શેખ હસીનાની સરકારના પતન બાદ બાંગ્લાદેશ અને પાકિસ્તાન નજીક આવી રહ્યા છે?

બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભારત, આંતરરાષ્ટ્રીય સંબંધો, વેપાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ યુનૂસ
    • લેેખક, આર્ચી અતેન્દ્રિલા
    • પદ, બીબીસી ન્યૂઝ, બાંગ્લાદેશ

વર્ષ 1971ના ઇતિહાસને સામે રાખીને જોવામાં આવે તો બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો સંબંધ હંમેશાંથી એક સંવેદનશીલ વિષય રહ્યો છે.

શેખ હસીના વાજિદની પાર્ટી અવામી લીગના સમયગાળામાં બંને દેશોનો સંબંધો, ખાસ કરીને યુદ્ધ અને અપરાધના મામલામાં ખૂબ બગડ્યા.

પરંતુ શેખ હસીનાની સરકારના પતન પછી થનારા અનેક બદલાવોની જેમ જ બંને દેશોના સંબંધોમાં આવી રહેલા બદલાવોની પણ ચર્ચા થઈ રહી છે.

હાલમાં જ બાંગ્લાદેશમાં એક સંગઠને 11 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનના સંસ્થાપક મહમદઅલી ઝીણાની જયંતી પણ ઊજવી હતી.

તો શું પાકિસ્તાન વિશે બાંગ્લાદેશની કૂટનીતિમાં પણ શું કોઈ બદલાવ આવશે? પાકિસ્તાનને બાંગ્લાદેશમાં કેટલો રસ છે અને પાકિસ્તાન સાથે સારા સંબંધો રાખવાથી બાંગ્લાદેશને શું ફાયદો થઈ શકે છે?

શાહબાઝ શરીફે આપી શુભેચ્છા

બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભારત, આંતરરાષ્ટ્રીય સંબંધો, વેપાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, RAHAT DAR/EPA-EFE/REX/SHUTTERSTOCK

ઇમેજ કૅપ્શન, શાહબાઝ શરીફ

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે બાંગ્લાદેશના 'કાર્યવાહક વડા પ્રધાન' પ્રોફેસર મોહમ્મદ યુનૂસ સાથેની તેમની વાતચીતમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ સુધારવામાં રસ દર્શાવ્યો હતો.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝોહરા બલોચે બીબીસી બાંગ્લાને જણાવ્યું હતું કે પાકિસ્તાને હંમેશાં બાંગ્લાદેશ વિશે સકારાત્મક વલણને પ્રાથમિકતા આપી છે.

તેમણે કહ્યું હતું કે, "ક્યારેક સમસ્યા આવી છે, પરંતુ જ્યારે એ સમસ્યા હલ કરવાની અને સંબંધો સુધારવાની ઇચ્છા હોય છે, ત્યારે આપણે પરસ્પર હિતમાં આગળ વધવા માટેનાં તમામ લક્ષ્યોને પ્રાપ્ત કરી શકીએ છીએ."

પ્રખ્યાત બાંગ્લાદેશી લેખક ફહમ અબ્દુલ સલામનું માનવું છે કે, “છેલ્લાં 15 વર્ષમાં બાંગ્લાદેશ સરકારે પાકિસ્તાનના સંબંધોને ભારતની નજરથી જોયા છે અને બંને દેશોના સંબંધો 1971ના ઇતિહાસની આસપાસ જ ફરતા રહ્યા છે.”

બાંગ્લાદેશની પાકિસ્તાન પાસેથી ‘માફી’ની માગ

બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભારત, આંતરરાષ્ટ્રીય સંબંધો, વેપાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1971ના ‘નરસંહાર માટે માફી’ એ બાંગ્લાદેશમાં હંમેશાં મહત્ત્વનો વિષય રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને આ અંગે ઘણી વખત વાત કરી છે, પરંતુ હજુ સુધી સરકારી સ્તરે આવું કંઈ થયું નથી.

આ અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝોહરા બલોચનું માનવું છે કે 1971નો દર્દનાક ઇતિહાસ એ બંને દેશોમાં મોજૂદ છે પરંતુ બંને દેશોના નેતાઓએ એ સમસ્યાનો ઉકેલ લાવી દીધો હતો અને 1974માં આ અંગે સમજૂતી પણ થઈ હતી.

1971ના યુદ્ધ બાદ પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ યાહ્યા ખાનને રાષ્ટ્રપતિપદ પરથી હઠી જવું પડ્યું હતું, પરંતુ ઝુલ્ફિકાર અલી ભુટ્ટો સત્તામાં આવ્યા છતાં બંને દેશો વચ્ચેની કડવાશનો અંત આવી શક્યો નહોતો.

આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસો બાદ 1974માં પાકિસ્તાન અને બાંગ્લાદેશના નેતાઓએ એકબીજાના દેશની મુલાકાત લીધી હતી.

23 ફેબ્રુઆરી, 1974ના રોજ તત્કાલીન વડા પ્રધાન ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ લાહોરમાં શેખ મુજીબુર રહેમાનનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પાકિસ્તાનમાં બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત પણ વગાડવામાં આવ્યું હતું. તેના એક દિવસ પહેલા પાકિસ્તાને બાંગ્લાદેશને ઔપચારિક રીતે માન્યતા આપી હતી.

પછી એ જ વર્ષે જૂનમાં ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ પણ બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ કહ્યું હતું કે, "પાકિસ્તાનના લોકો તમારા નિર્ણયનું સન્માન કરે છે અને પાકિસ્તાન સરકાર બાંગ્લાદેશની સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાને સ્વીકારે છે."

એપ્રિલ 1974માં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ભારત વચ્ચે ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર પણ થયા હતા, જે મુજબ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ બાંગ્લાદેશના લોકોને (પાકિસ્તાન)ને માફ કરવા અને ભૂતકાળને ભૂલાવીને આગળ વધવા વિનંતી કરી હતી.

શેખ મુજીબુર રહેમાન તરફથી ભૂતકાળને ભૂલીને નવી શરૂઆત કરવાનો ઉલ્લેખ 'ન્યૂયૉર્ક ટાઇમ્સ'ના આર્કાઇવ રિપોર્ટમાં પણ જોવા મળે છે.

બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભારત, આંતરરાષ્ટ્રીય સંબંધો, વેપાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને ગળે મળી રહેલા શેખ મુજીબુર રહેમાન

મુમતાઝ ઝોહરા બલોચે કહ્યું હતું કે, “તે સમયની બંને નેતાઓની દૂરંદેશીએ બંને દેશોને બહેતર અને પ્રગતિનો માર્ગ બતાવે છે.”

તેમણે કહ્યું, “પાકિસ્તાનની વર્તમાન પેઢીનો જન્મ એ ઘટના બાદ થયો હતો અને તેઓ બાંગ્લાદેશના લોકોનું ખૂબ સન્માન કરે છે. તેથી, 50-60 વર્ષ પછી આ વિષયને ફરીથી ઉઠાવવાની જરૂર નથી.

2002માં એ સમયે પાકિસ્તાનના લશ્કરી પ્રમુખ, જનરલ પરવેઝ મુશર્રફે પણ ઢાકાની મુલાકાત લીધી હતી અને 1971ની ઘટનાઓ અંગે 'ખેદ' વ્યક્ત કર્યો હતો, પરંતુ બાંગ્લાદેશમાં હજુ પણ તેને ઔપચારિક માફી તરીકે જોવામાં આવતી નથી.

1971ના યુદ્ધમાં જીવ ગુમાવનાર બુદ્ધિજીવી મુનીર ચૌધરીના પુત્ર આસિફ મુનીરને પણ લાગે છે કે માફી માગવા કે પાકિસ્તાનને શરમાવે તેવા મુદ્દા પર ભાર મૂકવાની જરૂર નથી.

તેમણે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે 1971 વિશે પાકિસ્તાનના લોકોનાં અલગ-અલગ મંતવ્યો છે પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ તેનાથી દુ:ખી નથી.

આસિફ મુનીરે કહ્યું, "1970ના દાયકામાં પણ પાકિસ્તાની કલાકારો અને લેખકોએ બાંગ્લાદેશ માટે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો."

ફહમ અબ્દુલ સલામે 1998માં પાકિસ્તાનની મુલાકાત લેવાના તેમના અનુભવની કહાણી સંભળાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેમણે ટેક્સી ડ્રાઇવરને કહ્યું કે, “હું બાંગ્લાદેશથી આવ્યો છું તો ડ્રાઇવરે મારી માફી માગી હતી.”

“તેમણે મારો હાથ પકડીને 1971 માટે માફી માગી. હું આનાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો.”

ફહમ અબ્દુલ સલામ એ પણ કબૂલ કરે છે કે, “પાકિસ્તાનમાં દરેક વ્યક્તિનું બાંગ્લાદેશ પ્રત્યે સમાન વલણ નથી, પરંતુ તેઓ માને છે કે પાકિસ્તાનમાં અપરાધની ભાવના ચોક્કસપણે છે.”

તેમણે કહ્યું, “શું 1971 કે 1972માં કે ત્યારપછી જન્મેલ કોઈ પણ બાળક આ બધી વસ્તુઓ માટે જવાબદાર છે? શું તમે તમારા દાદાના ગુના માટે જવાબદાર હશો?

સંબંધો સુધરવાથી શું ફાયદો થશે?

બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભારત, આંતરરાષ્ટ્રીય સંબંધો, વેપાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાન ટ્રેડ ડેવલપમૅન્ટ ઑથૉરિટીની વેબસાઇટ અનુસાર, પાકિસ્તાનના લોકોએ બાંગ્લાદેશમાં લેધર, ટૅક્સટાઇલ અને ગારમેન્ટ સૅક્ટરમાં અબજો ડૉલરનું રોકાણ કર્યું છે.

બાંગ્લાદેશ કપાસ, કાપડ, રસાયણો, ખનીજો, વિદ્યુત સામાન અને મશીનરી વગેરેની આયાત કરે છે જ્યારે પાકિસ્તાન બાંગ્લાદેશથી શણ અને તેનાં ઉત્પાદનો, હાઇડ્રોજન પેરોક્સાઇડ, કૃત્રિમ રેસા, કાપડ અને તબીબી માલની આયાત કરે છે.

પાકિસ્તાનના સરકારી ડેટા અનુસાર, વર્ષ 2023માં બાંગ્લાદેશે પાકિસ્તાનને 603 મિલિયન ડૉલરથી વધુના માલની નિકાસ કરી હતી, જ્યારે પાકિસ્તાનથી બાંગ્લાદેશમાં 655 મિલિયન ડૉલરના માલની નિકાસ કરવામાં આવી હતી.

2019માં બાંગ્લાદેશે પાકિસ્તાનથી 83 મિલિયન ડૉલરથી વધુની કિંમતની વસ્તુઓની આયાત કરી હતી.

આંકડા દર્શાવે છે કે બાંગ્લાદેશ પાકિસ્તાનથી થતી આયાત પર ઘણો આધાર રાખે છે. આ એક મોટી વેપાર ખાધ છે પરંતુ તૌહીદ હુસૈનના મતે આ કોઈ મોટી સમસ્યા નથી.

ભારતની ચીન પર આયાત નિર્ભરતા ઘણી વધારે છે જ્યારે તેની અમેરિકા કે યુરોપમાં નિકાસ ઘણી વધારે છે. તેઓ સમજે છે કે અર્થવ્યવસ્થા અને વ્યવસાયના ક્ષેત્રમાં આ સામાન્ય બાબતો છે.

તેમણે કહ્યું, “ધારો કે જો બાંગ્લાદેશ પાકિસ્તાન પાસેથી ખૂબ કપાસ ખરીદશે તો પાકિસ્તાનને સરપ્લસ મળી જશે પરંતુ જે કાપડ બાંગ્લાદેશ એ અમેરિકાને નિકાસ કરે છે તેના માટે કપાસની જરૂર છે. આ વસ્તુઓ ખરેખર એકબીજા સાથે જોડાયેલી છે."

ફહમ અબ્દુલ સલામ માને છે કે પાકિસ્તાનમાં બાંગ્લાદેશી બિઝનેસ માટે તકો છે. તેમણે બાંગ્લાદેશી બ્રાન્ડ 'યલો'નું ઉદાહરણ આપ્યું જેના પાકિસ્તાનમાં ઘણા આઉટલેટ્સ છે.

તેમણે કહ્યું, "પાકિસ્તાનમાં 20 લાખથી વધુ બાંગ્લાદેશીઓ રહે છે અને આપણે તે બજારનો પણ ઉપયોગ કરવો જોઈએ."

ફહમ અબ્દુલ સલામનું માનવું છે કે જો બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય બનશે તો વેપારની નવી તકો ખૂલશે.

બાંગ્લાદેશની વચગાળાની સરકારના નાણા અને વેપાર મંત્રાલયના સલાહકારે પણ તાજેતરમાં વેપાર સંબંધોને મજબૂત કરવાની વાત કરી છે.

મુમતાઝ ઝોહરા બલોચે પણ કહ્યું છે કે પાકિસ્તાન વેપારના પાસાને મહત્ત્વ આપી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, “વેપાર, કૃષિ, વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના ક્ષેત્રમાં અને બંને દેશોના લોકો વચ્ચે સંબંધો પહેલાંથી જ સ્થાપિત થઈ ચૂક્યા છે.”

તેમનો એવો પણ અભિપ્રાય છે કે બંને દેશો 'સાર્ક' અને ઓઆઈસી જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોના સભ્ય તરીકે એકસાથે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

આ સિવાય નિષ્ણાતોએ બીબીસી સાથે વાત કરતાં એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે બંને દેશોના લોકોને વધુ નજીક લાવવાની જરૂર છે.

આસિફ મુનીરના મતે, બંને દેશો વચ્ચે સામાજિક અને સાંસ્કૃતિક સમાનતા છે. બાંગ્લાદેશમાં પાકિસ્તાનના સાહિત્ય, નાટક, ફિલ્મો અને કપડાંની પણ પ્રશંસા થાય છે.

પરંતુ આસિફ મુનીરે કહ્યું કે તેમની પાકિસ્તાન મુલાકાત દરમિયાન ત્યાં રહેતા ગરીબ બંગાળીઓને જોયા પછી તેમને સમજાયું કે પાકિસ્તાનના લોકો તેમને ખરાબ નજરે જુએ છે.

તેમનું માનવું છે કે આ વિચારસરણીને બદલવા માટે બાંગ્લાદેશનાં ઉદાર પાસાંને પ્રકાશિત કરવાની જરૂર છે.

મુમતાઝ ઝોહરા બલોચે એમ પણ કહ્યું હતું કે, “બંને દેશોના લોકો, ખાસ કરીને યુવા પેઢી વચ્ચે મિત્રતા છે, જેનો પાયો પરસ્પર સંબંધોને આગળ વધારવામાં મદદ કરી શકે છે.”

યાત્રાની સુવિધાઓ

બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભારત, આંતરરાષ્ટ્રીય સંબંધો, વેપાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનમાં બાંગ્લાદેશના 20 લાખ નાગરિકો રહે છે

પાકિસ્તાને બાંગ્લાદેશના નાગરિકો માટે વિઝાની ફી ખતમ કરી દીધી છે જેના કારણે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાની તેની ઇચ્છાનો વરતારો મળે છે.

પાકિસ્તાનના વિદ્યાર્થીઓ બાંગ્લાદેશના શૈક્ષણિક સંસ્થાનોમાં શિક્ષણ અર્થે જાય છે અને એ જ રીતે પાકિસ્તાનમાં એવી અનેક જગ્યાઓ આવેલી છે કે જ્યાં બાંગ્લાદેશના નાગરિકોને ફરવા જવામાં રસ છે.

પરંતુ બાંગ્લાદેશ ત્રણ બાજુથી ભારતથી ઘેરાયેલું હોવાથી, બાંગ્લાદેશી લોકો ઘણી વખત ઓછા ખર્ચે મુસાફરી અથવા સારવાર માટે ભારત જાય છે.

તૌહીદ હુસૈનનું કહેવું છે કે જે પણ બાંગ્લાદેશી નાગરિક એવું વિચારે છે કે પાકિસ્તાન ગયા પછી ભારત જવું મુશ્કેલ બનશે તે પાકિસ્તાન નહીં જાય.

પાકિસ્તાન અને ચીન સાથે ભારતના સંબંધો તંગ છે. બાંગ્લાદેશના ચીન સાથે સારા સંબંધો હોવા છતાં અવામી લીગની સરકાર વખતે ભારતે બાંગ્લાદેશના પાકિસ્તાન સાથેના સંબંધો અંગે ચિંતા કરવાની જરૂર નહોતી પડી.

આ બધું હોવા છતાં બાંગ્લાદેશ આ સ્થિતિમાં ભારતને સંપૂર્ણપણે અવગણી શકે નહીં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.