ગુજરાત: એ ખેડૂતો જેમણે સોલાર પિયતની સુવિધાથી શહેરમાં મજૂરીએ જવાનું બંધ કર્યું

ઇમેજ સ્રોત, Sanjay Dave
- લેેખક, સંજય દવે
- પદ, બીબીસી ગુજરાતી માટે
સુરત જિલ્લાના માંડવી તાલુકાના જામકૂઈ ગામના 36 વર્ષના ખેડૂત ગુરજીભાઈ વસાવા આજથી એક વર્ષ પહેલાં સુધી તેમની એક એકર ખેતીની જમીનમાં ચોમાસામાં માત્ર ડાંગરનો પાક લઈ શકતા.
ખેતીમાં પિયતની કોઈ સુવિધા ન હોવાથી તેઓ શિયાળુ પાક લઈ શકતા નહોતા. પરિણામે, તેમને શિયાળા અને ઉનાળામાં આજીવિકા માટે સુરત, અંકલેશ્વર જેવાં શહેરોમાં છૂટક મજૂરી માટે સ્થળાંતર કરવાની ફરજ પડતી.
તેમના ગામમાં ખેતીની ટૂંકી જમીન ધરાવતા 80 ટકા લોકોને રોજી રળવા માટે આ રીતે મજબૂરીવશ સ્થળાંતર કરવું પડતું. પરંતુ, છેલ્લા એક વર્ષથી આ સ્થિતિ બદલાઈ છે.
હવે ગુરજીભાઈ અને બીજા અનેક ખેડૂતોને રોજી રળવા સ્થળાંતર કરવું પડતું નથી. તેની પાછળનું એકમાત્ર કારણ છે સૂર્યઊર્જા (સોલાર)થી જૂથકૂવા મારફતે ઊભી થયેલી પિયત સુવિધા.
ગામના કુલ 111 ખેડૂતો પૈકી 89 કુટુંબો જૂથકૂવામાંથી સોલાર સિસ્ટમથી પિયતનું પાણી મેળવીને શિયાળુ પાક તથા વેલાવાળા શાકભાજી ઉગાડીને આવકમાં વધારો કરી શક્યાં છે. ઉનાળામાં પણ પશુઓ માટે ઘાસચારો ઉગાડીને તેમણે તે બહારથી ખરીદવાનો ખર્ચ બચાવ્યો છે.

માટીના ખેતપાળાથી જમીનનું ધોવાણ અટકાવ્યું

ઇમેજ સ્રોત, Sanjay Dave
જામકૂઈ ગામ ફોરેસ્ટ સેટલમૅન્ટનું ગામ છે. ગામની ખેતીની જમીન ઊબડખાબડ અને ઢોળાવવાળી હતી. ગુરજીભાઈ અને ગામના અન્ય ખેડૂતો મહેનત માટે તૈયાર હતાં પરંતુ યોગ્ય માર્ગદર્શન અને સુવિધાઓ માટેના આર્થિક સ્રોતનો અભાવ, તેમનેે ચોમાસાની ખેતી બાદ ગામની બહાર સ્થળાંતર કરવા મજબૂર કરતો હતો.
જોકે, વર્ષ 2008માં ‘એકેઆરએસપીઆઈ’એ પશુપાલન કાર્યક્રમથી ગામલોકોને મદદરૂપ થવાની શરૂઆત કરી.
તે પછી સંસ્થાના માર્ગદર્શનથી ગ્રામજનોએ પોતાની જમીન સમતળ (લેન્ડ લેવલિંગ) કરી અને વર્ષ 2014-15માં માટીના ખેતપાળા બનાવી ખેતીની જમીનનું ધોવાણ થતું અટકાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરિણામે, જમીનમાં ભેજ સંગ્રહ થવા લાગ્યો અને ખેતપાળાના કારણે વરસાદી પાણી રિચાર્જ કરવું શક્ય બન્યું.
જામકૂઈમાં જુદાં જુદાં નવ સ્થળે જૂથકૂવા બનાવીને સોલાર સિંચાઈ વ્યવસ્થા ઉપલબ્ધ કરી હતી.
ગુરજીભાઈ અને ગામના બીજા 89 ખેડૂતોને 92.84 એકર જમીનમાં સંસ્થાની મદદથી જૂથકૂવા અને સોલાર સિસ્ટમ કરીને જાન્યુઆરી 2021થી પોતાના ખેતરમાં સિંચાઈ કરવાની તક મળી.
સુરત જિલ્લામાં માંડવી, ઉમરપાડા અને બારડોલી તાલુકામાં મળીને આવાં કુલ 41 જૂથકૂવાના માધ્યમથી 372 ખેડૂતો અને 387.37 એકર જમીનને સિંચાઈ સુવિધા હેઠળ આવરી લેવામાં આવી છે.
સિંચાઈની સુવિધાથી સંતોષ અને આનંદ અનુભવતા ગુરજીભાઈ કહે છે, “જૂથકૂવામાંથી અમે 10 ખેડૂતો આયોજનપૂર્વક વારાફરતી પિયત મેળવીએ છીએ. પિયતની સુવિધા થવાથી હવે શિયાળુ પાક લેવો શક્ય બન્યો છે. તેથી અમારે શિયાળામાં રોજી મેળવવા માટે ગામની બહાર જવું પડતું નથી. વળી, શાકભાજીના ધરૂ તૈયાર કરીને તેના વેચાણમાંથી પણ મને ઘણી આવક થાય છે.”

રક્ષિત વનક્ષેત્રમાં જામકૂઈના 89 ખેડૂતોની 92 એકર જમીન હરીભરી થઈ
જામકૂઈ અને આસપાસનાં કેટલાંક ગામો રક્ષિત વનક્ષેત્રમાં આવે છે. આ ગામો વર્ષોવર્ષથી જંગલમાં વસેલાં છે. સરકારી કાયદા મુજબ જંગલ વિસ્તારમાં ઘણી પ્રવૃત્તિઓ થઈ શકતી નથી.
જોકે, સુરતના વન વિભાગના અધિકારીઓ તથા જિલ્લા ક્લેક્ટરની મંજૂરીથી સ્થાનિક ખેડૂતોની આજીવિકા વધારવાનો આ કાર્યક્રમ સંભવ બન્યો. એ રીતે રાજ્ય સરકાર પણ આ આખાય પ્રયાસમાં સહયોગી બની છે.
જામકૂઈ ગામના 89 ખેડૂતોએ, જૂથકૂવામાંથી સોલાર સિસ્ટમથી પિયતનું પાણી મેળવીને તેમની ખેતીની 92 એકર જમીનને હરીભરી બનાવી છે.
હાલ તાપી જિલ્લાના નાયબ વન સંરક્ષક અને સુરતના પૂર્વ નાયબ વન સંરક્ષક (ડીએફઓ) પુનિત નૈયર કહે છે, “આ અમારાં ફૉરેસ્ટ સેટલમૅન્ટનાં ગામો છે અને ત્યાંના ખેડૂતો પાસે ખૂબ ઓછી જમીન છે. તેમની ખેતી વરસાદ પર નિર્ભર છે એટલે તેઓ માત્ર એક જ સીઝનમાં પાક લઈ શકતા હતા. તેથી અમે શેલ કંપનીને આ અંગે વાત કરી તેમ જ તેમની આવક વધારવા માટે અમે સોલાર આધારિત જૂથકૂવાની યોજના સાથે મળીને બનાવી. આ યોજનાનો હેતુ સાર્થક થતો જોઈને અમને ખૂબ આનંદ અને સંતોષની લાગણી થાય છે. ”

આવક વધારવા ધાન્યપાકના બદલે શાકભાજી ઉગાડવાનો નિર્ણય

ઇમેજ સ્રોત, Sanjay Dave
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુરજીભાઈએ તેમના એક એકરના ખેતરમાં ડાંગરની સાથેસાથે શિયાળુ પાક તથા શાકભાજી કરીને આવકનો નવો સ્રોત ઊભો કર્યો છે.
તેમણે વર્ષ 2021માં એક એકરમાં 15 મણ ઘઉંનો પાક મેળવી તેના વેચાણમાંથી શિયાળુ પાકની 4500 રૂપિયાની આવક પહેલીવાર મેળવી હતી. એ વાત કરતી વખતે આજે પણ તેમના ચહેરા ઉપર આનંદ જોવા મળે છે.
ગુરજીભાઈની પરંપરાગત ડાંગરની ખેતીમાં એક ગુંઠામાં માત્ર 38 કિલો ડાંગર થતી. તેમાં પરિવર્તન કરીને તેમણે એસઆરઆઈ (સિસ્ટમ ઑફ રાઇસ ઇન્ટેન્સિફિકેશન) પદ્ધતિથી ડાંગરનો 50 કિલો પાક મેળવ્યો.
તે પછી તેમણે જોયું કે, ધાન્ય પાકમાં ઘણી મહેનત પછી પણ ખૂબ ઓછી આવક થાય છે. તેથી ખેતીની આવક વધારવા માટે તેમણે ધાન્ય પાકને બદલે શિયાળામાં વેલાવાળા શાકભાજી કરવાનું નક્કી કર્યું.
તે બાબતે ‘એકેઆરએસપીઆઈ-નેત્રંગ’ના એરિયા મેનેજર રાજેન્દ્રભાઈ પટેલ કહે છે કે, ‘’સંસ્થાએ તેમને વેલાવાળા શાકભાજી માટે મંડપ ઊભા કરવા લાકડાના થાંભલા, વાયર વગેરેની મદદ પૂરી પાડી. તે પછી ગુરજીભાઈએ જાતે જ મંડપ બાંધવાની મજૂરી કરીને પાંચ ગુંઠા જમીનમાં કારેલાં, દૂધી, તુરીયાં, ગલકાં જેવાં વેલાવાળાં શાકભાજી; મંડપની નીચેની જમીનમાં પાપડી તેમ જ નીચા છોડનાં ધરૂ રોપીને રીંગણ, ટામેટાં, મરચાં વગેરે ઉગાડીને નોંધપાત્ર આવક મેળવી છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “સોલાર સિસ્ટમ અને જૂથકૂવા યોજનાથી આ શક્ય બન્યું છે, આજથી બે વર્ષ પહેલાં શિયાળામાં પિયતના અભાવે કશું જ પાકતું નહોતું.”
હવે સોલાર આધારિત જૂથ સિંચાઈ યોજનાથી ખેડૂતો કપાસ, મગફળી જેવા રોકડિયા પાકોની ખેતી કરી ડબલ ઇન્કમ મેળવી રહ્યા છે.
આજીવિકા રળવા મજૂરી માટે ગામમાંથી શહેર તરફ થતું સ્થળાંતર સોલાર સિંચાઈને લીધે અટક્યું હોવાની વાત કરતા જામકૂઈ ગામના આગેવાન વિજયભાઈ વસાવા કહે છે, “અમારા ગામના મોટાભાગના લોકો નદીમાંથી રેતી કાઢવાની મજૂરીએ જતા. વળી, જે ખેડૂતો ખેતી કરતા તે, વરસાદ આધારિત જ ખેતી કરી શકતા. સોલાર પંપથી ખેતીમાં પાણી આપવાની સુવિધા થવાથી હવે અમે બહાર મજૂરીએ જતા નથી. પિયતની સુવિધાથી ખેતીમાં ઘાસચારો પણ ઉગાડતા થયા એટલે અમે ખેતીની સાથેસાથે પશુપાલન પણ કરતા થયા છીએ.”

પ્રાકૃતિક ખેતીથી ખર્ચ ઘટાડ્યો, ગિરવી મૂકેલી જમીન છોડાવી

ઇમેજ સ્રોત, Sanjay Dave
ગુરજીભાઈએ તેમના તમામ પાકમાં માત્રને માત્ર કુદરતી ખાતર અને ખાટી છાશ જેવાં કુદરતી તત્ત્વોનો ઉપયોગ કર્યો છે તે ખૂબ નોંધપાત્ર વાત છે. તેનો તેમને માત્ર 500 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. જ્યારે રાસાયણિક ખેતીમાં તેમને યુરિયા, ડીએપી તથા જંતુનાશક દવાઓનો વર્ષે 15,000 રૂપિયા જેટલો ખર્ચ થતો.
આમ, પ્રાકૃતિક ખેતી કરીને ગુરજીભાઈએ ખેતીનો ખર્ચ ઘટાડ્યો છે. ખેતી ખર્ચ ઘટવાથી અને શિયાળુ પાકની આવક ઊભી થવાથી ગુરજીભાઈ અને તેમના પરિવારનું જીવનધોરણ ઊંચું આવ્યું છે.
જીવનમાં આવેલા હકારાત્મક પરિવર્તન વિશે વાત કરતા ગુરજીભાઈ કહે છે કે, “ખેતીની આવક વધવાથી માંડવી તાલુકાના કોલખડી ગામમાં આવેલી મારી વારસાઈની બે એકર ગિરવી જમીન હું છોડાવી શક્યો. તેમાં મેં વર્ષ 2022માં શેરડીનો પાક લીધો છે. તેમાંથી 6 ગુંઠા જમીનમાં મેં ચારો ઉગાડીને ત્યાં પણ વધારાની આવક મેળવી છે તેની મને ખુશી છે.”
છેલ્લા એક વર્ષમાં 200થી વધુ લોકોએ ગુરજીભાઈની પ્રાકૃતિક ખેતી તથા સોલાર સિસ્ટમની પિયત ખેતી જોવા માટે મુલાકાત લીધી છે. વળી, ગામના 25 ખેડૂતો હવે ગુરજીભાઈની જેમ એસઆરઆઈ પદ્ધતિથી ડાંગરની સફળ ખેતી કરવા પ્રતિબદ્ધ બન્યા છે.
ગુરજીભાઈનાં પત્ની શીલાબહેન કહે છે કે, “અમારે હવે બહારથી શાકભાજી ખરીદવી પડતી નથી તથા અમને અમારા ખેતરની કેમિકલ વગરની શાકભાજી ખાવા મળે છે. વળી, શાકભાજીના ધરૂ તૈયાર કરીને વેચવાથી અમને વધારાની આવક પણ ઊભી થઈ છે તેનાથી અમે બહુ રાજી છીએ.”
પિયતની સુવિધા મળે તો પ્રાકૃતિક ખેતીના સહારે પણ મબલખ આવક રળી શકાય છે એ ગુરજીભાઈએ પુરવાર કરી બતાવ્યું છે.
સુરત જિલ્લાના ‘કૃષિ વિજ્ઞાન કેન્દ્ર’ (કેવીકે) ના વડા અને વરિષ્ઠ કૃષિ-વિજ્ઞાની જનકસિંહ એચ.રાઠોડ કહે છે, “ખેડૂતોનું 'કૉસ્ટ ઑફ કલ્ટિવેશન' (ઉત્પાદન ખર્ચ) ઘટે તે માટે સોલાર ખૂબ ઉપયોગી નીવડે છે. ખાસ કરીને, રાતે લાઇટ હોય ત્યારે ખેતરમાં પાણી વાળવા જવું પડે, તે હાડમારી સોલારના કારણે નાબૂદ થઈ ગઈ છે. હવે ખેડૂતો પાકની જરૂરિયાત હોય ત્યારે અને પોતાના અનુકૂળ સમયે પાકને પાણી આપી શકે. એનર્જી સેવિંગની દૃષ્ટિએ પણ સોલાર પંપની સિસ્ટમ, ખેડૂતો માટે આશીર્વાદરૂપ નીવડી રહી છે.”














