લેબનનનું હિઝબુલ્લાહ શું છે અને તે ઇઝરાયલ સાથે યુદ્ધ શરૂ કરી શકે છે?

હિઝબુલ્લાહ, લેબનન, ઇઝરાયલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હિઝબુલ્લાહ 1992થી સામાન્ય ચૂંટણીઓમાં ભાગ લઈ રહ્યું છે

શનિવારે ઇઝરાયલના કબજા હેઠળના ગોલાન હાઇટ્સ પર રૉકેટ હુમલો થયો હતો. જેમાં 12 બાળકો અને કિશોરો મૃત્યુ પામ્યાં છે.

ઇઝરાયલનો આરોપ છે કે હુમલો હિઝબુલ્લાહે કર્યો છે. જોકે, હિઝબુલ્લાહે આ આરોપોને નકારી કાઢ્યા છે.

ત્યારથી જ બંને પક્ષો વચ્ચે યુદ્ધ શરૂ થવાનો ભય વધી ગયો છે.

છેલ્લા નવ મહિનામાં ઇઝરાયલ અને તેની ઉત્તરીય સરહદ પર આ સૌથી ઘાતક હુમલો માનવામાં આવે છે.

ગાઝામાં જંગ શરૂ થયા પછી ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે પણ ગોળીબારની ઘણી ઘટનાઓ થઈ છે.

હિઝબુલ્લાહ શું છે?

શેખ હસન નસરાલ્લાહ, હિઝબુલ્લાહ, લેલનોન

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, શેખ હસન નસરુલ્લાહ એક શિયા મૌલવી છે જે 1992થી હિઝબુલ્લાહના વડા છે

હિઝબુલ્લાહ લેબનનમાં ઈરાન સમર્થિત શિયા ઇસ્લામિક રાજકીય અને શક્તિશાળી અર્ધલશ્કરી સંગઠન છે. તેની સ્થાપના 1980ના દાયકાની શરૂઆતમાં ઈરાન દ્વારા ઇઝરાયલ વિરુદ્ધ કરવામાં આવી હતી.

આ એ સમય હતો જ્યારે લેબનનમાં ગૃહયુદ્ધ ચાલુ હતું. આવા સમયે ઇઝરાયલની સેનાએ દક્ષિણ લેબનન પર કબજો કરી લીધો.

હિઝબુલ્લાહ વર્ષ 1992થી સામાન્ય ચૂંટણીમાં ભાગ લઈ રહ્યું છે. તેણે દેશના રાજકારણમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો છે. સંગઠનની સશસ્ત્ર પાંખે લેબનનમાં ઇઝરાયલ અને અમેરિકન દળો પર ઘાતક હુમલા કર્યા છે.

જ્યારે 2000માં ઇઝરાયલે લેબનનમાંથી પીછેહઠ કરી ત્યારે હિઝબુલ્લાહે પણ તેને બહાર ધકેલવાનું શ્રેય લીધું હતું.

ત્યારથી જ હિઝબુલ્લાહ પાસે દક્ષિણ લેબનનમાં મિસાઇલો અને હજારો લડવૈયા છે. તે વિવાદિત વિસ્તારોમાં ઇઝરાયલની હાજરીને વારંવાર પડકારે છે.

તેને પશ્ચિમી દેશો, ઇઝરાયલ, ખાડીના અરબ દેશો અને અરબ લીગ દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. 2006માં હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થયું હતું.

આની શરૂઆત હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા ઘાતક સીમા પાર હુમલાથી થઈ હતી. સંગઠનના જોખમને દૂર કરવાના પ્રયાસમાં ઇઝરાયલી સૈનિકોએ દક્ષિણ લેબનન પર હુમલાની સાથે જમીન પર હુમલો કર્યો.

જોકે, ઇઝરાયલ હિઝબુલ્લાહને ખતમ કરવામાં નિષ્ફળ રહ્યું હતું.

આ પછી હિઝબુલ્લાહે તેના લડવૈયાની સંખ્યામાં તેજીથી વધારો કરવાનું શરૂ કર્યું છે. આ સાથે તેણે વધુ સારાં હથિયાર પણ મેળવ્યાં છે.

બીબીસી ગુજરાતી

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો.

હિઝબુલ્લાહના નેતા હસન નસરુલ્લાહ કોણ છે?

હિઝબુલ્લાહના નેતા હસન નસરુલ્લાહ કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હસન નસરુલ્લાહ 1992થી આ સંગઠનનું નેતૃત્વ કરી રહ્યા છે

શેખ હસન નસરુલ્લાહ એક શિયા ધર્મગુરુ છે. તેઓ વર્ષ 1992થી આ સંગઠનનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે હિઝબુલ્લાહને એક રાજકીય પક્ષ અને લશ્કરી દળમાં પરિવર્તિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

તેમના ઈરાન અને ત્યાંના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈ સાથે નજીકના સંબંધ છે.

1981માં ઈરાનના પહેલા સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ રુહોલ્લાહ ખુમૈનીએ તેમને લેબનનમાં તેમના અંગત પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા હતા.

જોકે, નસરુલ્લાહ ઘણાં વર્ષોથી જાહેરમાં નથી આવ્યા. તેની પાછળનું કારણ કથિત એ રીતે માનવામાં આવે છે કે તેમને ઇઝરાયલ દ્વારા હત્યાનો ડર લાગે છે. જોકે, તેઓ હિઝબુલ્લાહ માટે ખાસ છે અને દર અઠવાડિયે ટીવી પર ભાષણ આપે છે.

કેટલી મજબૂત છે હિઝબુલ્લાહના સૈન્યની તાકત?

કેટલી મજબુત છે હિઝબુલ્લાહના સેન્યની તાકત?

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, લેબનન નાગરિકો કહે છે કે હિઝબુલ્લાહના હુમલાના જવાબમાં ઇઝરાયલના હુમલાઓ દ્વારા તેમનાં ઘરો નાશ પામ્યાં છે.

હિઝબુલ્લાહ એ વિશ્વનાં સૌથી ભારે સશસ્ત્ર બિન-સરકારી દળોમાંનું એક સૈન્ય છે. ઈરાન તેને ફંડ અને હથિયારો પૂરાં પાડે છે. શેખ હસન નસરુલ્લાહનો દાવો છે કે હિઝબુલ્લાહના એક લાખ લડવૈયા છે. જોકે, સ્વતંત્ર અંદાજ સૂચવે છે કે આ સંખ્યા 20 હજારથી 50 હજારની વચ્ચે છે.

તેમાં તમામ લડવૈયા યુદ્ધ લડવામાં પ્રશિક્ષિત અને કુશળ છે. એવા ઘણા છે જેઓ સીરિયાના ગૃહયુદ્ધમાં લડ્યા છે. સેન્ટર ફૉર સ્ટ્રેટેજિક ઍન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝનો અંદાજ છે કે હિઝબુલ્લાહ પાસે 1.25 લાખથી 2 લાખ રૉકેટ અને મિસાઇલો છે.

તેમની પાસે મોટા ભાગે અનગાઇડેડ નાના સરફેસ-ટુ-સર્ફેસ રૉકેટ હોય છે. આનો અર્થ એ છે કે તે ક્યાં પડશે તે કોઈને ખબર નથી.

પરંતુ એવું પણ માનવામાં આવે છે કે તેમની પાસે ઍન્ટી ઍરક્રાફ્ટ અને ઍન્ટી શિપ મિસાઇલ અને ગાઇડેડ મિસાઇલ છે જે ઇઝરાયલની અંદર જઈને મારવામાં સક્ષમ છે. તેમની પાસે ગાઝાપટ્ટીમાં હાજર હમાસ કરતાં વધુ આધુનિક શસ્ત્રો છે.

શું હિઝબુલ્લાહ ઇઝરાયલ સાથે યુદ્ધ શરૂ કરશે?

શું હિઝબોલ્લાહ ઇઝરાયલ સાથે યુદ્ધ શરૂ કરશે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈઝરાયલના અધિકારીઓનું કહેવું છે કે હિઝબુલ્લાહના હુમલાને કારણે 60 હજાર લોકોએ પોતાનાં ઘર છોડવા પડ્યા છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગયા વર્ષે 7 ઑક્ટોબરે હમાસના ઇઝરાયલ પરના હુમલાના એક દિવસ પછી 8 ઑક્ટોબરે હિઝબુલ્લાએ પેલેસ્ટિનિયન સંગઠન (હમાસ) સાથે એકતામાં ઇઝરાયલનાં ઠેકાણાં પર ગોળીબાર કર્યો હતો.

ત્યારથી હિઝબુલ્લાએ ઉત્તરી ઇઝરાયલ અને ગોલાન હાઇટ્સમાં ઇઝરાયલનાં ઠેકાણાં પર ઘણા રૉકેટ હુમલાઓ કર્યા છે. તેણે બખ્તરબંધ વાહનો પર ટૅન્ક વિરોધી મિસાઇલો પણ છોડી છે અને લશ્કરી ઠેકાણાં પર વિસ્ફોટક ડ્રોન હુમલા કર્યા છે.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ લેબનનમાં હિઝબુલ્લાહની સ્થિતિઓ પર હવાઈ હુમલાઓ અને આર્ટિલરી શેલ વહન કરીને આ હુમલાઓનો જવાબ આપ્યો.

તો સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે આ હુમલાઓને કારણે લેબનનમાં 90 હજાર લોકો તેમનાં ઘર છોડવા મજબૂર થયા છે. ઇઝરાયલી હુમલામાં લગભગ 100 નાગરિકો અને 366 હિઝબુલ્લાહ લડવૈયા મૃત્યુ પામ્યાં છે.

બીજી તરફ ઇઝરાયલના અધિકારીઓનું કહેવું છે કે હિઝબુલ્લાહના હુમલાને કારણે 60 હજાર લોકોને ઘર છોડવું પડ્યું છે અને 10 નાગરિકો સહિત 33 લોકોનાં મોત થયાં છે. આ લડાઈ છતાં નિરીક્ષકો કહે છે કે અત્યાર સુધી બંને પક્ષોએ મોટા પાયે યુદ્ધ લડવાનું ટાળ્યું છે.

પરંતુ એવી ભીતિ છે કે કોઈ જીવલેણ ઘટના પરિસ્થિતિને કાબૂ બહાર કરી શકે છે.

વીડિયો કૅપ્શન, હમાસના ટોચના નેતા ઈસ્માઇલ હાનિયાની ઈરાનમાં હત્યા કેવી રીતે કરાઈ?