મોસાદ: ગુપ્તચર ઑપરેશન્સ માટે ઓળખાતી ઇઝરાયલી એજન્સીના દસ 'ખતરનાક' મિશન

ઇમેજ સ્રોત, Getty Images/BBC
- લેેખક, સ્ટાફ રિપોર્ટર
- પદ, બીબીસી ન્યૂઝ અરેબિક
હિઝબુલ્લાહના સભ્યો દ્વારા ઉપયોગમાં લેવાતા પેજર અને અન્ય સંચાર ઉપકરણોને મોબાઈલ વિસ્ફોટકોમાં રૂપાંતરિત કરવામાં આવ્યા. ઇઝરાયલના અત્યાધુનિક સર્વેલન્સને ટાળવા માટે સુરક્ષિત માધ્યમ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો અને આ સાધનો વપરાશકર્તાઓના હાથમાં ફાટતાં ડઝનેક લોકો માર્યા ગયા હતા અને હજારો ઘાયલ થયા હતા.
લેબનોનની સરકારે હુમલાનો આરોપ ઇઝરાયલ પર મૂક્યો છે અને તેને “ઇઝરાયલનું ગુનાઇત આક્રમણ” ગણાવ્યું છે. હિઝબુલ્લાહે તેનો “યોગ્ય બદલો” લેવાની પ્રતિજ્ઞા પણ કરી છે.
ઇઝરાયલે આ આક્ષેપોનો જવાબ આપ્યો નથી, પરંતુ કેટલાંક ઈઝરાયલી મીડિયા સંસ્થાનોએ એવા અહેવાલ પ્રસારિત કર્યા છે કે મંત્રીઓને આ ઘટના વિશે કોઈપણ જાહેર નિવેદન કરવાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલ હિઝબુલ્લાહની પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખે છે, જે સૂચવે છે કે તાજેતરની ઘટના બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો ભાગ હોઈ શકે છે.
જો આ ઘટના માટે ઇઝરાયલ જવાબદાર હોય તો આ કૃત્ય તેના સૌથી આશ્ચર્યજનક અને પ્રભાવશાળી ઑપરેશન્સમાં સ્થાન પામશે. આ ઘટના ઇઝરાયલ અને તેની રાષ્ટ્રીય ગુપ્તચર એજન્સી મોસાદના ભૂતકાળના મિશન્સની સ્મૃતિને પણ જીવંત કરે છે.
મોસાદને અનેક ઑપરેશન્સની સફળતાનો શ્રેય આપવામાં આવે છે. એ પૈકીની કેટલીક નોંધપાત્ર ઘટનાઓ નીચે મુજબ છે.
નાઝી અધિકારી એડોલ્ફ આઈચમેનની ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images
નાઝી અધિકારી એડોલ્ફ આઈચમેનનું આર્જેન્ટિનામાંથી 1960માં કરવામાં આવેલું અપહરણ મોસાદની સૌથી વિખ્યાત ગુપ્તચર સફળતાઓ પૈકીનું એક છે.
આઈચમેન હોલોકાસ્ટના એક મુખ્ય નિર્માતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી કૉન્સન્ટ્રેશન કૅમ્પ્સમાં યહૂદીઓ પર અત્યાચાર માટે પણ તેઓ જવાબદાર હતા. બીજા વિશ્વયુદ્ધમાં નાઝી જર્મની દ્વારા લગભગ 60 લાખ યહૂદીઓની હત્યા કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતે ઝડપાઈ ન જાય એટલા માટે અનેક દેશોમાં ફરતા રહ્યા બાદ આઈચમેન આખરે આર્જેન્ટિનામાં સ્થાયી થયા હતા.
મોસાદના 14 એજન્ટ્સની ટીમે તેમને શોધી કાઢ્યા હતા. ટીમ તેમનું અપહરણ કરીને ઇઝરાયલ લઈ આવી હતી, જ્યાં તેમના પર કેસ ચલાવવામાં આવ્યો હતો. એડોલ્ફ આઈચમેનને આખરે ફાંસી આપવામાં આવી હતી.
યુગાન્ડામાં ઍન્તેબે ઑપરેશન

ઇમેજ સ્રોત, Getty Images
યુગાન્ડામાં ઍન્તેબે ઑપરેશનને ઇઝરાયલના સૌથી સફળ મિશન્સ પૈકીનું એક ગણવામાં આવે છે.
તેમાં મોસાદે ગુપ્ત માહિતી પૂરી પાડી હતી, જ્યારે ઇઝરાયલી સૈન્યએ ઑપરેશન હાથ ધર્યું હતું.
પેલેસ્ટાઈન મુક્તિ મોરચાના બે સભ્યો તથા બે જર્મન સહાયકો પેરિસ જઈ રહેલા એક વિમાનને હાઇજૅક કરીને યુગાન્ડા લઇ ગયા હતા. અપહણકર્તાઓએ વિમાનના પૅસેન્જર્સ અને ક્રૂ સભ્યોને ઍન્તેબે ખાતે બંધક બનાવવામાં આવ્યા હતા.
ઇઝરાયલના કમાન્ડોઓએ ઍરપૉર્ટ પર જઈને ગુપ્ત ઑપરેશન પાર પાડ્યું હતું અને લગભગ 100 ઇઝરાયલીઓ અને બંધકોને સફળતાપૂર્વક બચાવ્યા હતા. વિમાનમાં 103 ઇઝરાયલીઓ સહિત લગભગ 250 પ્રવાસીઓ હતા.
તેના પરિણામે ત્રણ બંધકો, અપહરણકર્તાઓ, યુગાન્ડાના અનેક સૈનિકો અને ઇઝરાયલના વર્તમાન વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના ભાઈ યોનાતન નેતન્યાહૂનું મોત થયું હતું.
ઑપરેશન બ્રધર્સ

ઇમેજ સ્રોત, Raffi Berg
ઇઝરાયલના તત્કાલીન વડા પ્રધાન મેનાકેમ બિગિનના આદેશ અનુસાર મોસાદ 1980ના દાયકાની શરૂઆતમાં સાત હજારથી વધુ ઇથોપિયન યહૂદીઓને સુદાન મારફત ઇઝરાયલમાં લઈ આવ્યું હતું. ઑપરેશન માટે મોસાદએ એક નકલી ડાઈવિંગ રિસોર્ટનો કવર તરીકે ઉપયોગ કર્યો હતો. તે ચાલાકીનું એક અસાધારણ કૃત્ય હતું.
સુદાન આરબ લીગનો દુશ્મન દેશ હતો. તેથી મોસાદના એજન્ટોની એક ટીમે ગુપ્ત રીતે કામગીરી કરીને સુદાનના રાતા સમુદ્રના કિનારે એક રિસોર્ટ બનાવ્યો હતો અને તેનો ઉપયોગ તેઓ બેઝ તરીકે કરતા હતા.
દિવસ દરમિયાન તેઓ હોટેલના સ્ટાફ તરીકે કામ કરતા હતા અને રાત્રે પાડોશી દેશ ઇથિયોપિયાથી આવતા યહૂદીઓને બહાર મોકલતા હતા. તેઓ ગુપ્ત રીતે હવાઈ અને સમુદ્રી માર્ગે દેશની બહાર નીકળી જતા હતા.
આ ઑપરેશન ઓછામાં ઓછાં પાંચ વર્ષ સુધી ચાલ્યું હતું અને જ્યારે તેની ખબર પડી ત્યારે મોસાદના એજન્ટો ભાગી છૂટ્યા હતા.
મ્યુનિક ઑલિમ્પિક અપહરણ પછી બદલો

ઇમેજ સ્રોત, Getty Images
પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ બ્લૅકે સપ્ટેમ્બર 1972માં મ્યુનિક ઑલિમ્પિકમાં ઇઝરાયલી ઑલિમ્પિક ટીમના બે સભ્યોની હત્યા કરી હતી અને બીજા નવ લોકોને બંદી બનાવ્યા હતા.
એ પછી વેસ્ટ જર્મન પોલીસ દ્વારા કરવામાં આવેલા બચાવના નિષ્ફળ પ્રયાસમાં બંધકો માર્યા ગયા હતા.
પેલેસ્ટિનિયન બંદૂકધારીઓએ કમ્પાઉન્ડમાં ધસી આવીને કરેલા હુમલામાં 1972ની ઇઝરાયલી ઑલિમ્પિક ટીમના 11 સભ્યો માર્યા ગયા હતા.
એ પછી મોસાદે પેલેસ્ટાઇન મુક્તિ મોરચાના મહમૂદ હમશરી સહિતના સંખ્યાબંધ સભ્યોને નિશાન બનાવ્યા હતા. હમશરીનું મોત તેમના પેરિસના એપાર્ટમેન્ટમાંના ફોનમાં પ્લાન્ટ કરવામાં આવેલા વિસ્ફોટક ઉપકરણથી થયું હતું.
એ વિસ્ફોટમાં હમશરીએ એક પગ ગુમાવ્યો હતો અને આખરે ઈજાઓને કારણે તેમનું મોત થયું હતું.
યાહ્યા અય્યાશના ફોનમાં વિસ્ફોટકો ભરીને હત્યા

ઇમેજ સ્રોત, EPA
1966માં એક ઑપરેશનમાં હમાસના એક મુખ્ય બૉમ્બ-નિર્માતા યાહ્યા અય્યાશની મોટોરોલા આલ્ફા મોબાઈલ ફોનમાં 50 ગ્રામ વિસ્ફોટકો ભરીને હત્યા કરવામાં આવી હતી.
અય્યાશ હમાસની લશ્કરી પાંખના એક અગ્રણી નેતા હતા. બૉમ્બ બનાવવામાં અને ઇઝરાયલી લક્ષ્યાંકો પર જટિલ હુમલાઓનું આયોજન કરવાની કુશળતા માટે તેઓ પ્રખ્યાત હતા.
આ કારણસર તેઓ ઇઝરાયલની સલામતી એજન્સીઓના સૌથી વૉન્ટેડ માણસોમાંના એક બન્યા હતા.
2019ના અંતમાં ઇઝરાયલે તેમની હત્યા સંબંધી ચોક્કસ વિગતો પરની સેન્સરશીપ હટાવી લીધી હતી અને ઇઝરાયલની ચૅનલ-13 ટીવીએ અય્યાશના તેના પિતા સાથેના અંતિમ ફોન કૉલનું રેકૉર્ડિંગ પ્રસારિત કર્યું હતું.
હમશરી અને અય્યાશ બંનેનો ખાતમો ટાર્ગેટેડ હત્યાઓ માટે અદ્યતન ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવાના લાંબા તથા જટિલ ઇતિહાસને હાઈલાઈટ કરે છે.
મહમૂદ અલ-માભોહની ગળું દબાવીને હત્યા

ઇમેજ સ્રોત, Getty Images
હમાસના વરિષ્ઠ લશ્કરી નેતા મહમૂદ અલ-માભોહની સાલ 2010માં દુબઈની એક હોટેલમાં હત્યા કરવામાં આવી હતી.
શરૂઆતમાં તો એ કુદરતી મોત જેવું જ લાગ્યું હતું, પરંતુ સર્વેલન્સ ફૂટેજની તપાસ કર્યા બાદ દુબઈ પોલીસ હત્યા કરનાર ટીમને ઓળખવામાં સફળ થઈ હતી.
પોલીસે બાદમાં ખુલાસો કર્યો હતો કે અલ-મભોહની ઇલેક્ટ્રિક શોક વડે હત્યા કરવામાં આવી હતી અને બાદમાં તેમનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું.
આ ઑપરેશન મોસાદ દ્વારા હાથ ધરવામાં આવ્યું હોવાની શંકાને પગલે સંયુક્ત આરબ અમિરાતમાં રાજદ્વારી આક્રોશને વેગ મળ્યો હતો.
જોકે, ઇઝરાયલ રાજદ્વારીઓએ દાવો કર્યો હતો કે આ હત્યા સાથે મોસાદને સાંકળતા કોઈ પુરાવા નથી.
અલબત, તેમણે સંડોવણીનો ઇનકાર કર્યો ન હતો, જે આવી બાબતોમાં “અસ્પષ્ટતા” જાળવી રાખવાની ઇઝરાયલની નીતિને અનુરુપ હતું.
હત્યાના નિષ્ફળ પ્રયાસો

ઇમેજ સ્રોત, Getty Images
અસંખ્ય સફળ ઑપરેશન્સ કર્યાં હોવાં છતાં મોસાદને વિખ્યાત નિષ્ફળતાઓ પણ મળી છે.
ખાલેદ મેશાલ 1996થી 2017 દરમિયાન હમાસના રાજકીય નેતા તરીકે કાર્યરત હતા.
હમાસના પોલીટિકલ બ્યૂરોના નેતા ખાલેદ મેશાલની ઝેર આપીને હત્યાનો પ્રયાસ ઇઝરાયલે 1997માં કર્યો હતો. એ ઘટના મોટી રાજદ્વારી કટોકટી તરફ દોરી ગયેલી કામગીરી પૈકીની એક હતી.
ઇઝરાયલી એજન્ટ્સ પકડાઈ ગયા હતા અને આ ઑપરેશન નિષ્ફળ રહ્યું હતું. જેને કારણે મેશાલનો જીવ ન લેવા માટે ઇઝરાયલ પર દબાણ વધ્યું હતું.
મોસાદના તત્કાલીન વડા ડેની યાટોમ મેશાલની સારવાર માટે જોર્ડન ગયા હતા. આ ઘટનાને કારણે ઇઝરાયલ અને જોર્ડન વચ્ચેનો સંબંધ નોંધપાત્ર રીતે વણસ્યો હતો.
હમાસના નેતા મહમૂદ અલ-ઝહર

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલે 2003માં ગાઝા સિટીમાંના હમાસના નેતા મહમૂદ અલ-ઝહરના ઘરને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો.
જોકે, અલ-ઝહર હુમલામાંથી બચી ગયા હતા, પરંતુ તેમાં તેમનાં પત્ની અને પુત્ર ખાલેદ અન્ય અનેક લોકો સાથે મૃત્યુ પામ્યાં હતાં.
બૉમ્બ વિસ્ફોટને કારણે તેમનું નિવાસસ્થાન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું. ગીચ વસ્તીવાળા વિસ્તારમાં લશ્કરી કાર્યવાહીનું પરિણામ કેટલું ગંભીર હોય છે તે આ ઘટનાએ પૂરવાર કર્યું હતું.
લવોન અફેર

ઇમેજ સ્રોત, Getty Images
ઇજીપ્તના સત્તાવાળાઓએ ઑપરેશન સુસાન્નાહ નામના ઇઝરાયલના એક જાસૂસી ઑપરેશનને નિષ્ફળ બનાવ્યું હતું.
સુએઝ કૅનાલમાં તહેનાત દળો બ્રિટન જાળવી રાખે એટલા માટે તેના પર દબાણ લાવવા ઇજિપ્તમાંની અમેરિકન તથા બ્રિટિશ ફેસિલિટીઝમાં બૉમ્બ પ્લાન્ટ કરવાની ઇઝરાયલની યોજના હતી, જે ઇજિપ્તે નિષ્ફળ બનાવી હતી.
એ ઘટના લેવોન એફેર તરીકે જાણીતી થઈ હતી. તેને ઇઝરાયલના તત્કાલીન સંરક્ષણ પ્રધાન પિન્હાસ લેવોનનું નામ આપવામાં આવ્યું હતું.
તે ઑપરેશનના આયોજનમાં લેવોન સામેલ હોવાનું માનવામાં આવે છે. મોસાદે ગુપ્તચર નિષ્ફળતા માટે આપત્તિજનક પરિણામ ભોગવવું પડ્યું હોવાનું પણ માનવામાં આવે છે.
યોમ કિપ્પુર યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images
ઇજિપ્ત અને સીરિયાએ સિનાઈ દ્વીપકલ્પ તથા ગોલાન હાઈટ્સ ફરી કબજે કરવા 1973ની છઠ્ઠી ઑક્ટોબરે ઇઝરાયલ પર અચાનક હુમલો કર્યો હતો.
યહૂદીઓના પ્રાયશ્ચિતના દિવસ યોમ કિપ્પુર વખતે હુમલો કરવામાં આવ્યો હોવાને કારણે યુદ્ધના પ્રારંભિક દિવસોમાં ઇઝરાયલ ઊંઘતું ઝડપાયું હતું.
ઇજિપ્ત અને સીરિયાએ ઇઝરાયલ પર બે મોરચે હુમલો કર્યો હતો. ઇજિપ્તના દળોએ અપેક્ષા કરતાં બહુ ઓછી જાનહાનિ સાથે સુએઝ કૅનાલ પાર કરી હતી, જ્યારે સીરિયાએ ઇઝરાયલની ચોકીઓ પર હુમલો કર્યો હતો અને ગોલાન હાઈટ્સ પર પહોંચી ગયું હતું.
ઇજિપ્ત અને સીરિયાને જરૂરી સામગ્રી સોવિયેત સંઘે પૂરી પાડી હતી, જ્યારે અમેરિકાએ ઇઝરાયલને ઇમર્જન્સી સપ્લાય પૂરી પાડી હતી.
ઇઝરાયલ એ બન્ને દેશનાં દળોને ભગાડી મૂકવામાં સફળ થયું હતું અને 25 ઑક્ટોબરે, લડાઈનો અંત લાવવાના સંયુક્ત રાષ્ટ્રસંઘના ઠરાવના ચાર દિવસ પછી, યુદ્ધ સમાપ્ત થયું હતું.
7 ઑક્ટોબર, 2023નો હુમલો

ઇમેજ સ્રોત, AFP
લગભગ 50 વર્ષ પછી અચાનક કરવામાં આવેલા હુમલાથી ઇઝરાયલ આશ્ચર્યચકિત થઈ ગયું હતું. આ વખતે હમાસ દ્વારા 2023ની સાતમી ઑક્ટોબરે ગાઝા સરહદ નજીકના ઇઝરાયલી નગરો પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ હુમલાનો આગોતરો અંદાજ મેળવવાની મોસાદની નિષ્ફળતાને એક મોટો ફિયાસ્કો ગણવામાં આવે છે. વિશ્લેષકોના મતે, આ નિષ્ફળતા હમાસને અંકુશમાં રાખવાની ઇઝરાયલની પ્રતિરોધક નીતિની નબળાઈને પ્રતિબિંબિત કરે છે.
સાતમી ઑક્ટોબરના આ હુમલામાં લગભગ 1,200 લોકોનાં મોત થયાં હતાં. તેમાં મોટાભાગના નાગરિકો હતા, એવું ઇઝરાયલના સત્તાવાળાઓ કહે છે. અન્ય 251 લોકોને બંધક તરીકે ગાઝા લઈ જવામાં આવ્યા હતા.
હમાસના હુમલાના જવાબમાં ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં યુદ્ધ શરૂ કર્યું હતું, જેના પરિણામે અત્યાર સુધીમાં 40,000થી વધુ લોકો માર્યા ગયા છે અને ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, એ પૈકીના મોટાભાગના સામાન્ય નાગરિકો હતા.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












