મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચેની હિંસા પછી કેવી છે સ્થિતિ : ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images
મ્યાનમાર સાથે સરહદ ધરાવતા ઉત્તર ભારતનાં સુંદર રાજ્ય મણિપુરમાં ઘાતકી હિંસાનો સિલસિલો બે મહિનાથી વધુ સમય સુધી ચાલ્યો. મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચેની અથડામણથી આખુંય રાજ્ય જાણે બે ભાગમાં વહેંચાઈ ગયું.
બીબીસીના સૌતિક બિશ્વાસે ચૂરચંદપૂર જિલ્લાના આદિવાસી વિસ્તારની મુલાકાત લીધી, જ્યાંથી હિંસા શરૂ થઈ હતી. તેમણે એ જાણવાની કોશિશ કરી કે કઈ રીતે એ વિભાજન એક હિંસામાં ફેરવાઈ ગયું. અને હવે ત્યાં કેવી સ્થિતિ છે.
ગત સપ્તાહની એક બપોરે ચૂરચંદપૂરમાં સંખ્યાબંધ પુરુષો અને મહિલાઓ એક વાંસની બનેલી કામચલાઉ ઝૂંપડીવાળા મેમોરિયલમાં ભેગા થયા હતા. તેમાંથી મોટાભાગના લોકોએ કાળાં વસ્ત્રો પહેર્યાં હતાં અને ચહેરા પર યૌદ્ધા જેવા રંગો લગાવ્યા હતા.
શોક મનાવવા ભેગા થયેલાં આ લોકો આદિવાસી કુકી સમુદાયના હતા, જેમાંથી મોટાભાગના ખ્રિસ્તી છે.
ઝૂંપડીની દીવાલોમાં મૈતેઈ સમુદાય જે મોટાભાગે હિંદુ છે, તેમની સાથે થયેલી અથડામણમાં માર્યા ગયેલા કુકી સમાજના લોકોની તસવીરો હતી.
મે મહિનાની શરૂઆતથી જ મણિપુરમાં હિંસા ફાટી નીકળી હતી. મૈતેઈ માટે ટ્રાઇબલના દરજ્જાની માગણીનાં વિરોધમાં આ બધું શરૂ થયું હતું. હિંસામાં 130થી વધુ લોકોનાં મોત થયાં છે અને લગભગ 60 હજાર લોકો પોતાના જ રાજ્યમાં શરણાર્થી બની ગયા છે.
હવે કુકી સમુદાયે પ્રાંતીય સ્વાયત્તતાની માગણી કરી છે. જે એક રીતે વિભાજન અને સ્વતંત્ર વહીવટીતંત્રની માગ દર્શાવે છે. જ્યારે મૈતેઈ સુમદાયે ચેતવણી આપી છે કે આવું કોઈ પણ વિભાજન મંજૂર નથી.
મેમોરિયલમાં જે મૃતકોની તસવીરો હતી તેમાં 104 વર્ષના વૃદ્ધથી લઈને બે મહિનાનું બાળક પણ સામેલ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાંસના બનેલા મંચ પર મોટા પ્રમાણમાં પુષ્પો અને મૃતકોની યાદ અપાવતી વસ્તુઓ હતી. શોક સંદેશ લખવાનું સફેદ બોર્ડ પણ સંદેશાઓથી ભરાઈ ગયું હતું.
બહારની બાજુએ કેટલાંક ડમી તાબૂત હતાં જેના પર કાળો રંગ કરાયો હતો અને તેને ચૂરચંદપુરને જોડતા હાઈવે તરફે રાખવામાં આવ્યા હતા, જે ઇમ્ફાલ વાદી તરફે છે અને અહીં મૈતેઈ સમુદાય રહે છે.
મંચ પરથી પ્રદર્શનકારી સૂત્રોચ્ચાર કરે છે, "અમને આઝાદી જોઈએ છે. અમને મૈતેઈથી આઝાદી જોઈએ છે. અમને મણિપુરથી આઝાદી જોઈએ છે."
ટોળું આ સૂત્રોચ્ચારમાં સૂર પૂરાવે છે. પછી મહિલા વિરોધ પ્રદર્શનને જુસ્સો આપતું સ્વદેશી સંગીત વગાડે છે.
એ સાથે જ માસ્કવાળા કુકી પુરુષોનું જૂથ દંડાઓ લઈને ભીડમાં પ્રવેશવાની કોશિશ કરે છે અને પછી મંચ પરનું નિયંત્રણ હાથમાં લઈ લે છે.
ટોળામાંથી કોઈ કહે છે, "શું તેમની પાસે બંદૂકો છે?” એક અન્ય પ્રદર્શનકારી કહે છે, "ના તેમની પાસે બંદૂકો નથી."
દરમિયાન એક સ્થાનિક નેતા ટોળાંને સંબોધે છે. તેઓ કહે છે, "આપણા નિર્દોષ પીડિતો માટે ન્યાય જોઈએ. ટ્રાઇબલ સમુદાય જિંદાબાદ."

મણિપુરમાં વંશીય વિભાજન

ઇમેજ સ્રોત, ANSHUL VERMA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મણિપુરમાં ફેલાયેલી હિંસાને લીધે વિભાજન વધ્યું છે અને તેને કારણે કડવાશ વધી છે. ચૂરચંદપુર દક્ષિણમાં આવેલો ટ્રાઇબલ જિલ્લો છે અને ત્યાં હરિયાળા પર્વતીય ઢાળ છે.
તે ઇમ્ફાલથી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 80 કિલોમિટર દૂર છે, જ્યાં મૈતેઈ સુમદાયનું પ્રભુત્વ છે.
કુકી અને મૈતેઈ વચ્ચે લોહિયાળ ઘર્ષણ થયું. જોકે, આજે તેઓ એકબીજાથી અલગ રહે છે, પણ એક સમય હતો જ્યારે તેઓે એકબીજાની સાથે રહેતા હતા.
ભૌગોલિક વિસ્તારની મર્યાદાને પગલે અંદાજે ત્રણ લાખ કુકી લોકો ચૂરચંદપુરમાં રહે છે, તેઓ ઇમ્ફાલ વાદીથી અલગથલગ છે, જ્યાં મૈતેઈ સમુદાયનું રાજકીય પ્રભુત્વ છે. બંને સમુદાય વચ્ચેનું જનજીવન થંભી ગયું છે. ઇન્ટરનેટ પણ રાજ્યમાં બંધ હોવાથી તે આ અલગથલગ થવાના વ્યાપને વધુ ઘેરો બનાવે છે.
ચૂરચંદપુરના એક વિદ્યાર્થી મુંગ નિહસિયાલ કહે છે, "અમારાં જીવન મુશ્કેલ બની ગયાં છે. લાગે છે સતત કત્લેઆમ ચાલી રહી છે.”
કુકી સમુદાયના લોકો માટે મણિપુર છોડવું એક દુઃસ્વપ્ન બની ગયું છે. જેઓ ચૂરચંદપુરમાં છે તેઓ કહે છે કે, તેઓ નજીકના ઇમ્ફાલ હવાઈમથકને નથી વાપરી શકતા, જે માત્ર તેમને ત્યાંથી 90 મિનિટના અંતરે છે, કેમ કે વચ્ચે વાદીમાંથી હુમલો થઈ શકે એવું જોખમ છે.
સપ્તાહમાં બે વખત ચાલતી હૅલિકૉપ્ટર સેવા જે ઇમ્ફાલ માટે છે તેનો માત્ર ગણતરીના સ્થાનિકો ઉપયોગ કરી રહ્યા છે.
એનજીઓ ચલાવતા કુકી સમુદાયના લિઆવઝલાલ વેઇફેઇ કહે છે કે, સ્થાનિકોનું કહેવું છે કે તેમને ઇમ્ફાલ હવાઈમથકે પણ હુમલાની ભીતિ છે.
એની જગ્યાએ કુકી સમુદાયને એઝવાલથી જતી ફ્લાઇટ લેવી પડે છે અને ત્યાં જવા તેમણે 380 કિલોમિટરનું અંતર 14 કલાકમાં રોડમાર્ગે કાપીને જવું પડે છે.
આ રસ્તો ભેખડો ધસી પડવાનું જોખમ ધરાવતો માર્ગ છે. એઝવાલ બાજુના રાજ્ય મિઝોરમનું પાટનગર છે.
એઝવાલથી ચૂરચંદપુર સામાન અને પુરવઠો લાવવા-લઈ જવા માટે ટ્રક સહિતનાં ભારે વાહનોને બે દિવસનો સમય લાગે છે. એટલે સ્થાનિક બજારમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધી ગયા છે.
પૉલિસી કન્સલ્ટન્ટ સૌન ન્યૂલાક કહે છે, "અવરજવર કરવું અમારે માટે અત્યંત અઘરું બની ગયું છે. કેમ કે, અમે ઇમ્ફાલ થઈને નથી જઈ શકતા. અમારે પ્રાથમિક જીવાદોરી સમાન માર્ગ ગુમાવવો પડ્યો છે."
બીજી બાજુ તબીબોની ફરિયાદ છે કે, 114 રાહત કૅમ્પો, જેમાં 12 હજારથી વધુ કુકી લોકોને બચાવ કામગીરી બાદ રાખવામાં આવ્યા છે, ત્યાં પેરાસિટામોલ, ઍન્ટીબાયૉટિક્સ, કફ સિરપ સહિતની દવાઓની અછત છે. રાહતશિબિરમાં જીવલેણ રોગ અને એચઆઈવી સહિતના દર્દીઓ છે. શિબિરમાં ત્રણ રેફ્યૂજીનાં મોત થઈ ચૂક્યાં છે, જેમાં એક વ્યક્તિ જેની સર્જરી હિંસા શરૂ થઈ એ પહેલાં કરવામાં આવી હતી તે પણ સામેલ છે. અહીં નાયલોનની મચ્છરદાનીથી જગ્યાને સુરક્ષિત કરવાની કોશિશ થઈ રહી છે, જેથી અંદર રહેતા લોકોને મચ્છરથી રક્ષણ મળી શકે.
કૅમ્પમાં રહેતા 40 વર્ષીય ગેનમિનલિયાન એચઆઈવીગ્રસ્ત છે. તેમને ડાયાબિટિસ, ટીબી અને ન્યૂરૉલૉજિકલ સમસ્યા છે.
ભલે સ્થાનિક હૉસ્પિટલ એચઆઈવીની દવા પૂરી પાડે છે પણ અન્ય આવશ્યક દવાઓની અછત છે.
તેમના પત્ની ગ્રેસ કહે છે, "અમારું ઘર સળગાવી દેવાયું, મારા પતિ બીમાર છે અને અમને તેમના માટે પૂરતી દવાઓ નથી મળતી. અમારે છ વર્ષ નાની દીકરી છે. હવે જીવન આવું થઈ ગયું છે."

દવાઓની અછત

ઇમેજ સ્રોત, AFP
નગરમાં 61 વર્ષ જૂની 230 બૅડની હૉસ્પિટલ સામે પણ કર્મચારીની અછતના લીધે સંઘર્ષની પરિસ્થિતિ છે.
તેનો ત્રીજા ભાગનો સ્ટાફ મૈતેઈ હતો જે નોકરી છોડી જતો રહ્યો છે. હૉસ્પિટલે 20થી વધુ નર્સિંગ કુકી સ્વંયસેવકોની સેવા લીધી છે.
કૅન્સરના તબીબ, મગજના રોગોના તબીબ અને યુરૉલૉજિસ્ટ જેઓ ઇમ્ફાલથી સ્થાનિક દર્દીઓને જોવા સપ્તાહમાં આવતા હતા તેમની મુલાકાતો પણ બંધ થઈ ગઈ છે. આમ હૉસ્પિટલમાં સ્પેશ્યલિસ્ટ તબીબોની પણ અછત વર્તાય રહી છે.
તાજેતરમાં કુકી સમુદાયની વ્યક્તિને ગોળી વાગવાથી ઘાયલ થયેલી હાલતમાં દાખલ કરાઈ હતી તેને ઇમ્ફાલની જગ્યાએ આસામના ગૌહાટીમાં ઍર ઍમ્બ્લુયન્સ મારફતે લઈ જવી પડી હતી. જે 500 કિલોમિટર વધુ અંતર છે અને ઇમર્જન્સી સર્જરી માટે આવું કરાયું હતું. (જોકે વ્યક્તિનો જીવ બચી ગયો હતો.)
સામાન્ય સંજોગોમાં ઍમ્બ્યુલન્સ સપ્તાહમાં એક વાર ઇમ્ફાલ જઈને હૉસ્પિટલમાંથી દવાઓનો સ્ટૉક લઈ આવતી હોય છે. પણ મે મહિનાથી હૉસ્પિટલ માત્ર સરકાર જે ઇમ્ફાલથી આર્મી કાફલા દ્વારા દવાઓ મોકલે છે એના પર નિર્ભર રહેવું પડી રહ્યું છે. બાજુના મિઝોરમમાંથી ખાનગી જૂથના તબીબોએ બે વખત દવાઓનો સપ્લાય પૂરો પાડ્યો છે.
હૉસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. લોનલેઇ વેઇફેઇ કહે છે, "જો અહીં કુકી સમુદાયની વ્યક્તિ રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય અથવા તેને હાર્ટ ઍટેક આવે તો ભગવાન જ બચાવે. તેને ઇમર્જન્સી માટે ઇમ્ફાલ ન લઈ જઈ શકીએ."
બે સમુદાયો વચ્ચે હિંસાને કારણે વધેલા વિભાજનને લીધે મોત અને તણાવની પરિસ્થિતિ સર્જાઈ છે.
કુકી સમુદાયના એક 18 વર્ષીય તરુણ મઘુંલિયને ઇમ્ફાલમાં પ્રજ્ઞાચક્ષુ માટેની સ્કૂલમાંથી ભાગવું પડ્યું કેમ કે હિંસા ફાટી નીકળી હતી. છેલ્લાં પાંચ વર્ષથી એ તેમની સ્કૂલ હતી અને તેમને ત્યાં ડ્રમ વગાડવાની તાલીમ મળી રહી હતી.
તેમનો સમુદાય મૈતેઈના હુમલાનો શિકાર બન્યો હતો જેથી સ્કૂલના પ્રશાસને તેમને એક કારમાં બેસાડી તેના કોંગપોકપીના ઘરે પરત મોકલી દીધો. જે એક ટ્રાઇબલ પ્રભુત્વ ધરાવતો પર્વતીય વિસ્તારવાળો જિલ્લો છે.
જ્યારે તેના ગામમાં પણ હુમલો થયો, ત્યારે તે અને તેનો પરિવાર ફરી ભાગી ગયો. આ વખતે તેઓ બસમાં ભાગી ગયા અને 100 કિલોમિટર દૂર ચૂરચંદપુરમાં આવેલા કૅમ્પમાં આવી ગયા.
તે કહે છે, "મને ઇમ્ફાલ પરત જવું છે અને સ્કૂલમાં ડ્રમ વગાડતા શીખવું છે. મને નથી ખબર શું થઈ રહ્યું છે."

ચૂરચંદપુર હિંસાનું કેન્દ્ર

ઇમેજ સ્રોત, ANSHUL VERMA
ચૂરચંદપુર હિંસાનું કેન્દ્ર રહ્યું છે અને અહીં ત્રીજી મેના રોજ હિંસા ફાટી નીકળી હતી.
નગરમાં ટોળાંએ મૈતેઈનાં ઘરો અને દુકાનોને આગચંપી કરી દીધી જેથી આર્મીની સુરક્ષા હેઠળ બાજુના 13 પાડોશી વિસ્તારમાંથી નવ હજાર લોકોને બચાવીને બહાર સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા પડ્યા. પછી તેમને સુરક્ષા હેઠળ ઇમ્ફાલમાં લઈ જવાયા.
એ જ સમયે આર્મીએ અંદાજે ઇમ્ફાલથી લગભગ ચૂરચંદપુર માટે 15 હજાર લોકોને સ્થળાંતરિત કર્યાં. કેમ કે ત્યાં તેઓ મૈતેઈના હુમલાનો ટાર્ગેટ બની ગયા હતા. તેમાં કેટલાક હજાર લોકો સરકારી કામદારો ઉપરાંત બિઝનેસ કરનારા હતા. તેમાંથી ઇમ્ફાલથી આવીને કેટલાકે ઘર ભાડે રાખ્યા તો, કેટલાક સગાસંબંધીને ત્યાં રહ્યા અને કેટલાક કૅમ્પમાં રહેવા ગયા.
નામ ન જણાવવાની શરતે એક વરિષ્ઠ આર્મી અધિકારીએ કહ્યું, "ઇમ્ફાલથી જોઈએ તેટલો વહીવટીતંત્રનો સહકાર નથી મળી શક્યો. ત્યાં પણ સમસ્યા જ છે."
સ્થિતિ એટલી વણસેલી હતી કે, આર્મીએ પોલીસ સ્ટેશનમાંથી હથિયારો લઈ લીધાં અને વિસ્ફોટકો પણ લઈ લીધા જે રોડના કામદારો વાપરતા હોય છે, જેથી તે પ્રદર્શનકારીઓના હાથે ન લાગી જાય.
બે ડઝન કુકી જૂથના 900થી વધુ બળવાખોરો મણિપુરમાં 2009થી સરકાર સાથે 'ઑપરેશન સસ્પેન્ડ' કરવાના કરાર હેઠળ ચૂરચંદપુરમાં બનેલા સાત સુરક્ષા કૅમ્પમાં હતા.
પણ આક્ષેપો થયા છે કે આમાંથી ઘણા બળવાખોર હિંસા બાદ ભાગી ગયા છે અને ત્યાર પછી હિંસાની પ્રવૃત્તિમાં જોડાઈ ગયા છે. પણ સુરક્ષાદળો આ દાવાઓને નકારે છે.

ઇમેજ સ્રોત, ANSHUL VERMA
નગરથી માત્ર 20 મિનિટના અંતરે કાંગવાઈ ખાતે સુરક્ષા દળો પેટ્રોલિંગ કરે છે જે કુકી અને મૈતેઈ સમુદાયના ગામો વચ્ચેનો બફર ઝોન બની ગયું છે. આ ગામો ક્યાંક માત્ર 200 મિટરની રોડ સ્ટ્રિપથી અલગ પડી ગયાં છે, જ્યાંથી હિંસા સમયે મોટાભાગના લોકો ભાગી ગયા.
બંને જૂથના ખેડૂતો એકબીજાના વિસ્તારમાં ખેતી કરતા હતા પણ હવે તે દુશ્મનના વિસ્તાર બની ગયા છે. અહીં શાંતિ જાળવી રાખવા માટે 500 સુરક્ષાજવાનો ખડકી દેવામાં આવ્યા છે.
ચૂરચંદપુરમાં સ્થિતિ થોડી સામાન્ય થઈ છે. પણ મુખ્ય બજાર સપ્તાહમાં ત્રણ જ વાર ખુલે છે. લોકો પ્લાસ્ટિકની બોટલોમાં પેટ્રોલ વેચે છે. તેના કાળા બજાર થાય છે. મહિલાઓ શાકભાજી વેચે છે. ચાદર, પગરખાં, સ્ટેશનરી અને રમકડાં વેચતી દુકાનો ખુલે છે અને એટીએમ બહાર નાનકડી લાઈનો જોવા મળે છે.
ખેડૂતો પણ ખેતરમાં પરત ફરવા લાગ્યા છે, જેમાં ચોખા, આદુ, કોબીજ, ફુલેવર, કદ્દુ અને અન્ય પાક ઉગે છે.
તમે જોતાં તો બધું જ સામાન્ય લાગે છે પણ એ ત્યાં સુધી કે જ્યાં સુધી તમને એ સમજાય નહીં કે ખરેખર એવું નથી.
નગરમાં અંદર મૈતેઈ સમુદાયનાં ઘણાં મકાનો અને રહેઠાણોને સળગાવી દેવાયાં છે. દુકાનો અને રહેણાક ઇમારતો પર લાગેલા ચૂરચંદપુરના સાઇનબોર્ડ પણ કાળાં કરી દેવાયાં છે.
એના પર ‘લામકા’ લખી દેવાયું છે જેનો અર્થ થાય છે કે કુકી સમુદાય આ વિસ્તારની અસલી ઓળખ સ્થાપિત કરે છે.
કુકી સમુદાયનાં બાળકો રમકડાંની બંદૂકોથી રમે છે. એક સ્થાનિક કહે છે, "તેઓ મિત્રો સાથે રમતા પણ હવેે એ બધું બદલાઈ ગયું છે. આવું પહેલાં ક્યારેય નહોતું જોયું."
સ્કૂલો બંધ હોવાથી ઘણા વિદ્યાર્થીઓ ગામની રક્ષા માટે સ્વંયસેવકોના જૂથમાં જોડાયા છે. મોટાભાગનાં ગામડાઓને સિંગલ બૅરલ બંદૂક શિકાર માટે રાખવા અને વાપરાનું લાયસન્સ મળેલું છે.
એક આર્મી ઑફિસર કહે છે, "અહીં શાંતિ એકદમ નાજુક સ્થિતિમાં છે. ગમે ત્યારે એ બદલાઈ શકે છે. અહીં સમુદાયો એકદમ અલગથલગ પડી ગયા છે."

'અધિકારીઓ પણ ભાગી ગયા'

ઇમેજ સ્રોત, ANSHUL VERMA
નૌલાક પણ આ સ્થિતિનો શિકાર બન્યા છે. તેઓ મુખ્ય મંત્રી બિરેન સિંઘની સરકારના સત્તારૂઢ પક્ષ એવા ભારતીય જનતા પક્ષ (ભાજપ) માટે ખાનગી કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હતા.
રાજ્યની સ્કૂલોના આધુનિકરણના કાર્યક્રમમાં તેઓ કામ કરી રહ્યા હતા.
તેઓ કહે છે કે, "ઇમ્ફાલમાં તેમના છ મિત્રો સાથે તેઓ એક બે માળના ભાડાના મકાનમાં બેઠા હતા ત્યારે મૈતેઈ સમુદાયનું ટોળું આવ્યું અને હુમલો કરી કાર સળગાવી દીધી."
બચાવ માટે તેઓ મિત્ર સાથે બાજુમાં કુકી સમુદાયની વ્યક્તિ જે પોલીસ અધિકારી હતી તેના વાડામાંથી તારની વાડ કૂદીને ભાગી ગયા. આખરે આર્મી ટ્રક તેમને હવાઈમથક લઈ ગયું અને તેઓ ત્યાંથી દિલ્હી આવ્યા.
ઇમ્ફાલમાં સ્થાનિક પ્રશાસન તથા પોલીસમાં જે ટોચના અધિકારીઓ છે તેમાં ત્રીજા ભાગના લોકો કુકી સમુદાયના છે. હિંસા પછી તેઓ ભાગી ગયા. આ વાત નામ ન જણાવવાની શરતે એક ટોચના અધિકારીએ જણાવી હતી.
નૌલાક જેઓ ચૂરચંદપૂર પરત આવવા વિશે કહ્યું કે, હવે તેઓ તેમના ઘરે અને નોકરી પર પરત જવાનું વિચારી શકતા નથી.
તેઓ કહે છે, “હવે લાગે છે કે કુકી અને મૈતેઈ એકબીજાને ઓળખતા જ નથી. અમે એકમદ અલગ થઈ ગયા છે.”
(ભારતના ઉત્તરપૂર્વના રાજ્ય મણિપુરમાં કુકી અને મૈતેઈ સમુદાયના વિસ્તારો જે હિંસાગ્રસ્ત બન્યા ત્યાંથી ગ્રાઉન્ડ રિપોર્ટની બે ભાગની સિરીઝનો આ પ્રથમ ભાગ છે.)














