હિઝબુલ્લાહના લડવૈયા પેજર કેમ વાપરે છે અને તેમાં વિસ્ફોટો કેમ થયા, જાણો મહત્ત્વની વાતો

લેબનોનમાં પેજર ધડાકામાં એક બાળકી સહિત નવ લોકોનાં મૃત્યુ થયાં છે

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, લેબનોનમાં પેજર ધડાકામાં એક બાળકી સહિત નવ લોકોનાં મૃત્યુ થયાં છે
    • લેેખક, ડેવિડ ગ્રિટન
    • પદ, બીબીસી ન્યૂઝ, લંડન

લેબનોનના હથિયારબંધ સંગઠન હિઝબુલ્લાહના સેંકડો સભ્યો મૅસેજથી વાતચીત કરવા માટે પેજરનો ઉપયોગ કરે છે. આ પેજરોમાં થયેલા વિસ્ફોટને કારણે લેબનોનમાં લગભગ બે હજાર 800 જેટલા લોકો ઘાયલ થયા છે. આ ઘાયલ થયેલા લોકોમાં ઈરાનના રાજદૂત પણ સામેલ છે.

લેબનોનના આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે ચરમપંથી સંગઠન હિઝબુલ્લાહના સભ્યો સંવાદ માટે પેજરનો ઉપયોગ કરે છે. આ પેજરમાં વિસ્ફોટ કરાવાયા જેને કારણે એક બાળક સહિત નવ લોકોનાં મૃત્યુ થયાં છે.

હિઝબુલ્લાહ સંગઠને કહ્યું કે આ પેજર હિઝબુલ્લાહની અલગ-અલગ ટુકડીઓ અને સંસ્થાઓના કર્મચારીના હતા. સંગઠને આઠ લડવૈયાઓનાં મોતની પુષ્ટિ કરી છે.

ચરમપંથી સંગઠને આ વિસ્ફોટો માટે ઇઝરાયલને જવાબદાર ગણાવ્યું હતું અને કહ્યું કે તેનો યોગ્ય જવાબ મળશે. ઇઝરાયલની સેનાએ આ મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

વિસ્ફોટના થોડાક જ કલાકો પહેલાં ઇઝરાયલના સિક્યૉરિટી કૅબિનેટે કહ્યું હતું કે આ યુદ્ધનું એક સત્તાવર લક્ષ્ય દેશના ઉત્તર ભાગમાં હિઝબુલ્લાહના હુમલાઓને રોકવાનો છે. આ હુમલાઓને રોકવાથી વિસ્થાપીતોની સુરક્ષિત વાપસી કરી શકાય.

ગયા વર્ષે સાત ઑક્ટોબરે ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે લડાઈ શરૂ થઈ. ત્યાર બાદથી ઇઝરાયલ અને લેબનોનની સરહદ પર લગભગ દરરોજ ગોળીબાર થઈ રહ્યો છે.

હિઝબુલ્લાહે કહ્યું કે સંગઠન ઈરાન સમર્થિત પેલેસ્ટિનયન સંગઠન (હમાસ)ના સમર્થનમાં કામ કરી રહ્યું છે. ઇઝરાયલ, બ્રિટન અને અન્ય દેશોએ બંને સંગઠનોને આતંકવાદી સંગઠન જાહેર કર્યાં છે.

સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ કહ્યું, "લેબનોનમાં બનેલી ઘટનાઓ અત્યંત ચિંતાજનક છે. ખાસ કરીને એવા સમયે જ્યારે સ્થિતિ અત્યંત અસ્થિર છે."

અમેરિકાના સમાચારપત્ર વૉલ સ્ટ્રીટ જર્નલે એક સુત્રનો હવાલો આપીને કહ્યું કે જે પેજરમાં વિસ્ફોટ થયા તે ઉપકરણો હિઝબુલ્લાહને હાલના દિવસોમાં જ મળ્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના સમાચારપત્ર વૉલ સ્ટ્રીટ જર્નલે એક સૂત્રનો હવાલો આપીને કહ્યું કે જે પેજરમાં વિસ્ફોટ થયા તે ઉપકરણો હિઝબુલ્લાહને હાલના દિવસોમાં જ મળ્યા હતા

વિસ્ફોટમાં ઈરાનના રાજદૂત પણ ઘાયલ

લેબનોનમાં પેજરોમાં થયેલા વિસ્ફોટને કારણે લેબનોનમાં લગભગ બે હજાર 800 જેટલા લોકો ઘાયલ થયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લેબનોનમાં પેજરોમાં થયેલા વિસ્ફોટને કારણે લેબનોનમાં લગભગ બે હજાર 800 જેટલા લોકો ઘાયલ થયા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લેબનોનમાં મંગળવારની સાંજે લોકોમાં આઘાત અને અવિશ્વાસની સ્થિતિ હતી. કારણ કે તેઓ આ વિસ્ફોટો કેવી રીતે થઈ રહ્યા છે તે સમજી શકતા ન હતા અને વિસ્ફોટની ટેકનિક અને સ્કેલ અવિશ્વનીય હતો.

હિઝબુલ્લાહે કહ્યું કે લેબનોનની રાજધાની બૈરુત અને બીજા ઘણા વિસ્તારોમાં સ્થાનિક સમય પ્રમાણે બપોરે 3:30 વાગ્યે ઘણા પેજરોમાં વિસ્ફોટ થયા. સંગઠનના સભ્યો સંવાદ કરવા માટે પેજર પર નિર્ભર છે કારણ કે મોબાઇલ ફોન હૅક અને ટ્રૅક કરી શકાય તેવો સંગઠનને ભય છે.

એક સીસીટીવી વીડિયોમાં સુપરમાર્કેટમાં એક વ્યક્તિની બૅગ અથવા ખિસ્સામાં વિસ્ફોટ થતો જોવા મળે છે. ત્યારબાદ તે વ્યક્તિ પાછળની તરફ જમીન પર નીચે પડતા અને પીડાને કારણે ચીસો પાડતી નજરે પડે છે. જ્યારે સુપરમાર્કેટમાં બીજા ગ્રાહકો છુપાઈ જવા માટે ભાગે છે.

કલાકો પછી પણ ઍમ્બ્યુલન્સો ઘાયલોને લઈને હૉસ્પિટલ પહોંચી રહી હતી. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે ઘાયલો પૈકી 200 લોકોની સ્થિતિ ગંભીર છે. હૉસ્પિટલની બહાર ઘાયલ લોકોના સંબંધીઓ અપડેટ્સ મેળવવાની આશામાં રાહ જોઈ રહ્યા છે.

રાજધાની બૈરુતના અશરફીહ જિલ્લામાં એલએયુ મેડિકલ સેન્ટરે પોતાનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો છે અને અંદર આવનારા લોકોની સંખ્યા મર્યાદિત કરી દીધી છે. એક કર્મચારીએ બીબીસીને કહ્યું કે આ ખૂબ જ સંવેદનશીલ છે અને કેટલાંક દૃશ્યો ભયાવહ છે.

તેમણે જણાવ્યું કે મોટાભાગની ઈજા કમર, ચેહરા, આંખ અને હાથ પર છે. તેમણે ઉમેર્યું કે ઘણા લોકોએ પોતાની આંગળીઓ ગુમાવી દીધી છે. કેટલાક દર્દીઓએ બધી જ આંગળીઓ ગુમાવી દીધી છે.

ઈરાનના રાજદૂત મોજતબા અમાનીનાં પત્નીએ કહ્યું કે અનેક વિસ્ફોટો પૈકીના એક વિસ્ફોટને કારણે રાજદૂત મોજતબાને પણ થોડી ઈજા થઈ છે અને હૉસ્પિટલમાં તેમની સ્થિતિ સ્થિર છે.

હિઝબુલ્લાહની મીડિયા ઑફિસે આઠ લડવૈયાઓનાં મોતની પુષ્ટિ કરી છે. જોકે, સંગઠને આ મૃત્યુના સ્થળ અને સ્થિતિ વિશે જાણકારી આપી નથી. સંગઠને કહ્યું કે તેઓ જેરુસલેમના રસ્તે શહીદ થયા છે.

પેજરમાં કેવી રીતે વિસ્ફોટ થયો હોઈ શકે?

લેબનોનના વડા પ્રધાન નજીબ મિકાતીએ પણ આ વિસ્ફોટો માટે ઇઝરાયલને દોષી ગણાવ્યું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લેબનોનના વડા પ્રધાન નજીબ મિકાતીએ પણ આ વિસ્ફોટો માટે ઇઝરાયલને દોષી ગણાવ્યું

સંગઠનના એક નજીકના સૂત્રએ આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું, "હિઝબુલ્લાહ સાંસદ અલી અમ્મારના પુત્ર અને બેકા ઘાટીમાં હિઝબુલ્લાહના સભ્યની 10 વર્ષીય દીકરી મૃત્યુ પામેલા લોકોમાં સામેલ છે."

સૂત્રએ કહ્યું કે બીજા એક સાંસદ હસન ફદલલ્લાહના પુત્ર પણ ઘાયલ થયા છે. સૂત્રએ શરૂઆતમાં કહ્યું હતું કે ફદલલ્લાહના પુત્રનું પણ મૃત્યુ થયું છે.

બ્રિટનસ્થિત સીરિયન ઑબ્જર્વેટરી ફૉર હ્યુમન રાઇટ્સે આપેલી માહિતી પ્રમાણે, લેબનોનના પાડોશી દેશ સીરિયામાં પણ પેજર વિસ્ફોટને કારણે 14 લોકો ઘાયલ થયા હતા. સીરિયામાં હિઝબુલ્લાહ સરકારી દળોની સાથે ગૃહયુદ્ધમા લડી રહ્યું છે.

હિઝબુલ્લાહે મંગળવારે સાંજે એક નિવેદનમાં કહ્યું, "અમે સંપૂર્ણપણે માનીએ છીએ કે આ હુમલાઓ માટે દુશ્મન ઇઝરાયલ જવાબદાર છે."

સંગઠને પોતાના નિવેદનમાં કહ્યું, "આ વિશ્વાસઘાતી અને આરોપી દુશ્મનને આ હુમલાનો વળતો જવાબ મળશે."

પેજર બ્લાસ્ટ

ઇમેજ સ્રોત, Social Media

લેબનોનના વડા પ્રધાન નજીબ મિકાતીએ પણ આ વિસ્ફોટો માટે ઇઝરાયલને દોષી ગણાવ્યું. તેમણે કહ્યું કે આ વિસ્ફોટો લેબનોનની સંપ્રભુતાનું ગંભીર ઉલ્લંઘન અને બધા જ માપદંડો પ્રમાણે એક ગુનો છે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાધચીએ કહ્યું કે અમે લેબનોનના વિદેશ મંત્રીને જણાવ્યું છે કે અમે ઇઝરાયલી આતંકવાદીની ભારે ટીકા કરીએ છીએ.

ઇઝરાયલના સૌથી મજબૂત સહયોગી અમેરિકાએ આ વિસ્ફોટોમાં કોઈ પણ પ્રકારની સંલિપ્તતાથી ઇનકાર કર્યો હતો અને ઈરાનને તણાવ ન વધારવા માટે આગ્રહ કર્યો હતો.

હિઝબુલ્લાહે જાણકારી આપી નથી કે સંગઠનના મત પ્રમાણે પેજર ફાટવા પાછળનું કારણ શું હતું.

અમેરિકાના સમાચારપત્ર વૉલ સ્ટ્રીટ જર્નલે એક સૂત્રનો હવાલો આપીને કહ્યું કે જે પેજરમાં વિસ્ફોટ થયા તે ઉપકરણો હિઝબુલ્લાહને હાલના દિવસોમાં જ મળ્યાં હતાં. હિઝબુલ્લાહના એક અધિકારીએ સમાચારપત્રને કહ્યું કે કેટલાક લોકોનાં પેજર વિસ્ફોટ થાય તે પહેલાં અત્યંત ગરમ થઈ ગયાં હતાં.

વધારે પડતી ગરમ થયેલી લિથિયમ-આયન બેટરીમાં આગ લાગી શકે છે. જોકે, નિષ્ણાત કહે છે કે સામાન્ય રીતે પેજરોને હૅક કરીને વધારે ગરમ કરવાથી આ પ્રકારનો વિસ્ફોટ થતો નથી.

ભૂતપૂર્વ બ્રિટિશ આર્મી મ્યુશન નિષ્ણાતે નામ ન છાપવાની શરતે બીબીસીને જણાવ્યું, "શક્ય છે કે પેજરમાં 10થી 20 ગ્રામ સુધી સૈન્ય સ્તરનું વિસ્ફોટક ભર્યું હોય અને આ નકલી ઇલેક્ટ્રોનિક ઉપકરણોની અંદર છુપાવવામાં આવ્યું હોય."

નિષ્ણાતે જણાવ્યું કે એક વખત સિગ્નલ એટલે કે અલ્ફાન્યૂમેરિક ટૅકસ્ટ મૅસેજ સક્રિય થયા પછી ઉપકરણનો ઉપયોગ કરનાર વ્યક્તિએ વિસ્ફોટને અંજામ આપ્યો હોઈ શકે.

ઇઝરાયલની સેનાએ લેબનોનમાં વિસ્ફોટો વિશે કોઈ ટિપ્પણી કરી નથી

ઇઝરાયલની સેનાએ મંગળવારે સાંજે જાહેર કરેલા નિવેદનમાં પેજર વિસ્ફોટો પર કોઈ ટિપ્પણી કરી નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલની સેનાએ મંગળવારે સાંજે જાહેર કરેલા નિવેદનમાં પેજર વિસ્ફોટો પર કોઈ ટિપ્પણી કરી નથી

બ્રિટનસ્થિત ચૅથમ હાઉસ થિન્ક ટૅંકના મધ્યપૂર્વનાં નિષ્ણાત લીના ખાતિબે બીબીસીને કહ્યું, "ઇઝરાયલ ઘણા મહિનાઓથી હિઝબુલ્લાહ વિરુદ્ધ સાઇબર અભિયાન ચલાવી રહ્યું છે. જોકે, આ સૌથી મોટા પ્રમાણનું સુરક્ષા ઉલ્લંઘન છે."

અમેરિકન થિન્ક ટૅંક ઍટલાન્ટિક કાઉન્સિલના બૈરુતસ્થિત નિષ્ણાત નિકોલસ બ્લૅનફોર્ડે કહ્યું, "ઇઝરાયલે એક જ ઝટકામાં સેંકડો નહીં, પરંતુ હજારો હિઝબુલ્લાહ લડવૈયાઓની લડાઈને બિનઅસરકારક બનાવી દીધી. કેટલાક કિસ્સામાં તો હંમેશાં માટે."

તેમણે ચેતવણી આપી કે હિઝબુલ્લાહના સર્મથકો અને કાર્યકર્તાઓ તરફથી સંગઠનના નેતાઓ પર મોટી જવાબી કાર્યવાહી કરવા માટેનું ભારે દબાણ રહેશે. નિકોલસે ગયા વર્ષે ઑક્ટોબર પછી આ ઘટનાને હિઝબુલ્લાહ-ઇઝરાયલની લડાઈની સૌથી ખતરનાક પળ તરીકે ગણાવી.

ઇઝરાયલની સેનાએ મંગળવારે સાંજે જાહેર કરેલા નિવેદનમાં પેજર વિસ્ફોટો પર કોઈ ટિપ્પણી કરી નથી. જોકે, ચીફ ઑફ સ્ટાફ લેેફ્ટનન્ટ જનરલ હર્ઝી હલેવીએ કમાન્ડરો સાથે સ્થિતિનું આંકલન કર્યું છે, જેમાં દરેક વિસ્તારમાં આક્રમણ અને રક્ષાત્મક બંને પ્રકારની તૈયારીઓ પર ધ્યાન આપવામાં આવ્યું.

સેનાના નિવેદનમાં કહેવામાં આવ્યું કે ઇઝરાયલના લોકો માટે રક્ષાત્મક દિશા-નિર્દેશોમાં કોઈ ફેરફાર કર્યો નથી. લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.

સેના આ પહેલાં મંગળવારે કહ્યું હતું કે હવાઈ હુમલામાં લેબનોનની બૉર્ડરની પાસે બ્લિડા વિસ્તારમાં આતંકવાદી ઠેકાણાની અંદર કામ કરી રહેલા ત્રણ હિઝબુલ્લાહ આતંકવાદીને મારી નાખ્યા છે.

લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે પુષ્ટિ કરી છે કે ઇઝરાયલના હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા છે. હિઝબુલ્લાહના મીડિયા ઑફિસે કહ્યું કે સંગઠને ઇઝરાયલી સૈનિકો અને સૈન્ય સ્થળોને નિશાનો બનાવીને મિસાઇલ અને ડ્રોન હુમલાઓ કર્યા છે.

ઇઝરાયલની શિન બેટ આંતરિક સુરક્ષા સર્વિસે પણ કહ્યું છે કે હિઝબુલ્લાહે એક પૂર્વ વરિષ્ઠ ઇઝરાયલી સુરક્ષા અધિકારીને નિશાનો બનાવીને હુમલો કર્યો હતો. જોકે, સિક્યૉરિટી સર્વિસે આ હુમલાને નિષ્ફળ બનાવ્યો. હિઝબુલ્લાહે આ આરોપ વિશે કોઈ ટિપ્પણી કરી નથી.

આ ઘટના એ સમયે ઘટી છે જ્યારે ઇઝરાયલની સરકાર હિઝબુલ્લાહ વિરુદ્ધ પોતાનો સૈન્ય પ્રયાસ તીવ્ર કરવાની ધમકી આપી રહી છે.

ઇઝરાયલની સિક્યૉરિટી કૅબિનેટે મંગળવારે હિઝબુલ્લાહના હુમલાઓને કારણે વિસ્થાપિત થયેલા 60 હજાર રહેવાસીઓની સુરક્ષિત વાપસીને ગાઝા યુદ્ધનું એક સત્તાવારા લક્ષ્ય ગણાવ્યું.

રક્ષામંત્રી યોઆવ ગૅલાંટે સોમવારે અમેરિકાના રાજદૂત અમોસ હોચસ્ટીન સાથેની બેઠક દરમિયાન કહ્યું કે ઉત્તરી વિસ્તારના રહેવાસીઓની સુરક્ષિત વાપસીનો એકમાત્ર રસ્તો સૈન્ય કાર્યવાહી છે.

રક્ષામંત્રીના કાર્યલાયે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું,"સમજૂતીની શક્યતાઓ ઓછી થઈ રહી છે. કારણ કે હિઝબુલ્લાહ હમાસ સાથે જોડાયેલું છે અને લડાઈનો અંત કરવાનો ઇનકાર કરી રહ્યું છે."

લેબનોનના આરોગ્ય મંત્રીએ આપેલી માહિતી પ્રમાણે, ગયા વર્ષે ઑક્ટોબરમાં સંબંધો વણસ્યા પછી ઓછામાં ઓછા 589 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગના મૃતકો હિઝબુલ્લાહના લડવૈયાઓ છે.

ઇઝરાયલની સરકારનું કહેવું છે કે "ઇઝરાયલના 25 નાગરિકો અને 21 સુરક્ષા દળના સભ્યો માર્યા ગયા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.