એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ટીમો વચ્ચેની મૅચ પાકિસ્તાનમાં નહીં તો ક્યાં રમાશે?

ઇમેજ સ્રોત, REUTERS/AMIT DAVE
15 વર્ષ બાદ પાકિસ્તાન ફરી એક વાર એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ની કમિટીના પ્રમુખ નજમ સેઠીએ હાઇબ્રિડ મૉડલમાં થનાર આ ટુર્નામેન્ટની તારીખોની જાહેરાત કરી છે.
નજમ સેઠીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, “પાકિસ્તાન શું તમે તૈયાર છો? એશિયા કપ આવી રહ્યો છે.”
તેમણે જણાવ્યું કે એશિયન ક્રિકેટ કાઉન્સિલે (એસીસી) હાઇબ્રિડ મૉડલ આધારે પાકિસ્તાનમાં એશિયા કપના આયોજન માટે મંજૂરી આપી દીધી છે.
આ પહેલાં વર્ષ 2008માં પાકિસ્તાનમાં આ પ્રકારની ટુર્નામેન્ટ આયોજિત કરાઈ હતી, જેમાં ઘણા દેશોની ટીમો સામેલ થઈ હતી. એ સમયે 50 ઓવરની મૅચોવાળા એશિયા કપમાં ટુર્નામેન્ટમાં કુલ છ દેશોની ટીમોએ ભાગ લીધો હતો.

નજમ સેઠીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Najam Sethi/Twitter
નજમ સેઠીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “મને એ વાતની ખુશી છે કે એસીસીએ અમારા હાઇબ્રિડ મૉડલના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ બાદ ટુર્નામેન્ટનું આયોજન પીસીબી જ કરશે, પરંતુ મૅચ પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાશે.”
સોશિયલ મીડિયામાં જાહેર કરાયેલા એક વીડિયોમાં નજમ સેઠીએ કહ્યું, “અમે વાયદો કર્યો હતો એ મુજબ એશિયા કપ પાકિસ્તાન આવી રહ્યું છે. આ હાઇબ્રિડ મૉડલ એક નવી રજૂઆત છે. આ સાથે જ આવનારા સમયમાં વધુ દરવાજા ખૂલી શકે છે. આ જૂના તમામ મુદ્દાનો ઉકેલ છે.”
“છેલ્લે વર્ષ 2008માં પાકિસ્તાનમાં ઘણી ટીમો રમવા આવી હતી. તે બાદ વર્ષ 2016માં પીસીબી પાકિસ્તાનમાં પાકિસ્તાન સુપર લીગ લઈ આવ્યું અને તેની દરેક સિઝન એક પછી એક બહેતર બનતી ગઈ અને મોટા-મોટા ખેલાડી તેમાં સામેલ થયા. તે બાદ ઘણા દેશોએ પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો. ઘણા દેશોએ સાથે મળીને ટુર્નામેન્ટનું આયોજન કરવાનું હતું, હવે મેં તમને આના સમાચાર આપી દીધા છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શું ભારત સામેલ થશે?

ઇમેજ સ્રોત, REUTERS/PETER CZIBORRA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એસીસીએ વર્ષ 2023માં એશિયા કપના આયોજનના અધિકાર ગત વર્ષે પાકિસ્તાનને આપ્યા હતા. તે બાદ બીસીસીઆઈએ કહ્યું હતું કે ભારતની ટીમ પાડોશી દેશમાં જઈને મૅચ નહીં રમે.
એસીસીના અધ્યક્ષ જય શાહે કહ્યું હતું કે પાકિસ્તાનને લઈને ભારતની પોતાની નીતિ છે અને બીસીસીઆઈ તેનું પાલન કરશે.
તેમણે કહ્યું હતું કે, “ભારત વર્ષ 2023નો એશિયા કપ ન્યૂટ્રલ વૅન્યૂમાં રમશે. ભારતની ટીમ પાકિસ્તાન ન જઈ શકે, તેમજ પાકિસ્તાનની ટીમ ભારત ન આવી શકે. અગાઉ પણ એશિયા કપની મૅચો ન્યૂટ્રલ વેન્યૂમાં થઈ છે.”
તે બાદ એશિયા કપના આયોજનને લઈને પ્રશ્નો ઊભા થયા હતા. મામલો એટલો બગડ્યો કે પાકિસ્તાને ભારતમાં થનરા વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભાગ ન લેવાની ચેતવણી સુધ્ધાં આપી દીધી.
હવે ગુરુવારે નઝમ સેઠીએ કહ્યું કે ભારતની ટીમ પાકિસ્તાનમાં આવીને નહીં રહમી શકે તેથી હાઇબ્રિડ વ્યવસ્થા કરાઈ છે.
ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લેશે પરંતુ નજમ સેઠીએ જણાવ્યું કે ભારતીય ટીમ પાકિસ્તાનમાં કોઈ મૅચ નહીં રમે.
તેમણે કહ્યું, “પાકિસ્તાનના પ્રશંસકોની ઇચ્છા છે કે તેઓ 15 વર્ષ બાદ પ્રથમ વખત ભારતીય ટીમને પાકિસ્તાનમાં રમતા જોઈ શકે. પરંતુ અમે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ની સ્થિતિ સમજીએ છીએ. પીસીબીની માફક જ બીસીસીઆઈને બૉર્ડર પાર કરતા પહેલાં સરકારની મંજૂરીની જરૂરિયાત હોય છે. આવી સ્થિતિમાં હાઇબ્રિડ મૉડલ જ શ્રેષ્ઠ સમાધાન હતું અને મેં આ માટે જોર લગાવ્યું.”
તેમણે કહ્યું, “અમને આશા છે કે અમે આ ટુર્નામેન્ટ માટે સારી વ્યવસ્થા ગોઠવી શકીશું. ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમોની અમે યોગ્ય યજમાની કરી શકીશું, સાથે જ ફેબ્રુઆરી-માર્ચ 2025માં પાકિસ્તાનમાં થનાર આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી માટે પણ તૈયારી કરી શકીશું.”
“એસીસી સાથે હજુ પણ ચર્ચા ચાલી રહી છે અને આના આયોજન અંગે અમે શ્રીલંકા ક્રિકેટ સાથે પણ સતત વાતચીત કરી રહ્યા છીએ. આ ટુર્નામેન્ટના આયોજનમાં અમે કોઈ કસર નહીં રાખીએ.”

હાઇબ્રિડ મૉડલ શું છે?
જ્યારે એક ટુર્નામેન્ટની મૅચોનું આયોજન અલગ-અલગ દેશોમાં કરાય, ત્યારે તેને હાઇબ્રિડ મૉડલ કહેવાય છે.
2023 એશિયા કપની ચાર મૅચ પાકિસ્તાનમાં અને નવ મૅચ શ્રીલંકા ખાતે રમાશે.
ક્યારે યોજાશે મૅચ?
ટુર્નામેન્ટનું આયોજન 31 ઑગસ્ટથી માંડીને 17 ડિસેમ્બર સુધી કરાશે.
કઈ કઈ ટીમો ભાગ લેશે?
એસીસી અનુસાર ટુર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળની ટીમો ભાગ લેશે.
નેપાળની ટીમ પ્રથમ વખત એશિયામાં થનારી ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે.
આ ટુર્નામેન્ટમાં 13 વનડે ઇન્ટરનેશનલ મૅચ રમાશે.
છ ટીમો વચ્ચે બે ગ્રૂપમાં મૅચ રમાશે. દરેક ગ્રૂપમાંથી બે ટીમો સુપર ફૉરમાં જગ્યા બનાવશે. ફાઇનલ મૅચ સુપર ફૉર સ્ટેજની બે ટીમો વચ્ચે યોજાશે.

પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર શું ચર્ચા થઈ રહી છે?

ઇમેજ સ્રોત, MARTIN KEEP/AFP VIA GETTY IMAGES
પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર પીસીબીના પ્રસ્તાવિત હાઇબ્રિડ મૉડલ પર છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા ચાલી રહી છે.
કેટલાક લોકોનું કહેવું છે કે પાકિસ્તાને હાઇબ્રિડ મૉડલનો પ્રસ્તાવ મૂકીને ભૂલ કરી છે, દેશે આવું નહોતું કરવું જોઈતું.
થર્ડ અમ્પાયર નામના એક યૂટ્યૂબ બ્લૉગરે કહ્યું હતું કે, “બધી મૅચો પાકિસ્તાનમાં રમાવી જોઈતી હતી, અને જે ટીમ તેમાં સામેલ ન થાય તેના પૉઇન્ટ અન્ય ટીમને આપી દેવા જોઈતા હતા. આવું વિશ્વકપમાં અગાઉ પણ થઈ ચૂક્યું છે.”
“પરંતુ પાકિસ્તાન જાતે જ ઉપરાઉપરી સમાધાનો સૂચવતું જઈ રહ્યું હતું અને લાગી રહ્યું હતું કે કોઈને આ વાતથી કોઈ ફરક નહોતો પડી રહ્યો. એવી લાગી રહ્યું હતું કે એશિયા ક્રિકેટ કાઉન્સિલ બીસીસીઆઈની આસપાસ ફરી રહી છે અને બીસીસીઆઈ જય શાહની ફરતે ફરી રહ્યું છે. આગામી વિશ્વકપમાં તેની ભારે અસર થઈ શકે છે.”
સઈદ ઓમરે સોશિયલ મીડિયામાં લખ્યું, “આપણને લૉલીપૉપ અપાઈ રહી છે, આપણે દેશમાં માત્ર એક જ મૅચ રમી શકીશું. હાઇબ્રિડ મૉડલ પ્રમાણે ભારત એશિયા કપમાં રમવા માટે રાજી થઈ ગયું છે પરંતુ પાકિસ્તાન સંપૂર્ણ વિશ્વકપ માટે ત્યાં જશે.”
ડૉન ન્યૂઝથી સ્પૉર્ટ્સ એડિટર અબ્દુલ ગફ્ફારે લખ્યું, “આ સારી વાત છે. મેં 20 મેના રોજ જ જણાવી દીધું હતું કે એસીસી પીસીબીના હાઇબ્રિડ મૉડલના પ્રસ્તાવને સ્વીકારી લેશે. ટુર્નામેન્ટની પ્રથમ ચાર મૅચો પાકિસ્તાનમાં યોજાશે.”
એક અન્ય ટ્વીટમાં તેમણે લખ્યું, “નજમ સેઠીના હાઇબ્રિડ મૉડલના પ્રસ્તાવે મામલાનું વલણ પીસીબી તરફ ફેરવી દીધું છે. બીસીસીઆઈએ ઑક્ટોબર 2021ના રોજ જાહેરાત કરી હતી કે એશિયા કપનું આયોજન પાકિસ્તાનની બહાર કરાશે. આશા છે કે પાકિસ્તાન હવે વિશ્વ કપ 2023માં ભાગ લેશે અને એ વાત સુનિશ્ચિત કરશે કે વર્ષ 2025ની ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ભારત જરૂર ભાગ લે.”
આરફા ફિરોઝ ઝાકી લખે છે કે, “શું પીસીબી અને બીસીસીઆઈ વચ્ચે કોઈ સમાધાન થયું છે? એશિયા કપ માટે હાઇબ્રિડ મૉડલની સ્વીકૃતિની અસર વર્ષ 2023ના વિશ્વ કપ અને વર્ષ 2025માં યોજાનાર ચૅમ્પિયન્સ ટ્રૉફી પર પડશે. વિશ્વ કપ માટે પાકિસ્તાનની ટીમ ભારત આવશે અને ચૅમ્પિયન્સ ટ્રૉફીનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે.”
તેઓ લખે છે કે, “આ નજમ સેઠીનો વિજય છે. ભારતીય મીડિયા પ્રૉપેગેન્ડા અનુસાર બીસીસીઆઈ સંપૂર્ણ ટુર્નામેન્ટનું આયોજન અમુક ન્યૂટ્રલ વૅન્યૂ પર કરાવવા માગતું હતું, પરંતુ નજમ સેઠીએ પોતાનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો.”
ઇસમાઇલ કુરેશીએ નજમ સેઠીની પ્રશંસા કરી. તેમણે લખ્યું, “આ ભવિષ્યની દિશામાં એક સારું પગલું છે. આશા છે કે બારત ટુર્નામેન્ટ દરમિયાન થોડી સમજદારીનું પ્રદર્શન કરશે અને આના જવાબમાં વર્ષ 2025માં યોજાનાર ચૅમ્પિયન્સ ટ્રૉફી માટે પાકિસ્તાન આવશે. ઓછામાં ઓછું ક્રિકેટ ખાતર.”
ટ્રોલ પાકિસ્તાની નામના એક ટ્વિટર યૂઝરે આ અંગે કટાક્ષ કરતા એક કાર્ટૂન પોસ્ટ કર્યું. તેમનું કહેવું છે કે તમામ મોટી મૅચો શ્રીલંકામાં રમાશે તેમજ ચાર બેકાર મૅચો પાકિસ્તાનમાં થશે.
શહરયાર એજાઝ લખે છે કે, “તમે ચાર મૅચોને લઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છો. તમે અમને વાયદો કર્યો હતો કે એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં થશે. જો ભારત પોતાની મૅચો પાકિસ્તાનમાં ન રમે તો પાકિસ્તાને વિશ્વ કપમાં પોતાની મૅચો ભારતમાં ન રમવી જોઈએ. પરંતુ મામલો આ નથી. આ સિવાય અન્ય ટીમોની મૅચો પણ હવે પાકિસ્તાનમાં નહીં યોજાય, અને માત્ર ચાર મૅચો માટે તમે પોતાની જાતને હીરો સાબિત કરવાની કોશિશ કરી રહ્યા છો. ભીખ માગનારાને પસંદગીનો અધિકાર નથી હોતો.”
ફિરોઝ મંસૂરીએ લખ્યું, "અંતે ભારતની ટીમ પાકિસ્તાન નથી આવી રહી. પરંતુ વિશ્વ કપ માટે પાકિસ્તાનની ટીમ ભારત આવશે. આ કયા પ્રકારનો વિજય છે.”
ખુર્રમ ખાને પોસ્ટ કરી, “ચાર મૅચ એટલે કે 25 ટકા ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાશે. આ કોઈ પણ પ્રકારે તમારો વિજય નથી. તમે બાકી રહેલી ચાર મૅચો પણ અન્યત્રે થવા દઈ શકતા હતા. ખબર નહીં પ્રસંશકો માટે આ કેટલા મોટા સમાચાર છે.”
ભારતીય રમતગમત પત્રકાર બોરિયા મજૂમદારે એક લેખમાં લખ્યું છે કે કદાચ આ જ એક રસ્તો બાકી રહ્યો હતો. આ સિવાય પાકિસ્તાન ટુર્નામેન્ટમાં રમી શક્યું ન હોત અને એસીસીનો સંપૂર્ણ હેતુ કમજોર થઈ ગયો હોત કારણ કે તેનો હેતુ તમામ એશિયન દેશોનું એક સાથે આવવાનો હતો.
તેઓ લખે છે કે, “જો ભારત-પાકિસ્તાન એકબીજાની વિરુદ્ધ ન રમે તો બ્રૉડકાસ્ટરો નક્કી થયેલી રકમનો ત્રીજો ભાગ પણ આપવા તૈયાર નહીં થાય. આકલન પ્રમાણે એશિયા કપની મૅચોમાં 79 ટકા કમાણી ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મૅચો વડે થાય છે.”
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બીસીસીઆઈની તાકતથી પાકિસ્તાનના લોકો સારી રીતે વાકેફ છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ રમીઝ રાજાએ કહ્યું હતું કે, “પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ફંડિંગ પર 50 ટકા ચાલે છે અને આઈસીસીનું ફંડિંગ એટલે કે તે જે ટુર્નામેન્ટનું આયોજન કરે તેની રકમ તે પોતાનાં સભ્ય બોર્ડો વચ્ચે વહેંચી દે છે.”
“આઈસીસીના ફંડિંગનો 90 ટકા ભાગ ભારતીય બજારમાંથી આવે છે. આમ, એક પ્રકારે ભારતનાં બિઝનેસ હાઉસ પાકિસ્તાન ક્રિકેટને ચલાવી રહ્યાં છે. અને જો ભારતીય વડા પ્રધાન ભવિષ્યમાં એવું વિચારી લે કે અમે પાકિસ્તાનને ફંડિંગ નહીં આપીએ તો આપણું ક્રિકેટ બોર્ડ ધરાશાયી પણ થઈ શકે છે.”
તેઓ કહે છે કે, “એસીસી ભારત અને પાકિસ્તાનને હંમેશાં એક જ ગ્રૂપમાં રાખે છે, કારણ કે આવું કરીને તે બંને દેશો વચ્ચે મૅચ સુનિશ્ચિત કરી શકે છે અને બંને ફાઇનલ સુધી પણ પહોંચે. મૅચ ભલે ગમે એ ટીમ જીતે પરંતુ આયોજકો માટે આ ફાયદાનો સોદો સાબિત થશે.”














