એ ઇસ્લામિક સલ્તનત જ્યાં નવા સુલતાનનો પહેલો હુકમ સગા ભાઈઓની હત્યાનો રહેતો

ઓટોમન સુલ્તાનનું ચિત્ર

ઇમેજ સ્રોત, DEA / A. DAGLI ORTI / GETTY IMAGES

    • લેેખક, અસદ અલી
    • પદ, બીબીસી ઉર્દૂ

ઓટોમન સામ્રાજ્ય અનેક સદીઓ સુધી ટકી રહેલી એક મોટી સલ્તનત હતું. તેણે યુરોપ, મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકાના મોટા હિસ્સા પર શાસન કર્યું હતું અને દૂરગામી છાપ છોડી હતી.

ઓટોમન સામ્રાજ્યના સમયના વિવિધ પાત્રો ટીવી ડ્રામા અને સિરિયલોના વિષય બન્યા છે. એ પૈકીની એક સિરિયલ સુલ્તાન અહમદ પ્રથમ અને ખાસ કરીને તેમનાં પત્ની કોસેમ સુલ્તાનની જીવન પર આધારિત છે. આ સિરિયલમાં સુલ્તાન અહમદ તેમની આસપાસના લોકો અને સલ્તનતના મોટા પદો પર બિરાજતા લોકો તરફથી તેમના નાનાભાઈની હત્યા કરવાના દબાણમાં હોય તેવું જોવા મળે છે.

વિશ્વના ઈતિહાસમાં ઘણા સમાજમાં ભાઈઓ, બાપ-દીકરા અને બીજા સગાસંબંધીઓમાં રાજગાદી માટે હત્યા તથા લડાઈના ઉદાહરણ મળે છે ત્યારે ઓટોમન સામ્રાજ્યના ઈતિહાસમાં આ પ્રકારની ઘટનાઓના કેવા ઉદાહરણ છે?

તે તપાસવા સુલ્તાન અહમદ પ્રથમના પિતા સુલ્તાન મેહમત તૃતીયના રાજગાદી પર બિરાજવાની ઘટનાથી શરૂઆત કરીએ.

લાઇન

સંક્ષિપ્તમાં: ઓટોમન સામ્રાજ્યની લોહિયાળ શાસન પરંપરા

  • ઓટોમન સામ્રાજ્યના કાયદાના ઉલ્લંઘનથી ભયભીત સુલ્તાન મુરાદે રડતાં-રડતાં પોતાના (ખાસ આ કામ માટે તૈયાર કરવામાં આવેલા બહેરા-મૂંગા) કર્મચારીઓને શાહઝાદાઓનું ગળું દાબવા માટે રવાના કર્યા હતા અને એ કામ માટે તેમના કર્મચારીઓના ઉપરીને પોતાના હાથથી નવ રૂમાલ આપ્યા હતા.
  • સંખ્યાબંધ શાહઝાદાઓ અને શાહઝાદીઓના આ મોતના સંદર્ભમાં મહત્ત્વની વાત એ છે કે શાહઝાદાઓની હત્યા કોઈ બળવા કે કોઈ ગુનાની સજા સ્વરૂપે કરવામાં આવી ન હતી. એ પૈકીના કેટલાક તો ભૂલ સુદ્ધાં કરવા સક્ષમ ન હતા.
  • જે કાયદા કે પરંપરા અનુસાર આ શાહઝાદાઓ અને શાહઝાદીઓની હત્યા કરવામાં આવી હતી, તેનો પાયો લગભગ 100 વર્ષ પહેલાં પંદરમી સદીમાં સુલ્તાન મેહમત દ્વિતીયના શાસનકાળમાં નંખાયો હતો.
  • તેમણે એવું કહીને ભાઈઓની હત્યાની છૂટ આપી હતી કે ભલે તેમનો ગમે તે પુત્ર સુલ્તાન બને, પણ તે બાકીના ભાઈઓની હત્યા કરશે તો તેનાથી દુનિયાનું ભલું થશે.
  • તુર્કોમાં ઉત્તરાધિકારીની પરંપરા વિશે જેસન ગુડવિને તેમના પુસ્તક 'લોર્ડ ઓફ ધ હોરાઈઝન્સ'માં લખ્યું છે કે ઓટોમન સામ્રાજ્યમાં શરૂઆતમાં સત્તા પારિવારિક મામલો હતી. તેમાં ભાઈ, કાકા, પિતરાઈઓ અને ઘણીવાર મહિલા સંબંધીઓ પણ ઘણી હદે હિસ્સેદાર હતાં. આ સ્થિતિ દુનિયાનાં અન્ય સામ્રાજ્યોથી અલગ હતી. અન્ય સામ્રાજ્યોમાં સત્તા માત્ર સૌથી મોટા પુત્રનો અધિકાર હતી.
  • મેહમત તૃતીય પછી સુલ્તાન અહમદ પ્રથમ રાજગાદી પર બિરાજ્યા હતા, પરંતુ જોરદાર દબાણ હોવા છતાં તેમણે તેમના ભાઈઓની હત્યા કરાવી ન હતી. જોકે, એ સમયે પણ તે પરંપરાનો સંપૂર્ણપણે અંત આવ્યો ન હતો.
લાઇન

1595નો એક દિવસ. ઓટોમન સામ્રાજ્ય તેની બુલંદી પર હતું. આ એ દિવસ હતો, જ્યારે તે સમયના સુપર પાવરની સત્તા સુલ્તાન મુરાદ તૃતીયના મોત પછી તેમના પુત્ર મેહમતને મળી હતી. તેઓ સુલ્તાન મેહમત તૃતીય બન્યા હતા.

અલબત, આ દિવસને ઈતિહાસમાં જે કારણસર યાદ રાખવામાં આવે છે તે કદાય ઈસ્તંબુલના શાહી મહેલમાં નવા સુલ્તાનના આગમનને બદલે 19 ત્યાંથી શાહઝાદાઓના જનાજા નીકળવાની ઘટના છે.

ઓટોમન સુલ્તાનના ચિત્રો

ઇમેજ સ્રોત, TIM GRAHAM / GETTY IMAGES

એ જનાજા એટલે કે અંતિમયાત્રા નવા સુલતાન મેહમત તૃતીયના ભાઈઓના હતા, એ સમયે સામ્રાજ્યમાં પ્રચલિત ભાઈઓની હત્યાની પરંપરા અનુસાર, નવા સુલતાનના તખ્તનશીન થતાંની સાથે જ તેમની ગળું દાબીને હત્યા કરવામાં આવી હતી.

ઓટોમન સામ્રાજ્યના ઈતિહાસ વિશેના પુસ્તક 'લોર્ડ ઓફ ધ હોરાઈઝન્સ'માં લેખક જેસન ગુડવીને ઈતિહાસના વિવિધ સ્રોતોના સંદર્ભ વડે શાહઝાદાઓના મોતની કહાણી કહેતાં લખ્યું છે કે શાહઝાદાઓને એક પછી એક નવા સુલતાન સામે લાવવામાં આવ્યા હતા.

તેમાંથી ઉમરમાં સૌથી મોટા શાહઝાદા બહુ સુંદર અને તંદુરસ્ત હતા.

તેમણે વિનંતી કરી હતી કે "મારા માલિક, મારા ભાઈ, તમે હવે મારા પિતા સમાન છો. મારા જીવનને આ રીતે ખતમ ન કરો. દુઃખી સુલતાને પોતાની દાઢીના વાળ ખેંચી કાઢ્યા, પરંતુ જવાબમાં એક શબ્દ બોલ્યા નહીં."

એ દિવસનું વર્ણન કરતાં જેસન લખે છે કે શેરીઓમાંથી પસાર થતા જનાઝાઓને જોઈને ઈસ્તંબુલના રહેવાસીઓ ફફડી ગયા હતા.

ઈતિહાસકાર લેસ્લી પી. પેયર્સે તેમના પુસ્તક 'ઈમ્પીરિયલ હરમઃ વીમેન એન્ડ સોવિરેનિટી ઈન ધ ઓટોમન એમ્પાયર'માં એ સમયે તૈયાર કરવામાં આવેલા એક અહેવાલનો સંદર્ભ આપતાં જણાવ્યું છે કે સુલતાન મુરાદ તૃતીયના જનાઝાના એક જ દિવસ પછી તેમના 19 શાહઝાદાઓના જનાઝા નીકળ્યા ત્યારે સુલતાન મુરાદ તૃતીયના જનાઝાની સરખામણીએ બમણા પ્રમાણમાં ઈસ્તંબુલના રહેવાસીઓ ઘરની બહાર નીકળ્યા હતા અને દરેકની આંખમાં આંસુ હતાં.

line

નવ શાહઝાદાઓનાં મોત

1595થી 21 વર્ષ પાછળ જઈએ તો ખબર પડે છે કે સુલતાન મેહમત તૃતીયના પિતા સુલતાન મુરાદ તૃતીયના શાસનનો પહેલો દિવસ પણ આનાથી જરાય અલગ ન હતો. તેમણે પણ આવો મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો હતો.

સુલતાન મુરાદના પિતા અને ઓટોમન સામ્રાજ્યના અગિયારમા સુલતાન સલીમ દ્વિતીયનું મોત 50 વર્ષની વયે 1574માં થયું હતું. એ વર્ષે ઓટોમન સામ્રાજ્યએ ઉત્તર આફ્રિકામાં ટ્યૂનિસ પણ જીતી લીધું હતું.

સામ્રાજ્યનો વહીવટ તેમના સૌથી મોટા પુત્ર મુરાદ તૃતીયના હાથમાં આવ્યો હતો. તેઓ તેમનાથી નાના ભાઈ કરતાં 20 વર્ષ મોટા હતા અને તેમની સત્તા પર દેખીતી રીતે કોઈ જોખમ ન હતું.

તેમ છતાં, ઈતિહાસકાર કેરલાઈન ફિંકલ લખે છે કે "તેમણે રાજગાદી પર બિરાજમાન થતાંની સાથે જ તેમના બધા ભાઈઓની હત્યા કરાવી હતી અને એ બધાને તેમના પિતા સુલતાન સલીમ દ્વિતીયની કબર પાસે દફનાવવામાં આવ્યા હતા."

સુલ્તાન મુરાદ તૃતીય

ઇમેજ સ્રોત, Heritage Images /Getty Images

ઇમેજ કૅપ્શન, સુલ્તાન મુરાદ તૃતીય

કેરલાઈન ફિંકલે તેમના પુસ્તક "ઉસ્માન કા ખ્વાબઃ ઉસ્માનિયા સલ્તનતની કહાની 1300-1923"માં સુલતાન સલીમ દ્વિતીયના યહૂદી હકીમ ડોમિનિકો હોરોસોલિમિતાનોના સંદર્ભથી શાહઝાદાઓના મોતના દૃશ્યનું વર્ણન આવા શબ્દોમાં કર્યું છેઃ "સુલતાન મુરાદ બહુ દયાળુ હતા અને વહેતું લોહી જોઈ શકતા ન હતા. તેમણે 18 કલાક રાહ જોઈ. એ દરમિયાન તેઓ રાજગાદી પર બિરાજ્યા પણ ન હતા અને શહેરમાં પોતાના આગમનની જાહેરાત પણ ન કરી હતી. તેઓ તેમના નવ ભાઈઓનો જીવ બચાવવાની તરકીબોનો વિચાર કરતા રહ્યા હતા...ઓટોમન સામ્રાજ્યના કાયદાના ઉલ્લંઘનથી ભયભીત સુલતાન મુરાદે રડતાં-રડતાં પોતાના (ખાસ આ કામ માટે તૈયાર કરવામાં આવેલા બહેરા-મૂંગા) કર્મચારીઓને શાહઝાદાઓનું ગળું દાબવા માટે રવાના કર્યા હતા અને એ કામ માટે તેમના કર્મચારીઓના ઉપરીને પોતાના હાથથી નવ રૂમાલ આપ્યા હતા."

"મુરાદ અને મેહમતના ભાઈઓની નાની કબરો સૂચવે છે કે સામ્રાજ્યમાં નવા સુલતાન તખ્ત પર બિરાજે એ સમયે સર્જાતી અરાજકતાને ટાળવા માટે કેટલી આકરી કિંમત ચૂકવવી પડતી હતી."

line

ભાઈઓની હત્યાની પૃષ્ઠભૂમિ

સુલ્તાન બાયજીદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુલ્તાન બાયજીદ

સંખ્યાબંધ શાહઝાદાઓ અને શાહઝાદીઓના આ મોતના સંદર્ભમાં મહત્ત્વની વાત એ છે કે શાહઝાદાઓની હત્યા કોઈ બળવા કે કોઈ ગુનાની સજા સ્વરૂપે કરવામાં આવી ન હતી. એ પૈકીના કેટલાક તો ભૂલ સુદ્ધાં કરવા સક્ષમ ન હતા.

જે કાયદા કે પરંપરા અનુસાર આ શાહઝાદાઓ અને શાહઝાદીઓની હત્યા કરવામાં આવી હતી, તેનો પાયો લગભગ 100 વર્ષ પહેલાં પંદરમી સદીમાં સુલતાન મેહમત દ્વિતીયના શાસનકાળમાં નંખાયો હતો. તેમણે 1481માં તેમના મોતના થોડાં વર્ષો પહેલાં એક આદેશ આપ્યો હતો.

તે આદેશ મુજબ નવા સુલતાન તેમના ભાઈઓની હત્યા કરી શકતા હતા.

ફિંકલે લખ્યું છે કે સુલતાન મેહમતે દ્વિતીયએ તેમના ઉત્તરાધિકારીનું નામ જાહેર કર્યું ન હતું, પરંતુ પોતાના મોતના થોડાં વર્ષો પહેલાં ઉત્તરાધિકારી વિશેના પોતાના વિચાર જરૂર વ્યક્ત કર્યા હતા.

તેમાં તેમણે એવું કહીને ભાઈઓની હત્યાની છૂટ આપી હતી કે ભલે તેમનો ગમે તે પુત્ર સુલતાન બને, પણ તે બાકીના ભાઈઓની હત્યા કરશે તો તેનાથી દુનિયાનું ભલું થશે.

તુર્કી ઈતિહાસ અને કાયદાઓના એક નિષ્ણાત પ્રોફેસર ડો. અકરમ બોરા અકંજેએ આ પરંપરા વિશેના એક લેખમાં જણાવ્યું છે કે સુલતાન મેહમત દ્વિતીયના શબ્દોમાં કહીએ તો વિશ્વ વ્યવસ્થાને બહેતર બનાવવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો હતો, અને સુલતાનના આદેશ અનુસાર ઉલેમા તેની તરફેણમાં છે તેથી એ મુજબ કાર્યવાહી થવી જોઈએ.

ડો. અકરમનો આ લેખ તુર્કી અખબાર 'રોઝનામા સુબહ'ની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

ડો. અકરમે લખ્યું છે કે "ભાઈઓની હત્યાનો કાયદો, નિશ્ચિત રીતે જ, ઓટોમન ઈતિહાસના સૌથી વધુ વિવાદાસ્પદ વિષયો પૈકીનો એક છે...સામ્રાજ્યમાં આ પ્રકારની અનેક ઘટનાઓ બની હતી. એ પૈકીની મોટાભાગની ઘટનાઓની યોગ્ય ગણવામાં આવી હતી, પરંતુ કેટલીક હત્યાઓને ખોટી સમજવામાં આવી હતી અને તેની ટીકા કરવામાં આવી હતી."

તેમણે આગળ લખ્યું છે કે કોઈ શાહઝાદાની હત્યા કરવા માટે તેમણે કશું ખોટું કર્યું હોય એ જરૂરી ન હતું. ઘણી વખત તો શાહઝાદા કે શાહઝાદી ભવિષ્યમાં બળવો કરી શકે એવી સંભાવનાને કારણે જ તેમની હત્યા કરવાનું યોગ્ય ગણવામાં આવ્યું હતું.

સવાલ એ છે કે સુલતાન મેહમત દ્વિતીય માટે આ કાયદો બનાવવો જરૂરી કેમ હતો. આ સવાલનો જવાબ મેળવવા માટે એક ઘટનાની મદદ લઈ શકાય. એ માટે આપણે ઓટોમન સામ્રાજ્યના ઈતિહાસમાં લગભગ 70 વર્ષ પાછળ જવું પડશે, જ્યારે 1402ના જુલાઈમાં ઈંકારા નજીક ઉસ્માની બાદશાહ સુલતાન બાયઝીદ અને સુલતાન તૈમૂર (તેમૂર લંગ) વચ્ચે મોટું યુદ્ધ થયું હતું.

line

તૈમૂર લંગ અને ઓટોમન સામ્રાજ્ય

સુલ્તાન મુરાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુલ્તાન મુરાદ

કેરલાઈન ફિંકલ લખે છે કે તૈમૂર લંગ યુદ્ધ લડવા માટે તેમના ઘરેથી નીકળ્યા તેના 30 વર્ષ બાદ તેઓ ચીન અને ઈરાન થઈને અનાતોલિયા(આજના તુર્કી)માંના ઓટોમન સુલ્તાનોના પ્રદેશ સુધી પહોંચ્યા હતા.

ફિંકલના જણાવ્યા મુજબ, તૈમૂર લંગ ખુદને ચંગેઝ ખાનના વારસદાર ગણતા હતા અને એ કારણસર તેઓ માનતા હતા કે અનાતોલિયા સલ્ઝૂક મંગોલ પ્રદેશ પર તેમનો અધિકાર છે. એ સમય સુધી ઓટોમન સુલતાનોના શાસન હેઠળ નહીં આવેલી અનાતોલિયાના વિવિધ રિયાસતો વચ્ચેના મતભેદનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ તેમણે કર્યો હતો, પરંતુ ઓટોમન સુલતાન બાયઝીદની નજર પણ એ રિયાસતો પર જ હતી.

ફિંકલ જણાવે છે કે તેનું પરિણામ એ આવ્યું કે તૈમૂર લંગ અને બાયઝીદના સૈન્યો 1402ની 28 જુલાઈએ ઈંકરા પાસે સામસામે આવી ગયાં હતાં. એ યુદ્ધમાં સુલતાન બાયઝીદ હારી ગયા હતા અને એ પછી લાંબો સમય જીવતા રહ્યા ન હતા.

તેમનું મોત કેવી રીતે થયું હતું? ફિંકલ જણાવે છે કે આ બાબતે ભિન્નમત પ્રવર્તે છે.

અલબત, આજના વિષયના સંદર્ભમાં મહત્વની વાત એ છે કે ઓટોમન સામ્રાજ્ય એક મુશ્કેલ સમયમાં પ્રવેશી ગયું હતું. એ પછીનાં 20 વર્ષ સુધી ઓટોમન સામ્રાજ્યએ ગૃહયુદ્ધને કારણે વ્યાપક બરબાદીનો સામનો કરવો પડ્યો હતો.

ડો. અકરમ લખે છે કે બાયઝીદ પ્રથમના ચારેય દીકરાઓના પોતપોતાના હજારો સમર્થકો હતા અને તેઓ વર્ષો સુધી એકમેકની સાથે લડતા રહ્યા હતા. ગૃહયુદ્ધના અંતે સુલતાનના સૌથી નાના પુત્ર મેહમત પ્રથમ પોતાના ભાઈઓને હરાવીને 1413માં ઓટોમન સામ્રાજ્યના એકલા વારસદાર બન્યા હતા.

સુલતાન મેહમત પ્રથમે, તેમના પિતા સુલતાન બાયઝીદના સમયમાં ઓટોમન સામ્રાજ્યની સીમા જ્યાં સુધી ફેલાયેલી હતી ત્યાં સુધી પહોંચવામાં વર્ષો સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો.

ઓટોમન સામ્રાજ્યના મહેલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

એ દરમિયાન નવા સુલતાન અને મૃત્યુ પામેલા તૈમૂર લંગના પુત્ર શાહરુખ વચ્ચે પત્રો મારફત રસપ્રદ સંવાદ થયો હતો, જે આપણા આજના વિષય પર પ્રકાશ ફેંકે છે. કેરલાઈન ફિંકલે લખ્યું છે કે શાહરુખે 1416માં સુલતાન મેહમતને પ્રથમ પત્ર લખ્યો અને પોતાના ભાઈઓની હત્યાનો વિરોધ કર્યો ત્યારે તેના જવાબમાં ઉસ્માની સુલતાને લખ્યું હતું કે "એક દેશમાં બે બાદશાહ હોઈ શકે નહીં...આપણે દુશ્મનોથી ઘેરાયેલા છીએ અને તેઓ સતત તકની શોધમાં હોય છે."

અહીં મહત્ત્વની વાત એ છે કે સુલતાન બાયઝીદ પોતાના જ ભાઈની હત્યા કરીને તખ્તા પર બિરાજ્યા હતા. ઓટોમન સામ્રાજ્યના ત્રીજી સુલતાન મુરાદ પ્રથમ સર્બિયા સામેના 1389ના યુદ્ધમાં માર્યા ગયા હતા. એ સમયે શહેઝાદા બાયઝીદે પોતાના ભાઈની હત્યા કરાવીને સામ્રાજ્યનો કારભાર સંભાળી લીધો હતો.

પિંકલ લખે છે કે શાહઝાદા બાયઝીદના હાથે તેમના ભાઈ શાહઝાદા યાકૂબની હત્યા ઓટોમન ખાનદારમાં ભાઈની પહેલી હત્યા છે અને તેની સત્તાવાર નોંધ પણ ઉપલબ્ધ છે.

જોકે, એ હત્યા યુદ્ધના મેદાનમાં પોતાના પિતાના મોતના સમાચાર મળતાંની સાથે તેમણે કરાવી હતી કે થોડા મહિના બાદ કરાવી હતી એ સ્પષ્ટ નથી, કારણ કે ઉસ્માની એ યુદ્ધ જીતીને આવ્યા હતા અને સર્બિયા તેમના શાસન હેઠળની રિયાસત બની ગયું હતું.

વીડિયો કૅપ્શન, દિવાળીના તહેવારમાં ફોડાતા ફટાકડાનો ભારતમાં ઇતિહાસ
line

ભાઈઓની હત્યાની પરંપરા અને તુર્કોના ઉત્તરાધિકારીના સિદ્ધાંતો

તુર્કોમાં ઉત્તરાધિકારીની પરંપરા વિશે જેસન ગુડવિને તેમના પુસ્તક 'લોર્ડ ઓફ ધ હોરાઈઝન્સ'માં લખ્યું છે કે ઓટોમન સામ્રાજ્યમાં શરૂઆતમાં સત્તા પારિવારિક મામલો હતી. તેમાં ભાઈ, કાકા, પિતરાઈઓ અને ઘણીવાર મહિલા સંબંધીઓ પણ ઘણી હદે હિસ્સેદાર હતાં. આ સ્થિતિ દુનિયાનાં અન્ય સામ્રાજ્યોથી અલગ હતી. અન્ય સામ્રાજ્યોમાં સત્તા માત્ર સૌથી મોટા પુત્રનો અધિકાર હતી.

ઓટોમન સુલતાન સદીઓ સુધી એક પરંપરા બદલી બદલી શક્યા ન હતા, એમ જણાવતાં લેસ્લી પિયર્સે લખ્યું છે કે "ઓટોમન ખાનદાન શાસન કરવાના પોતાના એક સિદ્ધાંતને સંપૂર્ણ રીતે ક્યારેય છોડી શક્યું ન હતું. એ સિદ્ધાંત મુજબ, દરેક શાહઝાદો રાજગાદી સંભાળવાને લાયક ગણાતો હતો, તેની શક્યતા વાસ્તવમાં ભલે ગમે તેટલી ઓછી હોય."

"યુરોપના કાયદા અનુસાર વારસો સંપૂર્ણપણે મોટા પુત્રને હસ્તાંતરિત કરવામાં આવે છે અને મોટાભાઈ માટે નાના ભાઈઓ ખતરો નથી હોતા, પરંતુ તે, તુર્કોની એ વિચારધારાનું સ્થાન લઈ શક્યા ન હતા કે દરેક પુત્ર ખાનદારના સામ્રાજ્યનો વારસદાર હોય છે. આ વાત સુલતાન મુરાદ અને તેમના પુત્ર મેહમતે તેમના ભાઈઓની હત્યા શા માટે કરાવી હતી તેની સાબિતી આપે છે."

એવી સ્થિતિમાં કોઈ ભાઈએ સુલતાન સામે બળવો કરવાનું કે ષડ્યંત્ર રચવાનુ જરૂરી ન હતું. સામ્રાજ્યના શક્તિશાળી પ્રદેશો સુલતાનથી નારાજ થઈને બીજા શહઝાદાને સુલતાન બનાવવાના પ્રયાસો કરે તે પણ શક્ય હતું.

ડો. અકરમે તેમના લેખમાં ઓસ્ટ્રિયાના એક રાજદૂત ઓગિયર ગુસ્લિન ડી બ્રિસ્બેકના પ્રતિભાવનો ઉલ્લેખ કર્યો છે, જેઓ સુલતાન સુલેમાન પ્રથમના શાસનકાળ વખતે હાજર હતા.

"ઓટોમન સુલતાનના પુત્ર હોવું એ સદનસીબી ન હતું, કારણ કે ભાઈઓ પૈકીનો એક સુલતાન બનતો ત્યારે બાકીના ભાઈઓએ મોતની રાહ જ જોવી પડતી હતી. સુલતાનના કોઈ ભાઈ જીવંત હોય તો પણ સુલતાન માટે તો સૈન્ય અનિવાર્ય હતું, કારણ કે સુલતાન સૈન્યની વાત ન માને તો તેઓ સુલતાનને કહી દેતા હતા કે ખુદા તમારા ભાઈને સલામત રાખે. તેનો અર્થ એ જણાવવાનો હતો કે સૈન્ય તેમના ભાઈને પણ રાજગાદી પર બેસાડી શકે તેમ છે."

line

ભાઈઓની હત્યાની પરંપરાનો અંત

ઇસ્તામ્બુલ

ઇમેજ સ્રોત, Getty Images

લેસ્લી પિયર્સે લખ્યું છે કે શાહી ખાનદાનમાં ભાઈઓની હત્યા કરાવવાની પરંપરા વધુને વધુ અપ્રિય બની રહી હતી.

"પ્રારંભે સત્તાની એકતા જાળવી રાખવા માટે પરંપરાને વાજબી ગણવામાં આવી હતી, જેથી સુલતાને કોઈ પડકારનો સામનો ન કરવો પડે."

તેમણે આગળ લખ્યું છે કે ઓટોમન સામ્રાજ્યનો વિસ્તાર થઈ રહ્યો હતો અને સુલતાન પોતે લાંબા સમય સુધી રાજધાનીથી દૂર યુદ્ધ લડવા જતા હતા એ સમયે લોકોને આ પરંપરા યોગ્ય જણાઈ હશે, પરંતુ "સુલતાન સુલેમાનના શાસનકાળમાં કુમળી વયના છોકરાઓ અને હજુ તો માના ખોળામાં રમતા હોય તેટલી વયના બાળકો પણ એ પરંપરાનો શિકાર બન્યા હતા અને એ પણ મોટાભાગે એવા સુલતાનો માટે કે જેઓ રાજધાનીની બહાર ક્યારેક જ જતા હતા. ઈસ્તંબુલના રહેવાસીઓએ 1574 સુધી તો શાહઝાદાઓની હત્યાનું આ નાટક જોયું જ ન હતું."

ઈતિહાસકાર પેયર્સ લખે છે કે "કોઈ નવા સુલતાન તેમના બધા ભાઈઓની સામૂહિક હત્યા કરે અને મહેલમાંથી એક સાથે અનેક જનાઝા નીકળે એ જોઈને લોકોને લાગ્યું હશે કે એ પરંપરા જૂના જમાના માટે હતી."

નવા સુલતાન દ્વારા પોતાના ભાઈઓની હત્યા કરાવવાની પરંપરાનો ઉલ્લેખ કરતાં તેમણે તેના અંતના વિવિધ પાસાંઓ વિશે તેમના પુસ્તકમાં વિગતવાર લખ્યું છે.

મેહમત તૃતીય પછી સુલતાન અહમદ પ્રથમ રાજગાદી પર બિરાજ્યા હતા, પરંતુ જોરદાર દબાણ હોવા છતાં તેમણે તેમના ભાઈઓની હત્યા કરાવી ન હતી. જોકે, એ સમયે પણ તે પરંપરાનો સંપૂર્ણપણે અંત આવ્યો ન હતો.

ઈતિહાસ વાંચતાં જાણવા મળે છે કે સુલતાન અહમદ પ્રથમના સાત પુત્રો પૈકીના ચારની, રાજગાદી પર બિરાજેલા તેમના બે દીકરા સુલતાન ઉસ્માન દ્વિતીય તથા સુલતાન મુરાદ ચોથાના હુકમથી હત્યા કરવામાં આવી હતી.

ડો. અકરમે લખ્યું છે કે સુલતાન અહમદ પ્રથમનું મોત થયું ત્યારે, તેમના પુત્રો હોવા છતાં, તેમના સ્થાને તેમના ભાઈ તખ્તનશીન થયા હતા. "એક સુલતાનના મોત પછી તેમની રાજગાદી તેમના ભાઈએ સંભાળી હોય તેવું અહીં પ્રથમવાર બન્યું હતું."

વીડિયો કૅપ્શન, વસ્ત્રોની પસંદગી બાબતે તુર્કીમાં એક યુવતીને ટીકા અને હુમલાનો સામનો કરવો પડ્યો
લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન