ટમેટાંની તસ્કરી : નેપાળમાં 24 રૂપિયે કિલો ટમેટાં ભારતમાં 200 રૂપિયાનાં, સ્મગલિંગનું નેટવર્ક કેવી રીતે કામ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં ટમેટાંની આકાશે આંબતી કિંમત વચ્ચે ઉત્તર પ્રદેશ પાસેની ભારત-નેપાળ બૉર્ડરે તેની તસ્કરીમાં વધારો નોંધાયો છે.
ભારતમાં ગ્રામીણ ક્ષેત્રોમાં ટમેટાંની કિંમતો 150 રૂપિયા અને શહેરી ક્ષેત્રોમાં 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. હાલમાં જ કસ્ટમ ડ્યૂટી વિભાગે ટમેટાંથી ભરેલી બે પિકઅપ ટ્રક જપ્ત કરી જેમાં લગભગ 3,060 કિલોગ્રામ ટમેટાં હતાં.
બીબીસી માટે નેપાળથી બિમલા ચૌધરીએ જણાવ્યું કે ત્યાંના શાકભાજીના વેપારીઓનું કહેવું છે કે નેપાળમાંથી ભારે પ્રમાણમાં ટમેટાં ભારત મોકલાઈ રહ્યાં છે. વેપારીઓ પ્રમાણે નેપાલગંજની સબજીમંડીમાં ટમેટાંની કિંમત હાલ 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે, જ્યારે ભારતમાં તે 200 રૂપિયા પ્રતિ કિલોગ્રામની કિંમતે વેચાઈ રહ્યાં છે.
એક વેપારી મોહમ્મદ સલીમ રાયે કહ્યું કે સલ્યાનના કપૂરકોટની ટ્રકોમાં લદાતાં ટમેટાં પૈકી 60 ટકા નેપાલગંજ જાય છે અ 40 ટકા ભારતમાં નિકાસ કરાય છે. તેમણે કહ્યું કે લગભગ એક મહિલાથી નેપાળનાં ટમેટાં ભારત મોકલાઈ રહ્યાં છે.
નેપાલગંજના રાની તલાઉ ખાતેની સબજીમંડી પ્રબંધન સમિતિના અધ્યક્ષ મોતીસરા થાપાએ જણાવ્યું કે નેપાલગંજથી દરરોજ 15થી 20 ટન ટમેટાં ભારત મોકલાતાં હતાં પરંતુ હવે નેપાલગંજ કસ્ટમ ડ્યૂટી કાર્યાલય તરફથી ટમેટાં મોકલવાનું મુશ્કેલ બનાવી દેવાયું છે.

મહારાજગંજ અને ગોરખપુર બન્યાં રસ્તા

ઇમેજ સ્રોત, Bimala
ઉત્તર પ્રદેશના મહારાજગંજના સ્થાનિક પત્રકાર આશીષ સોની અનુસાર, ભારત-નેપાળ સરહદે જૂન માસથી જ ટમેટાંની તસ્કરી ચાલી રહી છે.
આશીષ સોની અનુસાર, સરહદે ટમેટાંની તસ્કરી કરતા એક યુવાને જણાવ્યું કે ‘નેપાળમાં ટમેટાંના ભાવ પ્રતિ કિલોએ 40થી 60 નેપાળી રૂપિયા સુધીનો છે, જે ભારતના 24-38 રૂપિયા બરોબર મૂલ્ય થયું.’
એ યુવકે જણાવ્યું કે, “આ ટમેટાં નેપાળના રૂપનદેહી, કપૂર કોટ અને લુમ્બિનીની અરગાખાચીની મંડીઓમાંથી ખરીદીને ભારત મોકલાય છે. ભારતમાં મહારાજગંજ અને ગોરખપુરની મંડીઓમાં તે 70-80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી નખાય છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ શું નેપાળના રસ્તે ચીનનાં ટમેટાં પણ ભારત પહોંચી રહ્યાં છે? આ પ્રશ્ન અંગે નેપાળની મંડીના વેપારી તેમજ બૉર્ડરની આરપાર કામ કરી રહેલા લોકોએ જણાવ્યું કે, “ભારત પહોંચતાં ટમેટાં નેપાળની બુટવલ મંડી અને ખેતરોમાંથી થઈને જઈ રહ્યાં છે.”
ઘણા સ્થાનિક પત્રકારોએ જણાવ્યું કે નેપાળમાં ટમેટાંની ભારે પ્રમાણમાં ખેતી થાય છે. અને હાલ બંને દેશો વચ્ચે ટમેટાંની તસ્કરીનું કારણ ભારતની બજારોમાં ટમેટાંના ભાવમાં આવેલી તેજી છે. તેમણે એવું પણ કહ્યું કે હાલ માત્ર ટમેટાં જ નહીં પરંતુ કોબીજ અને કાકડીની પણ તસ્કરી કરાઈ રહી છે.

સોનૌલી ચેકપોસ્ટથી તસ્કરી?

ઇમેજ સ્રોત, ASHIS SONI
ઉત્તર પ્રદેશનો મહારાજગંજ જિલ્લો નેપાળની બૉર્ડરે આવેલો છે. અહીં ભારત અને નેપાળની સીમા લગભગ 84 કિલોમીટર ખૂલી છે. મહારાજગંજ નેપાળની દક્ષિણ દિશાએ અને યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના ક્ષેત્ર ગોરખપુરથી ઉત્તર દિશાએ સ્થિત છે.
અહીં બંને દેશો વચ્ચે મુખ્યત્વે બે બૉર્ડર ચેકપોસ્ટ છે, જેમાં સૌથી વધુ ચર્ચિત સોનૌલી બૉર્ડર છે અને બીજી ઠૂઠીબારી.
બૉર્ડરે સશસ્ત્ર સીમા બળના જવાનોનાં કૅમ્પ, યુપી પોલીસનું સ્ટેશન તેમજ ચોકીઓ સુરક્ષાવ્યવસ્થા અને આયાત-નિકાસ પર નજર રાખે છે.
એવો દાવો કરાય છે કે ખુલ્લી બૉર્ડરને કારણે અહીં તસ્કરીની પ્રવૃત્તિ સામાન્ય બાબત છે. તસ્કરો બંને દેશોની બજારો પર નજર રાખે છે અને જે સામાનને લઈને બંને દેશોમાં પ્રવર્તી રહેલી કિંમતોમાં ફરક હોય તેની તસ્કરી શરૂ થઈ જાય છે.
સીમાડે રહેલાં ગામોમાં રહેતા વેપારી, બેરોજગારો અને ગ્રામીઓ સામાન્યપણે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સામેલ હોય છે. એવો પણ દાવો કરાય છે કે સ્થાનિક લોકોને બૉર્ડરની દરેક પગદંડીની જાણકારી હોય છે અને તેઓ ખૂબ સરળતાથી સામાન લાવવામાં સફળ રહે છે.

કૅનેડિયન વટાણા, ચાઇનીઝ સફરજન, ખાંડ, યુરિયાની તસ્કરી

ઇમેજ સ્રોત, BIMALA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એક વર્ષ પહેલાં કૅનેડાના વટાણા ચર્ચામાં હતા કારણ કે તેની પણ ભારે પ્રમાણમાં તસ્કરી થઈ રહી હતી. પોલીસનો દાવો છે કે આ તેમાં મોટા ભાગે બૉર્ડરની આસપાસ રહેતા યુવાનો સામેલ હતા. કૅનેડિયન વટાણાની ખેપ કૅનેડાથી પહેલાં નેપાળ અને પછી ભારત લવાતી.
સવારે અને અંધારામાં બૉર્ડરે ગાડીઓ તૈયાર રહેતી અને જ્યારે તેમને તક મળતી તેઓ બૉર્ડર પાર કરીને તેને બાજરનાં ગોડાઉનોમાં જમા કરી દેતા. આ વટાણા નેપાળમાંથી લાવીને સમગ્ર દેશમાં વેચવામાં આવતા. બૉર્ડરે ઘણી વખત અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા કડકાઈભર્યાં પગલાં લેવામાં આવતાં પરંતુ તસ્કરો સ્થાનિકોનો ઉપયોગ કરતા. તેઓ નેપાળના બાગબગીચામાં વટાણાને સંતાડીને મૂકી દેતા અને તક મળતાં જ સાઇકલ અને બાઇક વડે કોથળામાં ભરીને વટાણાને સીમા પાર લાવી દેતા.
હાલમાં જ આ બૉર્ડરે ચાઇનીઝ સફરજનોની તસ્કરી પણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ હોવાના સમાચાર મળ્યા હતા. જોકે, આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સફરજન ચીનનાં હતાં કે નહીં એ અંગે સ્પષ્ટતા નથી.
નેપાળમાંથી આવતાં સફરજનની કિંમત પ્રતિ કિલોગ્રામે 60થી 70 રૂપિયા હતી અને ભારતની મંડીઓમાં તેનું 100થી 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ કરાતું. આવી જ રીતે અવારનવાર ખાંડ અને યુરિયાની તસ્કરીમાં પણ ઉછાળો આવતો રહે છે. આના માટે લખીમપુર ખીરી સાથે જોડાયેલો ભારત અને નેપાળની બૉર્ડર વિસ્તાર પણ ચર્ચામાં રહ્યા છે.

કસ્ટમ કાર્યાલયનું શું કહેવું છે?
નેપાળગંજ કસ્ટમ કાર્યલયના માહિતી અધિકારી દિલ્લુપ્રસાદ શર્માએ જણાવ્યું કે નેપાળથી ભારત ટમેટાં મોકલાયાં હોવાની કોઈ જાણકારી નથી મળી.
તેમણે કહ્યું, “અમારી પાસે ભારતથી આવતી શાકભાજીઓની માહિતી છે પરંતુ નેપાળથી આવતી શાકભાજીઓનો અમારી પાસે કોઈ રેકૉર્ડ નથી.”
થાપા પ્રમાણે, “નેપાળમાં વધુ પ્રમાણમાં પેદા થયેલી શાકભાજીને કસ્ટમ ડ્યૂટી વડે મોકલવાની પરવાનગી નથી અને નેપાળી ખેડૂતો મુશ્કેલીમાં છે.”
થાપાએ એવું પણ કહ્યું, “નિકાસ પર અંકુશને કારણે ટમેટાં સસ્તાં થઈ રહ્યાં છે.”

ભારત-નેપાળ સીમાએ આયાત-નિકાસના નિયમ

ઇમેજ સ્રોત, ANI
કસ્ટમ વિભાગનાં કમિશનર આરતી સક્સેનાનું કહેવું છે કે ભારત-નેપાળ સીમાએ આયાત-નિકાસનાં નિર્ધારિત પૉઇન્ટ બનેલાં છે, જ્યાંથી કોઈ પણ આયાતકાર એસએસઆઇ સર્ટિફિકેટ વગર આયાત નથી કરી શકતું.
આ નિર્ધારિત પૉઇન્ટોને લૅન્ડ કસ્ટમ સ્ટેશન કહેવાય છે. પરંતુ ભારત-નેપાળ બૉર્ડર ખૂબ મોટી છે અને બંને દેશોના લોકો સંખ્યામાં એકબીજાના દેશમાં અવરજવર કરે છે.
લખનૌનાં કસ્ટમ યુનિટ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ રાજ્યોની ભારત-નેપાળની બૉર્ડરે નજર રાખે છે. પરંતુ કસ્ટમ વિભાગના અધિકારીઓની હાજરી કેટલાંક નિર્ધારિત સ્થળોએ જ છે અને તેઓ સશસ્ત્ર સીમા બળની માફક સમગ્ર બૉર્ડર પર હાજર નથી.














