પાકિસ્તાન : ડાકુઓનો હિંદુ પૂજાસ્થળે હુમલો, સીમા હૈદરના ભારત આગમન સાથે શું છે કનેક્શન?

ઇમેજ સ્રોત, SHAHNAWAZAHMAD/BBC
- લેેખક, રિયાઝ સોહૈલ
- પદ, બીબીસી ઉર્દૂ, કરાચી
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ડાકુઓએ હિંદુ સમુદાયના એક પૂજાસ્થળે હુમલો કર્યો છે. હુમલા બાદ દીવાલો પર ગોળીનાં નિશાન બની ગયાં છે. જોકે, આ હુમલામાં કોઈનું મૃત્યુ કે ઈજા થયાના સમાચાર નથી.
અમુક દિવસ પહેલાં ડાકુઓએ ધમકી આપી હતી કે જો સીમા રિંદ ઉર્ફે સીમા હૈદરને ભારતથી પાછાં ન લવાયાં તો તેઓ હિંદુઓનાં પૂજાસ્થળોએ હુમલો કરશે.
સીમા હૈદર પ્રમાણે તેઓ ભારતના સચીન મીણાને પ્રેમ કરે છે અને પોતાનાં ચાર બાળકો સાથે તેમની સાથે ગ્રેટર નોઇડા ખાતે રહી રહ્યાં છે. તેઓ પાકિસ્તાનથી નેપાળના રસ્તે ભારતના ગ્રેટર નોઇડા સુધી પહોંચ્યાં. આ મામલો બંને દેશોમાં ચર્ચાનો વિષય છે.
રિપોર્ટો અનુસાર ઉત્તર સિંધના જિલ્લા કશ્મૂર કંધ કોટના ઔગાહી ગામે શનિવારની રાત્રે આ હુમલો થયો હતો. આ ઘટના બાદ હિંદુઓમાં ગભરાટનો માહોલ છે.
ગૌસપુરના પત્રકાર અબ્દુસ્સમીએ બીબીસીને જણાવ્યું કે તેમની દરબાર ડેરા બાબા સાંવલશાહના પૂજારીઓ સાથે વાતચીત થઈ છે, તેમણે જણાવ્યું કે તેઓ રાત્રે મંદિરની (જેને પોલીસ દરબાર ગણાવી રહી છે) અંદર સૂતા હતા ત્યારે જોરદાર ફાયરિંગ શરૂ થયું, જે બાદ તેમણે આસપાસનાં ઘરોમાં છુપાઈ જઈને જીવ બચાવ્યો.

પોલીસને મળ્યા રૉકેટના ગોળા, તપાસ ચાલુ

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA
પોલીસને દરબારની આસપાસથી બે રૉકેટના ગોળા પણ મળ્યા છે જેમાં વિસ્ફોટ થયો નહોતો. એક ગોળો દીવાલમાં ઘૂસી ગયો હતો જ્યારે બીજો પોખરમાં પડ્યો હતો.
પત્રકાર અબ્દુસ્સમી અનુસાર એ ગામમાં બાગડી સમુદાયનાં 17 ઘરો છે, એ સિવાય આસપાસના બાગડી સમુદાયના લોકો પણ અહીં શીશ નમાવવા આવે છે.
કશ્મૂર કંધ કોટના એસએસપી ઇરફાન સમ્મૂંએ બીબીસીને જણાવ્યું કે એ મંદિર નથી, ઘર સાથે બનેલ દરબાર છે અને ત્યાં હિંદુ સમુદાયના લોકો વાર્ષિક કાર્યક્રમ આયોજિત કરે છે જ્યાં ગત રાત્રે ફાયરિંગ થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનો દાવો છે કે એ ગામમાં મુસ્લિમ વસતિની અન્ય કબીલા સાથે જૂની દુશ્મનાવટ છે, એ ઍંગલથી પણ આ ઘટનાની તપાસ કરાઈ રહી છે.

ડાકુઓએ શું ધમકી આપી હતી?

બાગડી હિંદુ દલિત સમુદાય સાથે સંબંધ ધરાવે છે જે ઉત્તર સિંધથી નીચલા સિંધમાં ખેતીકામ સાથે જોડાયેલા છે. તેઓ તરબૂચની ખેતી કરવામાં પાવરધા છે.
નોંધનીય છે કે ઘોટકીના ડાકુ રાનૂ શરે ધમકી આપી હતી કે જો સીમા રિંદ ઉર્ફે સીમા હૈદરને પાછાં ન લવાયાં તો હિંદુઓનાં પૂજાસ્થળે હુમલો કરાશે જે બાદ કશ્મૂર કંધ કોટના ડાકુઓએ પણ આવી ધમકી આપી હતી, જેમાં ગૌસપુર અને કરમપુરનાં પણ નામ લેવાયાં હતાં.
ઘોટકીના ડાકુ નિસાર શરે હુમલા બાદ એક વીડિયોમાં પોલીસ ઑફિસરોને સવાલ કર્યા છે કે એ ક્યાં છે જે દાવા કરી રહ્યા હતા અને “ગૌસપુરમાં મંદિર પર રૉકેટ હુમલો કરાયો.”
તેમના પ્રમાણે તેઓ આની નિંદા કરે છે. “પાકિસ્તાની હિંદુઓનો કોઈ વાંક નથી પરંતુ જો પાકિસ્તાની સરકાર સીમા રિંદને પાછી ન લાવી તો આવા જ હુમલા થતા રહેશે.”

હિંદુ પૂજાસ્થળ અને વસતિઓની સુરક્ષા વધારાઈ

રમેશલાલે (બદલેલ નામ) પોતાની ઓળખ છતી ન કરવાની શરતે અમારી સાથે વાતચીત કરી. યુવાન રમેશના સંબંધ ઘોટકી જિલ્લા સાથે છે અને એ યુનિવર્સિટીના વિદ્યાર્થી છે.
તેઓ કહે છે કે, “અમે તો વિવાદોથી બચીને રહીએ છીએ, પોતાના કામથી કામ રાખીએ છીએ. ડાકુઓની ધમકીઓ બાદ નિશ્ચિતપણે ડરનો માહોલ તો રહેશે કારણ કે અમારા સમુદાયના લોકોનાં અપહરણ થઈ ચૂક્યાં છે અને આ જિલ્લામાં હિંદુ સમુદાય પર હુમલા પણ થઈ ચૂક્યા છે.”
પાકિસ્તાનના સિંધ પ્રાંતના ઉત્તર દિશાએ આવેલા જિલ્લામાં પોલીસે હિંદુ સમુદાયનાં પૂજાસ્થળો અને વસતિઓની સુરક્ષા વધારી દીધી છે.
પોલીસ ઑફિસરોનું કહેવું છે કે ડાકુઓ તરફથી સીમા રિંદ (સીમા હૈદર)ને પરત લાવવા માટે અપાયેલી ધમકીઓ બાદ આ સુરક્ષાવ્યવસ્થા કરાઈ છે.

ડાકુઓનાં ઘણાં જૂથો સક્રિય

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઉત્તર સિંધના જિલ્લા ઘોટકી, કશ્મૂર કંધ કોટ અને જૅકબાબાદમાં ડાકુઓનાં ઘણાં જૂથ સક્રિય છે, જેમણે સિંધુ નદી આસપાસનાં ક્ષેત્રોમાં અડ્ડો જમાવી લીધો છે. પોલીસ પાછલા ઘણા દાયકાથી તેમના વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે પરંતુ અત્યાર સુધી તેમને સફળતા નથી મળી શકી.
સીમા અને ગુલામ હૈદર (સીમાના પતિ) બંનેના સંબંધ બલોચ સમુદાય સાથે છે. સોશિયલ મીડિયા પર સિંધના ડાકુઓનાં અલગ-અલગ જૂથોએ સીમાને તેમના દેશમાં પાછાં મોકલાવા માટે ધમકી આપી હતી.
રાનૂ શર નામના ડાકુએ એક વીડિયો સંદેશમાં પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો, સાંસદ અને સરકારને કહ્યું કે સીમા અને બાળકોને પાકિસ્તાન પરત લવાય નહીંતર “પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ પોતાની સુરક્ષા માટે જાતે જ જવાબદાર રહેશે. જો છોકરીને પરત ન લવાઈ તો રહડકી ખાતેના મંદિરે બૉમ્બમારો કરીશું.”
ડાકુ રાનુ શરને પોલીસ શોધી રહી છે અને તેમના પર છોકરીના અવાજમાં લોકોને આકર્ષીને જળપ્લાવિત ક્ષેત્રમાં બોલાવે છે અને તેમનું અપહરણ કરી લે છે.
એક બીજી વીડિયો ક્લિપમાં પાંચ હથિયારબંધ બુકાનીધારી ડાકુ હિંદુ સમુદાયને ધમકી આપી રહ્યા છે છોકરી (સીમા હૈદર)ને પરત નહીં મોકલાય તો જૅકબાબાદ, રત્તુ દેરૂ અને કશ્મૂર – જ્યાં જ્યાં હિંદુ રહે છે ત્યાં ત્યાં તેમને ગંભીર પરિણામ ભોગવવાં પડશે.
ડાકુ આ વીડિયોમાં અત્યંત અશોભનીય ભાષાનો ઉપયોગ કરે છે અને કહે છે કે, “અમારાં બાળકો અને છોકરીને પરત કરો, અમે બલોચ છીએ અને ગભરાતા નથી.” વીડિયોના અંતે તેઓ પાકિસ્તાન જિંદાબાદના નારા પોકારે છે.
એક ત્રીજી વીડિયો ક્લિપમાં ડાકુ રાનૂ શર કહે છે કે તેઓ કંધ કોટ અને આસપાસનાં ક્ષેત્રોમાં હુમલા કરશે. સાથે જ તેઓ પોતાની સામેની બાજુએ રાખેલા બૉમ્બ પણ બતાવે છે.

“પાકિસ્તાનના હિંદુઓની શું ભૂલ?”

લઘુમતી મામલાના રાજ્યમંત્રી જ્ઞાનચંદ ઇસરાની પ્રમાણે આ બાબતે સિંધના મુખ્ય મંત્રી અને પીપુલ્સ પાર્ટીની લીડરશિપ સાથે વાત થઈ છે અને તેઓ સિંધના આઈજી સાથે પણ દરરોજ સંપર્કમાં રહી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે સિંધના આઈજી અનુસાર તેમણે મંદિરો અને હિંદુઓના મહોલ્લાની સુરક્ષા વધારી દીધી છે. સીમા બાબતે તેમણે કહ્યું કે કોઈ કબીલો તેમને પોતાનાં માનવા માટે તૈયાર નથી.
તેમણે કહ્યું, “અને જો તેઓ પાકિસ્તાની હોય તો પણ આ વાતમાં પાકિસ્તાનમાં રહેતા હિંદુઓનો શો વાંક છે? પાકિસ્તાની હિંદુઓ જો ભારત જવા માગે તો તેમને બબ્બે વર્ષ સુધી વિઝા નથી મળતા, અને જો વિઝા મળી જાય તો પણ ભારતમાં સુરક્ષાના નામે પાકિસ્તાની હિંદુઓને ઘણા હેરાન કરાય છે. દરેક સ્થળે ઍન્ટ્રીઓ કરાય છે. હોટલમાં રહે તો સિક્યૉરિટી એજન્સીવાળા પૂછપરછ કરવા આવી પહોંચે છે.”
તેમનું કહેવું છે કે હિંદુએ કંઈ કર્યું હોય તો તેમાં પાકિસ્તાનમાં રહેતા હિંદુઓનો શો વાંક છે? “પાકિસ્તાનના હિંદુ દેશપ્રેમી નાગરિક છે, સદીઓથી અહીં જ વસે છે, તેમનો અહીં જન્મ થયો, તેમનો કારોબાર પણ અહીં જ છે.”

હિંદુ સમુદાયમાં ગભરાટ

પાકિસ્તાનમાં ધાર્મિક સંગઠન પહેલાં તો આ મામલાને લઈને ચૂપ હતાં પરંતુ હવે તેમણે પણ આ મામલે નિવેદન આપવાનું શરૂ કર્યું છે.
જમીયત-ઉલેમા-એ-ઇસ્લામ પાકિસ્તાનના પદાધિકારી અલ્લામા રાશિદ મહમૂદ સૂમરોનું કહેવું છે કે આ ઘટનાની તાત્કાલિક તપાસ થઈ જોઈએ કે સીમા હૈદર ચાર બાળકો સાથે પાકિસ્તાનથી દુબઈ અને પછી નેપાળના રસ્તે થઈને ભારત કેવી રીતે પહોંચ્યાં અને તેમને એ દેશના વિઝા કેવી રીતે મળી ગયા.
તેમનું કહેવું છે કે, “એક મુસ્લિમ સ્ત્રીનું ભારત પહોંચતાવેત જ હિંદુ ધર્મ સ્વીકારી લેવો, સાડી પહેરવી, કડકડાટ હિંદી ભાષા બોલવી આ બધી બાબતો ઘણા સવાલો પેદા કરે છે.”
ઘોટકી જિલ્લાનું નામ બળજબરીપૂર્વકના ધર્માંતરણને લઈને પણ વારંવાર મીડિયામાં ચર્ચાતું રહે છે. અહીંના સ્થાનિક મિયાં મિટ્ઠૂ પર આરોપ છે કે તેઓ આ વલણને પ્રોત્સાહિત કરી રહ્યા છે.
મિયાં મિટ્ઠૂએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સિંધમાં રહેતા હિંદુઓ સીમા રિંદ પરત ફરે એ માટે પ્રયત્નો કરે, પછી એવું ન થાય કે કોઈ શરારત કરીને તેમનાં મંદિરો પર હુમલા કરી દે.
ઘોટકી મ્યુનિસિપલ કમિટીના વાઇસ ચૅરમૅન અને સિંધ હ્યુમન રાઇટ્સ બોર્ડના સભ્ય સુખદેવ આસરદાસ હિમાનીનું કહેવું છે કે ધમકીઓના કારણે હિંદુ સમુદાયમાં ભયનો માહોલ છે અને તેમણે આગમચેતીના ભાગ સ્વરૂપે મંદિરો અને અન્ય સ્થળોએ અવરજવર ઘટાડી દીધી છે.
તેમનું કહેવું છે કે, “આ ડાકુ રાજ્ય સામે પડનારાં તત્ત્વો છે, તેમની વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે. કેટલાક ધાર્મિક ચરમપંથી તેમના સમર્થનમાં આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે પાકિસ્તાનના હિંદુ સમુદાયે ભારત સરકાર સાથે વાત કરવી જોઈએ. હું એક વાત સ્પષ્ટ કરવા માગીશ કે અમે કોઈ ભારતીય નથી, અમે પણ એટલા જ પાકિસ્તાની છીએ જેટલા કે અન્યો. અમે પણ તેમની જ જેમ બરાબરીનો દરજ્જો ધરાવતા નાગરિક છીએ. જ્યારે તમે અમારી છોકરીઓનાં અપહરણ કરીને બળજબરીથી ધર્માંતરણ કરાવો છો ત્યારે તો અમે અન્ય કોઈ દેશ પાસે મદદની માગ નથી કરતા. અમે ત્યારે પણ પાકિસ્તાન સરકાર પાસે જ જઈએ છીએ.”
મીરપુર માથેલો હિંદુ પંચાયતના પ્રમુખ ડૉ. મેહરચંદનું કહેવું છે કે, “એ ડાકુઓને સીમા સાથે તેમજ કોઈ ધર્મ-સમુદાય સાથે કોઈ લેવાદેવા નથી. તેમનું કામ માત્ર ધાડ પાડવાનું છે.”
તેઓ કહે છે કે હિંદુ એક એવો સમુદાય છે જે માત્ર શાંતિથી રહેવા માગે છે.
“આ જ કારણે તેઓ આમને ધમકાવે અને પરેશાન કરે છે.”

ઘણાં મહત્ત્વપૂર્ણ આસ્થાનાં કેન્દ્રો

સિંધના ઉત્તર દિશા તરફા જિલ્લામાં હિંદુ સમુદાય મોટા ભાગે કારોબાર સાથે સંકળાયેલો છે અને સોનીથી માંડીને પાકના ખરીદ-વેચાણ તેમજ રાઇસ મિલોનું કામ કરે છે.
આ જિલ્લામાં ઘણાં ધાર્મિક સ્થળો છે જેમાં શિકારપુર અને ઘોટકી મહત્ત્વપૂર્ણ છે જ્યાં હિંદુ સંતોનો દરબાર છે.
ઘોટકીમાં રહડકી દરબાર છે જ્યાં સાંઈ સતરામ દાસનો વર્ષ 1866માં જન્મ થયો હતો.
તેમને સચ્ચૂ સતરામ કે સચ્ચા સતરામ અને એસએસડી ધામના નામે ઓળખવામાં આવે છે. અહીં દર વર્ષે મેળો યોજાય છે, જેમાં ભારતથી પણ યાત્રિકો સામેલ થવા પહોંચે છે. તેમાં એવા ઘણા પરિવારો સામેલ હોય છે જેઓ વિભાજન સમયે ભારત જતા રહ્યા હતા.
વિભાજન પહેલાં જ્યારે ઉત્તર સિંધમાં ધાર્મિક રમખાણો થયાં ત્યારે આ દરબાર સાથે જોડાયેલા સંત ભગત કુંવર રામની હત્યા કરાઈ હતી, જેમની સમાધિ પણ ત્યાં છે.
શિકારપુરમાં સમાધા આશ્રમ છે. તે વિશે દરબારના વ્યવસ્થાપક ભગવાનદાસ કહે છે કે આ આશ્રમને 250 વર્ષ થઈ ચૂક્યાં છે. બાબા હરભજન પ્રથમ ગાદીનશીન છે, જેઓ પંજાબથી આવ્યા અને હવે સાતમા ગાદીનશીન છે. સક્ખરમાં નદીની વચ્ચે સાધુ બેલૂના નામથી બાબા બખંડી મહારાજનો દરબાર છે, જ્યાં દર વર્ષે મેળો યોજાય છે.
ઘોટકીમાં સ્થિત એસએસડી મંદિરમાં વર્ષ 2019માં પણ આક્રોશમાં ભરાયેલા લોકોએ તોડફોડ કરી હતી.
ઘોટકીમાં પીપુલ્સ પાર્ટીના મીનાર ટી વિંગના અધ્યક્ષ કોરો રામે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે તહેનાત પોલીસદળની સંખ્યામાં વધારો કરાયો છે, રેન્જરો પણ આવી પહોંચ્યા છે, જેઓ મદદ કરી રહ્યા છે.
તેઓ કહે છે કે તેમના સમુદાયને એ વાતનો અફસોસ છે કે તેઓ સિંધની ધરતીના રહેવાસી છે અને અહીં “અમારા જ ભાઈઓ એવાં નિવેદનો આપી રહ્યા છે કે જેના કારણે સમુદાયમાં નિરાશાનું મોજું ફરી વળ્યું છે.”
સક્ખરના ડીઆઈજી જાવેદ જસકાની કહે છે કે વીડિયો સંદેશ જાહેર કરનારા કુખ્યાત ડાકુ રાનૂ શરની ઘેરાબંદી કરાઈ રહી છે.
તેઓ કહે છે કે, “વૉન્ટેડ ગુનેગારો દ્વારા જે સમસ્યા ઉઠાવવામાં આવેલી સમસ્યાને જો કોઈ ધર્મના આધારે પ્રોત્સાહન આપનારા સંગઠનનું સમર્થન મળે તો આ મામલો ગંભીર પણ બની શકે છે.”
તેઓ જણાવે છે કે તેમના જિલ્લાના એસએસપીએ મંદિરો અને એ ક્ષેત્રોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના ઉપાય કર્યા છે જ્યાં હિંદુઓ ભારે સંખ્યામાં રહે છે. આ પગલાંમાં સુરક્ષા દળોની ભારે તહેનાતી, પેટ્રોલિંગ અને ઇન્ટેલિજન્સ દ્વારા એ લોકો પર નજર રાખવાની પ્રવૃત્તિ સામેલ છે જે સંભવિતપણે હિંદુઓ માટે ખતરો હોઈ શકે.
સિંધના મુખ્ય મંત્રીના વિશેષ સહાયક વીર જી કોહલીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “સમગ્ર સિંધમાં જેટલાં પણ મંદિર છે ત્યાં પોલીસબળ હાજર છે અને ત્યાં અમે સીસીટીવી કૅમેરા લગાવી દીધા છે. જો કોઈ મોઢું છુપાવીને ધમકી આપે તો તેનાથી કોઈ ફરક નથી પડતો. રાજ્ય પોતાનું કામ કરશે.”
તેઓ પૂછે છે કે જ્યારે હિંદુ છોકરીઓ જાય છે ત્યારે આપણે શું કરીએ છીએ?
તેઓ કહે છે કે, “આપણે કંઈ નથી કરતા, કારણ કે કાયદા પ્રમાણે છોકરીનું નિવેદન માન્ય રખાય છે, શરત માત્ર એટલી છે કે એ પુખ્ત વયની હોવી જોઈએ. ગમે તે વ્યક્તિ પોતાનો ધર્મ બદલી શકે, લગ્ન કરી શકે.”

સીમાના ગુલામ સાથેનાં લગ્ન

સીમા રિંદ ઉર્ફે સીમા હૈદરનો સંબંધ સિંધ જિલ્લાના ખૈરપુરની કોઈડીજી તહસીલના હાજાનૂ રિંદ ગામ સાથે છે.
સીમાએ જ્યારે ગુલામ હૈદર જખરાની સાથે કોર્ટ મૅરેજ કર્યા હતા ત્યારે તેમણે આ સ્થળનું જ સરનામું આપ્યું હતું.
ગુલામ હૈદરનો સંબંધ જૅકબાબાદના ક્ષેત્ર નૂરપુર સાથે છે પરંતુ લગ્ન બાદ તેઓ ગુલિસ્તાં જોહરમાં સ્થિત દહની બખ્શગોટ આવી ગયા અને સાઉદી અરેબિયામાં મજૂરી માટે જતા પહેલાં તેઓ પોતાના પરિવાર અને સાસરિયા સાથે અહીં જ રહેતા. આ ક્ષેત્રમાં તેમનાં સાળીનું પણ ઘર છે.
ગુલામ હૈદરના પિતા મીર જાને મલેર સ્ટેશનમાં વહુ અને બાળકોના ગુમ થયાનો રિપોર્ટ લખાવ્યો છે.
સાઉદી અરેબિયાથી બીબીસી સાથેની વાતચીતમાં ગુલામ હૈદર જખરાનીએ કહ્યું કે તેઓ એ રિપોર્ટને એફઆઇઆરમાં તબદીલ કરાવવા માટે વકીલ પાસેથી સલાહ લઈ રહ્યા છે. તેમજ તેમણે પોતાના પરિવારને વિદેશમંત્રાલયને પણ આ અંગે અરજી કરવાનું કહ્યું છે, જેથી સરકાર તેમનાં પત્ની અને બાળકોને પરત લાવવા મદદ કરે.

સોશિયલ મીડિયા પર જુદા જુદા દાવા

બીજી તરફ પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર સીમા રિંદના પહેરવેશથી માંડીને તેમના વાત કરવાના અંદાજ પર ટિપ્પણી કરાઈ રહી છે. કેટલાક તેમને ભારતીય જાસૂસ ગણાવી રહ્યા છે તો અમુક કહી રહ્યા છે કે તેઓ સિંધનાં ન હોઈ શકે.
ટ્વિટર પર જેન બુગટી લખે છે, “સીમા પાકિસ્તાની નહીં, ભારતીય એજન્સી રૉનાં એજન્ટ પ્રિયંકા છે, જે વર્ષ 2013માં દુબઈથી પંજાબના મુલ્તાનમાં આવ્યાં અને ત્યાં પોતાનું નામ સીમા રાખી લીધું. ત્યાં તેની અનવર નામના છોકરા સાથે મુલાકાત થઈ. ગુલામ હૈદર અને અનવર સાથે કામ કરતા.”
શમા જુનેજો નામના ટ્વિટર હૅન્ડલથી લખાયું કે, “આ કેવી મુસલમાન છે, જેને કોઈ આયત (કુરાનની લાઇન) યાદ નથી? પાકિસ્તાનમાં તેના સંબંધીઓ કોણ છે અને ક્યાં છે? એ શું ભણી? ક્યાં પેદા થઈ અને મોટી થઈ? મીડિયા આ સંદિગ્ધ કેસ અંગે જાણકારી બહાર લાવે.”
કૉલમિસ્ટ જાવેદ અહમદ કાઝી લખે છે કે, “હું સિંધી છું અને મને શંકા છે કે આ (સીમા) નથી.”














