બાંગ્લાદેશથી પતિ સૌરભકાંત તિવારી માટે ભારત આવનારાં સોનિયા અખ્તરની કહાણી

- લેેખક, અમિતાભ ભટ્ટાસાલી
- પદ, બીબીસી ન્યૂઝ બાંગ્લા, કોલકાતા
બાંગ્લાદેશી નાગરિક સોનિયા અખ્તરે ભારતના સૌરભકાંત તિવારી સાથે 14 એપ્રિલ, 2021ના રોજ લગ્ન કર્યાં હતાં.
સોનિયાનો આરોપ છે કે તિવારી બાંગ્લાદેશમાં પત્ની અને પુત્રને છોડીને ભારત પરત આવી ગયા છે. હવે પોતાના પતિને પરત મેળવવા માટે સોનિયાએ ભારતમાં પોલીસની મદદ માગી છે.
સૌરભકાંત તિવારીએ બીબીસી બાંગ્લાને જણાવ્યું કે તેઓ વર્ષ 2017માં એક વીજળી કંપનીની ઢાકા ઑફિસમાં કામ કરતા હતા. એ દરમિયાન જ સોનિયા સાથે તેમનો સંપર્ક થયો હતો.
હાલ સોનિયા અને સૌરભ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો તબક્કો ચાલી રહ્યો છે.
તિવારીનો આરોપ છે કે પોતાના બાંગ્લાદેશ વસવાટ સમયે સોનિયાએ તેમની સાથે બળજબરીપૂર્વક લગ્ન કર્યાં હતાં. બીજી તરફ, સોનિયાનો આરોપ છે કે ઢાકામાં નોકરી દરમિયાન તિવારીએ જૂઠું બોલીને અને ફોસલાવીને તેમની સાથે લગ્ન કર્યાં હતાં.

સોનિયા અખ્તરે શું કહ્યું?

સોનિયા અખ્તરના વકીલે બીબીસીને આ દંપતી અને તેમના બાળકની ઘણી તસવીરો મોકલી છે. આ સાથે જ તિવારીના ધર્મપરિવર્તનના કાગળ પણ મોકલ્યા છે.
સોનિયાએ પોલીસ સમક્ષ પોતાના નિવેદનમાં કહ્યું છે કે લગભગ ત્રણ વર્ષ પહેલાં સૌરભકાંત તિવારી સાથે તેમનાં લગ્ન થયાં હતાં. પરંતુ તેઓ પત્ની અને સંતાનને ઢાકા મૂકીને ભારત પરત ફર્યા છે.
પોલીસ પ્રમાણે, પોતાના પતિને પરત મેળવવા માટે સોનિયા કાયદેસર પાસપોર્ટ અને વિઝા મેળવીને ભારત આવ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોઇડાના અધિક પોલીસ કમિશનર (મધ્ય નોઇડા) રાજીવ દીક્ષિતે પત્રકારોને જણાવ્યું હતું કે, “એ બાંગ્લાદેશી નાગરિકે મહિલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલી પોતાની ફરિયાદમાં કહ્યું છે કે અહીં સૂરજપુર વિસ્તારમાં રહેતા સૌરભકાંત તિવારી સાથે તેમનાં લગ્ન થયાં છે. તે બાદ એ ઢાકા છોડીને ભારત પરત ફર્યા છે. મહિલા પ્રમાણે તિવારીનાં અગાઉથી જ લગ્ન થઈ ચૂક્યાં હતાં.”
રાજીવ દીક્ષિતે જણાવ્યું કે એ બાંગ્લાદેશી મહિલાએ પોતાના અને પોતાના પુત્રના વિઝા, પાસપોર્ટ અને નાગરિકતા ઓળખપત્રની કૉપી પોલીસને આપી છે. પ્રથમ દૃષ્ટિએ જોતાં લાગે છે કે તેમનાં લગ્ન બાંગ્લાદેશમાં થયાં હતાં. આ મામલાની તપાસ અને આગળની કાર્યવાહીની જવાબદારી સહાયક કમિશનર (મહિલા અને બાળસુરક્ષા)ને સોંપાઈ છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઇએ સોનિયા અખ્તરના હવાલાથી જણાવ્યું છે કે તેઓ (સૌરભ) હાલ રાજી નથી, મને પોતાના ઘરેય નથી લઈ જઈ રહ્યા. હું બાંગ્લાદેશી છું. લગભગ ત્રણ વર્ષ પહેલાં અમારાં લગ્ન થયાં હતાં. હું મારા સંતાનને લઈને તેમની સાથે રહેવા માગું છું.
બીબીસી બાંગ્લાએ સોનિયા અખ્તરના વકીલ અને સૌરભકાંત તિવારી સાથે વાત કરી.

‘મને ફસાવાયો છે’

ઇમેજ સ્રોત, GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સૌરભ પોતાની કહાણીમાં દાવો કરે છે કે તેમની પાસે બધા પુરાવા છે અને તેઓ બધું બીબીસીને સોંપશે. પરંતુ વારંવાર સંપર્ક સાધ્યા છતાં અને વૉટ્સઍપ દ્વારા મૅસેજ મોકલાવ્યા છતાં તેમણે અત્યાર સુધી કોઈ પુરાવા નથી રજૂ કર્યા.
તિવારીએ સોનિયા અખ્તર અને તેમના પરિવાર પર ઘણા આરોપ લગાવ્યા છે. તેઓ આરોપ કરતાં કહે છે કે, “મારું ધર્મપરિવર્તન કરીને બળજબરીપૂર્વક લગ્ન કરાયાં છે. સોનિયા અને તેના પરિવારે મારી પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા છે અને હજુ પણ એક કરોડ રૂપિયાની માગણી કરી રહ્યાં છે.”
તિવારી જણાવે છે કે ઢાકામાં નોકરી દરમિયાન સોનિયા સાથે તેમનો સંપર્ક થયો હતો.
તેઓ કહે છે કે, “તે માર્કેટિંગના અમુક કામ અંગે મારી ઑફિસે આવી હતી. પરંતુ એ સમયે અમારી ઑફિસમાં એ વસ્તુની જરૂરિયાત નહોતી. પરંતુ એ બાદ એ મારી સાથે નિકટતા વધારતી ગઈ, ફોન પર સંપર્ક કરતી રહી. એ મૅસેજ મોકલતી અને ફોન કરતી. એ બાદ એ મારા ઘરેય અવરજવર કરવા લાગી. એ બાદ મને ડરાવી-ધમકાવીને મારું ધર્મપરિવર્તન કરાવીને લગ્ન કરાવી દેવાયાં. 14 એપ્રિલ 2021ના રોજ લગ્ન થયાં હતાં. મેં વસુંધરા વિસ્તારમાં એક ફ્લૅટ ભાડે લીધો હતો. સોનિયા મારી સાથે ત્યાં જ રહેતી હતી.”
બીબીસીએ તિવારીને પૂછ્યું હતું કે બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન અને લગ્ન બાદ શું તેમણે ઢાકામાં પોલીસ કે ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો હતો? શું તેમણે ભારતમાં પોતાના પરિવારજનોને આ વાતની જાણકારી આપી હતી? આ અંગે તેમનું કહેવું હતું કે ભારતીય દૂતાવાસમાં તેઓ આની ફરિયાદ કરવા ગયા હતા. પરંતુ ત્યાંથી એક ફૉર્મ આપીને સ્થાનિક પોલીસને સંપર્ક કરવા કહેવાયું હતું.
તેઓ જણાવે છે કે, “એ ફૉર્મ ભર્યા બાદ સોનિયાએ મારો ફોન હૅક કરીને સમગ્ર મામલો જાણી લીધો. આ તરફ કોરોનાને કારણે બૉર્ડર બંધ હતી. હું ભારત પણ પરત નહોતો ફરી શકતો. આ સિવાય ભારતમાં મારાં પત્ની અને સંતાનને કોરોનાનો ચેપ લાગ્યો હતો. કોરોનામાં મારાં માતાનું પણ મૃત્યુ થયું હતું. આવી સ્થિતિમાં પરિવારને આ ઘટના વિશે જણાવીને હું તેમના પર માનસિક દબાણ વધારવા ઇચ્છતો નહોતો.”
તેમનો આરોપ છે કે સોનિયાના પરિવારે તેમની પાસેથી ઘણા પૈસા પડાવી લીધા છે અને હજુ પણ તેઓ ભારે રકમની માગણી કરી રહ્યાં છે. તિવારીનો દાવો છે કે તેમણે પાછલી 5 ઑગસ્ટના રોજ ઢાકામાં તલાકનો મામલો દાખલ કર્યો છે.

‘ભારતીય પત્નીને કોઈ જાણકારી નહોતી’
સૌરભનાં પત્ની રચના તિવારી એક સરકારી સ્કૂલમાં શિક્ષિકા છે. જ્યારે તેમના પતિ બીબીસી બાંગ્લા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેઓ નિકટ જ બેઠાં હતાં.
રચના તિવારીએ કહ્યું, “દરરોજ ઘણી વાર મારી આમની સાથે વાતચીત થતી. શરૂઆતમાં તો હું કંઈ સમજી ન શકી. તેઓ મોડી રાત્રે ઘરે પરત ફરતા અને વહેલા નીકળી જતા. પરંતુ તેમણે મને આ વિશે ક્યારેય કશું નહોતું કહ્યું.”
તેઓ કહે છે કે, “કદાચ કોરોના અને સાસુના મોતા કારણે તેમણે (સૌરભે) મને આ વિશે કંઈ નહોતું જણાવ્યું. પરંતુ મને શંકા જરૂર થતી કે તેઓ મોડી રાત્રે ઘરે પહોંચતા, ભોજન રાંધતા, ખાતા અને વહેલા નીકળી જતા. ઘણી વાર મને લાગતું કે તેઓ કદાચ ખૂલીને અમુક વાત નથી જણાવી રહ્યા. પરંતુ જ્યારે હું ઢાકા પહોંચી ત્યારે મને બધું સ્પષ્ટપણે સમજાઈ ગયું.”

‘તિવારી જૂઠું બોલી રહ્યા છે’
બીબીસી બાંગ્લાએ ઘણા પ્રયાસો બાદ સોનિયા અખ્તરના વકીલ રેણુસિંહ સાથે વાત કરી. તેમણે સૌરભ અને તેમનાં પત્નીના તમામ આરોપોનું ખંડન કર્યું છે.
ઍડ્વોકેટ રેણુનો દાવો છે કે તિવારીનો દરેક દાવો જૂઠ્ઠો છે.
તેમનો સવાલ હતો, “સૌરભ જણાવી રહ્યા છે કે તેમનાં ધર્મપરિવર્તન અને લગ્ન બળજબરીપૂર્વક થયાં. તો શું સંતાન પણ પરાણે જ પેદા થયું? શું બળજબરીપૂર્વક આવું થવું એ સંભવ છે? ખરેખર તો તિવારી શરૂઆતથી જ જૂઠ્ઠું બોલી રહ્યા છે. તેમણે મારા અસીલને કહ્યું હતું કે ભારતમાં તેમનાં પત્નીનું મૃત્યુ થઈ ચૂક્યું છે. તેમણે તમામ જાણકારીઓ છુપાવીને સોનિયાને ફોસલાવીને તેની સાથે લગ્ન કરી લીધાં અને સંતાન પેદા કર્યું.”
તેઓ કહે છે કે હવે પોતાનાં પત્ની અને સંતાનને મૂકીને તેઓ ભારત પરત આવી ગયા છે. આ દંપતીની તમામ તસવીરો છે. ગમે તે વ્યક્તિ આ તસવીરોને જોઈને સમજી શકે છે કે તિવારીનાં ચહેરા કે આંખમાં ડરની કોઈ છાપ નથી દેખાતી. તેઓ એક સુખી દંપતી હતાં.
રેણુસિંહને પુછાયું હતું કે શું તેમનાં અસીલે સંબંધ બાંધતા પહેલાં કે લગ્ન કરતા પહેલાં તિવારી વિશે જાણકારી નહોતી ભેગી કરી?
એ અંગે તેમણે કહ્યું હતું કે, “લગ્ન બાદ તિવારીએ પોતાની ઑફિસના સહકર્મીઓ સાથે સોનિયાનો પરિચય કરાવી દીધો. ખરેખર, સોનિયાએ તિવારી પર વિશ્વાસ કર્યો હતો. પરંતુ તિવારીએ ભારતમાં પોતાની પત્ની અને બે બાળકો હોવાની વાત છુપાવી હતી. ઢાકામાં પોતાની ભારતીય પત્ની સાથે વાત કરતાં તિવારીને પકડ્યા બાદ સોનિયાને આ વાતની ખબર પડી હતી.”
રેણુસિંહનું કેહવું છે કે તેમનાં અસીલ સોનિયાએ તિવારી પાસેથી કોઈ પૈસા નથી માગ્યા અને ભૂતકાળમાં પણ તેમણે કોઈ પૈસા નથી લીધા. તેમની (સોનિયાની) એક જ માગ છે કે પતિ પોતાના સંતાનની જવાબદારી સંભાળે.














