હિઝબુલ્લાહે છોડેલાં સેંકડો રૉકેટના જવાબમાં ઇઝરાયલનો લેબનોન ઉપર હવાઈ હુમલો

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, બીબીસી ન્યૂઝ ગુજરાતી
- પદ, .
રવિવારે સવારે ઇઝરાયલની વાયુસેનાનાં વિમાનોએ લેબનોનમાં હિઝબુલ્લાહનાં ઠેકાણાં ઉપર હુમલા કર્યા છે. ઇઝરાયલનું કહેવું છે કે હિઝબુલ્લાહે તેની ઉપર મિસાઇલ હુમલા કરવાની તૈયારીઓ કરી હતી, જેને અટકાવવા માટે આ હુમલા કરવામાં આવ્યા છે.
આ હુમલા પછી ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતનયાહૂની અધ્યક્ષતામાં કૅબિનેટની આપાતકાલીન બેઠક મળી હતી, જેમાં દેશભરમાં 48 કલાકની ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે.
હિઝબુલ્લાહનું કહેવું છે કે ગયા મહિને તેના મિલિટરી કમાન્ડર ફૌદ શુક્રની હત્યા કરી દેવામાં આવી હતી, જેનું વેર વાળવા માટે મિસાઇલ્સ અને ડ્રોનથી હુમલા કર્યા હતા. હિઝબુલ્લાહના કહેવા પ્રમાણે, રવિવારનો હુમલો પૂર્ણ થઈ ગયો હતો અને સમય આવ્યે 'મોટો અને વિસ્તૃત' હુમલો કરશે.
હુમલા બાદ થોડા સમય માટે તેલ અવીવ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ ખાતે આવી રહેલી મોટાભાગની ફ્લાઇટોને રદ કરી દેવામાં આવી છે અથવા તો ડાયવર્ટ કરી દેવાઈ છે. બાદમાં વિમાનોની અવરજવર સામાન્ય થઈ ગઈ હતી.
'ઇઝરાયલ ઉપર આક્રમણનો જવાબ'

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલ ડિફેન્સ ફૉર્સના પ્રવક્તા ડેનિયલ હગારીના કહેવા પ્રમાણે, "હિઝબુલ્લાહ દ્વારા લેબનોનમાંથી ઇઝરાયલ ઉપર રૉકેટ અને મિસાઇલ્સ છોડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેને ધ્યાને લેતા આત્મરક્ષા અને જોખમને દૂર કરવાના હેતુસર આઈડીએફ દ્વારા આતંકવાદી ઠેકાણાં ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે."
ઇઝરાયલના કહેવા પ્રમાણે, હુમલા પહેલાં લેબનોનના સામાન્ય નાગરિકોને હિઝબુલ્લાહના પ્રભાવવાળાં ક્ષેત્રોમાંથી દૂર ખસી જવા માટે ચેતવણી આપવામાં આવી હતી. ઇઝરાયલના 100 જેટલાં વિમાનોએ લેબનોનમાં હિઝબુલ્લાહનાં 40 જેટલાં ઠેકાણાં ઉપર હુમલા કર્યા હતા. અહીંથી રૉકેટ લૉન્ચરો મધ્ય ઇઝરાયલ ઉપર હુમલા કરવાની વેતરણમાં હતા.
ઉત્તર ભાગમાંથી 60 હજાર જેટલા ઇઝરાયલીઓએ હિજરત કરવી પડી રહી છે, જેના કારણે લિતાની નદી પાર કરીને લેબનોનને સજા કરવામાં આવે તેવી માગ સ્થાનિકો સરકાર સમક્ષ કરી રહ્યા છે.
હિઝબુલ્લાહનું કહેવું છે કે તેણે ઇઝરાયલના 11 સૈન્યઠેકાણાંને નિશાન બનાવીને 320 જેટલાં કત્યુશા (Katyusha) પહેલા તબક્કાનો હુમલો કર્યો, જે રવિવારે પૂર્ણ થઈ ગયો છે અને નિરાંતે મોટો અને વિસ્તૃત હુમલો કરશે, જેમાં ઇઝરાયલનાં સૈન્યઠેકાણાંને નિશાન બનાવવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિઝબુલ્લાહે ધમકી આપી છે કે જો લેબનોનના નાગરિકોને નુકસાન થયું તો ઇઝરાયલને 'ગંભીર અને ઘાતક' સજા આપશે. ઈરાનસમર્થિત હિઝબુલ્લાહના કહેવા પ્રમાણે, ગયા મહિને (તા. 30 જુલાઈએ) તેના મિલિટરી કમાન્ડરની થયેલી હત્યાનું વેર વાળવા માટે આ હુમલા કરવામાં આવ્યા હતા.
ઇઝરાયલ સાથે સંપર્કમાં અમેરિકા
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લેબનોનના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે ઇઝરાયલના હુમલાને કારણે ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે. જેમાં હિઝબુલ્લાહ સાથે જોડાયેલા શિયા લડાકૂઓનો પણ સમાવેશ થાય છે.
તેલ અવીવ ખાતે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની આપાતકાલીન બેઠક પહેલાં વડા પ્રધાન બેન્જામિન નેતનયાહૂએ કહ્યું હતું કે 'જે કોઈ અમને નુકસાન પહોંચાડશે, અમે તેમને હાનિ કરીશું.'
યહૂદી રાષ્ટ્રના વિદેશ મંત્રી ઇઝરાયલ કાત્ઝના કહેવા પ્રમાણે, તેમનો દેશ 'સંપૂર્ણ યુદ્ધ'નું હિમાયતી નથી, પરંતુ ઈરાનના નેતૃત્વવાળી 'દુષ્ટોની ધરી'થી દેશ તથા દેશવાસીઓને બચાવવા માટે ધરાતલ પરની પરિસ્થિતિને માપીને જરૂરી તમામ પગલાં લેશે.
વિદેશ મંત્રી કાત્ઝે વિશ્વના અનેક દેશોના વિદેશ મંત્રીઓને પત્રો લખીને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ સામે સહકારની માગ કરી છે.
ઇઝરાયલની સેનાના પ્રવક્તા નાદાવ શોષાનીના કહેવા પ્રમાણે, હિઝબુલ્લાહે મોટાપાયે હુમલાનું આયોજન કર્યું હતું, પરંતુ તેનું આંશિક અમલીકરણ જ કરી શક્યું છે. ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલી 'અનેક રિયલટાઇમ ડિફૅન્સ સ્ટ્રાઇક'ને કારણે નુકસાનને ઘટાડી શકાયું હતું.
અમેરિકાના રાષ્ટ્રીય પ્રવક્તાના કહેવા પ્રમાણે, રાષ્ટ્રપતિ જો બાઇડને તેમના અધિકારીઓને ઇઝરાયલ સાથે સીધો સંવાદજાળવી રાખવા માટે સૂચના આપી છે. સાથે જ અમેરિકા દ્વારા ઇઝરાયલના આત્મરક્ષાના અધિકારને ટેકો આપવાનું ચાલુ રાખવામાં આવશે.
ઇઝરાયલના સંરક્ષણમંત્રીએ અમેરિકાના ડિફૅન્સ મિનિસ્ટર સાથે વાત કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













