હતો.
સુલતાનને પશ્ચિમમાં ધ મેગ્નિફિસન્ટ તરીકે અને પૂર્વમાં કાયદા-સર્જક તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેમને કેટલાક આશ્ચર્યજનક અને અતિશયોક્તિપૂર્ણ ઇલકાબ પણ આપવામાં આવ્યા હતા.
તેમાં અલ્લાહના પૃથ્વી પરના મુખત્યાર, આ વિશ્વના ભગવાનોના ભગવાન, લોકોના અસ્તિત્વના માલિક અને સમગ્ર વિશ્વના તમામ લોકોના આશ્રયદાતા જેવા ઇલકાબોનો સમાવેશ થાય છે. આ ઇલકાબો તેમનું મહત્ત્વ દર્શાવે છે.
તેમનાં સૌથી વિવાદાસ્પદ નામો પૈકીનું એક નામ “પૂર્વ અને પશ્ચિમના સમ્રાટ” હતું, જેને ઇતિહાસકારો રોમની સત્તા માટે સીધો પડકાર ગણતા હતા. ઓટ્ટોમનની સત્તા રોમને અતિક્રમી ગઈ હતી.
સામ્રાજ્ય તેની મહત્તમ પ્રાદેશિક હદ સુધી બાદમાં પહોંચ્યું હતું, પરંતુ સુલેમાન ધ મેગ્નિફિસન્ટના સમયગાળાને પશ્ચિમમાં ઓટ્ટોમનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. તેમાં મોટી સંખ્યામાં સફળ લશ્કરી અભિયાનો હાથ ધરવામાં આવ્યાં હતાં.
સાર્વત્રિક બનવા ઇચ્છતું સામ્રાજ્ય
“પૂર્વ અને પશ્ચિમના સમ્રાટ” નામ એ પણ સ્પષ્ટ કરે છે કે ઓટ્ટોમન સામ્રાજ્ય પોતાને સર્વોચ્ચ ગણતું હતું. પોતાને જેવું કે સમાન કોઈ છે તેવું માનતું ન હતું.
ઓલિવિયર બૂકેટના કહેવા મુજબ, “ઓટ્ટોમન સુલતાનોની નજરમાં તેમના સિવાય બીજો કોઈ સમ્રાટ ન હતો.”
તેમના મતે, સાર્વત્રિક સામ્રાજ્યનો વિચાર બાયઝેન્ટાઈન વારસા અને ઇસ્લામની નીપજ છે. “પુરુષો અને સ્ત્રીઓ રહેતા હોય એવા તમામ પ્રદેશોને તેઓ જીતવા માગતા હતા. દાર-એ-ઇસ્લામની બહારના તમામ દેશોને જીતી લેવામાં આવ્યા હતા.”
ઓટ્ટોમન સામ્રાજ્ય લાંબા સમયગાળા સુધી ટકી રહ્યું તેનું એક કારણ આ છે. તેના નૌકાદળ માટે પ્રદેશો પર વિજય મેળવવાની કોઈ મર્યાદા ન હતી. તે સદીઓ સુધી આગળ વધતું રહ્યું હતું.
બૂકેટના કહેવા મુજબ, “વિજય-પ્રાપ્તિ મુશ્કેલ બને અથવા બંધ થાય ત્યારે સામ્રાજ્ય નબળું પડવું શરૂ થાય છે.”
અંતનો આરંભ

ઇમેજ સ્રોત, Getty Images
મહાસત્તા બની ગયેલા ઓટ્ટોમન સામ્રાજ્યને નબળું પાડતી પહેલી ઘટના 1571માં લેપેન્ટોના યુદ્ધમાં તેની હાર હતી. એ લડાઈમાં તેણે કૅથલિક દેશોના અને સ્પેનિશ રાજાશાહીની આગેવાની હેઠળના લશ્કરી સંગઠન હોલી લીગનો સામનો કર્યો હતો.
તે પ્રાચીન સમયથી માનવજાતે જોયેલી સૌથી લોહિયાળ લડાઈઓ પૈકીની એક હતી અને ભૂમધ્ય સમુદ્રમાં સમુદ્રમાં ઓટ્ટોમનના લશ્કરી વિસ્તરણનો તેની સાથે અંત આવ્યો હતો.
એ સાથે સામ્રાજ્યની પડતી અને ત્યાર પછીની સદીઓમાં દીર્ઘકાલીન પતનની શરૂઆત થઈ હતી.
વીસમી સદીની શરૂઆતમાં ઇસ્તંબૂલની રાજકીય અને આર્થિક અસ્થિરતાની ખોટી ગણતરીએ એક સામ્રાજ્યનો નાશ કર્યો હતો. તેની ચમક પહેલેથી જ કલંકિત થઈ ગઈ હતી.
તેમાંથી પ્રથમ બાલ્કન યુદ્ધ (1912-1913) મોખરે હતું. તેમાં તેણે બાલ્કન લીગ (બલ્ગેરિયા, ગ્રીસ, મોન્ટેનેગ્રો અને સર્બિયા)નો સામનો કર્યો હતો. તે રશિયા સમર્થિત હતી અને તેણે ઓટ્ટોમનને તેમની જમીનમાંથી હાંકી કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
લશ્કરી રીતે નબળું પડેલું ઓટ્ટોમન સામ્રાજ્ય યુદ્ધ અને તેની સાથે, કોન્સ્ટેન્ટિનોપોલ તથા તેની આસપાસના વિસ્તારોને બાદ કરતાં, યુરોપમાંના તેના તમામ પ્રદેશો હારી ગયું હતું.
ઇતિહાસકારો આ હારને ઓટ્ટોમન માટે “અપમાનજનક” ઘટના અને મહત્ત્વનો બીજો ટર્નિંગ પૉઇન્ટ ગણે છે.
અંતિમ ફટકો

ઇમેજ સ્રોત, Getty Images
અન્ય વેપારી માર્ગોના વિકાસ, અમેરિકા અને એશિયા સાથે વધતી વ્યાપારી દુશ્મનાવટ તથા બેરોજગારીને કારણે બાકીની ઓટ્ટોમન પ્રદેશો માઠા આર્થિક સમયમાંથી પસાર થઈ રહ્યા હતા.
તેમણે ગ્રેટ બ્રિટન અને ફ્રાન્સ જેવી યુરોપિયન સત્તાઓની વિસ્તરણવાદી મહત્ત્વાકાંક્ષાઓનો સામનો પણ કરવો પડ્યો હતો.
એ ઉપરાંત વિવિધ ધાર્મિક અને વંશીય જૂથો વચ્ચે તણાવ વધ્યો હતો. અન્ય લોકો ઉપરાંત આર્મેનિયનો, કુર્દો પર તુર્કો દ્વારા વધુ જુલમ કરવામાં આવતો હતો.
આ તમામ સમસ્યાઓ સાથે ઇસ્તંબૂલે ફ્રાન્સ, બ્રિટિશ સામ્રાજ્ય, અમેરિકા અને રશિયાના નેતૃત્વ હેઠળના શક્તિશાળી જોડાણ સામે નવું યુદ્ધ શરૂ કર્યું હતું.
પ્રથમ વિશ્વયુદ્ધ (1914-1918) દરમિયાન મધ્ય-પૂર્વમાં સાથી રાષ્ટ્રોની જીત, ઓટ્ટોમન સામ્રાજ્યના વિઘટન માટેનું એક કારણ હતી. ઓટ્ટોમન સામ્રાજ્યના દિવસો પહેલેથી જ પૂરા થઈ ગયા હતા.
એ ઘટના પછી અગાઉની યોજના મુજબ, સીરિયામાં ફ્રાન્સના અને ઇરાક તથા પેલેસ્ટાઈનમાં બ્રિટિશ જનાદેશનું નિર્માણ લીગ ઑફ નેશન્શ (સંયુક્ત રાષ્ટ્રસંઘ પહેલાની સંસ્થા)ની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.
1917ના યુદ્ધની મધ્યમાં ફ્રાન્સ અને ગ્રેટ બ્રિટન ગુપ્ત સાયકલ-પિકોટ સંધિ દ્વારા તેમના પ્રદેશોને વિભાજિત કરવા પહેલેથી જ સહમત થયા હતા એ વાત ઓટ્ટોમન જાણતું ન હતું.
એ જ વર્ષે બાલ્ફોર ઘોષણા પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બાલ્ફોર ઘોષણા એક એવો દસ્તાવેજ છે, જેમાં બ્રિટિશ સરકારે યહૂદી લોકોને પેલેસ્ટાઈન પ્રદેશમાં તેમના પોતાના દેશની રચનાનું વચન આપ્યું હતું. એ પ્રદેશ પણ ઓટ્ટોમન સામ્રાજ્યનો એક ભાગ હતો.
તુર્કીનો જન્મ

ઇમેજ સ્રોત, Getty Images
ઓટ્ટોમન સામ્રાજ્યનો 1922ની પહેલી નવેમ્બરે સત્તાવાર રીતે અંત આવ્યો હતો. સુલતાનશાહી નાબૂદ કરવામાં આવી હતી.
તેના એક વર્ષ પછી તુર્કી પ્રજાસત્તાકનો જન્મ થયો હતો. પ્રજાસત્તાક ક્રાંતિનું નેતૃત્વ કર્યા પછી “આધુનિક તુર્કીના જનક” મુસ્તફા કમાલ અતાતુર્ક તેના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા.
ઓટ્ટોમન સામ્રાજ્યના છેલ્લા સુલતાન મેહમેદ છઠ્ઠાની ક્રાંતિકારીઓ હત્યા કરી નાખશે એવો ડર હતો. તેથી બ્રિટિશ રક્ષકોએ તેમને ઇસ્તંબૂલમાંથી બહાર કાઢવા પડ્યા હતા.
તેમનો બેનિટો મુસોલિનીના ઇટાલીના સાન રેમોના દરિયાકિનારે આવેલા રિસોર્ટમાં દેશનિકાલ કરવામાં આવ્યો હતો. સામ્રાજ્યના વિભાજન બાબતે એ જ સ્થળે સંમતિ સધાઈ હતી.
તેના ચાર વર્ષ પછી તેઓ મૃત્યુ પામ્યા હતા. તેઓ એટલા ગરીબ થઈ ગયા હતા કે સ્થાનિક વેપારીઓનું દેવું ચૂકવવામાં ન આવે ત્યાં સુધી ઇટાલીના અધિકારીઓએ તેમની શબપેટી જપ્ત કરી હતી.
દરમિયાન, નવજાત તુર્કીએ તેની શાહી મહત્ત્વાકાંક્ષા છોડી દીધી હતી. તે અતાતુર્ક દ્વારા અમલી બનાવવામાં આવેલી વિચારધારા કમાલવાદ પર આધારિત હતું, જે પ્રજાસત્તાકવાદ, લોકશાહી, રાષ્ટ્રવાદ, બિનસાંપ્રદાયિકતા અને સુધારાવાદનો હિમાયતી હતો.
ઘણા ઇતિહાસકારો દાવો કરે છે કે આધુનિક તુર્કીની બિનસાંપ્રદાયિકતા ઓટ્ટોમન સામ્રાજ્યનો ‘મહાન’ વારસો છે.
નવ-ઓટ્ટોમનવાદ

ઇમેજ સ્રોત, Getty Images
બીજી તરફ ઓટ્ટોમન ખિલાફત, પ્રમાણમાં બહુ ઓછી સત્તા સાથે થોડો સમય અમલમાં રહી હતી. 1924ની ત્રીજી માર્ચે તેને પણ નાબૂદ કરવામાં આવી હતી.
પ્રથમ વિશ્વયુદ્ધમાં ઓટ્ટોમનની હાર સાથે તેમના સામ્રાજ્યનો અંત આવ્યો હોવાને મતનો કેટલાક લોકો વિરોધ કરે છે. તેઓ દાવો કરે છે કે ઓટ્ટોમનનું પતન પશ્ચિમની ભૂલ છે.
ઓલિવિયર બૂકેટે કહ્યું હતું, “(સામ્રાજ્યના પતનમાં) પશ્ચિમ જવાબદાર હોવાનો મુદ્દો અંકારાના શાસકો અને તુર્કી ગણરાજ્યના વર્તમાન રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ અર્દોગન ઘણા વર્ષોથી ઉઠાવી રહ્યા છે.”
તુર્કીમાં કેટલાક લોકો ઓટ્ટોમન યુગ માટે ગૌરવની લાગણી અનુભવે છે અને તાજેતરનાં વર્ષોમાં આવી લાગણીએ કથિત નવ-ઓટ્ટોમનવાદના પુનરોત્થાનને વેગ આપ્યો છે.
તે એક ઇસ્લામી અને સામ્રાજ્યવાદી વિચારધારા છે, જે તેના વ્યાપક અર્થમાં તુર્કીના ઓટ્ટોમન સામ્રાજ્યના ભવ્ય ભૂતકાળના આદરની અને ઓટ્ટોમન સામ્રાજ્ય હેઠળના પ્રદેશોમાં તુર્કીનો પ્રભાવ વધારવાની હિમાયત કરે છે.
વધુ “પશ્ચિમી” અને “બિનસાંપ્રદાયિક” છબી પ્રસ્તુત કરવાના હેતુસર આધુનિક તુર્કીના નેતાઓ શાહી વારસા તથા ઇસ્લામથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ ઘણા દાયકાઓથી કરતા રહ્યા છે, પરંતુ સત્તા પર આવ્યા પછી અર્દોઆને તેમના દેશના ઓટ્ટોમન ભૂતકાળ અને તેના ઇસ્લામિક વારસાને પ્રદર્શિત કરવામાં કોઈ છોછ રાખ્યો નથી.
તેનો પુરાવો 2020માં કરાયેલું હાગિયા સોફિયાનું વિવાદાસ્પદ રૂપાંતર છે. ઇસ્તંબૂલના સૌથી પ્રતિષ્ઠિત સંગ્રહાલયો પૈકીના એક હાગિયા સોફિયાને અતાતુર્કે મસ્જિદમાં રૂપાંતરિત કર્યું હતું.
અર્દોઆન એવી જ રીતે સલીમ પ્રથમ માટે વારંવાર આદર વ્યક્ત કરતા રહ્યા છે. સલીમ પ્રથમે ઓટ્ટોમન સામ્રાજ્યના સૌથી મોટા વિસ્તરણ પૈકીના એકનું નેતૃત્વ કર્યું હતું.
2017માં બંધારણીય લોકમત જીત્યા પછી તેઓ સૌપ્રથમ વાર ઓટ્ટોમન સુલતાનની કબર ખાતે જોવા મળ્યા હતા. બંધારણીય લોકમત જીતવાને પગલે તેમની સત્તામાં મોટો વધારો થયો છે.
ઇસ્તંબૂલની પ્રખ્યાત બોસ્ફોરસ સામુદ્રધુની પર બાંધવામાં આવેલા પુલ પૈકીના એકને તેમનું નામ આપવાનો નિર્ણય તેમણે તાજેતરમાં કર્યો હતો.
બૂકેટે કહ્યું હતું, “ઓટ્ટોમન સામ્રાજ્ય અદૃશ્ય થઈ ગયું, પરંતુ નવ-ઓટ્ટોમનવાદ વિકાસ પામ્યો છે. ઓટ્ટોમન સામ્રાજ્યના વીસમી સદીના અંતમાં હતા તેના કરતાં વધુ સંદર્ભ આજે જોવા મળે છે.”
રેચેપ તૈય્યપ અર્દોઆન : ક્યારેક લીંબુપાણી વેચનારા નેતા જે હવે તુર્કીના સૌથી શક્તિશાળી વ્યક્તિ બની ગયા














