પબજી લવ સ્ટોરી : 'સીમા ભલે ભારતમાં રહે પણ તેમનાં બાળકોને તો પાછાં મોકલી આપે'- પાકિસ્તાનમાં સીમાના પાડોશીઓએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ઑનલાઇન ગેમ પબજી રમતાં ભારતના સચીનના પ્રેમમાં પડેલાં પાકિસ્તાનનાં સીમા હૈદર છેલ્લા કેટલાક દિવસથી ભારત અને પાકિસ્તાનમાં ચર્ચામાં છે.
તેમણે જણાવ્યું કે પોતાના પ્રેમી સચીન સાથે રહેવા માટે તેઓ પોતાનાં બાળકો સાથે ગેરકાયદેસર રીતે નેપાળથી ભારતમાં પ્રવેશ્યાં હતાં અને પછી મામલો પોલીસ, કોર્ટ અને એટીએસ (ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ સુધી) પહોંચ્યો છે.
પાકિસ્તાનમાંથી તેમને પાછાં મોકલવા માટેની ધમકીઓ આપવાના સમાચાર આવ્યા હતા.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર સીમાના પાડોશી અને પરિવારે કહ્યું છે કે તેઓને હવે સીમાની જરૂર નથી.
સીમા પાકિસ્તાનમાં જે ઘરમાં ભાડે રહેતાં હતાં તેના મકાનમાલિકના દીકરાએ કહ્યું છે, "તેઓ બસ તેમનાં બાળકોને પાકિસ્તાન પાછાં મોકલી આપે. તેઓ પોતે ભારતમાં રહી શકે છે. હવે તેઓ મુસલમાન પણ નથી રહ્યાં."
આ બાજુ પાકિસ્તાની નાગરિક સીમા હૈદર અને તેમના પ્રેમી સચીન મીણાની યુપી ATS સ્કવૉડ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશની ઍન્ટી ટૅરરિસ્ટ સ્ક્વૉડ દ્વારા મંગળવારે ફરી એક વખત સીમા હૈદર, તેના પ્રેમી સચીન મીણા અને તેના પિતા નેત્રપાલ સિંહની પૂછપરછ કરવામાં આવી.
મે મહિનામાં સીમા ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યાં હતાં જે હવે તેના ભારતીય પ્રેમી સચીન સાથે ગ્રેટર નોઇડામાં રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સીમા પાકિસ્તાનમાં કેવી સ્થિતિમાં રહેતાં હતાં?

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ સીમા પાકિસ્તાનમાં પોતાનાં બાળકો સાથે જ્યાં રહેતાં હતાં એ જગ્યા ગુલિસ્તા-એ-ઝૌહરના હૃદય સમા વિસ્તાર કરાચીના સિંધ પ્રાંતના ભિટ્ટાઇઆબાદના પડોશમાં સીમાનું ઘર આવેલું છે.
તેમનું ઘર ત્રણ ઓરડાનો એક ઇમારતનો ભાગ છે, આ એક રંગ વગરની ઇમારત છે અને તે સાંકળી, કચરાથી ભરેલી અને છલકાતી ગટરની ગલીમાં આવેલી છે. હવામાં ગટરની વાસ પ્રસરેલી હતી અને અધૂરા બાંધકામ સાથેની આ ગલી ભીડથી ભરાયેલી હતી. ખરબચડા રસ્તાની બન્ને બાજુએ દુકાનો અને ગટર આવેલી હતી.
સીમા જે ઘરમાં રહેતાં હતાં તેના મકાન માલિકના દીકરા નૂર મોહમ્મદે જણાવ્યું કે સીમા અહીં તમના મકાનમાં પાછલાં ત્રણ વર્ષથી ભાડે રહેતાં હતાં.
નૂર મોહમ્મદ અનુસાર, "તેઓ અહીં તમેના છોકરાઓ સાથે એકલા રહેતાં હતાં. તેમના સસરાંનું ઘર અહીંથી થોડા અંતરે છે."

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સીમા અને ગુલામ હૈદરનાં દસ વર્ષ પહેલાં લગ્ન થયા હતાં.
તેમના અન્ય એક પાડોશી જે ઉંમરલાયક છે એવા જમાલ જાખરાનીએ સમાચાર સંસ્થા પીટીઆઈને કહ્યું કે,"અમે તેમને એક દિવસ ટૅક્સી કરી તેમનાં બાળકો સાથે અને સામાન સાથે ઘર છોડી નીકળતાં જોયાં ત્યારે અમને લાગ્યું કે તેઓ તેમના ગામડે જૈકોકાબાદ જતાં હશે. પરંતુ લગભગ એક મહિના પછી, જ્યારે અમે સાંભળ્યું કે ટીવી ઉપર તેમના ભાગવાના સમાચાર આવે છે, તો અમે બધાં આશ્ચર્યમાં પડી ગયા હતા."
પીટીઆઈ અનુસાર આ વિસ્તારમાં મોટાભાગે આદિવાસી વસ્તી વસે છે જેમાં પશ્તુન, સિંધી અને સરાઇકિસ લોકો રહે છે જે ગ્રામ્ય વિસ્તારથી આવે છે અને તેમના ઘરના પુરુષો તેમની મહિલાઓને અજાણ્યા વ્યક્તિઓ સાથે વાતચીત કરવાની ના પાડે છે અને પડદો રાખવાની સલાહ આપે છે. પરંતુ એક વસ્તુ જોઈ કે અમુક મહિલાઓ પોતાના ઘરની બારીમાંથી બહાર આવ્યાં હતાં અને શું થઈ રહ્યું છે એ સમજવાનો પ્રયાસ કરતાં હતાં.
જમાલ, કે જેઓ સીમા અને ગુલામ જે આદિવાસી સમાજમાંથી આવે છે તે સમાજના જ છે, તેઓ માને છે કે "સીમા માટે તે ભારતમાં જ હવે રહે એ સારું છે."
તેમણે કહ્યું કે, "જો ક્યારેય તેમણે ફરી આવવાનો વિચાર કર્યો, તેમને આદિવાસી સમાજ તરફથી માફ નહીં કરવામાં આવે અને બીજું કે તેમણે એક હિંદુ સાથે રહેવાનું પસંદ કર્યું એનાથી અહીં લોકોમાં ભારે ગુસ્સો છે."
જોકે અગાઉ સીમા મીડિયામાં આપેલાં ઇન્ટરવ્યૂમાં કહી ચૂક્યાં છે કે તેઓ પાકિસ્તાન પાછાં જવા નથી માગતાં.

‘સીમા દુષ્ટ છે’

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર મિયાં મિટ્ઠૂ કે જેઓ સિંધના ગ્રામ્ય વિસ્તારના એક હાઇ-પ્રોફાઇલ ધાર્મિક નેતા છે. તેમણે ખુલ્લી ધમકી આપી છે કે સીમા જો પાછાં ફર્યાં તો તેમને કડક સજા કરવામાં આવશે.
મિટ્ઠૂના સાથીઓએ પણ ધમકી આપી છે કે તેઓ સીમાના ગામમાં આવેલા હિંદુઓનાં પૂજાસ્થળો ઉપર હુમલો કરશે. આ બાબતે કાશમોર-કંધકોટના એસએસપી, ઇરફાન સામ્મોએ અહીંના હિંદુઓ અને શીખ સમુદાયને ખાતરી આપી છે કે તેમનું સંરક્ષણ કરવામાં આવશે. સામ્મોએ જોકે સમાચાર એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "તેઓ આ સમગ્ર કેસથી મૂંઝવણમાં છે અને સીમાના દસ્તાવેજોમાં વિસંગતતા જુએ છે. તેમનું રાષ્ટ્રીય ઓળખપત્ર કહે છે કે તેમનો જન્મ 2002માં થયો હતો. એટલે તેઓ 21 વર્ષના હોય અને તેમ છતાં તેમને ચાર બાળકો છે અને તેમની બધાંની ઉંમર લગભગ 6 વર્ષની છે. પોલીસે ગુલામ હૈદરને જણાવ્યું છે કે તેઓ સાઉદી અરેબિયાથી પરત ફરે પરંતુ તેઓ તેમની સાથે વીડિયો કૉલથી સંપર્કમાં છે."
સામ્મો એ વાતથી સહમત નથી કે એક મહિલા કે જેઓ ગ્રામ્ય વિસ્તારથી આવે છે તેમનામાં એટલી હિંમત હોય કે તેઓ દુબઈ અને કાઠમંડુથી ભારતમાં પ્રવેશવાની યોજના બનાવે.

કરાચીના પોલીસ સ્ટેશનમાં કે જ્યાં સીમાના સસરાએ એફઆઈઆર નોંધાવી હતી તેના અધિકારી પણ એ વાતથી સંમત નથી કે આ કેસ જેવો દેખાય છે એટલો સરળ છે. કારણ કે સમાચાર એજન્સી પીટીઆઈ સાથેની વાચતીમાં તેમણે જણાવ્યું હતું કે, "તેમના પતિ પણ કહાણી બદલી બદલીને જણાવે છે. પહેલાં તેમણે કહ્યું હતું કે તેમણે ઘર ખરીદ્યું હતું પરંતુ હવે કહે છે કે તેમણે સીમાના પરિવારને એક મિલિયન રૂપિયા ચુકવ્યા હતા, એ સમયે જ્યારે તેઓ કરાચી આવી આદિવાસી સમાજના નિર્ણય બાદ સમાધાન ઇચ્છતા હતા. એક વસ્તુ તો સ્પષ્ટ છે કે સીમા તેમના પતિની ગેરહાજરીથી કંટાળી ગયાં હતાં અને તેમનાં બાળકોની જવાબદારી તેમના ઉપર આવી ગઈ હતી અને તેમને કોઈ મદદ કરવા માટે પણ નહોતું."
સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા એક મોબાઇલ દુકાનના માલિક કહે છે કે, "તે દુકાને આવતાં તો તેમના માથે ચાદર ઓઢેલી રહેતી અને મોઢું અડધું ઢંકાયેલું રહેતું અને બહુ વાતચીત પણ નહોતાં કરતાં. એટલે જ્યારે મેં તમના નિર્ણય વિશે જાણ્યું તો મને ખૂબ નવાઈ લાગી."

ડાકુઓનો હિંદુ પૂજાસ્થળે હુમલો

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA
અગાઉ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ડાકુઓએ હિંદુ સમુદાયના એક પૂજાસ્થળે હુમલો કર્યો છે. હુમલા બાદ દીવાલો પર ગોળીનાં નિશાન જોઈ શકાય છે. જોકે, આ હુમલામાં કોઈનું મૃત્યુ કે ઈજા થયાના સમાચાર નથી.
અમુક દિવસ પહેલાં ડાકુઓએ ધમકી આપી હતી કે જો સીમા રિંદ ઉર્ફે સીમા હૈદરને ભારતથી પાછાં ન લવાયાં તો તેઓ હિંદુઓનાં પૂજાસ્થળોએ હુમલો કરશે.
રિપોર્ટો અનુસાર ઉત્તર સિંધના જિલ્લા કાશ્મોર કંધ કોટના ઔગાહી ગામે શનિવારની રાત્રે આ હુમલો થયો હતો. આ ઘટના બાદ હિંદુઓમાં ગભરાટનો માહોલ છે.
ગૌસપુરના પત્રકાર અબ્દુસ્સમીએ બીબીસીને જણાવ્યું કે તેમની દરબાર ડેરા બાબા સાંવલશાહના પૂજારીઓ સાથે વાતચીત થઈ છે, તેમણે જણાવ્યું કે તેઓ રાત્રે મંદિરની (જેને પોલીસ દરબાર ગણાવી રહી છે) અંદર સૂતા હતા ત્યારે જોરદાર ફાયરિંગ શરૂ થયું, જે બાદ તેમણે આસપાસનાં ઘરોમાં છુપાઈ જઈને જીવ બચાવ્યો.
ઉત્તર સિંધના જિલ્લા ઘોટકી, કાશ્મોર કંધ કોટ અને જૅકબાબાદમાં ડાકુઓનાં ઘણાં જૂથ સક્રિય છે, જેમણે સિંધુ નદી આસપાસનાં ક્ષેત્રોમાં અડ્ડો જમાવી લીધો છે. પોલીસ પાછલા ઘણા દાયકાથી તેમના વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે પરંતુ અત્યાર સુધી તેમને સફળતા નથી મળી શકી.
સીમા અને ગુલામ હૈદર (સીમાના પતિ) બંનેના સંબંધ બલોચ સમુદાય સાથે છે. સોશિયલ મીડિયા પર સિંધના ડાકુઓનાં અલગ-અલગ જૂથોએ સીમાને તેમના દેશમાં પાછાં મોકલાવા માટે ધમકી આપી હતી.
જોકે પ્રશાસને હિંદુઓની સુરક્ષાની ખાતરી આપી હતી.

શું છે આ સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, SHAHNAWAZAHMAD/BBC
છેલ્લા કેટલાક દિવસથી સચીન મીણા અને સીમા રિંદ હૈદરની રિયલ લાઇફની પ્રેમકહાણીની ચર્ચા ભારતીય અને પાકિસ્તાની મીડિયામાં થઈ રહી છે. બંનેની સ્ટોરીમાં પ્રેમ, સમાજ અને પરિવારનો વિરોધ, સસ્પેન્સ, વિયોગ, લગ્નેત્તર સંબંધ, બે દેશોની દુશ્મનાવટ જેવાં તત્ત્વો છે.
સીમા તેમનાં ચાર સંતાનો સાથે સરહદ પાર કરીને નેપાળના રસ્તે ભારત આવી ગયાં છે અને સચીન તથા મીણા પરિવારે તેમને સ્વીકારી પણ લીધાં છે. સીમાએ હિંદુ ધર્મ અંગીકાર કરી લીધો છે.
ગુલામ હૈદર સંતાનો સાથે સીમાને ફરી પાકિસ્તાન લઈ જવાની વાત કહી રહ્યા છે, જોકે, સચીન અને સીમા છૂટાં પડવા કરતાં મોતને સ્વીકારવાની વાત કહે છે. સીમા પોતે પાકિસ્તાન જવાની વાતને નકારે છે અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને સંતાનો સાથે સચીનના ઘરમાં જ રહેવાની વાત કહે છે.
જોકે, સીમાનાં જીવનમાં સચીન પહેલો પ્રેમ નથી. ગુલામ હૈદર અને સીમા રિંદના લગ્ન થયાં એ પહેલાં પણ તેમનાં જીવનમાં એક શખ્સ હતા, પરંતુ તેમની સાથેનો પ્રેમસંબંધ નિકાહરૂપી અંજામ સુધી નહોતો પહોંચી શક્યો.
ગુલામ હૈદર મૂળે પાકિસ્તાનના જાકોબાબાદના રહેવાસી છે, અંગ્રેજ સૈન્ય અધિકારી જોન જેકોબના નામ પરથી તેનું નામ મળ્યું છે. સીમા અને ગુલામ હૈદર બંને બલોચ છે.
ગુલામ હૈદરના જણાવ્યા અનુસાર મિસ્ડ કૉલનો જવાબ આપવાના ક્રમમાં તેઓ સીમા રિંદના સંપર્કમાં આવ્યા હતા. બંને વચ્ચે વાતચીતનો ક્રમ શરૂ થયો. આગળ જતાં બંનેએ પ્રેમની કબૂલાત કરી. જોકે, સીમા આ પ્રેમનો ઇન્કાર કરે છે.
નિકાહ કરવામાં આવનારી મુશ્કેલીઓને જોતાં સીમાએ તેમનું ઘર છોડી દીધું અને ફેબ્રુઆરી-2014માં કોર્ટમાં ગુલામ હૈદર સાથે નિકાહ કર્યા. આ બાબત પંચાયત સુધી પહોંચી અને ગુલામ હૈદરના પરિવારે દંડ ભરવો પડ્યો.
સીમાના કહેવાથી તેઓ કરાચી આવી ગયા. સીમા અને ગુલામ હૈદર ત્રણ દીકરીઓ અને એક દીકરાનાં માતાપિતા બન્યાં. ગુલામ હૈદર કરાચીમાં રીક્ષા ચલાવતા. વર્ષ 2019માં તેઓ સાઉદી અરેબિયા ગયા, જ્યાં તેઓ નોકરી કરે છે. છેલ્લાં સાડા ત્રણેક વર્ષથી તેઓ કરાચીના ગુલિસ્તાં-એ-જોહર વિસ્તારના ધાની બક્ષ ગોઠા ગામ ખાતે ભાડાના મકાનમાં ત્રીજા માળે રહેતાં.
શરૂઆતના સમયમાં સીમાનાં પિતા, બહેન અને ભાઈ સાથે રહેતાં અને અડધું ભાડું સીમાના અબ્બા ભરતા. જોકે, આ મુદ્દે તેમની વચ્ચે તકરારો પણ થતી.
આ વર્ષે જ ગુલામ હૈદરે તેમનાં સંતાનોના ઓનલાઇન નેશનલ આઇડેન્ટિટી કાર્ડ પણ કઢાવ્યાં હતાં અને બકરી ઈદ પછી તેઓ મળવાનાં હતાં. બંને વચ્ચે તલાક થયા હોવાની વાત ગુલામ હૈદર નકારે છે અને સંતાનોને પાકિસ્તાન પરત મોકલી દેવા મીડિયા મારફત અપીલ કરે છે.
સચીનનું કહેવું છે કે તેઓ જેમ સીમાને પ્રેમ કરે છે, એમ તેમનાં સતાનોને પણ પ્રેમ કરે છે અને તેમની સંભાળ રાખે છે.

સીમા, સચીન અને સરહદ

ગુલામ હૈદરના ગયા પછી સમય પસાર કરવા માટે સીમા મોબાઇલ ગેમ્સ રમવા લાગ્યાં અને આમ જ તેમની ઓળખાણ યુપીના સચીન મીણા સાથે થઈ હતી.
સીમા કહે છે કે, "અમારી પ્રેમકહાણીની શરૂઆત પબજી રમવાથી થઈ. સચીન જૂના ખેલાડી હતા અને હું નવી. 'પબજી' પર મારું નામ મારિયા ખાન હતું. સચીને મને ગેમ રમવાની રિક્વેસ્ટ મોકલી હતી."
સચીન ગેમ રમવા માટે ઓનલાઇન આવતા, સીમાને મૅસેજ કરતાં, 'ગુડ મૉર્નિંગ, તુમ ભી આઓ જી.'
ચીન સાથેના સંબંધોમાં તણાવને પગલે સપ્ટેમ્બર-2020માં ભારત પબજી ઉપર પ્રતિબંધ મૂકવાનું હતું, પરંતુ એ પહેલાં ગેમ રમતાં-રમતાં સચીન અને સીમાએ નંબરની આપલે કરી લીધી હતી. બંને વચ્ચે દિવસ-રાત કલાકો સુધી વાતો થવા લાગી.
સીમા કહે છે કે, "ત્રણ-ચાર મહિના ગેમ રમ્યા બાદ અમે મિત્ર બની ગયાં. હું વીડિયો કૉલ પર તેમને પાકિસ્તાન બતાવતી અને તેઓ મને ભારત બતાવતા હતા. તેઓ એ વાતે ખુશ થતા હતા કે પાકિસ્તાન જોઈ રહ્યા છે અને હું એ વાતે ખુશ થતી હતી કે હું ભારત જોઈ રહી છું. અન્ય દેશનો માણસ તમારી સાથે વાત કરે ત્યારે ખુશી તો થાય જ ને."
"વધારે ખુશી એ વાતની હતી કે હું ભારતના કોઈ યુવક સાથે વાત કરી રહી હતી. આ જ પ્રકારે અમારી વાતો આખી-આખી રાત થવા લાગી. તેની આદત પડી ગઈ અને પ્રેમ થઈ ગયો."
ત્રણેક વર્ષમાં આકર્ષણ ચરમ ઉપર પહોંચી ગયું. એક સમય આવ્યો કે સીમાએ તેમના ખાવિંદ ગુલામ હૈદરને છોડીને સચીન સાથે રહેવાનું નક્કી કરી લીધું. બંનેએ દુબઈમાં મળવાની યોજના વિચારી હતી, પરંતુ સચીન પાસે પાસપોર્ટ ન હતો. ભારતીય નાગરિક પાસપોર્ટ વગર નેપાળની મુલાકાત લઈ શકે છે, એટલે બંનેએ ત્યાં જ મળવાનું નક્કી કર્યું.
સીમાએ ટુરિસ્ટ વિઝા કઢાવ્યા અને શારહજાની ફ્લાઇટમાં બેસી નેપાળ પહોંચ્યાં. પહેલી વાર ફ્લાઇટમાં બેસવાની ફડક પણ હતી અને સચીનને મળવાની ઉત્કંઠા પણ હતી. બંનેએ ત્યાંની હોટલમાં રૂમ ભાડે રાખ્યો અને પશુપતિનાથ મંદિરમાં લગ્ન કરી લીધાં. બંને ત્યાં સાત દિવસ માટે સાથે રહ્યાં અને ફર્યાં.
સીમા પાકિસ્તાન પરત જતાં રહ્યાં, પરંતુ હવે તેમનું મન ત્યાં લાગતું ન હતું. બે મહિના પછી સીમાએ હંમેશાં માટે તેમનાં બાળકો સાથે પાકિસ્તાન છોડવાનો નિર્ણય કર્યો. તેમણે પોતાનું ઘર રૂ. 12 લાખમાં વેચી દીધું.
તેમણે નેપાળના બે મહિનાના પોતાના અને બાળકોના વિઝા કઢાવ્યા. બાળકો સાથેની બીજી સફર ખેડવા માટે તેમણે 10મી મેની તારીખ પસંદ કરી. સીમાને વિશ્વાસ હતો કે આ તારીખ તેમના માટે મુબારક સાબિત થશે, કારણ કે તા. 10મી માર્ચે જ તેઓ પ્રથમ વખત સચીનને મળ્યાં હતાં. 11મીએ તેઓ કાઠમાંડુ પહોંચ્યાં અને ત્યાંથી 28 કલાકની સફર ખેડી બસ મારફત ભારત પહોંચ્યાં અને તા. 13મી મેના સવારે તેમની અને સચીનની ફરી મુલાકાત થઈ.
બંનેએ લગ્ન કરવા માટે પ્રયાસ કર્યાં, પરંતુ આમ કરવા જતાં સીમા પાકિસ્તાની નાગરિક હોવાનું છત્તું થઈ ગયું અને પોલીસ કાર્યવાહીમાં ચોથી જુલાઈએ તેમની હરિયાણાથી ધરપકડ થઈ. તેમની ઉપર પાકિસ્તાની જાસૂસ હોવાના આરોપ પણ લાગ્યા. જોકે, ઝેવરની અદાલતે બંનેને જામીન આપ્યા અને દેશ નહીં છોડવાનો આદેશ કર્યો છે.
સચીન અને સીમા એકબીજાના વિયોગ કરતાં મોતને વહાલું કરવાની વાત કરે છે. હાલમાં સીમા તેમનાં ચાર સંતાનો સાથે ગ્રેટર નોઇડાના રબુપુરા ખાતેના સચીન મીણાના ઘરમાં રહે છે. સચીનના પિતા નેત્રપાલ મીણાનું કહેવું છે, "હવે બધું સારું છે, બાળકો ખુશ છે."














